Tuesday, April 29, 2014

મતદાર તરીકે મહિલાઓ કેટલી જાગૃત છે?



સામાન્ય માન્યતા એવી છે કે મહિલાઓને રાજકારણમાં રસ પડે નહીં અને પતિ કહે તે પક્ષ કે ઉમેદવારને મત આપી આવે. જોકે વીસમી સદીની આ માન્યતા એકવીસમી સદી માટે સંપૂર્ણપણે સાચી નથી. મહિલાઓ પણ અખબારો-સામયકિિ વાંચે છે અને ટીવી પર ન્યૂઝ જુએ છે એટલે તે દેશની સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર છે તેને ખબર છે કે દેશમાં ઘણા સ્થળોએ સ્ત્રીઓ માટે અસુરક્ષાનો માહોલ છે, મોંઘવારી વધતા તેનું બજેટ ખોરવાઈ જાય છે. ‘ગુજરાત ગાર્ડિયન’ એ જ્યારે વિવિધ ઉંમરની સ્ત્રીઓ સાથે ચૂંટણી વિશે વાત કરી ત્યારે આવી ઘણી હકીકતો બહાર આવી જે જૂની માન્યતાઓને ખોટી પાડે છે. ચાલો, આ સ્ત્રીઓના મંતવ્યો વિસ્તારપૂર્વક જાણીએ.

કાયદાની ઊંડી સમજ ધરાવતા ભાવનગરના રહેવાસી પ્રતિભા ઠક્કર જણાવે છે કે, “આપણા સમાજમાં મહિલાઓ હવે ગૃહિણી અને વ્યવસાયિક એમ બે વિભાગોમાં વહેંચાઈ ગઈ છે. એક બાજુ વ્યવસાયિક મહિલાઓ પોતાના કાર્યક્ષેત્રમાં સુરક્ષા, પ્રમોશન તથા મૂળભૂત હકો માટે જાગૃત થઈ છે તો બીજી બાજુ ગૃહિણીઓ પણ ચૂંટણી માટે તેમની પાયાની કેટલીક જરૂરિયાતો સંતોષાય એ માટે થોડા ઘણા અંશે જાગૃત છે, પણ તેમના પર ધર્માચારીઓની અસર વધુ રહેતી હોય છે. આ માટે તેમનું ઓછું ભણતર તથા વાંચનનો અભાવ એ મહત્ત્વના કારણ છે. ઘરેલું મહિલાઓની આ નબળાઈનો રાજકીય પક્ષો પણ પૂરો ફાયદો ઉઠાવે છે અને વિવિધ કર્મકાંડો કરાવે છે, જેની સીધી અસર આ મહિલાઓ પર પડે છે અને તેઓ પોતાનો એક રાજકીય મત કેળવી લે છે. કેટલાક ધર્મ ગુરુઓ ઘણીવાર આદેશો પણ બહાર પાડતા હોય છે અને તેની અસર પણ ગૃહિણીઓ પર વધુ પ્રમાણમાં થતી હોય છે. આ સંપ્રદાયો ગૃહિણીઓની રોજબરોજની સમસ્યાઓનો કેટલાક અંશે ઉકેલ લાવતા હોવાથી તેમનો વિશ્વાસ મજબૂત બને છે અને વધુ વિચાર્યા વિના તેઓ જે તે સંપ્રદાયની વિચારશૈલીને અપનાવી લે છે.” 

