Tuesday, July 29, 2014

કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારી કેટલીક મહિલા ખેલાડીઓની રસપ્રદ વાતો


સમગ્ર વિશ્વમાંથી ફૂટબોલ ફીવર હજી તો માંડ-માંડ ઉતર્યો છે ત્યારે હવે કોમનવેલ્થ ગેમ્સે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રમતગમતના રસિકો માટે, ખાસ કરીને ભારતના સ્પર્ધકોના પર્ફોર્મન્સને લઈને આ રમત હંમેશાં ચર્ચાનો મુદ્દો બની રહે છે.પણ આપણા દેશની કમનસીબી એ છે કે આપણે ક્રિકેટ સિવાયના રમતવીરો પર કોઈ ફિલ્મ બને એ પછી જ પૂરતા માહિતગાર થઈએ છીએ અથવા તો તેમના જીવન વિશે જાણવાની ઈચ્છા કરીએ છીએ અને એમાંય મહિલા ખેલાડીઓની તો વાત જ શી? આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરનારી એવી ઘણી મહિલા ખેલાડી છે, જે આપણા દેશને ગૌરવ અપાવી શકે છે. કોમનવેલ્થમાં ભાગ લેનારી આવી જ કેટલીક આશાસ્પદ મહિલા રમતવીરોની સંઘર્ષકથા જાણવા જેવી છે.

પરિવારથી છુપાવીને બોક્સિંગ શરૂ કર્યં અને...
પૂજા રાની
દેખાવે શાંત, બોલવામાં નરમ અને ભણવામાં આગળ પડતી હરિયાણાની ત્રેવીસ વર્ષની પૂજા રાનીએ જ્યારે તેના જ વતન ભિવાનીના બોક્સર વિજેન્દ્ર સિંઘને ઓલિમ્પિક ગેમ્સમાં વિજેતા થતો જોયો ત્યારે તેને પણ બોક્સિંગમાં કારકિર્દી ઘડવાની ઈચ્છા થઈ. પરંતુ એક વર્ષ સુધી તે સતત વિચારતી રહી, કારણ કે પરિવારના સભ્યોને જાણ કરી બોક્સિંગ એકેડમીમાં પ્રવેશ મેળવવાની તેની હિંમત નહોતી. પરંતુ અંતે તેણે તેના પિતાની જાણ બહાર બોક્સિંગ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો. અલબત્ત, તેની માતા આ વિશે જાણતી હતી અને તેથી જ તે પૂજાને બમણો સહકાર આપતી. જો કોઈ વાર ટ્રેઈનિંગમાં તેને વધુ વાગી જતું અથવા તો સોજો આવી જતો તો પિતાને જાણ થઈ જાય એ બીકે તે ઘરે જતી નહોતી. આ સમયે તેના પિતાને કહેવામાં આવતું કે પૂજા એની મિત્રને ત્યાં ભણવા માટે રોકાઈ છે. જોકે, તે વધુ સમય તેના પિતા સામે આ હકીકત છૂપાવી શકી નહોતી. જ્યારે તેના પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સૌથી પહેલા તો પૂજાનું એકેડમીમાં જવાનું બંધ કરાવ્યું. તેઓ પૂજાની આ રમતમાં કારકિર્દી ઘડવાની વાતથી બિલકુલ પણ સંમત નહોતા. પરંતુ પૂજાના કોચ સંજય કુમારે તેના બોક્સિંગ માટેના પેશન અને આવડત વિશે તેના માતા-પિતા સમજાવ્યું અને એ જ વર્ષે રાનીએ યુથ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તેમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ જીતના બે જ મહિના બાદ તેણે હરિયાણાની ઉત્તમ ગણાતી બોક્સિંગ પ્લેયર પ્રીતિ બેનીવાલને પણ સ્ટેટ ચેમ્પિયનશિપમાં હરાવી. ટૂંકા ગાળામાં પૂજાની આ સફળતાએ તેના માતા-પિતાને પણ ચોંકાવી દીધા. પૂજા એ સમયને યાદ કરીને કહે છે કે, “એ પછી મારા પિતાએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી અને ત્યારથી એ મારા સૌથી મોટા સમર્થક બની ગયા. મારા પરિવારમાંથી કોઈએ પણ ત્યારપછી મારા બોક્સિંગનો વિરોધ કર્યો નહોતો.” શરૂઆતના પારિવારિક તેમજ બોક્સિંગને કારકિર્દી બનાવવાના માનસિક સંઘર્ષ બાદ પૂજાએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ(૨૦૧૨)માં સિલ્વર મેડલ તથા ઓસ્ટ્રેલિયાની એરાફુરાગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, વર્ષ ૨૦૧૨ની ઓલિમ્પિક ગેમ્સમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કોમનવેલ્થની આ ગેમ્સમાં તે ફરી રિંગમાં ઉતરવા તૈયાર છે. તે કહે છે કે, “આ મારા માટે હવે સૌથી મોટી તક છે. હું આ સમયની આતુરતાથી રાહ જોઈ રહી હતી.” અભ્યાસમાં આગળ પડતી પૂજાને તેના જીવનમાં આવેલા આ બદલાવ વિશે પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે, “ખરેખર તો હું પણ આ પરિવર્તનને સંપૂર્ણ સમજી શકતી નથી. હું જ્યારે મારી બોક્સિંગ ફાઈટના વીડિયો જોઉં છું ત્યારે મને પોતાને વિચાર આવે છે, ‘શું આ ખરેખર હું છું?’ પણ સાચું કહું તો આ બદલાવ મને બહુ પસંદ છે.”

