Friday, September 21, 2018

લાઈફ ઈન અ મેટ્રો_#3


Waihola Lake, Otago, New Zealand (shot was taken by me)
થોડા દિવસો પહેલા એક કિસ્સો વાંચ્યો, જેમાં એક પિતામહાશય છાતી ઠોકીને એમ કહે છે કે, મારા માટે સમાજમાં મારી ઈજ્જત મારી દીકરી કરતાં વધુ વહાલી છે. હવે આ માત્ર કહેવા સુધીની વાત હોત તો ઠીક, પણ મહાશયે કોન્ટ્રાક્ટ કિલરની મદદથી પોતાની દીકરીના પતિની હત્યા કરાવી. આનાથીય વધુ દુખદ વાત તો એ કે, દીકરીને પાંચ મહિનાનો ગર્ભ છે અને એની સામે જ એના પતિની હત્યા કરવામાં આવી હતી. કેમ? છોકરો નીચી જાતિનો હતો. 


આ લખતાં જેટલો ગુસ્સો અને નફરત આ વિચારસરણી પ્રત્યે આવે છે એનાથી વધુ ગુસ્સો બુદ્ધિથી પાંગળા લોકોની સંખ્યા જોઈને આવે છે. આપણે કઈ સદીમાં જીવીએ છીએ? આ માણસ કયા સમાજ અને જાતિની વાત કરે છે? એની જાતિ કઈ રીતે ઊંચી છે? અને કઈ રીતે એનંુ સમાજમાં માન છે? એક માણસની હત્યા કરાવવાથી એની સમાજમાં ઈજજ્તને હાનિ નહીં પહોંચી પણ એની દીકરી કોઈ અન્ય જાતિના યુવક સાથે પરણી એટલે એની ઈજ્જત પાણીમાં ગઈ? ખરેખર,  બુદ્ધિથી પાંગળા માણસો હજીય આપણા દેશને ડોમિનેટ કરે છે એ મારા માનવામાં નથી આવતું.
હું લગભગ દોઢ વર્ષ મુંબઈમાં રહી. બધી જ માન્યતા અને સમાજથી દૂર, મારી એક દુનિયા બનાવવા. એમાં મને ધરાર નિષ્ફળતા મળી. ન એ શહેરે મને અપનાવી, ના મેં એ શહેરને. મારી નિષ્ફળતા મારા દેખાવ અને શરીર પર વર્તાવા લાગી અને એ જ અરસામાં ન્યુઝીલેન્ડ વિશે જાણ્યું. મારી મહેનત અને અનુભવ કામ લાગ્યો અને અહીંની યુનિવર્સિટીમાં દાખલો મેળવ્યો. એવું નથી કે ન્યુઝીલેન્ડ નામનું સોનેરી ઈંડું મળ્યું અને મેં જિંદગીમાં સફળતાના શિખરો સર કર્યા. અહીં પણ ઘણી નિષ્ફળતા મળી. ૨૦૧૬થી ૨૦૧૮માં એવા તો કેટલાય અનુભવો થયા છે, જેમાં દરિયાના મોજાની જેમ હું ફંગોળાઈ છું. કેટલાય પથ્થરો પર પછડાય પણ છું. આ નિષ્ફળતાએ મને થકવી નથી કે નથી નિરાશ કરી. એનાથી તદ્દન વિરૂદ્ધ- મને પાંખો આપી છે. નવું-નવું વિચારવા, આગળ વધવા અને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત આપી છે. 

                     Devenport, New Zealand                   PC- SP
જ્યારે હું મુંબઈ અને ઓકલેન્ડના મારા સમયને સરખાવું છું તો એક જ વાત આંખે ઊડીને વળગે છે- positive surrounding. આપણે ત્યાં હકારાત્મકતાની વાતો ભલે છાશવારે થતી હોય પણ પંચાત, જજમેન્ટ્સ, સતત કંઈક મેળવવા કે પામવાની દોડ થકવી નાંખે છે. એક પ્રેશર લઈને રોજ સવારે માણસ ઊઠે છે અને એક પ્રેશર સાથે જ બેડમાં પડતું પણ મૂકે છે. આજે આમ થયું ને આમ સાંભળવા મળ્યું. સમાજમાં રહીએ એટલે આવું કરવું પડશે અથવા તો સમાજમાં રહેવું હોય તો આ રીત ફોલો કરવી પડે... આવું રોજેરોજ સાંભળવા મળે છે. હું સ્વભાવે લાગણીશીલ છું અને ભલે ઘણી વાતોમાં સમાજની દરકાર ન કરતી હોઉં પણ લોકોના મારા વિશેના અભિપ્રાયો મને અસર કરે છે અને એ જ અસરથી હું અહીં મુક્ત છું. અહીં દરેકની પોતાની લાઈફ છે અને એને કઈ રીતે જીવવી એ એના હાથમાં છે. બધાને બધાની લાઈફમાં રસ છે, પણ કોઈની દખલગીરી નથી. પંચાત છે, પણ જજમેન્ટ નથી. અહીં સંબંધો કે કારકિર્દી પર લેબલ નથી મારવામાં આવતા.

સાચું પૂછો તો મને ખરેખર એવું થાય કે આપણે ત્યાં નકામી વાતોમાં લોકો કેટલો ટાઈમપાસ કરે. મને ફોન પર કલાકો વાત કરવાની આદત નથી અને મોટા ભાગે હું ફોન કરવાનું કે ઉચકવાનું અવોઈડ કરતી હોઉં છું. કારણ કે, જે મારા મિત્રો અને ખરા અર્થમાં હિતેચ્છુ છે એ લોકો સાથે મારી એક યા બીજી રીતે વાત થઈ જતી હોય છે. બાકી જે રહ્યા એને મારી ચિંતા કરતા પંચાત વધુ હોય છે અને ખાસ તો પોતાની લાઈફમાં એક્સાઈટમેન્ટની ખોટ આ રીતે પૂરી કરતા હોય છે! મને તો એવા નમૂના પણ મળ્યા છે જેણે પંચાત કરવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે એની વાત ફરી ક્્યારેક.

મારું માનવું છે કે જે સમાજ મૂળભૂત માનવીય હકો કે ઈચ્છાની કદર ના કરતો હોય અથવા એનાથી આગળ વધીને, માણસની જ કદર ના કરતો હોય એ સમાજમાં કંઈક તો ખામી છે. હવે એ આપણી પર રહ્યું કે એ સમાજનો ભાગ બનવો કે સમાજની સામા થવું. અોકલેન્ડમાં રહ્યા બાદ મને એક વાત તો દરેક ક્ષણે સમજાઈ છે, હું નથી ભારતીય કે નથી કિવિ. હું અન્ય સજીવોની જેમ એક સજીવ છું, જે માણસની કેટેગરીમાં આવે છે અને માનવતામાં વિશ્વાસ રાખે છે.

આડ વાત:

મારી ઓફિસમાં આ ઓનર કિલિંગના કિસ્સાની વાત થઈ. મારી કલિગ બ્રિટિશ છે. આખી વાત સાંભળ્યા પછી બે મિનિટ સુધી એ કશું ના બોલી અને પછી અચાનક જ મને એક સવાલ કર્યો, જેનો મારી પાસે જવાબ નહોતો.

“You mean, that girl’s father technically became a killer to save his reputation in the society and that is more acceptable than marrying someone who you love?”

No comments:

Post a Comment