Friday, February 22, 2013

મનની વાત





                   

                     આજે આ બ્લોગ પર કોઈ કલ્પના કે સર્જેલી વાર્તા નથી કે નથી કોઈ પત્ર.હમણાં એક અઠવાડિયામાં મારી જિંદગીમાં બનેલી કેટલીક પૂર ઝડપી ઘટનાઓ પૈકી એક ઘટના શેર કરવાનું મન થાય છે. ABCD મુવી જોઈ ને થાકેલી હું (હા, ડાન્સથી જ શરુ થતા અને ડાન્સથી જ અંત આવતા મુવીમાં માત્ર ને માત્ર ડાન્સ છે દરેક અભિવ્યક્તિ ડાન્સ રૂપે જ રજુ થઇ છે અને એટલે જ મુવી વખાણવા યોગ્ય છે.) હજી રવિવારની વિવિધ પૂર્તિ હાથમાં લઇ વાચવા બેસી જ ત્યાં મારી બચપણની મિત્ર, અનેરીએ ફોન પર જે કહ્યું એનાથી એ રવિવારની દિશા જ બદલાય ગઈ. કોઈ એક બુકનું વિમોચન(એ બૂક વિશેની માહિતી અને વિમોચન સમયની વાત નીચેના ફકરામાં આલેખી છે) હતું, નજીકના દિવસોમાં અને એની સાથે, એ જ બુકની ત્રણ વાર્તા ઓડિયો સીડી રૂપે પણ બહાર પાડવાનો વિચાર હતો. આથી એના માટે એક અવાજની જરૂર હતી. હજી સુધી આ પ્રકારનું કોઈ કામ કર્યું નહોતું પણ જ્યાં સાહિત્યને જોડાયેલી વ્યક્તિના સંપર્કમાં આવાની વાત હોય ત્યાં મન આપોઆપ દોડવા લાગે છે. ત્યાં જઈને સૌ પ્રથમ દિલીપ ઘાસવાલાસર તરફથી ખૂબ જ સ્નેહભર્યો આવકાર મળ્યો. રંગમંચમાં પ્રખ્યાત આ નામને માઈક્રોફોનની સામે બોલવામાં શી તકલીફ! પણ આમ છતાં મારી સાથે બોલવાની એ નવલિકાનું રિહર્સલ એમણે ખૂબ સારી રીતે કરાવ્યું. આખી નવલિકાના પઠન દરમિયાન એમનો સાથ અને એમણે શીખવેલી અમુક વાતોથી રેકોર્ડીંગ ખૂબ સરસ રહ્યું, અલબત્ત, પ્રથમવાર માઈક્રોફોને ઝીણી ઝીણી ઉચ્ચારણમાં ભૂલો જરૂર પકડી પાડી હતી.ત્યાં હું બીજા એક વ્યક્તિને મળી. વૈભવ દેસાઈ(બંટીભાઈ). સાચું કહું તો અહી એમના સ્ટુડિયો સુધી આવતા, મનમાં કંઈક નવું કરવાનો અને આગળ કોઈ સારી દિશા ખુલશે એવો વિશ્વાસ કે પછી અતઃસ્ફ્રુણા અનુભવી રહી હતી. વૈભવ દેસાઈ નાટ્ય સાથે સંકળાયેલું એક જાણીતું નામ છે. હા, સફળ નાત્યકારોની હરોળમાં સ્થાન મેળવવાના પ્રયાસો હજી ચાલુ જ છે. આમ છતાં પ્રભાવશાળી અવાજથી લઇને સાહિત્યના જાણીતા દરેક નામો સાથેનો એમનો સંબંધ અચરજ પમાડે એવો છે. આવાં નામાંકિત લોકો વચ્ચે રહીને શીખવા- નવું જાણવા-નો આનંદ શબ્દરૂપે રજુ કરવા હું મથામણ અનુભવી રહી છું.... આ થયો એક તબક્કો.


હવે એ બુકના વિમોચન સમયની વાત કરું તો, ગઈકાલે એટલે 22th feb એ “એક ટહુકો… સમી સાંજનો” બૂકનું વિમોચન હતું. ભગવતીકુમાર શર્માની ઉપસ્થિતિ, પ્રફુલ દેસાઈ દ્વારા આ વાર્તાસંગ્રહનો પરિચય , નાનુભાઈ નાયકની અતિથિવિશેષ તરીકે હાજરી વાતાવરણને કંઈક અલગ જ સુંદરતા આપતી હતી.આ ઉપરાંત, દિલીપ ઘાસવાલા, પ્રીતિબહેન ઘડીયાળી, વૈભવ દેસાઈ અને અમી ઢબુવાલા(હા,,, હું :-) ) દ્વારા કેટલીક ચુનંદા વાર્તાઓનું પઠન થયું હતું. આનંદ એ વાતનો છે કે સાહિત્યની આ દુનિયામાં હું જયારે પા પા પગલી માંડું છું ત્યારે દરેકે દરેક પગલે મને મારું નામ સંભળાય છે અને પ્રમાણિકતાથી કહું તો ખૂબ આનંદ પણ થાય છે. મારું પોતાનું નામ જયારે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા બોલાયેલું હોય ( મારી લાઈફમાં પ્રથમવાર!!!) કે પછી ભારતીબહેન પટેલ, જે આ વર્તાસંગ્રહના લેખિકા છે એમની સ્પીચમાં બોલાયેલું હોય, એક અવર્ણનીય લાગણી અનુભવાય છે. સાહિત્ય માટેના જનક દેસાઈ જેવા ઉત્તમ લોકોના પ્રયાસથી જ “સાહિત્ય સંગમ” માં થતા આવા કાર્યક્રમો અદભુત છે. ભગવતીકુમાર શર્માની એક વાત જે કાલે મને સ્પર્શી ગઈ એનો અર્થ અહી લખવાનું મન થાય છે કે જેને ઉગવાની ઉતાવળ હોઈ છે એ બાવળ થઇને ઉગે છે. કેટલી ઊંડી વાત અને કેટલી સાહજીકતાથી કહી નાખી એમણે!! એમના શબ્દો અને એમનો અભિગમ તથા એમની પોતાની યાત્રાના અમુક અંશો સાંભળવાની તક મળી એ બદલ હું ખરેખર પોતાને ભાગ્યવંત સમજુ છું.આ ઉપરાંત ઉમરના આ તબક્કે પણ એમની સાહિત્યકારો માટેની જીજીવિષા અનેરી છે. આ બધાના એક ભાગરૂપે પોતાને જયારે જોવ છું ત્યારે એક પવિત્રતા અને કંઈક સાર્થક થયાની લાગણી હમેશા અનુભવું છું. બસ, આ જ લાગણી અને મનની વાત આજે અહી બ્લોગ પર લખવાનું મન થયું તો થોડી વાતો અહી રજૂ કરી.યોગ્ય દિશા અને માર્ગદર્શન આપતા લોકો તથા પોતાની અંદર રહેલી પ્રતિભાની જાણ મોડેથી પણ યોગ્ય સમયે કરવાનાર મારું દર્પણ આજે આ મુકામે લઇ આવ્યું છે. દિલથી સૌનો આભાર! 





Sunday, February 17, 2013

....ને સમજાયો પ્રેમ

            
                    “શાળા”-જીવનના અનેક સ્મરણો બનાવવાની એક અદભૂત જગ્યા.જ્યાં બાળપણમાં, જતા પહેલા આંખો વહેતી હોય ને મોટા થયા બાદ, એનાથી દૂર જવાના વિચારમાત્રથી આંખો ભીની થાય.શાળાકાળ એ ખૂબ જ અવિસ્મરણીય સમય છે જે દરેકના જીવનમાં અલગ અલગ સ્મૃતિઓ અને અનુભવોને માનસપટ પર છોડી જાય છે.ભણવાની હરીફાઈ, રમતના પીરિયડમાં આખા દિવસનું રમી લેવાનો જુસ્સો, રીસેસમાં સમોસા ને વડાપાઉં માટે લાગતી લાંબી લાઈન ને એમાં થતી હૂંસાતૂસી, ખાસ કરી ને છોકરાઓમાં, ક્લાસની છોકરીઓ સાથે વાત કરવાની ઈચ્છા છતાં ખોટા વિનયમાં ઝંખનાઓને અંદર જ દબાવવાની કોશિશ બધું જાણે યાદ કરતા આંખસમું તરી આવે.

                   બસ  જ પ્રમાણે "વિદ્યાભવન" શાળાના દરેક વિદ્યાર્થી પોતાના વિકસી રહેલા મનની પીંછી દ્વારા અલગ અલગ ચિત્રો બનાવી રહ્યા હતા.આવા જ કંઇક વહેણમાં અનુપ્રિયાનું મન ખળખળ વહેતું હતું.પોતાની દુનિયામાં મસ્ત, ખુશમિજાજ અને સહેલીઓમાં રચીપચી રહેતી એ,શાળાના દિવસોમાં કહેવાતી હરીફાઈથી ઘણી પાછળ હતી.મન સાફ અને સરળતાથી વિશ્વાસ કરી લેવો,એના સ્વભાવને જોડતી એક કડી હતી. પ્રેમનો અર્થ તો એને મન માતા-પિતા દ્વારા મળતી અપાર લાગણી જ હતી.એના વૃંદાવનમાં એ મન મુકીને વિહરતી! લાંબા કેશને ગુંથીને પાથી પાડેલી બે ચોટલી, કમળની પંખુડી જેવા બે ગાલ અને માછલી જેવી સુંદર આંખો પર જસ્સી જેવા મોટા ચશ્માં! આવા સામાન્ય દેખાવની સુંદરતા અને મોટા ચશ્માં પાછળની આંખના ઊંડાણમાં "કોઈક" એવું હતું જે ધીરે ધીરે ડૂબી રહ્યું હતું. અનુપ્રિયા એ "કોઈકના" આ ઝૂકાવથી તદ્દન અજાણ, શાળાના પગથિયા ચઢતી ને ઉતરતી.એને ક્યાં ખબર હતી કે "કોઈક" એની દરેક ચાલ અને એની દરેક હરકતોને બારીકાઈથી જોઈ, મનમાં પ્રેમના બી વાવી રહ્યું હતું!

