Monday, September 30, 2013

શું અભિયાનથી અભિમાન નાથી શકાશે?



‘મેરા દેશ મહાન’ના નારાથી જોરશોરથી ગૂંજતા આપણા દેશ માટે હાલમાં એક કરૂણ ઘટનાએ આકાર લીધો છે. ઘટના છે ઘરેલું હિંસાની અને સ્થળ છે મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર. આ ઘટનાએ ફરીથી સમાજની માનસિકતા સામે પ્રશ્ન ઊભો કર્યો છે. લગભગ ૮૭% જેટલી બળેલી હાલતમાં ઈન્દોરની ૪૨ વર્ષની યુવતીને એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે અને ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થાય છે. આ પાછળનું કારણ સ્વાભાવિક છે. પતિ પત્ની વચ્ચેનો તણાવ અને અંતે પોતાના અહમને સંતોષવા એક પુરુષની પોતાની જ પત્નીને અગ્નિદાહ આપવાની વિકૃત માનસિકતા! આ વાત વાંચનારને હવે સામાન્ય લાગતી હશે, કારણ કે રોજ આવા સમાચારો તો ન્યૂઝ પેપરમાં છપાતા જ રહે છે અને તેથી જ હવે આપણે તેનાથી ટેવાઈ ગયા છીએ! પણ એકવાર માત્ર એ સ્ત્રીની વેદના અને પરિસ્થિતિ વિશે ઊંડાણપૂર્વક વિચારીએ તો રૂંવાડાં ઊભા થઈ જાય એવી ગંભીર ક્રૂરતાનો ખ્યાલ આવશે. આ ઘટના બાદ જ્યારે ઈન્દોર પોલીસ પાસે ઘરેલું હિંસાના સત્તાવાર નોંધાયેલા કેસો વિશે માહિતી મેળવવામાં આવી તો ખૂબ જ ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા. ઈન્દોરમાં વર્ષ ૨૦૧૨માં ઘરેલું હિંસાના ૪૫૫ જેટલા કેસો નોંધાયા હતા, જ્યારે વર્ષ ૨૦૧૩ના શરૂઆતના ત્રણ જ મહિનામાં ૨૦૦ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ તો સરકારી ચોપડે નોંધાયા એ કેસોની યાદી છે, પણ હજી‘એ તો પતિ છે, મારવાનો એનો અધિકાર છે અને સહન કરવું એ સ્ત્રીની પ્રકૃતિ’ જેવા તદ્દન રૂઢિવાદી વિચારધારાવાળી પીડિતાઓની સંખ્યાથી તો આપણે અજાણ જ છીએ અને જો સમગ્ર ભારત દેશની વાત કરીએ તો લગભગ ૬૮% થી પણ વધુ મહિલાઓ ઘરેલું હિસાનો ભોગ બનતી હોય છે. આ આંકડાઓ જોતાં તો એમ જ થાય કે સ્ત્રીઓને દેવીઓનું બિરૂદ આપનાર આ દેશમાં સ્ત્રીઓની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર થતી જાય છે. 

હિંદુ ધર્મમાં લક્ષ્મી, દુર્ગાઅને સરસ્વતી એમ ત્રણેય દેવીઓનું એકઆગવું મહત્ત્વ છે. તેમના ચહેરાનું તેજ, સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજેલી એમની કાયા તેમના દિવ્ય સ્વરૂપને વધુ પ્રભાવશાળી બનાવે છે, પણ કદી તમે એમના ચહેરા પર મારપીટના જખમો, કાળા ડાઘાઓ કે પછી માનસિક યાતનાઓની ભીતિની કલ્પના કરી છે? આ જ પ્રશ્ન સાથે ‘સેવ ધ ચિલ્ડ્રન ઈન્ડિયા’નામની એક સંસ્થા હેઠળ ઘરેલું હિંસાના આ દૂષણને દૂર કરવા ‘સેવ અવર સિસ્ટર્સ’ નામનીએક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રકારના અભિયાનનો હેતુ સ્પષ્ટ છે. આજે આપણે એવા એક મુકામે આવી ઊભા છીએ જ્યાં કોઈ પણ સ્ત્રી પોતાને સુરક્ષિત નથી અનુભવતી અને દેવીઓને પણ આ પ્રકારે ઘવાયેલી કલ્પી આ અભિયાન હેઠળ પરિસ્થિતિની ગંભીરતાને આલેખાય છે. લોકોમાં અને ખાસ કરીને ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓમાં જાગૃતિ આવે એ હેતુસર સમાજની વિષમતાને ખૂબ જ સર્જનાત્મક રીતે લોકો સમક્ષ મૂકવામાં આવી છે. જ્યારે સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર મહિનાને ‘ડોમેસ્ટિક વાયોલન્સ અવેરનેસ મંથ’ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે વર્ષોથી દેવી સ્વરૂપે પૂજાતીઆ તમામ સ્ત્રીઓની આજની સ્થિતિ પર નજર નાંખીએ ત્યારે ખરેખર સમાજના વિરોધાભાસથી મન વિચલિત થઈ જાય છે. આજે લોકો પૈસા માટે લક્ષ્મી, જ્ઞાન માટે સરસ્વતી અને રક્ષણ મેળવવા દુર્ગાની ભવ્ય પૂજા અર્ચના કરતા હોય છે, પણ જ્યારે ઘરે દીકરીનો જન્મ થાય તો એના સન્માન અને ગરિમાની કોઈ જ દરકાર કરવામાં નથી આવતી. 

ઘરેલું હિંસા શું છે અને એના પરિણામો તથા બાળકો પર થતી એની ગંભીર અસરો વિશે અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે અને આપણે ટીવી પર આપવીતી પણ સાંભળતા હોઈએ છીએ, આથી હવે આ વાતોનું પુનરાવર્તન કરવા કરતાં કઈ રીતે પુરુષોની આ માનસિકતાને જડથી ઊખાડી શકાય એ વિશેના પ્રયત્નો કરવા વધુ અસરકારક નીવડી શકે અને આ જ હેતુથી સમગ્ર વિશ્વમાં અનેક અભિયાનો શરૂ કરાયા છે. લોકો અવનવા ઢબે ઘરેલું હિંસા માટે વિરોધ નોંધાવતા રહે છે. ત્રણ વર્ષ પહેલાં આપણા દેશમાં ડિપાર્ટમેન્ટ ઓફ થિયેટર આર્ટ્સના એક પ્રોફેસર કેથલિન મુલિગને ઘરેલું હિંસાના વિરોધમાં ‘વ્હીલ્સ ફોર વિમેન’ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ઘરેલું હિંસાનો શિકાર બનેલી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના જીવનની નવી શરૂઆત કરી શકે એ માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આવી મહિલાઓને રિક્ષા ચલાવવાની ખાસ તાલીમ આપવામાં આવી હતી અને તેનાંથી થતી કમાણીથી તે આર્થિક સદ્ધરતા મેળવી શકતી હતી. આ ઉપરાંત, તેમના રહેવા માટે કેરળમાં‘સખી શેલ્ટર’ની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

ઘરેલું હિંસા માત્ર પછાત દેશો કે ભારત જેવા એશિયાના વિકાસશીલ દેશો સુધી મર્યાદિત નથી, પરંતુ દુનિયાની મહાસત્તા ગણાતા એવા અમેરિકા અને યુરોપના વિકસિત દેશોમાં પણ આ પ્રકારના બનાવો બનતા રહે છે. હા, પણ ત્યાંના કાયદા અને જોગવાઈઓ સ્ત્રીઓને ન્યાય મળે તેવા હોય છે તથા કાર્યવાહીની ગતિ આપણાં કરતાં ઘણી વધારે હોય છે. બ્રાઝિલની જ વાત કરીએ તો છેલ્લાં કેટલાક સમયથી આ દેશમાં મહિલા પર થતાં ઘરેલું હિંસાના બનાવો અનેકગણાં વધી ગયા હતા. આપણા દેશની જેમ જ ત્યાં પણ સ્ત્રીઓની સુરક્ષા પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયુંહતું, પરંતુ ત્યાંની સરકારે આ દૂષણને દૂર કરવા મોટા પાયા પર કામગીરી શરૂ કરી. વાસ્તવમાં વર્ષ ૧૯૮૩માં એક સ્ત્રીનું તેના જ પતિએ ખૂન કર્યુ હતું અને એનો ચુકાદો આવતા લગભગ બે પૂરા દાયકા જેટલો સમય નીકળી ગયો હતો. જોકે ભારતમાં તો આ પરિસ્થિતિ સામાન્ય છે, પણ બ્રાઝિલની સરકારે આ બનાવને આધારે કાયદાઓમાં યોગ્ય સુધારા કરવાનું નક્કી કર્યું અને તેના ભાગરૂપે વર્ષ ૨૦૦૬માં ઘરેલું હિંસા માટે ‘મારિયા દા પેન્હા લો’નામનો કાયદો બનાવવામાં આવ્યો અને જ્યારે આ કાયદાથી પણ પરિસ્થિતિ પર વધુ નિયંત્રણ ન જણાયું ત્યારે તેમણે બળાત્કાર અને ઘરેલું હિંસાની વ્યાખ્યાને જ વિસ્તારી દીધી, જેથી કરીને ઘરેલું હિંસાને નિયંત્રિત શકાય. કાયદાઓના આ કડક નિયંત્રણોથી બ્રાઝિલની પરિસ્થિતિમાં થોડે ઘણે અંશે સુધારો આવ્યો છે. 

