Monday, July 29, 2013

રઝિયા સુલતાન: બાળમજૂરીથી યુ.એન. પુરસ્કાર સુધીની સફર



આમિરખાનની એક પ્રખ્યાત ફિલ્મ 'તારે ઝમીં પર'માં એક ગીત દરમિયાન આમિર ખાન ચાની લારી પર કામ કરતા એક નાના છોકરાને પાસે બોલાવી ચા-બિસ્કીટ આપતો હોય એવું દ્રશ્ય ફિલ્માવાયું હતું. ફિલ્મમાં આ સીન બાળમજૂરી જેવા દૂષણ માટે ખૂબ જ સાંકેતિક અને આંખોમાં પાણી લાવી દે એ પ્રકારનું હતું, પરંતુ જો વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસકરવા જઈએ તો આનાથી પણ વધુ ગંભીર વાસ્તવિક ચિત્રો ઉપસી શકે એમ છે, જેને પગ તળે કચડી આપણો ભારત દેશ શ્વાસ લઇ રહ્યો છે!ભારતની કુલ ૧.૨૭ અબજ વસતીમાંથી ૪૪ કરોડ તો માત્ર બાળકો છે. એનો અર્થ એ થાય કે વિશ્વનું દર પાંચમું બાળક ભારતીય છે!સરકારી આંકડાઓ પ્રમાણે આ બાળકો પૈકીનાએક કરોડ વીસ લાખ જેટલા બાળકોબાળમજૂરો છે, પરંતુ અન્ય સરકારી આંકડાઓની જેમ આ આંકડા પણ હકીકતનું પૂરી રીતે સ્પષ્ટીકરણ કરતા નથી, કારણ કે બિનસરકારી સંસ્થાઓના એક સરવે પ્રમાણે આ સંખ્યા લગભગ ૬ કરોડ જેટલી છે!

'છોટુ પેલું ટેબલ સાફ કર, બીજા ગ્રાહકો લાઈનમાં ઉભા છે.', 'છોટુ ટેબલ નંબર ૭નું બિલ લઇ આવ' આવા કેટલાય 'છોટુ'ને આપણે રોજ આપણી આસપાસ જોઈએ છીએ અને એની અવગણના કરીને કે પછી એની સાથે બે ઘડી વાત કરીને ત્યાંથી જતા રહીએ છીએ, પરંતુ કેટલાક લોકો હજી પણ હયાત છે જે વર્ષોથી ચાલતી આવતી આ પ્રણાલીને બદલવા કટિબદ્ધ થયા છે. "બાળકોના માતા-પિતા પોતાના જ સંતાન પાસે કામ કરાવવા મજબૂર હોય છે અને તેઓ સરળતાથી આ 'કમાણી' જતી કરવા તૈયાર નથી હોતા! કામ છોડી શાળાએ મોકલવા જેવી વાત માટે એમને તૈયાર કરવા એ સૌથી કઠિન પરીક્ષા હતી, પરંતુ અમે દૃઢતાપૂર્વક આ કામ માટે મંડી પડ્યા. અમે આ નિરક્ષર માબાપને સમજાવ્યું કે, જેટલું તેઓ શાળામાં ભણીને કમાઈ શકશે તેટલું આ મજૂરી દ્વારા ક્યારેય નહીં કમાઈ શકે અને અંતે એમાંનાં કેટલાક લોકો આ વાત સમજ્યા." આ શબ્દો ૧૬ વર્ષની કિશોરી રઝિયા સુલતાનના છે. હાલમાં ૧૨ જુલાઈ, ૨૦૧૩ના રોજ યુ.એન.એ શિક્ષણના ફેલાવામાં રઝિયા સુલતાનની અવર્ણનીય કામગીરી માટે એને સૌ પ્રથમ મલાલા એવોર્ડ એનાયત કર્યો હતો. આ સામાન્ય કિશોરીની અસામાન્ય જીવનકથા જાણવા જેવી છે. ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં મેરઠ નામનું એક શહેર વસેલું છે. આ શહેરમાં નાંગલાકુંભા કરીને એક નાનકડા ગામમાં રહેતી રઝિયા બાળપણમાં બાળમજૂરીનો ભોગ બની ચુકી છે. માત્ર ચાર વર્ષની નાની વયે એ ગામની અન્ય કિશોરીઓની જેમ ફૂટબોલના સીવણનું કાર્ય કરતી હતી, પરંતુ એક બિનસરકારી સંસ્થાએ એને આ કાળી મજૂરીમાંથી ઉગારી લીધી અને શાળામાં પ્રવેશ અપાવ્યો. મહાન બનવા માટે ખાસ સંસાધનો કે પછી સુવિધાઓની જરૂર નથી હોતી, માત્ર કંઇક બદલવાની ઈચ્છા અને દ્રઢ સંકલ્પ હોવો જરૂરી છે. આ શબ્દોને ખરા અર્થમાં સાર્થક કરનાર રઝિયાએ ૪૮ જેટલા બાળકોને આવી મજૂરીમાંથી મુક્ત કરાવી શાળાકીય અભ્યાસમાં લગાવ્યા છે.

પોતાના ગામમાં શિક્ષણ માટેની ક્રાંતિ લાવનાર આ કિશોરીએ માત્ર બાળમજૂરી કરતા બાળકોને તેમાંથી ઉગાર્યા નથી, પરંતુ એમના શિક્ષણ અને વ્યવસ્થા માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે. શાળામાં બાથરૂમ,હેન્ડપંપ, પૂરતા વર્ગખંડો અને પુસ્તકાલય તથા બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોની પણ પૂરતી સુવિધા ન હોય એવી સ્થિતિમાં વધુ બાળકોને શાળામાં જવા પ્રેરવા ખૂબ જ મુશ્કેલ કાર્ય બની રહે છે. આથી ક્રમશઃ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી રઝિયાએ પોતાના વિચારનું અમલીકરણ શરૂ કર્યું. જ્યારે દસ સભ્યોની પંચાયતમાં એ મુખ્યા તરીકે પસંદગી પામી ત્યારે એણે ગામની પંચાયતને આ પ્રવૃત્તિ માટે વધુ બળવાન બનાવી, પરંતુ અહીં પણ રસ્તો સરળ ન હતો. કેટલાક લોકો આ ચળવળ માટે એના વિરોધી બન્યા તથા એની આ ફરિયાદોની અવગણના કરી,પરંતુ પોતાના લક્ષ્યને વળગીને રહીરઝિયાએ કામ ચાલુ રાખ્યું અને અંતે ૨૨ જેટલી શાળાઓમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા હતા. રઝિયાએ આ પ્રવૃત્તિ માત્ર પોતાના મેરઠ જિલ્લા સુધી માર્યાદિત ન રાખતા અન્ય વિસ્તારોમાં પણ ફેલાવી. એણે બિનસરકારી સંસ્થાના યુવા નેતા તરીકે બધા જ ધર્મોના લોકોમાં શિક્ષણ અને બાળમજૂરી વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કર્યા હતા. વળી, વિવિધ ઘરે ઘરે ફરીનેય નિરક્ષરતા અને બાળમજૂરી ભારતને કેટલે અંશે પાંગળું બનાવી રહી છે એ વિશે લોકોને સમજૂતી પૂરી પાડી હતી. રઝિયાનું આ શાળાકીય અભ્યાસની મહત્તા અને સાક્ષરતા અભિયાન નેપાળ સુધી વિસ્તર્યું હતું.

૧૬ વર્ષની નાની ઉંમરમાં પોતાના પર વીતેલી યાતનાઓના દુઃસ્વપ્નને વિસરી, ભારતમાં આવા અભૂતપૂર્વ પરિવર્તનની શરૂઆત કરવા બદલ રઝિયા યુ.એન.ના પ્રથમ મલાલા પુરસ્કારની હકદાર બની છે.ગત વર્ષે પાકિસ્તાનની યુવતી મલાલા યુસુફ્ઝાઈએ કિશોરીઓના પાકિસ્તાનમાં ભણતર પરના પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યો હતો. સ્ત્રીઓની પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં સ્થિતિ કેવી હોય છે એ આપણે સૌ ઘણી સારી રીતે જાણીએ છીએ. એવા સંજોગોમાં રૂઢિચુસ્તોને પડકારવાની હિંમત દાખવનાર મલાલા પરતાલિબાનોએ ગોળી છોડી તેની હત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જેમાં તે ગંભીરપણે ઘવાઈ હતી, પરંતુ મલાલાનો અડીખમ અભિગમ અને કાર્યનિષ્ઠાએ પાકિસ્તાન જેવા દેશમાં પણ પરિવર્તનની શરૂઆત કરી હતી. આથી એની આ બહાદુરી અને વિચારશીલતા માટે યુ.એન.ના સેક્રેટરી જનરલ બેન કિ-મૂને ૧૨મી જુલાઈને 'મલાલા ડે' તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. આ પાછળનો હેતુ બાળકોમાં શિક્ષણ વિશે જાગૃતતા ફેલાવવાનો અને વધુમાં વધુ બાળકોને શિક્ષિત બનાવવાનો છે અને આ જ દિવસના વિવિધ કાર્યક્રમ અંતર્ગત ભારતની આ સામાન્ય કિશોરી રઝિયા યુ.એન. પુરસ્કારની પ્રથમ દાવેદાર બની હતી.રઝિયાના માતા-પિતા પાસે એની આ સફળતાને બિરદાવવા માટે શબ્દો નથી. તેઓ પોતાને સૌથી નસીબદાર માની રહ્યા છે અને રઝિયાની આ હિંમત અને કાર્યપ્રણાલી માટે તેઓ ગર્વ અનુભવી રહ્યા છે.

ભારતમાં વર્ષ ૧૯૪૮માં ફેક્ટરી એક્ટ, વર્ષ ૧૯૫૨માં માઈન્સ એક્ટ, વર્ષ ૧૯૮૬માં બાળમજૂરીના પ્રતિબંધ માટેનો એક્ટ, વર્ષ ૨૦૦૦માં જુવેનાઈ જસ્ટિસ માટેનો ચિલ્ડ્રન એક્ટ અને વર્ષ ૨૦૦૯માં બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ માટેના એક્ટ જેવા અનેક કાયદાઓબનાવવામાં આવ્યા છે. સરકારી પાના પરના આ કાયદાઓ અને વિવિધ શહેરોના રસ્તા પર હાથ ફેલાવતા બાળકોની સ્થિતિમાં આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલો તફાવત છે. આંકડાઓ અને હકીકતોની આ માયાજાળમાં આપણે બાળમજૂરીનો ભોગ બનતા બાળકોને કદાચ અવગણી રહ્યા છીએ. આથી જો રઝિયાની જેમ આપણે પણ માત્ર આપણી આસપાસ નજર દોડાવાની શરૂઆત કરીશું તો ઘણા બધા 'છોટુ'ને આવી કારમી ગુલામીમાંથી મુક્ત કરી શકીશું.

30મી જુલાઈ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment