Monday, March 24, 2014

નોકરી અપાવતાં એજન્ટથી સાવધાન!


(ઉપર ડાબે) સાત્રી, (ઉપર જમણે) રાજેશ્વરી, (નીચે ડાબે) સિગે, (નીચે જમણે) યશોદા
તસવીર સૌજન્યઃ ‘તહેલકા’ મેગેઝિન
રાજેશ્વરી સલેમ નામની એક યુવતી છત્તીસગઢના નારાયણપુર તાલુકાના બડે જામ્હરી ગામમાં તેના સંબંધીને મળવા જાય છે. જોકેતેણે પોતાના કાંકેર નામના તાલુકાની બહાર એક પણ વાર મુસાફરી કરી નથી. આથી તેના માટે છત્તીસગઢના જ અન્ય તાલુકા સુધી જવું એ એક પડકાર છે. આ મુસાફરીમાં તે તિજુરામ કોરામને મળે છે. તેની સાથે અન્ય ગામોમાંથી પણ ઘણી છોકરીઓ આવેલી હોય છે. કોરામ રાજેશ્વરીને અન્ય છોકરીઓ સાથે તિરૂપતિના પ્રસિદ્ધ બાલાજી મંદિરે આવવા જણાવે છે. અન્ય છોકરીઓ પણ તેને પોતાની સાથે આવવા સમજાવે છે અને રાજેશ્વરી આ અજાણ્યા લોકો સાથે સફરની શરૂઆત કરે છે. સૌપ્રથમ તેઓ કોરામના ઘરે એક રાત રોકાય છે અને ત્યાંથી બેનુર ગામ જવા નીકળે છે, જે નારાયણપુર અને કોન્ડાગાઉનની વચ્ચે ક્યાંક આવ્યું હોય છે. ત્યાંથી એક વાન તેમને જગદલપુર લઈ જાય છે અને અંતે બસ દ્વારા તેઓ તમિલનાડુના નમક્કાલ તાલુકામાં પહોંચે છે. આ તાલુકાની એક સ્થાનિક જેમ્સ એગ્રો એક્સપોર્ટ ફેક્ટરીમાં તેમને મજદૂર તરીકે રાખી લેવામાં આવે છે. જ્યારે રાજેશ્વરી કોરામને આ વિશે પૂછે કે ત્યારે કોરામ કહે છે કે, આ તમામ છોકરીઓ માટે તેને પૈસા મળ્યા છે અને હવે તેમણે અહીં જ કામ કરવું પડશે. 

***

બડે જામ્હરી ગામની રહેવાસી સિગે માંડવીએ વર્ષ 2007માં નવમા ધોરણની પરીક્ષા પાસ કરી અને પોતાના ગામની સૌથી ભણેલી છોકરી બની ગઈ. વધુ અભ્યાસ માટે તેણે સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તે બિજ્જુ નામની એક વ્યક્તિને મળી. બિજ્જુએ માંડવીને તેના મોટા ભાઈ તિજુરામ કોરામ સાથે ઓળખાણ કરાવી. કોરામે તેને એક સારી નોકરી અપાવવાની લાલચ આપી અને અંતે તેને પણ રાજેશ્વરી અને અન્ય છોકરીઓની જેમ જ જેમ્સ એગ્રો એક્સપોર્ટની ફેક્ટરીમાં વેચી દેવામાં આવી. સિગે કહે છે કે, ફેક્ટરીમાં તેમણે સતત કેમિકલ સાથે કામ કરવું પડતું, જેના કારણે તેમને ઘણી એલર્જી પણ થતી અને ત્વચાને પણ ઘણું નુકસાન થતું હતું. આમ છતાં તેઓને કોઈ પણ પ્રકારની તબીબી સારવાર આપવામાં નહોતી આવતી કે પછી આરામ પણ નહોતો મળતો. 

***

જશપુર તાલુકામાં રહેતી ફુટુન એલિયાસ ફુલવંતને એક બનાવટી પ્લેસમેન્ટ એજન્સી દ્વારા વર્ષ ૨૦૦૫માં દિલ્હી લઈ જવામાં આવી હતી. ત્યાં તેને અન્ય ૨૧ છોકરીઓ સાથે રાખવામાં આવી હતી. તેમને બહાર જવાની પણ પરવાનગી નહોતી. ફુટુનની સામે જ અન્ય ત્રણ છોકરીઓને વેચવામાં આવી હતી. ફુટુન કહે છે કે, મારા માટે પણ એક ‘ગ્રાહક’ સાત લાખ રૂપિયા આપવા તૈયાર થયો હતો, પણ ટ્રાફિકર્સ તૈયાર નહોતા. તેઓ દસ લાખની માગણી કરતા હતા. આથી તેમની ડીલ અટકી ગઈ હતી.” અને આ જ સમયમાં તે ભાગવામાં સફળ રહી હતી. 

***

નારાયણપુર તાલુકાની યશોદા ઓયિકેના ઘરમાં તેની સાથે અન્ય પાંચ બહેનો પણ રહેતી. ઘરમાં પૈસાની પુષ્કળ તંગી રહેતી. ઉપરાંત સરકારે શરૂ કરેલા મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ(મનરેગા)અભિયાનથી સંતોષજનક કમાણી ન થતાં યશોદા અન્ય જગ્યાએ નોકરી માટે તપાસ કરે છે. કિજુરામ નામનો વ્યક્તિ તેને વધુ પૈસાની નોકરીનું આશ્વાસન આપે છે અને તેથી પોતાના પરિવારને આર્થિક રીતે પગભર કરવા તે કિજુરામે આપેલી ઓફર સ્વીકારી લે છે, પરંતુ અંતે તેને પણ નમાક્કાલની જેમ્સ એગ્રો એક્સપોર્ટ્સ ફેક્ટરીમાં અન્ય સ્ત્રીઓની જેમ મજદૂરીમાં જોડી દેવામાં આવે છે. એક વખત કેમિકલ કન્ટેઈનર ખોલતી વખતે તેના ચહેરા પર સખત ગરમ હવા લાગી હતી અને બેભાન થઈ ગઈ હતી, પરંતુ ત્યાં કોઈએ તેને હોસ્પિટલ લઈ જવાની પણ તકેદારી નહોતી રાખી અને તેને થયેલા નુકસાનની પણ કોઈ ભરપાઈ કરવામાં આવી નહોતી.તે કહે છે કે, “ચાર મહિના સુધી સતત કામ કરવા છતાં મને એક પૈસો પણ ચૂકવવામાં આવ્યો નહોતો. પોલીસે આવીને અમને આ કેદમાંથી મુક્ત કર્યા ત્યાં સુધીમાં મારો આખો ચહેરો કેમિકલથી બળી ગયો હતો.”હવે યશોદા તેના ઘરની બહાર જતાં પણ ખચકાય છે.

