Saturday, January 3, 2015

રોન્ગ નંબર!!!!!!!!!!!!!!!!


દિવસો પછી આજે ફાયનલી પીકે જોવાનો સમય મળ્યો. પિક્ચરના સેકન્ડ હાફથી જ મન એક વિચારે ચઢ્યું કે આ વિરોધ શાનો? ભગવાન વિશે દર્શાવવા માટે?

વેલ, મને લાગે છે કે દેશના લોકો કદાચ ફિલ્મને સમજ્યા જ નથી. ફિલ્મમાં પીકે રોંગ નંબરની વાત કરે છે. કોઈ ફિરકી લે રહા હૈ…’ આ વિરોધમાં પણ મને એવું જ કંઈક લાગી રહ્યું છે. કારણ કે જો લોકો ફિલ્મ સમજ્યા હોત તો વિરોધ મંદિરોમાં ભગવાનને નામે આધિપત્ય જમાવી ચૂકેલા, ગલી-ગલીએ જોવા મળતાં ધૂતારાનો થયો હતો. પીકેનો નહીં.

આપણે ક્યારે સરળ અને સાદી ભાષાને સમજીશું? આ વાત મને ખરેખર છેલ્લાં કેટલાય મહિનાઓથી પરેશાન કરે છે. આજે સ્થિતિ એવી થઈ છે કે ટ્રેનમાં ટ્રાવેલ કરતાં ભૂલ-ચૂકમાં પણ કોઈ સામે હસાય જાય તો પહેલા એના મનમાં વિચાર એ આવશે કે આ કોણ છે? ઓળખે છે? અરે, દોસ્ત... જસ્ટ સ્માઈલ બેક. બાકીનું પછી જોઈ લેવાશે! નાના બાળક સામે જોઈને હસીએ તો એની માતાને વિચાર આવશે આની નજર તો નહીં લાગે ને? માણસનો માણસ પ્રત્યેનો વિશ્વાસ એટલી હદે હણાયો છે કે તેણે એક પથ્થરનો સહારો લેવો પડે છે.

એક ઔર સવાલ દરમિયાન પ્રશ્ન હતો કે શું કામ લોકો જે એક ઉમ્મીદ પર જીવી રહ્યા છે એને તોડવી? પણ મારો મૂળ પ્રશ્ન છે, ખોટી આશા જ કેમ બાંધવી? જે વ્યક્તિ આત્મહત્યા કરવાનો છે, એને ઈશ્વરની રાહ બતાવીને બીજા બે-ચાર મહિના આગળ વધારી શકાય, પણ અંતે તો ઈશ્વરનો ભ્રમ તૂટશે ને સાથે ઈશ્વરમાં જે થોડી ઘણી શ્રદ્ધા છે એ પણ અને મરશે તે તો અલગ જ. મુશ્કેલીમાં પડેલાને કોઈ ખોટી શ્રદ્ધા કે ખોટા દિલાસાને બદલે શું તેની મુશ્કેલીનો ઉપાય નહીં બતાવી શકાય? માણસ મુશ્કેલીના સમયમાં પણ બીજાને ઈશ્વરના નામે છેતરવાનું જ પસંદ કરે છે?

ફિલ્મની એક વાત ખરેખર પસંદ પડી. મને ઘણીવાર પૂછવામાં આવે છે... ભગવાનમાં માને છે? એટલિસ્ટ હવે મારી પાસે જવાબ છે. હું જેણે આપણને બનાવ્યા એમાં માનું છું.

ફિલ્મમાં સરફરાઝનો જે રાઝ ખૂલે છે, ત્યારે પણ આ જ સરળતાની વાત છે. જોવા જઈએ તો આપણામાં એક અગાઢ શક્તિ રહેલી છે. બસ, આપણે ઉપયોગ ખોટી જગ્યા કરીએ છીએ. જેમ કે, જગ્ગુ કોઈ બાબામાં વિશ્વાસ કરતી નથી અને એમને ખોટા સાબિત કરવા માટે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પણ દિલના એક ખૂણામાં તો એ બાબાની વાત ફર્યા જ કરે છે અને ત્યાં જ રોન્ગ નંબર લાગે છે. આપણે હંમેશાં નકારાત્મકતા પર પોતાની બધી એનર્જી કેન્દ્રિત કરીએ છીએ. શા માટે? જો આ એક સરળ વાત સમજાય તો પછી કોઈ ખોટી ઉમ્મીદ બાંધી આપતાં ભગવાનની જરૂર નહીં પડે. પીકેએ કોઈ મોટી વાત કે ગૂઢ રહસ્ય નહોતું ખોલ્યું. એક સાદી, સરળ પરિસ્થિતિનો ખુલ્લા મગજથી વિચાર કરીને એક સીધો તર્ક આપ્યો, જે સાચો પડ્યો. 

જોકે, એવું જરૂરી પણ નથી કે એ તર્ક સાચો જ પડે હંમેશાં, પણ શું વસ્તુને જટિલ બનાવવાથી એનો ઉપાય જડશે? ના, તો પછી શા માટે નાની બાબતોને પણ આપણે જટિલ બનાવતાં રહીએ છીએ?

બીજી રસપ્રદ વાત એ લાગી કે ધર્મની વિરૂદ્ધ ફિલ્મ છે એમ કરીને તો લોકોએ પીકેને વખોડી જ, પણ સાથે ઓહ માય ગોડ સાથે સરખામણી કરી. પણ ફરીથી આ રોન્ગ નંબર જ થયો ને? આમીર બતાવી રહ્યો છે ચંદ્ર અને આપણે બધા ચર્ચા કરીએ છીએ એની આંગળીની... ભાઈ, વિરોધ કરવાને બદલે એમ વિચારોને કે આ બુદ્ધિશાળી ડિરેક્ટર્સ, રાઈટર્સ અને કલાકારોએ શા માટે ફરી ફરી એકના એક વિષય પર ફિલ્મ બનાવવી પડે છે? શું માન્યતામાં આપણે વાસ્તવિકતા ભૂલી ગયા છીએ? નાનપણની રમત યાદ છે? ટેલિફોન-ટેલિફોન? વર્ષો પહેલા શરૂ થયેલી આ રમતની મૂળ વાત આજે આપણી પાસે કંઈક અલગ જ રીતે નથી ફરી રહી? શું આ રમતનો અંત હવે આવવો નહીં જોઈએ?


જવાબ અધૂરો જ રહેશે, કારણ કે હજુય આપણે રોન્ગ નંબર જ ડાયલ કરી રહ્યા છીએ.