Monday, October 21, 2013

વિધવાઓને 'પૂજારણ' બનાવવાનું ક્રાંતિકારી પગલું



અઢારમી સદીમાં બંગાળમાં થઈ ગયેલા દૂરંદેશી તથા પ્રખર સમાજસુધારક રાજારામમોહન રાયથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. રૂઢિચુસ્તતા અને ખોટી પરંપરાઓના આંખે પાટા બાંધીને જીવતા સમાજમાં તે સમયે આધુનિકતાનો દંડા વગાડનાર આ સમાજ સુધારકે જ્યારે સતીપ્રથા બંધ કરવા ઝુંબેશ ચલાવી અને તેમાં સફળતા મેળવી ત્યારે તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હશે કે તેના આ પગલાંથી સતી થવાથી બચી ગયેલી વિધવા કહેવાતી સ્ત્રીઓ પર અન્ય કયા પ્રકારના જુલમો ગુજારવામાં આવશે! સતીપ્રથા એ આપણા સમાજની એક ક્રૂર વાસ્તવિકતા હતી અને એમાંથી રાજા રામમોહન રાયે સ્ત્રીઓને બખૂબી ઉગારી લીધી હતી, પરંતુ ત્યારબાદ તેમના પર લાગતાં વિધવાના લેબલે તેના જીવનમાં ફરી એકવાર સંઘર્ષો ઊભા કર્યા અને આજે પણ આપણા આ વિકસિત સમાજમાં એ સંઘર્ષો યથાવત છે. સ્વાસ્થ્ય લથડતાં કે એક્સિડન્ટમાં પતિ મૃત્યુ પામે કે પછી સંતાન પ્રાપ્તિ થઈ ન શકતી હોય તો એમાં સ્ત્રીનો શું ગુનો? આટલી સરળ વાત આજે પણ આપણા સમાજને હાંકનાર મુરબ્બીઓના ગળે ઉતરી શકતી નથી. આજે પણ લગ્ન પ્રસંગ હોય કે પછી અન્ય કોઈ તહેવારનો શુભ પ્રસંગ વિધવા અને વાંઝણીઓને દૂર રાખવામાં આવે છે. તો શું પુરુષનો જીવ કે સંતાનપ્રાપ્તિ જ સ્ત્રીના અસ્તિત્વનો માપદંડ છે?

ખેર, આજે ખુશીની વાત તો એ છે કે કેટલાક લોકો આ રૂઢિચુસ્તતાની દીવાલ તોડી સમાજની વ્યાખ્યા નવેસરથી પ્રસ્થાપિત કરવા હિમાયત કરી રહ્યા છે અને સ્ત્રીઓ પોતે પણ અબળા કે પછી બિચારી બનવાને બદલે પોતાના જીવનની એક નવી દિશા નક્કી કરી રહી છે, જેના ઉદાહરણ સ્વરૂપે હાલમાં જ એક ઘટના બની. ભારતના પવિત્ર ગણાતા એવા વૃંદાવન અને વારાણસીથી ૫૦ જેટલી વિધવાઓને કલકત્તામાં ધામધૂમથી ઊજવાતા દુર્ગાપૂજાના તહેવારમાં સામેલ કરવામાં આવી હતી. મોટા ભાગની વિધવાઓ પશ્ચિમ બંગાળની રહેવાસી હતી અને તેઓના પતિના મૃત્યુ બાદ તે સમાજની ક્રૂર પ્રથાનો ભોગ બની હતી. એક સ્ત્રી હંમેશાં એક પુરુષની હૂંફ અને સાથની ઝંખના કરતી હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને ટેકન ફોર ગ્રાન્ટેડગણી પુરુષ વિના અબળાંનું લેબલ લગાવવામાં આવે. આ વિધવાઓને પણ પોતાની ઓળખ અને પોતાની ઈચ્છાઓને ફરીથી નવજીવંત કરવા દુર્ગાપૂજામાં સામેલ કરવાનું કામ એક એનજીઓએ ઉપાડ્યું હતુ. સુલભ ઈન્ડિયા નામની સામાજિક સંસ્થા વૃંદાવન અને વારાણસીમાં લગભગ ૨૦૦૦ વિધવાઓને શરણ આપવાનું કાર્ય કરે છે અને તે પૈકી ૫૦ મહિલાઓ કે જે પોતાની પતિના મૃત્યુ બાદ કેટલાય વર્ષોથી પોતાના શહેર અને તેના તહેવારોથી વિખૂટી પડી ગયેલી એને ફરીથી એ તહેવારઊજવવા તક પૂરી પાડવામાં આવી હતી. કલકત્તામાં પ્રવેશતાં જ આ વિધવાઓનું પરંપરાગત ધાક’(બંગાળી ઢોલ) અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના સતત ધિક્કાર અને તિરસ્કૃત વર્તનને ભૂલી આ સ્ત્રીઓએ ફરી એકવાર દુર્ગાપૂજાના માધ્યમથી જીવનની નવી શરૂઆત કરી હતી. કેટલાક પંડાલોનું તો ઉદઘાટન જ આ વિધવાઓએ કર્યું હતું. જ્યાં આજે પણ વિધવાઓને અશુભ કે પછી અપવિત્ર ગણવામાં આવે છે, એવા સમાજને માટે આ ઘટના એક સૂચક ગણાવી શકાય.

આ જ પ્રમાણે કર્ણાટકના મેંગ્લોરમાં પણ એક અદભુત ઘટના બની. વર્ષ ૨૦૧૩ની શરૂઆતમાં મેંગ્લોરના પ્રસિદ્ધ મંદિર કુદ્રોલી ગોરખનાથેશ્વરની પહેલથી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જનાર્ધન પૂજારીએ પછાત જાતિની વિધવા સ્ત્રીઓની પદ પૂજા કરી હતી. વિધવા સ્ત્રીઓ પણ સમાજમાં પ્રતિષ્ઠાથી રહી શકે એ માટે વર્ષની શરૂઆતથી જ આ મંદિરના સંચાલકોએ જૂની પરંપરાઓને દૂર કરી સ્ત્રીઓ અને ખાસ કરીને સમાજના બિચારી કે અશુભના લેબલ હેથળ દબાયેલી સ્ત્રીઓને નવી ઓળખ આપવાનું નક્કી કર્યું હતું અને તેના ભાગરૂપે ફરી સમાજની કુરીતિઓને પડકાર ફેંક્યો છે. જે વિધવાઓને મંદિરમાં પ્રવેશ પણ આપવામાં સમાજના મોભીઓ ખચકાતા હોય છે, તેમને આ મંદિરના પૂજારી બનાવવાનું નક્કી કરાયું હતું. આ માટે આ બે વિધવાઓ, લક્ષ્મી શાંતિ અને ઈન્દિરા શાંતિને ચાર મહિના સુધી ખાસ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ ૬ ઓક્ટોબરે વિધિવત એમને મંદિરના પૂજારીની પદવી આપવામાં આવી હતી. આ માટે તેમણે પીપળાના વૃક્ષની નીચે ભગવાન દત્તાત્રેયની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી અને પરંપરાગત દીવા સળગાવીને તેમના આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી હતી. વળી, તેમના જીવનનિર્વાહ માટે જરૂરી વેતન પણ આ વિધવાઓ મેળવી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મંદિરના સંચાલકોની આ પહેલ દરેક સ્ત્રીના મૂળભૂત હકોને છીનવી લેતા સમાજના કુરિવાજોને નાથવા તરફનું એક મજબૂત પગલું ગણાવી શકાય. વિધવાઓ પણ એક સામાન્ય માનવી જ છે એમ માનવાને બદલે સમાજ એને ક્રૂર અને અપમાનજનક નજરોથી જોતો આવ્યો છે અને સમાજનો આ જ દૃષ્ટિકોણ બદલવા માટે મેંગ્લોરમાં આ વિધવાઓને પૂજારીનું મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું.

આપણા દંભી સમાજનું સૌથી ઉત્તમ ઉદાહરણ તો પશ્ચિમ બંગાળમાં થતી દુર્ગાપૂજાનું છે. પશ્ચિમબંગાળના કોલકતામાં એશિયાનો સૌથી મોટો દેહવ્યાપાર માટેનો વિસ્તાર આવેલો છે, જે સોનાગાચી તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં લગભગ ૧૦,000 જેટલી સ્ત્રીઓ રહે છે અને અનેકોવાર કહેવાતા સભ્ય સમાજના ધિક્કારનો ભોગ બનતી રહે છે. જે લોકો દેહવ્યાપાર સાથે સંકળાયેલા છે એને સમાજ અપવિત્ર ગણી કલંક તરીકે બિરદાવે છે, ત્યારે એ જ સભ્ય સમાજનીપવિત્ર ગણાતી પૂજામાં દુર્ગાની મૂર્તિ બનાવવા માટે દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓના ચોગાનમાંથી જ માટી લેવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આ જ મહિલાઓને દુર્ગાપૂજાના પંડાલમાં પ્રવેશ પણ આપવામાં નથી આવતો.

કોઈપણ સ્ત્રી દેહવ્યાપાર સાથે સંકળાય એ પાછળ કોઈ પીડાદાયક ઘટના સીધી કે આડકતરી રીતે જવાબદાર હોય છે. જીવનની જરૂરિયાતો અને ક્યારેક તો જીવન જીવવા માટે પણ સ્ત્રીઓ આ પ્રકારના વ્યવસાયમાં ધકેલાઈ જતી હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને પણ એક સામાન્ય મનુષ્ય ગણવાને બદલે આપણે તેમને અપરાધીની દૃષ્ટિએ જોવામાં આવે છે. ઈશ્વરે બનાવેલી દુનિયામાં મનુષ્યે શા માટે નક્કી કરવું કે કોણ ઈશ્વરના મંદિરમાં પ્રવેશ મેળવી શકે અને કોણ નહીં? શું દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓને પોતાના ઈશ્વરને પૂજવાનો પણ હક નથી હોતો? આ જ પ્રકારના કેટલાક સવાલો જ્યારે કોલકતાના રેડલાઈટ એરિયા સોનાગાચીમાં રહેતી સ્ત્રીઓને ઉદભવ્યો ત્યારે તેમણે આ વર્ષે દુર્ગાપૂજામાં સહભાગી બનવાનું નક્કી કર્યું. આ માટેનો રસ્તો સરળ નહોતો પણ એમના ઈરાદા મજબૂત હતા.

દરબાર મહિલા સમન્વય સમિતિ (ડીએમએસએસ) એ આ આખી લડત માટે કાયદાકીય કાર્યવાહી કરી. તેમણે કોલકતાની હાઈકોર્ટમાં પોતાના આ વિસ્તારમાં પણ દુર્ગાપૂજાનો પંડાલ ઊભો કરવા માટેની અરજી કરી અને સરકારે પણ તેમની દલીલો અને ભાવનાઓને માન આપીને તેમની પ્રસ્તાવનાનો સ્વીકાર કર્યો હતો. આ વિશે જ્યારે દેહવ્યાપાર સાથે સંકળાયેલી એક સ્ત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેની ખુશીનો પાર નહોતો. આખરે અમે પણ હવે એક સામાન્ય સ્ત્રીની જેમ દુર્ગાપૂજાના તહેવારને માણી શકીશું અને અમારો પણ પંડાલ હશે, એ વાત જ અમને ખૂબ ખુશ કરી જાય છે. અમે લગભગ બે લાખ રૂપિયાનું બજેટ રાખ્યું છે. પોતાની લાગણીઓને શબ્દોમાં ઝીલનાર આ સ્ત્રીએ કદાચ થોડા સમય માટે પણ પોતાની ઓળખથી ઉપર જઈ એક સામાન્ય જીવનનો અનુભવ કર્યો હશે. આ વિસ્તારમાં રહેતી લગભગ ૧૦,૦૦૦ જેટલી સ્ત્રીઓ પૈકી દરેક પાસે ૨૦ રૂપિયા લઈ આખા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અને દુર્ગાપૂજાની પ્રથામાં એક નવો ચીલો ચીતરવામાં આવ્યો હતો.


જો કે હજીય સમાજમાં રહેલા કેટલાક રૂઢિવાદીઓ એ જ પુરાણી માનસિકતાના અંધારિયા ઓરડામાં પોતાને બંધ કરીને બેઠાં છે અને સાથે સમાજને પણ બંધિયાર બનાવી રહ્યા છે.સ્ત્રીના વિકાસના વિરોધીઓ હજી પણ પવિત્રતા અને શુભ-અશુભની મિથ્યા માન્યતાઓમાં વારંવાર સ્ત્રીના સ્વમાન પર ઘા ઝીંકતા રહે છે. એક સાધુની વિકૃત માનસિકતા ઊઘડે છે ત્યારે એના બચાવ માટે જે તે મહિલાના ચારિત્ર્ય પર સવાલો ઊઠે છે. હજી પણ કેટલાય એવા સમાજો છે જ્યાં દીકરીઓના ભવિષ્યને માત્ર લગ્ન સુધી જ આંકવામાં આવે છે અને જ્યારે એ જ લગ્ન નિષ્ફળ જાય કે પછી અકાળે પતિનું અવસાન થાય તો સ્ત્રી પર જ હજારો અંકુશો લાદવામાં આવે છે. એકબાજુ સ્ત્રીઓને દેવી ગણી દિવસો સુધી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તો બીજી બાજુ એ જ સ્ત્રીઓને બાકીના દિવસો દરમિયાન અપમાન અને પુરુષોની હીન માનસિકતાનો સામનો કરવો પડતો હોય છે. સમાજની વિકસતી બાજુ જોઈને એક આનંદની લાગણી થાય, પરંતુ એ સાથે જ રૂઢિવાદીઓની વધતી જતી અસહિષ્ણુતા અને જડતાચિંતાનો પણ એક વિષય ગણાવી શકાય. તો કઈ રીતે આ આખી સમસ્યાને નિવારી શકાય? કઈ રીતે સ્ત્રીઓ પોતાના પર મૂકાતા અવ્યાજબી અંકુશોની સામે લડત આપી શકે? આનો એકમાત્ર ઉકેલ છે કે સ્ત્રીઓ જાતે જ મજબૂત બની સમાજની બદીઓ સામે એવાજ ઉઠાવતી થાય. એક સ્ત્રી પણ જો હિંમત કરી સમાજની કુરીતિઓને નકારશે તો બીજી હજાર સ્ત્રીઓ તેમને જોડાવા તત્પર હોય છે એમાં કોઈ બેમત નથી. આથી પોતાનું રક્ષણ કરવા હવે સ્ત્રીઓએ સ્વયંરક્ષક બનવું અનિવાર્ય થઈ ગયું છે. 

22 ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment