Saturday, June 22, 2013

વિશ્વમાં આવતા પૂરોમાં સૌથી વધુ મૃતકો ભારતમાં




હિંદુ ધર્મના સૌથી પવિત્ર પુસ્તક શ્રીમદ ભાગવત ગીતાના ૯મા પ્રકરણના આઠમા અધ્યાયમાં લખ્યું છે કે, મે (ઈશ્વરે) આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે અનેએનો વિનાશ પણ મારી ઇચ્છાશક્તિ પ્રમાણે જથશે. આ સમગ્ર સર્જન મારી ઇચ્છાને અનુસરે છે અને એના સર્જન કે વિનાશ માટે હું અને માત્ર હું જ જવાબદાર છુ.આ વાક્યો વાંચતી વખતે ખરેખર મનમાં પ્રશ્ન થાય છે કે ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર ચાર ધામોની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓની દુર્ગતિ માટે પણ શું ખરેખર ઈશ્વર જ જવાબદાર છે કે પછી આપણી સરકાર, તંત્ર અને એની બેદરકારીઓ જવાબદાર છે? આ તમામ પરિસ્થિતિ રાતના ૯ વાગ્યાના બુલેટિનમાં ઘરના સોફા પર બેસીને નિહાળવા જેટલી સામાન્ય છે કે પછી હવે આપણે જાગવાની જરૂર ઉભી થઇ છે? હજારો લોકો અત્યારે આ વિનાશક પૂરના ભોગ બન્યા છે ત્યારે આપણી અનેસરકારની કુરતી આફતો સામે લડી લેવાની ક્ષમતા કેટલી? આવા અનેક પ્રશ્નો હાલનાસંજોગોમાં ઉભા થાયછે.

ત્રણ વર્ષ પહેલા,'એકાએક આવેલા ઘોડાપુરે સમગ્ર ઉત્તર ભારતને મુશ્કેલીમાં મુક્યું' અને 'પૂર, વરસાદ અને ભયંકર વિનાશ ઉત્તર ભારતમાં અંકુશરહિત બન્યો છે.' જેવા સમાચારો તમામ ન્યુઝ ચેનલ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને આજે આ જ સમાચારો ફરી માધ્યમોમાં ચમકી રહ્યા છે.ત્રણ વર્ષ પહેલા, અલમોડા, ચામૌલી, ઉત્તરકાશી અને નૈનિતાલ જેવા સ્થળો વિનાશક પૂરના ભોગ બન્યા હતા જ્યારે આ વખતે રૂદ્રપ્રયાગ કુદરતના પ્રકોપનું સાક્ષી બન્યું છે. આ ભયંકર તારાજીમાં ઘરો, માનવો, આજીવિકા અને જાહેર સગવડોને ક્રમશઃ બરબાદ થતા નિહાળીએ છીએ ત્યારે વિચાર આવે છે કે આપણે કુદરતના પ્રકોપ સામે કેટલા લાચાર બની જઈએ છીએ. પરંતુ એ સાથે ભૂતકાળની આવી જ કેટલીક ઘટનાઓ આંખ સમક્ષ તરવરવા લાગે છે ત્યારે સમજાય છે કે આપણે લાચાર નથી, પણ આપણે નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે, ભૂતકાળની ભૂલોમાંથી કોઈ શીખ લઇ, તારણો કાઢી એ પ્રમાણેના આગોતરા નિર્ણયો કર્યાહોત તો, પૂરગ્રસ્ત જગ્યાએ હજારો લોકોના જીવને આપણે આ જોખમમાંથી ઉગારી શક્યા હોત. પર્યાવરણશાસ્ત્રીઓ, નિષ્ણાતો અને કાર્યકર્તાઓ માને છે કે કો પણ પ્રકારના આયોજન વિનાનો વિકાસ અને નિરંકુશપણે કપા રહેલા જંગલો આવી આપત્તિઓ માટે જવાબદાર છે. જંગલ વિસ્તારના ઘટાડાથી જમીનની માટી લપસણી બની અને જેથી વારંવાર જમીન ધસી પડવાના કિસ્સા વધવા લાગ્યા. ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગ, જોશીમઠ અને ચામૌલી જેવા વિસ્તારમાં કોઈ શહેરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ૩ વર્ષ પહેલા ઉત્તરાખંડમાં હાયડેલ પ્રોજેક્ટના અંતર્ગત અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી ત્યારે CAG (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા) દ્વારા ભયંકર વિના અંગેની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ, સ્થાનિક તંત્રએ આ રીપોર્ટની અવગણના કરી હતી. સરકારની આંખો હંમેશાં પ્રકૃતિ એનો પરચો બતાવી દે એ જ વખતે ઉઘડે છે. પ્રકૃતિના વિનાશના અણસાર દેખાવા લાગે ત્યારે અથવા તો વિનાશ ચારે તરફ ફેલાવા લાગે પછી પણ આપણુતંત્રહંમેશાં નિષ્ફળ નીવડ્યું છે. આપણા તંત્રએ કુદરતી આપત્તિઓ સામે લડવાની પૂર્વતૈયારીઓને સદા અવગણી છે, જ્યારે હિમાલય જેવા વિસ્તારમાં, જ્યાં આવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી રહે છે ત્યાં આવી વ્યવસ્થા અગ્રીમ સ્થાને હોવી અત્યંત જરૂરી છે. પરંતુ કમનસીબે, ઉત્તરાખંડમાં ત્રણ ભયંકર વિનાશક પૂર આવવા છતાં આ વર્ષે પણ સ્થિતિ આગલા વર્ષો જેવી જ રહી છે.

સમગ્ર વિશ્વમાં પૂરથી મૃત્યુ પામતા લોકોમાં પાંચમા ભાગ જેટલા લોકો ભારતના હોય છે. ૩૫ રાજ્યોમાંથી ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સરળતાથી આવી કુદરતી આફતોથી અસરગ્રસ્ત થઇ શકે એવા છે. આપણા જમીનના વિશાળ વિસ્તાર પૈકી ૫ ટકા વિસ્તારમાં આવાખૂબ વિનાશકપૂરો આવી શકે છે. જમીનનો ૧.૮૬ કરોડ હેક્ટર જેટલો વિસ્તાર અને ૩૭ લાખ હેક્ટર જેટલી ખેતીલાયક જમીનનો વિસ્તાર દર વર્ષે પૂરથી અસરગ્રસ્ત બને છે. પરંતુ આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ક્યારેય અગાઉથી લેવાતા નથી અને ખરેખર એ ચિંતાનો વિષય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સનાં ડાયરેક્ટર જગન શાહ પ્રમાણે, પૂર વિશેના ડેટા અને એના બચાવકાર્યો માટે ખર્ચવામાં આવતા નાણાનો એમ તો કોઈ સંબંધ નથી પરંતુ અહી એક મહત્ત્વની બાબત એ છે કે સાલ ૧૯૫૦-૫૧માં દૂરના વિશાળ ગ્રામીણ ક્ષેત્રોમાં જમીનની સિંચાઈ અને પૂરના રાહતકાર્ય માટે ૬૮.૫% જેટલી આર્થિક જોગવાઈઓ કરવામાં આવી હતી. સાલ ૧૯૭૦ પછીના વર્ષોમાં જ્યારે ૨૦૦૦-૨૦૧૦માં, એ દશકાની સૌથી મોટી પૂરો આવી હતી ત્યારે આ ખર્ચ ઘટાડીને ૫.૫% કરવામાં આવ્યો હતો. ઇન્ટર-ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)એ બનાવેલા રીપોર્ટ અનુસાર સાલ ૧૯૭૦થી ૨૦૦૮ દરમિયાન  વિકાસશીલ દેશોમાં ૯૫% જેટલા મૃત્યુ પ્રાકૃતિક આપત્તિઓને કારણે થયા હતા.