                   શાળાના પ્રાથમિક વિભાગમાં પણ પ્રેમ જેવી નાજૂક, પણ ખૂબ જ સમજ માંગી લેતી લાગણીના પા-પા પગલી માંડતો શેમલ અનુપ્રિયા માટે પાગલ હતો.એમ જોવા જઈએ તો, શેમલ અને અનુપ્રિયામાં કશુંય સામાન્ય નોહતું. ટીપીકલ છોકરાના દરેક ગુણમાં શેમલ અવ્વલ હતો.ક્રિકેટ હોય કે અનુપ્રિયા માટે મારપીટ, શાળાના છોકરાઓમાં જે ઝનૂન ને જુસ્સો હોય એ એનામાં ભરપૂર હતા. આમ છતાં, હૃદયનો એક કોમળ ભાગ અનુપ્રિયા તરફ આકર્ષાતો. શાળાના દરેક પીરિયડમાં એ અનુપ્રિયાને જોતો, એના હાવભાવ સાથે પોતાના ચહેરાની રેખા બદલતો, એના હોઠ પરના સ્મિત સાથે અજાણતા જ સ્મિત કરી લેતો! આ પ્રમાણે લાંબો સમય ચાલતું જ રહ્યું હોત જો શાળા દ્વારા લઇ જવામાં આવતા પ્રવાસમાં શેમલ પોતાની લાગણી એના મિત્રો સામે ન મૂકત. પણ, હવે જાણે બાકીના મિત્રોને તો મસ્તીનો એક ટોપિક મળી ગયો!

                   અનુપ્રિયા સુધી આ વાત પોહ્ચતા વાર ન લાગી. શરૂઆતમાં કંઈપણ ન સમજી શકી એટલી નાદાનીયતમાં એ શેમલના આકર્ષણને પારખવા એની નજરમાં પોતાની નજર પરોવવા લાગી.શરૂઆતમાં નફરત અને પછી આદત. એ આદત ક્યારે નિયમમાં ફેરવાઈ એ સમજી ન શકી. માનવીની આ ખૂબી કહીએ કે પછી નબળાઈ! દરેક વસ્તુ માટે આપણે એટલા જલ્દી ટેવાઈ જઈએ છે કે એની ગંભીરતા કે પછી પરિણામ, જ્યાં સુધી આપણને સ્પર્શે નહિ ત્યાં સુધી માત્ર એને ન્યૂઝની હેડલાઈન્સ જ ગણીએ છે. અનુપ્રિયાનું વહેણ દિશા બદલી રહ્યું હતું.રોજ શાળાએ જઈ, તક શોધી એકબીજાની આંખો વાંચવી, થોડું શરમાવું અને સામસામે મળીને થઇ રહેલા ફેરફારો વિષે વાત કરવાના દિવાસ્વપ્નો જોવા એ જાણે એક ક્રમ બની રહ્યો. શેમલની ઘણી ચેષ્ટા એને પોતાના તરફ ખેંચતી તો, ઘણી જાણે અજાણ્યા હોવાનો ભાસ આપતી.આંખોથી શરુ થયેલા, એક પણ વાર વાત કાર્ય વિનાના આ સંબંધમાં વધુ આગળ જવાનો કોઈ અવકાશ ન હતો છતાં અનુપ્રિયા એમાં વધુ ને વધુ ઊંડાઈએ ઉતરતી રહી. 

                   અનુપ્રિયા હમેશા શેમલ સાથે વાત કરવાના સ્વપ્નો સેવતી રહી અને શેમલ એની આંખોમાં જોતો રહ્યો.પરંતુ આ રસ્તાનો કોઈ મુકામ નહોતો.શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કરિયરની દિશામાં શેમાંલે શાળા છોડી અને કઈ પણ કહ્યા વિના નજરનો એ સાથ પણ છોડ્યો.શરૂઆતમાં ડઘાઈ ગયેલી અને વિરહ જીરવી રહેલી અનુપ્રિયા પણ થોડા સમય બાદ, સમય સાથે તાલ મેળવી, કરિયરની હોડમાં ઉતરી ગઈ.બંને એ તનતોડ મહેનત કરી સારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો.પરંતુ અધૂરી પ્રેમકથા હોય કે પછી ભારત-પાકિસ્તાનના પ્રશ્નો, વળી વળીને પાછા ઘા કરવા ફરે જ છે. શેમલે ફરી અનુપ્રિયાની ખોજ કરી.જે વાતો હજી સુધી આંખોથી કહેવાના પ્રયત્નો કરેલા એને કહેવા શબ્દોની પણ ખોજ કરી.અનુપ્રિયા માટેની એની લાગણી, પ્રેમ અને ઝૂકાવ કદાચ સાચા હતા પરંતુ અનુપ્રિયા શેમલ વિનાના એ સમયમાં પ્રેમનું મહત્વ સમજી રહી.આકર્ષણ અને પ્રેમની પાતળી રેખાને એ પારખી શકી. દિવસના મોટેભાગના કલાકો એકબીજા સાથે વાત કરવાથી, આંખોમાં જોવાથી કે પછી I Love You જેવા માત્ર શબ્દો કહેવાથી પ્રેમ વિકસતો નથી.પ્રેમ તો સમજનો પર્યાય છે,એકબીજાના સપના, સ્વભાવ અને લાગણીને સમજી, સ્વીકારવાનું નામ એટલે પ્રેમ!!શાળામાં થતા આકર્ષણને પ્રેમ સમજનારા અને જિંદગીભર એને નિભાવવાના બંધનમાં બંધાય એવા ઘણા યુગલો છે.હા, માત્ર યુગલો. યુગલ અને દંપતી બેવ શબ્દમાં એટલો જ ફરક હોય છે જેટલો શરીર અને આત્મામાં! યુગલો ઘણા હોય છે પણ દંપતી બહુ ઓછા!!