ઘરેલું હિંસાને અટકાવવા કાયદાકીય સહાય અનિવાર્ય છે, પણ ઘરેલું હિંસાથી સ્ત્રી પર થતી માનસિક અને શારીરિક યાતનાઓ પુરુષો અનુભવી શકે તો? આવા જ કંઈક વિચાર સાથે કેનેડાના ટોરેન્ટો શહેરમાં હાલમાં કેટલાક પુરુષોએ એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ‘ડોમેસ્ટિક વાયોલન્સ અવેરનેસ મંથ’ની ઉજવણીના ભાગરૂપે કેનેડાના ટોરેન્ટો શહેરમાં ૨૬મી સપ્ટેમ્બરના રોજ હજારોની સંખ્યામાં પુરુષો રસ્તા પર ઉતર્યા હતા. ના, મીણબત્તી કે પછી હાથમાં ‘જસ્ટિસ ડિલેઈડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ’ના ભારેખમ પોસ્ટરો સાથે નહીં, પણ પગમાં સ્ત્રીઓની ઓળખ સમા સ્ટીલેટોસ અને હાઈ હીલ્સ પહેરીને પુરુષોએ જાહેરમાં દેખાવો કર્યા હતા! કેટલાક લોકોએ તો પગમાં હીલ્સ સાથે સ્ટોકિંગ્સ અને હાથમાં બેગ્સનો પણ ઉપયોગ કર્યો હતો. આ વિરોધમાં ભાગ લેનાર પુરુષો સ્ત્રી પર થતાં અત્યાચારોની આકરા શબ્દોમાં ટીકા કરતા કહે છે કે તેઓ મહિલાઓ પર થતાં શારીરિક અને માનસિક હુમલાઓ પાછળની વ્યથાની કલ્પના પણ નથી કરી શકતા. મહિલાઓ પર થતાં હુમલાઓમાં માત્ર મહિલા જ ભોગ નથી બનતી, પરંતુ એની સાથે જોડાયેલો દરેક પુરુષ પણ એની સાથે થયેલી આ હિંસાનો ભોગ બને છે. સ્ત્રીઓ પર થતાં બળાત્કારોએ માત્ર એક શારીરિક યાતના નથી, પણ એ પુરુષના પાવર, કંટ્રોલ અને હિંસાનું પ્રમાણ છે અને એટલે જ મહિલાઓની સ્થિતિને અનુભવવા કેનેડામાં પુરુષો અને યુવાનોએ સ્ત્રીઓના શૂઝ પહેરવાનું નક્કી કર્યું હતું. સ્ટીલેટોસ અને હાઈ હીલ્સથી પગની એડીમાં આવતા દબાણ અને ઘસારાથી બચવા માટે પુરુષોને ખાસ બેન્ડએઈડ્સ લાવવાની સૂચના પણ આપવામાં આવી હતી! આ પ્રકારના અભિયાનથી એક લાખ ડોલરથી પણ વધુ ફંડ ઊભું કરવામાં આવ્યું હતું.

જો સમાજમાં આપણે એક તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવું હોય તો સ્ત્રી અને પુરુષ બંનેએ એકબીજાની જરૂરિયાતો અને સન્માનની જાળવણી કરવી અનિવાર્ય છે. જો દરેક પુરુષ સ્ત્રી પર થતાં અત્યાચારોને થોડી માત્રામાં પણ અનુભવવા લાગે તો કદાચ ઘણી સમસ્યા દૂર કરી શકાય એમ છે. સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે, આ હકીકતને સમજવાને બદલે પુરુષ સ્ત્રી પર હાવી થતો હોય છે અને એ જ કારણે ઘરેલું હિંસા જન્મ લે છે. જો વિશ્વમાં એક સ્વસ્થ માહોલ સર્જવો હોય તો પુરુષોએ સ્ત્રીની વેદના અને અત્યાચારોથી પીડિત અવોજોહવે સાંભળવા જ રહ્યા.

ગુજરાતમાં કાર્યરત છે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ...

ગુજરાતમાં દરરોજ નોંધાતા ઘરેલું હિંસાના કિસ્સાઓ આપણા ‘ગરવી ગુજરાત’ના અભિમાનને ઘણી મોટી ઠેસ પહોંચાડે એવા છે, પરંતુ પોઝિટિવ બાબત ધ્યાનમાં લઈએ તો ગુજરાતમાં થતી ઘરેલું હિંસાનું પ્રમાણ ઘટાડવા માટે અનેક સંસ્થાઓ અને લોકો સર્વશ્રેષ્ઠ કામગીરી આપી રહ્યા છે. વર્ષ ૧૯૮૧થી ‘અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ’(અવાજ)નામની સ્વૈચ્છિક સંસ્થા ઘરેલું હિંસામાં સપડાયેલી મહિલાઓને સહારો આપી રહી છે. કાયદા તેમજ લાગણીઓના સહારે આ સંસ્થા સ્ત્રીઓને મજબૂત બનાવી અન્યાય સામે અવાજ ઉઠાવવા હિંમત આપે છે. જ્યારે‘સ્વાતિ’ નામની એક સ્વૈછિક સંસ્થાએ કચ્છના લગભગ ૧૭ જેટલા એનજીઓ સાથે મળી ઘરેલું હિંસાને દૂર કરવાના અનેક અભિયાનો હાથ ધર્યા છે. ‘વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ નામના અભિયાન હેઠળ આ સંસ્થા ગુજરાતના પાંચ તાલુકાના ૩૫૦ ગામોની સ્ત્રીઓને ઘરેલું હિંસાનો વિરોધ કરવા પ્રેરણા આપે છે.

1 ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

Friday, September 20, 2013

...અને એક મહિલાએ ટેનિસમાં એક પુરુષને હરાવ્યો



વર્ષ ૧૯૭૩, ૨૦મી સપ્ટેમ્બરના રોજ એક ઘટના બને છે. સ્થળ છે, ટેક્સાસનું હોસ્ટન શહેર. શહેરનું એક ટેનિસ કોર્ટ માનવમેદનીથી ઉભરાઈ રહ્યું છે. કારણ? એક પુરુષ ટેનિસ પ્લેયર અને સ્ત્રી ટેનિસ પ્લેયર વચ્ચે ટેનિસની સૌથી મોટી મેચરમાઈ રહી છે. હાર જીતનું મહત્ત્વ લગભગ પાકિસ્તાન અને ભારતની ક્રિકેટ મેચ જેટલું જ આંકી શકાય. આ પાછળનું કારણ નવાઈ પમાડે એવું છે. વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’નું એક દૃશ્ય તમને યાદ હશે, જેમાં વિમેન હોકી ટીમને ઉતરતી કક્ષાની ગણી પુરુષ હોકી ટીમ સાથે હરીફાઈમાં ઉતારાય છે. ફિલ્મમાં તો આવા દૃશ્યો ભજવાતા રહે છે, પરંતુ જો આવું હકીકતમાં પણ બને તો? હા, ટેક્સાસના હોસ્ટન શહેરમાં જામેલી એ મેદની એક પુરુષના અહંકારને એક સ્ત્રી કઈ રીતે ઘાયલ કરે છે, એ જોવા માટે ઊમટી હતી. 

વાસ્તવમાં બન્યું એવું કે ૫૫ વર્ષના ટેનિસના પ્રથમ ક્રમના એક પુરુષખેલાડી બોબી રિગ્સે સ્ત્રીઓ વિશે પોતાના અભિપ્રાયો જણાવતા કહ્યું હતું કે સ્ત્રીઓ ટેનિસની રમત માટે નીચી કક્ષાની ગણી શકાય. તેઓ રમતના પ્રેશરને સહન કરી શકે એમ નથી. વળી, આ ઉંમરે પણ તેઓ કોઈ પણ સ્ત્રી ખેલાડીને હરાવી શકે એમ છે. આ પ્રકારના સ્ટેટમેન્ટથી આખા મિડિયામાંખળભળાટ મચી ગયો. રિગ્સે ૨૯ વર્ષીય ટેનિસની સ્ટાર ખેલાડી બિલી જિન કિંગને આર્થિક રીતે લાભદાયી ઓફર કરી તેમની સાથે રમવા માટે પ્રલોભનો આપ્યા અને અંતે ‘બેટલ્સ ઓફ સેક્સીસ’થી જાણીતી થયેલી આ ઐતિહાસિક મેચ બે શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે રમાઈ. આ સમગ્ર ઘટનાએ મિડિયાનું ઘણું ધ્યાન દોર્યું હતું અને લગભગ ત્રીસ હજાર લોકોની હાજરી વચ્ચે આ આખી મેચ રમાઈ હતી તથા વિશ્વભરના ૫ કરોડ જેટલાં લોકોએ ઘરબેઠાં ટીવી સ્ક્રીન પર આ મેચ નિહાળી હતી. મેચનું પરિણામ શું આવ્યું એ જાણવા પહેલા બિલીની ટેનિસ સફરવિશે થોડું જાણી લઈએ. 

૨૨મી નવેમ્બર, ૧૯૪૩ના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં લોંગ બીચ શહેરમાં બિલી જિન કિંગનો જન્મ થયો. બાળપણમાં તેઓ સોફ્ટબોલના સ્ટાર પ્લેયર હતા, પરંતુ તેમના માતા પિતાના પ્રોત્સાહનથી તેમણે ટેનિસની રમત પર હાથ અજમાવ્યો. તેઓ રમતગમત ખૂબ જ આગળ વધવા લાગ્યા અને એમને સૌથી પહેલી સફળતા વર્ષ ૧૯૬૧ની વિમ્બેલ્ડન ટુર્નામેન્ટમાં મળી. માત્ર સત્તર વર્ષની વયે કિંગે વિમેન્સ ડબલ ટાઈટલ જીતી લીધું હતું. ત્યારપછી કિંગે કદી પાછળ વળીને જોયુંનથી. તેમણે લગભગ ૨૦ જેટલાંવિમ્બલ્ડન સિંગ્લ્સ, ડબલ્સ અને મિક્સ ટાઈટલ્સ જીત્યા હતા. આ ઉપરાંત તેમણે ૧૨ જેટલાગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ અને ૨૭ ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઈટલ પણ પોતાના નામે કર્યાં હતા. વર્ષ ૧૯૭૧માં તેઓ પહેલા સ્ત્રી ખેલાડી બન્યા હતા, જેને એક સિંગલ સિઝનમાં એક લાખ ડોલર કરતા વધુ પ્રાઈઝ મની મળી હતી. 

રમત ઉપરાંત જાતીય ભેદભાવો દૂર કરવા માટે પણ કિંગે ઘણું કાર્ય કર્યું હતું. તેમણેપુરુષ અને સ્ત્રી ખેલાડીને મળતા અલગ અલગ પ્રાઈઝ મની માટે પરિવર્તન લાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા અને તેના ભાગરૂપે વર્ષ ૧૯૭૩માં યુ.એસ. ઓપન એ પહેલી સૌથી મોટી ટુર્નામેન્ટ હતી, જેમાં સ્ત્રી અને પુરુષખેલાડીઓને ઈનામની સરખી રકમ ચૂકવવામાં આવી હતી. વર્ષ ૧૯૭૨માં તેઓ સૌ પ્રથમ સ્ત્રી ખેલાડી બન્યા, જેને ‘સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૭૨ સુધીમાં એક મહિલા ખેલાડી તરીકે કિંગનું નામ ટેનિસની રમતમાં ઘણું પ્રખ્યાત થઈ ચૂક્યું હતું અને એવામાં રિગ્સે મહિલાઓના અપમાન સમી ટિપ્પણી કરી અને તેના એક માત્ર દાવેદાર તરીકેકિંગની પસંદગી કરવામાં આવી. 

આખરે ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૭૩ના એ ઐતિહાસિક દિવસે કિંગે ટેક્સાસના હોસ્ટન શહેરમાં આવેલા ટેનિસ કોર્ટના ક્લિયોપેટ્રા સ્ટાઈલના પ્રવેશદ્વારમાંથી પ્રાચીન સમયના ગુલામ જેવા વસ્ત્રો પહેરેલા પુરૂષો સાથે પ્રવેશ કર્યો, જ્યારે રિગ્સે સ્ત્રીઓ દ્વારા ખેંચાતી રિક્ષામાં પ્રવેશ મેળવ્યો હતો. રસાકસીથી ભરપૂર અને કરોડો લોકોની હાજરી વચ્ચે રમાયેલી એ મેચમાં આખરે કિંગે ત્રણ સીધા સેટમાં ૬-૪, ૬-૩, ૬-૩થીરિગ્સને હરાવ્યા અને એક નવો જ વિક્રમ સર્જ્યો. આ સફળતાથી તેમણે મહિલાઓની રમતગમત ક્ષેત્રમાં માત્ર કાયદાકીય રીતે નહીં, પરંતુ દરેક સામાન્ય હકો મેળવવા માટેના રસ્તાઓ પણ ખુલ્લા કરી નાખ્યા હતા. 

આ સાથે જ કિંગ વિમેન્સ ટેનિસ એસોસિએશનના પહેલા પ્રેસિડન્ટ પણ બન્યા હતા. કિંગે રમતગમતમાં મહિલાઓને આગળ લાવવા એક સ્પોર્ટ્સ ફાઉન્ડેશન તથા સ્ત્રીઓ માટેના એક મેગેઝિન અને એક ટેનિસ લીગની શરૂઆત પણ કરી હતી. સ્પોર્ટ્સ ઉપરાંત તેમણે એઈડ્ઝ અને સજાતીય આકર્ષણ ધરાવતા લોકોના સહારે આવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ‘મધર ઓફ મોડર્ન સ્પોર્ટ્સ’ તરીકે જાણીતા થયેલા કિંગે ૩૯ જેટલા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ સાથે નિવૃત્તિ લીધી હતી. અલબત્ત, તેઓ કોચ, કમેન્ટેટર તથા મહિલાઓની સ્પોર્ટ્સ તથા અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ થાય એ માટેના વકીલ તરીકે ફરજ બજાવતા હતા. ટેનિસના એક દિગ્ગજ ખેલાડી જોહન મેક્કેનરોએ કિંગને ‘મહિલા સ્પોર્ટ્સના ઈતિહાસમાં એકમાત્ર મહત્ત્વની વ્યક્તિ’ કહીને સંબોધ્યા હતા. 

સ્પોર્ટસ જગતમાં ઘટેલી આ ઐતિહાસિક ઘટનાને આજે જ્યારે ૪૦ જેટલા વર્ષ પૂરાં થવા આવ્યા છે, ત્યારે હાલમાં એક વ્યક્તિએરિગ્સ અને કિંગ વચ્ચે રમાયેલી આ મેચ ફિક્સ હોવાનો દાવો કર્યો છે. રિગ્સને માફિયાઓ તરફથી મળતી ધમકીના કારણે અને પોતાનું દેવું માફ કરાવવા તે આ મેચ હારી ગયો હોવાની વાતે મિડિયામાં જોર પકડ્યું છે. કિંગની આ અદભુત જીત બાદ એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા કિંગે કહ્યું હતું કે,“ઘણા બધા લોકો, ખાસ કરીને પુરૂષોને સ્ત્રીઓની સફળતા પસંદ નથી. તેઓ આ માટે જાતજાતની વાર્તાઓ બનાવે છે. તેઓ સતત આ વિશે વિચારતા રહે છે. તેમના અહંકારને લીધે આ હકીકત સ્વીકારવી તેમને માટે ખૂબ જ કઠિન બની જાય છે.” 

વર્ષ ૧૯૯૫ની ૨૫, ઓક્ટોબરે રિગ્સનું ૭૭ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના અવસાનના માત્ર એક મહિના પહેલા જ તેમણે કહ્યું હતું કે, “લોકો કહે છે કે હું નશામાં હતો, પરંતુ હકીકતમાં તો બિલી જિને મને એકદમ સીધી અને સાચી રીતે હરાવ્યો હતો. મેં મારા બનતા બધાં જ પ્રયાસો કર્યાં હતા, આમ છતાં મેં પોતાનીશક્તિને વધુ પડતી આંકવાની અને કિંગની શક્તિને ઓછી આંકવાની સૌથી મોટી ભૂલ કરી હતી.” 

વર્ષોથી આ જ પ્રમાણે સ્ત્રી અને પુરૂષોના અહંકાર એકબીજા સાથે ટકરાતા આવ્યા છે. એકબીજાની શક્તિઓને માપવા તથા પોતાને વધુ શક્તિશાળી પુરવાર કરવાની હોડ સમગ્ર વિશ્વમાં પ્રાચીન કાળથી ચાલી આવી છે. ઘણીવાર સ્ત્રીએ પોતાની શક્તિઓને પુરવાર પણ કરી છે. આમ છતાં, હજી પણ પુરૂષોની માનસિકતા સંપૂર્ણપણે બદલી શકાઈ નથી. સ્ત્રી અને પુરુષ એકબીજાના હરીફ નહીં, પરંતુ પૂરક છે, એ હકીકત જો સ્વીકારી લેવામાં આવે તો કદાચ ઘણી સમસ્યાઓનું નિવારણ આવી શકે છે. 



બેટલ્સ ઓફ સેક્સીસ 

આ સત્યઘટનાને આધારે હાલમાં જ ૨૬મી જૂન, ૨૦૧૩ના રોજ ‘બેટલ્સ ઓફ સેક્સીસ’ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી, જેમાં ૪૦ વર્ષ પહેલાની એ ઐતિહાસિક મેચના અમુક દૃશ્યો ફિલ્માવાયા હતા. જેમ્સ એર્સ્કિના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં કિંગ અને રિગ્સના ફૂટેજીસ લેવામાં આવ્યા છે. ૮૩ મિનિટ લાંબી આ ફિલ્મે લોકોને ફરી એ જ ઘટનાની સ્મૃતિ કરાવી હતી.






૧૭મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.



Tuesday, September 17, 2013

કલામને પાયલોટ બનવું હતું, પણ...


                                                     
       
ડો.એ.પી.જે. અબ્દુલ કલામના નામથી લગભગ દરેક યુવાન પરિચિત હશે. હકીકતમાં તેઓ એકમાત્ર 'યુવા' છે, જેને આજના યુવાનો પોતાના આદર્શ માનીને યુવાપેઢીનાપંથદર્શકનું બિરુદ રાજીખુશીથી આપે છે. અબ્દુલ કલામના બોલાયેલા શબ્દો કદાચ યુવાપેઢી માટે હંમેશાંથી ખૂબ જ માનવંતા અને આવકારદાયી રહ્યા છે. માત્ર યુવાનો જ નહીં, હવે તો શાળમાં ભણતા ટાબરિયાઓથી લઈને આજે દેશની આવી કપરી સ્થિતિ વિશે મહત્ત્વની ચિંતા વિચારણા કરનારા ચિંતકો પાસે પણ અબ્દુલ કલામને પૂછવા અનેક સવાલો હોય છે. રામેશ્વરમના એક સામાન્ય પરિવારમાં જન્મ લઈ, દેશના રાષ્ટ્રપતિ, ઉપરાંત વિજ્ઞાન ક્ષેત્રે અદ્વિતીય સફળતાઓ મેળવનાર અબ્દુલ કલામના અત્યાર સુધીમાં અનેક પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. વર્ષ ૧૯૯૯માં તેમણે વિંગ્સ ઓફ ફાયર( ગુજરાતીમાં 'અગનપંખ')નામની પોતાની ઓટોબાયોગ્રાફી લખી, જે અનેક યુવાનો માટે માર્ગદર્શક નીવડી. એક લાખ જેટલા વિદ્યાર્થીઓને મળવાના હેતુથી સાયન્ટિફિક એડવાઈઝર જેવા મહત્ત્વના પદ પરથી રાજીનામુ આપનાર અબ્દુલ કલામ ફરી એકવાર પોતાની જિંદગીના અવનવા કિસ્સાઓને વધુ ઊંડાણપૂર્વક રજૂ કરી રહ્યા છે. આ માટે તેમણે હાલમાં જ પોતાની બીજી આત્મકથા 'માય જર્નીઃ ટ્રાન્સફોર્મિંગ ડ્રીમ્સ ઈન્ટુ એક્શન' પુસ્તક સ્વરૂપે લોકો સમક્ષ ખુલ્લી મૂકી છે.

અગનપંખમાં વાગોળાયેલા એમના બચપણના સંસ્મરણો અને સ્વપ્નાઓમાં શ્વાસ પૂરનાર શિક્ષકો વિશે આ પુસ્તકમાં વધુ ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જીવનના મહત્ત્વના તબક્કે તેમને મળેલી નિષ્ફળતાને પણ ખૂબ જ પ્રામાણિકપણે આલેખી છે. જીવનમાં દરેક વ્યક્તિએ એકવાર તો કદી પૂરી ન થાય એવી અંધારી ગુફાનો સામનો કરવો જ પડતો હોય છે, પરંતુ આશાના એક કિરણ સાથેકઈ રીતે એ અંધારી ગુફામાંથીબહાર નીકળવું એ આ પુસ્તકમાં ખૂબ જ આકર્ષક રીતે વર્ણવાયું છે. અબ્દુલ કલામના અન્ય પુસ્તકોની જેમ આ પુસ્તક પણ યુવાપેઢીને જીવનમાં આગળ વધવા માટે અનેકગણી પ્રેરણા આપે છે. અલબત્ત, આ પુસ્તકમાં વર્ણવાયેલી વાતો વધુ સ્પષ્ટ, રસપ્રદ, વર્ણનાત્મક અને ગહન વિચાર માગી લે તેવી છે. સમગ્ર જીવનમાં અનુભવેલા કિસ્સાઓમાંથી તેમણે કાઢેલા નિચોડને આ પુસ્તકમાં અલગ અલગ પ્રકરણોમાં સમાવવામાં આવ્યા છે. ૧૪૭ પાના ધરાવતા આ પુસ્તકમાં ડો. કલામે બોટ બનાવતા એમના પિતાને નિહાળતા થયેલા અનુભવો, આઠ વર્ષની ઉંમરે ન્યુઝ પેપર વેચવાની સાથે એક વર્ષ કરેલી આકરી મહેનત અને એ સાથે જ ધર્મને લગતા થયેલા અનુભવોની ખૂબ બારીકાઈથી વાતો કરી છે.

આ પુસ્તકના 'વેન આઈ ફેઈલ્ડ' પ્રકરણમાં તે પોતાને મળેલી નિષ્ફળતાઓમાંથી કઈ રીતે બહાર આવ્યા તેનું ખૂબ જ જીવંત વર્ણન કર્યું છે: "મારા ઉતાર ચઢાવથી ભરેલા જીવનમાં મેં ઘણી સફળતાઓનો સ્વાદ ચાખ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણા દેશને આગળ કરવામાં અને તેના વિકાસમાં હું સહભાગી બન્યો છું. દેશના મહત્ત્વના હોદ્દા પર બેસવાની મને તક મળી છે. મેં ઘણી સિદ્ધિઓ મારી પોતાની કાર્યક્ષમતાથી હાંસલ કરી છે, તો કેટલીક મારા બુદ્ધિશાળી સાથીમિત્રોની મદદથી! આમ છતાં, હું માનું છું કે જેમણે જીવનમાં નિષ્ફળતાનો કડવો ઘૂંટ પીધો નહીં હોય, તેઓ સફળ થવા માટેની જ્વલંત મનોકામના સેવી શકતા નથી. મેં જીવનમાં સિક્કાની બંને બાજુ જોઈ છે અને નિષ્ફળતાના કપરા સમયમાં મેં જિંદગીના ઘણા મહત્ત્વના પાઠો પણ શીખ્યા છે."

મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમ.આઈ.ટી)માં તેમના પ્રોફેસર શ્રીનિવાસન સાથેનો કિસ્સો આપણે સૌ જાણીએ છીએ. ટૂંકમાં વર્ણવીએ તો કલામને પ્રોત્સાહન આપવાના હેતુથી એમના શિક્ષકશ્રીનિવાસને કલામે બનાવેલી એર ક્રાફ્ટના ડિઝાઈનની આકરા શબ્દોમાં ટીકા કરી, તેમને એક નિશ્ચિત સમયગાળામાં એ ડિઝાઈન ફરી બનાવવાનું અશક્ય કાર્ય સોપ્યું. શિક્ષકે કહેલા નિરાશાજનક શબ્દોથી આઘાત પામેલા કલામે એ અશક્ય કાર્યને ખૂબ જ બખૂબીથી પાર પાડ્યું. પોતાના શિક્ષક તરફથી મળેલા નિરાશાજનક અભિપ્રાયોને ખંતપૂર્વક વળગેલા રહી કઈ રીતે તેમણે એ નિષ્ફળતાને સફળતામાં બદલી એનું ખૂબ જ રસપ્રદ વર્ણન આ પુસ્તકમાં કરાયું છે. વળી, આ સમગ્ર ઘટનામાંથી તેમણે કાઢેલા નિષ્કર્ષ વિશે વાત કરીએ તો કલામ અનુસાર, "એ દિવસે હું બે પાઠ શીખ્યો. એક, જે શિક્ષકોના મનમાં પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિ માટેના વિચારો હોય તેઓ તેમના સૌથી ઉત્તમ મિત્ર બની રહે છે અને બીજો પાઠ એ કે કાર્ય પૂરું કરવાની અશક્ય સમયમર્યાદા જેવું કશું પણ હોતું જ નથી."

એમ.આઈ.ટી.માંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે બચપણથી પાયલોટ બનવાના સેવેલા સ્વપ્નને અંતિમ ઓપ આપવાના કિસ્સાનું વર્ણન કર્યું છે. દેહરાદૂનમાં એર ફોર્સ સિલેકશન બોર્ડમાં ઇન્ટરવ્યુ આપી, એરફોર્સમાં જોડાવાના સ્વપ્ન વિશે જણાવતા તેઓ કહે છે કે,"તમિલનાડુથી દહેરાદૂન સુધીની મારી સફર ખૂબ લાંબી હતી. હું પહેલા દિલ્હીમાં રોકાયો અને ત્યાં ડાઈરેક્ટોરેટ ઓફ ટેકનિકલ ડેવલોપમેન્ટ એન્ડ પ્રોડક્શનમાં ઈન્ટરવ્યુ આપ્યો. મારામાં પૂરતો આત્મવિશ્વાસ હતો અને ઈન્ટરવ્યુ પણ સરળ હતો. મારે મારા જ્ઞાન માટેની સીમાઓને વધુ ઊંડાઈએ લઈ જવાની જરૂર ન પડી હતી. એક અઠવાડિયા માટે દિલ્હીમાં રોકાઈને હું દહેરાદૂન ગયો અને ત્યાં એર ફોર્સ સિલેકશન બોર્ડમાં ઈન્ટરવ્યુ આપ્યો. ઈન્ટરવ્યુ આપીને આવ્યા બાદ મને ખ્યાલ આવ્યો કે ડિગ્રી અને એન્જિનિયરિંગના જ્ઞાનની સાથે એર ફોર્સમાં તેઓ એક ખાસ પ્રકારની 'સ્માર્ટનેસ' પણ ઝંખતા હોય છે. મેં મારો સર્વશ્રેષ્ઠ દેખાવ આપ્યો હતો. હું ખૂબ લાંબા સમય અને અંતરમનથી આ નોકરી કરવા ઈચ્છતો હતો. અલબત્ત, હું થોડો આતુર, કોન્ફિડન્ટ અને ચિંતાતુર પણ હતો. આખરે પરિણામ જાહેર થયું અને હું ૨૫ જણની બેચમાં ૯મા સ્થાને આવ્યો હતો, જ્યારે માત્ર આઠ વ્યક્તિઓ માટે જ જગ્યા ઉપલબ્ધ હતી. એર ફોર્સ પાયલોટ બનવાના મારા સ્વપ્નમાં હું નિષ્ફળ નીવડ્યો હતો." વર્ષોથી સેવેલા સપનાને આમ તૂટતા જોઈ તેઓ ખૂબ જ ભાંગી ગયા હતા અને તેથી જ તેમણે ઋષિકેશ જવાનો નિશ્ચય કર્યો. ઋષિકેશ જઈ તેમણે અનુભવેલી નવી તાજગી અને પોતાની નિષ્ફળતાને કઈ રીતે સફળતામાં રૂપાંતર કરી દેશ અને દુનિયામાં ખ્યાતિ મેળવી એનું વર્ણન વાંચવા તો આ પુસ્તક અચૂકપણે વાંચવું જ જોઈએ.
 
પુસ્તકના સારાંશ રૂપે કલામ કહે છે કે "એક બાળક પર પ્રેમની વર્ષા કરવામાં આવી, સ્ટ્રગલ, વધુ સ્ટ્રગલ, કડવા આંસુઓ, પછી મીઠા આંસુઓ અને અંતે પૂર્ણ ચંદ્રની જેમ જીવનને પણ સુંદર અને સાર્થક થતા જોવાનો આનંદ! હું આશા રાખું કે આ કિસ્સાઓ મારા વાચકોને તેમના સ્વપ્નાઓને સમજવા અને આ સ્વપ્નોને સાર્થક કરવા હંમેશાં જાગ્રત રાખી શકે."

હંમેશાં જીવનમાં સપનાઓને મહત્ત્વ આપનાર ડો.એ.પી.જે. અબ્દુલ કલામે આ પુસ્તકમાં પણ સ્વપ્નોને જ મહત્ત્વ આપ્યું છે. જીવનમાં સપનાઓને જોવાથી માંડીને કઈ રીતે સાર્થક કરવા એને પોતાના જ અંગત અનુભવો સાથે સાંકળી, તેમણે એક અદભુત સફરનું વર્ણન કર્યું છે. આજના યુવાનોમાં કરિયરને લગતી જે ગૂંચવણ હોય છે, તેને ઉકેલવા તથા જીવનમાં ધ્યેય બનાવવા પણ આ પુસ્તક એક પ્રેરણા પુરવાર થઈ શકે છે. 

ડો.કલામનાપ્રિય પુસ્તકો: 


  • લાઈટ ફ્રોમ મેની લેમ્પ્સ: આ પુસ્તકમાં ઘણા લેખકોની પ્રેરણાત્મક કથાઓ આલેખાયેલી છે.  
  • થિરૂક્કુરલ: ૨૦૦૦ વર્ષ પહેલા થિરૂવલ્લુવરે લખેલા આ પુસ્તકમાં ૧,૩૩૦ જેટલી રિધમિક                     કાવ્યકણિકાનો સમાવેશ થાય છે.
  • એલેક્સિસ કેરેલનું  ‘મેન ધ અનનોન: આ પુસ્તકમાં માનવશરીરના બંધારણને ખૂબ જ                       બૃદ્ધિમત્તાથી વર્ણવવામાં આવ્યુ છે.  
  • ગીતા 
  • કુરાન 


    17મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.



Sunday, September 15, 2013

અફઘાનિસ્તાનમાં મોતને ભટેલી જાંબાઝ ભારતીય યુવતીની દિલધડક દાસ્તાન


વર્ષ ૧૯૯૧માં 'નોટ વિધાઉટ માય ડોટર' નામની એક ફિલ્મ રિલીઝ થાય છે અને પહેલા જ અઠવાડિયામાં એ ફિલ્મ પ્રત્યેક અમેરિકના હૃદયમાં વસી જાય છે. જો કે હોલિવૂડની ફિલ્મોમાં સાયન્સ ફિક્શન, સાયકોલોજીકલ થ્રીલર અને સુપરમેનોની અસંખ્ય શ્રેણી ઉપરાંત, માનવીઓની લાગણીઓને સહજતાથી કંડારતી ફિલ્મો આંગળીના વેઢે ગણી ન શકાય એટલી છે, પરંતુ આ ફિલ્મનો વિષય કંઇક ખાસ હતો. મૂળ ઈરાનના રહેવાસી પણ વર્ષોથી અમેરિકામાં સ્થિત એક પુરૂષ સાથે એક અમેરિકન સ્ત્રી લગ્નગ્રંથિમાં જોડાય છે. ત્યારબાદ તે પોતાના પતિ અને નાનકડી બાળકી સાથે બે અઠવાડિયાના ટૂંકા ગાળા માટે ઈરાન જાય છે અને ત્યાં તેને નજરકેદ કરવામાં આવે છે. પોતાના પતિ દ્વારા જ વિશ્વાસઘાત પામેલી અને નાની બાળકી સાથે આ સમગ્ર બંધનમાંથી મુક્ત થવા તે કેટલે હદ સુધીના પ્રયત્નો કરે છે, તેનું દિલધડક આલેખન એ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. 

આજે અચાનક આ ફિલ્મને યાદ કરવાનું કારણ આ કથા કરતા વધુ ચોંકાવનારુ છે. ભારતના કલકત્તા રાજ્યમાં જન્મેલી અને એક અફઘાન બિઝ્નેઝમેન જાનબાઝ ખાન સાથે પરણેલી સુષ્મિતા બેનરજીની અફઘાનિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વાસ્તવમાં વાત એમ છે કે સુષ્મિતા બેનરજી નાટ્યાત્મક રીતે અફઘાનિસ્તાનમાંથી ભાગી છૂટી હતી અને વર્ષ ૧૯૯૫માં તેમણે પોતાના આ અનુભવોની આખી કથા એક પુસ્તક ‘અ કાબુલીવાલાઝ બેંગાલી વાઈફ’સ્વરૂપે લોકો સમક્ષ મૂકી હતી, જે બેસ્ટ સેલર રહી હતી. કેટલાક લોકો હંમેશાં 'ખતરો કે ખિલાડી' ટેગને સાર્થક કરવા જીવનમાં અવનવા પ્રયોગો કરતા રહે છે અને સુષ્મિતા બેનરજી પણ તેમાંની એક હતી. મહામહેનતે અફઘાનિસ્તાનમાંથી ભાગી નીકળેલા સુષ્મિતા થોડા સમય પહેલા ફરી પોતાના પતિ સાથે રહેવા અફઘાનિસ્તાન પાછી ફરી હતી. અફઘાનિસ્તાનમાં સુષ્મિતા સયેદ કમલા તરીકે ઓળખાતી અને હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતી હતી. આ ઉપરાંત તે અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓની કફોડી હાલતને દુનિયા સમક્ષ લાવવા માટે પણ પ્રયત્નશીલ હતી. 

અફઘાનિસ્તાનની સ્થિતિ આપણા સૌથી અજાણ નથી. ત્યાં સ્ત્રીઓની પ્રાણી કરતા પણ ખરાબ હાલત હોય છે એ હકીકતથી પણ આપણે માહિતગાર છીએ અને હવે અફઘાનિસ્તાનનો વધુ એક લોહીથી રંગાયેલો બનાવ બહાર આવ્યો છે. અફઘાનિસ્તાનમાં પોતાના પતિ સાથે સ્થાયી થયેલી સુષ્મિતાના ઘરે તાલિબાન ઉગ્રવાદીઓ આવી પહોંચે છે અને તેના પતિ તથા પરિવારના અન્ય સભ્યોને બાંધી, સુષ્મિતાને ઘરની બહાર લઇ જવામાં આવે છે અને ત્યાં જ એની ગોળી મારી હત્યા કરી દેવાય છે. આ વાત કોઈ પાંચ દસ વર્ષ પહેલાના અફઘાનિસ્તાનમાં બનેલી હત્યાની નથી, આ કિસ્સો વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર માસનો, ગત સપ્તાહનો જ છે!

સુષ્મિતાના જીવનની સફર અત્યંત કઠોર અને પરિશ્રમી રહી હતી, જે તેણે લખેલા પોતાના પુસ્તકમાંથી ખૂબ સારી રીતેપ્રતિબિંબિત થાય છે. આ ઉપરાંત તેમણે એક મેગેઝિનમાં પોતાના જીવનના એ દિવસોને યાદ કરી, કેટલીક અદભુત વાતો આલેખી હતી. વર્ષ ૧૯૮૯માં પહેલીવાર સુષ્મિતા અફઘાનિસ્તાન ગઈ ત્યારે એક હિંદુ માટે ત્યાંની મુસ્લિમ સ્ત્રીઓની જેમ જીવન ગુજારવું ખૂબ કઠિન હતું. એક સ્ત્રી તરીકે ત્યાં એકલવાયુ જીવન જીવવું પડતુ અને ઘરની બહાર ન જવું તથા પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરૂષ સાથે વાત ન કરવી જેવા અનેક પ્રતિબંધો તેના પર લાદવામાં આવતા. જ્યારે કોઈ સ્ત્રી પોતાના બચપણના સુંદર ‘મહેલ’ને છોડી, એક અજાણી દુનિયામાં પ્રવેશે છે ત્યારે તેનો પતિ જ સૌથી મોટો સહારો હોય છે. અહીં પણ સુષ્મિતા તેના પતિ સાથે અફઘાનિસ્તાન તો પહોંચી, પણ થોડા જ દિવસોમાં તેના પતિ જાનબાઝ ખાન બિઝનેસ અર્થે ફરી ભારત આવવાનું થયું અને સુષ્મિતાના જીવનની રેખા પલટાઈ ગઈ.વળી, બીજી બાજુ જાનબાઝ ફરી અફઘાનિસ્તાન આવી ન શકે એવી પરિસ્થિતિ સર્જાઈ. અલબત્ત, વર્ષ ૧૯૯૩ સુધી પરિસ્થિતિ હજી પણ સહન કરી શકાય એવી હતી, પરંતુ ત્યારબાદ તાલિબાન સત્તા પર આવતાપરિસ્થિતિ ખૂબ વણસી ગઈ. તાલિબાનોને સુષ્મિતાની ડિસ્પેન્સરી વિશે જાણ થતાં જ તેના ઘરે પહોંચી, તેમને ધમકાવવામાં આવી અને કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા. હંમેશાં બુરખામાં રહેવું, રેડિયો ન સાંભળવો, બજારમાંએકલા ન જવું તથા પોતાના પતિ વિના ઘરની બહાર પગ ન મુકવો જેવા અનેક બંધનો તેના પર લાદવામાં આવ્યા. વળી, દરેક સ્ત્રીએ પોતાના ડાબા હાથ પર તેમના પતિના નામનુંછૂંદણું ગોફાવવું ફરજિયાત હતું. તે પોતાના અફઘાનિસ્તાનના કપરા સમયને યાદ કરી, અનેક કિસ્સાઓ વાગોળતા એક ઘટનાનું વર્ણન કરે છેઃ એકવાર મૌલવી એક સ્ત્રીના કહેવાથી તેના બિછાને પડેલા પુત્રની સારવાર કરવા તેના ઘરે ગયા હતા. તાલિબાનોને જાણ થતાં જ, એ સ્ત્રી અને મૌલવી બંનેને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના પછી આખા ગામમાં આતંક ફેલાયો હતો. તાલિબાનો ગામમાં ગમે તે સમયે આવે અને ત્યારે તેમના ખાવા-પીવાથી લઈને બીજી અનેક સુવિધા ગામના લોકોએ કરવાની રહેતી. તાલિબાનો૫૦ની ટુકડીમાં આવતા. સુષ્મિતાએ પણ લગભગ ૫૦ જેટલા પ્રસંગે આ તાલિબાનો માટે જમવાનુ બનાવ્યું હતું. લગભગ દરેક વ્યક્તિના ઘરે હથિયાર રહેતા અને એ જ ત્યાંની ગંભીર સ્થિતિનું ચિત્ર તાદૃશ કરતુંહતું.

આ તમામ પરિસ્થિતિથી છૂટકારો મેળવવા વર્ષ ૧૯૯૪માં સુષ્મિતાએ અફઘાનિસ્તાનમાંથી ભાગવાનું નક્કી કર્યું. એકવીસમી સદીમાં જ્યારે આપણે ચંદ્ર પર રહેવા જવાના સ્વપ્નાઓ સેવતા હોઈએ છીએ ત્યારે અફઘાનિસ્તાનના લોકો આ જ ચંદ્રને જોઈને દિવસોનો અંદાજ લગાવતા હોય છે! કારણ કે ત્યાંના પછાત વિસ્તારોમાં કેલેન્ડરનો પણ ઉપયોગ કરવાની પરવાનગી ન હતી. અફઘાનિસ્તાનમાંથી ભાગી નીકળવા સુષ્મિતાએ તેના પડોશીઓનો સહારો લીધો. તેના પડોશીએ સુષ્મિતાના પતિ હોવાનો ડોળ કરી તેને પાકિસ્તાન સુધી પહોંચાડી, પરંતુ તેમની પાસે પાસપોર્ટ ન હોવાથી ઈસ્લામાબાદનું ઈન્ડિયન હાઈ કમિશન તેમને મદદરૂપ થઈ ન શક્યું. એ દરમિયાન જાનબાઝના પરિવારે સુષ્મિતાને સંપર્ક કર્યો અને તેમનેપાછાભારત મોકલવાની ખાતરી સાથે ફરી અફઘાનિસ્તાનમાં લઈ જવામાં આવ્યા, પરંતુ સુષ્મિતાને ભારત મોકલવાને બદલે એના પર વધુ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. તેમને ‘અનૈતિક સ્ત્રી’ ગણવામાં આવી. આ ઉપરાંત નજરકેદ કરી, તાલિબાનો થકી તેમને વધુ ધમકાવવામાં આવી. હવે સુષ્મિતા જાણતી હતી કે અફઘાનિસ્તાનમાંથી તેણે ભાગવું જ પડશે. ફરી હિંમત કરી તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો અને કાબૂલ નજીક પકડાઈ ગઈ. પંદર તાલિબાનોની ટીમે તેને પકડી અને તેમાંના કેટલાકે તેને મારી નાખવાનું પણ સૂચવ્યું. આમ છતાં, તે એક ભારતીય છે અને પોતાના દેશ પાછા ફરવાનો તેને હક છે એવું સુષ્મિતાએ તાલિબાનોને સમજાવ્યું. તાલિબાનોએ પણ તેની આખી રાત પૂછપરછ કરી. બીજા દિવસે તેને ભારતીય દૂતાવાસમાં મોકલવામાં આવી અને અંતે તે ભારત પહોંચી હતી. કલકત્તા પહોંચીને તે તેના પતિને મળી અને પોતાના પર વીતેલી આ યાતનાઓ વિશે તેણે લખવાનું નક્કી કર્યું હતું.

ભૂતકાળમાં આટલી યાતના વેઠી હોવા છતાં તે ફરી પાછી અફઘાનિસ્તાન જવા કેમ તૈયાર થઈતેવો પ્રશ્ન કદાચ થાયશા માટે તેણે આમ જીવનું જોખમ લીધું હશે? હા, કદાચ રેશનલી વિચારીએ તો આ પગલું ખોટું જ લાગે, પરંતુ ઘણીવાર વસ્તુને સાચી કે ખોટીના ત્રાજવામાં તોલવા કરતા માનવતાના દ્રષ્ટિકોણથી માપવી જોઈએ. શું ક્રૂરપણે કરવામાં આવેલી તેમની હત્યા વાજબી છે? શા માટે હજી પણ સ્ત્રીઓએ સમાજના અનેક બંધનોમાં જકડાઈને બેસી રહેવું પડે છે? આજની ઝડપથી થતી પ્રગતિમાં દુનિયાનો એક છેડો પ્રગતિ માટે હરણફાળ ભરી રહ્યો છે, જ્યારે બીજો એક છેડો હજી પણ રૂઢિચુસ્તતાના બંધનોમાં વધુને વધુ મજબૂતાઈથી ભીંસાતો જાય છે. એક સ્ત્રી, જેણે પોતાની પીડાદાયક કથા પુસ્તકના પાના પર ઉતારી અને સમગ્ર ભારતના લોકોએ પણ તેને સહર્ષ સ્વીકારી, તો હવે શા માટે તેમના મૃત્યુની, હત્યાની વ્યથા માત્ર એક સમાચારની બાબત બનીને રહી ગઈ છે? કયા વિશ્વમાં આપણે જીવી રહ્યા છે અને કઈ પ્રગતિને હોંશભેર ઊજવી રહ્યા છે? સવાલોથી ઘેરાયેલા રણપ્રદેશમાં જ્યારે મુસાફરી કરીએ ત્યારે ઝાંઝવાના જળની જેમ માત્ર જવાબો મળ્યાનો આભાસ થતો હોય છે, વાસ્તવમાં આ સવાલો માત્ર સવાલો જ બની રહે છે અને આવી ઘટનાઓ ૨૪ કલાક ચાલતી ન્યૂઝ ચેનલો માટે એક 'મેટર' બનીને જ રહી જતી હોય છે.

૧૦મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે. 

Friday, September 6, 2013

મહિલા પોલીસ: કલ, આજ ઔર કલ


વર્ષ ૧૯૯૪માં રિલીઝ થયેલી ફિલ્મ'તેજસ્વિની' માં આપણે એક દમદાર સ્ત્રી પોલીસ ઓફિસર તરીકે વિજયા શાંતિની ભૂમિકાને ખૂબ વધાવી હતી. આજે આ ફિલ્મને લગભગ વીસ જેટલા વર્ષ થયા પરંતુ દુ:ખની વાત એ છે કે આપણા દેશમાં હજી પણ સ્ત્રી પોલીસ ઓફિસરોની સંખ્યા ઘણી જૂજ છે. સ્ત્રીના અનેક રૂપો આપણે આખી જિંદગી અનુભવીએ છીએ અને માણતા રહીએ છીએ, પરંતુ એ સાથે જ એની મમતા અને લાગણીશીલ સ્વભાવને કારણે, આપણે એની સાહસિકતા અને હિંમતને પ્રાચીનકાળથી અવગણતા આવ્યા છીએ! આજે જ્યારે બળાત્કારોની સંખ્યા પ્રતિદિન વધતી જાય છે ત્યારે સ્ત્રી પર થયેલા શારીરિક બળાત્કાર કરતા, કેસની કાર્યવાહી દરમિયાન થતા માનસિક બળાત્કાર વધુ પીડાદાયક હોય છે. આપણા દેશમાં સ્ત્રી પોલીસ ઓફિસરો કે જજની સંખ્યા ઘણી ઓછી હોવાથી દેશમાં આટઆટલા બળાત્કાર થવા છતાં ન્યાય પ્રણાલીની સમગ્ર કાર્યવાહીમાં કેટલાય એવા કિસ્સાઓ અને ઘટનાઓ ઘટે છે, જેનાથી હવે પીડિતો ફરિયાદ નોંધાવતા અચકાય છે.

આંધ્રપ્રદેશની ઇન્સ્પેકટરજનરલ ઓફ પોલીસ (આઈજી) અંજના સિન્હા સ્ત્રીઓની ભૂતકાળમાં પોલીસમાં ભરતી અને આજના સમયની સ્થિતિ વિશે ઘણા રિસર્ચ પછી કેટલીક માહિતી પ્રકાશમાં લાવ્યા છે. 'ક્રાઈમ અગેન્સ્ટ વુમન'ના જોરશોરથી ચાલતા આંદોલનમાં આપણે પોલીસ ઓફિસરોમાં ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યાને કઈ રીતે અવગણી શકીએ?જો ભૂતકાળના થોડા ચોપડા ફંફોસીએ તો વર્ષ ૧૯૭૦માં ખાખી વર્દી પહેરેલીપહેલી મહિલા નજરે ચઢશે. કિરણ બેદી જેવા પ્રભાવશાળી આઈપીએસ ઓફિસરે સ્ત્રીને એક નવી વ્યાખ્યા અને ઓળખાણ આપી. આ મહિલાની અત્યંત પ્રભાવશાળી કારકિર્દી જોઈ ૧૯૭૦ના દાયકામાં ઘણી સ્ત્રીઓએ પોલીસમાં ભરતી થવા માટે અરજી કરી હતી, પરંતુ જેમ જેમ ઉદ્યોગીકરણ થતું ગયું તેમ તેમ સમાજમાં સ્ત્રી એક એક તબક્કે પીસાતી ગઈ. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના એક સરવે પ્રમાણે વર્ષ ૨૦૧૦માં સમગ્ર ભારતનીજુદી જુદી પોલીસ સેવાઓમાં માત્ર ૩૦,૦૦૦ જેટલી જ સ્ત્રીઓ ફરજ બજાવતી હતી. યુએનના આ સંબંધિત એક સરવેમાં એશિયાના ૧૩ દેશો પૈકી સૌથી ઓછી મહિલા પોલીસ કર્મચારી ભારતમાં જોવા મળે છે! છેલ્લા કેટલાક વર્ષોમાંપોલીસસેવામાંસ્ત્રીઓ અને પુરુષોને અલગ જ દરજ્જો આપવામાં આવ્યો છે. બંનેને એક સમાન ગણવા કરતા 'સ્ત્રીઓની વિરુદ્ધ પુરુષો' એવું વલણ દાખવવામાં આવે છે. સ્ત્રીઓ હંમેશાં આ વ્યવસાયમાં ઊંચા દરજ્જાને લાયક હોવા છતાં એ પદથી વંચિત જ રહી છે. આથી જ કેટલાક મહત્ત્વના અને પડકારરૂપ કાર્યોમાં તેને ઊંચા હોદ્દાથીદૂર રાખવામાં આવે છે. 

