Sunday, January 8, 2017

... અને ઓકલેન્ડમાં એક વર્ષ!




પિહા બીચ એન્ડ માય સિગ્નેચર પોઝ

પોતાના દેશથી અને પોતીકા લોકોથી દૂર રહીએ અને ખાસ્સો સમય થાય ત્યારે મન ઘણીવાર એકની એક વાતનું રટણ કર્યા કરે કે, "એ દેશ કે લોકોમાં તને એવું તો શું ખૂટ્યું કે એક તદ્દન અજાણી જગ્યાએ તારે નવો માળો બાંધવો પડ્યો?"

ન્યુઝીલેન્ડ આવ્યાને મને હવે ઓલમોસ્ટ એક વર્ષ થવાનું. પણ આ સવાલ ઘણાં સમયથી ઘૂમરાય છે. જવાબ શોધવાનો પ્રયત્ન કરું છું તો વારંવાર એક જ શબ્દની આસપાસ મારા વિચારો બંધાય છે અને એ છે, સ્વીકાર-એક્સેપ્ટન્સ.

એવું નથી કે મારા શહેરે મારો સ્વીકાર નહોતો કર્યો. મારી પહેલી જોબ હજીય મને વહાલી છે અને હું ઈચ્છું તો ફરી એ જ જોબ એ જ લોકો વચ્ચે કરવા માગું, કોઈ પણ જાતના ચેન્જ વગર. પણ અહીં વાત છે મારા સપનોના શહેરની, જેણે મને હંફાવી, રડાવી અને ઘણી ક્રૂરતાથી જિંદગીના પાઠો શીખવ્યા. મનોજ ખંડેરિયાની પંક્તિને એણે શબ્દશ: સાચી ઠેરવી કે, "જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને" 

એક વર્ષ સુધી જે મુંબઈ શહેર માટે હું તરસતી રહી એ જ શહેરને છોડવા હું એક વર્ષની અંદર જ તત્પર બની. એવુંય નથી કે લોકો સારા ન મળ્યા. મારી ઓફિસ, મારા એડિટર, મારા ફ્લેટમેટ્સ મુંબઈ શહેરની મારી યાદગાર અને શ્રેષ્ઠ યાદો છે. પણ અહીં વાત છે મુંબઈની. મુંબઈમાં મને થયેલા અનુભવો અને મેં અનુભવેલી લાગણીઓની. 

મારી એક મિત્ર મારા લગભગ ૬ મહિના બાદ મારી જેમ જ મુબંઈ મૂવ થઈ. આજે જ્યારે એની સાથે વાત કરી તો કહે છે, "આઈ એમ ઈન લવ વિથ મુંબઈ. મને નથી લાગતું કે હું કદી ઈન્ડિયા છોડી શકું." લગભગ દોઢ વર્ષ મુંબઈમાં રહ્યા બાદ એ આ શહેરના પ્રેમમાં છે. આ લાગણીથી બિલકુલ વિપરિત હું લગભગ એક વર્ષ પહેલા અનુભવતી હતી. તો આ બધાંનું કારણ શું? 

કદાચ જવાબ છે, સ્વીકાર
મારા તમામ વિચારોનો ખૂંટો આ શબ્દ સાથે બંધાઈ ગયો છે. નાનપણમાં હું મારા પપ્પાને મારા હીરો ગણતી, પણ મોટી થતી ગઈ ત્યારે એ જ "હીરો" વિલનના રૂપમાં મને દેખાવા લાગ્યા, યસ, ધિસ ઈઝ અ ક્લીશે, પણ એ જ હકીકત પણ છે. સમય જતાં અંતર વધે એ પહેલાં મારી મમ્મીએ મને શિખામણ આપવા માંડી કે તું જેટલા ઝડપથી તારા પપ્પાને એક્સેપ્ટ કરશે એટલો જ સ્ટ્રોંગ તમારો રિલેશન થશે. હું દેખાવે મારી મમ્મીની છબી પણ વ્યક્તિત્વની રીતે મારા પપ્પાની અને એક મ્યાનમાં બે તલવાર ન રહે એ ન્યાયે અમારી વચ્ચે તકરાર વધી, પણ અંતે અમે બંનેએ એકમેકનો સ્વીકાર કર્યો અને આજે કદાચ એકબીજાની ઢાલ બનીએ છીએ. અમે લડીએ છીએ પણ એકબીજાની હૂંફ માટે તરસીએ પણ છે. 

સ્વીકાર માત્ર વ્યક્તિ કે વસ્તુનો જ નહીં. પરંતુ મને લાગે છે કે જે-તે શહેરનો સ્વીકાર પણ આપણી જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે.  આ વિચાર બે વર્ષના ગાળામાં બે તદ્દન અલગ શહેરમાં રહ્યા બાદ મને સમજાયો. 

મુંબઈ શહેરને હું સ્વીકારી નહીં શકી અને મુંબઈ શહેર મને. અમે લડતાં રહ્યા, એકમેકને ધિક્કારતા રહ્યા. જો કે, પરિણામ નિશ્ચિત હતું. પણ એ શહેરની ક્રૂરતા હું જ્યારે આ અજાણ્યા શહેરમાં રહી ત્યારે વધારે અસરકારક લાગી.  

ઓકલેન્ડ સ્કાય ટાવર
ભલે કહો તો મારું ફેમિલિ અહીં છે, પણ હું રહું છું "ગોરા"ઓ સાથે. હું એ તમામ વસ્તુઓ અફોર્ડ કરી શકું છું જે ફિક્સ ઈન્કમ ધરાવતા અને બ્રાન્ડેડ વસ્તુઓના શોખીન અમીરજાદાઓ ભારતમાં કરી શકે છે. જો કે, મારી અહીં કોઈ જોબ નથી. હું ટેમ્પ જોબ્સથી જ આ તમામ સગવડો ભોગવી શકું છું. આમાં વાત ડોલરિયા દેશની કે વિકસિત-વિકાસશીલ દેશની પિપૂડી વગાડવાની નથી. આ વાત છે, એક શહેરના પોતાના બાહુપાશમાં મને સમાવી લેવાની અને એક શહેરની મને ધિક્કારવાની. મારી એ મિત્રને મુંબઈ શહેર પોતાના પ્રેમમાં જકડી શકતું હોય તો હું એ પ્રેમ ના મેળવી શકી એનું કારણ જ એકમેકનો અસ્વીકાર છે. એમાં અન્ય ચર્ચા અસ્થાને રહી.

એવુંય નથી કે આ શહેરે માત્ર મીઠાં અનુભવો કરાવ્યા. અહીંય આંખોમાં આંસું આવ્યા જ. ઘણી વાર પોતાના શહેરના રસ્તા અને જાણીતા ચહેરાઓ જોવા મન તરસ્યું, પણ આ શહેરે હજુ મને હંફાવી નથી. *ટચવુડ* હા, ટપલીઓ અનેક મારી છે. પણ ફરી એક હાથ પણ લંબાવ્યો છે અને સાથે મુંબઈના ખારા પાણીના જખમોને અહીંના મીઠા પાણીના સરોવરે રૂઝવવામાં મદદેય કરી છે. 

ઘણીવાર સપના કે પછી કહો ફેન્ટસી હકીકતનું રૂપ લે ત્યારે એનો ઉમળકો પાણીના પરપોટાની જેમ ક્ષણિક બની જાય છે. મુંબઈ શહેરની મારી લગની એ પાણીના પરપોટા જેવી થઈ રહી. પણ છતાંય દિલના એક ખૂણામાં એ શહેરનો પ્રેમ હજુ અકબંધ છે.



ઓકલેન્ડમાં મારું એક વર્ષ અનેક કિસ્સાઓ અને અનેક અવનવા ચહેરાઓથી ઉભરાતું રહ્યું, આ શહેરે જે રીતે મને પોતાનામાં સમાવી લીધી છે, મારી પાસે એના સ્વીકાર સિવાય અન્ય વિકલ્પ નથી. બટ અગેઈન, હુ નોઝ વોટ વિલ હેપન નેક્સ્ટ.ટિલ ધ નેક્સ્ટ ટાઈમ!


3 comments:

  1. Ami...wah...looking forward for more...have read your work first time....but can see glimpses of Kaajal Oza Vaidya...jayesh bateriwala

    ReplyDelete
  2. It is really superb Ami. Hats off

    ReplyDelete