           આખું જીવન એક વ્યક્તિના નામે કરવા અને ગુજારેલા દિવસો માણવા જરૂરી સંવાદો અને સમજનો અભાવ એ શેમલ સાથે અનુભવી રહી. "જ્યાં પોહ્ચાવાની ઝંખના વરસોથી હોય ત્યાં,મન પોહ્ચતા જ પાછું વળે એમ પણ બને" આ જ પંક્તિ મુજબ હમેશા શેમલ સાથેના અનેક સ્વપ્નો જોનારી, એની આંખો દ્વારા કેહવાતી વાતને, રૂબરૂ મળી સાભળવાની ઈચ્છા ધરાવતી અનુપ્રિયાને જયારે શેમલે એ દરેક સ્વપ્નો જીવવા હાથ લંબાવ્યો ત્યારે વિચારવા થોડો સમય માંગી, થોડા મહિના એની સાથે વિતાવી, એને સમજ્યા પછી એ મંજૂરી આપી નહિ શકી.શાળામાં રોપાયેલા એ પ્રેમના બીજ, વટવૃક્ષ બને એ પહેલા જ અનુપ્રિયા એ શેમલને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા. શાળાના દિવસોમાં ફૂટેલા આ પ્રેમના અંકુરો અનુપ્રિયા માટે માત્ર એક આકર્ષણ જ હતું એમ હવે એ બરાબર સમજી ગઈ. પણ છતાં નિષ્ફળ આ પ્રણયનું કારણ શેમલની રૂબરૂ વાત કાર્ય વિના માત્ર આંખોથી વાત કરવાની આદત,અનુપ્રિયાની વાત કરવાની ઈચ્છા છતાં વિનય અને જરૂરી માહિતી વિના શેમલ સાથે વાત ન કરવાનો સ્વભાવ કે પછી બંનેની ઉમર મુજબની અપરિપક્વતાને જવાબદાર ગણાવી શકાય.અનુપ્રિયા એના વહેણને ફરી એકવાર એની યોગ્ય દિશા આપી રહી હતી, પણ શેમલના અસ્તિત્વનો એક હિસ્સો હજી પણ એ જ વળાંક પર ક્યાંક છૂટી ગયો હતો.શાળા દરમિયાનના અનેક ખટમીઠાં પ્રસંગો સાથે, આ એક અજાણતા થયેલી માસુમતા, બંને માટે જીવનભરનો એક બોધપાઠ અને કદી ન ભૂલાય એવી છાપ છોડી ગઈ.

Saturday, February 16, 2013

એક પત્ર....





 ડિયર લાઈફ,

                         હાઉસ યુ ? હળવા સ્મિત સાથે પ્રશ્ન પૂછું છું કારણ કે મારા કરતા વધુ સારી રીતે તું જાણે છે મારી દરેક પરિસ્થિતિ. ખરું ને? તને તો મારી યાદ આવતી નથી એટલે આજે હું તને એક  પત્ર લખું છું.જીવનના ચક્રમાં તો એવી હું વલોવાય છું કે રસ્તા અને મુકામ ક્યાંયે જડતા નથી. અંતે કશુય જડ્યું નહિ તો અહી-તારી પાસે આવાનો વિચાર મનમાં ઉદભવ્યો. તારી ખોજમાં બીજા કેટલાય દિવસો મેં કાઢ્યા અને આજે આખરે તને આમ પત્ર લખવાનો વિચાર અચાનક  પ્રવેશ્યો.