વર્ષ ૨૦૦૫થી ૨૦૧૦ સુધીમાં આંધ્રપ્રદેશમાં મહિલા પોલીસની જગ્યા ખાલી રહી હતી, કારણ કે ભરતી માટે પૂરતા પ્રમાણમાંસ્ત્રીઓએ ઉત્સાહ બતાવ્યો ન હતો. તો વળી, વસ્તી પ્રમાણે ભરતી માટેની સંખ્યાયોગ્ય ન હોવાથી રાજસ્થાન, હરિયાણા અને આસામ જેવા રાજ્યોમાંમહિલાપોલીસ માટે ભરતી થઇ શકી ન હતી.આ ઉપરાંત, પોલીસમાં દાખલ ન થવા માટેના સ્ત્રીઓના બીજા કેટલાક કારણો પણ જવાબદાર ગણાવી શકાય. સ્ત્રીઓ પણ પુરુષો જેટલ જ સશક્ત હોવા છતાં ભરતીની ભેદભાવભરી પ્રક્રિયા, સામાજિક મૂલ્યો, પસંદગી માટેની પ્રક્રિયા અને ભરતીની પોલિસી જેવા અનેક પરિબળો સ્ત્રીઓની સંખ્યા પોલીસોમાં હંમેશાં નીચી રાખે છે. વળી, કેટલીક શારીરિક કસોટીઓ સ્ત્રી રમતવીરો માટે જ રાખી હોવા છતાં તેમાંથી દરેક સ્ત્રી ઉમેદવારને પાસ થવું પડતું હોવાથી સ્ત્રીઓની પસંદગી જૂજ બને છે.

વર્ષ ૨૦૦૭ના કોમનવેલ્થ યુમન રાઈટ્સ ઇનિશિયેટિવના અંતર્ગત થયેલા એક સરવેમાં ઘણી ચોંકાવનારી બાબત બહાર આવી હતી. સ્ત્રીઓ હવે પોલીસમાં પોતાની કારકિર્દી ઘડવા તૈયાર હોતી નથી, કારણ કે તેમને પોલીસની નોકરી વિશેની સાચી માહિતી જ હોતી નથી. વળી, કેટલીક સ્ત્રીઓને પરિવારમાંથી રોકવામાં આવે છે તો કેટલીક સ્ત્રીઓ મીડિયાએ ઉપજાવેલા પોલીસના ચિત્રોથી સહેમીને પોલીસમાં નોકરી લેવાનું ટાળે છે અને જો કેટલીક જૂજ સ્ત્રીઓ પોલીસની વર્દીમાં દેખાવા પણ લાગે તો એમની આપવીતી રૂંવાટા ખડા કરી દે એ પ્રકારની હોય છે. રક્ષક એવા પુરૂષ કર્મચારીઓ તરફથી જ ભેદભાવ, જાતીય સતામણી અથવા ધાકધમકીઓનાં ભોગ સ્ત્રીઓએ બનવું પડતું હોય છે. વળી, સ્ત્રીઓને ઊંચા દરજ્જા પર પહોંચવા જ ન દેવાતા, પોલીસમાં ભરતી થયેલી સ્ત્રીઓ કોઈ આદર્શ મહિલા ઓફિસર કે પછી મહિલામેન્ટરની મદદ લઈનેય પ્રગતિ સાધી શકતી નથી.અને આ જ કારણોસર પોલીસદળ છોડીને જનાર સ્ત્રીઓની સંખ્યામાં હવે ઘણો વધારો થયો છે. ઘરની જવાબદારીઓ અને પારિવારિક સંબંધોને મહત્ત્વ આપનાર સ્ત્રીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓને અવગણે છે. આથી સમાજની વિચારસરણીને એકવાર તોડવાની હિંમત દાખવનાર સ્ત્રીઓને પણ પોલીસમાં જોડાયા પછી નિરાશાજનક વાતાવરણ, ઉચ્ચ અધિકારીઓ તરફથી થતી સતામણી અને જાતિવિષયક ફરિયાદોનો સામનો કરવો પડે છે.

બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ડેટા પ્રમાણે વર્ષ ૨૦૧૧માં સમગ્ર ભારતમાં માત્ર ૪૪૨ જેટલા સ્ત્રી પોલીસ સ્ટેશન ઉપલબ્ધ હતા, જેમાં તમિલનાડુમાં ૧૯૬, ઉત્તરપ્રદેશમાં ૭૧, આંધ્રપ્રદેશમાં ૩૨, ગુજરાતમાં ૩૧, રાજસ્થાનમાં ૨૪, પંજાબમાં ૫, છત્તીસગઢમાં ૪ અને હરિયાણામાં માત્ર ૨ જ મહિલા પોલીસ સ્ટેશન ઉપલબ્ધ છે. તમને જાણીને નવાઈ લાગશે કે હજી ૧૩ રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો તો એવા છે જ્યાં હજી પણ એક પણ મહિલા પોલીસ સ્ટેશન બંધાયું નથી. વળી, આપણી રાજધાની દિલ્હી કે જયાં, રોજ બળાત્કાર કે પછી જાતીય સતામણીના એક કરતા વધુ કેસો નોંધાતા હોય છે ત્યાં પણ એકેય મહિલા પોલીસ સ્ટેશન ઉપલબ્ધ નથી! દિલ્હીમાં ૮૨,૦૦૦ પોલીસ અધિકારો પૈકી મહિલા પોલીસ અધિકારીઓ માત્ર ૫,૨૦૦ જ છે.

તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં પ્રથમ મહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના થઇ છે. આ પ્રકારની પહેલથી દેશના તમામ લોકોને અને ખાસ કરીને અરુણાચલ પ્રદેશના લોકોને સ્ત્રીઓની વધુ સારી સલામતી અને રક્ષણ માટેનો સંદેશો પહોંચે એ જરૂરી છે. દિલ્હીમાં થયેલા બહુ ચર્ચિત દામિની બળાત્કાર પ્રકરણ બાદ અહીં સ્થાનિક પોલીસેમહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના માટે અરજી કરી હતી અને જે મંજૂર થતા રાજ્યને માત્ર મહિલા કર્મચારીવાળુંપહેલુંપોલીસ સ્ટેશન મળ્યું!

૨7મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Wednesday, September 4, 2013

એ.આર.રહેમાનના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાથેનો એક્સક્લુસિવ ઈન્ટરવ્યુ


આજે, પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન છે, ત્યારે એક મ્યુઝિક ચેનલ પર કોક સ્ટુડિયો નામના કાર્યક્રમમાં ગુરુ-શિષ્યની એક નવી જ જુગલબંધી યોજવામાં આવી હતી. આ ગુરુ એટલે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન, જેમને એમ તો કોઈ પરિચયની આવશ્કતા નથી, આમ છતાં એક ગુરુ તરીકે ઓળખ આપીએ તો એ.આર.રહેમાન, હરિહરન, સોનુ નિગમ અને શિલ્પા રાવ જેવા અનેક ઉત્તમ સંગીતકારો એમના શિષ્યો રહી ચુક્યા છે.આ કાર્યક્રમમાં એ.આર.રહેમાન અને ઉસ્તાદ ગુલામ મુસ્તફાના અન્ય ચાર પુત્રો તથા એક પૌત્રએ એક અદભુત સંગીતમય સંધ્યાનું સર્જન કર્યું હતું.અલ્લાહની દુઆ છે કે મારા દરેક શિષ્યો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. આ શબ્દો રામપુર-સહસ્વાન-ગ્વાલિયર જેવા પ્રતિષ્ઠિત ઘરાનામાં જન્મેલા અને ૮૨ વર્ષની વયે પણ સંગીતની ઉત્તમ આરાધના કરનાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના છે. સંગીત પ્રત્યેના અદ્ધિતીય લગાવ અને યોગદાન બદલ તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવી સર્વશ્રેષ્ઠ પદવીઓથી નવાજવામાં આવ્યા છે. જુનિયર તાનસેનનું બિરુદ મેળવનાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાને માત્ર આપણા દેશમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણી નામના મેળવી છે. તેમણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ પોતાનું અદભુત પ્રદાન આપ્યું છે. આવા ઉત્તમ સંગીતકાર સાથે ઈ-મેઈલથી થયેલી કેટલીક વાતચીતના અંશો અહીં રજૂ કર્યા છે:

ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિશિયન તરીકેઅત્યાર સુધીની તમારી સફર કેવી રહી?
જે વ્યક્તિએ એની જિંદગીના પહેલા શ્વાસથી લઈને હજી સુધી માત્રસંગીતથી શ્વાસ લીધો હોય, તે વ્યક્તિની સ્વાભાવિક રીતે જ એક સંગીતકાર તરીકેની આખી સફર ખૂબ રસપ્રદ, સુંદર અને એજ્યુકેશનલ રહી છે એમ નિઃશંકપણે કહીશકો. હું માનું છું કે સંગીત એ હંમેશાં આત્માનો ખોરાક છે. વળી, પ્રસિદ્ધ રામપુર-સહસ્વાન-ગ્વાલિયર ઘરાનાના એક શાસ્ત્રીય મ્યુઝિશિયન તરીકે મ્યુઝિકલ પરફોર્મન્સ અને તેની તાલીમ આપવી એને હું મારી હંમેશાં મારી એક ફરજ સમજુ છું. 
    
સંગીતની સાધનામાં ઊંડે સુધી જવા માટે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેટલું લાભદાયી હતું?
મહાન સંગીતકારોથી સમૃદ્ધ એવા સાંસ્કૃતિક પરિવાર માટે કોઈને પણ ગર્વ થઇ આવે. સ્વાભાવિક રીતે જ  સર્વશ્રેષ્ઠ સંગીતકારો કે જેમને હું નાનપણથી સાંભળું છું અને જેમની પાસેથી જ મેં સંગીતની તાલીમ લીધી છે, તેમણે મને સંગીત ક્ષેત્રે આગળ વધવા ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મારે ઘરની બહાર સંગીતની તાલીમ લેવા કશે પણ જવું પડ્યું નથી. મારા ઘરે જ સંગીતનો એક અગાધ દરિયો ભર્યો પડ્યો હતો.

