Monday, October 21, 2013

વિધવાઓને 'પૂજારણ' બનાવવાનું ક્રાંતિકારી પગલું



અઢારમી સદીમાં બંગાળમાં થઈ ગયેલા દૂરંદેશી તથા પ્રખર સમાજસુધારક રાજારામમોહન રાયથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. રૂઢિચુસ્તતા અને ખોટી પરંપરાઓના આંખે પાટા બાંધીને જીવતા સમાજમાં તે સમયે આધુનિકતાનો દંડા વગાડનાર આ સમાજ સુધારકે જ્યારે સતીપ્રથા બંધ કરવા ઝુંબેશ ચલાવી અને તેમાં સફળતા મેળવી ત્યારે તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હશે કે તેના આ પગલાંથી સતી થવાથી બચી ગયેલી વિધવા કહેવાતી સ્ત્રીઓ પર અન્ય કયા પ્રકારના જુલમો ગુજારવામાં આવશે! સતીપ્રથા એ આપણા સમાજની એક ક્રૂર વાસ્તવિકતા હતી અને એમાંથી રાજા રામમોહન રાયે સ્ત્રીઓને બખૂબી ઉગારી લીધી હતી, પરંતુ ત્યારબાદ તેમના પર લાગતાં વિધવાના લેબલે તેના જીવનમાં ફરી એકવાર સંઘર્ષો ઊભા કર્યા અને આજે પણ આપણા આ વિકસિત સમાજમાં એ સંઘર્ષો યથાવત છે. સ્વાસ્થ્ય લથડતાં કે એક્સિડન્ટમાં પતિ મૃત્યુ પામે કે પછી સંતાન પ્રાપ્તિ થઈ ન શકતી હોય તો એમાં સ્ત્રીનો શું ગુનો? આટલી સરળ વાત આજે પણ આપણા સમાજને હાંકનાર મુરબ્બીઓના ગળે ઉતરી શકતી નથી. આજે પણ લગ્ન પ્રસંગ હોય કે પછી અન્ય કોઈ તહેવારનો શુભ પ્રસંગ વિધવા અને વાંઝણીઓને દૂર રાખવામાં આવે છે. તો શું પુરુષનો જીવ કે સંતાનપ્રાપ્તિ જ સ્ત્રીના અસ્તિત્વનો માપદંડ છે?

ખેર, આજે ખુશીની વાત તો એ છે કે કેટલાક લોકો આ રૂઢિચુસ્તતાની દીવાલ તોડી સમાજની વ્યાખ્યા નવેસરથી પ્રસ્થાપિત કરવા હિમાયત કરી રહ્યા છે અને સ્ત્રીઓ પોતે પણ અબળા કે પછી બિચારી બનવાને બદલે પોતાના જીવનની એક નવી દિશા નક્કી કરી રહી છે, જેના ઉદાહરણ સ્વરૂપે હાલમાં જ એક ઘટના બની. ભારતના પવિત્ર ગણાતા એવા વૃંદાવન અને વારાણસીથી ૫૦ જેટલી વિધવાઓને કલકત્તામાં ધામધૂમથી ઊજવાતા દુર્ગાપૂજાના તહેવારમાં સામેલ કરવામાં આવી હતી. મોટા ભાગની વિધવાઓ પશ્ચિમ બંગાળની રહેવાસી હતી અને તેઓના પતિના મૃત્યુ બાદ તે સમાજની ક્રૂર પ્રથાનો ભોગ બની હતી. એક સ્ત્રી હંમેશાં એક પુરુષની હૂંફ અને સાથની ઝંખના કરતી હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને ટેકન ફોર ગ્રાન્ટેડગણી પુરુષ વિના અબળાંનું લેબલ લગાવવામાં આવે. આ વિધવાઓને પણ પોતાની ઓળખ અને પોતાની ઈચ્છાઓને ફરીથી નવજીવંત કરવા દુર્ગાપૂજામાં સામેલ કરવાનું કામ એક એનજીઓએ ઉપાડ્યું હતુ. સુલભ ઈન્ડિયા નામની સામાજિક સંસ્થા વૃંદાવન અને વારાણસીમાં લગભગ ૨૦૦૦ વિધવાઓને શરણ આપવાનું કાર્ય કરે છે અને તે પૈકી ૫૦ મહિલાઓ કે જે પોતાની પતિના મૃત્યુ બાદ કેટલાય વર્ષોથી પોતાના શહેર અને તેના તહેવારોથી વિખૂટી પડી ગયેલી એને ફરીથી એ તહેવારઊજવવા તક પૂરી પાડવામાં આવી હતી. કલકત્તામાં પ્રવેશતાં જ આ વિધવાઓનું પરંપરાગત ધાક’(બંગાળી ઢોલ) અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના સતત ધિક્કાર અને તિરસ્કૃત વર્તનને ભૂલી આ સ્ત્રીઓએ ફરી એકવાર દુર્ગાપૂજાના માધ્યમથી જીવનની નવી શરૂઆત કરી હતી. કેટલાક પંડાલોનું તો ઉદઘાટન જ આ વિધવાઓએ કર્યું હતું. જ્યાં આજે પણ વિધવાઓને અશુભ કે પછી અપવિત્ર ગણવામાં આવે છે, એવા સમાજને માટે આ ઘટના એક સૂચક ગણાવી શકાય.