                પાછલા કેટલાક દિવસથી સુખ અને દુખ વચ્ચે ઝોલા ખાતું મન જાણે એક બંધ ઓરડામાં પુરાય  ગયું છે. તને કરેલી બધી પ્રાર્થના પાછી સ્વરૂપે મારી પાસે ફરી આવી રહી છે. બહાર દેખાતી મારી સ્વપ્નસૃષ્ટિ પર વાસ્તવિકતાના જાણે ઓછાયા ખૂબ ઘેરાયા હોય એમ ઘોર અંધકાર સિવાય બીજું ક્યાય કઈ દેખાતું નથી!! સ્વપ્નો કેમ હમેશા તારી વાસ્તવિકતા સાથે લડીને જિવાતા હશે? કેમ તને સમજવી દરેક માટે એક જીવનભરની કસોટી બની રહે છે? ખેર, મારી વાત કરું તો અંધારા ઓરડાની એક બારીમાંથી આછા પ્રકાશને હું અનુભવું છું. તારી અનેક તકલીફો છતાં એમાંથી હળવે હળવે શ્વાસ લઇ રહી છું. મારી સ્વપ્નોની દુનિયાને આછા પ્રકાશમાંથી રોજ જોઈ ને તારી સાથે લડવાની હિંમત ભેગી કરું છું. પણ તુય ક્યાં કશામાં હાર મને છે. સારી રીતે પરોવાયેલા  મોતીય ઘણીવાર વિખુટા પડવા લાગે છે. ખુશીઓની પળોમાં પણ આંખો છલકાય ઉઠે છે. હજી થોડા અજવાળાને જીવનનો સહારો બનાવ્યો ત્યાં વાસ્તવિકતાના બીજાયમ” મારી સામે ધરી દે છે. તારી દરેક વાત આટલી નિષ્ઠુર કેમ હોય છે? અરે, ઘણી વાર તો બધેથી ઘેરાયેલી મારી દુનિયા મારું જ ગળું દાબતી જણાય છે. પણ એક વાત માટે હું તને ખરેખર આભારી છું.જયારે તમામ રસ્તા બંધ થાય છે ત્યારે હમેશા એમાંથી ઉગારી લેવા તારા ચમત્કારો મને અનુભવાય છે. તારા દ્વારા અપાયેલી પળોને તો મારા અંધકારમાં હું હમેશા જીરવી, શાંત થાવ છું.મનની પીંછીથી તારારૂપી કેનવાસ પર માત્ર અંધકારમય ઓરડામાં આશારૂપી કિરણને તાકતી હોવ એવું જ એક ચિત્ર ઉપસે છે.ઉપાય તો ઘણા હોય  છે મારા  સવાલોના તારી પાસે હમેશા પણ કૃષ્ણની ભક્ત તું સદા એના માર્ગે ચાલે છે ને તારી વાતોની દીવાની હું હમેશા યાદ કરું છું વાત કે જો કૃષ્ણ મહાભારતનું યુદ્ધ લડ્યું હોત તો એનો પળવારમાં અંત આવી જાત, કૃષ્ણ તો માત્ર અર્જુનના સારથી હતા. પ્રમાણે તારું કામ તો માત્ર રસ્તો દેખાડવાનું છે. એના પર કઈ રીતે ચાલવું નક્કી કરવાનું કાર્ય મારું છે.તારી વાતો તને લખીને જાણે હું ભુલાયેલી  બધી શીખોને યાદ કરું છું અને સાચે કહું તો તારો આભાર માનું છું.

                અંતે માત્ર આભાર વ્યક્ત કરીશ કે તે હજી સુધી મને ખૂબ સાથ આપ્યો છે. સુખ ને દુઃખનો   પૂલ તે હમેશા સમતુલામાં રાખ્યો છે. બસ, જયારે આમ ભરાઈ ગઈ હોઈશ, અંધારામાં  અટવાઈ ગઈ હોઈશ ત્યારે તને પત્રો લખતી રહીશ અને જેમ આજે તે મને ફરીથી આશાનું કિરણ દેખાડ્યું તેમ ફરીથી દેખાડે એવી વિનંતી સાથે રજા લઉં છું.       
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         
                                                                                                                                                                                     -આત્મા (સોઉલ)

Monday, February 4, 2013

આ તે વળી બ્લોગ એટલે શું?



मदिरालय जाने को घर से 

चलता है पीनेवला, 

'किस पथ से जाऊँ?' 

असमंजस में है वह भोलाभाला, 

अलग-अलग पथ बतलाते सब 

पर मैं यह बतलाता हूँ - 

'राह पकड़ तू एक चला चल, 

पा जाएगा मधुशाला। 

- “मधुशाला” હરિવંશરાય બચ્ચન 



આવી શ્રેષ્ઠ પંક્તિઓથી શરુ થતા આ યુગના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનનો બ્લોગ કદાચ કોઈએ નહિ વાંચ્યો હોય તો આજે જ ગૂગલ પર જઈ ટાઈપ કરો "બ્લોગ ઓફ અમિતાભ બચ્ચન". મને ખાતરી છે કે કોઈક ને કોઈક વાત જે એમાં લખાયેલી છે એને તમે પોતાની સાથે ખુબ સરળતાથી જોડી શકશો. અજબ પ્રકારનું તેજ અને વિચારોનું સ્પષ્ટીકરણ એમના શબ્દો દ્વારા આ બ્લોગમાં ઝરે છે. આ ઉપરાંત ગુજરાતીરસીકો માટે જય વસાવડા , શિશિર રામાવત જેવા આજના "યુવાલેખકો" પણ ગુજરાતીમાં નિયમિત બ્લોગ લખે છે.સ્પોર્ટ્સ બાજુ નજર નાખીએ તો રોહિત નાયર(ક્વીઝ), શુચીસ્મિતા ઉપાધ્યાય (ક્રોસવર્ડ) વગરે પણ બ્લોગ દ્વારા સતત વિચારોને તરતા મૂકે છે.. આમ જોવા જઈએ તો આ ઉપરાંત દરેક ફીલ્ડના જાણીતા અને ચહિતા વ્યક્તિઓ તથા અનેક NGOs બ્લોગ મારફત લોકજાગૃતિ અને વિચારોને લોકો સમક્ષ ખુબ જ સરળતાથી રજૂ કરે છે અને એટલે જ આજે એનું મહત્વ વધી રહ્યું છે.દરેક માનવંતી પર્સનાલીટીના પ્રશંશક એમના બ્લોગ દ્વારા એમને નજીકથી ઓળખવાનો પ્રયાસ કરે છે. એમના દ્વારા લખાયેલી માહિતીમાંથી કંઈક શીખવા, કંઈક જાણવા કે કંઈક લખવા પ્રેરાય છે. જયારે દિનપ્રતિદિન આટલું અગત્યનું અંગ બનવા જઈ રહ્યું છે ત્યારે આ બ્લોગ એ વળી છે શું આખરે? એ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? અને એનો ખરેખરો ઉપયોગ શું? તો ચાલો એક નજર કરીએ ૧૯૯૯ની સાલમાં.