તમે સંગીતને કઈ રીતે વ્યાખ્યાયિત કરો?
મારા માટે સંગીત એ આરાધના છે. પ્રત્યેક વ્યક્તિ સંગીતને આધ્યાત્મિક ગણે છે અને હું પણ તેમાં સંમત છું, પરંતુ હું માનવ શરીરને હંમેશાં ગાત્ર વીણા તરીકે કલ્પું છું. જો ઈન્સ્ટ્રુમેન્ટ આધ્યાત્મિક હોય તો તેમાંથી નીકળતો ધ્વનિ સ્વાભાવિક રીતે આધ્યાત્મિક જ હોય છે.

તમે સંગીતને જીવન સાથે કઈ રીતે સાંકળો છો?
હું માનવ શરીરને સ્વર તથા આત્માને લય સાથે સાંકળું છું.

આટલી મોટી ઉંમરે પણ સંગીત કઈ રીતે તમને જીવંત રાખે છે?
હું માનું છું કે સંગીત એ મેડિટેશન માટેનું ઉત્તમ માધ્યમ છે. શુદ્ધતાથી ગવાયેલું સંગીત જો શ્રોતાઓને આનંદ અને શાંતિ આપી શકે તો સંગીતકારોને પણ તે એટલી જ શાતા આપે છે. મારા માટે સંગીત વિના જીવનની કલ્પના અશક્ય છે. સંગીત જ જીવન છે અને જીવન જ સંગીત છે.

સંગીતની અદભુત સફરની શરૂઆત કરવા સામાન્ય માણસે શું કરવું જોઈએ?
અલ્લાહની ઈચ્છાથી જીવનની શરૂઆત થાય છે. એક સંગીતકારની રચના પણ તેની જ ઇચ્છાથી થાય છે. એક બહુ જૂની કહેવત છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ અને હું પણ એ જ પ્રમાણે દિવસના ૧૪થી ૧૬ કલાકો સુધી સતત રિયાઝ કરતો હતો. માણસે હંમેશાં અલ્લાહના શરણે થઇ જવું જોઈએ. તમારો અલ્લાહ તમારી સામે જ બેઠો હોય અને તમને સંગીત માટેના આશિષ આપતો હોય એ પ્રમાણે પ્રેક્ટિસ કરવી જોઈએ.

આજની બોલિવૂડ ફિલ્મોના સંગીત વિશે તમે શું માનો છો?
સંગીત એ સંગીત છે અને સંગીત એ એક યુનિવર્સલ ભાષા છે. હું સંગીતનો એક શ્રેષ્ઠ વિદ્યાર્થી છું. હું હંમેશાં કોઈ પણ સંગીતને સાંભળ્યા પછી તેમાં રહેલી સારપને વધુ પ્રાધાન્ય આપુ છું.

શાસ્ત્રીય સંગીતને યુવાનોમાં કઈ રીતે વધુ પ્રચલિત બનાવી શકાય?
આમારા પૂર્વજો દરબારી સંગીતકારો હતા તથા તેઓ રાજાઓ અને નવાબોના ગુરુ હતા. તેમને રાજાઓ તથા નવાબો તરફથી હંમેશાં ઉત્તેજન મળતું. જ્યારે આજે શાસ્ત્રીય સંગીતને યુવાનોમાં પ્રચલિત કરવા માટે આપણી સરકારે પહેલ કરવી જોઈએ. ૨૪ કલાક પ્રસારિત થતી ઇન્ડિયન મ્યુઝિક ચેનલની શરૂઆત કરવી જોઈએ. વળી, શાળાકીય અભ્યાસક્રમમાં પણ સંગીતનો સમાવેશ કરવો જોઈએ.

જીવનના અલગ અલગ તબક્કામાં સંગીત કઈ રીતે મહત્ત્વનું છે?
સંગીત માનસિક શાંતિ આપે છે. તે મન પર ચિંતનાત્મક અસર છોડી જાય છે. સવારના શાંત વાતાવરણમાં તાનપુરાનો નાદ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. સંગીતનો ઉપયોગ મેડિકલ થેરાપી તરીકે કરવામાં આવી રહ્યો છે અને એ પ્રયોગ વાસ્તવમાં સફળ પણ નીવડ્યો છે.

તમે તમારી સફળતાને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો?
હું આજની તારીખમાં પણ રોજ કંઇકને કંઇક નવું શીખતો રહું છું અને હું માનું છું કે મારે હજી ઘણું મેળવવાનું બાકી છે.

તમારી શ્રેષ્ઠ ગુરુદક્ષિણા શું હોઈ શકે?
અમારા પૂર્વર્જોએ ઘણા શિષ્યોને પોતાના ઘરે રાખી, સંગીત વિદ્યા આપી છે. પહેલાના સમયમાં ગુરુઓ શિષ્યોને તેમના ઘરે પોતાના બાળકોની જેમ જ રાખતા અને તેમના જરૂરિયાતની મૂળભૂત વસ્તુઓ જેવી કે ખોરાક, કપડાં, આશ્રય અને આ બધાથી ઉત્તમ, સંગીત વિદ્યા પૂરી પાડતાહતા. હું વર્ષ ૧૯૬૨થી મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં રહું છું અને મુંબઈ જ મારી કર્મભૂમિ છે. હું ઉત્તમ શિષ્યોને સંગીતની તાલીમ આપવા ઈચ્છું અને એ માટે મહારાષ્ટ્ર સરકાર પાસે એક જમીનની માગણી પણ કરી છે. એ જમીન પર હું માત્ર મુંબઈ કે મહારાષ્ટ્રના નહીં, વિશ્વભરના તમામ સંગીત ઈચ્છુક વ્યક્તિઓને આ વિદ્યા આપવા માગુ છું.

કોઈ પણ વિદ્યાર્થીને તાલીમ આપતા પહેલા તમે એનામાં કયો ગુણ જુઓ છો?
મારા દરેક શિષ્યને તાલીમ આપતા પહેલા હું તેના સંગીત પ્રત્યેના આત્મસમર્પણનું બારીકાઈથી અવલોકન કરું છું.

આજના યુવામિત્રોને શું સંદેશો આપવા માગો છો?
યુવાનો માટે માત્ર એક જ સંદેશો હું આપવા માગુ છું, હંમેશાં તમારા માતા-પિતાને, વડીલોને, ગુરુને તથા આપણા દેશને પ્રેમ અને આદર આપો.

તમારો પ્રિય રાગ કયો છે? શા માટે?
હું સંગીતને ખૂબ પૂજું છું, આમ છતાં આપણા રાગો સમય અને ઋતુને આધારિત હોવાથી મારા રાગોની પસંદગી બદલાતી રહે છે.

સંગીતમાં રિયાઝનું શું મહત્ત્વ છે?
રિયાઝ સંગીતમાં અત્યંત આવશ્યક છે. રિયાઝ્થી પરફોર્મન્સ સરળ અને ઉત્તમ બને છે.

કોક સ્ટુડિયોમાં તમારા શિષ્ય એ.આર.રહેમાન સાથેનો અનુભવ કેવો રહ્યો?
મેં અને રહેમાને પહેલી વખત જ કોક સ્ટુડિયોનો અનુભવ લીધો. એ આખો અનુભવ ખૂબ સુંદર હતો. એ ઉત્તમ સમય હતો કારણ કે મેં ત્રણ જનરેશનના કોન્સેપ્ટની મદદથી મારા પાંચ પુત્ર જેમાં મારો શિષ્ય રહેમાન, મુરતુઝા મુસ્તફા, કાદિર મુસ્તફા, રબ્બાની મુસ્તફા, હસન મુસ્તફા અને આ ઉપરાંત મારા તેર વર્ષના ખૂબ હોશિયાર પૌત્ર ફૈઝ મુસ્તફાની સાથે શ્રેષ્ઠ સંગીત આપવાનો પ્રયાસ અમે કર્યો હતો.

એ.આર.રહેમાન જેવા તમારા શિષ્યને જ્યારે સમગ્ર વિશ્વમાં આટલી નામના મળે છે ત્યારે તમને કેવી લાગણી થાય છે?
અન્ય કોઈ પણ ગુરુ કે પિતાની જેમ જ મને રહેમાન માટે ખૂબ જ ગર્વની લાગણી થાય છે. સમગ્ર વિશ્વમાંથી એને જે રીતનો સ્નેહ અને હૂંફાળો પ્રતિસાદ મળી રહ્યો છે એના માટે હું ખૂબ ખુશ છું. રહેમાન આ તમામ સિદ્ધિને લાયક છે. એ ખૂબ જ ટેલેન્ટેડ અને ઉમદા સંગીતકાર છે.

તમારા મત અનુસાર ગુરુની શું ફરજ હોય છે?
ગુરુએ શિષ્યોને સંપૂર્ણ પ્રતિબદ્ધતાના પાઠ ભણાવવા જોઈએ. શિષ્યો જીવનમાં સાચા રસ્તે ચાલે એ માટે તેમના માર્ગદર્શક બનવું જોઈએ.

અંતે, તમારી હજી કોઈ એક ખ્વાહિશ છે જે પૂરી થવાની બાકી હોય?

મ્યુઝિક! કોઈ પણ વ્યક્તિ સંગીતને સંપૂર્ણ પામી શકતું નથી. સંગીત એ એક વિશાળ દરિયો છે, જેટલા ઊંડા તમે જાઓ એટલું જ અંતર ફરી કાપવાનું બાકી રહે.

૩ સપ્ટેમ્બર , ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.