આ જ પ્રમાણે કર્ણાટકના મેંગ્લોરમાં પણ એક અદભુત ઘટના બની. વર્ષ ૨૦૧૩ની શરૂઆતમાં મેંગ્લોરના પ્રસિદ્ધ મંદિર કુદ્રોલી ગોરખનાથેશ્વરની પહેલથી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જનાર્ધન પૂજારીએ પછાત જાતિની વિધવા સ્ત્રીઓની પદ પૂજા કરી હતી. વિધવા સ્ત્રીઓ પણ સમાજમાં પ્રતિષ્ઠાથી રહી શકે એ માટે વર્ષની શરૂઆતથી જ આ મંદિરના સંચાલકોએ જૂની પરંપરાઓને દૂર કરી સ્ત્રીઓ અને ખાસ કરીને સમાજના બિચારી કે અશુભના લેબલ હેથળ દબાયેલી સ્ત્રીઓને નવી ઓળખ આપવાનું નક્કી કર્યું હતું અને તેના ભાગરૂપે ફરી સમાજની કુરીતિઓને પડકાર ફેંક્યો છે. જે વિધવાઓને મંદિરમાં પ્રવેશ પણ આપવામાં સમાજના મોભીઓ ખચકાતા હોય છે, તેમને આ મંદિરના પૂજારી બનાવવાનું નક્કી કરાયું હતું. આ માટે આ બે વિધવાઓ, લક્ષ્મી શાંતિ અને ઈન્દિરા શાંતિને ચાર મહિના સુધી ખાસ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ ૬ ઓક્ટોબરે વિધિવત એમને મંદિરના પૂજારીની પદવી આપવામાં આવી હતી. આ માટે તેમણે પીપળાના વૃક્ષની નીચે ભગવાન દત્તાત્રેયની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી અને પરંપરાગત દીવા સળગાવીને તેમના આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી હતી. વળી, તેમના જીવનનિર્વાહ માટે જરૂરી વેતન પણ આ વિધવાઓ મેળવી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મંદિરના સંચાલકોની આ પહેલ દરેક સ્ત્રીના મૂળભૂત હકોને છીનવી લેતા સમાજના કુરિવાજોને નાથવા તરફનું એક મજબૂત પગલું ગણાવી શકાય. વિધવાઓ પણ એક સામાન્ય માનવી જ છે એમ માનવાને બદલે સમાજ એને ક્રૂર અને અપમાનજનક નજરોથી જોતો આવ્યો છે અને સમાજનો આ જ દૃષ્ટિકોણ બદલવા માટે મેંગ્લોરમાં આ વિધવાઓને પૂજારીનું મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું.

આપણા દંભી સમાજનું સૌથી ઉત્તમ ઉદાહરણ તો પશ્ચિમ બંગાળમાં થતી દુર્ગાપૂજાનું છે. પશ્ચિમબંગાળના કોલકતામાં એશિયાનો સૌથી મોટો દેહવ્યાપાર માટેનો વિસ્તાર આવેલો છે, જે સોનાગાચી તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં લગભગ ૧૦,000 જેટલી સ્ત્રીઓ રહે છે અને અનેકોવાર કહેવાતા સભ્ય સમાજના ધિક્કારનો ભોગ બનતી રહે છે. જે લોકો દેહવ્યાપાર સાથે સંકળાયેલા છે એને સમાજ અપવિત્ર ગણી કલંક તરીકે બિરદાવે છે, ત્યારે એ જ સભ્ય સમાજનીપવિત્ર ગણાતી પૂજામાં દુર્ગાની મૂર્તિ બનાવવા માટે દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓના ચોગાનમાંથી જ માટી લેવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આ જ મહિલાઓને દુર્ગાપૂજાના પંડાલમાં પ્રવેશ પણ આપવામાં નથી આવતો.