એ પહેલા બ્લોગનો શાબ્દિક અર્થ સમજી લઇએ. બ્લોગ એ એવી એક વેબસાઈટ છે જેના પર વ્યક્તિગત રીતે કે ગ્રુપમાં નિયમિતપણે પોતાના અભિપ્રાયો, વિચારો કે પછી માહિતીની રજૂઆત કરી શકાય.૨૩ ઓગસ્ટ,૧૯૯૯માં ઈવાન વિલિયમ, સૌપ્રથમ બ્લોગને અસ્તિત્વમાં લાવ્યા. પરંતુ હજી થોડા પાછળ જઈએ તો જોહ્ન બર્ગેરએ “વિબ્લોગ ” શબ્દનો પહેલીવાર ૧૯૯૭માં ઉપયોગ કર્યો હતો.જેના પરથી કહી શકાય કે “બ્લોગ” શબ્દ વીણી લેવાયો .૨૦૦૩માં ગૂગલ દ્વારા આ બ્લોગના રાયટ્સ ખરીદી લેવાયા અને એને સ્વરૂપ મળ્યું બ્લોગસ્પોટ.કોમ. પહેલા, બ્લોગમાં ઈમેજને લીંક કરી શકાય એવી સુવિધા પૂરી પાડવામાં આવી અને પછી તો ધીમે ધીમે ટેમપ્લેટસ, પોસ્ટ્સ એટલે કે ઇન્ફોર્મેશન, લેખ કે પછી વ્યક્તિગત વિચારો રજૂ કરી શકાય એવી વિશેષતા ઉમેરાતી ગઈ.લખાયેલી પોસ્ટ પર જે તે વાચક ટીપ્પણી કરે શકે અથવા તો એને “like” કરી શકે એવી ઇન્ટરેકટીવ વિશેષતા આજના આધુનિક બ્લોગમાં જોઈ શકાય છે. જે વ્યક્તિ બ્લોગ લખે છે એને બ્લોગર કહેવાય . બ્લોગ્સ હાલમાં દુનિયાભરની વિવિધ ભાષાઓ માટે ઉપલબ્ધ છે. ભારતમાં ઉપયોગમાં લેવાતી ભાષાઓની જ વાત કરીએ તો હિન્દી, ગુજરાતી , ઈંગ્લીશ, મલયાલમ , મરાઠી , કન્નડા, તેલુગુ , તમિલ , બંગાળી વિગેરે…