***

૬૦૦ લોકોની વસતી ધરાવતું બડે જામ્હરી ગામ વાસ્તવમાં નક્સલવાદીઓથી પ્રભાવિત વિસ્તાર છે. આ ગામની છ યુવતીઓને જેમ્સ એગ્રો એક્સપોર્ટ્સ ફેક્ટરીમાં લઈ જવામાં આવી હતી. આ પૈકી એક યુવતી સાત્રી પોતાઈ પણ છે. અન્ય યુવતીઓની જેમ જ તેને પણ ભોળવીને આ ફેક્ટરીમાં લાવવામાં આવી હતી. અહીં કામનો કોઈ નિશ્ચિત સમય નહોતો. તેઓ ફેક્ટરીની બહાર પણ નહોતા જઈ શકતા અને ૬૦ જેટલી સ્ત્રીઓ વચ્ચે માત્ર એક જ બાથરૂમની સગવડ આપવામાં આવી હતી. તે કહે છે કે, “ક્યારેક અમારી પાસે રાત્રે પણ કામ કરાવવામાં આવતું અને બીજા દિવસે પણ આરામ આપવાને બદલે સતત કામ જ કરાવવામાં આવતું. જ્યારે અમે ઘરે જવાની પરવાનગી માગતા ત્યારે અમને છ મહિના પછી જવાનું કહેવામાં આવતું.” આ તમામ યુવતીઓ એકબીજા સાથે વાતચીત ન કરે તેનું પણ ધ્યાન રાખવામાં આવતું. ઉપરાંત ફેક્ટરીના માલિકો એકબીજા સાથે અંગ્રેજી અથવા તો તમિલ ભાષામાં જ વાત કરતા હતા, જેથી આ સ્ત્રીઓ તેમની વાતો સમજી ન શકે. 

***


આ તો માત્ર કેટલીક સ્ત્રીઓની વાત છે, જે છત્તીસગઢ અને તમિલનાડુ વચ્ચે ચાલતા ટ્રાફિકિંગના એક અદમ્ય ભવરમાંથી ‘સહીસલામત’ ઉગરી આવી છે, પરંતુ આ પ્રકારના અનેક કાંડ આખા દેશમાં ચાલી રહ્યા છે. પ્રસિદ્ધ મેગેઝિન ‘તહેલકા’ના પ્રયાસથી આજે આ તમામ મહિલાઓની હકીકતને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ સ્ત્રીઓ વિશે જ વધુ જાણીએ તો તેમને મહિનાના અંતે માત્ર ૧૦૦ જેટલા રૂપિયા આપવામાં આવતા હતા, જે સાબુ અને તેલ જેવી કેટલીક સામાન્ય વસ્તુ ખરીદવા પાછળ જ વપરાઈ જતા હતા. તેઓને દિવસમાં બે વાર પ્રમાણમાં ખૂબ ઓછું કહી શકાય એટલું ભોજન આપવામાં આવતું અને સાથે બે વાર ચા પણ આપવામાં આવતી. ૧૦૦ જેટલી સ્ત્રીઓ માટે એક જ ઓરડામાં સૂવાની વ્યવસ્થા કરવામાં આવતી. આમ છતાં કેટલીક સ્ત્રીઓને હંમેશાં અલગ રાખવામાં આવતી અને રાત્રે તેમના પર વારંવાર બળજબરી આચરવામાં આવતી. આ આખી ઘટના ત્યારે બહાર આવી જ્યારે રાજેશ્વરીએ આ ફેક્ટરીમાંથી નાસવામાં સફળતા મેળવી. કોરામ જ્યારે છોકરીઓના અન્ય સમૂહ સાથે ફેક્ટરીમાં આવ્યો ત્યારે રાજેશ્વરીએ તેની પાસે ઘરે જવા માટે પરવાનગી માગી. થોડા વિરોધ અને બળજબરી બાદ કોરામે તેને જવાની પરવાનગી આપી, પણ એ સાથે જ તેણે રાજેશ્વરીને અન્ય ૧૦ છોકરીઓ પણ અહીં લાવી આપવાનું કહ્યું. આ સાથે જ રાજેશ્વરીને પ્રત્યેક છોકરી દીઠ ૫૦૦ રૂપિયા આપવાની પણ લાલચ આપી. રાજેશ્વરી જ્યારે ઘરે પહોંચી ત્યારે તેણે સૌપ્રથમ મહિલાઓ અને બાળકોના વિકાસ માટે કાર્ય કરતી એક સંસ્થાના કાર્યકર્તા સામે આ આખા કાંડનો ખુલાસો કર્યો અને તેને ફેક્ટરીના માલિકનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું, જે સાફ સફાઈ દરમિયાન એકવાર તેણે લઈ લીધું હતું. આ કાર્ડની મદદથી જ પોલીસે ફેક્ટરી પર છાપો માર્યો અને તમામ મહિલાઓને ઉગારી લીધી.

છેલ્લા દસ વર્ષોમાં છત્તીસગઢમાં છોકરીઓની ગાયબ થઈ જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ૯,૦૦૦ જેટલી યુવતીઓ ગુમ થયેલી છે, જ્યારે સ્થાનિક સંસ્થાઓ પ્રમાણે આ આંકડો ૯૦,૦૦૦ જેટલો છે. આ પ્રકારના રાજ્યોમાં સ્ત્રીઓને ભોળવીને તમિલનાડુની કોઈક ફેક્ટરીમાં વેચી દેવામાં આવે છે. તો કેટલીક મહિલાઓને દિલ્હી, હરિયાણા કે પંજાબના ઘરોમાં કામ કરવા અથવા તો લગ્ન કરાવવા માટે વેચવામાં આવે છે. પ્રત્યેક સ્ત્રી દીઠ એજન્ટને ૫,૦૦૦થી ૫૦,૦૦૦ સુધીના રૂપિયા આપવામાં આવતા હોય છે. આખા દેશમાં આવા અનેક નેટવર્ક ફેલાયેલા છે. આ તમામ નેટવર્ક એટલા જટિલ અને મજબૂત હોય છે કે મહિલા એકવાર આ લોકોના સકંજામાં આવે ત્યારબાદ ફરી મુક્ત થવું લગભગ અશક્ય બની રહે છે. સમગ્ર ભારતના આંકડા તરફ નજર નાંખીએ તો આંતરરાષ્ટ્રીય શ્રમિક સંગઠને કરેલા સરવે પ્રમાણે ભારતમાં માનવ વેપારનું પ્રમાણ ૨.૫થી ૯૦ લાખ જેટલું છે. આ ઉપરાંત, કેટલીક સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ મુજબ દર વર્ષે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ૨૦,૦૦૦ જેટલા લોકો ગુમ થતા હોય છે, ગુમ થયેલા તથા માનવ વેપારનો ભોગ બનેલા લોકોમાં સૌથી વધુ સંખ્યા મહિલા અને બાળકોની જ હોય છે. 

માનવ વેપાર અને ખાસ કરીને તેના થકી સ્ત્રીઓ સાથે આચરવામાં આવતી અમાનુષી હિંસા અસ્વીકાર્ય છે. આથી આ માટે સૌપ્રથમ તો મહિલાઓએ જ સશક્ત બનવું જોઈએ. ત્યારબાદ પોલીસ પ્રશાસન અને સરકારના વિવિધ અભિયાનોને સફળ બનાવવામાં મદદ કરતાં સ્વૈચ્છિક સંગઠનોએ ભેગા મળી આ તમામ નેટવર્કની ભાળ મેળવવી જોઈએ. આ તમામના સહિયારા પ્રયાસથી જ માનવ વેપારના આ આંકડાઓને કંઈક અંશે ઘટાડી શકાશે.


અનુરાગ કશ્યપની ખાસ ફિલ્મ સિરિઝ

અનુરાગ કશ્યપ હંમેશાં વાસ્તવિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આથી આ વખતે પણ તેમણે ટ્રાફિકિંગના સંવેદનશીલ મુદ્દા સાથે ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો છે. અનુરાગ કશ્યપ ‘ટ્રાફિક’ નામના એક શો હેઠળ પાંચ સત્ય ઘટનાઓ અને તેના પીડિતોની કથા આપણી સમક્ષ રજૂ કરે છે. ૩૦ મિનિટની આ પાંચેય ફિલ્મોમાં માનવ વેપારના જુદા જુદા પાસાઓ જેમ કે, ઘરમાં ગુલામ તરીકે રાખવું, બળજબરીથી લગ્ન, દેહવ્યાપારમાં વેચવું, વિદેશી ધરતી પર ગુલામ તરીકે વેચવું, શરીરના અવયવો દગાથી કાઢી નાખવા તથા મજદૂર તરીક બંધક બનાવવા જેવા અનેક મુદ્દાઓને આવરી લેવાયા છે. આ ફિલ્મો પાછળ મુખ્ય હેતુ આજના યુવાનો અને ખાસ કરીને મહિલાઓને જાગૃત કરવાનો છે, જેથી દેશની આ ગંભીર સમસ્યા સામે લડી શકાય.


25 માર્ચ, ૨૦૧૪ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

Monday, March 17, 2014

સાધ્વીઓ શીખે છે કુંગ ફુ



કાઠમંડુ વેલીનો સુંદર નજારો જોઈ શકાય એટલી ઊંચાઈ પર ડ્રુક અમિતાભ પર્વત પર અમિતાભમઠઆવેલો છે. અહીં રોજ વહેલી પરોઢ ૩ વાગ્યે ૩૦૦ જેટલી સાધ્વીઅમિતાભ ડ્રુક્પા મઠમાં નવા દિવસને આવકારે છે. ત્યારબાદ સવારના ૫ વાગ્યે ધ્યાન અને પવિત્ર શબ્દોનું રટણ શરૂ થાય છે. ઘણી વાર કલાકોના કલાકો સુધી આ સાધ્વી ધ્યાનમાં તલ્લીન થઈ જતીહોય છે. પ્રાર્થના બાદ સાધ્વી પોતપોતાના રોજિંદા કામોમાં ગૂંથાઈજાય છે. વર્ષોથી આ પ્રમાણેની જીવનશૈલી જીવતી સાધ્વીના નિત્યક્રમમાં છેલ્લા બે વર્ષથી એક અનોખો બદલાવ લાવવામાં આવ્યો છે. મઠના સ્થાપક એવા ગ્યાલવાન્ગ ડ્રુક્પાએઅહીં કુંગ ફુની તાલીમ પણ શરૂ કરાવી છે. આથી સાંજના સમયે રોજ જ આ તમામ સાધ્વી કુંગ ફુની પ્રેક્ટિસ કરતી હોય છે. કાઠમંડુ વેલીના બહારના ભાગમાં એક નાનકડી ટેકરી પર આવેલો આ મઠ હવે ઘણીસાધ્વીનું રહેઠાણ બની ગયો છે.

પોતાના સમગ્ર જીવનને ધર્મ માટે સમર્પિત કરનાર સ્ત્રી સામાન્ય રીતે સાધ્વી તરીકે ઓળખાય છે. અલબત્ત, આપણે ઘણીવાર ‘સિસ્ટર’(સેવિકા) અને ‘નન’(સાધ્વી)ની ભેદરેખા પારખી શકતા નથી. સાધ્વી એ તેના જીવનકાળ દરમિયાન સમાજથી અલગ રહી પોતાના ઈશ્વરની પ્રાર્થના, ધ્યાનમાં તેનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતી હોય છે, જ્યારે ‘સિસ્ટર’ એ ઈશ્વરની સ્તુતિની સાથે જરૂરિયાતમંદો, ગરીબો, અસ્વસ્થ તથા નિરક્ષર લોકોની સેવા માટે પણ સમય ફાળવતી હોય છે. દુનિયાથી અલગ રહી ધર્મની રાહે ચાલનારી આ સાધ્વીના ઉદાર કાર્યો, જીવન શૈલી અને જીવન પ્રત્યેના તેમના અભિગમ વિશે સામાન્ય રીતે ઘણી વાતો થતી રહે છે, પરંતુ લગભગ બે વર્ષ પહેલા અમિતાભ મઠમાં ૧૯૭૦ના દાયકામાં બ્રુસ લીની ફિલ્મોથી દુનિયાભરમાં જાણીતા થયેલા કુંગ ફુને સાધ્વીના નિત્યક્રમમાં સામેલ કરીને આ સ્ત્રીઓને એક નવી ઓળખ આપવામાં આવી છે, જેને હવે ૩૮ વર્ષીય પ્રસિદ્ધ ફોટોગ્રાફર શોમ બાસુએ કેમેરામાં કેદ કરી છે.

વર્ષ ૨૦૧૧માં સાધ્વી વિશે છપાયેલા એક આર્ટિકલમાં બાસુને અમિતાભ મઠમાં રહેતી સાધ્વી વિશે માહિતી મળી અને કુંગ ફુની તાલીમ લેતી આ સાધ્વી વિશે વધુ જાણવાની તેને તીવ્ર ઈચ્છા થઈઆવી. બાસુએસાધ્વીના કેટલાક ફોટોગ્રાફ્સ અને તેમની જીવનશૈલી વિશે જાણવા મઠના અધિકારીઓ પાસે મઠમાં રહેવાનીપરવાનગી માગી, પરંતુ આ માટે તેઓ તૈયાર નહોતા. આમ છતાં બાસુએ સતત બે વર્ષ સુધી પરવાનગી મેળવવા પ્રયત્ન કર્યા.અંતે માત્ર માત્ર કુંગ ફુ સેશનના ફોટોગ્રાફ્સ લેવાની શરતે બાસુને મઠમાં પ્રવેશ મળ્યો, પરંતુ ત્યારબાદ તેમણે સાધ્વીની દિનચર્યાને વર્ણવતા ફોટો લેવાની પણ મંજૂરી આપી હતી. બાસુ માટે આઅનુભવ તદ્દન નવો અને અનેક પ્રકારના અનુભવોથી ભરેલો હતો. તે કહે છે કે, “મારા માટે સાધ્વી સાથે વાતચીત કરવી તથા તેમની આસપાસ એક પુરુષની હાજરી હોવા છતાં તેમને અનુકૂળતા રહે એ પ્રમાણે વર્તવું મારા માટે થોડું પડકારરૂપ હતું.”જોકે તેમણે સાધ્વીના ઉત્તમ ફોટોગ્રાફ્સ લઈને હિમાલયમાં વસતાં આ ધાર્મિક મહિલાઓને ખૂબ સુંદર રીતે રજૂ કરી હતી. 

વાસ્તવમાં આ મઠના ધાર્મિક વડા ગ્યાલવાન્ગ ડ્રુક્પા વિયેતનામની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે સાધ્વીને વિયેત કોન્ગના કેટલાક લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી યુદ્ધની તાલીમ લેતાં જોઈ. તેઓ આ તાલીમથી એટલા પ્રભવિત થયા કે તેમણે ચાર વિયેતનામીને અમિતાભ મઠમાં આવવા આમંત્રણ આપ્યું, જેથી ત્યાં રહેતી સાધ્વીને તેમના યોગાભ્યાસમાં કુંગ ફુની તાલીમ આપી શકાય અને સાથે જ સાચા અને ખોટા કાર્યો વચ્ચેનો સૂક્ષ્મ તફાવત પણ સમજાવી શકાય. ગ્યાવાન્ગ કહે છે કે, “અમારા મઠમાં રહેતી સાધ્વીનો આધુનિક દુનિયા સાથેનો સંપર્ક ઘણો ઓછો છે અને તેથી જ તેઓમાં આત્મવિશ્વાસનો અભાવ ઘણીવાર હું અનુભવું છું. હું એવું નથી માનતો કે હું શ્રેષ્ઠ શિક્ષક કે પથદર્શક છું, પણ જાતીય સમાનતાના માનું છું. આથીઅમિતાભ મઠની સાધ્વીને પણ આ પ્રકારની તાલીમ મળવી જોઈએ એવો વિચાર મારા મનમાં ઝબક્યો અને એટલે જ મને સતત ખંતપૂર્વક કામ કરવાની પ્રેરણા મળતી રહે છે.”

૮૦૦ વર્ષ જૂના આ ડ્રુક્પામાં ધ્યાનની સાથે માર્શલ આર્ટના પાઠોને ઉમેરીને ગ્યાવાન્ગે અહીંની સાધ્વીને સ્ત્રી સશક્તિકરણનો એક હિસ્સો બનાવી દીધી છે. આ તમામ સાધ્વી દિવસની ૯૦ મિનિટ કુંગ ફુના પાઠો શીખે છે. અહીં આ સ્ત્રીઓને રાંધવાના અને ઘરના અન્ય કામોની સાથેબિઝનેસ કરવા માટેની આવડતો, ૨૭ રૂમ ધરાવતા ગેસ્ટ હાઉસ તથા કોફી શોપની જવાબદારી વગેરે જેવા અનેક કામો પણ સોંપવામાં આવે છે, જેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બને અને આત્મસન્માનથી પોતાનું જીવન જીવી શકે. અહીં નવ વર્ષથી લઈ ૫૨ વર્ષની સાધ્વીનો સમાવેશ થાય છે. આ મઠમાં લડાખ, લાહોલ, ભુતાન અને સિક્કિમથી પણ મહિલાઓ આવતી હોય છે. હિમાલયમાં સામાન્ય રીતે બૌદ્ધસાધ્વીને સાધુ-સંતોથી ઉતરતી કક્ષાનો દરજ્જો આપવામાં આવતો હતો. આથી શારીરિક શ્રમથી તેમને દૂર રાખી સાફ-સફાઈ અને રાંધવાના કામોમાં વ્યસ્ત રાખવામાં આવતી, પરંતુ ગ્યાવાન્ગના પ્રયત્નોથી હવે અહીંના સાધ્વીની સ્થિતિમાં સુધારો આવ્યો છે. ચાર વર્ષ પહેલા ભુતાનથી અમિતાભ મઠમાં પ્રવેશ મેળવનાર જિગ્મ વાન્ગચુક લિહામો કહે છે કે, “કુંગ ફુના પાઠો શીખવવાનો મુખ્ય હેતુ સારા સ્વાસ્થ્ય અને ફીટનેસનો છે, પણ આ સાથે જ તે અમને આત્મરક્ષણ અને ધ્યાનમાં પણ ઘણા મદદરૂપ થાય છે. કુંગ ફુથી અમને માત્ર શારીરિક સ્વસ્થતા નહીં, પણ માનસિક સ્વસ્થતા પણ મળે છે.”


કાઠમંડુના આ મઠમાં ચાલતી કુંગ ફુની તાલીમમાંથી પ્રેરણા લઈને બૌદ્ધ સાધ્વી જેત્સુન્મા તેન્ઝિન પાલ્મો હિમાચલ પ્રદેશમાં આવેલા તેના મઠમાં પણ આ પ્રકારની તાલીમ આપવાની યોજના કરી રહી છે. જેત્સુન્મા કહે છે કે, “કુંગ ફુ જેવી માર્શલ આર્ટને સાધ્વીના નિત્યક્રમમાં ઉમેરવાના ઘણા ફાયદા છે. સૌથી પહેલા તો આ પ્રકારની કસરતથી શરીર સ્વસ્થ રહે છે. બીજુ, તેના કારણે આપણામાં એકાગ્રતા અને શિસ્તતા પણ આવે છે. ત્રીજો ફાયદો એ કે સાધ્વીમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ કેળવાય છે અને ચોથો તથા મહત્ત્વનો મુદ્દો એ કે મઠની આસપાસ રહેતા યુવાનોને જો ખબર પડે કે સાધ્વી પણ હવે કુંગ ફુથી પરિચિત છે તો તેઓ સાધ્વીથી એક અંતર જરૂરથી રાખતા થાય છે.” વળી જેત્સુન્મા અનુસાર તો મઠમાં હવે સાધ્વીને આપવામાં આવતા શિક્ષણ અને આ પ્રકારની ઉત્કૃષ્ટ તાલીમને કારણે વધુ ને વધુ યુવતીઓ સાધ્વી બનવા માટે પ્રેરાઈ રહી છે!

સામાન્ય રીતે સાધ્વીના મઠોમાં પુરુષોનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે. આમ છતાં બે મહિના અહીં રહી સાધ્વીના જીવનને નજીકથી પારખી શોમ બાસુએ આ મહિલાઓની શક્તિ અને અભિગમને ફોટોગ્રાફ્સમાં કંડારીઅલગ જ રીતે વ્યાખ્યાયિત કર્યાં છે. હવે તેઓ પોતાના આ રોમાંચક અનુભવને પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે જ તેમણે લીધેલા સાધ્વીના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજવાની તૈયારી થઈ રહી છે. 

સાધ્વીનઓનું પવિત્ર ધામ

વર્ષ ૧૯૮૯માં ડ્રુક્પા વંશના ધાર્મિક વડા ગ્યાલવાન્ગ ડ્રુક્પાએ કાઠમંડુમાં ડ્રુક અમિતાભ મઠની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તેમની માતાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને ગ્યાલવાન્ગે અમિતાભની વિશાળ મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું હતું. આ સાથે જ એ જમીન પર રહેવા માટે ઘરના બાંધકામની પણ યોજના હતી. પણ જ્યારે ગ્યાલવાન્ગની માતાએ ખોદકામ દરમિયાન અનેક જીવજંતુઓને મૃત્યુ પામતા જોયા ત્યારે તેમણે આ જમીન અન્ય લોકોના ઉદ્ધાર માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું અને ત્યારબાદ અહીં અમિતાભ મઠની સ્થાપના કરવામાં આવી હતી. નાના પાયા પર શરૂ થયેલો આ મઠ આજે ૩૦૦ જેટલી સાધ્વી માટેનુ નિવાસસ્થાન બની રહ્યું છે. આ આખા મઠનું સંચાલન મહિલાઓ જ કરે છે. જાતીય સમાનતા માટે મહિલાઓનું સશક્તિકરણ તથા મઠના ક્રમશઃ થયેલા વિકાસને કારણે અમિતાભ મઠ હિમાલયની તળેટીનું એક પવિત્ર ધામ બની ગયું છે.

25 ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

Tuesday, March 11, 2014

ફરી નીકળશે ગાંધીજીની દાંડી યાત્રા


“હવે પછીની આવનારી પેઢી માટે એ માનવું મુશ્કેલ હશે કે ગાંધી જેવા કોઈ લોહી-માંસના બનેલા એક માણસનું ક્યારેક આ ધરતી પર અસ્તિત્વ હતું.” દુનિયાના સૌથી મહાન વિજ્ઞાનીઓ પૈકીના એક ગણાતા આલ્બર્ટ આઈન્સટાઈને ગાંધીજીના ૭૦મા જન્મદિવસે આ શબ્દો ઉચ્ચાર્યા હતા અને આજની સ્થિતિ જોઈને તે ખરાં અર્થમાં સાચા પણ ગણાવી શકાય. ‘રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ’ જેવા ભજનોને દેશની સ્વતંત્રતાની લડત સાથે જોડનાર ગાંધીજીના યુગને પસાર થયાને આજે ઘણા દાયકાઓ વીતી ગયા છે અને એટલે જ તેમના આ ભજનના શબ્દો પણ આજે કંઈક આ પ્રમાણે સંભળાઈ રહ્યા છે, ‘રઘુપતિ રાઘવ રાજારામ, ઘાયલ હૈ ભોલા ઈન્સાન’. સમય બદલાયો છે અને લોકોના વિચારો, ‘ગાંધીગીરી’ની વ્યાખ્યાઓ તથા મૂલ્યો પણ બદલાયા છે. આવી પરિસ્થિતિમાં દેશવાસીઓને તેમની સ્વતંત્રતાના ખરા મૂલ્યનું મહત્ત્વ સમજાવવા સરકારે એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.

આશ્ચર્યની વાત તો એ છે આ પ્રયાસના પાયા વર્ષ ૨૦૦૫થી નંખાયા હતા! વાસ્તવમાં વર્ષ ૨૦૦૫માં આપણા દેશના વડા પ્રધાન મનમોહન સિંઘે ‘નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ (મીઠાં સત્યાગ્રહના રાષ્ટ્રીય સ્મારક)ના એક મોટા પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. ૧૨, માર્ચ ૧૯૩૦ના રોજ શરૂ થયેલી દાંડીયાત્રાને આજે ૭૫ જેટલા વર્ષ પૂરા થવા આવ્યા છે. આથી દેશની સ્વતંત્રતાની લડતને અહિંસાના શસ્ત્રથી વધુ મજબૂત બનાવનાર ગાંધીજીની દાંડીયાત્રાના એક સન્માન સ્વરૂપે આ આખા પ્રોજક્ટને આકાર આપવામાં આવ્યો છે. મુંબઈના પવઈ ખાતે આવેલી આઈઆઈટીને આ સ્મારક માટેની ડિઝાઈન, પૂર્વ તૈયારી તથા આખા આયોજનની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ગત વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર માસમાં પવઈના આઈઆઈટી કેમ્પસમાં ખાસ વર્કશોપ પણ યોજવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટ અનુસાર ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહનું દેશવાસીઓને સ્મરણ કરાવવા નવસારી પાસે આવેલા દાંડીમાં જ એ આખું, વર્ષો જૂનું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. આ માટે આખા પ્રોજેક્ટને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક ભાગમાં ગાંધીજી સાથે જોડાયેલા ૮૦ સેવકોની પ્રતિમાનું નિર્માણકાર્ય નક્કી કરાયું હતું. આ તમામ શિલ્પો આઈઆઈટી, પવઈ ખાતે ગત ડિસેમ્બરમાં બનાવવામાં આવ્યા હતા, જેમાંગાંધીજીની પ્રતિમા સદાશિવ સાથેએ તૈયાર કરી હતી. આ તમામ શિલ્પો હવે દાંડી સુધી લઈ જવાની તૈયારી ચાલી રહી છે.આ સાથે જ ગાંધીજીની ૧૫ ફૂટની કાંસાની બનેલી પ્રતિમા અને અને ગાંધીજી તેમજ તેમની દાંડીયાત્રાનું સ્મરણ કરાવતા કેટલાક મ્યુરલ(ભીંતચિત્રો)પણ દાંડી ખાતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજા ભાગમાં દાંડીમાં બની રહેલા આ પ્રોજક્ટના સ્મારકને લઈને કેટલાક બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં દાંડીપથ, કૃત્રિમ તળાવ, સોલર પેનલ તથા અન્ય જરૂરી સાધનો મૂકવાની તૈયાર કરવામાં આવી રહી છે.

આખા સ્મારકમાં લાઈટના પિરામિડ વચ્ચે ગાંધીજીની વિશાળ પ્રતિમા સાથે તેમની અનુસરતા ૮૦ સેવકોના શિલ્પો મૂકવાની યોજના છે. દાંડીની એ ઐતિહાસિક ધરતી પર આકાશ તરફ ફેલાયેલા બે વિશાળ, ઊંચા હાથની નીચે ગાંધીજીનું મુખ્ય શિલ્પ મૂકવામાં આવશે તથા આ હાથોમાં મીઠાના સત્યાગ્રહની નિશાનીરૂપે મીઠાના સ્ફટિક પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત, હાથોમાં સોલર પેનલ પણ મૂકવામાં આવી છે. આ સાથે ગાંધીજીના શિલ્પની બેઠકમાં એલઈડીની વ્યવસ્થા એ રીતે કરવામાં આવી છે કે રાત્રિના સમયે આ પિરામિડમાંથી ચમકતી લાઈટ મીઠાના સ્ફટિકની રચના કરે. ગાંધીજીની વિશાળ પ્રતિમા સાથે સત્યાગ્રહમાં ૩૯૦ કિલોમીટરની કૂચ કરનારા૮૦ સ્વયંસેવકોની યાત્રાને દર્શાવતું આ આખું જીવંત દ્રશ્ય લોકો સમક્ષ એપ્રિલ, ૨૦૧૫ સુધીમાં ખુલ્લું મૂકવાની યોજના છે.

દાંડી યાત્રા ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે. આથી સ્વતંત્રતાની લડતને એક નવી જ વ્યાખ્યા પૂરી પાડનાર આ સત્યાગ્રહની ઐતિહાસિક ઘટનાને કળાની મદદથી ફરીથી યાદ કરવા આ આખા પ્રોજક્ટને તૈયાર કરવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ સરકાર આ પ્રોજેક્ટ માટે ૬૬ કરોડ જેટલા રૂપિયાનો ખર્ચ કરી રહી છે, જે પૈકી ૧૦ કરોડ જેટલા રૂપિયા ગાંધીજી તથા તેમની સાથે કૂચમાં સામેલ થયેલા સાથીઓના શિલ્પો તૈયાર કરવા પાછળ ફાળવવામાં આવ્યા હતા.


દાંડી યાત્રાને સફળ બનાવનારા ગાંધીજીના સાથીદારોના શિલ્પ બનાવવા માટે આખા દેશની કળા અને શિલ્પને લગતી વિવિધ શાળા અને કોલેજોમાં જઈ ઉત્તમ શિલ્પકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિદેશમાંથી પણ કેટલાક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ માટે મુંબઈના પવઈ ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટિયુટ ઓફ ટેકનોલોજી(આઈઆઈટી)માં બે વર્કશોપમાં યોજવામાં આવ્યા હતા, જેમાં દેશ-વિદેશના ૪૧ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. દિલ્હી, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ વગેરે જેવા રાજ્યો તથા શ્રીલંકા, અમેરિકા, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, જાપાન, મ્યાનમાર, તિબેટ તથા ઈંગ્લેન્ડ જેવા દેશોના ઉત્કૃષ્ટ કલાકારોએ આ માટે રસ દાખવ્યો હતો. આઈઆઈટીના પ્રોફેસર કે.કે. ત્રિવેદીએ શિલ્પો બનાવવાના વર્કશોપનું સંચાલન કર્યું હતું. તેઓ કહે છે કે, “ગાંધીજીની દાંડીયાત્રાનું સ્મારક બનાવવાનું એકમાત્ર કારણ એક સામાન્ય માણસ પોતાના હક માટે કઈ રીતે લડી શકે એ લોકોને ફરી યાદ અપાવવાનું છે. અમારા કાર્યમાં ગાંધીજીના આદર્શો અને મૂલ્ચો જળવાઈ એની અમે પૂરતી તકેદારી રાખી છે. આ સ્મારક માત્ર ભારતીયો માટે નહીં, પરંતુ આખા વિશ્વ માટે છે. માર્ટિન લુથર કિંગ જુનિયરથી લઈને નેલ્સન મંડેલા જેવા મહાનુભવોને પ્રેરણા આપનાર ઐતિહાસિક ઘટનાને અમે આજના સમયમાં ફરીથી બનાવવાની કોશિશ કરી છે.”

આઈઆઈટીમાં યોજવામાં આવેલા વર્કશોપમાં કલાકારો ગાંધીજીની અહિંસાની નીતિને તેમજ દાયકાઓ પહેલાના એ વાતાવરણને પૂરી રીતે સમજી શકે એ માટે ગાંધીજીના સિદ્ધાંતો તેમજ નીતિઓને સમજાવતા વિવિધ ટોક શો પણ યોજવામાં આવ્યા હતા. આ સાથે જ ‘ગાંધી’, ‘અ સેન્ચ્યુરી ઓફ નોનવાયોલન્ટ કોન્ફ્લિક્ટ’, ‘મહાત્માઃ લાઈફ ઓફ એમકે ગાંધી’ વગેરે જેવી ફિલ્મો તથા ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓમાં ઉછરેલા આ કલાકારો માટે આ એક નવો જ અનુભવ હતો. તિબેટમાં ચાલતા ચીનના શાસનથી ત્રસ્ત થઈ મૈસુરમાં સ્થાયી થયેલા લોબે જાન્ગચુ અને થુપ્ટેન ત્સેરિંગ પોતાના આ અનુભવ વિશે કહે છે કે, “આ વર્કશોપ અમારા માટે ઘણો મહત્ત્વનો હતો. આટલા દિવસમાં અમને ગાંધીજી વિશે તેમજ અહીં આવેલા જુદા જુદા લોકો તથા તેમના રહેઠાણ વિશે ઘણી વાતો જાણવા મળી છે. કલાકાર માટે આ એક અગત્યનું પ્લેટફોર્મ તો ગણાવી જ શકાય પણ એ સાથે જ તિબેટમાં ચીનને કારણે જે સમસ્યા થઈ રહી છે તેના માટે અમને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતની મદદથી લડત આપવાની પ્રેરણા પણ મળી છે. અમે ભારતમાં સ્થાયી થયા છીએ, પણ અમારે પણ ઘરે જવું છે, જ્યાં શાંતિપૂર્વકનું વાતાવરણ હોય.” આ પ્રોજેક્ટ માત્રગાંધીજીના એક સ્મારકના નિર્માણનું નહીં, પરંતુ તેમની અહિંસક વિચારસરણીના પાયા ફરીથી નાંખવામાટે નિમિત્ત બન્યું છે એવું આ કલાકારોનું માનવું છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે વિદેશમાંથી આવેલા કલાકારો ગાંધીજીના સિદ્ધાંતો અને વિચારોથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે આ પ્રોજક્ટ માટે એ દાયકાનો અને ગાંધીજીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો અને એ સમયના વાતાવરણને તથા કૂચ કરતાં સ્વયં સેવકોના હાવભાવોનું આબેહૂબ ચિત્રણ શિલ્પમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. 

આજે જ્યારે દેશમાં રાજકીય ક્ષેત્રની ઉથલપાથલ ખૂબ જોરશોરમાં ચાલી રહી છે ત્યારે વિસરાઈ ગયેલા ગાંધીજી અને તેમના આદર્શોની યાદ અપાવવા આ પ્રકારનું આયોજન અનિવાર્ય બન્યું છે. દાયકાઓ પહેલા વિદેશી પ્રજાએ દેશને કબજે કર્યો ત્યારે ગાંધી નામના સામાન્ય માણસે દાંડી યાત્રા જેવી અહિંસક લડતથીઆઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. આજે જ્યારે ફરી ‘આમ આદમી’ના મૂલ્યની અવગણના કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીજીની જ પ્રતિમાથી ફરી એકવાર દેશમાં ક્રાંતિ સર્જવાની આ પહેલ લોકોમાં એ જ ઉત્સાહ કેળવવા આધારરૂપ બની શકશે!


11 માર્ચ, 2014ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

Thursday, March 6, 2014

...તો રુક્મિણી પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યા હોત



બે દિવસ પછી આવી રહેલા ‘વિશ્વ મહિલા દિન’ નિમિત્તે સ્ત્રીઓની ગરિમા જાળવવા અને દુનિયાભરમાં થતા મહિલાઓના શોષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દુનિયાભરના મહિલા સંગઠનોએ કમર કસી છે. વિવધ કાર્યક્રમ, વર્કશોપથી માંડીને પ્રવચનો અને સંમેલનોનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. રસ્તાઓ પર, મોટા મોટા હોલમાં તથા ટીવી અને રેડિયોની વિવિધ ચેનલો પર કેટલીક ‘વીરાંગના’ઓનેય આમંત્રિત કરવામાં આવશે, જેથી આ દિવસે મહિલાઓ તેઓની સ્થિતિ અને અધિકારો અંગે જાગૃત થાય. અલબત્ત, આ તમામ માધ્યમો સંદેશો ફેલાવવા માટે ખૂબ જ અસરકારક છે, આમ છતાં ધીમી ‘ક્રાંતિ’ સર્જવા પુસ્તકો હંમેશાં એક મહત્ત્વનું માધ્યમબની રહે છે અને તેથી જ કોંગ્રેસના નેતા કરણ સિંઘે મહિલાઓને સંદેશો પહોંચાડવા પુસ્તકનું માધ્યમ પસંદ કર્યું છે. સિંઘે તેમના જીવન પર ઊંડી અસર છોડી જનાર કેટલીક મહિલાઓ વિશેનું સુંદર નિરૂપણ તેમના પુસ્તકમાં કર્યું છે.

મહિલા દિન નિમિત્તે આ પુસ્તક તમને કેટલીક ઉત્તમ સ્ત્રીઓની લેખક સાથેની મુલાકાતનો નિચોડ તો આપશે જ, પણ એ સાથે એક સ્ત્રીની હિંમત અને પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠાને પણ ઘણી સરળતાથી રજૂ કરે છે. કરણ સિંઘનેસામાન્ય રીતે આપણે રાજ્યસભાના સાંસદ તથા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેમના નવા પુસ્તક ‘મિટિંગ્સ વિથ રિમાર્કેબલ વિમેન’થી તેમની રાજકીય ઓળખ સિવાયની એક લેખક તરીકેની નવી જ છબી આપણી સમક્ષ ઉપસે છે. વાસ્તવમાં કરણ સિંઘ જમ્મુ અને કશ્મીરના છેલ્લા શાસક મહારાજા હરિસિંઘના પુત્ર છે. આથી તેઓબાળપણથી જ અનેક મહાન હસ્તીઓના પરિચયમાં આવ્યા હતા, જે પૈકી કેટલાક ઉત્તમ શાસક હતા, તો કેટલાક ઉત્તમ નેતા કે પછી ક્રાંતિકારી હતા. સાથે જે-તે ક્ષેત્રમાં અનેક શિખરો સર કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ પણ તેમાં સામેલ હતી. આથી તેમની દીકરી જ્યોત્સનાની સલાહથી તેમણે પોતાના જીવનને સ્પર્શનાર કેટલીક મહિલાઓ પૈકીની ૨૭ જેટલી મહિલાઓ સાથેની પોતાની મુલાકાતને આ પુસ્તકમાં વર્ણવી છે. 

કરણ સિંઘે ઈન્દિરા ગાંધી, ગાયત્રી દેવી, રુક્મિણી દેવી અરૂંડેલ, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત, હેલન કેલર તથા તેમની(કરણ સિંઘ) માતા મહારાણી તારા દેવીનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. રાજઘરાનામાં જન્મ થયો હોવાથી ભાષાનીશુદ્ધિઅને સરળ લેખનશૈલી પુસ્તકને વધુ રોચક બનાવે છે. આ સાથે જ તેઓ સંસ્કૃત ભાષાના પણ વિદ્વાન છે. ૮૨ વર્ષના કરણ સિંઘ પ્રાચીન ભારતના રંગે જેટલા રંગાયા છે તેટલા જ આધુનિકતાનેય વરેલા છે. વળી, તેઓપરંપરા અને આધ્યાત્મિક સ્તરે ખૂબ જ વિસ્તૃત સમજ પણ ધરાવે છે. આથી જ તેમણે કરેલા મહિલાઓના આ આલેખનમાં મહિલાઓના વ્યવસાયિક ધોરણોને બદલે આધ્યાત્મિક દૃષ્ટિકોણને કેન્દ્રસ્થાનેરાખવામાં આવ્યો છે અને તેથી જ પુસ્તક એક રાજકીય મુદ્દો ન બનતા આ મહિલાઓની જીવનકથાને સરળ શબ્દોમાં રજૂ કરતું એક ઉત્તમ પ્રેરણાદાયી માધ્યમ બની રહે છે. તેમણે આ મહિલાઓ સાથેના પોતાના અનુભવોને અને તે સમયની ભારતની સ્થિતિને પુસ્તકમાં ખૂબ જ કુશળતાપૂર્વક સમાવવાનો પ્રયત્ન કર્યો છે. આથી આ મહિલાઓની હજી સુધી અકથિત વાતોની સાથે ભારતના ઈતિહાસની થોડી ઝલક પણ આ પુસ્તકમાં મળે છે. 

કરણ સિંઘ પર તેમની માતાનો ઘણો પ્રભાવ રહ્યો હતો. આથી આ પુસ્તકના શરૂઆતના પ્રકરણોમાં તેમણે તેમની માતા મહારાણી તારા દેવી વિશે આલેખન કર્યું છે. તારા દેવી તેમના પતિ હરિ સિંઘ કરતાં ૨૫ જેટલા વર્ષ નાના હતા. કરણ સિંઘ પુસ્તકમાં લખે છે કે, “નાનકડાં ગામડામાંથી આવેલી એક સામાન્ય યુવતીએ કઈ રીતે ભારતના એક મોટા પ્રદેશની મહારાણી તરીકેની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી એ ખરેખર એક રોમાંચક સફર કહી શકાય. મારી માતાએ મહેલની રીતભાત અને ભવ્યતાને પોતાના વ્યક્તિત્વમાં ખૂબ જ સાહજિકતાથી સમાવી લીધા હતા. આમ છતાં પોતાના વ્યક્તિત્વને મજબૂત અને પ્રતિભાશાળી બનાવવાના થોડાં વર્ષો દરમિયાન મારી માતા અને પિતા વચ્ચે અનેક મતભેદો થતા હતા.”

કરણ સિંઘના ઘડતરમાં તેમની માતાનો ઘણો મોટો ફાળો છે. તારા દેવી ડોંગરી અને હિંદી ભાષાના જાણકાર હતા. આ સાથે જ અંગ્રેજી પણ થોડું ઘણું જાણતા હતા. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ તથા અન્ય નેતાઓ સાથે લાંબી લાંબી ચર્ચામાં પણ ભાગ લેવાનું તેઓ પસંદ કરતા હતા.કરણ સિંઘ લખે છે કે, “રામાયણ, મહાભારત તથા કલ્યાણ મેગેઝિનમાં આવતી પ્રેરણાદાયક કથાઓ સાથે તે મને ડોંગરા પહાડી ગીતો અને ભજનો પણ શીખવાડતી. તે મને દરેક વર્ગની વ્યક્તિ સાથે સમાન વર્તન કરી નમ્ર રહેવાની શીખ આપતી હતી.”આ સાથે જ તેમણે આઝાદી બાદ તેમના પિતા અને શેખ અબ્દુલ્લા વચ્ચે થયેલા અણબનાવો અને તેના માતા અને પિતાએ કઈ રીતે જમ્મુ કશ્મીર છોડવું પડ્યું હતું એ વિશેની વાતોનું પુસ્તકમાં રસપ્રદ વર્ણન કર્યું છે.

કરણ સિંઘે આલેખેલી તમામ સ્ત્રીઓને તેઓ જીવનના જુદા જુદા તબક્કામાં મળ્યા હતા અને તે તમામ મહિલાઓના જીવનને નજીકથી અનુભવવાથી સિંઘના મગજ પર તેઓની ઘણી ઊંડી છાપ પડી હતી. અલબત્ત, કેટલીક મહિલાઓને તો તેઓ કેટલાક મર્યાદિત સમય માટે જ મળ્યા હતા અને છતાં તેઓની શક્તિ, સમજ અને જીવન પ્રત્યેના અભિગમે સિંઘને ખૂબ પ્રેરણા આપી હતી અને તેથી જ એ મુલાકાત તેમના માટે જીવનભરનું એક સંભારણું બની ગઈ હતી. કરણ સિંઘે સમાવેલી મહિલાઓમાં કેટલીક મહિલાઓ દુનિયાભરમાં જાણીતી છે જ્યારે કેટલીક મહિલાઓ ઈતિહાસના પાનાઓમાં ક્યાંય વિસરાઈ ગઈ છે. આથી આ મહિલાઓની અદભુત પ્રતિભાને એક આધારસ્તંભ ગણી આજે થઈ રહેલા મહિલાઓ પરના વિવિધ અત્યાચારો સામે મહિલાઓને શક્તિ પૂરી પાડવા તેમણે આ પુસ્તકમાં વિવિધ મહિલાઓને સ્થાન આપ્યું છે. સિંઘેઆ તમામ મહિલાઓનાઆખા જીવન વિશેપુસ્તકમાં સંક્ષિપ્તમાં માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે તેમની આ મહિલાઓ સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અને કેટલાક દુર્લભ ફોટોગ્રાફ પણ પુસ્તકને વધુ વાંચવા યોગ્ય બનાવે છે. 

આઝાદ ભારતમાં વર્ષ ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી સૌથી મહત્ત્વની અને રાજકીય રીતે સૌથી વિવાદાસ્પદ ઘટના હતી. કરણ સિંઘે ઈન્દિરા ગાંધી અંગેના પ્રકરણમાં આ કટોકટીના સમયને પણ આવરી લેતા લખ્યું છે કે, “એક સાંજે મારી ડેસ્ક પર બેઠાં બેઠાં મેં એક પત્ર લખ્યો હતો, જેમાં એક કેબિનેટના મંત્રી તરીકે એ પત્ર લખવાની મારી કોઈ લાયકાત નથી, છતાં એક અંગત સંબંધને આધારે એ પત્ર લખવાની મારી ક્ષમતા વિશે મેં ઉલ્લેખ કર્યો હતો. મેં ઈન્દિરા ગાંધીને રાજીનામુ આપવાનું સૂચવ્યું હતું...”હકીકતમાં કરણ સિંઘે લખેલા આ પત્ર પાછળનો હેતુ સ્પષ્ટ હતો. તેમના અનુસાર ઈન્દિરા ગાંધી રાજીનામું આપત તો રાષ્ટ્રપતિ એમ કહીને તેનો અસ્વીકાર કરી શક્યા હોત કે આ અંગેનો અંતિમ નિર્ણય સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધારે લેવામાં આવશે. આથી સિંઘ અનુસાર એ સમયે ઈન્દિરા ગાંધીની જે આકરી ટીકા થઈ હતી તે થોડાં અંશે ટાળી શકાઈ હોત. 

પોતાના અંગત સંબંધ તથા સળગતા રાજકીય કિસ્સાઓ સાથે કરણ સિંઘે દેશમાં કળાને માનવંતુ સ્થાન આપનાર રુક્મિણી અરૂંડેલ વિશે પણ ઘણી રસપ્રદ વાતો રજૂ કરી છે. દેવદાસીના નૃત્ય તરીકે જાણીતા ભરતનાટ્યમ(નૃત્યનો એક પ્રકાર)ને રુક્મિણી અરુંડેલે આખા દેશમાં લોકપ્રિય કર્યું હતું. તેમના આ પ્રદાનને ધ્યાનમાં લઈને જ્યારે મોરારજી દેસાઈએ તેમને રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારી નોંધાવવા સૂચવ્યું ત્યારે પોતે તેમનું આખું જીવન માત્ર કળાને સમર્પિત કર્યું છે એમ કહી રુક્મિણીએ એ સૂચનનો ખૂબ નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતો. બીજી બાજુ હેલન કેલર જેવી વિશ્વ વિખ્યાત મહિલાના પ્રકરણમાં તેમની સાથે ગાળેલી અમુક મિનિટોને આધારે સિંઘે મહિલાઓની શક્તિને તદ્દન નવી રીતે વ્યાખ્યાહિત કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાના વર્ણનને આધારે સિંઘ આપણી સમક્ષ પ્રશ્ન મૂકે છે કે એક મહિલા, જે જોઈ નથી શકતી કે સાંભળી નથી શકતી, તે જ્યારે તેની શારીરિક નબળાઈઓથી ઉપર ઉઠીને જીવનમાં અન્ય માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બની શકતી હોય તો એક ભારતીય મહિલા કેમ આવી સિદ્ધિ હાંસલ ન કરી શકે!

આપણા દેશમાં, અલબત્ત, વિશ્વભરમાં ‘વેચાતા’ સાહિત્યમાં આત્મકથા અને મુલાકાતના સંકલનથી બનેલા પુસ્તકોની સંખ્યા હવે જ્યારે દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે પ્રસિદ્ધ અભિનેત્રી શર્મિલા ટાગોર અનુસાર કરણ સિંઘના આ પુસ્તકને પણ પોતાના બુકશેલ્ફમાં સમાવવા યોગ્ય ગણી શકાય એમ છે. મહિલા દિનની ઉજવણીમાં સફળ સ્ત્રીઓની સંઘર્ષ કથા સાંભળીને ક્ષણિક જોમ અને ઉત્સાહ મહિલાઓ અનુભવે એ સ્વાભાવિક છે, પણ જ્યારે વિવિધ ક્ષેત્રોની મહિલાઓના જીવનની સામાન્ય વાતોને આધારે કરણ સિંઘે કાઢેલા નિષ્કર્ષને જો મહિલાઓ ઘૂંટડે ઘૂંટડે પણ પીશે તો ચોક્કસ મહિલા દિનની ઉજવણીને સાર્થક બનાવી શકાશે. 

‘મિટિંગ્સ વિથ રિમાર્કેબલ વિમેન’
લેખક- કરણ સિંઘ
પ્રકાશક- પેલિમ્પસેસ્ટ પબ્લિકેશન
કિંમત- રૂ. ૧,૫૦૦
પૃષ્ઠ- ૧૦૮

૪ માર્ચ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.