Tuesday, April 29, 2014

મતદાર તરીકે મહિલાઓ કેટલી જાગૃત છે?



સામાન્ય માન્યતા એવી છે કે મહિલાઓને રાજકારણમાં રસ પડે નહીં અને પતિ કહે તે પક્ષ કે ઉમેદવારને મત આપી આવે. જોકે વીસમી સદીની આ માન્યતા એકવીસમી સદી માટે સંપૂર્ણપણે સાચી નથી. મહિલાઓ પણ અખબારો-સામયકિિ વાંચે છે અને ટીવી પર ન્યૂઝ જુએ છે એટલે તે દેશની સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર છે તેને ખબર છે કે દેશમાં ઘણા સ્થળોએ સ્ત્રીઓ માટે અસુરક્ષાનો માહોલ છે, મોંઘવારી વધતા તેનું બજેટ ખોરવાઈ જાય છે. ‘ગુજરાત ગાર્ડિયન’ એ જ્યારે વિવિધ ઉંમરની સ્ત્રીઓ સાથે ચૂંટણી વિશે વાત કરી ત્યારે આવી ઘણી હકીકતો બહાર આવી જે જૂની માન્યતાઓને ખોટી પાડે છે. ચાલો, આ સ્ત્રીઓના મંતવ્યો વિસ્તારપૂર્વક જાણીએ.

કાયદાની ઊંડી સમજ ધરાવતા ભાવનગરના રહેવાસી પ્રતિભા ઠક્કર જણાવે છે કે, “આપણા સમાજમાં મહિલાઓ હવે ગૃહિણી અને વ્યવસાયિક એમ બે વિભાગોમાં વહેંચાઈ ગઈ છે. એક બાજુ વ્યવસાયિક મહિલાઓ પોતાના કાર્યક્ષેત્રમાં સુરક્ષા, પ્રમોશન તથા મૂળભૂત હકો માટે જાગૃત થઈ છે તો બીજી બાજુ ગૃહિણીઓ પણ ચૂંટણી માટે તેમની પાયાની કેટલીક જરૂરિયાતો સંતોષાય એ માટે થોડા ઘણા અંશે જાગૃત છે, પણ તેમના પર ધર્માચારીઓની અસર વધુ રહેતી હોય છે. આ માટે તેમનું ઓછું ભણતર તથા વાંચનનો અભાવ એ મહત્ત્વના કારણ છે. ઘરેલું મહિલાઓની આ નબળાઈનો રાજકીય પક્ષો પણ પૂરો ફાયદો ઉઠાવે છે અને વિવિધ કર્મકાંડો કરાવે છે, જેની સીધી અસર આ મહિલાઓ પર પડે છે અને તેઓ પોતાનો એક રાજકીય મત કેળવી લે છે. કેટલાક ધર્મ ગુરુઓ ઘણીવાર આદેશો પણ બહાર પાડતા હોય છે અને તેની અસર પણ ગૃહિણીઓ પર વધુ પ્રમાણમાં થતી હોય છે. આ સંપ્રદાયો ગૃહિણીઓની રોજબરોજની સમસ્યાઓનો કેટલાક અંશે ઉકેલ લાવતા હોવાથી તેમનો વિશ્વાસ મજબૂત બને છે અને વધુ વિચાર્યા વિના તેઓ જે તે સંપ્રદાયની વિચારશૈલીને અપનાવી લે છે.” 

હજુ પણ એવા અનેક પ્રદેશો તથા શહેરો છે, જ્યાં મહિલાઓ સ્વતંત્ર રીતે વિચારી શકતી નથી અથવા તો મહિલાઓ વિચારે એવું માહોલ ઊભું કરાતું નથી. અલબત્ત પરિસ્થિતિ દરેક ક્ષેત્રમાં સરખી પણ નથી. સુરતમાં રહેતા અને વ્યવસાયે ગૃહિણી એવા સુમિતા બી પટેલ કહે છે કે, ‘‘એક રીતે જોવા જઈએ તો બધા જ પક્ષોએ ક્યાંકને ક્યાંક મહિલાઓને નિરાશ કરી છે, પણ કયા પક્ષે ઓછા નિરાશ કર્યા એના આધારે હવે મહિલાઓ નિર્ણય લે એ વધુ યોગ્ય છે. હું એક ગૃહિણી છું, છતાં મારો એક ચોક્કસ અભિગમ છે. એક ગૃહિણી તરીકે સૌથી વધુ સતાવતી સમસ્યા હોય તો તે મોંઘવારી છે. ત્યારબાદ બાળકોનું શિક્ષણ, સલામતી તથા એક ગૃહિણી માટે અત્યંત જરૂરી એવી કોઈ રિટાયરમેન્ટ યોજના છે. એક ગૃહિણી આખો દિવસ પરિવારના સભ્યો પાછળ આપી દેતી હોય છે. જોકે ગૃહિણીને તેનો સંતોષ પણ હોય છે, પણ આજની સ્થિતિને જોતાં એક વાત નિશ્ચિત છે કે મહિલાઓએ પણ આર્થિક રીતે પગભર હોવું ખૂબ જ જરૂરી છે અને તેથી જ ગૃહિણીઓ પણ આર્થિક રીતે સદ્ધર બને એવી કોઈ યોજના અમલમાં મૂકાવી જોઈએ અને જે પક્ષની હજી સુધીની રૂપરેખા આ મુદ્દાઓની નજીક હશે તેને જ મારો મત આપીશ.’’ આ વાત સાથે સંમતિ દર્શાવતા સુરતના જ રહેવાસી સમતા ભાવસાર કહે છે કે, “મારા જેવી ગૃહિણીઓ પણ ઘરે બેસીને કામ કરી શકે અને આર્થિક રીતે પગભર બને એ માટે નિશ્ચિત યોજના હોવી જોઈએ. જે પક્ષે ઘરેલું સ્ત્રીઓ માટે કોઈ નિશ્ચિત પગલાં લીધા હશે અથવા તો મેનિફેસ્ટોમાં સમાવ્યા હશે અને જેના વચનો પર વિશ્વાસ કરી શકાય એવો મજબૂત મત કેળવાશે તેને જ હું મારો વોટ આપીશ.”

તો મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહેતા પ્રીતિ પુરોહિત જણાવે છે કે, “હું એક ગૃહિણી છું એનો મતલબ એ નથી કે દેશ પ્રત્યે મારી કોઈ નૈતિક જવાબદારી નથી. એક ગૃહિણી તરીકે સ્વાભાવિક રીતે જ મને મારા પરિવારના સભ્યોના વિચારો અસર કરતાં હોય, પણ તેમના મંતવ્યોથી મારા મતદાનમાં ફેર પડતો નથી. હા, દરેક પક્ષ વિશેની વિગતો ખુલ્લા મને આવકાર્ય છે, પણ અંતે મતદાન તો મેં મારા વિશ્લેષણને આધારે જ કર્યું. એક મહિલા તરીકે મતદાન કરતાં પહેલા મેં જે-તે ઉમેદવારની પાર્શ્વભૂમિકા વિશે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ માટે હવે મહિલાઓએ અને ખાસ કરીને ગૃહિણીઓએ ઈન્ટરનેટ, ન્યુઝ ચેનલોની ડિબેટ તથા સમાચાર પત્રોમાં આવતા નિવેદનો તથા રિપોર્ટને ધ્યાનપૂર્વક વાંચવા જોઈએ. એક મહત્ત્વની બાબત એ છે કે ઘણીવાર પક્ષની કામગીરી સારી હોય, પરંતુ એ પક્ષનો તમારા ક્ષેત્રનો ઉમેદવાર યોગ્ય ન હોય ત્યારે મત આપવા માટે દ્વિધા ઊભી થાય છે. આ માટે મહિલાઓએ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજવી જોઈએ અને પછી જ પોતાનો મત નક્કી કરવો જોઈએ.”

ગૃહિણીઓ સાથે વાત કરતાં તેમના અભિગમ અને ચૂંટણી વિશે જાગૃતતા માન ઉપજાવે એ પ્રકારની છે, પણ જે મહિલાઓ સ્વતંત્ર રીતે આવા નિર્ણયો લઈ શકતી ન હોય તો? આ વિશે પ્રતિભાબહેન આગળ જણાવે છે કે, “મહિલાઓ અને તેમાંય ગૃહિણીઓ માટે વાંચન સૌથી પહેલો ઉપાય છે. મહિલાઓએ પોતાના શહેર, રાજ્ય તથા દેશને લગતા સમાચારોમાં પણ રસ કેળવી, તારણ કાઢવાની આવડત કેળવવી જોઈએ. બાહ્ય ચમક-દમકથી અંજાયા વિના વાસ્તવિકતાને પરખે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તો જ તેઓ પોતાની એક ઓળખ ઊભી કરી શકે અને તો જ તેમના મતનું ખરું મૂલ્ય જળવાઈ રહે. જ્યારે બીજી બાજુ સુશિક્ષિત તથા વિચારશીલ ગણાતી એવી વ્યવસાયિક મહિલાઓની સ્થિતિ પણ કંઈ વખાણવાલાયક નથી. ચૂંટણી આવતા મતદાનથી માંડીને વસતી ગણતરી વખતે પણ તેમની પાસે ઘણા કામો કરાવવામાં આવતા હોય છે. આથી કાર્યક્ષેત્રમાં શોષણ તથા જાતીય ભેદભાવો જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહિલાઓએ પોતાનો મત કેળવવો જોઈએ. આજે જ્યારે હું સમાજ તરફ નજર કરું છું તો મને લાગે છે કે પછાત જાતિની એક મહિલાઓનો એક સમૂહ એવો છે, જે જ્ઞાતિના મોભીઓને આધારે પોતાના અભિપ્રાયો ઘડે છે, જ્યારે મધ્યમ વર્ગની મહિલાઓનો બીજો આખો વર્ગ મહારાજ, સાધુ-સંતો પર નિર્ભર રહે છે. જે થોડી ઘણી મહિલાઓ વાંચી-વિચારી શકે છે, એમનામાં પ્રમાણમાં ઓછી જાગૃતિ છે. આથી મહિલાઓએ જ વાંચન, વિશ્લેષણ તથા પક્ષોની ભૂમિકાને આધારે તથા કોઈનાથીય પ્રભાવિત થયા વિના સ્વતંત્ર રીતે નિર્ણય લેતા શીખવું જોઈએ.”