૨૦૦૯ પહેલા બ્લોગ્સ કોઈ એક સિંગલ બ્લોગરના યથાર્થ વિષયના વિચારો અને અભિપ્રાયો સુધી સીમિત હતો અને હવે મલ્ટી-ઓથર બ્લોગ્સ(MABs) પણ ડેવેલોપ થયા છે . એમાં એક કરતા વધુ બ્લોગર્સ પોસ્ટ્સ લખી શકે જેથી હવે બ્લોગ્સને પ્રોફેશનલ ટચ મળી રહ્યો છે અને એટલે જ હવે બ્લોગ ટ્રાફિક એટલે કે બ્લોગર્સની સંખ્યામાં અકલ્પ્ય વધારો થઇ રહ્યો છે.બ્લોગમાં આપવામાં આવેલી માહિતી પરથી તેમજ તેને રજૂ કરાયેલી ઢબ અનુસાર પણ બ્લોગના જુદા જુદા વર્ગ પાડવામાં આવ્યા છે . પર્સનલ એટલે કે વ્યક્તિગત બ્લોગ એ ખુબ જ પ્રચલિત અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પ્રકાર છે . એને પર્સનલ ઓનલાઈન ડાયરી કહીએ એમાં કંઈ ખોટું નથી . પર્સનલ બ્લોગ વાતચીતના એક માધ્યમ કરતા આગળ વધી કામમાં સર્જનાત્મક અભિગમ અને ઘણી વાર તો જીવનના પ્રશ્નોના જવાબ પણ સામે ધરી દે છે !!! આવાં કેટલાક બ્લોગ્સ ઘણા પ્રચલિત છે, http://www.invesp.com/blog-rank/india .આ વેબસાઈટ ઇન્ડિયાના કેટલા ટોપ બ્લોગ્સનું લીસ્ટ વિષે થોડો ખ્યાલ મેળવવા મદદરૂપ થશે. ટ્વીટર જેવી અમુક સોસિયલ વેબસાઈટ આવા વ્યતિગત બ્લોગને પ્રોત્સાહન પૂરું પાડે છે અને કેટલાય પ્રખ્યાત નામ ટ્વીટરની આ સુવિધાનો લાભ લઇ પોતાના વિચાર સમાજમાં ફેલાવી રહ્યા છે.(એક તરફથી જોવા જઈએ તો વિચાર સાચા કે ખોટા એ સાપેક્ષ વસ્તુ છે અને જયારે કોઈ રૂઢીવાદી કે પછી કહીએ આતંકી વિચારધારાવાળા બ્લોગર આવાં વિચારોનો ફેલાવો કરે તો એ સમાજ માટે ક્યારેય પડકારરૂપ પણ સાબિત થઇ શકે છે. આવાં ઘણાય કિસ્સા ઈજીપ્ત, મ્યાનમાર અને સિંગાપુરમાં બન્યા છે અને બ્લોગર્સને સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે.).બ્લોગના અન્ય પ્રકારની વાત કરીએ તો માઇક્રોબ્લોગ્ગિંગ એટલે કે ટૂકમાં લખાયેલો લેખ કે જેમાં ટેક્સ્ટ , ચિત્ર , નાની વિડિયો કલીપ કે ઓડિયો કલીપ હોય શકે.કોર્પોરેટ અને ઓર્ગેનાઈઝેશન બ્લોગ તથા મીડિયાના પ્રકાર અનુસાર , સાહિત્ય પ્રમાણે આવાં બીજા અનેક વિભિન્ન ફિલ્ડના બ્લોગ્સ લખવામાં આવી રહ્યા છે. http://indianbloggers.org/ પર અનેક ફિલ્ડ્સ અને એના બ્લોગર્સની સારી એવી માહિતી મૂકેલ છે.

આ તો થઇ બ્લોગર એટલે કે જે તે ઓથર દ્વારા થતી પોસ્ટ્સ. હવે એક બીજી ટર્મ ઉપયોગમાં લેવાઈ રહી છે અને એ છે રીવર્સ બ્લોગ એટલે કે બ્લોગના વાંચકો કે ઉપયોગકર્તા મારફત કરવામાં આવતી પોસ્ટ્સ.જે મુખ્ય બ્લોગની જ લાક્ષણિકતા ધરાવે છે .અહી જુદા જુદા લેખકો પોતાના વિચાર રજૂ કરી શકે તેમજ અમુક લિમીટ સુધી કોઈ પણ સામાન્ય વાચક પોસ્ટ કરી શકે છે.


હાલના સમયમાં બ્લોગ એ વિચારો અને અભિવ્યક્તિને સ્પષ્ટ રીતે રજૂ કરતુ એક ખૂબ જ મજબૂત ટૂલ બની ગયું છે . એન્ડ્રોઈડયુગમાં બ્લોગ્સ હવે મોબઈલમાં પણ એપ તરીકે ઉપયોગ કરી શકાય છે. દરેક વસ્તુના નરસા પાસાંની જેમ મુક્ત રીતે વિચારો ફેલાવતા આ બ્લોગ સામેય ઘણા પડકાર છે પણ વિવેકબુદ્ધિ અને કેટલાક નિયંત્રણો દ્વારા આ ટૂલનો ઉપયોગ ખરેખર માહિતી અને વિચારોના આદાન-પ્રદાન માટે અગત્યનું સાબિત થશે એમાં કોઈ જ બેમત નથી.

પ્રસ્તુત લેખમાં દર્શાવેલ દરેક ફિલ્ડ્સમાની વિશેષ વ્યક્તિ કરતા હું સામાન્ય માનસને વધુ ચઢિયાતો ગણો છું.તો તમે પણ એક સામાન્ય વ્યક્તિ-કોમન મેનની માફક તમારા અનુભવોનો નીચોડ બ્લોગ મારફતે આ ઈ-વહેણમાં તરતો મૂકી શકો છો.આ માટે માત્ર તમારે એક ગૂગલ અકાઉંટ બનાવું પડશે અને જો પહેલેથી તમારું અકાઉંટ હોય તો સીધું જ www.blogspot.com પર જઈ પોતાનો એક બ્લોગ હમણાં જ બનાવી શકો. તમારી ઓનલાઈન ડાયરીની જેમ વર્તતા આ બ્લોગ સાથે ક્યારે હસતા ને ક્યારે દુખી થતા વિચારો ઠાલવતા રહેશો એ કદાચ તમને પણ ખ્યાલ નહિ આવે! Happy blogging !!!

( Google ane wikipedia માંથી)

Sunday, February 3, 2013

હું રોજ એક સ્વપ્ન જોવ છું...