હજુ પણ એવા અનેક પ્રદેશો તથા શહેરો છે, જ્યાં મહિલાઓ સ્વતંત્ર રીતે વિચારી શકતી નથી અથવા તો મહિલાઓ વિચારે એવું માહોલ ઊભું કરાતું નથી. અલબત્ત પરિસ્થિતિ દરેક ક્ષેત્રમાં સરખી પણ નથી. સુરતમાં રહેતા અને વ્યવસાયે ગૃહિણી એવા સુમિતા બી પટેલ કહે છે કે, ‘‘એક રીતે જોવા જઈએ તો બધા જ પક્ષોએ ક્યાંકને ક્યાંક મહિલાઓને નિરાશ કરી છે, પણ કયા પક્ષે ઓછા નિરાશ કર્યા એના આધારે હવે મહિલાઓ નિર્ણય લે એ વધુ યોગ્ય છે. હું એક ગૃહિણી છું, છતાં મારો એક ચોક્કસ અભિગમ છે. એક ગૃહિણી તરીકે સૌથી વધુ સતાવતી સમસ્યા હોય તો તે મોંઘવારી છે. ત્યારબાદ બાળકોનું શિક્ષણ, સલામતી તથા એક ગૃહિણી માટે અત્યંત જરૂરી એવી કોઈ રિટાયરમેન્ટ યોજના છે. એક ગૃહિણી આખો દિવસ પરિવારના સભ્યો પાછળ આપી દેતી હોય છે. જોકે ગૃહિણીને તેનો સંતોષ પણ હોય છે, પણ આજની સ્થિતિને જોતાં એક વાત નિશ્ચિત છે કે મહિલાઓએ પણ આર્થિક રીતે પગભર હોવું ખૂબ જ જરૂરી છે અને તેથી જ ગૃહિણીઓ પણ આર્થિક રીતે સદ્ધર બને એવી કોઈ યોજના અમલમાં મૂકાવી જોઈએ અને જે પક્ષની હજી સુધીની રૂપરેખા આ મુદ્દાઓની નજીક હશે તેને જ મારો મત આપીશ.’’ આ વાત સાથે સંમતિ દર્શાવતા સુરતના જ રહેવાસી સમતા ભાવસાર કહે છે કે, “મારા જેવી ગૃહિણીઓ પણ ઘરે બેસીને કામ કરી શકે અને આર્થિક રીતે પગભર બને એ માટે નિશ્ચિત યોજના હોવી જોઈએ. જે પક્ષે ઘરેલું સ્ત્રીઓ માટે કોઈ નિશ્ચિત પગલાં લીધા હશે અથવા તો મેનિફેસ્ટોમાં સમાવ્યા હશે અને જેના વચનો પર વિશ્વાસ કરી શકાય એવો મજબૂત મત કેળવાશે તેને જ હું મારો વોટ આપીશ.”

તો મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહેતા પ્રીતિ પુરોહિત જણાવે છે કે, “હું એક ગૃહિણી છું એનો મતલબ એ નથી કે દેશ પ્રત્યે મારી કોઈ નૈતિક જવાબદારી નથી. એક ગૃહિણી તરીકે સ્વાભાવિક રીતે જ મને મારા પરિવારના સભ્યોના વિચારો અસર કરતાં હોય, પણ તેમના મંતવ્યોથી મારા મતદાનમાં ફેર પડતો નથી. હા, દરેક પક્ષ વિશેની વિગતો ખુલ્લા મને આવકાર્ય છે, પણ અંતે મતદાન તો મેં મારા વિશ્લેષણને આધારે જ કર્યું. એક મહિલા તરીકે મતદાન કરતાં પહેલા મેં જે-તે ઉમેદવારની પાર્શ્વભૂમિકા વિશે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ માટે હવે મહિલાઓએ અને ખાસ કરીને ગૃહિણીઓએ ઈન્ટરનેટ, ન્યુઝ ચેનલોની ડિબેટ તથા સમાચાર પત્રોમાં આવતા નિવેદનો તથા રિપોર્ટને ધ્યાનપૂર્વક વાંચવા જોઈએ. એક મહત્ત્વની બાબત એ છે કે ઘણીવાર પક્ષની કામગીરી સારી હોય, પરંતુ એ પક્ષનો તમારા ક્ષેત્રનો ઉમેદવાર યોગ્ય ન હોય ત્યારે મત આપવા માટે દ્વિધા ઊભી થાય છે. આ માટે મહિલાઓએ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજવી જોઈએ અને પછી જ પોતાનો મત નક્કી કરવો જોઈએ.”

ગૃહિણીઓ સાથે વાત કરતાં તેમના અભિગમ અને ચૂંટણી વિશે જાગૃતતા માન ઉપજાવે એ પ્રકારની છે, પણ જે મહિલાઓ સ્વતંત્ર રીતે આવા નિર્ણયો લઈ શકતી ન હોય તો? આ વિશે પ્રતિભાબહેન આગળ જણાવે છે કે, “મહિલાઓ અને તેમાંય ગૃહિણીઓ માટે વાંચન સૌથી પહેલો ઉપાય છે. મહિલાઓએ પોતાના શહેર, રાજ્ય તથા દેશને લગતા સમાચારોમાં પણ રસ કેળવી, તારણ કાઢવાની આવડત કેળવવી જોઈએ. બાહ્ય ચમક-દમકથી અંજાયા વિના વાસ્તવિકતાને પરખે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તો જ તેઓ પોતાની એક ઓળખ ઊભી કરી શકે અને તો જ તેમના મતનું ખરું મૂલ્ય જળવાઈ રહે. જ્યારે બીજી બાજુ સુશિક્ષિત તથા વિચારશીલ ગણાતી એવી વ્યવસાયિક મહિલાઓની સ્થિતિ પણ કંઈ વખાણવાલાયક નથી. ચૂંટણી આવતા મતદાનથી માંડીને વસતી ગણતરી વખતે પણ તેમની પાસે ઘણા કામો કરાવવામાં આવતા હોય છે. આથી કાર્યક્ષેત્રમાં શોષણ તથા જાતીય ભેદભાવો જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહિલાઓએ પોતાનો મત કેળવવો જોઈએ. આજે જ્યારે હું સમાજ તરફ નજર કરું છું તો મને લાગે છે કે પછાત જાતિની એક મહિલાઓનો એક સમૂહ એવો છે, જે જ્ઞાતિના મોભીઓને આધારે પોતાના અભિપ્રાયો ઘડે છે, જ્યારે મધ્યમ વર્ગની મહિલાઓનો બીજો આખો વર્ગ મહારાજ, સાધુ-સંતો પર નિર્ભર રહે છે. જે થોડી ઘણી મહિલાઓ વાંચી-વિચારી શકે છે, એમનામાં પ્રમાણમાં ઓછી જાગૃતિ છે. આથી મહિલાઓએ જ વાંચન, વિશ્લેષણ તથા પક્ષોની ભૂમિકાને આધારે તથા કોઈનાથીય પ્રભાવિત થયા વિના સ્વતંત્ર રીતે નિર્ણય લેતા શીખવું જોઈએ.”

મહિલાઓ એક જ જીવનમાં અનેક ભૂમિકા ભજવતી હોય છે, એમાંય માતાની ભૂમિકા તે બાળક આવે ત્યારથી લઈને જીવનના અંત સુધી નિભાવતી રહે છે. તો એક ગર્ભવતી મહિલાઓની શું અપેક્ષા હોય છે? આ પ્રશ્નના જવાબરૂપે સુરતના રિદ્ધિ પી. ઈટાલિયા કહે છે કે, “મારા આવનારા બાળક માટે સૌથી વધુ મહત્ત્વની બાબત એના શિક્ષણની છે. મારું બાળક સારું શિક્ષણ મેળવી તેના જીવનમાં સફળ થાય એ જ એક માતાની ઈચ્છા હોય છે. બીજો મુદ્દો એની સલામતીનો છે. મારું બાળક એનું બચપણ કોઈ પણ ભય વિના માણી શકે, બાગ-બગીચા કે અન્ય જાહેર સ્થળો પર મુક્ત રીતે રમી શકે એવું વાતાવરણ જે પક્ષ કે નેતા આપી શકે તેને જ હું મત આપીશ.” જ્યારે વિકસી રહેલા નવા જીવની સુરક્ષા માટે એક ગર્ભવતી માતા પોતાના મંતવ્યો ઘડી રહી છે ત્યારે જીવનના અંતિમ તબક્કાને જીવી રહેલા વૃદ્ધાઓના અભિપ્રાયો પણ મહત્ત્વના બની રહે છે. ૭૧ વર્ષીય મંજુલા રઘુવંશી વર્ષોથી સુરતમાં સ્થાયી થયા છે. ચૂંટણી વિશે અભિપ્રાય આપતાં તેઓ કહે છે કે, “સાચા, પ્રામાણિક, દેશદાઝવાળા અને દેશનો કારભાર ભ્રષ્ટાચાર વિના ચલાવી શકવા સક્ષમ એવા નેતાઓને જ હું પસંદ કરીશ. લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાઓની અત્યારે જરૂર છે. વૃદ્ધ મહિલાઓ માટે એક મહત્ત્વની વાત પેન્શનની છે. ઉંમરની સાથે આવતી બીમારી અને બીજી અનેક સમસ્યાઓ પાછળ પૈસા એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. મારા મતદાન માટે આ મુદ્દાઓ વધુ મહત્ત્વના અને નિર્ણાયક રહેશે.”

મુંબઈમાં કાયદાનો અભ્યાસ કરતી હીર ખાંટ એક યુવા તરીકે પોતાના વિચાર જણાવે છે કે, “હજી સુધી હું આરટીઆઈનો ઘણો ઉપયોગ કરી ચૂકી છું. મહિલાઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારોની વિગતો તથા આંકડાંઓ સ્તબ્ધ કરી દે એવા છે. ઉપરાંત, આવા કિસ્સામાં આરોપીઓનો નિર્દોષ છૂટી જવાનો દર પણ ૭૦ ટકા જેટલો છે. આવી સ્થિતિમાં મહિલાઓ જાગૃત થાય એ ખૂબ જ આવશ્યક છે. અહીં પુરુષોની સમકક્ષ જવાની વાત નથી, પણ મહિલાઓએ પોતાની જ ક્ષમતાને સમકક્ષ પહોંચવાની વાત છે. એટલે હું એ જ નેતાને મત આપીશ જે મહિલાઓના પ્રશ્નો માટે જાગૃત હોય અને સમસ્યાને મૂળમાંથી ઉકેલી દેશની સ્થિતિ સુધારવાની હિંમત દાખવતો હોય. નહીંતર હું નોટા(NOTA-આ પૈકી કોઈ નહીં)ને મારો મત બનાવીશ.” જ્યારે સુરતમાં રહેતી એમબીએની વિદ્યાર્થી નિરાલી ધૂમ કહે છે કે, “ભારતમાં દર વર્ષે લાખો એન્જિનિયર બહાર પડે છે, પણ તેમને રોજગારી મળતી નથી અને અંતે તેઓ સમાધાન કરીને કોઈ પણ સ્તરની નોકરી કરવા મજબૂર બને છે. ઉપરાંત, ઘણી શાળા અને કોલેજોમાં તો પાયાની સગવડ પણ નથી હોતી અને જ્યાં હોય છે ત્યાં છોકરીઓ ભણી નથી શકતી. આ તમામ બાબતો એકબીજા સાથે એ પ્રમાણે સંકળાયેલી છે કે તેના વ્યવસ્થિત વિશ્લેષણ વિના એક પક્ષ ન તો શાસન કરવાનું વચન આપી શકે કે ન તો કોઈ મતદાતા પોતાનો એક નિશ્ચિત અભિગમ કેળવી શકે. આથી આ તમામ વાતો તથા ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ હું મતદાન કરીશ.”

આ ચૂંટણી માટે માત્ર ભારતની મહિલાઓ જ નહીં, પણ તમામ એનઆરઆઈ મહિલા પણ ઘણી ઉત્સુક છે. અમેરિકાના સાનફ્રાન્સિસ્કોમાં રહેતા શિવાની દેસાઈ કહે છે કે, “ભારતના તમામ નાગરિકે અને ખાસ કરીને તો મહિલાઓએ અવશ્યપણે મત આપવો જોઈએ. મહિલાઓએ ઘરના બજેટને સ્થિર રાખતા, જવાબદાર, સલામત અને પ્રામાણિક નેતાઓ પર પોતાની પસંદગી ઉતારવી જોઈએ. અહીં અમેરિકામાં પણ ચૂંટણીના પરિણામો અને તેની સમગ્ર પ્રક્રિયા વિશે ઘણો રોમાંચ છે.”

આ એક લડત છે, જે દરેક મહિલાઓએ સાથે મળીને લડવાની છે. પ્રત્યેક ઉંમરની મહિલાઓ માટે દરેક માટે ચૂંટણી એક આશાનું કિરણ લઈને આવી છે. પ્રત્યેક મહિલા કંઈક પરિવર્તન ઈચ્છે છે અને પોતાનો મત એક એવી વ્યક્તિ કે પક્ષને આપવા માગે છે, જે હકીકતમાં મહિલાઓની સુરક્ષા, માગો તથા જરૂરિયાતોને સમજે અને તેના સન્માનને જાળવે.

29 એપ્રિલ, ૨૦૧૪ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment