Sunday, July 1, 2018

ગેટ વેલ સુન મામુ!!


(તસવીર- ગૂગલના માધ્યમથી)

‘યે દો બાપ લોગ કી સ્ટોરી હૈ-આપ કે ઔર મેરે બાપ કી. આપ મેરે જેસે નહીં, પર મેરે બાપ જૈસા બનના ” જ્યારે મૂવિના ક્લાઈમેક્સમાં આ વાત રજૂ કરવામાં આવે ત્યારે એક વાત સ્પષ્ટ છે કે રાજુ હિરાણીએ સંજય દત્તને ફિલ્મસ્ટાર સંજય દત્ત કરતાં એક પુત્ર અથવા તો કોમન મેન સંજય દત્ત તરીકે રજૂ કર્યો છે. જો કે, એ વાત અલગ છે કે જીવનના અલગ-અલગ તબક્કે એને ટ્રીટમેન્ટ કદાચ કોમન મેન તરીકે ન પણ મળી હોય, પણ એ એક અલગ મુદ્દો છે.

શું ફિલ્મ સંજય દત્ત તરફી છે? એના તરફ સિમ્પથી રાખી એની તરફેણ કરવામાં આવી છે? કદાચ હા અને કદાચ ના. એક એક્ટર તરીકે મને કદી સંજય દત્ત માટે “વાઉ” ફીલિંગ નથી આવી અને આ ફિલ્મ જોયા બાદ હવે હું એની ડાયહાર્ડ ફેન બની ગઈ એવું પણ નથી. સાથે-સાથે એક વ્યક્તિ તરીકે મને એના માટે માન થયું છે એવું તો બિલકુલ નથી. પણ આખી ફિલ્મ જોઈને મને એક વાત ચોક્કસ ધ્યાનમાં આવી- આપણા સમાજની એક વ્યક્તિ પ્રત્યેની અપેક્ષા કેટલી હદ સુધી એની તકદીર ઘડી કે બગાડી શકે!

શું ફિલ્મમાં એના દરેક ગુના પાછળ બીજાને જવાબદાર બતાવી છે? ઈન અ વે, હા. સો ટકા સાચી વાત પણ આ વાત જગજાહેર છે કે રાજુ હિરાણી અને અભિજાત જોશીએ સંજય દત્ત સાથે કલાકો વિતાવી એના તરફની સ્ટોરી રજૂ કરી છે. હા, ફિલ્મની ઓથેન્ટિસીટિ માટે ફેક્ટ્સ ક્રોસચેક જરૂર કર્યા છે, પણ વાત સંજયના માધ્યમથી કહેવાય છે એટલે એ તો માનવસહજ સ્વભાવની ખામી છે અથવા તો એમ કહીએ કે આ બાબતે હજુ સંજય દત્તે પુખ્ત થવાનું બાકી છે. 

એની વે, મારે તો વાત એ કરવી છે, જેનો ફિલ્મના કોઈ પણ રિવ્યુમાં કદાચ ઉલ્લેખસુદ્ધા નથી કરાયો. ફિલ્મમાં પિતા-પુત્રના અમુક દૃશ્યો અદભુત રીતે લખાયા છે. એમાં વાત છે એક પિતાની એના દીકરાના જીવન પરના અજીબ કંટ્રોલની અને સાથે, એક દીકરાની એના માતા-પિતાની ઈજ્જત ટકાવી રાખવાની અને સતત પોતાની જાતને પુરવાર કરવાની હોડથી થતા પતનની. આ સાથે એક પિતા અને પુત્રના સંબંધમાં આવતાં હેલ્થી ગ્રોથની.

સંજય દત્ત કદાચ પહેલેથી જ એના માતા-પિતાના શેડોમાં એટલો દબાયો કે પોતાની આઈડેન્ટિટી એ પોતે જ ઓળખી કે બનાવી ના શક્યો. ઓફકોર્સ, મને સાચી કે આખી સ્ટોરીની ખબર નથી, પણ ફિલ્મના દૃશ્યો પરથી આ વાત મને સતત દેખાઈ. સંજય દત્ત પાસે એકે-56 હતી કે નહીં, એ આતંકવાદી છે કે નહીં, એને ખરેખર બ્લાસ્ટ વિશે ખબર હતી કે નહીં, એ એક આખી અલગ વાત છે. આ બધી વાતોમાં મૂળ ડિસ્કશન આપણે ભૂલીએ છીએ. જો કે, એમાં કંઈ નવું નથી. આપણે હંમેશાં મુદ્દાની વાત પરથી ગલી કાઢવાનું એસ્કેપિઝમમાં શીખતાં આવ્યા છીએ. ફિલ્મ આ મુદ્દા પર બની જ નથી. એ રીતે જોવા જઈએ તો મને ઘણાં મુદ્દા ખૂંચ્યા- જેમ કે ગુજરાતીની એક ટિપિકલ અને તદ્દન સ્ટિરિયોટાઈપ છબી- પણ એ મુદ્દો આ વાર્તામાં પકડીને બીજી મહત્ત્વની વાતોને અવગણવાનો કોઈ મતલબ નથી. 


(તસવીર- ગૂગલના માધ્યમથી)
મને તો આખી ફિલ્મમાં રાજુ હિરાણીનો એક જ પ્રયાસ દેખાયો- આજના પેરેન્ટ્સને અને જનરેશનને જીવનમાં ખરેખર મહત્ત્વ શેનું છે એ સમજાવવાનો. જે ક્ષણે સુનીલ દત્તે સંજય દત્તની કારકિર્દી કે જીવનને “ઘડવાનું” બંધ કર્યું, એ દિવસથી સંજય દત્ત પિતાની વાતો માટે વધારે રિસિપ્ટિવ બન્યો બીજી બાજુ, સંજય દત્તની ભૂલો અસ્વીકાર્ય છે જ. એક બાપને આપી શકે એવા બધા જ દુખ એણે આપ્યા છે અને મને સંજય દત્ત માટે કોઈ સિમ્પથી પણ નથી- પણ એક માણસ તરીકે આ સ્વીકારવું અને દુનિયાની સામે રજૂ કરવું એ એક હિંમતનું કામ છે. આમાં એનો જ તો ફાયદો છે- એમાં શું. આવી દલીલ માટે ખાલી એટલું કહેવાનું કે એણે પોતાની સ્ટોરી રજૂ કરી- એમાં એવું નથી કીધું કે એને માફ કરો કે એને પૂજો. આપણા નિર્ણયો કે આપણું અર્થઘટન આપણી માનસિકતા પર આધારિત છે. માથા પર બંદૂક મૂકીને સંજય દત્તે કોઈને પોતાને હીરો ગણવાનું નથી કહ્યું.

બીજી વાત એવી પણ સંભળાય છે કે મીડિયાએ સંજય દત્તને ખરાબ ચીતર્યો એવું બતાવ્યું છે. મને ખરેખર દયા ત્યારે આવે જ્યારે મેટાફોરિકલ વાતોને આપણે લિટરલ લઈને એની પર એક આખો આર્ટિકલ ઠોકી દઈએ. હા, એકદમ એક્સાજરેટ કર્યું છે મીડિયા કવરેજને. પણ ભાઈ, એ પાછળનો હેતુ એ બતાવવાનો છે કે મીડિયા પાસે એટલી તાકાત છે કે એ કોઈનું પણ કેરેક્ટર ઘડી શકે છે. એ પાછળનો હેતુ એ પણ કે સતત પાપારાઝીથી ઘેરાયેલા બોલિવુડના કલાકારોના અંગત સંબંધો પર પણ મીડિયા જાણ્યે-અજણ્યે અસર કરતી હોય છે. બીજું કે, આ ફિલ્મ છે, ડોક્યુમેન્ટરી નથી. એક સવાલ મીડિયા પીપલ તરીકે દરેકે પૂછવો જોઈએ કે કેટલી હદે આપણે કોઈની પર્સનલ લાઈફમાં દખલગીરી કરવી જોઈએ. રણબીર આલિયાને ડેટ કરે છે કે વન નાઈટ સ્ટેન્ડ. હુ કેર્સ!! પોતાના ન્યુઝપેપરને કે વેબસાઈટને વધુ લોકો સુધી પહોંચાડવા મીડિયા આ કોન્સિયસ ચોઈસ કરે છે અને જ્યારે સામેથી ચાબખા મળે ત્યારે ઓફેન્ડ થાય છે. આર્ગ્યુમેન્ટમાં એવું કહેવાય કે લોકો જ એવું પસંદ કરે છે.  સીરિયસલી, આપણા દેશની હિપોક્રસીનો કોઈ અંત જ નથી.


પ્રામાણિકતા અને હ્યુમાનિટી આપણામાંથી ઘટતા જાય છે એ વાત પાક્કી ને એમાંય આપણી ડિનાયલ વૃત્તિ કદી સુધારો લાવી શકવાની નથી. જે માણસે પીકે, થ્રી ઈડિયટ્સ, લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મો આપી એને બેનિફિટ ઓફ ડાઉટ આપીને પણ ક્રિટિકના ચશ્મા દૂર કરી ફિલ્મ જોશો તો આજના સમાજમાં સુધારવા લાયકના ઘણા મુદ્દા જડશે. બાકી, એકતરફી, એન્ટિ-મીડિયા અને સિમ્પથાઈઝ્ડ/બાયઝ્ડ વર્ણન જ દેખાશે અને મને ખરેખર એવા લોકો માટે સિમ્પથી છે. એવા લોકોને ખાલી એટલું જ કહેવાનું મન થાય- ગેટ વેલ સુન મામુ!!

No comments:

Post a Comment