Monday, January 23, 2017

અ જિનિયસ ઈઝ ટુ નો વેન ટુ સ્ટોપ!


કદાચ દરેક રિલેશનશિપ, માતા-પિતાના બાળક સાથેના, બાળકના પેરેન્ટ સાથેના કે પછી એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેના પ્રેમસંબંધને હેલ્ધી રાખવાની બ્રહ્મચાવી મને "અ જિનિયસ ઈઝ ટુ નો વેન ટુ સ્ટોપ!" વાક્ય લાગે છે. આજે ‘ડિયર જિંદગી’ જોવાની ફુરસદ મળી અને બોલિવુડ પર ફરી એક વાર ગર્વ થઈ આવ્યો. 

કાયરાની જેમ જ ફિલ્મની શરૂઆતમાં હું પણ આમતેમ ફાંફાં મારી રહી હતી. એક વાર થયું પણ કે આ શું ચાલી રહ્યું છે? પણ જેમ કાયરાને હોલની અંદરથી અચાનક એક અવાજ સંભળાય છે-કંઈક અલગ, પણ પોતાની સાથે કંઈક સમાનતા ધરાવતો અને એ હોલમાં ડોકિયું કરે છે એમ મેં પણ એ ફિલ્મમાં ડોકિયું કર્યું અને પછી ધીરે-ધીરે એ ફિલ્મ હ્રદયને સ્પર્શ કરતી ગઈ. 

આગળ કહ્યું એમ દરેક સંબંધની એક વિશિષ્ટતા છે અને બીજી રીતે કહું તો એક સીમા છે. માતા-પિતાની એના બાળકને પંપાળવાની સીમા, બાળકની માતા-પિતા સામે બળવો કરવાની સીમા, પાડોશીની ‘ગોસિપ ગર્લ’ બનવાની સીમા અને એક સંબંધને પ્રેમનું લેબલ લગાડવાની સીમા. 

આ એક વાક્ય મને બીજી એટલી બધી વસ્તુ સાથે જોડી રહ્યું છે કે હું પોતે એને અલગ કરવા અસક્ષમ છું. એક ઉદાહરણ આપું તો, અમારી જનરેશનમાં આકર્ષાવું ઘણું સામાન્ય છે અને થેન્ક્સ ટુ બોલિવુડ, દરેક વ્યક્તિ એને પ્રેમ સમજી બેસે, જે અગેઈન સામાન્ય છે. પણ આગળ જતાં એ પ્રેમ ક્યાંક ખોવાઈ અને વાસ્તવિકતા સામે આવે, પણ સમય એટલો આગળ વધી જાય કે હવે માતા-પિતા પણ આ સંબંધમાં સામેલ થઈ ચૂક્યા હોય. એટલે બાળકો માટે બ્રેક-અપ નહીં કરવાનું એક કારણ આ હકીકત બની જાય છે. શા માટે? શા માટે માતા-પિતાનો પ્રભાવ બાળકોને ઘૂંટાવાનો અથવા તો જૂઠ્ઠુ બોલવા તરફ દોરે છે? શા માટે એવું કહેવામાં આવે છે કે મા-બાપને બધી વાત નહીં થાય? એક ઉંમર પછી, એક સમય પછી શું મા-બાપ અને બાળકના સંબંધની સીમા નથી આવતી? શું બંને મળીને એને ફરીથી વ્યાખ્યાયિત ના કરી શકે? એ દૃષ્ટિએ જોઉં તો મને વિદેશમાં સંબંધો ઘણાં પારદર્શક લાગે. આઈ મીન, આજે આપણી ત્યાં કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં મૂળ પ્રશ્નને ફોકસ કરવા કરતાં સો કોલ્ડ સમાજની ચિંતા કરવામાં આવે. કેમ? આપણે શા માટે સાદા પ્રશ્નોને હંમેશાંથી જટિલ બનાવતાં આવ્યા છે?

બીજી વાત, બાળક નાનું હોય ત્યારે મા-બાપ એને હાથ પકડીને ચાલતાં શીખવાડે, જિંદગીના પાઠો સમજાવે. પણ મોટો થાય ત્યારે પણ હાથ પકડી રાખે તો? હું માનું છું ત્યાં સુધી દરેક સંબંધની સીમા નક્કી હોય છે અને દરેકે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જ પડે છે. કદાચ દરેક વ્યક્તિ સંમત ન પણ થાય, ખાસ કરીને હું એક પેરન્ટ નથી એટલે, પણ હું એક બાળક છું એટલે અડધી બાજુ વિશે તો કહી જ શકું. જો મા-બાપ પોતાના બાળક માટેના પઝેશન, કેર અને પ્રેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવે તો એ બાળક માટે સ્વપ્નો રાત પૂરતાં જ સીમિત રહે. ભલે પરિણામ અણધાર્યા કે કદાચ પોતાની સમજ બહારના હોય, પણ મા-બાપે બાળકને વિકસવાની અને એને મુક્તપણે એની જિંદગી જીવવાની તક આપવી આવશ્યક છે. મને હંમેશાં મારો ભાઈ કહેતો કે તારી તો દુનિયા જ કંઈક અલગ છે. તું તારા જ ફેન્ટસી વર્લ્ડમાં જીવે. થોડા વર્ષો પહેલાં આ વાત મને નેગેટિવ લાગતી. મને થતું કે હું એલિયન છું, પણ જ્યારે બળવો કરીને પણ એ સ્વપ્નો જોવાના ચાલુ રાખ્યા તો મારી એ સ્વપ્નોની દુનિયાએ મને વાસ્તવિકતાની રાહ દેખાડી.

થેરાપિસ્ટ એક સમય પછી પ્રેરણા બને છે. એ જ રીતે કોઈ પણ સંબંધ એક સમય પછી નવી વ્યાખ્યા માગે છે અને એ જ રીતે એ સંબંધ જે-તે વ્યક્તિની તાકાત બને છે. આપણા કમ્ફર્ટ ઝોનને પ્રેમનું નામ આપી દઈને ઘણીવાર એ વ્યક્તિ, પરિસ્થિતિ કે સમયનું મૂળ સત્ત્વ આપણે સમય જતાં ખોઈ દઈએ છીએ અને અંતે એ કમ્ફર્ટ ઝોન જ દુનિયાની સૌથી અનકમ્ફર્ટેબલ જગ્યા બની જાય છે.

ફૂટનોટ: નો ઓફેન્સ ટુ એની પેરન્ટ ઓર પેરન્ટહૂડ!

No comments:

Post a Comment