કોઈપણ સ્ત્રી દેહવ્યાપાર સાથે સંકળાય એ પાછળ કોઈ પીડાદાયક ઘટના સીધી કે આડકતરી રીતે જવાબદાર હોય છે. જીવનની જરૂરિયાતો અને ક્યારેક તો જીવન જીવવા માટે પણ સ્ત્રીઓ આ પ્રકારના વ્યવસાયમાં ધકેલાઈ જતી હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને પણ એક સામાન્ય મનુષ્ય ગણવાને બદલે આપણે તેમને અપરાધીની દૃષ્ટિએ જોવામાં આવે છે. ઈશ્વરે બનાવેલી દુનિયામાં મનુષ્યે શા માટે નક્કી કરવું કે કોણ ઈશ્વરના મંદિરમાં પ્રવેશ મેળવી શકે અને કોણ નહીં? શું દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓને પોતાના ઈશ્વરને પૂજવાનો પણ હક નથી હોતો? આ જ પ્રકારના કેટલાક સવાલો જ્યારે કોલકતાના રેડલાઈટ એરિયા સોનાગાચીમાં રહેતી સ્ત્રીઓને ઉદભવ્યો ત્યારે તેમણે આ વર્ષે દુર્ગાપૂજામાં સહભાગી બનવાનું નક્કી કર્યું. આ માટેનો રસ્તો સરળ નહોતો પણ એમના ઈરાદા મજબૂત હતા.

દરબાર મહિલા સમન્વય સમિતિ (ડીએમએસએસ) એ આ આખી લડત માટે કાયદાકીય કાર્યવાહી કરી. તેમણે કોલકતાની હાઈકોર્ટમાં પોતાના આ વિસ્તારમાં પણ દુર્ગાપૂજાનો પંડાલ ઊભો કરવા માટેની અરજી કરી અને સરકારે પણ તેમની દલીલો અને ભાવનાઓને માન આપીને તેમની પ્રસ્તાવનાનો સ્વીકાર કર્યો હતો. આ વિશે જ્યારે દેહવ્યાપાર સાથે સંકળાયેલી એક સ્ત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેની ખુશીનો પાર નહોતો. આખરે અમે પણ હવે એક સામાન્ય સ્ત્રીની જેમ દુર્ગાપૂજાના તહેવારને માણી શકીશું અને અમારો પણ પંડાલ હશે, એ વાત જ અમને ખૂબ ખુશ કરી જાય છે. અમે લગભગ બે લાખ રૂપિયાનું બજેટ રાખ્યું છે. પોતાની લાગણીઓને શબ્દોમાં ઝીલનાર આ સ્ત્રીએ કદાચ થોડા સમય માટે પણ પોતાની ઓળખથી ઉપર જઈ એક સામાન્ય જીવનનો અનુભવ કર્યો હશે. આ વિસ્તારમાં રહેતી લગભગ ૧૦,૦૦૦ જેટલી સ્ત્રીઓ પૈકી દરેક પાસે ૨૦ રૂપિયા લઈ આખા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અને દુર્ગાપૂજાની પ્રથામાં એક નવો ચીલો ચીતરવામાં આવ્યો હતો.


જો કે હજીય સમાજમાં રહેલા કેટલાક રૂઢિવાદીઓ એ જ પુરાણી માનસિકતાના અંધારિયા ઓરડામાં પોતાને બંધ કરીને બેઠાં છે અને સાથે સમાજને પણ બંધિયાર બનાવી રહ્યા છે.સ્ત્રીના વિકાસના વિરોધીઓ હજી પણ પવિત્રતા અને શુભ-અશુભની મિથ્યા માન્યતાઓમાં વારંવાર સ્ત્રીના સ્વમાન પર ઘા ઝીંકતા રહે છે. એક સાધુની વિકૃત માનસિકતા ઊઘડે છે ત્યારે એના બચાવ માટે જે તે મહિલાના ચારિત્ર્ય પર સવાલો ઊઠે છે. હજી પણ કેટલાય એવા સમાજો છે જ્યાં દીકરીઓના ભવિષ્યને માત્ર લગ્ન સુધી જ આંકવામાં આવે છે અને જ્યારે એ જ લગ્ન નિષ્ફળ જાય કે પછી અકાળે પતિનું અવસાન થાય તો સ્ત્રી પર જ હજારો અંકુશો લાદવામાં આવે છે. એકબાજુ સ્ત્રીઓને દેવી ગણી દિવસો સુધી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તો બીજી બાજુ એ જ સ્ત્રીઓને બાકીના દિવસો દરમિયાન અપમાન અને પુરુષોની હીન માનસિકતાનો સામનો કરવો પડતો હોય છે. સમાજની વિકસતી બાજુ જોઈને એક આનંદની લાગણી થાય, પરંતુ એ સાથે જ રૂઢિવાદીઓની વધતી જતી અસહિષ્ણુતા અને જડતાચિંતાનો પણ એક વિષય ગણાવી શકાય. તો કઈ રીતે આ આખી સમસ્યાને નિવારી શકાય? કઈ રીતે સ્ત્રીઓ પોતાના પર મૂકાતા અવ્યાજબી અંકુશોની સામે લડત આપી શકે? આનો એકમાત્ર ઉકેલ છે કે સ્ત્રીઓ જાતે જ મજબૂત બની સમાજની બદીઓ સામે એવાજ ઉઠાવતી થાય. એક સ્ત્રી પણ જો હિંમત કરી સમાજની કુરીતિઓને નકારશે તો બીજી હજાર સ્ત્રીઓ તેમને જોડાવા તત્પર હોય છે એમાં કોઈ બેમત નથી. આથી પોતાનું રક્ષણ કરવા હવે સ્ત્રીઓએ સ્વયંરક્ષક બનવું અનિવાર્ય થઈ ગયું છે. 

22 ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

Tuesday, October 15, 2013

સુરત અને હું અભિન્ન છીએઃ ભગવતીકુમાર શર્મા


ગુજરાતી સાહિત્યને પોતાના એકાંતના પડછાયાથી તરબતર કરનાર ભગવતીકુમાર શર્માનો પરિચય આપવો સરળ નથી. વારસામાં મળેલી નબળી દૃષ્ટિને પોતાના પર હાવી ન થવા દેતાં, તેમણે નિરંતર પોતાની સર્જનપ્રક્રિયા ચાલુ રાખી અને આજે એમના સર્જનનું વિશાળ વટવૃક્ષ અનેક નવોદિતોને છાયાં ઉપરાંત અનેક મીઠાં ફળો પણ આપે છે. ઓછી વયે આંખની તકલીફને લીધે અભ્યાસ અધૂરો મૂક્યો હોવા છતાં ભણવા માટેની તેમની જીજીવિષાએ તેમને ૪૦ વર્ષની વયે બી.એ.ની ડિગ્રી અપાવી. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે ઉમદા કામગીરી કરવા બદલ ડોક્ટર ઓફ લિટરેચર(DLit)ની પદવી પણ એનાયત કરી છે. ઉત્તમ અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર ભગવતીકુમાર શર્માને અત્યાર સુધીમાં અનેક એવોર્ડ્ઝ અને ચંદ્રકો મળ્યા છે, પરંતુ એમાંના ઘણાં પુરસ્કારો તેમણે સાહિત્યની ઉન્નતિ માટે જ ઉપયોગમાં લીધા છે. તેમની પ્રથમ નવલકથા આરતી અને અંગરાથી શરૂ કરીને તેમણે વીતી જશે આ રાત!’, ‘સમયદ્વીપ,પડછાયા સંગ પ્રીત,અસૂર્યલોક, નિર્વિકલ્પજેવી અનેક ઉત્તમ કૃતિઓ, ઉપરાંત અનેક પ્રવાસકથાઓ, સોનેટ, ગઝલો, નવલિકા, હાસ્યલેખો, તંત્રીલેખો અને આત્મકથાસુરત મુજ ઘાયલ ભૂમિજેવા ઉત્તમ પુસ્તકોની ભેટસાહિત્યજગતને આપી છે. ગુજરાત ગાર્ડિયન સાથે થયેલી એમની ખાસ મુલાકાતના કેટલાક અંશો અહીં રજૂ કર્યા છેઃ

બાળક બકુ માંથી પ્રસિદ્ધ લેખક ભગવતીકુમાર શર્મા સુધીની સફર કેવી રહી?
(હળવા હાસ્ય સાથે) હું તો ઈચ્છું કે હું પાછો બકુ થઈ જાઉં. હું નાનો હતો ત્યારથી જ મને વાંચવામાં પુષ્કળ રસ હતો, તદુપરાંત સંગીત તથા ચિત્રકલામાં પણ મને એટલો જ રસ. આજે પણ સતત મારા મનમાં કોઈને કોઈ લય કે તાલ સતત ચાલ્યા જ કરતી હોય. એટલે ટૂંકમાં કહું તો મારું આખું વ્યક્તિત્વ કલાલક્ષી છે. હું લય અને તાલનો માણસ છું. નાનપણથી જ નબળી દૃષ્ટિ હોવા છતાં હું ભણવાના પુસ્તકો ઉપરાંત બીજું ઘણું વાંચતો. વાંચવા લખવા માટે ડોક્ટરની સાફ શબ્દોમાં મનાઈહોવા છતાં મારી અંદરની વૃત્તિ એટલી તીવ્ર હતી કે મેં એમની ચેતવણીને અવગણી અને શક્ય હતું ત્યાં સુધી ભણ્યો અને અઢળક વાંચ્યું, પરંતુ કોલેજમાં આવ્યા બાદ મને પોતાને પણ સમજાયું કે આ આંખોથી હવે મારાથી આગળ ભણી શકાય એમ નથી. એક આખી રાત જાગીને મેં મારા મનને ઘણું વલોવ્યું અને અંતે નિર્ણય કર્યો કે હું આગળ નહીં ભણું અને ૧૬ વર્ષની ઉંમરે હું તદ્દન નવરો પડી ગયો. આ મારા જીવનનો એવો સમય હતો જે દરમિયાન મેં ખૂબ વાંચ્યું. ક્યારેક વાંસળી વગાડતો તો ક્યારેક તબલાં અને ક્યારેક ગાઈ પણ લેતો. મારા ખાલીપાના આ પાંચ વર્ષોએ મને સર્જન કરવામાં ઘણી મદદ કરી. આ વર્ષોમાં મેં સુરતની બધી લાઈબ્રેરીઓના તળિયા ઘસી નાંખ્યા અને જે મળ્યું એ બધું જ વાંચ્યું અને ધીરે ધીરે કવિતા, વાર્તાઓ લખવાની શરૂઆત કરી અને એ નિત્યક્રમ મેં આજ સુધી જાળવી રાખ્યો છે.

ગાંધીજીની હત્યાના સમાચાર સાંભળીને કવિતા લખનાર એ યુવાન અને આજના પ્રખર સાહિત્યકાર તરીકે જાણીતા ભગવતીકુમાર શર્મામાં કેટલા પરિવર્તનો આવ્યા?
ગાંધીજીની હત્યા થઈ ત્યારે હું માત્ર ચૌદ વર્ષનો હતો, પરંતુ એમની હત્યાના સમાચાર સાંભળીને મને એટલો બધો આઘાત લાગ્યો કે મેં એક જોડકણા જેવું કંઈક કાગળ પર ઉતાર્યું. મારા આ પહેલા સર્જનના સમયે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ જ સર્જનવૃત્તિ મારી સાથે આજ સુધી ટકી રહેશે. પાંચ વર્ષની બેકારી બાદ મને જ્યારે ગુજરાતમિત્રમાં નોકરી મળી, ત્યારે હું ખૂબ ખુશ થયેલો, કારણ કે મારા વાંચવાના અને લખવાના શોખને આગળ ધપાવવામાં મદદરૂપ થાય એવી જ નોકરી મને મળી હતી. મને જેટલું કામ સોંપાય એના કરતાં દસ ગણું કામ કરી નાંખું એવું ઝનૂન મને થઈ આવતું અને એવું જ કરતો પણ ખરો. આમ ધીમે ધીમે મારું મૂલ્ય અંકાવા લાગ્યું. વાર્તાથી શરૂ કરીને નવલકથાઓ અને અનેક બીજા સર્જનો મારા મનમાં સ્ફુરતા રહ્યા અને આજે પણ વાર્તા, કવિતા કે નવલકથા માટે મારા મનમાં સતત સ્ફુરતા રહે છે.    

સોનેટ સંગ્રહ, હાસ્યવ્યંગ, નવલકથા, નવલિકા, પ્રવાસકથા, ગઝલસંગ્રહ, વિવેચન, આત્મકથા કે પછી પત્રકારત્વ. આ દરેક ભૂમિકામાં તમે અનેક શિખરો સર કર્યા છે. આ પૈકી કઈ ભૂમિકાએ તમને સૌથી વધુ સંતોષ આપ્યો?
આ પ્રશ્નનો ઉત્તર આપવો મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એક માતાએ ચાર પાંચ બાળકોને જન્મ આપ્યો હોય અને એમાંથી એનું પ્રિય બાળક કોણ એમ પૂછવામાં આવે તો એ કેવી નિરુત્તર થઈ જાય એવું જ મારું પણ છે. મને કવિતા સાથે સૌથી પહેલા પ્રણય બંધાયો. એક એક શબ્દમાં મર્મ પ્રગટ થતો હોય એવી કવિતા લખવી મને ખૂબ જ ગમે છે. અલબત્ત, ગદ્યમાં મેં વધારે લખ્યું છે અને હજી પણ મને સુંદર, લલિત ગદ્ય લખવું ખૂબ જ ગમે છે અને જે લેખો મેં લખ્યા એ તો પત્રકારત્વના એક ભાગરૂપે લખ્યા અને એ પણ હજી સુધી લખું જ છું.

સાહિત્યકારો સામાન્ય રીતે વર્ણન કરવા સતત અવલોકન કરતાં રહે છે, પરંતુ તમને વારસામાં નબળી આંખો મળી હોવા છતાં વ્યક્તિ, સ્થળ અને સમયનું આબેહૂબ વર્ણન કઈ રીતે શક્ય બન્યું?
અવલોકન માત્ર આંખથી જ થાય એ વાત જ મિથ્યા છે. અવલોકન તો તમે આંખ બંધ કરીને તમારી આસપાસની વ્યક્તિઓના વાણી, વર્તન, સ્વભાવ અને સ્પર્શથી પણ કરી શકો છો. તમે જગતની ગતિવિધિઓમાં રસ લેતાં થઈ જાઓ તો તમારા નિરીક્ષણનું ભાથું ઘણું વધી જાય છે. અત્યારે હું દૃશ્યજગતથી લગભગ કપાઈ ગયો છું. ટીવીના સમાચારો માત્ર સાંભળું છું અને આ જ પ્રમાણે રેડિયો અને બીબીસીના સમાચારો સાંભળતા સાંભળતા મારી શ્રવણશક્તિ વધુ પાવરફુલ બની છે અને એ સાથે જ મને માહિતીનો અખૂટ ભંડાર પણ પ્રાપ્ત થયો છે.

