Monday, December 21, 2015

બાજીરાવ મસ્તાની: 'બુદ્ધિજીવી'ઓએ આની આગળ વાંચવું નહીં!



ફિલ્મ શરૂ થાય એ પહેલાં સામાન્ય રીતે અમુક સેકન્ડ્સમાં ડિસ્ક્લેમર રજૂ થઈ જતું હોય છે, પણ આ ફિલ્મમાં દેશના (હા, અને હવે તો વિદેશના પણ) 'બુદ્ધિજીવી'ઓને ધ્યાનમાં રાખીને એકદમ શાંતિથી, એક-એક શબ્દ પર ભાર આપીને ફિલ્મનું ડિસ્ક્લેમર રજૂ કરવામાં આવ્યું હતું અને પછીય જો લોકો ઈતિહાસના પોથા ઉઠલાવવા બેસી જાય ત્યારે સાલું થાય કે દીવાલો સાથે માથું અફાડવું જોઈએ, એ લોકોનું! 

ફિલ્મ વિશે લખતાં પહેલાં બે-ચાર વાતો સ્પષ્ટ કરવી જરૂરી છે. સંજય લીલા ભણસાલીએ ક્યારેય પોતાની ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ઐતિહાસિક તથ્યોને રેફરન્સ તરીકે લઈ શકાય એવી છાતીઠોકીને વાત કરી નથી. સંજય લીલા ભણસાલી એક કવિ છે, એક કલાકાર છે. ઈતિહાસના પાત્રોને મોટા પદડા પર ભવ્યરૂપે રજૂ કરવાની એની એક અલગ આવડત છે અને એમાંય કલાકાર માણસ જો પોતાની કલ્પનાના રંગો ના ભરે તો એનેય પોતાની કૃતિથી સંતોષ ના થાય. આ એક સમજવાની અને એની અનુભૂતિ કરવાની વાત છે. છડે ચોક ઝંડો ફરકાવી એના વિરોધની નહીં. 
બીજી વાત, સંજય લીલા ભણસાલીની ફિલ્મ આંખોને આહલાદકતાનો અનુભવ કરાવે, પણ સાથે હૃદયને પણ લાગણીઓથી ભરી દે. આમાં મગજનો ક્યાંય પણ અવકાશ જ નથી. અમુક ફિલ્મો બસ માણવા માટે હોય છે, ટીકા કરવા માટે નહીં. 

ફિલ્મમાં ચોક્કસપણે આંખે ઊડીને વળગે એવી ખામીઓ છે, પણ એ સામે ફિલ્મની કથા ઘણી સુંદરતાથી આલેખાય છે. ફિલ્મના કેટલાક દૃશ્યો જેવા કે, બાજીરાવ મસ્તાનીની પહેલી મુલાકાત (અને હા, ટુ ઓલ બુદ્ધિજીવીઓ... ઈતિહાસમાં ક્યાંય પણ આ બંનેની મુલાકાત વિશે સ્પષ્ટ વાત કહેવામાં આવી નથી, પણ આ સંજય લીલા ભણસાલીનો એક કાલ્પનિક-વાસ્તવિક સ્પર્શ છે.), બાજીરાવ-કાશીનું પ્રણય દૃશ્ય (એલિગન્ટ, સેન્સ્યુઅલ અને બ્યુટિફુલ!), મસ્તાનીના પ્રેમમાં કાશીને અન્યાય ન થાય એ માટેનો બાજીરાવનો એક સુંદર છતાં સમજદારીભર્યો પત્ર, શીશ મહેલની તકનિક, મસ્તાનીના સન્માન માટે બાજીરાવનો 'વો મહોત્સવ થા, યે મહેફિલ હૈ'નો બચાવ-પ્રેમ, કાશી-બાજીરાવના દીકરા રઘુનાથ માટે લીલા કપડાંથી ઢાંકેલી ભેટ લઈ જતી વખતે બાજીરાવની માતા સાથે મસ્તાનીના થયેલા સંવાદો, કાશીનું એના પતિને અન્ય સ્ત્રી સાથે વહેંચવાનું દર્દ, સાથે બાજીરાવની પણ કાશીથી નામરજીથી દૂર થવાની પીડા અને દીવાઓને ફૂંક મારી બુઝાવવાનું એ દૃશ્ય!!! અને અફકોર્સ ફિ્લ્મનો ક્લાઈમેક્સ, શબ્દ નથી એના માટે... આવી તો કેટકેટલીય ક્ષણો.... 

વાત એમ છે કે આપણે માત્ર વિરોધ કરતાં શીખ્યા છીએ. આજ સુધી મસ્તાની પર કોણે ચર્ચા કરી હતી સરેઆમ? નારીવાદી કુસુમ ચોપરાના મસ્તાની પુસ્તકને બાદ કરીએ તો કોણે 3 કોલમમાં એને જગ્યા પણ આપી હતી? પણ તાજેતરના છાપાં ઉથલાવો તો ઠેર-ઠેર બાજીરાવ મસ્તાની દેખાશે. ફિલ્મનું મહત્ત્વ આ છે... સંજય લીલા ભણસાલીએ ન તો પેશ્વા કે ન તો મરાઠા સલ્તનતનું અપમાન કર્યું છે. વાત મરાઠા-પેશ્વા-મુસલમાનને માટે છે જ નહીં. વાત છે વર્ષોમાં ધર્મ-સમાજના નામે ઘૂંટાતા આવતાં એ પ્રેમીઓની જે આજ સુધી મૌન રીતે સંદેશો આપતાં આવ્યા છે. સંજય લીલા ભણસાલીએ તો ભૂલાયેલી એક એવી પ્રેમ-કહાની લોકો સામે મૂકી છે, જેને મન મૂકીને નિહાળવી-માણવી જોઈએ. ચર્ચા થવી જોઈએ એ કારણની કે એક પુરુષ એના બચપણની મિત્ર એવી પત્નીથી સંતુષ્ટ હોવા છતાં શા માટે મસ્તાનીના પ્રેમમાં પડ્યો? પેશ્વા જેવા મગજના સતેજ, ઉત્તમ યુદ્ધકૌશલ્ય ધરાવતો યૌદ્ધા અને મરાઠાઓ માટે જીવવો એ વીર પુરુષ કેમ મસ્તાની આગળ દિલ હારી જાય છે? શું કારણ હોય છે આવા અદમ્ય પ્રેમ પાછળનું? એક બહુ ઊંચા સ્તરના સંબંધો હોય છે, જેને ધર્મના રંગો અને પરિવાર-સમાજની ઈજ્જતના નામે 'રખેલ', 'અસામાજીક', 'પાપ' જેવા વિવિધ નામોથી દબાવવામાં આવે છે, પણ હકીકત એ છે કે રાધા-કૃષ્ણની જેમ એ પાત્રો અને એમના પ્રેમ પણ અમર થતાં જ રહેશે.

No comments:

Post a Comment