શૂટિંગમાં સતત ભાગ લેતાં-લેતાં...

આયોનિકા પોલ
આપણા દેશની મહિલા ખેલાડી માત્ર રનિંગ, બોક્સિંગ અને બેડમિન્ટન સુધી સીમિત ન રહેતાં શૂટિંગમાં પણ ઘણી આગળ પડતી છે. તે જ પૈકીની એકવીસ વર્ષીય આયોનિકા પોલ પણ આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સની શૂટિંગ સ્પર્ધામાં મેડલ અપાવવા માટે એક મોટી આશા ગણાઈ રહી છે. આયોનિકાના પિતા ભારતીય રેલ્વેમાં કર્મચારી હોવાની સાથે ઉત્તમ વોટર-પોલો પ્લેયર હોવાથી નાનપણથી જ આયોનિકા રમતગમતમાં રસ લેતી. તેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે તો સ્વિમિંગની શરૂઆત કરી હતી. નાનપણથી આયોનિકા ટીવી પાછળ વધુ સમય ન બગાડે એ માટે તેના માતા-પિતા તેને સ્પોર્ટ્સ ક્લાસીસ અને કેમ્પમાં મોકલી આપતા અને આ જ રીતે તેનો રમતગમતમાં રસ વધતો ગયો. તે નાનપણથી જ બાસ્કેટ બોલ, વોટર-પોલો, સ્કેટિંગ અને ડાન્સિંગમાં પોતાનો સમય વીતાવતી ગઈ. આ જ અરસામાં એક ઘટના બની અને આયોનિકાએ શૂટિંગને પોતાના જીવન સાથે કાયમ માટે જોડી દીધું. વર્ષ ૨૦૦૪માં અગિયાર વર્ષીય આયોનિકાએ રાજ્યવર્ધન સિંઘને ઓલિમ્પિકની શૂટિંગમાં સિલ્વર મેડલ લેતાં જોયા ત્યારે તેણે શૂટિંગમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું. તે શૂટિંગ માટે ખૂબ જ આતુર હતી, પરંતુ જ્યારે તે ખરેખર તે માટેની ટ્રેઈનિંગ લેવા ગઈ ત્યારે તે ઘણી નિરાશ થઈ હતી. એક ઈન્ટવ્યુમાં તેણે કહ્યું હતું કે, “બોરિંગ અને આળસજનક વાતાવરણમાં તમારી આસપાસ લોકોનું ટોળું કોઈ પણ પ્રવૃત્તિ વિના મૌન ઊભું હોય. એ અનુભવ જ મારા માટે ઘણો નિરાશાજનક હતો.” તેણે શૂટિંગની રમતના ૧૫ દિવસના કોર્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું, પરંતુ તે પૂરો કરતાં તેને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. પણ જ્યારે તેને ખબર પડી કે તેની શાળામાં શૂટિંગની સ્પર્ધા છે, તેણે તેમાં પહેલીવહેલી વાર ભાગ લીધો અને એમાં તેને અજબનો આનંદ આવ્યો. પછી તો ધીમે ધીમે આ રમતમાં તે વધુ ને વધુ ઊંડે ઉતરતી ગઈ અને નિયમિતપણે શાળાની સ્પર્ધામાં ભાગ લેતી થઈ ગઈ. એક વર્ષમાં તો તે જુનિયર નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જેટલી આવડત કેળવી ચૂકી હતી. ત્યારબાદ તો એણે આંતરરાષ્ટ્રીય સ્તરની જુનિયર ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો. 

આ આખી સફરમાં તેને તેના પરિવાર, કોચ તથા સિનિયર શૂટરનો ઘણો સહકાર મળ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે આપણા દેશના બોલિવુડ શહેનશાહ એવા અમિતાભ બચ્ચને પણ આયોનિકાને શૂટિંગમાં કારકિર્દી ઘડવા સ્પોન્સર કરી છે. જોકે, ઓલિમ્પિક્સમાં તેને મળેલી નિષ્ફળતાએ તેના આત્મવિશ્વાસને થોડો હલાવી નાખ્યો હતો, પણ આયોનિકાનું માનવું છે કે એ હારને કારણે જ તેણે રમતમાં વધુ ધ્યાન પરોવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે ચાલુ વર્ષના જૂન માસમાં જ તેણે સિનિયર ટુર્નામેન્ટમાં સૌથી પહેલી જીત મેળવી. મારિબોર વર્લ્ડ કપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવીને કોમવેલ્થ ગેમ્સ માટે લોકોની આશા વધારી દીધી છે. 

મેરી કોમને હરાવનાર પિન્કીને જ્યારે ‘બેસ્ટ બોક્સર’નું ખિતાબ મળ્યું...

પિન્કી જાંગડા
હરિયાણાના હિસર તાલુકાની વતની પિન્કી જાંગડાએ વર્ષ ૨૦૦૯માં ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી મેરી કોમને નેશનલ ટુર્નામેન્ટમાં હરાવીને પોતાની કારકિર્દીને એક નવો વળાંક આપ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી ભારતની પ્રથમ હરોળની બોક્સિંગ ચેમ્પિયન બનવાની પિન્કીની હઠ ચાલુ છે, જે હવે કોમનવેલ્થ ગેમ્સમાં પડઘાશે એવી આશા સૌ રાખી રહ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતી પિન્કીના પિતા સરકારી કારકુન તથા માતા હાઉસવાઈફ છે. પણ તેનો ભાઈ રાજ્ય સ્તરે બોક્સિંગમાં ભાગ લેતો હોવાથી તેણે પિન્કીને પણ બોક્સિંગ માટે પ્રોત્સાહિત કરી. જ્યારે પિન્કી ૧૫ વર્ષની થઈ ત્યારે તે સૌપ્રથમ વખત બોક્સિંગ રિંગમાં પ્રવેશી. જોકે, બોક્સિંગ માટેના પોતાના પેશનને પારખતા તેને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. વર્ષ ૨૦૦૬માં તેણે જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. તે કહે છે કે, “ગોલ્ડ મેડલ મળવાની ખુશી હતી, પણ એની સાથે ‘બેસ્ટ બોક્સર’નું જે ખિતાબ મળ્યું હતું તે જ મારા માટે પૂરતું હતું.”પિન્કી જાંગડાએ હજી સુધી ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એરાફુરાગેમ્સ(૨૦૧૩) અને એશિયન વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ(૨૦૧૨) એમ બે જ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, જેમાં તેણે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. 

થોડા સમયમાં જ ઘણી સિદ્ધિ મેળવનાર પિન્કી કહે છે કે, “તમને ગમે તેટલી ટ્રેઈનિંગ આપવામાં આવે, પરંતુ સ્પર્ધાઓ જ તમારી આવડતની ખરી કસોટી કરે છે, તમારું મનોબળ વધારે છે અને તમને રમત દરમિયાન વધતાં દબાણનો પણ અનુભવ કરાવે છે.”પિન્કી માને છે કે બોક્સિંગમાં કારકિર્દી ઘડવા માટે મહિલાઓ માટે આ સમય ઘણો સારો છેઅને તેથી જ તેના કોમનવેલ્થના આ પહેલા પ્રયાસ માટે તે ઘણી આશાસ્પદ છે.


દેશને ગૌરવ અપાવતી મહિલાઓને ઓફિશિયલ કીટ પણ અપાઈ નથી!
(ડાબે) મિરાબાઈ ચાનુ અને (જમણે) સંજિતા ચાનુ
કોમનવેલ્થ ગેમ્સની રમતો જેમ-જેમ રમાતી જાય છે તેમ-તેમ આપણા દેશને મહિલાઓ ગૌરવ અપાવતી જાય છે, જે પૈકી વેઈટ લિફ્ટિંગની જુદી જુદી કેટેગરીમાં ખુમુકચમ સંજિતાએ ગોલ્ડ મેડલ તથા મિરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ અને સોળ વર્ષીય (ભારતની કદાચ સૌથી યુવા ખેલાડી) મલાઈકા ગોએલે દસ મીટર એર પિસ્ટલ રમતમાં સિલ્વર મેડલ જીતીને દેશની આબરૂ વધારી છે. આ જીત પછી જ્યારે સમગ્ર દેશની મીડિયાનું ધ્યાન આ મહિલાઓએ ખેંચ્યું છે ત્યારે હાલમાં ‘ડીએનએ’ના એક એક્સક્લુઝિવ અહેવાલ મુજબ વીએટ લિફ્ટિંગમાં વિજેતા નીવડેલી આ બંને ખેલાડીઓને રમતની ઓફિશિયલ કીટ પણ આપવામાં આવી નહોતી. તેમણે પોતાની જૂની કીટથી જ આ કોમનવેલ્થ ગેમ્સમાં પ્રદર્શન કર્યું હતું!

આ અહેવાલ અનુસાર ઈન્ડિયન ઓલિમ્પિક એસોશિએશન(IOA)એ વેઈટ લિફ્ટિંગ માટે જતી કોઈ પણ મહિલા ખેલાડીઓને ઓફિશિયલ કીટ આપી નહોતી. જ્યારે કેન્દ્રીય રમત મંત્રાલયે(યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી) દરેક ખેલાડી માટેસમારંભની કીટના રૂ. ૧૫,૦૦૦ અને સ્પોર્ટ્સ કીટના રૂ. ૫,૦૦૦ ફાળવી આપ્યા હતા. આઈઓએનું કાર્ય સમયસર આ કીટ ખેલાડીઓને પહોંચે છે કે નહીં તેની કાળજી રાખવાનું હોય છે. પણ આમ છતાં આ ખેલાડીઓએ જૂની કીટથી જ કામ ચલાવવું પડ્યું હતું. આ ઉપરાંત, બોક્સિંગ ઈન્ડિયા ઓફિસયલ મુજબ ઓપનિંગ સેરેમનીના કપડાં પણ ખેલાડીઓને સારી ગુણવત્તાના આપવામાં આવ્યા નહોતા. જોકે આ કંઈ પહેલી વારની ઘટના નથી. ભારતના ખેલાડીઓ વર્ષ ૨૦૧૦ દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ આ જ પ્રકારની બેદરકારીનો શિકાર બની ચૂક્યા છે.


'લાઈવ મિન્ટ'માં પ્રસિદ્ધ થયેલા એક આર્ટિંકલ પરથી આ લેખની કેટલીક માહિતી લેવામાં આવી છે.