Wednesday, April 1, 2015

‘પ્રકૃતિ જીવન ટકાવે તો છે, પણ તેના સંસર્ગે રહેનારને જીવન જીવતા પણ શીખવાડે છે.’

ધ્રુવ ભટ્ટ... આ શબ્દ મેં પહેલી વાર એક વર્ષ પહેલાં સાંભળ્યો હતો, મારા એક ઈન્ટેલિજન્ટ મિત્ર પાસેથી. એ મિત્ર તત્ત્વમસી વાંચીને હું સખત પાગલ થઈ ગયો હતો એમ ઘણી વાર બોલતાં, પણ પુસ્તકનું નામ સાંભળી મને થતું કે હશે કોઈ પુસ્તક... પણ પછી ધ્રુવ ભટ્ટ પોતે સુરત આવ્યા. ૨-૩ દિવસ રહ્યા. એમનું અકૂપાર નાટક સુરતમાં ભજવાયું. ચેતનભાઈને કારણે મને એમની સાથે એ નાટક જોવા મળ્યું અને સાથે દૂરથી, પણ ધ્રુવ ભટ્ટને જોવા મળ્યા. હજી પણ ધ્રુવ ભટ્ટની પ્રતિભાથી હું અજાણ હતી. નાટક શરૂ થયું અને સ્થાનિક ભાષામાં વણાયેલું એ નાટક મને બાંધતું ગયું. સાથે-સાથે ચેતનભાઈ તળપદા શબ્દો સમજાવતાં ગયા. નાટક પત્યું પછી જાણે કોઈ મને બળજબરીથી એ નાટકની દુનિયામાંથી બહાર કાઢતું હોય એમ લાગ્યું. મારે હજી એ દુનિયામાં રહેવું હતું અને હું રહી. મેં અકૂપાર પુસ્તક વાંચી કાઢ્યું. નાટક જેવી જ તીવ્ર લાગણી મનને ઘેરી વળી. પછી મારા એ અતિ પ્રતિભાશાળી મિત્રએ એક વાર ફરી તત્ત્વમસીની વાત કરી. એટલે વખત જતાં એ પુસ્તક હાથમાં લીધું. એ પુસ્તક હાથમાં લીધું ન લીધું, હું નર્મદાના પ્રેમમાં પડી ગઈ. એના કિનારા, એની આસપાસના વિસ્તાર અને જંગલમાં ફરી વળવાની મને તીવ્ર ઝંખના થઈ આવી. ધ્રુવ ભટ્ટને સુરતમાં ન મળ્યાનો પારાવાર અફસોસ પણ થયો. પણ એ અફસોસ એમના પુસ્તકો વાંચી પૂરો કરવાનું નક્કી કર્યું અને એ નિશ્ચયરૂપે હાલમાં સમુદ્રાન્તિકે વાંચ્યું.
એક પુસ્તકથી વાચક શું ઈચ્છે? પ્રેરણા, જ્ઞાન, રીફ્રેશમેન્ટ, માહિતી, આનંદ? પણ જો પુસ્તકમાંથી તમને સ્વની ઓળખ, પસંદ, ઝંખના, એક નવી દુનિયા, પ્રકૃતિની સમજ અને દુનિયાના અનોખા વ્યક્તિઓની ઓળખ મળે તો? બસ, આવું જ કંઈક છે સમુદ્રાન્તિકેના એક એક પાના પર. જેમ જેમ પાનું ફરે તેમ તેમ તમારું મન એક એવી દુનિયા તરફ ખેંચાતું જાય જ્યાં વર્ષોથી જવાની કે ફરવાની તમે ઈચ્છા કરી હોય. સમુદ્રકિનારે બેઠાં, હવા ખાતાં કે રેતીમાં હાથ ફેરવતાં ક્યારેય જો પોતીકાપણાની કે સ્નેહની લાગણી થઈ હોય તો આ પુસ્તકના દરેકે દરેક અક્ષરે તમે પ્રકૃતિને માણી શકશો. આજનો આધુનિક માણસ સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી એવો ઘેરાયો છે કે જો એને ૩૬૫ દિવસમાંથી પાંચ-છ દિવસના હળવા વેકેશન દરમિયાન પ્રકૃતિનો આનંદ મળે તો પણ ધન્ય થઈ જાય અને એમાંય હવે ટુરિઝમનો વિકાસ જેવા ભારેખમ શબ્દોને કારણે વિદેશી ફૂડ ચેઈન અને આધુનિક સવલતો વચ્ચે માણસ રહેતો હોય છે. એટલે પ્રકૃતિ સાથે તે સીધો સંબંધ બાંધી શકતો નથી.
આજકાલ એવા સરવે કરવામાં આવે છે કે વ્યક્તિ દિવસની આટલી મિનિટ ફોન ચેક કરવા પાછળ ગાળે છે, આટલા કલાક ઓનલાઈન હોય છે બ્લા... બ્લા... પણ આ પુસ્તક વાંચતી વખતે મને સતત એક વિચાર આવતો કે હું દિવસની, અઠવાડિયાની કેટલી મિનિટ પ્રકૃતિને આપું છું? જવાબમાં શરમ તો આવે જ, પણ સાથે પ્રકૃતિની આપણા માટેની સ્વીકારવૃત્તિનો અહેસાસ થાય તો તેના માટે માન પણ ઉપજી આવે.
સમુદ્રાન્તિકે પુસ્તકના કેટલાક વાક્યો છે, જે પ્રકૃતિ નજીક ખેંચે છે એ લખવાનું મન થાય છે. આ પુસ્તકનો નાયક કહે છે કે, મેં અનુભવ્યું છે કે જે માણસ પ્રકૃતિની નિકટ રહે છે, તેને પ્રકૃતિ પોતાના મૂળભૂત ગુણોનું દાન કરે છે., પ્રકૃતિ જીવન ટકાવે તો છે, પણ તેના સંસર્ગે રહેનારને જીવન જીવતા પણ શીખવાડે છે. આવી તો અનેક વાતો વાંચીને ઊંડા વિચારોમાં ગુમ થનારી મોમેન્ટ્સ મેં ઘણી માણી છે અને સાથે પ્રકૃતિના પ્રેમમાં પણ પડી છું.
મજાની વાત તો એ છે કે ૧૯૯૩માં પહેલા વહેલા પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં આધુનિક માનવી, પ્રકૃતિ સાથે તેનો મેળાપ અને દુનિયાને જોવાની એની બદલાતી દૃષ્ટિની વાસ્તવિકતા આજે પણ એટલી જ યથાર્થ લાગે છે.
મને ગુજરાતી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ છે. આ ભાષા માટે હું લડી પણ છું અને સતત લડતી પણ રહીશ, કારણ કે આ ભાષાની જે ખૂબસુરતી હું માણી શકું છું, વાંચી શકું છું એ મને અનહદ ખુશી આપે છે અને ધ્રુવ ભટ્ટના પુસ્તકોમાં માત્ર ભાષાની મજા જ નહીં, પરંતુ તેની અંદરના સત્ત્વને પણ જેમનું તેમ રાખવામાં આવે છે, જે તેમના તમામ પુસ્તકની વિશેષતા છે. બીજી વાત એ કે, પુસ્તક વાંચવાથી એક જોમ આપમેળે આવી જાય. કંઈક કરવાનું, કંઈક લખવાનું ને કંઈક માણવાનું. દરેક પાત્રોની વિશેષતા, તેનું વર્ણન અને કથાનો પ્રવાહ અદભુત હોય છે.

આટલા વર્ષોમાં પુસ્તકોના થોડા ઘણા વાંચન પછી એ તો અનુભવ્યું કે જે પુસ્તકો વાંચ્યા પછી મનના એક ખૂણામાં સ્થાન બનાવતાં હોય તો એવા પુસ્તકના લેખક અને તેના લેખનમાં હકીકતનો વાસ છે. આટલા લાંબા લખાણનો હેતુ બે જ છે. એક, રોજના વ્યસ્ત જીવનમાંથી આ પુસ્તક વાંચવાનો થોડો સમય કાઢો અને બે, પુસ્તક વાંચ્યા પછી, તમે જ એનો બીજો હેતુ મારી સાથે શેર કરશો એની મને ખાતરી છે.