શારીરિક તકલીફોના લીધે સતત મન સાથે ચાલતાં સંઘર્ષમાંથી બહાર નીકળવા કઈ વાતો પ્રેરણા આપતી?
મારી આંખો તો જન્મથી જ નબળી હતી અને એ મને વારસામાં જ મળ્યું હતું. મારા દાદા તો અંધ થઈ ગયા હતા, પણ મેં પહેલેથી જ એક દૃઢ નિર્ધાર કર્યો હતો કે આવી આંખે પણ મારે કામ કરવું જ છે. આજે મને સૌથી વધુ કોઈ વાત ખૂંચતી હોય તો એ છે કે હું વાંચી નથી શકતો અને વાંચ્યા વગર લખાય જ કઈ રીતે! આમ છતાં જેમ જેમ મારી દૃષ્ટિ નબળી પડતી ગઈ તેમ તેમ મારી અંતર્મુખતા વધતી ગઈ અને એના પરિણામે મારું ચિંતન વધ્યું. આથી મારી છેલ્લી કેટલીક નવલકથાઓ ઊર્ધ્વમૂલ’, ‘સમયદ્વીપ’, ‘નિર્વિકલ્પ કે અસૂર્યલોકમાં ભારોભાર સંવેદનશીલતા, ચિંતન, ભાષા પરત્વેની કાળજીપૂર્વકની તકેદારી હું રાખી શક્યો અને આ આવડત તમે અંતર્મુખ બનો ત્યારે જ કેળવી શકો. વળી,અસૂર્યલોક નવલકથાનું તો થીમ જ એ છે કે સ્થૂળચક્ષુ તો વિલાતા જાય, પણ ચર્મચક્ષુમાંથી પ્રજ્ઞાચક્ષુ, જ્ઞાનચક્ષુ વિકસે એ જ માણસનો સાચો વિકાસ ગણાય!

એક શ્રેષ્ઠ કૃતિ સર્જવા માટે એક સાહિત્યકારે કેટલું અને કેવું હોમવર્ક કરવું જોઈએ?
કોઈપણ સાહિત્યકારે પોતાની કૃતિ માટે કેટલો અભ્યાસ કરવો છે એ તો એના પર જ આધાર રાખે છે. મારી વાત કરું તો મારી પહેલી નવલકથા આરતી અને અંગારાના એકવીસ પ્રકરણો મેં માત્ર ઓગણીસ દિવસમાં લખ્યા હતા અને આ વાત મેં ગૌરવભેર એ નવલકથાના નિવેદનમાં પણ લખી હતી. એ સમયમાં સુનીલ જોષી કડક વિવેચક હતા અને મારી નવલકથાના અવલોકનમાં એમણે લખ્યું હતું કે આ લેખકે એમની નવલકથા લખી નથી, પણ લખી નાંખી છે. ત્યારથી મને સમજાયું કે માત્ર લખી નાંખવું નહીં, પણ સારા નરસાનો તોલ કરી, ઊંડાણપૂર્વક દરેક વિચાર, સ્થળ અને વ્યક્તિને મનમાં વારંવાર ઘૂંટીને લખવું જોઈએ. આ પ્રકારની સમજ મારામાં કેળવાઈ પછી જ મારી નવલકથાઓ ઉત્કૃષ્ટ બની. મારી નવલકથા ઊર્ધ્વમૂલની વાત કરું તો એ લખતાં મને સાત વર્ષ થયેલાં. એક થીમ મને મળ્યું અને એના પર મેં આ નવલકથાના અડધાથી પણ વધુ પૃષ્ઠ લખી નાંખ્યા હતા, પરંતુ જ્યારે તે વાંચવા બેઠો તો મને પુષ્કળ અસંતોષ થયો અને એ પછી પણ વારંવાર લખતો અને પોતાનાજ લખાણને નકારી કાઢતો. છેવટે એક મજબૂત કથાવસ્તુ મારા મનમાં ઘૂંટાવા લાગી અને ઊર્ધ્વમૂલની રચના થઈ.

તમારી આખી સર્જનપ્રક્રિયામાં વાચકોએ અનેક પરિવર્તનો અનુભવ્યા છે. ગઝલમાં તમારી પ્રયોગશીલતા અનોખી હતી, પરંતુ ધીરે ધીરે તેમાંય સ્થિરતા આવતી જણાઈ. તો પર્સનલી તમને શું પસંદ છે, સ્થિરતા કે પ્રયોગશીલતા?
હું વહેતો માણસ છું. સ્થગિત કે બંધિયાર રહેવું મને ગમતું નથી. મારા સાહિત્યિક વિચારો નવા છે. કંઈ પણ નવા વિચારો કે વાતો સાંભળું ત્યારે એની ઉપેક્ષા નહીં કરું, પણ એના પર સતત ચિંતન અને મનન કરું. જ્યારે હું તદ્દન નવો નવો આ ક્ષેત્રમાં આવ્યો હતો ત્યારે સુરેશ જોશી પરદેશથી આધુનિકતાનું મોજું લઈ આવ્યા હતા. એવા સમયે કેટલાક સ્થાપિત લેખકોએ એમનો વિરોધ પણ કરેલો, પરંતુ મેં મારું મન ખુલ્લું રાખ્યું હતું. આથી મેં જૂની અને નવી બંને શૈલીનો સુમેળ સાધીને લખવાની શરૂઆત કરી હતી. હું હંમેશાં કોઈ પણ બાબતમાં સારું જ ગ્રહણ કરું છું અને મારા પોતાના કાર્યમાં પણ સારું કરવાનો જ આગ્રહ રાખું છું.

તમારી નવલિકા હોય કે ગઝલ, એક વ્યથા, સતત સંઘર્ષની લાગણી મનમાં જરૂર થઈ આવે છે. તોજીવનમાં એકાંત અને ઉદાસીનુંમહત્ત્વ તમે કેટલું આંકો છો?
(એક સેકન્ડના વિલંબ વિના) હા, એ મારો સ્થાયી ભાવ છે. હું મારા માતા પિતાનું એકમાત્ર અને લાડકું સંતાન હતો. મારા જૂના ઘરમાં બાર ઓરડા અને બે અગાશી હતી. આટલા મોટા ઘરમાં રહેવાવાળા માત્ર અમે ત્રણ જણ! અગાશીમાં એકલાં બેઠાં બેઠાં મને કંઈક અજાણી પીડા જાગ્યા કરતી. ગાતો, વગાડતો અથવા તો વાંચતો રહેતો અને એ રીતે મને એકલા રહેવાની આદત પડી ગઈ. એકાંતમાં રહેવાની આદતને લીધે મારામાં વિષાદભાવનો જન્મ થયો. નાનપણથી લઈને ઉંમરના આ પડાવ સુધી જુદા જુદા તબક્કે અનેક સંવેદનોની અનુભૂતિ થઈ, પણ એ બધામાં વિરહભાવ જ મારા માટે સ્થાયી રહ્યો છે. આજે પણ જ્યારે વિચારું છું તો એ જ ભાવ મને વધુ અનુકૂળ લાગે છે.  

અસૂર્યલોકના નાયક અને વાસ્તવિક જીવનના ભગવતીકુમાર શર્મામાં સામ્યતા કેટલી?
એ નવલકથાને તમે ઓટોગ્રાફિકલ નોવેલ કહી શકો. મેં મારી આત્મકથાના અંશો જેવી નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો.

જીવનના કયા તબક્કાએ ઉત્કૃષ્ટ સાહિત્યના સર્જન માટે પ્રેરણા આપી?
પાછળના વર્ષો પર નજર નાંખુ તો ૧૯૬૦થી ૧૯૯૦ સુધીનો સમયગાળો મારો શ્રેષ્ઠ સર્જનકાળ હતો. મેં એ સમય દરમિયાન પુષ્કળ લખ્યું અને મહત્ત્વની વાત એ છે કે સારું પણ લખાયું અને તેની સર્વત્ર નોંધ પણ લેવાય છે. 

તમારી સમગ્ર સર્જનપ્રક્રિયા દરમિયાન પરિવારજનોનો પ્રભાવ કેટલો રહ્યો?
મેં મોટા ભાગના સોનેટ પરિવારનાસભ્યોઅને તેમને સંબંધિત ઘટનાઓ પર જ લખ્યા છે. મારા પિતાના અવસાન સમયે મેં બે સોનેટ લખ્યા હતા. આ જ સમયે મારી માતાને કેન્દ્રમાં રાખીને પણ એક સોનેટની રચના કરી હતી અને પત્નીના અવસાન સમયે તો ૭૨ સોનેટ લખ્યા હતા. વાસ્તવમાં કહું તો ગઝલ અને સોનેટની રચના કરવા મારે કશે બહાર શીખવા જવું પડ્યું જ નથી. મારા ઘરનો માહોલ જ એ પ્રકારનો હતો અને એને લીધે જ મેં ધીમે ધીમે તેમાં નિપુણતા હાંસલ કરી હતી.

આપે સુરતનો ઘણો મહિમા કર્યો છે. આપની આત્મકથાનું નામ પણ આ શહેર પરથી જ આપ્યું છે. આ શહેરની સૌથી વધુ ગમતી અણગમતી બાબત કઈ છે? આપે ક્યારેય સુરત છોડીને બીજે વસવાનો વિચાર કર્યો હતો?
સુરતમાં જ હું જન્મ્યો છું અને આ ક્ષણ સુધી હું સુરતમાં જ વસુ છું. હું સુરતને જન્મ્યો ત્યારથી જીવતો, શ્વસતો આવ્યો છું. સુરત અને હું અભિન્ન છીએ.સુરત મારામાં છે અને હું સુરતમાં છું. સુરત સાથેનું મારું તાદાત્મ્ય ખૂબ અદભુત છે. સુરત કેમ મને આટલું પ્રિય છે એનો મારી પાસે કોઈ સ્પષ્ટ ઉત્તર નથી, કારણ કે એ મને અકથ્ય રીતે ગમે છે. હા, વચ્ચે વચ્ચે એવા અવસરો આવ્યા કે મુંબઈ માટે મને આકર્ષણ થયું. ત્યારબાદ અમદાવાદ જવાનું થતું તો એ વિશે લખતો. એવા અલ્પજીવી પ્રેમ તો ઘણાં બંધાયા, પણ બધેથી ફરીને તો હું પાછો સુરત જ આવતો. મારા જીવનની અંતિમ ઈચ્છા પણ એ જ છે કે હું સુરતમાં જ મૃત્યુ પામું અને અશ્વિનીકુમારના તાપી કાંઠે મારા અંતિમસંસ્કાર થાય.

