Sunday, December 8, 2013

બાળકોને પુસ્તકો સાથે મૈત્રી કરાવતો અનોખો ફેસ્ટિવલ


વર્ષ ૨૦૧૦માં એક ફિલ્મ “માય નેમ ઈઝ ખાન” રિલીઝ થઈ હતી. ફિલ્મની પટકથા કંઈક અલગ હતી, પણ એમાંની એક બોધસૂચક વાત વિશે વાત કરીએ તો રિઝવાન નામના એક બાળકને એની માતા બચપણમાં સારા માનવીના ગુણો કહે છે અને તેને પણ એ જ પ્રમાણે બનવાની સલાહ આપે છે. રિઝવાન માનસિક રીતે અન્ય બાળકો કરતાં કંઈક અલગ હોય છે, પણ માતાની આ શિખામણ તે બરાબર પચાવી જાણે છે અને ત્યારબાદ તે યુવાની સુધી આ શિખામણને અનુસરીને અઘરામાં અઘરા ધ્યેયને પણ મેળવી લે છે અને ‘સારા’ માણસની એની માતાની વ્યાખ્યામાં ખરો ઉતરે છે. ફિલ્મમાં બાલ્યાસ્થામાં બાળકના કૂમળા મનને ખૂબ જ સારી રીતે પ્રતિબિંબિત કરવામાં આવ્યું હતું અને એક રીતે જોઈએ તો વાસ્તવિક જીવનમાં પણ કંઈક આવું જ હોય છે. બાળક તેના બચપણના દિવસો દરમિયાન જે કંઈ પણ નવું શીખે કે જાણે તેની અસર તેના આખા જીવન દરમિયાન થોડા અંશે તો રહે જ છે.

બાળપણની વાત કરતાં હોઈએ ત્યારે દાદીમાની વાર્તા અને તેની શિખામણો સૌપ્રથમ આપણને યાદ આવી જાય, પણ આજના જમાનાની વાત કરીએ તો એ વાર્તાઓ ક્યાંય ખોવાઈ ગઈ છે. પુસ્તકો અને બાળકો માત્ર પરીક્ષા પૂરતાં જ એકબીજાના પર્યાય બની રહે છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આવી પરિસ્થિતિમાં છેલ્લા છ વર્ષથી ખાસ બાળકો માટે ભારતમાં એક અનોખા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને ‘બુકારો ફેસ્ટિવલ’ નામ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં બાળકો પુસ્તકોનું મહત્ત્વ સમજે અને એકસાથે ઘણા બધા બાળકો તેમના પ્રિય લેખકો સાથે થોડો સમય વીતાવી શકે એ આશયથી આ પ્રકારના ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલના ડિરેક્ટર સ્વાતિ રોયના કહેવા પ્રમાણે, “બુકારો એ દિલ્હી શહેરમાં લોકોના આકર્ષણનું એક કેન્દ્ર બન્યું છે અને આ તો માત્ર શરૂઆત છે.” વળી, માતા-પિતાના આજના અભિપ્રાયોની ટીકા કરતાં તેઓ કહે છે કે, “તમે આજની પરિસ્થિતિની માત્ર ટીકા કરીને એમ નહીં કહી શકો કે બાળકો વાંચતા નથી. જે બાળકો ખરેખર જિજ્ઞાસુ છે તેઓ તો આજે પણ પુસ્તકો વાંચતા જ હોય છે.” આમ પુસ્તકપ્રેમીઓ તથા જેઓનો પુસ્તકો સાથેનો નાતો હજી સુધી બંધાયો નથી તેવા સૌ બાળકો માટે વાંચવા માટેનું એક અલગ જ વાતાવરણ તથા અભિગમ વિકસાવવા માટે આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. 

વર્ષ ૨૦૦૮માં કેટલાક પુસ્તકપ્રેમીઓ તથા અલગારી મિજાજના લોકોએ સાથે મળીને આ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી અને બુકારો ફેસ્ટિવલનું આજે જે સ્થાન છે તે તેમણે સપનામાં પણ કલ્પ્યું નહોતું. આજે દર વર્ષે નવેમ્બર મહિનામાં થતાં આ ફેસ્ટિવલ માટે બાળકો તથા વાલીઓ પણ રાહ જોતા હોય છે. બુકારો ઈન ધ સિટી (બીઆઈસી) શાળાના બાળકોમાં વાંચવા અંગેની સ્વતંત્રતા તથા ઉત્સાહ લાવે છે. આખા દેશમાં આટલા મોટા પાયા પર થતો આ એકમાત્ર ફેસ્ટિવલ છે. બીઆઈસીનું ધ્યેય વધુમાં વધુ શાળાના બાળકોને આ ફેસ્ટિવલનો ભાગ બનાવવાનું છે. વર્ષ ૨૦૦૮માં જ્યારે આ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી ત્યારે માત્ર આઠ શાળાઓ તેમાં સામેલ થઈ હતી. ત્યારબાદ તેમાં બીજી ૧૦૬ શાળાના લગભગ ૧૧,૫૦૦ બાળકો જોડાયાં અને આ વર્ષે નવેમ્બર મહિનાના અંત ભાગમાં ઉજવાયેલા આ ફેસ્ટિવલમાં આશરે ૧૫,૦૦૦ જેટલા બાળકો ભાગ લીધો હતો. 

આ વર્ષે બુકારો ફેસ્ટિવલ દિલ્હી, શ્રીનગર અને પુણે જેવા શહેરોમાં ઉજવાયો હતો, જેમાંબાળકો માટે એડલ્ટ ફિક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.આખા વિશ્વમાંથી ૧૪ જેટલા દેશોના લગભગ ૧૦૫ જેટલા સ્પીકરોએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો, જેમાં જર્મન લેખક કોર્નેલિયા ફંક, બ્રિટનની લેખિકા સેલી ગાર્ડનર, પાકિસ્તાની-કેનેડિયન લેખક મુશરફઅલી ફારૂગી અને રૂખસાના ખાન જેવા અનેક લેખકો, ઈલેસ્ટ્રેટરો તથા કવિનો સમાવેશ થાય છે. ભારતમાંથી બાળસાહિત્ય માટે જાણીતા રણજીત લાલ, અશોક બેન્કર અને પત્રકાર સ્વાતિ સેનગુપ્તાએ પણ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

આ ફેસ્ટિવલમાં વાર્તાકથન ઉપરાંત, ઈલેસ્ટ્રેટરની હાજરીમાં દીવાલો પર ડૂડલ દોરવા, શેફ વિકાસ ખન્ના પાસેથી બાળકો માટે ખાસ ‘ફાયરલેસ કૂકિંગ’ની ટ્રેઈનિંગ, ફિંગરપપેટ માટેનું ક્રાફટિંગ તથા ડિટેક્ટીવ ગેમ્સ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ માટે જરૂરી પુસ્તકોની સાથે બાળકો માટે અનેક મેગેઝિન તથા ન્યૂઝપેપરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વળી, બાળકોને પરમવીર ચક્ર જેવા દેશના મહત્ત્વના સન્માન તથા વિજેતાઓ માટે જાણકારી આપવા આર્મીના મેજર જનરલ આઈન કાર્ડોઝોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

ભારતમાં કવિયિત્રી અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ થયેલા સંપૂર્ણ ચેટરજી કહે છે કે, “મારો બુકારો સાથે ખૂબ ખાસ પ્રકારનો સંબંધ છે. હું નસીબદાર છું કે એક કરતાં વધુ વખત બુકારો ફેસ્ટિવલ માટે મને આમંત્રિત કરવામાં આવી. બુકારો એક એવી જગ્યા છે જ્યાં હું મારા પુસ્તકના યુવાન વાચકોને મળું છું, મારા પરિવાર તથા શાળાના જૂના મિત્રોને મળું છું. હું બાળકો માટે અવનવા પુસ્તકો ખરીદતી જ રહું છું. આ આખો માહોલ એક પિકનિક જેવો છે, છતાં તેમાં શીખવા અને જાણવા માટે ઘણી શ્રેષ્ઠવાતો રહેલી છે.” આ ઉપરાંત, બ્રિટનની એક બાળસાહિત્યકારે સંપૂર્ણની વાતમાં સૂર પૂરાવતા કહ્યું હતું કે, “મારા માટે ગર્વની વાત છે કે હું આ પ્રકારના ફેસ્ટિવલનો એક ભાગ છું. આ ફેસ્ટિવલમાં મને મળેલા સંતોષ અને ઉત્સાહની સાથે નાના નાના બાળકોના ચહેરા પર પણ એટલો જ આનંદ જોવા મળતો હોય છે. બુકારો ફેસ્ટિવલ એ ખરેખર એક ગર્વ લેવા જેવો ફેસ્ટિવલ છે.”

ગુજરાતી બાળ સાહિત્યને સમૃદ્ધ કરતાં દિગ્ગજો

આપણા દેશમાં બાળસાહિત્ય માટે જ્યારે આટલા મોટા પાયા પર કોઈ ફેસ્ટિવલનું આયોજન થતું હોય ત્યારે પ્રશ્ન થાય કે શું આપણી માતૃભાષામાં લખાયેલા કે પછી લખાઈ રહેલા ગુજરાતી બાળસાહિત્ય માટે આપણે જાગૃત છીએ? વાસ્તવમાં આ પ્રકારની ચળવળની શરૂઆત તો વર્ષો પહેલાથી જ આપણા ગુજરાતી સાહિત્યના દૂરંદેશીઓએ કરી દીધી હતી. બાળકો આપણું ભવિષ્ય છે અને તેમના થકી જ એક સ્વસ્થ સમાજની રચના થઈ શકે એવા વિચારો વર્ષોથી આપણા સાંભળતા આવ્યા છે, પરંતુ આ વિચારોને વાસ્તવમાં અમલમાં મૂકવાની શરૂઆત આપણા ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક યશવંત મહેતાએ ઘણા વર્ષ પહેલાથી કરી હતી. બાળ સાહિત્ય માટે કંઈક લખવા અને તેનો વ્યાપ વધારવા ‘બાળ સાહિત્ય અકાદમી’ની શરૂઆત થઈ. યશવંત મહેતાએ એમાં ઘણો મોટો ફાળો આપ્યો અને આજે પણ આ અકાદમીમાં બાળકો માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના અંતર્ગત આવનાર જાન્યુઆરી માસમાં અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદમાં બાળકો માટે ખાસ અધિવેશન યોજવાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ ઉપરાંત, ગુજરાતીમાં અનેક વાર્તાઓથી બાળકોને પ્રેરણા આપનાર બાળસાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદી પણ બાળકોમાં વાંચન પ્રત્યે રસ જાગે અને પુસ્તકો થકી તેમનું ઘડતર થાય એ અર્થે ઘણાં સમયથી કાર્યરત છે. તેમના કહેવા અનુસાર ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં દર વર્ષે બાળવાર્તા માટે ખાસ સ્પર્ધાનું આયોજન થાય છે. વળી, તેમાં વિજેતાઓની વાર્તાઓનું ખાસ પઠન પણ કરાવવામાં આવે છે. જુદી જુદી શાળાના બાળકોને ભેગા કરી આ પ્રકારની સ્પર્ધાથી તેમનામાં પુસ્તકો વાંચવા માટેનું પ્રેરકબળ તો પૂરું પાડવામાં આવે જ છે, પણ એ સાથે તેમની મૌલિકતા વધે એ માટેના પ્રયાસો પણ કરવામાં આવે છે. આ ઉપરાંત, નાટકો અને ગીતો જેવી પ્રવૃત્તિઓની મદદથી પણ બાળકોમાં પુસ્તકો વાંચવા માટેનો અભિગમ વિકસાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે નવસારીની લગભગ ૧૧૫ વર્ષ જૂની સયાજી લાઈબ્રેરીમાં તો છેલ્લા ૧૮ વર્ષથી બાળકો માટેનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ‘મને ગમતું પુસ્તક... બાળવાર્તાલાપ’ના નામે ચાલતા આ કાર્યક્રમના કેન્દ્રસ્થાને પુસ્તકો અને બાળકો જ છે. બાળકો પુસ્તકો સાથે કઈ રીતે વધુ ને વધુ સંકળાય એ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે અને આ માટે તેઓ દર મહિનાના બીજા શનિવારે બાળકો માટે ખાસ આ પ્રકારનો કાર્યક્રમ યોજે છે. આ કાર્યક્રમમાં પાંચ બાળકો તેમને ગમતાં પુસ્તકો વિશે લગભગ એક કલાક સુધી વાર્તાલાપ કરતાં હોય છે અને ત્યારબાદ ત્યાં ઉપસ્થિત અન્ય બાળકો, વાલી તથા શિક્ષકો આ બાળકો સાથે સંવાદ યોજે છે. વાર્તાલાપમાં ભાગ લીધેલા બાળકોને પુસ્તકને લગતી કેટલીક પૂરક વાતો કરવા માટે પણ ખાસ સમય ફાળવવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ બાળકો જ કરતા હોય છે. આ તમામ બાળકોને લાઈબ્રેરીના વાર્ષિક મહોત્સવમાં ખાસ સન્માનિત કરવામાં આવે છે અને વાર્તાલાપ દરમિયાન પૂછાયેલા શ્રેષ્ઠ પ્રશ્ન, તેના શ્રેષ્ઠ ઉત્તર તથા શ્રેષ્ઠ પૂરક માહિતી માટે ભેટરૂપે પણ પુસ્તકો જ આપવામાં આવે છે. આ ઉપરાંત,બાળકો માટે ક્રિયેટિવ રાઈટિંગ માટેના વર્કશોપ જેવા અનેક કાર્યક્રમો પણ થતાં જ રહે છે. આમ ગુજરાતીમાં બાળસાહિત્યને સમૃદ્ધ કરનાર અનેક ઉચ્ચ કોટિના લેખકો અને સાહિત્યકારો વર્ષોથી ઝઝૂમી રહ્યા છે. જરૂર છે તો માત્ર જાગૃત થવાની અને બાળકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરણા આપવાની. જો આમ થાય તો તેઓ મેઘાણી, દલપતરામ, નર્મદ જેવા દિગ્ગજોએ રચેલા સાહિત્યને માણી શકશે અને નવતર સાહિત્યનું સર્જન કરી શકશે.

No comments:

Post a Comment