મહિલાઓ એક જ જીવનમાં અનેક ભૂમિકા ભજવતી હોય છે, એમાંય માતાની ભૂમિકા તે બાળક આવે ત્યારથી લઈને જીવનના અંત સુધી નિભાવતી રહે છે. તો એક ગર્ભવતી મહિલાઓની શું અપેક્ષા હોય છે? આ પ્રશ્નના જવાબરૂપે સુરતના રિદ્ધિ પી. ઈટાલિયા કહે છે કે, “મારા આવનારા બાળક માટે સૌથી વધુ મહત્ત્વની બાબત એના શિક્ષણની છે. મારું બાળક સારું શિક્ષણ મેળવી તેના જીવનમાં સફળ થાય એ જ એક માતાની ઈચ્છા હોય છે. બીજો મુદ્દો એની સલામતીનો છે. મારું બાળક એનું બચપણ કોઈ પણ ભય વિના માણી શકે, બાગ-બગીચા કે અન્ય જાહેર સ્થળો પર મુક્ત રીતે રમી શકે એવું વાતાવરણ જે પક્ષ કે નેતા આપી શકે તેને જ હું મત આપીશ.” જ્યારે વિકસી રહેલા નવા જીવની સુરક્ષા માટે એક ગર્ભવતી માતા પોતાના મંતવ્યો ઘડી રહી છે ત્યારે જીવનના અંતિમ તબક્કાને જીવી રહેલા વૃદ્ધાઓના અભિપ્રાયો પણ મહત્ત્વના બની રહે છે. ૭૧ વર્ષીય મંજુલા રઘુવંશી વર્ષોથી સુરતમાં સ્થાયી થયા છે. ચૂંટણી વિશે અભિપ્રાય આપતાં તેઓ કહે છે કે, “સાચા, પ્રામાણિક, દેશદાઝવાળા અને દેશનો કારભાર ભ્રષ્ટાચાર વિના ચલાવી શકવા સક્ષમ એવા નેતાઓને જ હું પસંદ કરીશ. લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાઓની અત્યારે જરૂર છે. વૃદ્ધ મહિલાઓ માટે એક મહત્ત્વની વાત પેન્શનની છે. ઉંમરની સાથે આવતી બીમારી અને બીજી અનેક સમસ્યાઓ પાછળ પૈસા એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. મારા મતદાન માટે આ મુદ્દાઓ વધુ મહત્ત્વના અને નિર્ણાયક રહેશે.”

મુંબઈમાં કાયદાનો અભ્યાસ કરતી હીર ખાંટ એક યુવા તરીકે પોતાના વિચાર જણાવે છે કે, “હજી સુધી હું આરટીઆઈનો ઘણો ઉપયોગ કરી ચૂકી છું. મહિલાઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારોની વિગતો તથા આંકડાંઓ સ્તબ્ધ કરી દે એવા છે. ઉપરાંત, આવા કિસ્સામાં આરોપીઓનો નિર્દોષ છૂટી જવાનો દર પણ ૭૦ ટકા જેટલો છે. આવી સ્થિતિમાં મહિલાઓ જાગૃત થાય એ ખૂબ જ આવશ્યક છે. અહીં પુરુષોની સમકક્ષ જવાની વાત નથી, પણ મહિલાઓએ પોતાની જ ક્ષમતાને સમકક્ષ પહોંચવાની વાત છે. એટલે હું એ જ નેતાને મત આપીશ જે મહિલાઓના પ્રશ્નો માટે જાગૃત હોય અને સમસ્યાને મૂળમાંથી ઉકેલી દેશની સ્થિતિ સુધારવાની હિંમત દાખવતો હોય. નહીંતર હું નોટા(NOTA-આ પૈકી કોઈ નહીં)ને મારો મત બનાવીશ.” જ્યારે સુરતમાં રહેતી એમબીએની વિદ્યાર્થી નિરાલી ધૂમ કહે છે કે, “ભારતમાં દર વર્ષે લાખો એન્જિનિયર બહાર પડે છે, પણ તેમને રોજગારી મળતી નથી અને અંતે તેઓ સમાધાન કરીને કોઈ પણ સ્તરની નોકરી કરવા મજબૂર બને છે. ઉપરાંત, ઘણી શાળા અને કોલેજોમાં તો પાયાની સગવડ પણ નથી હોતી અને જ્યાં હોય છે ત્યાં છોકરીઓ ભણી નથી શકતી. આ તમામ બાબતો એકબીજા સાથે એ પ્રમાણે સંકળાયેલી છે કે તેના વ્યવસ્થિત વિશ્લેષણ વિના એક પક્ષ ન તો શાસન કરવાનું વચન આપી શકે કે ન તો કોઈ મતદાતા પોતાનો એક નિશ્ચિત અભિગમ કેળવી શકે. આથી આ તમામ વાતો તથા ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ હું મતદાન કરીશ.”

આ ચૂંટણી માટે માત્ર ભારતની મહિલાઓ જ નહીં, પણ તમામ એનઆરઆઈ મહિલા પણ ઘણી ઉત્સુક છે. અમેરિકાના સાનફ્રાન્સિસ્કોમાં રહેતા શિવાની દેસાઈ કહે છે કે, “ભારતના તમામ નાગરિકે અને ખાસ કરીને તો મહિલાઓએ અવશ્યપણે મત આપવો જોઈએ. મહિલાઓએ ઘરના બજેટને સ્થિર રાખતા, જવાબદાર, સલામત અને પ્રામાણિક નેતાઓ પર પોતાની પસંદગી ઉતારવી જોઈએ. અહીં અમેરિકામાં પણ ચૂંટણીના પરિણામો અને તેની સમગ્ર પ્રક્રિયા વિશે ઘણો રોમાંચ છે.”

આ એક લડત છે, જે દરેક મહિલાઓએ સાથે મળીને લડવાની છે. પ્રત્યેક ઉંમરની મહિલાઓ માટે દરેક માટે ચૂંટણી એક આશાનું કિરણ લઈને આવી છે. પ્રત્યેક મહિલા કંઈક પરિવર્તન ઈચ્છે છે અને પોતાનો મત એક એવી વ્યક્તિ કે પક્ષને આપવા માગે છે, જે હકીકતમાં મહિલાઓની સુરક્ષા, માગો તથા જરૂરિયાતોને સમજે અને તેના સન્માનને જાળવે.

29 એપ્રિલ, ૨૦૧૪ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

Tuesday, April 22, 2014

મહિલા મતદારોની ઉપેક્ષા કેમ?



હાલમાં થનારી સોળમી લોકસભાનીચૂંટણી ઘણા બધા કારણોસર યાદગાર રહે એમ છે. આ પૈકી એક મુદ્દો ભારતના મુસ્લિમોને ‘વોટ બેન્ક’ ગણી પોતાના પક્ષ તરફ આકર્ષવાનો રહ્યો છે. જે રીતે આપણા કહેવાતા ‘ધર્મનિરપેક્ષ’ રાજકારણીઓ મુસ્લિમોને રીઝવવા માટે એકબીજા સાથેસ્પર્ધામાં ઉતરી રહ્યા છે તે જોઈને પ્રશ્ન થાય કે દેશની સમગ્ર વસ્તીના ૪૯ ટકા જેટલીવસતી ધરાવતી મહિલાઓની આખરે શા માટે અવગણના થઈ રહી છે?એક બાજુ કોંગ્રેસી નેતાઓ ભાજપના પ્રધાનમંત્રી માટેના ઉમેદવારથી મુસ્લિમોને‘રક્ષણ’આપવાનીધરપત આપી રહ્યા છે તો બીજી બાજુ ભાજપ પણ મુસ્લિમોને મનાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. જ્યારે પરિવર્તનની હવા ચલાવનાર આમ આદમી પાર્ટીએ પણ સૌથી વધુ સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે પ્રત્યેક પક્ષે મુસ્લિમોને પોતાના ‘ટાર્ગેટ’ બનાવ્યા છે ત્યારે મહિલાઓના મુદ્દાઓ અને સમસ્યાઓને શા માટે ગૌણ ગણવામાં આવી રહ્યા છે?શા માટે મહિલાઓ આ ચૂંટણીના મુખ્ય પ્રવાહમાં સ્થાન નથી પામી શકી?

આ પ્રશ્નો તરફ જતાં પહેલા દરેક પક્ષોએ જાહેર કરેલાચૂંટણી ઢંઢેરા (મેનિફેસ્ટો) પર નજર કરીએ તો કોંગ્રેસે મહિલાઓના સુરક્ષાના મુદ્દાને મહત્ત્વ આપી દરેક પોલીસ સ્ટેશનમાં ૨૫ ટકા મહિલા સ્ટાફની ભરતી જેવા કેટલાક મુદ્દાઓને પોતાના મેનિફેસ્ટોમાં સમાવ્યા છે. પરંતુ કોંગ્રેસના જ વર્ષ ૨૦૦૯ના મેનિફેસ્ટોમાં કરાયેલા એક દાવા પ્રમાણે સોળમી લોકસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર માટે કોંગ્રેસેએક તૃતીયાંશ સીટ અનામત રાખવાની જોગવાઈ કરી હતી, પરંતુ ૯ એપ્રિલ સુધીના એસોસિએશન ફોર ડેમોક્રિટિક રીફોર્મ(એડીઆર)ના સરવે પ્રમાણે આ લોકસભાની ચૂંટણીમાં વિવિધ પક્ષો અને અપક્ષ મળીને કુલ ઉમેદવારો પૈકીમાત્ર ૭.૩ ટકાજ મહિલાઓછે! અહીં નોંધનીય મુદ્દો એ છે કે હત્યા, બળાત્કાર જેવા ગંભીર આરોપો માટે દોષિત હોવા છતાં ટિકિટ મેળવનાર ઉમેદવારોની સંખ્યા પણ મહિલાઓની કુલ ઉમેદવારી કરતાં વધુ એટલે કે ૧૦ ટકા જેટલી છે!આનો અર્થ એ થયો કે દર ૧૫૬ ઉમેદવારોમાંથી લગભગ ૧૦ જેટલા ઉમેદવારો પર ગુનાના ગંભીર આરોપો છે. 

આ સાથે જ ભાજપે પણ તેના ચૂંટણી માટેના ઢંઢેરામાં સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા સીટ અનામત રાખવાની વાત જાહેર કરી છે. ઉપરાંત, પુત્રીના જન્મ સમયે તેની સુરક્ષા અને બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને યોગ્ય ન્યાય મળે એ માટે પણ રાષ્ટ્રીય સ્તરે આંદોલનો ચલાવવાના વચનો તેમણે આપ્યા છે. પણ જો આ જ પક્ષોના અગાઉના મેનિફેસ્ટો ધ્યાનમાં લઈએ તો બંને પક્ષોએ મહિલા આરક્ષણ બિલને સંસદમાં પસાર કરાવવાનું વચન આપ્યું હતું, પરંતુ હજી સુધી આ બિલ વિશે કોઈ મજબૂત પગલા લેવામાં આવ્યા નથી.અહીં વિચારવાલાયક બાબત એ છે કે પક્ષોના મેનિફેસ્ટોમાં સમાવિષ્ટ મુદ્દાઓનો વિશ્વાસ કરી મત આપવાનો નિર્ણય કરવો કેટલા અંશે યોગ્ય છે? 

મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ભલે કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો ન હોય, પરંતુ આ રાજકીય રમતમાં મુખ્ય એવા ત્રણેય પક્ષોએ થોડા ઘણા અંશે મહિલાઓની તરફેણ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. પ્રત્યેકપક્ષે મહિલાઓના હકો અને વિકાસ માટેની વિવિધ યોજનાઓ ઘડવાના વાયદા કર્યા છે. આ સાથે જ ત્રણેય પક્ષોએ મહિલા આરક્ષણ બિલને સંસદમાં પસાર કરાવવા માટે પણ હામી ભરી છે, જેમાં મહિલાઓ માટે સંસદ તથા રાજ્યોની વિધાનસભામાં ત્રીજા ભાગની બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે કોર્ટની કાર્યવાહીને ઝડપી બનાવવાના મુદ્દાને પણ તેમાં સમાવવામાં આવ્યો છે.

જોકે પક્ષોની હજી સુધીની રૂપરેખા પરથી તથા લોકસભાના જૂના ઢંઢેરામાં સમાવિષ્ટ મુદ્દાઓનાજૂજ પ્રમાણમાં થયેલા અમલને આધારે આ વર્ષે કરવામાં આવેલા તમામ વાયદાઓના અમલ પર શંકા થાય એ સ્વાભાવિક છે.સુપ્રિમ કોર્ટના વકીલ કરૂણા નંદી આ વિશે જણાવે છે કે, “મહિલાઓના મુદ્દાઓ વિશે હંમેશાં દુર્લક્ષ સેવાયું છે. ભૂતકાળની ચૂંટણીના ઢંઢેરાઓમાં પણ મહિલાઓના હકોને લઈને ઘણા મુદ્દોઓને સમાવવામાં આવ્યા હતા અને આ વખતે પણ તેના વિશે ઘણા નિવેદનો અને વચનો આપવામાં આવ્યા છે, પરંતુ તેના અમલ માટેનું વલણ હજીય શંકાસ્પદ છે.” જોકે દિલ્હી ગેંગરેપ પછી ગુનાહિત કાયદાઓમાં સુધારા થયા હોવાનું નંદી સ્વીકારે છે અને ઉમેરે છે કે, “પરંતુ આટલો જ બદલાવ પૂરતો નથી. મહિલાઓની સુરક્ષા માટે હજી ઘણા પરિવર્તનોની આવશ્યકતા છે.” સરકાર તથા અન્ય રાજકીય પક્ષોના મહિલા પ્રત્યેના આ વલણથી ઉદભવેલા અસંતોષને કારણે સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલાના વિકાસ અર્થે સક્રિય કાર્યકર્તાઓ, પત્રકારો, અર્થશાસ્ત્રીઓ તથા વકીલો ‘વુમનિફેસ્ટો’ની હિમાયત કરી રહ્યા છે. 

વાસ્તવમાં વુમનિફેસ્ટોના પાયા વર્ષ ૨૦૧૨માં દિલ્હીમાં થયેલા સામુહિક બળાત્કારના વિરોધરૂપે નંખાયા હતા. એક મહિલા પર આચરવામાં આવેલી આ રીતની ક્રૂર હિંસાથી સમગ્ર દેશમાં મહિલાઓની આબરૂ અને સુરક્ષા માટે ઘણાઉગ્ર વિરોધી દેખાવો કરવામાં આવ્યા હતા.આવા જ એક વિરોધ પ્રદર્શન દરમિયાન સમગ્ર દેશના પુરુષો અને મહિલાઓએ રસ્તા પર ઉતરી રાજકારણીઓ અને સરકાર માટે ‘ઈનફ’(હવે બસ કરો!)ની ગૂંજ લગાવી હતી. આ વિરોધનાપગલે ‘આવાઝ’ નામની સંસ્થાએ સરકાર સામે મહિલાઓ માટે આવશ્યક કેટલાક મુદ્દાઓની માગ કરવાવુમનિફેસ્ટોની સમગ્ર રૂપરેખા તૈયાર કરી.કરૂણા નંદી વુમનિફેસ્ટો વિશે જણાવતાં કહે છે કે,“વુમનિફેસ્ટોમાં શિક્ષણ, કાયદો, પોલીસ તથા ન્યાયપ્રણાલી અને હિંસાનો ભોગ બનેલી મહિલાને સુરક્ષા જેવા મહત્ત્વના છ મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે, જેથી આ સમસ્યાઓમાં વાસ્તવિક પરિવર્તન લાવી શકાય. લોકો હવે વધુ ધીરજ રાખી શકે એમ નથી. આથી દરેક પક્ષે વુમનિફેસ્ટો પ્રત્યે ગંભીરતા દાખવવી પડશે અને તો જ મતદાતાઓ તેમને મત આપવા યોગ્ય ગણશે.”

આપણા દેશમાં મહિલાઓ પર થયેલા ગુનાઓના ૨.૩૪ લાખ કેસો પૈકી એક લાખ જેટલા કેસો હિંસાને લગતા છે. આ સિવાય ૩૮,૦૦૦ કેસો અપહરણ, ૨૫,૦૦૦ કેસો બળાત્કાર તથા ૩૮,૦૦૦ કેસો ઘરેલું હિંસાને લગતા છે. આ સ્થિતિ જોઈ દેશમાં મહિલાઓની સુરક્ષા શા માટે જરૂરી છે એ સ્પષ્ટ થાય છે, પણ એ માટે જરૂરી કાયદા અને તેના ચુસ્ત અમલની આવશ્યકતા પણ કેટલી છે એનો અંદાજ લગાવી શકાય છે. હાલની સ્થિતિમાં વુમનિફેસ્ટો એકમાત્ર પ્રમાણ છે, જેના આધારે મહિલાઓની સુરક્ષાને લઈને જે તે પક્ષની ગંભીરતા ચકાસી શકાય. હજી સુધી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જ વુમનિફેસ્ટો માટે સંમતિ દર્શાવી છે. જ્યારે અન્ય પક્ષોએ વુમનિફેસ્ટોના મહિલા આરક્ષણ બિલ અને સુરક્ષાના અમુક મુદ્દાઓનું જ સમર્થન કર્યું છે. 

વુમનિફેસ્ટોમાં સમાવિષ્ટ છ મુદ્દા

આપણા દેશની કુલ વસતીના ૪૯ ટકા જેટલી વસતી મહિલાઓની છે અને તેના કારણે જ તાતા ગ્રુપના પ્રયાસ થકી ‘પાવર ઓફ ૪૯’ નામનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ‘જાગો રે’ જેવી જાહેરાતોથી મહિલાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, પરંતુ મહિલાઓ કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપી પોતાનો મત કેળવે અને યોગ્ય નેતાને મત આપે એ પ્રાથમિક મુદ્દો છે. આથી વુમનિફેસ્ટોમાં સામેલ કરવામાં આવેલા મુદ્દાઓ અને જે તે પક્ષના તે અંગેના વલણને આધારે મહિલાઓ પોતાનો મત નક્કી કરી શકે છે. હાલના બ્રુકિંગ ઈન્ડિયાના એક સરવે પ્રમાણે ૧૯૬૦ના દાયકામાં દર હજાર પુરુષોએ મહિલા મતદાતાની સંખ્યા ૭૧૫ જેટલી હતી, જે ૨૦૦૦ના દાયકામાં વધીને ૮૮૩ જેટલી થઈ છે. મહિલાઓની જાગૃતતા વધી છે એ સાથે તેમના મતનું મૂલ્ય પણ વધ્યું છે. આથી તેઓ પોતાનો એક વ્યક્તિગત મત કેળવે તે જરૂરી છે. આ માટે સૌપ્રથમ વુમનિફેસ્ટોમાં સમાવિષ્ટ મુદ્દાઓ વિશે જાણવું જરૂરી છે:

સમાનતા માટે શિક્ષણ

જાતીય ભેદભાવ અને હિંસાત્મક વલણને દૂર કરવા લાંબા ગાળાના શિક્ષણ વિષયક પ્રોગ્રામને અમલમાં મૂકવો, જેના કારણે ગ્રામ્ય અને શહેરી એમ બંને વિસ્તારના સ્ત્રી, પુરુષો, યુવક અને યુવતીઓ સુધી સરળતાથી પહોંચી શકાય.

કાયદાઓનો અમલ 

મહિલાઓ સામે આચરવામાં આવતા હિંસાત્મક વલણને નાબૂદ કરવા એક વિસ્તૃત યોજના અમલમાં મૂકવી અને આ માટે જરૂરી ફંડ પણ ઊભું કરવું. ઉપરાંત દર દસ લાખની વસતીએ ૪૦ જેટલા ન્યાયાધીશોનીનિમણૂંક કરવી અને મહિલાઓ વિરુદ્ધ થયેલા હિંસાત્મક બનાવોના કેસોની કાર્યવાહી ઝડપથી થાય એ માટેનીપણ જોગવાઈઓ કરવામાં આવી છે.

મહિલાઓને સત્તાનો અધિકાર

લોકસભામાં મહિલા આરક્ષણ બિલને પસાર થવા દઈ રાજકીય રીતે મહિલાઓનું સશક્તિકરણ કરવું. 

પોલીસની ભરતીમાં ફેરફાર 

જાતિને આધારે પોલીસની ભરતી, કારકિર્દી દરમિયાન બઢતી અને પગારધોરણમાં સુધારો કરવામાં આવે તથા બળાત્કાર સંબંધિત ખાસ એક ટુકડીની રચના કરવામાં આવે, જેને કારણે કટોકટીના સમયે બચાવ આધારિત કાર્યો કરી શકાય.

નિશ્ચિત ન્યાયપ્રક્રિયા

મહિલાઓ તથા જાતીય લઘુમતીઓને (sexual minorities) થતાં ભેદભાવો અને તેમના પ્રત્યે સેવાતા હિંસાત્મક વલણને નાબૂદ કરવા માટે કાયદામાં જરૂરી સુધારા કરવા જોઈએ.

આર્થિક વિકાસ

મહિલાઓ માટે પ્રતિષ્ઠિત અને સુરક્ષિત રોજગારની તકો સુનિશ્ચિત કરવી અને સરખા કાર્યો માટે પગારધોરણ સમાન રાખવું.

Monday, April 7, 2014

ભારતીય સંસદમાં મહિલાઓનું પ્રમાણ ઓછું કેમ છે?



ભારતમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે માત્ર આપણા દેશમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણી ઉત્સુકતા ઝીલાય રહી છે. એક પાર્ટીના વર્ષો સુધીના શાસન સામે પરિવર્તનનો નવો દોર શરૂ કરવાનો બીજી પાર્ટીનો દાવો હોય કે પછી પ્રામાણિકતા અને ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી સામાન્ય ભારતીયની જેમ લડવાની હિંમત દાખવનાર નવીસવી કોઈ પાર્ટી હોય, રોજેરોજ નિવેદનો અને મસાલેદાર સમાચારોથી દેશમાં ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે. ટેલિવિઝનની જાહેરખબરોમાં પણ હવે આ ચૂંટણીએ પોતાનો દબદબો જમાવ્યો છે. હાલમાં જ એક પાર્ટીએ તેના વડાપ્રધાનના ઉમેદવારનો પ્રચાર કરતી જાહેરાતો ટીવી પર વહેતી કરી છે, જે પૈકી કેટલીક જાહેરાતોમાં એક સ્ત્રી મોંઘવારી તથા દેશમાં સ્ત્રીઓ માટે વધતી જતી ભયજનક સ્થિતિનું ગંભીર ચહેરે વર્ણન કરે છે અને આ પરિસ્થિતિ બદલવા પોતાના ઉમેદવારને મત આપવા જનતાને અપીલ કરે છે. સામાન્ય ગણાતી આ વાત પાછળ વિચારવા જેવો મુદ્દો એ છે કે જે ચૂંટણીના પ્રચાર માટે સ્ત્રીઓને આગળ કરવામાં આવી રહી છે, તે ચૂંટણીનો સ્ત્રીઓ દેખીતી રીતે કેટલો મહત્ત્વનો હિસ્સો છે?

આખા વિશ્વના રાજકારણમાં મહિલાઓ હવે પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવી રહી છે અને એ સાથે જ મહત્ત્વના હોદ્દાઓ પર પણ તેઓ સ્થાન લઈ રહી છે. જ્યારે ભારતના રાજકીય ઈતિહાસ તરફ નજર કરીએ તો છેલ્લા છ દાયકામાં વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દા પર એકમાત્ર મહિલાએ નારીઓનું નેતૃત્વ કર્યું હતું અને આ સિવાય અન્ય ઉચ્ચ પદો પર પણ મહિલાઓને સ્થાન મળ્યું હોય તેવા આંકડા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે.આ પાછળનું મુખ્ય એક કારણ એ છે કે દેશની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે મહિલાઓને ટિકિટ આપવામાં દેશની પાર્ટીઓએ હંમેશાં મહિલાઓની અવગણના કરી છે. 

વર્ષ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના આંકડાઓ તરફ નજર કરીએ તો રાજકીય પક્ષોએ માત્ર ૩૪૯ જેટલી મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જ્યારે વર્ષ ૨૦૦૪માં તો આ આંક માત્ર ૨૩૮ જ રહ્યો હતો. વર્ષ ૨૦૧૪ની એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાનીચૂંટણીમાં પણ જ્યારે પ્રત્યેક પક્ષ તેમના ઉમેદવારોની એક પછી એક જાહેરાત કરી રહ્યા છે, ત્યારે ટિકિટના વિતરણ માટેની નિશ્ચિત પેટર્નને કારણે કોઈ પણ પાર્ટીમાં ટિકિટ મેળવનાર મહિલાની સંખ્યા સન્માનજનક નથી. લોકસભાની આ વર્ષની ચૂંટણીમાં કુલ સીટમાંથી માત્ર ૧૧.૪ ટકા જેટલી જ સીટ મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્યસભામાં પણ મહિલાઓ માટે ૧૧.૪ ટકા સીટ જ રાખવામાં આવી હતી. 

ભારતના મુસ્લિમ પાડોશી દેશો જેવા કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશને સમગ્ર વિશ્વમાંસામાન્ય રીતે લોકશાહીનું ઘણા ઓછા અંશે પાલન કરનારા દેશો તરીકે ઓળખવામાં આવે છે, પણ ઈન્ટરપાર્લામેન્ટરી યુનિયન(આઈપીયુ)ના એક સરવે પ્રમાણે સંસદના કુલ સભ્યો પૈકી અફઘાનિસ્તાનમાં ૨૮ ટકા, પાકિસ્તાનમાં ૨૧ ટકા તથા બાંગ્લાદેશમાં ૨૦ ટકા, મહિલા સાંસદ માટે અનામત રાખવામાં આવે છે. આમ મહિલાઓ માટે તદ્દન રૂઢિચુસ્ત ગણાતા એવા આ દેશોમાં પણ ભારત કરતાં રાજકીય ક્ષેત્રે મહિલાઓની સ્થિતિ ઘણી સારી ગણાવી શકાય એમ છે! આ દેશોમાં મહિલાઓ માટેની આ રાજકીય વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ મહિલાઓ માટેની અનામત પદ્ધતિ છેઅને તેના કારણે જ રાજકીય ક્ષેત્રે આ દેશોમાં મહિલાઓની સંખ્યા ભારત કરતાં વધુ છે. ભારતની રાજકીય રમતમાં દરેક પક્ષના વગદાર અને શક્તિશાળી પુરુષના હાથમાં જ ટિકિટના વિતરણ માટેની સત્તા હોય છે. આથી મહિલાઓ ઉમેદવારી માટેની ટિકિટ મેળવવાની હરોળમાં હંમેશાં પાછળ જોવા મળે છે. અલબત્ત, જે થોડી ઘણી મહિલાઓ આ પરિસ્થિતિને પાર કરી આગળ વધી રહી છે, તે પૈકીની કેટલીક મહિલાઓ દેશની જાણીતી હસ્તી છે અથવા તો આર્થિક સદ્ધરતા તથા મજબૂત રાજકીય સાંઠગાંઠને કારણે ટિકિટ મેળવવામાં સફળ રહી છે. દાખલા તરીકે હેમામાલિની, સ્મ-તિ ઈરાની, જયાપ્રદા, નગ્મા જેવા હિરોઈનોને વિવિધ રાજકીય પક્ષોએ ટિકિટ આપી છે. તો અમુક પક્ષોએ તેઓના નેતાઓની પત્નીઓ કે પુત્રીઓને ઉમેદવાર બનાવી છે.

ઈન્ટરપાર્લામેન્ટરી યુનિયન અનુસાર ભારતની સંસદના કુલ ૭૯૦ સભ્યોમાં મહિલા સાંસદની સંખ્યા માત્ર ૯૦ જેટલી જ છે. આઈપીયુએ સંસદમાં મહિલાઓની હાજરીને ધ્યાનમાં રાખી ૧૮૮ જેટલા દેશોને વિવિધ ક્રમાંકો આપ્યા છે, જેમાં ભારતનું સ્થાન ૧૦૮મા ક્રમે છે! સ્ત્રીઓ માટેના રૂઢિચુસ્ત સમાજમાં મહિલાઓની ‘આશાસ્પદ’ સ્થિતિ જોઈને પહેલો પ્રશ્ન એ થઈ આવે કે ભારતમાં શા માટે મહિલા ઉમેદવારોની સંખ્યા ઓછી જોવા મળે છે?વાસ્તવમાં હકીકત એ છે કે ભારતના મોટા ભાગના પક્ષો મહિલાઓની ચૂંટણી જીતવાની શક્યતાને ઘણા અંશે નકારતા હોય છે. તેઓનું માનવું છે કે મહિલાઓ આ પ્રકારની ચૂંટણી જીતવા સક્ષમ હોતી નથી, પરંતુ છેલ્લી બે લોકસભાની ચૂંટણીના પરિણામો જોઈએ તો પુરુષો કરતાં મહિલાઓએ વધુ જીત મેળવી છે. આમ છતાં પાર્ટીઓ સ્ત્રીઓને ‘વોટ બેન્ક’ તરીકે જોઈ શકતી નથી. તેઓ માને છે કે મહિલા ઉમેદરવાર દેશની મહિલા મતદાતાઓને પણ પોતાના પક્ષ માટે મત આપવા પ્રેરણા આપી શકે એમ નથી. આથી જે તે મતવિસ્તારમાંથી મહિલા ઉમેદવાર બહોળા પ્રમાણમાં મત લાવી શકે એની કોઈ પાર્ટી નિશ્ચિત ધારણા કરી શકતું નથી અને તેથી જ મહિલાઓને સામાન્ય રીતે પક્ષો ટિકિટ આપવામાં બેદરકારી દાખવતા હોય છે. 

આ સાથે જ બીજો મહત્ત્વનો મુદ્દો મહિલા મતદાતાનો છે. આપણા સમાજમાં મહિલાઓને હંમેશાં પુરુષ પછીનું સ્થાન આપવામાં આવ્યું છે અને આવી સ્થિતિમાં હજી પણ ઘણા વિસ્તારો એવા છે, જ્યાં મહિલા સ્વતંત્ર રીતે મત આપી શકતી નથી. ઘરના મોભી કે પુરુષના નિર્ણયને આધારે જ તેનો મત પણ નક્કી થાય છે. આવી સ્થિતિમાં મહિલાના મતનું મૂલ્ય લગભગ નજીવું થઈ રહે છે. જો ચૂંટણી અંગે થતાં વિવિધ સરવે પર વિશ્વાસ કરીએ તો સ્ત્રીઓ ભાગ્યે જ ચૂંટણીમાં ‘અસરકારક’મતદાન કરતી હોય છે. કોઈ એક પાર્ટી માટે મહિલાઓની નિશ્ચિત માન્યતા કે પછી નિર્ણય ઘણા ઓછા અંશે જોવા મળે છે અનેઆ હકીકત એ પાર્ટીઓ માટે પણ એટલી જ સાચી છે, જેનું નેતૃત્વ જે તે પ્રદેશમાં એક મહિલા કરી રહી છે. જેમ કે તમિલનાડુમાં જયલલિતાહોય કે પછી પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અથવા તો ઉત્તરપ્રદેશમાંમાયાવતી હોય, આ તમામ મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મહિલા મતદાતાને આકર્ષવામાં ખાસ સફળતા મેળવી નથી. વર્ષ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં જયલલિતાની પાર્ટીએ અન્ય કેટલાક મિત્ર પક્ષો સાથે મળીને કુલ મતના ૩૭ ટકા મત મેળવ્યા હતા, જેમાંથી પુરુષોનામતની સંખ્યા અને સ્ત્રીઓના મતની સંખ્ચા અનુક્રમે ૩૭ અને ૩૮ ટકા હતી. ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં પણ મહિલા મતદાતાની સંખ્યા આ જ પ્રકારની હતી. 

અલબત્ત, સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવેલપિંગ સોસાયટીઝ(CSDS)ના એક સરવે પ્રમાણે હવે મહિલાઓની રાજકીય દૃષ્ટિ બદલાઈ રહી છે. તેઓ પણ કોઈ એક પાર્ટી માટે નિશ્ચિત મત કેળવતા થયા છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી, તમિલનાડુમાં જયલલિતા તથા ઉત્તરપ્રદેશમાં માયાવતી તરફ મહિલાઓનો ઝુકાવ વધ્યો છે. આ પ્રકારનું પરિવર્તન માત્ર આ જ રાજ્યોમાં નહીં, બીજા અનેક રાજ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. બિહારની વર્ષ ૨૦૧૦ની વિધાનસભાની ચૂંટણીમાં પુરુષ કરતાં ૩.૪ ટકા વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. જ્યારે ઉત્તરાખંડ, ગોવા અને હિમાચલ પ્રદેશમાં તો પુરુષ અને મહિલા મતદાતાઓની સંખ્યા વચ્ચેનો તફાવત ઘણો નોંધપાત્ર હતો. આ સિવાય કર્ણાટક, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, પોંડિચેરી તથા રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ મહિલા હવે મત આપવા માટે વધુ સક્રિય થઈ છે. 

દેશના જે-તે મતવિસ્તારમાં કુલ મતદાતાઓમાંથી ૫૦ ટકા કે તેથી થોડાક જ ઓછા પ્રમાણમાં મહિલા મતદાતાઓનીસંખ્યા હોય છે. એટલે કે પુરુષોની જેમ જ મહિલાઓના મતોનું મહત્ત્વ પણ ઘણું વધારે છે. આમ છતાં આજે જે પ્રમાણે યુવાનોને મત મેળવવા માટે ‘ટાર્ગેટ’ બનાવવામાં આવી રહ્યા છે તે જોઈને કહી શકાય કે આજે પણ મહિલાઓને વોટ બેન્ક તરીકે જોવામાં રાજકરણીઓએ દુર્લક્ષ સેવ્યું છે. મહિલા મતદાતાઓને સંખ્યાની દૃષ્ટિએ જોવા જઈએ તો પ્રત્યેક મત વિસ્તારમાં મત આપનાર યુવાનો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે અને આખરે આજની મહિલા હવે રાજકીય સ્તરે પણ પોતાનો વ્યકિતગત મત કેળવવા સક્ષમ બની છે ત્યારે તેનો મત દરેક પક્ષ માટે ઘણો મહત્ત્વનો પુરવાર થઈ શકે એમ છે. આથી મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાના મુદ્દે વર્તાઈ રહેલી બેદરકારી તથા પ્રચાર અર્થે પણ તેમને અપાઈ રહેલા ઓછા મહત્ત્વ માટે કંઈક અંશે આપણા દેશની પુરુષપ્રધાનતાને જ જવાબદાર ગણાવી શકાય. અલબત્ત, આ સાથે એક વાત મહિલાઓએ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે રાજકીય મત કેળવવા માટે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને રોજબરોજના સમાચારોનું ફોલો અપ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેના આધારે જ આ સમગ્ર રાજકીય રમતને સમજી શકાય છે અને મત આપવા માટે એક નિશ્ચિત અભિગમ કેળવી શકાય છે.

8 એપ્રિલ, ૨૦૧૪ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.