હું રોજ એક સ્વપ્ન જોવ છું,
તારી બાહોની  રજાઈમાંથી સવારને આવકારું છું,
કોયલના ટહુકા સાથે ગરમ ચાહની સુંગંધ માણું છું,
એક હળવા ચુંબન સાથે તને જગાડવા તારી તરફ ખેંચાય આવું છું,
હું રોજ એક સ્વપ્ન જોવ છું,

તારી હરહમેશની મને પાછળથી પકડવાની ટેવ,
ને મારી મીઠો ગુસ્સો કરી પોતાને છોડવાની ચાહ,
ને અંતે તારી બાહુપાશમાં ભરાઈને હળવેથી સવાર જીવી લીધાનો આનંદ,
હું રોજ એક સ્વપ્ન જોવ છું,

મારા નાસ્તા બનાવવાના નિરર્થક પ્રયત્નોની સાથે તારું વિજયી સ્મિત,
છતાં સાથે બેસીને નાસ્તાને એટલા ચાહથી ખાવાની તારી રીત,
વધારતી હંમેશાં તારી ખૂબીઓ આપણાં વચ્ચેની પ્રીત,
હું રોજ એક સ્વપ્નજોવ છું,

ઓફિસ જવા આપણાં બંનેની ભાગદોડ,
ને એમાંય મને અસંખ્ય સૂચનાઓ આપવાની તારી હોડ,
પણ આખરે પ્રેમનું સ્મિત આપી આપણે મૂકતા દોટ,
હું રોજ એક સ્વપ્નજોવ છું,

આખા દિવસના થાક પછી મળતું એક જાદુઈ આલિંગન,
ને વાત કરતા કરતા થતી અનેક સમસ્યાઓનું સમાધાન,
કરી મૂકે છે નિશ્ચિંત અને સુખી મારો દરેક દિશાંત,
હું રોજ એક સ્વપ્નજોવ છું,

આવો કોઈ એક દિવસ નહીં, પણ જીવનના અંતિમ ક્ષણ સુધી તારી સાથે રહેવા માંગું છું,
તારી સાથે પ્રેમ અને ઉષ્માભર્યા સમ્ભંધને નવી જિંદગીના સ્વરૂપમાં જતન કરવા માંગું છું,
નશ્વર દેહ પછીની દુનિયા પણ તારી સાથે ગાળવા માંગું છું,
હું રોજ એક સ્વપ્ન જોવ છું,

પૂછે છે ઘણીવાર મિત્રો સ્વપ્નમાં રચેલી જોઈ મને,
શું થશે પૂરાં સ્વપ્ન તારા અંતે કે કેમ?
સ્મિત સાથે કહું છું ફક્ત એક વાત,
બસ, જીવવા જ,  "હું રોજ એક સ્વપ્ન જોવ છું"

Saturday, February 2, 2013

ને સ્વપ્નો સેવ્યા ઘણાં..

બાળપણમાં તો માત્ર "મોટા" થવાના સ્વપ્નો સેવ્યા ઘણાં,

મોટાઓને જોઈ જલ્દી મોટા થવાના પ્રયત્નો કર્યા ઘણાં,

સમજતા થયા ત્યારે દોરાય ગયા શિક્ષકોના આકર્ષણથી ઘણાં,

ને તેમને જોઈ "શિક્ષક" બનવાના સ્વપ્નો સેવ્યા ઘણાં...

ભણવાની હોડમાં ઉતર્યા જયારે, ત્યારે જોયા હરીફો ઘણાં,

બીજાની સફળતાનો આનંદ જોઈ "એમનામાંના એક" થવાના સ્વપ્નો સેવ્યા ઘણાં...

શાળાના અંતિમ દિવસો આવવા લાગ્યા નિકટ ઘણાં,

ને મનમાં એક શ્રેષ્ઠ "એન્જીનિયર/ડોક્ટર" બનવાના સ્વપ્નો સેવ્યા ઘણાં...

કોલેજમાં પ્રવેશતા જ બદલાયા આસપાસના મિત્રો ઘણાં,

મોજ મસ્તી,રખડપટ્ટી ને ફિલ્મો જોવાના સ્વપ્નો સેવ્યા ઘણાં...

પસાર થવા લાગ્યા દિવસો એ પણ ઝડપથી ઘણાં...

ઊંચા પગાર ને વ્હાઈટ કોલર નોકરીના સ્વપ્નો સેવ્યા ઘણાં...

જીવનના સ્વપ્નોની હાર તો ચાલતી રહી હજી પણ આજના દિવસમાં

ક્યારેક જીવન સાથી તો ક્યારેક વર્લ્ડટૂરના સ્વપ્નો સેવ્યા ઘણાં...

જીવનમાં દરેક તબક્કે થતા રહ્યા સફળતા ને નિષ્ફળતાના અનુભવો ઘણાં,

પણ છતાંય અનેક નવા બદલાતા વિચારો સાથે સ્વપ્નો સેવ્યા ઘણાં...

પણ આખરે સમજાયું એ સ્વપ્નોનું તાત્પર્ય જીવનમાં ઘણું,

એ સ્વપ્નો તો હતા આસપાસના પ્રલોભનોનો પ્રભાવ ઘણો...

આખરે કર્યો એક નિશ્ચય આ સમયનો

ને હવે શ્રેષ્ઠ માનવી બનવાના સ્વપનો સેવવા લાગ્યો ઘણો....