શું આજની પરિસ્થિતિ જોતાં સાહિત્યનો વારસો જળવાઈ રહેશે એવું તમને લાગે છે? આજના સમયમાં તમે કોને સાહિત્યના પ્રતિનિધિ ગણો છો?
હવે કલમ અને શાહીથી લખવાનો સમય લગભગચાલ્યો ગયો છે. હવે બધું કમ્પ્યુટરાઈઝ્ડ થઈ ગયું છે અને એનો ફાયદો એ થયો કે ખૂબ ઝડપથી તમે તમારી કૃતિને દુનિયા સમક્ષ મૂકી શકો છો. અમારા સમયે તો એક વાર્તા લખીએ પછી એને પોસ્ટ કરતાં અને દિવસો રહીને જવાબ આવતો કે વાર્તા સ્વીકારાય છે કે અસ્વીકારાય છે! હવે આ ઈન્ટરનેટના જમાનામાં તમારા લેખોને દુનિયા સમક્ષ મૂકો એમાં વાંધો નહીં, પરંતુ કેટલાક લોકો કાચું લેખન પણ મૂકી દેતાં હોય છે, જે ચિંતાનો વિષય છે. સારું લેખન ફેલાય છે એનો મને આનંદ છે, પરંતુ નબળું, કાચું લેખન ફેલાય છે એનું મને દુઃખ પણ છે. 

પત્રકારત્વના ક્ષેત્રે કયા સુધારા તમને યોગ્ય લાગે છે? એક સચોટ પત્રકારત્વ માટે શું જરૂરી છે?
આટલા વર્ષો દરમિયાન પત્રકારત્વના ક્ષેત્રમાં ઘણાં મોટા સુધારા આવ્યા. અમારા સમયના પત્રકારત્વના તો હવે કોઈ નિશાનો પણ જણાતા નથી. વળી, હવે સાધનો પણ બદલાયા છે. અમારા સમયની એક અખબાર તૈયાર કરવાની આખી પ્રક્રિયા ધીમી હતી, પરંતુ હવે જમાનો ઝડપી બન્યો છે. એ સમયે અનેક મુશ્કેલી વેઠીને અમે અમારું કામ પાર પાડતા છતાં કામ કર્યાનો એક સંતાષ રહેતો, પણ હવે સાધનો અને ટેકનોલોજીને લીધે બધું સરળ અને ઝડપથી ઉપલબ્ધ બની ગયું છે.પત્રકારત્વમાં મૂલ્યનિષ્ઠા જાળવવી ખૂબ જ જરૂરી છે.

ગુજરાતીઓ પુસ્તકો ખરીદતા નથી તેવી ફરિયાદ સાથે તમે સંમત છો?
આ એક ચિંતાનો વિષય તો છે જ. અલબત્ત, હજી કોઈક રીતે વાંચનનો દોર જળવાઈ રહ્યો છે, એનો આનંદ પણ છે. ભાષાને ટકાવવાનું કામ એ ભાષા બોલનારનું જ છે, પણ એ સાથે જ ભાષાને ટકાવી રાખવા તેમને એક બળ મળવું પણ એટલું જ જરૂરી છે. આથી ઊંચી કક્ષાના સત્વશીલ સાહિત્યની સાથે સરળ શૈલીમાં રજૂ થયેલા સાહિત્યનું સર્જન વાચકોને જકડી રાખે છે અને એવું સાહિત્ય લોકો વાંચવાનું પસંદ પણ કરે છે.

કોઈ એક કૃતિ જે હજીય મનમાં ઘૂંટાતી હોય, પણ કાગળ પર ઉતારવાની બાકી હોય?

મારા અંતિમ શ્વાસ સુધી મારા મનમાં અનેક કથાઓ, કવિતા કે પંક્તિઓ તો ઘૂંટાતી જ રહેશે. આમ છતાં, મારે આત્મકથાનો બીજો ભાગ લખવાની ઈચ્છા છે. એનું બધું માળખું મારા મનમાં તૈયાર છે, પણ દૃષ્ટિની નબળાઈને કારણે હું હજુ સુધી એ લખી શક્યો નથી. 


15મી ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.