Wednesday, September 30, 2015

મારા દાદાજીનો અસબાબ...



બાકી, શું નવા-જૂની?’, આજે શું ખાધું?’ બસ, આ બે સ્ટાન્ડર્ડ સવાલોથી દાદાજીની વાત શરૂ થતી. તબિયતનું પૂછીએ તો કહે, હાઈ ક્લાસ. બસ, આ જરા આંખની તકલીફ છે. છેલ્લાં એક વર્ષમાં દાદાજી સાથે ફોન પર આટલી વાતો થતી. ઋતુ બદલાઈ એટલે વરસાદ ને ગરમી-ઠંડીનું પૂછી લે. એકાદ વાર એવુંય પૂછે ક્યારે આવાની? હું કહું હમણાં તો નહીં હવે. તો કહે, આવતાં રહેવાનું, મમ્મી-પપ્પાને પણ ગમે. પોતાની વાત નહીં, પણ ગમે તો એમનેય ઘણું.

હું ફ્લાઈંગ રાણીમાં રાત્રે ૧૧ વાગ્યે સુરત પહોંચું. મમ્મી-પાપા આવ્યા હોય સ્ટેશને એટલે ઘરે માત્ર દાદાજી હોય. જેવો દરવાજો ખૂલવાનો અવાજ આવે કે તરત એમના રૂમમાંથી બૂમ મારે, કોણ?’ હું કહું, દાદાજી, અમે છીએ. એટલે કહે, કોણ અમી? એટલે ક્યારેક રૂમમાં જઈને મોઢું બતાવી આવું. પછી સવારે સાથે ચા પીવાનું કહી છૂટા પડીએ. (પણ હું એટલી વહેલી ઊઠતી નહીં.) આવો એક વર્ષથી નિયમિત કાર્યક્રમ.

મારા દાદાજીની યાદો ઘણી, પણ છૂટી છવાયેલી. એમ બોલે ઓછું, પણ પાછી વાતો કરવા ઘણી જોઈએ. જૂનું-જૂનું યાદ પણ બધું. ઈંગ્લિશ મીડિયમમાં ભણેલા. એ બધું કેટકેલીય વાર સંભળાવી ચૂકેલા. પપ્પાનો, ભાઈ-ભૂમિનો અને મારો મોહ પણ ખરો. મમ્મીને કદી બતાવે નહીં, પણ રૂપા વગર એમનો એક દિવસ જાય પણ નહીં. પોતાનામાં રચ્યા-પચ્યા રહેવાનુંય એટલું જ ગમે. સ્વભાવે શિસ્તબદ્ધ અને એકદમ પર્ટિક્યુલર. એમના હલન-ચલન પરથી સમય નોંધી શકાય એટલા નિયમિત. ઘરમાં ખાસ બોલે નહીં, પણ એમની વસતી જરૂરથી લાગે. કેટલા વાગ્યા જેવા સવાલોથી લઈને બરફનો એક ગાંગરો આપ જેવું કંઈને કઈ ચાલ્યા કરે.

લોકો મળવા આવે એ એમને બહુ ગમતું. સોસાયટીના ફેરિયા, દૂધવાળા બધા જ ઓળખે દાદાજીને. એમની બર્થ ડેના દિવસે એ બધાને અને અમને ડેરી મિલ્ક ચોક્કસપણે મળે. પૈસાનો પણ વ્યસ્થિત હિસાબ રાખે, પણ ક્યારેક મને કંઈક લેવા મોકલે અને ૧૦-૨૦ રૂપિયા બચ્યા હોય તો કહે, લે, 'તું રાખ. દાદાજી ની હશે ને ત્યારે યાદ કરજે.' રોજના પેપરને વ્યસ્થિત ગળી વાળતાં, તારીખ-વાર લખતાં અને પસ્તી પણ એ જ વેચતાં. એમાંથી રૂપિયા આવે એ મને આપતાં. ભાઈ હતો તો એને વધારે આપે. મોટો એટલે. મને ઓછા આપે. પણ કામ પણ એ જ બધા કરતો એટલે એની માયા બહુ વધારે. પણ આજેય જ્યારે વિચારું તો એ જે રૂપિયા મને મળતાં એના જેવી ખુશી મને આજ સુધી ક્યારેય મહિનાની સેલેરી જોતાં થઈ નથી. કદાચ આ એક ક્લીશે છે, પણ આજકાલ સાંભળતા આવેલા આ બધા વાક્યો અને શબ્દોને નજીકથી અનુભવવાનું નસીબે આવ્યું છે. 

મારા દાદાજી જેટલું જીવ્યા એટલું સ્વસ્થ અને આત્મનિર્ભરતાથી જીવ્યા. બાના મૃત્યુ સમયે હું નાની હતી. એમના મૃતદેહને નવડાવવાની વિધિ હતી ત્યારે હું ડરી ગયેલી, રડેલી. હું સ્પર્શ પણ નહોતી કરી શકી. પણ દાદાજીના અંતિમ દરેક શ્વાસની પળોમાં હું હાજર હતી. પહેલી વાર જીવ જવો એટલે શું એ નજરોથી જોયું. માણસની કુદરત આગળની લાચારી જોઈ. મારા દાદાજીની છેલ્લા દિવસ સુધી જાતે ચાલવાની જીજીવિષા જોઈ. એમ કોઈનું પણ સાંભળી ના લે, પણ છેલ્લે મેં એમને ડોકું હલાવી દરેકની વાતો સાંભળતાં જોયા. મારા હાથેથી એમને ચમચીએથી ખવડાવતાં એમના ચહેરાની લાચારીને જોઈ. મરતી વેળાએ શરીરના ગરમાટાથી ઠંડુ પડવાની એ ક્ષણો દરમિયાન એમના ચહેરા પરની નિર્લેપતા જોઈ. પોતાનાને ગુમાવવું શું એનો પહેલી વાર સભાનપણે અનુભવ કર્યો. મારા પાપાની આંખોના પહેલી વારના આંસુ અને ભાઈની ગેરહાજરીનું એમના અંતરમનનું દુ:ખ જોયું. મમ્મીના રોજિંદા જીવનનો એક ખીંટો અચાનક જ તૂટી જતાં જોયો. એમના જીવનમાં પડેલો આ ખાલીપો એમના ચહેરા પર જોયો અને આ બધી લાગણીઓથી દૂર શબવાહિનીમાં શાંત ચહેરે સ્માશાન સુધી જઈ રહેલા મારા દાદાજીના દેહને બહારના ઘોંઘાટમાં સ્થિર-નિશ્ચિંત સૂતેલો પણ જોયો. 

હજુ સુધી સાંભળતાં આવેલા ધાર્યું નહોતું, ખાલીપો જેવા શબ્દો આજે અચાનક અર્થસભર અને પોતીકા લાગવા લાગ્યા. એમ ત્યારે હજારો વાર દાદાજીના રૂમમાં....થી વાક્યો શરૂ થતાં, પણ આજે જ્યારે બોલવાનું આવે કે એ તરફ જોવાનું આવે ત્યારે હજુય આ વાસ્તવિકતાને પચાવી કે સ્વીકારવી કેમ એ સમજાતું નથી. પોતાની વ્યક્તિને ગુમાવવું એટલે શું છે એ કદાચ આટલું નજીકથી ક્યારેય જાણ્યું નહોતું. પણ આજે દાદાજીની આત્માને શાંતિ મળે એવી હરપળે દુઆ થાય છે.


આજે જ્યારે એમના રૂમની સફાઈ કરી ત્યારે બા સાથેના એમના ફોટોગ્રાફ્સ, એમના જરૂરી કાગળ અને એમના રૂટિનની જરૂરી ચીજ-વસ્તુ સિવાય બીજું કંઈ હતું નહીં. એમની ખરી સંપત્તિ અમે હતા. અમારો પરિવાર હતો અને છેલ્લી ઘડી સુધી એ પરિવાર એમની સાથે હતો. એમના છેલ્લાં શ્વાસ સુધી એમને અમે ધરપત આપતાં કહ્યું હતું કે અમારી ચિંતા ના કરતાં. અમે સુખી છીએ. કદાચ એટલે જ એકદમ શાંતિથી અને સ્વસ્થ રીતે એમણે દેહ છોડ્યો હશે!