Monday, May 26, 2014

દીકરા, હસતો રે’જેને હસાવતો રે’જે

યઝદી કરંજિયા કે સાથ ઈસ નાચિઝ કી ખાસ પેશકશ :)
યઝદી કરંજિયા એટલે સદા હસતો ચહેરો. કોઈ પણ વ્યક્તિ એમને મળે એટલે ‘દીકરા’ના વહાલસોયા સાદથી બોલાવે અને સ્નેહથી વાતો કરે. આંખોમાં ચમક, તેજ દિમાગ, પણ વિનમ્રતા તેની ચરમસીમા પર. ૭૮ વર્ષના આ યુવાનની સ્વસ્થતા તમને તેમના આનંદી મિજાજની ઓળખ આપી જાય છે. આ સાથે નિયમિતપણે તાપી તથા કોઝવેના પાણીમાં સ્વિમિંગ કરવાને કારણે તેમનું શરીર કસાયેલું અને સ્વસ્થ. વ્યવસાયે શિક્ષક, પણ જીવ એક સોજ્જા કલાકારનો. ગુજરાતી રંગમંચના પાયા નાખનાર પારસી થિયેટરના મજબૂત સ્તંભ સમા યઝદી કરંજિયા છેલ્લા કેટલાય દાયકાથી કોમેડી નાટકોથી લોકોને પેટ પકડીને હસાવી રહ્યા છે. રંગમંચ પર તેમણે જે રીતે લોકોના દિલ જીત્યા છે એ જ રીતે એક શિક્ષક તરીકે પણ તેમણે વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પૂરું પાડ્યું છે. જીવનના તમામ તબક્કામાં યઝદીભાઈએ તેમના ચહેરાના સ્મિતને કાયમ રાખી ઘણા પડકારો ઝીલ્યા છે. યઝદીભાઈ માને છે કે કોઈ પણ માણસ કલાકાર બની શકતો નથી. તે એક કલાકાર તરીકે જ જન્મતો હોય છે. નાની વયે જ એક કલાકાર તરીકેની પોતાની પ્રતિભાને ઓળખી તેમણે પોતાનું આખું જીવન કળાને સોંપી દીધું છે. તેમણે ‘મૂંગી સ્ત્રી’, ‘વાહ રે બહેરામ’, ‘રંગીલો બહેરામ’, ‘બહેરામની સાસુ’, ‘અશોક પારસી હતો’, ‘બિચારો બરજોર’, ‘કૂતરાની પૂંછડી વાંકી’ જેવા અનેક કોમેડી નાટકો ભજવ્યા છે. અલબત્ત, પિતાના વચનનું માન રાખીકળાને માત્ર શોખ સુધી સીમિત રાખનાર યઝદીભાઈરંગમંચમાંથી ઉપજતી તમામ આવકને ચેરિટીમાં આપી દે છે. રંગમંચ ઉપરાંત, રેડિયો અને ટી.વી. જેવા માધ્યમો થકી પણ તેમણે લોકોમાં હાસ્ય ફેલાવ્યું છે. ગુજરાત ગૌરવ એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર યઝદી કરંજિયા સાથે એક મુલાકાત માટે ‘ગુજરાત ગાર્ડિયન’ને તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમની આગવી શૈલીમાં પ્રતિસાદ આપતાં તેમણે કહ્યું, ‘આવ ને દીકરા, હું તને ચા પન પાઈશ.’ આત્મીયતા, સ્નેહ અને હાસ્ય ફેલાવતાં યઝદીભાઈ સાથે થયેલી મુલાકાતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે:

રંગમંચ સાથેનો સંબંધ કઈ રીતે જોડાયો?

આજથી ૮૪ વર્ષ પહેલા મારા પિતાજી નૌશિરવાન કરંજિયા ‘કેમ્બે ક્લાસીસ’ નામની એક વાણિજ્ય સંસ્થા ચલાવતા હતા અને દર વર્ષે આ સંસ્થામાં વાર્ષિક સ્નેહસંમેલન યોજાતું. એમ તો હું માત્ર એક બાળદર્શક જેવો જ હતો, પણ ઊંડે ઊંડે એવી મહેચ્છા ખરી કે પપ્પા મને પણ સ્ટેજ પર લાવે. પણ એ શક્ય નહોતું. હું નાનપણથી જ મારા દાદાનો બહુ લાડકો હતો. દાદાજી ખંભાતમાં રહેતા. એટલે પિતાજી દર વર્ષે સંસ્થાના વાર્ષિક સ્નેહસંમેલનમાં આવવા માટે તેમને ખાસ આમંત્રિત કરતાં. હવે મને આ સ્નેહસંમેલનમાં ભજવાતી કૃતિઓમાં ભાગ લેવાની ઈચ્છા તો ઘણી, પણ પિતાજીની પરવાનગી મળતી નહોતી એટલે હું બજારમાંથી એક પોસ્ટકાર્ડ લાવતો અને એની પર દાદાજીને સંબોધીને લખતો, ‘તમે આવશો નહીં. મારા પપ્પા મને ભાગ લેવા દેતા નથી.’ એટલે દાદાજી પિતાજીને વળતો પત્રલખતા, ‘નૌશિર, તું મારા ઝીણા(મારું કદ થોડું નાનું અને એ વખતે ઉંમરેય નાની એટલે દાદાજી મને ‘ઝીણો’ કહીને બોલાવતાં)ને ભાગ લેવા દેશે નહીં તો હું નહીં આવું.’એટલે પિતાજી મને સ્નેહસંમેલનની બંદગીમાં ઊભો રાખે. એમાં મારે માત્ર હાથ જોડીને ઊભા રહેવાનું. સમૂહમાં ગીતો ગવાય અને એમાં આપણેય થોડું ગાઈએ એટલે આપણને થાય કે આપણે પણ ભાગ લીધો. પણ પછી એક વાર રાસ ભજવાયો અને એ રાસમાં હું કૃષ્ણ બન્યો હતો. મારું કદ ટૂંકું એટલે મને સ્ટૂલ પર ઊભો રાખ્યો હતો. પહેલીવાર સ્ટેજ પર ઉતર્યો તો ખરો, પણ ડરતાં-ગભરાતાએ રાસ પૂરો કર્યો. એ સ્ટેજ પરનો મારો પહેલો પ્રવેશ.

રંગમંચ પર માત્ર કોમેડી નાટકો ભજવવા માટેનું કોઈ ખાસ કારણ ખરું?

એ પછી અમારી શાળાની સુવર્ણ જયંતી હતી. આથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો યોજાયો હતો. મારા પિતાજી પણ આ જ શાળાના વિદ્યાર્થી રહી ચૂકેલા. હવે આ ઉજવણીમાં અમને નાટકોમાં તો કોઈ ખાસ ભૂમિકા ભજવવા ન દે. અભિનય ગીત કે એવી સામાન્ય કૃતિઓમાં ભાગ લેવા દે. એટલે અમે નાટકોની પ્રેક્ટિસ થાયએ જોયા કરીએ અને આનંદ મેળવીએ. બાળપણમાં પાછી આપણી સ્મૃતિ પણ ઘણી તેજ. એટલે એ નાટકો જોતાં જોતાં યાદ પણ રહી ગયેલા. કોઈ કલાકાર પ્રેક્ટિસમાં ભૂલ કરે તો પણ અમે પકડી પાડતા! હવે સંજોગોવશાત્ આ નાટકમાં ભાગ લેનાર એક છોકરાને શીતળા થયા. એ વખતે છોકરીઓ નાટકોમાં બહુ ભાગ લેતી નહીં એટલે છોકરાઓએ જ સ્ત્રીપાત્ર પણ ભજવવું પડતું અને એ છોકરો પણ છોકરીનું જ પાત્ર ભજવવાનો હતો. એની બીમારીને કારણે સ્થિતિ એવી સર્જાઈ કે નાટક રદ કરવું પડે. પણ પિતાજીએ એમ કરવાની મનાઈ ફરમાવી અને મને પૂછ્યું કે ‘તારાથી આ પાત્ર ભજવાશે? કાલે નાટક છે.’ આગળ કહ્યું તેમ નાટક તો મને મોઢે જ હતું એટલે ‘ભાવતું’તુ ને વૈદ્યે કીધું’ જેવું થયું. પણ હવે સમસ્યાએ થઈ કે મારાથી સ્ત્રીપાત્રમાં પ્રવેશાય નહીં. નાટકના સંવાદો તો મોઢે હતા પણ ‘આવી’ને બદલે ‘આવ્યો’ જ બોલાયા કરે. પછી તો રાતભરની પ્રેક્ટિસથી અંતે એ સમસ્યા પણ ટળી. નાટક સ્ત્રીપ્રધાન હતું અને હાસ્ય તેમાં મુખ્ય હતું. સ્ટેજ પર એ એટલું સફળ નીવડ્યું કે લોકો નાટક પછી મને ખાસ શુભેચ્છા પાઠવવા આવતાગયા. એવામાં એક મહિલા પાસે આવીને મને કહે, ‘દીકરા, આજે હું નહોતી આવવાની. મારા હસબન્ડ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. તે આ ફંક્શન માટે પુષ્કળ ઉત્સાહિત હતા, પણ હમણાં થોડા દિવસ પહેલા જ અચાનક તેમનું અવસાન થયું. હું ખરેખર ખૂબ દુઃખી હતી. પણ તેમને અહીં આવવાનું એટલું મન હતું કે મને થયું, એમની આત્માની શાંતિ માટે પણ મારે જવું જોઈએ. અહીં આવીને પણ મારું મન કશે લાગતુંનહોતું. પણ દીકરા, આજે તે મને બહુ હસાવી. મારા પતિના મૃત્યુ બાદ આજે પહેલી વાર દિલ મૂકીને આટલું ખડખડાટ હસી. દીકરા, સદા હસતો રે’જે ને હસાવતો રે’જે.’ આ વાત મને ઊંડે સુધી સ્પર્શી ગઈ. ત્યારથી મેં મનમાં નક્કી કર્યું કે જો આગળ ક્યારેય પણ નાટક કરીશ તો માત્ર અને માત્ર કોમેડી જ કરીશ. સમગ્ર પ્રેક્ષકગણમાંએ મહિલા જેવું કોઈક તો હશે ને જે દુઃખી હોય અને મારા અભિનયથી એમના ચહેરા પર હાસ્ય આવી જાય તો મારા માટે એનાથી મહત્ત્વનું બીજું શું હોઈ શકે? બસ, એટલે જ હું આજ સુધી કોમેડી નાટકો ભજવું છું અને ભજવતો રહીશ. આ મારો પ્રથમ નાટ્ય પ્રવેશ હતો. 

'કૂતરાંની પૂંછડી વાંકી'નું એક દૃશ્ય
‘મૂંગી સ્ત્રી’ નાટક રાષ્ટ્રીય સ્તરે કઈ રીતે ભજવાયું?

શાળા બાદ કોલેજમાં પ્રવેશ થયો. ત્યાં હકુમતરાય દેસાઈ નામના અમારા એક પ્રોફેસરે મને રંગમંચ પર ઉતાર્યો. શરૂઆતમાં ‘વડ અને ટેટાં’ જેવા નાટકો ભજવ્યા. પછી કોલેજના અંતિમ વર્ષમાં મેં સ્વતંત્રપણે ચંદ્રવદન મહેતાનું ‘મૂંગી સ્ત્રી’ નાટક તૈયાર કર્યુંઅને તે વખતના યુથ ફેસ્ટિવલમાં આ નાટક ભજવવાનું નક્કી કર્યું. સુરતમાં એ નાટક પ્રથમ નંબરે રહ્યું એટલે પછી તેને અમદાવાદ ખાતે ઝોન કક્ષાએ લઈ જવામાં આવ્યું. ત્યાં અમારા જજ જયશંકર ‘સુંદરી’ હતા. ત્યાં પણ નાટક ખૂબ સફળ રહ્યું એટલે પછી એ નાટક ભજવવા દિલ્હીજવાનું થયું. મારી ખુશીનો તો પાર નહોતો અને દિલ્હી પહોંચીને તો એ ઉત્સાહ વધુ બેવડાયો. બેથી અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓ ફેસ્ટિવલ માટે આવ્યા હતા. રોજ સાંજે કાર્યક્રમો હોય અને એમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેવા ઊંચા હોદ્દા પરના માણસોને ત્યાં આમંત્રિત કરાતા. પંદર દિવસના ફેસ્ટિવલમાં અમારું નાટક સાતમા દિવસે હતું. એવામાં ત્યાં ફ્લુએ જોર પકડ્યું. ઘણા બધા વિદ્યાર્થીઓને એની અસર થઈ અને એમાં હું પણ ઝડપાયો. ડોક્ટરે મને સુરત જતા રહેવાની સલાહ આપી, પણ હું નાટક ભજવવા માટે દૃઢ નિર્ણય કરી ચૂક્યો હતો. અહીં સુધી આવ્યા અને પરફોર્મ ન કરીએ એ કેમ ચાલે? નાટક ભજવવાના દિવસે મારાથી ઊભા થવાય એવી સ્થિતિ પણ નહોતી. લોકો મને તેડીને સ્ટેજ સુધી લઈ ગયા હતા, પણ જેવો હું સ્ટેજ પર પહોંચ્યો તેવો શું ઈશ્વરીય ચમત્કાર થયો કે લોકોએ મને તાળીઓથી વધાવી લીધોઅને મારામાં એક ગજબની શક્તિ આવી ગઈ. પછી તો આખું નાટક મેં એકદમ સ્વસ્થ રહીને કર્યું અને તમને જાણીને નવાઈ લાગશે કે નાટક પછી મારો તાવ પણ ક્યાંજતો રહ્યો એની કોઈને ખબર જ નહીં! બારમા દિવસે પરિણામ જાહેર થયું, અમારું નાટક રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજા ક્રમે આવ્યું હતું અને મને શ્રેષ્ઠ કલાકારનો પુરસ્કાર મળ્યો. એ પછી ગુજરાતી સમાજ અને અન્ય જગ્યાએ પણ એ નાટક ભજવવા અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

આપે નાની ઉંમરે જ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો. એક કલાકારના જીવનમાં પુરસ્કારનું કેટલું મહત્ત્વ હોય છે?

આપણે જ્યારે કંઈક નાનું સરખુંય, પણ સારું કામ કરીએ અને કોઈ આપણી પીઠ થપથપાવે તો કેવી અનુભૂતિ થાય? બસ એવું જ કલાકારના જીવનમાં પુરસ્કારનું મહત્ત્વ હોય છે. કલાકારને તેની આવડત માટે જ્યારે પુરસ્કાર મળે ત્યારે તેને પીઠ થપથપાવેલી જ કહેવાય. પારિતોષિક તો નિમિત્તમાત્ર છે. પુરસ્કાર આપીને તમારી કદર કરાય છે અને જ્યારે કોઈ તમારી કદર કરે તો તમારા દિલને ખુશી ના થાય? થવી જ જોઈએ. પદ્મશ્રી મળે કે પછી સામાન્ય કોઈ ટ્રોફી મળે, પણ પુરસ્કાર લેતી વખતે તે ‘મેળવવાનો’ આનંદ તો એકસરખો જ હોય છે. આથી એનું મહત્ત્વ તો ખરું.

પારસી થિયેટરની શરૂઆત કઈ રીતે થઈ?

પારસીઓએ ઘણી દિશામાં પહેલ કરી છે. એ પૈકીનું એક ક્ષેત્ર એટલે આ નાટક. પારસીઓ પર થોડા ઘણા પ્રમાણમાં પશ્ચિમી દેશોનો પ્રભાવ ખરો. તેમની રહેણીકરણી, પહેરવેશ વગેરેમાં ઘણી સામ્યતા જોવા મળે. હવે જ્યારે અહીં અંગ્રેજોનું શાસન હતું ત્યારે એમને રીઝવવા નાટકો ભજવવા માટે ઈંગ્લેન્ડથી કલાકારો આવતા અને શેક્સપિયરના નાટકો ભજવાતા. અંગ્રેજી ભાષાના આ નાટકો પારસીઓ જોતા અને માણતાં અને તેના પરથી તેમને વિચાર આવ્યો કે આપણે પણ નાટકો ભજવીએ તો? અને આ એક વિચારથી ‘પારસી નાટક મંડળી’ની સ્થાપના થઈ. ત્યારબાદ ઓક્ટોબર, ૧૮૫૩માં ફરામજી દલાલ નામના એક વ્યક્તિના પ્રયાસથી દાદાભાઈ નવરોજીના પરામર્શથી ભારતમાં સૌપ્રથમ વખત ‘રૂસ્તમ સોહરાબ’ નામનું નાટક ભજવાયું હતું. પછી તો ઘણા નાટકો ભજવાતા રહ્યા. માઈક, લાઈટ ઈફેક્ટ વગર સાત-આઠ કલાક ચાલતા આ નાટકો જૂની રંગભૂમિની પ્રસ્તુતિ હતા. પરંતુ ત્યારબાદ સમય જતા અદી મર્ઝબાન, ફિરોઝ આંટિયા અને પ્રવીણ જોશી જેવા કલાકારોએ નવી રંગભૂમિની રચના કરી. તેમાં નાટકો અઢી-ત્રણ કલાકોના કરી મોડર્ન થિયેટરની શરૂઆત કરવામાં આવી. જોકે આ તમામ થિયેટર મુંબઈ સ્થિત હતા. ગુજરાતમાં ત્યારે પારસીઓનું આ પ્રકારનું કોઈ ખાસ થિયેટર નહોતું. શાળા-કોલેજોના સ્નેહસંમેલનમાં નાટકો ભજવાતા, પણ નિયમિતપણે ભજવવા કોઈ થિયેટર નહોતું. 

પારસી થિયેટર સાથેની તમારી સફર કેવી રહી?

અમદાવાદની ઓરિએન્ટ ક્લબે મને ‘મૂંગી સ્ત્રી’ નાટક ભજવવા માટે આમંત્રિત કર્યો હતો.અમારા નાટકના બીજા દિવસે ત્યાં ફિરોઝ આંટિયાનું ‘વાહ રે બહેરામ’ નાટક ભજવાયું. નાટક જોઈને હું એટલો ખુશ થયો કે અભિનંદન પાઠવવા હું ફિરોઝ આંટિયાને મળવા ગયો. ત્યારે હું તો નાનો ને એમની ઉંમર ખાસ્સી વધારે. તો મને ભેટીને કહે, ‘છોકરા કાલે તે નાટક મજેનું ભજવ્યું.’ તો મેં કહ્યું, ‘તો મને તમારું આ નાટક ભજવવા આપો ને.’ પણ હું નવોસવો એટલે કહે, ‘તું ગાંડો થઈ ગયો છે, આ નાટક તારાથી કંઈ ભજવાય?’ પણ મેં એમને વિશ્વાસ બતાવ્યો કે, ‘ના હું તો ભજવી શકીશ. મારે વ્યવસાયિક રીતે નથી ભજવવું, પણ આ તો મારા કેમ્બે ક્લાસીસના વાર્ષિક સ્નેહસંમેલનમાં ભજવવું છે.’ એટલે એમણે મને અમથું કહી રાખ્યું કે, ‘સારું તું મુંબઈ આવજે.’ હું તો ખુશ થતો થતો પપ્પા પાસે ગયો અને એમની પરવાનગીથી ૪૦ રૂપિયા લઈ મુંબઈ જવા ઉપડ્યો. ફિરોઝ આંટિયા મને મુંબઈમાં જોઈ પૂછે, ‘તું તો ખરેખર આવી ગયો!’ પછી એમણે નાટકની સ્ક્રિપ્ટ બતાવી, પણ તે માટે એમણે પહેલા રોયલ્ટી માગી. હવે તે સમયે આ બધાની મને કશી જાણ નહીં. એટલે મેં તો એમને જ પૂછ્યું. તો કહે, ‘તું મારું નાટક ભજવે એ માટે તારે મને કંઈક તો આપવું જ પડે ને.’ પણ મારી પાસે તો મર્યાદિત રૂપિયા હતા. એટલે મેં તો કહ્યું મારી પાસે તો નથી. તો એ એકદમ હસી પડ્યા અને મને પ્રેમથી ભેટીને કહે, ‘જા આ વખતે તો એમ જ ભજવી લે. બીજી વાર ભજવવું હોય ત્યારે રોયલ્ટી ચૂકવજે.’હું ખુશ થતો થતો સુરત આવ્યો અને નાટક ભજવ્યું. લોકોએ ખૂબ વખાણ્યું. આજે યાદ કરું છું તો વિચાર આવે છે કે એ સમયના લોકો સોનાના દિલ ધરાવતા હતા, એટલે નાટકો પણ ઉત્તમ જ ભજવાતા. પછી તો એક પછી એક નાટકો ભજવાતા રહ્યા. એટલે હું તો આનંદમાં કે આપણા નાટક તો જો ચાલે છે તે! પણ મારા પપ્પાએ એક વચન લીધેલું, ‘દીકરા નાટકમાંથી ક્યારેય કમાવાનું નહીં. તારા શોખને ખાતર કરજે. તારી કળાને વેચતો નહીં. એમાંથી દાન કરજે.’ ત્યારથી લઈને આજ સુધીએટલે કે લગભગ ૫૫ વર્ષથી નાટકની ભજવણીથી મળતા તમામ રૂપિયા દાનમાં જ આપ્યા છે. આ માટે મારા કલાકારોનો પણ હું ખૂબ આભારી છું. 

પારસી થિયેટરને આટલા વર્ષોથી જીવતું રાખવાના પ્રયાસોમાં કઈ કઈ સમસ્યાઓ આવી?

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ટી.વી., રેડિયોનો વ્યાપ વધતો ગયો. આ માધ્યમોથી કલાકારોને પૈસા પણ વધુ મળતા એટલે કલાકારો તેના પ્રત્યે વધુ આકર્ષાયા. ધીમે ધીમે પારસી રંગમંચ પડી ભાંગ્યું. આજે પારસી નાટકો ભજવાતા નથી એવું નથી. હજીય કેટલાય કલાકારો છે, જે વાર-તહેવારે મુંબઈ, સુરતમાં પારસી નાટકો ભજવે જ છે. પણ હવે આ સારું કહો કે ખરાબ, નિયમિતપણે નાટકો ભજવનાર એકમાત્ર ‘યઝદી કરંજિયા’ ગ્રુપ જ રહ્યું છે, જે સુરત ઉપરાંત દેશ અને પરદેશ બધે જ નાટકો ભજવે છે. 

પારસી થિયેટરનું ભવિષ્ય કેવું લાગે છે?

જ્યાં જ્યાં અમે નાટક કરવા જઈએ છીએ ત્યાં ત્યાં અમને આ જ પ્રશ્ન પૂછાય છે. હકીકતમાં પારસીઓની વસતી જ ઓછી થઈ ગઈ છે તો તેની અસર નાટકો પર પણ પડવાની જ ને!કોઈ અમારી વસતી વિશે તો પ્રશ્ન કરો!છતાં અમે નિરાશ નથી. જ્યાં સુધી છેલ્લો પારસી જીવતો રહેશે ત્યાં સુધી પારસી થિયેટર જીવતું રહેશે. 

પારસી થિયેટરને કઈ રીતે ફરીથી જીવંત કરી શકાય?

આજથી સાત-આઠ વર્ષ પહેલા આ વિષય પર ચર્ચા કરવા મેં મારા ભાઈ મહેરનોશ સાથે એકબેઠક કરી હતી. જાદુગર કે. લાલ પણ એમાં સામેલ હતા. તેઓ અમારા સારા મિત્ર છે. આ બેઠકમાં અમે એક વિચાર રજૂ કર્યો કે, લોકો એવું કહે છે કે પારસી થિયેટર હવે બહુ ઓછું થઈ ગયું છે. તો અમારી એવી ઘણી ઈચ્છા છે કે અમે માત્ર પારસીઓ નહીં, પણ ભાઈબંધ કોમના આઠ વર્ષથી લઈને વીસ વર્ષ સુધીના બચ્ચાઓને અમને જે કંઈ પણ આવડે છે, તે શીખવાડીએ. હજી આ માત્ર એક વિચાર જ છે. અમે કશું નક્કી કર્યું નથી. એટલે કે. લાલ તરત જ ઊભા થઈ ગયા અને કહે, ‘નક્કી નથી કર્યું એમ ના ચાલે. તો તો પછી નક્કી જ નહીં થાય. આજથી નક્કી કર્યું છે એમ રાખો અને આ રહ્યા પાંચ હજાર રૂપિયા.’હવે જો એ રૂપિયા હું સ્વીકારું અને પછી સંસ્થા શરૂ ના થાય તો હું તો પાપમાં પડું એટલે મેં પ્રેમપૂર્વક ના પાડી. પણ તેમણે આગ્રહપૂર્વક રૂપિયા આપ્યા અને ‘કલાવિકાસ અકાદમી’ની સ્થાપના થઈ. આ અકાદમીમાં વિનામૂલ્યે તમામ કોમના બાળકોને કળાના જરૂરી પાઠો શીખવાડવામાં આવે છે અને દર વર્ષે ગાંધી સ્મૃતિમાં તેઓ એક નાટક રજૂ કરે છે. આ રીતે આજની પેઢીને તાલીમ આપી અમે પારસી થિયેટરની સેવા કરી રહ્યા છીએ. 

એકસમયે આપના પત્નીએ ‘રંગમંચ છોડવાની’ શરતે લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને આજે સમગ્ર કરંજિયા પરિવાર રંગમંચને જીવતું રાખી રહ્યું છે. તો પરિવારનો કેટલો ફાળો રહ્યો?

આ આખી સફરમાં પરિવારનો પૂરોપૂરો સહકાર રહ્યો. મારો દીકરો શહેજાદ ચાટર્ડ એકાઉન્ટન્ટ હોવાની સાથે ઉત્તમ ગાયક છે. માહરૂખ એક ઉત્તમ એન્કર છે. ઘણા પ્રતિષ્ઠિત કાર્યક્રમોમાં તે એન્કરિંગ કરે છે. એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ કે મને આખો પરિવાર જ કળાપ્રિય મળી ગયો. બધામાં જ કુદરતી રીતે કળા સમાયેલી છે. 

‘કેમ્બે ક્લાસીસ’ની શરૂઆત કઈ રીતે થઈ?

મારા પિતાજી એક સામાન્ય વિદ્યાર્થી હતા. શાળામાં એકવાર લંડનની પિટમેનની શોર્ટહેન્ડ (લઘુલિપિ) ટાઈપ રાઈટિંગની પરીક્ષાઓની એક નોટિસ લાગી હતી. એ નોટિસ સાથે ગોલ્ડ મેડલ પણ મૂકાયેલો હતો. મારા પપ્પા એ નોટિસ સાથેનો મેડલ જોયા કરતા, ત્યાં એક વિદ્યાર્થીએ પાછળથી ટકોર કરી કે, તું તો એવી રીતે આ નોટિસ બોર્ડને જુએ છે કે આ મેડલ તને જ મળવાનો. પપ્પા કહે, એ તો જે મહેનત કરે એને મળે. પણ આ ઘટનાની તેમના પર ઘણી અસર થઈ. એટલે તેમણે તો મેટ્રિકની તૈયારી છોડીને આ શોર્ટહેન્ડની તૈયારી કરવા માંડી અને એમણે એવી તૈયારી કરી કે એ ગોલ્ડ મેડલ જીતી ગયા. પણ મેટ્રિકમાં નાપાસ થયા. પછી તેમણે ખંભાત જઈ ડ્રીલ શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. પણ એ સાથે જ તેમણે પ્રિન્સિપાલ પાસેથી શોર્ટહેન્ડ અને ટાઈપરાઈટિંગ શીખવવાની પરવાનગી પણ મેળવી લીધી. એક ટાઈપ રાઈટર અને ટેબલ સાથે ખંભાતમાં ‘કેમ્બે ક્લાસીસ’ની શરૂઆત થઈ. એમનો પહેલો સ્ટુન્ડ એટલે પ્રિન્સિપાલનો દીકરો. એકાઉન્ટન્સી પર પણ પપ્પાનું પ્રભુત્વ સારું. પછી સુરતના એક પ્રિન્સિપાલે તેમને અહીં બોલાવ્યા.પહેલેથી જ અહીં રહ્યા હોવાથી પપ્પાને સુરત પ્રત્યે લાગણી ખરી. એટલે અહીં આવીને લીમડા ચોકમાં એક નાનકડાં રૂમમાં ‘કેમ્બે ક્લાસીસ’ની શરૂઆત કરી. વિદ્યાર્થીઓના પરિણામો સારા આવવા લાગ્યા. તેથી સંખ્યા વધતી ગઈ અને ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું. જોકે ૧૯૪૨માં એક દુર્ઘટનામાં ક્લાસીસમાં આગ લાગી. પણ મારા મમ્મી અને પરિવારની હિંમત તથા થોડા ડોનેશન અને લોનની મદદથી ફરીથી ક્લાસીસ શરૂ થયા. વર્ષ ૧૯૬૦-૬૧માં પપ્પાએ ગુજરાતી શોર્ટહેન્ડની શોધ કરી અને તેને ‘મહેર લઘુલિપિ’ નામ આપ્યું. પરંતુ એમનું એ પુસ્તક પૂર્ણ થાય એ પહેલા જ તેમનું અવસાન થયું. એમના બાદ આ ક્લાસીસમાં મેં શિક્ષકની ભૂમિકા ભજવી અને વિદ્યાર્થીઓને શક્ય એટલી સહજતાથી તાલીમ આપવાનો પ્રયાસ કર્યો. 

એક શિક્ષક અને કલાકાર એકબીજાને કઈ રીતે સાંકળે છે?

એક શિક્ષક જ્યારે ભણાવતો હોય ત્યારે માનો કે ના માનો તે અભિનય તો કરે જ છે. આ બાબતને ખૂબ સૂક્ષ્મ રીતે જોવાની જરૂર છે. જેમ કે, એક શિક્ષક જ્યારે બાળકને વાર્તા કહેતો હોય ત્યારે તેના હાવભાવથી બાળકો એ વાર્તાને વધુ સ્પષ્ટતાથી સમજતા હોય છે. આ હાવભાવ એ એક પ્રકારનો અભિનય જ હોય છે. હું મારી વાત કરું તો મને મારા વિદ્યાર્થીઓ ગંભીર ચહેરે બેસીને ભણતાં હોય એ સહેજે ના ગમે. એમના ચહેરા પર સ્મિત હોવું જ જોઈએ અને એ શક્ય ત્યારે જ બને જ્યારે એ સ્મિત હું એમના ચહેરા પર લાવી શકું અને એ માટે હું કંઈક અભિનય કરું તો એમને પણ ખુશી થાય. અલબત્ત, શિક્ષક ગંભીરપણે શીખવતો હોય ત્યારે પણ એ અભિનય તો કરે જ છે. તો બીજી બાજુ નાટકમાં પણ શિક્ષણ તો હોય જ છે. આમ હું એવું માનું છું કેશિક્ષક અને કલાકાર એકબીજાને સાંકળતા તો હોય જ છે. 

આ બંનેમાંથી તમને કઈ ભૂમિકા વધુ પસંદ છે?

(હસીને) આમાં માનીતી કે અમાનીતી રાણી જેવું કશું નથી. હું એક શિક્ષક અને કલાકાર એમ બંને ભૂમિકામાં દિલ ખોલીને કામ કરું છું. પણ એટલું ખરું કે લોકો મને શિક્ષક કરતાં કલાકાર તરીકે વધુ ઓળખે છે. એનું એક કારણ છે. શિક્ષક તરીકે હું લોકોના મગજમાંથી પસાર થાઉં છું. જ્યારે કલાકાર તરીકે હું સીધા તેમના હૃદયને સ્પર્શું છું. એટલે હૃદય નજીકની સ્મૃતિને કદાચ લોકો વધુ યાદ રાખે છે. પણ હું તો શિક્ષક અને કલાકાર એમ બંનેની ભૂમિકાને સંપૂર્ણપણે માણું છું. 

તમારી સફળતાનો શ્રેય કોને આપો છો?

આજે મારા જીવનમાં જો મને કોઈ સફળતા કે ઉપલબ્ધિ મળી હોય તો તેનો બધો શ્રેય ભગવાન ઉપરાંત સંત સમા માતા-પિતા, સ્વર્ગસ્થ કલાગુરુ ફિરોઝ આંટિયા, ચંદ્રવદન મહેતા, ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ડો. રતન માર્શલ જેવી વ્યક્તિઓને આપું છું. આ તકે એમના પવિત્ર આત્માઓને નતમસ્તક વંદન કરું છું. મારી આ શિક્ષણ અને કલાયાત્રામાં મને સહકાર, હૂંફ અને પ્રેરણા આપનાર મારી પત્ની વીરા, દીકરા-દીકરી, મારા વહાલા ભાઈઓ અને ભાભીઓ, બહેનો, બનેવી અને તમામ સાથી કલાકારો(જેમાંના કેટલાક તો ગ્રુપની સ્થાપનાથી એટલે કે ૫૫ વર્ષથી મારી સાથે છે), તમામ શુભેચ્છકો અને સુરતીઓનો હૃદયપૂર્વક આભારી છું. આપ સૌને ખાતરીપૂર્વક કહું છું કે જ્યાં સુધી આ શરીર સ્વસ્થ રહેશે અને શ્વાસ લેતું રહેશે ત્યાં સુધી શિક્ષણક્ષેત્રે અને નાટ્યક્ષેત્રે મારું સર્વસ્વ સદા અર્પણ કરતો રહીશ.

જીવનનું એકમાત્ર લક્ષ્ય કઈ બાબતને ગણો છો?

હસી લો, હસાવી લો. બે ઘડી મસ્તીમાં વીતાવી લો. કોને ખબર, કાલે મળ્યા કે ના મળ્યા. આજને બસ પ્રેમથી વધાવી લો. આપણા આખા જીવનના રસકસને આવરી લેતું એક ગીત, જેને હું મારા તમામ વક્તવ્યમાં અચૂકપણે વાગોળું છું, એ મારો જીવનમંત્ર છે. રાજ કપૂર પર ફિલ્માવાયેલા ‘અનાડી’ ફિલ્મના ગીતની આ પંક્તિઓ ‘કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઈસી કા નામ હૈ...’ને જીવવાનો મેં હંમેશાં પ્રયાસ કર્યો છે.


No comments:

Post a Comment