બારહ આયોગે બે દાયકામાં આવેલા પૂરમાં થયેલા વિનાશની માહિતી પહેલી વાર સંકલિત કરી હતી. એ માહિતી મુજબ, સાલ ૧૯૫૩થી ૧૯૮૦માં ૭૬૪૪.૮ લાખ લોકોની વસ્તી પૂરથી અસરગ્રસ્ત થઇ હતી. આ ઉપરાંતસરેરાશ દર વર્ષે ૯,૮૫,૭૩૧ જેટલા ઘરોને નુકશાન થયું હતું અને આથી કુલ ૨,૭૬,૦૦,૪૫૭ જેટલા ઘરોમાં પૂરને કારણે ભારે હોનારત ફેલાઈ હતી. વળી, સાલ ૧૯૭૭-૭૮માં મહત્તમ ૩૫,૦૭,૨૪૩ જેટલા ઘરો અને ૧૧,૩૧૬ જેટલા સજીવો પૂરના ભોગ બન્યા હતા. સરેરાશ દર વર્ષે ૧૩૮૨ જેટલા માણસો અને ૯૬,૮૧૫ જેટલા ઢોરઢાંખર પૂરને લીધે મૃત્યુ પામ્યા હતા. ધાન્ય અને બીજી કેટલીક જાહેર સુવાધાઓને લગભગ ૯૧૫૩૭.૫૯ કરોડ જેટલું નુકશાન પહોંચ્યું હતું. આ તમામ હકીકતો પરથી એવું કહી શકાય કે, ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા દશકામાં વિકાસાર્થે જેટલા પણ કાર્યો થયા હતા તે આ પૂરના કારણ કે વ્યર્થ નીવડ્યા.

ઉત્તરાખંડ રાજ્યની સરકાર ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DMMC)ને સહાય આપે છે. DMMC અનેક ટ્રેઈનિંગ કાર્યક્રમો, અગમચેતીના પગલાઓ માટેની માહિતી, વિશેષજ્ઞો સાથે સંપર્કઅને સ્થાનિક સંસ્થાઓને આપત્તિજન્ય વાતાવરણમાં રાહતકાર્યો કરવા માટે પહેલેથી તૈયાર કરાવવાની જવાબદારી લે છે. પણ આ તમામ બાબતોને અંતે એક જ વાત વારંવાર પ્રકાશમાં આવે છે કે આવી આફતોથી બચવા ગમે તેટલી યોજનાઓ ઘડવામાં આવે પરંતુ જ્યાં સુધી આપણે આફતો આવ્યા પછી, પ્રતિક્રિયા આપવાના આપણા મૂળભૂત સ્વભાવને પ્રાધાન્ય આપવાનું બંધ કરી, એ સંકટ વિશે અગમચેતીના પગલાં ભરવાને મહત્વ નઆપીશું ત્યાં સુધી હજારો લોકોના જીવ અને અનેક સંપત્તિઆ જ પ્રમાણે બરબાદ થતીરહેશે.  

સાલ ૨૦૦૫માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત બનેલી સંસ્થા જેવી કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(NDMA) અને સુપ્રીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સાલ ૨૦૦૮માંપૂર જેવી કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવા કેટલાક સૂચનો કર્યા હતા. એમણે લાંબા અને ટૂંકાગાળાના બધા જ પરિમાણોનું ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને કેટલીક ત્વરિત જરૂરિયાતોપર પ્રકાશફેંક્યો હતો. જેમાં ત્રણ અગત્યના મુદ્દા કંઇક આ પ્રમાણે છે,૧) દેશ, રાજ્ય કે તાલુકા કક્ષાના નકશામાં જે ગામ, શહેર, વિસ્તાર અને તાલુકો પૂરની સ્થિતિ માટે વધુ સંવેદનશીલ જણાય તેની પરખ કરવી. ૨) પૂરગ્રસ્ત વિસ્તારના મકાનોને ભવિષ્યમાં પૂર થકી કોઈ સંકટ ન આવે તે માટે સરકારી કાયદા દ્વારા એનું નવીનીકરણ અને ૩) ભીની જમીન અને હવાના ઓછા દબાણવાળા વિસ્તારમાં નવનિર્માણ માટેનાપ્રતિબંધોનું નિયમિત પાલન કરવું.

આમ છતાં, પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પહેલેથી જ સ્પષ્ટ યોજનાઓ અને કાર્યવ્યવસ્થાના ઘડતરનો અભાવ આ તમામ પરિસ્થિતિ માટે મોટા પ્રમાણમાં જવાબદાર છે. ઉપરાંત, પૂરથી અસરગ્રસ્ત હોય એવા વિસ્તારમાં પણ બચાવના પગલાઓ લેવાની યોજના સ્પષ્ટ અને ઝડપી હોતીનથી. વળી, ખાસ કરીને ગ્રામીણ કે દૂરના અવિકસિત શહેરો કે રાજ્યો જ આવા ભયંકર પૂરનો શિકાર વધુ પ્રમાણમાં બને છે. જો દિલ્હીમાંયમુના નદીના પાણીનું સ્તર ઊંચું થાય તો આખી સંસદ હચમચી  ઉઠે છે પરંતુ જયારે કોઈ ગ્રામીણ વિસ્તારમાં આવી કોઈ ઘટના બને ત્યારે એ સમાચારોની ઉપેક્ષા કરવામાં આવે છે અને એ અંગેનું કોઈ નિશ્ચિત આયોજન સમયસર કરવામાં આવતું નથી.

હિમાલય એન્વાયરમેન્ટલ સ્ટડીઝ એન્ડ કન્ઝર્વેશન ઓર્ગેનાઈઝેશનના સ્થાપક અનિલ જોશીનું માનવું છે કે ઉત્તરાખંડમાં આવેલા આ સંકટ પાછળ મુખ્યત્વે શહેરીકરણ, ઉદ્યોગીકરણ અને આપત્તિની યોજનાઓમાં થતી અનૈતિક કામગીરીઓ જવાબદાર છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણીનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો, જંગલ અને હિમક્ષેત્ર ધરાવતો હિમાલય પૂર જેવી આપત્તિ માટે ખૂબ સંવેદનશીલ છે. આથી એના તરફ થોડું વિશેષ ધ્યાન રાખવુંઆવશ્યક છે. આમ છતાં, જંગલ વિસ્તારનો આડેધડ નાશ થતા હિમાલય હવે આવી આપત્તિ માટે વધારે સંવેદનશીલ બન્યું છે. ઉત્તરાખંડ જેવા અનેક રાજ્યોમાંઆવી ઘટનાઓ પહેલા અને પછી પણ કોઈ ચોક્કસ યોજના કે એમાંથી ઝડપથી ઉગારવાની દીર્ધદ્રષ્ટિ હોતી નથી અને કમનસીબે આપણો દેશ અને જે તે રાજ્યઇકોલોજીને બદલે ઇકોનોમીને વધુ પ્રાધાન્ય આપે છે.

જો ભૂતકાળના પૂરો પરથી આપને બોધ લીધો હોત અને નિષ્ણાતોના સૂચનોનો યોગ્ય અમલ કર્યો હોત તો આજે ચાર ધામની પવિત્ર યાત્રાએ ગયેલા હજારો લોકો જેઓ મૃત્યુ પામ્યા છે અને જેઓ વિશે કોઈ જ માહિતી પ્રાપ્ત નથી એમને આપણે બચાવી શક્યા હોત.


23મી જૂન, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ " સન્ડે ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment