Monday, August 26, 2013

રુક્મિણીનો કૃષ્ણને એક પત્ર




'કૃષ્ણ'- આ નામ વાંચતા જમાથે મોરપંખ અને હાથમાં વાંસળીધરાવતો એક શ્યામવર્ણી દેહ અવતાર આંખ સમક્ષ તરવરી ઉઠે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે વ્યક્તિ લક્ષ્મી, શક્તિ, કીર્તિ, સૌંદર્ય, શાણપણ અને ત્યાગ જેવા આ છ ગુણ ધરાવતો હોય તે પુરૂષ બધી જ રીતે આકર્ષક હોય છે અને આ પ્રકારનો પુરૂષ દુર્લભહોય છે, પરંતુ કૃષ્ણએ જીવેલા તેમના માનવ અવતારમાં તેમણે આ તમામ ગુણોની ઝાંખી આપણને કરાવી હતી અને તેથી જ તેમને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે, સર્વં પ્રવર્તતે, ઈતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતાઃ એટલે કે "હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ પ્રવર્તે છે, એમ સમજી બુદ્ધિમાન મનુષ્યો ભાવપૂર્વક મને ભજે છે." પરંતુ આ કહેતી વેળાએ કૃષ્ણને પણ કદાચ કલ્પના ન હશે કે આજના આ મનુષ્યોએ પોતાના જ અલગ કૃષ્ણની સ્થાપના કરી છે અને કૃષ્ણની લીલાને કોઈ નવી જ વ્યાખ્યા આપી છે! કૃષ્ણના વિવિધ કિસ્સાઓ જગપ્રસિદ્ધ છે, પણ આજે એવા એક પત્રની વાત કરવી છે, જે આજની સ્ત્રીઓને સાંકળતા એક જ્વલંત પ્રશ્નને વાચા આપે છે. એમ તો ભગવાન કૃષ્ણના જીવનમાં માતા સ્વરૂપે દેવકી અને યશોદા, મિત્ર તરીકે દ્રૌપદી, પત્ની રુક્મિણી અને પ્રિયતમ તરીકે રાધા તથા અસંખ્ય ગોપીઓ એમ અનેક સ્ત્રીઓ ખૂબ ખાસ રહી છે, પરંતુ રુક્મિણી અને કૃષ્ણના લગ્ન વિશેની વાત અત્યંત રસપ્રદ છે.

વિદર્ભના રાજા ભીષ્મક ખૂબ જ શક્તિશાળી અને શ્રદ્ધાળુ હતા. તેમને પાંચ પુત્ર, રુક્મી, રુકમરથ, રુક્મબાહુ, રુક્મકેશ અને રુક્મમાલી અને એક માત્ર પુત્રી રુક્મિણી હતી. રુક્મિણી અત્યંત સુંદર અને બુદ્ધિમાન હતી. એનું સૌંદર્ય કોઈને પણ મોહી જાય એટલું આકર્ષક હતું. નારદમુનિ અને અન્ય સંતોનું ભીષ્મક રાજાના મહેલમાં આવાનું રહેતું અને એ રીતે રુક્મિણી સતત કૃષ્ણ વિશે માહિતી મેળવતી રહેતી. કૃષ્ણની માત્ર વાતો સાંભળીને જ રુક્મિણીને કૃષ્ણની પત્ની બનવાની અભિલાષા થઇ. કૃષ્ણ પણ રુક્મિણીના દેખાવ, ચરિત્ર, પવિત્રતા અને બુદ્ધિમત્તાથી અજાણ ન હતા. રાજા ભીષ્મકના કુટુંબમાં રુક્મિણીને કૃષ્ણ સાથે પરણાવવાની વાતો શરૂ થઇ. રુક્મિણીના બધા જ ભાઈઓ પૈકી એક માત્ર જયેષ્ઠ ભાઈ રુક્મીએ આ વિવાહ સામે વિરોધ દર્શાવ્યો અને રુક્મિણીના લગ્ન કૃષ્ણના કટ્ટર શત્રુ શિશુપાલ સાથે ગોઠવ્યા. રુક્મિણી શરૂઆતમાં ખૂબ ઉદાસ રહી, પરંતુ તે રાજપુત્રી હોવાથી રાજનીતિ જાણતી હતી. ખૂબ વિચારને અંતે તેણે કૃષ્ણને એક સંદેશો મોકલવાનું નક્કી કર્યું. રુક્મિણીએ એ પત્ર એક બ્રાહ્મણ સાથે મોકલ્યો, જેમાં તેમણે કૃષ્ણને પોતાનું જ હરણ કરવા જણાવ્યું હતુઃ

‘‘મારા વહાલા કૃષ્ણ! ઓ અચ્યુત સર્વશ્રેષ્ઠ સુંદર, જે કોઈ મનુષ્ય આપના દિવ્ય સ્વરૂપ અને લીલા ચરિત્રોનું પોતાના કાનથી શ્રવણ કરે છે એ તરત જ આપના નામ, કીર્તિ અને ગુણમાં લીન બને છે. આમ એનાં સર્વ ભૌતિક દુઃખો વિરમી જાય છે અને પોતાના હૃદયમાં આપનું સ્વરૂપ પધરાવે છે. આપના વિશેના આવા દિવ્ય સ્નેહથી, તે અંતઃકરણમાં હંમેશા આપનું દર્શન કરે છે અને આ રીતે તેની સર્વકામનાઓ પૂરી થાય છે. તે જ પ્રમાણે મેં આપના દિવ્ય ગુણો વિશે સાંભળ્યું છે. મારા વિચારો આમ સીધેસીધા પ્રગટ કરવામાં સંભવ છે, કે હું નિર્લજ્જ ભાસું, પરંતુ આપે મને પરવશ કરીને મારા હૃદયને હરી લીધું છે. સંભવ છે કે આપને શંકા જાય કે હું અપરિણીત યુવાનકન્યા છું, તેથી આને મારામાં શિથિલ ચારિત્રની શંકા જાગે; પરંતુ મારા વહાલા મુકુન્દ, આપ સર્વશ્રેષ્ઠ નરસિંહ અને પુરુષોત્તમ છો. જેણે પોતાના ઘર બહાર પગ મૂક્યો નથી એવી કોઈ પણ કન્યા અથવા શ્રેષ્ઠ સતીત્વવાળી સ્ત્રી પર આપના અપ્રતિમ ચારિત્ર્ય, જ્ઞાન, સમૃદ્ધિ, અને સ્થિતિને અનુલક્ષીને આપને વરવાની ઈચ્છા દર્શાવે. હું જાણું છું કે આપ લક્ષ્મીજીના સ્વામી છો અને આપ ભક્તો પ્રત્યે અત્યંત કૃપાળુ છો; એટલે મેં આપની સનાતન દાસી થવાનો નિર્ણય કર્યો છે. મેં આપને મારા મન થી વરેલા પતિ તરીકે સ્વીકાર્યો છે, એટલે હું આપને વિનંતી કરું છું કે આપ મને આપની પત્ની તરીકે સ્વીકારો. હે કમળનયન! આપ સર્વોચ્ચ શક્તિમાન છો. હવે હું આપની છું. જો સિંહ માટેની ભોગ્ય વસ્તુને શિયાળ ઉપાડી જતું હોય, તો તે હાસ્યાસ્પદ વસ્તુ કહેવાય. એટલે શિશુપાલ અને એના જેવા બીજા મારી સંભાળ લો. મારા વ્હાલા પ્રભુ, મેં મારા આગલા જન્મમાં કૂવા ખોદાવવા અથવા વૃક્ષો ઉગાડવા જેવાં ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક ગુરુ દેવની સેવા અને ક્રિયાકાંડાત્મક વિધિઓ અને યજ્ઞો ઊજવવા જેવાં પવિત્ર કાર્યો કર્યાં હશે. આવી પ્રવૃત્તિઓથી કદાચ મેં પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કર્યાં હશે. આમ હોય તો, બલરામ પ્રભુના બંધુ એવા ભગવાન શ્રી કૃષ્ણ! કૃપા કરી અહીં આવો અને મારું પાણિગ્રહણ કરો, જેથી શિશુપાલ અને તેના સાગરિતો મારો સ્પર્શ ન કરે.’’
 ('કૃષ્ણ- પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર' પુસ્તકમાંથી પ્રસ્તુત પત્ર લેવામાં આવ્યો છે.)

પત્ર વાંચીને એક વિચાર જરૂર થઇ આવે કે સતયુગ કહેવાતા એ સમયમાં પણ એક સ્ત્રી કે જે ઘણી પૂજ્ય છે એ પોતાના પ્રિયતમને પામવા પોતાના જ હરણની યોજના બનાવે અને એમાં સફળ પણ થાય, તો શું આજની સ્ત્રીઓને આ સ્વતંત્રતાનો હક નથી? હા, આજે જમાનો આધુનિક થયો છે. લવ મેરેજની સંખ્યા અરેન્જડ મેરેજની સરખામણીમાં ઘણી વધી છે, પરંતુ હજીય એવા કેટલાક શહેરો અને વિસ્તારો છે, જ્યાં એક જ ગોત્ર અને એક જ ગામના યુવાનો એકબીજા સાથે પ્રેમ સંબંધ બાંધી શકતા નથી. જો આજની સ્ત્રીઓ સ્વતંત્ર બની છે તો શા માટે રોજ જ પ્રાઈમ ટાઈમના ન્યુઝમાં એકાદ સ્ત્રી ઓનર કિલિંગનો ભોગ બનેલી જોવા મળતી હોય છે? આપણા દેશમાં ધર્મનું માન ખૂબ જ છે. લોકોમાં શ્રદ્ધાનું પ્રમાણ ઊંચું છે, પરંતુ જ્યારે કોઈ તટસ્થ વ્યક્તિ ધર્મનો સાચો અર્થ સમજાવવા પ્રયત્નો કરે છે ત્યારે તેને કેમ નાસ્તિક માનવામાં આવા છે? જન્માષ્ટમીના આ અવસર પર જ્યારે કૃષ્ણ આખા દેશમાં પૂજાય છે ત્યારે શું આ ધર્મના ગુરુઓ એમના જીવન ચરિત્રને મૂળ સ્વરૂપે રજૂ કરતા હોય છે? કૃષ્ણએ પણ રુક્મિણીનાપ્રસ્તાવને સ્વીકારી, એમનું વાસ્તવમાં હરણ કર્યું હતું. તો શું આજના સમયમાં સ્ત્રીઓ પોતાના પ્રિયતમને પામવા જેટલી પણ સ્વતંત્ર નથી? અહીં કોઈ નારીશક્તિની વાત નથી, અહીં વાત છે માનવતાવાદની!શા માટે જાતિ, ધર્મ અને ગોત્રની આડમાં તેનો ભોગ લેવાતો રહે છે?

હાલમાં જ પંજાબના પટિયાલા શહેરમાં ૧૫ વર્ષની એક યુવતીને તેના જ માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી હતી. 'સન્માન' જાળવવાના નામે આવી અનેક હત્યાઓ થતી રહે છે અને તેને વ્યાજબી ગણી આ પ્રથાને ઘણા લોકો વર્ષોથી જીવી રહ્યા છે. આ સમયે પ્રશ્ન થાય કે ઓનર કિલિંગના નામે થતી આવી હત્યાઓ રોકવા શું કરવું જોઈએ? પહેલું તો લોકોની માનસિકતા સુધારવાનું ભગીરથ કાર્ય હાથે લેવું જોઈએ. માણસની પ્રકૃતિ બદલવી અઘરી છે, પણ સતત તેના પર આ દૂષણ માટે પ્રહાર કરવામાં આવે તો એની માનસિકતાને પણ બદલી શકાય છે. આજના માતા-પિતાએ તેમના બાળકોને પોતાના જીવનસાથી માટે પસંદગીની છૂટ આપવી જોઈએ. માતા-પિતાની દખલગીરી ક્યારેક જો બાળકના જીવનને ખોટા વળાંકોથી બચાવતી હોય છે, તો ક્યારેક અજાણતા જ ખોટો વળાંક પણ આપી દેતી હોય છે. પોતાના સંતાનના નિર્ણય અને પસંદગી પર વિશ્વાસ મૂકી, એની જિંદગીના નિર્ણયો માત્ર એને જ લેવા દેવા જોઈએ. ઘણીવાર માતા-પિતાની જીદથી થયેલા લગ્નજીવનની ભયાનકતાથી ત્રાસી જઈ આત્મહત્યાના કિસ્સાઓ પણ બનતા હોય છે. જીવનમાં લાગણીશીલ બનવું જરૂરી છે, પરંતુ વધુ પડતું લાગણીશીલ બનવું અત્યંત હાનિકારક છે. ઓનર કિલિંગ અટકાવવા માટે બીજો મુદ્દો કાયદાઓને વધુ કડક બનાવવાનો છે. સન્માનના નામે થતી હત્યાઓ કોઈ પણ રીતે વાજબી ઠેરવી જ ન શકાય. ઘણીવાર પ્રશ્ન થાય કે અત્યંત ધાર્મિક ગણાતા આપણા દેશમાં આ પ્રમાણે થતી હત્યાને યોગ્ય કઈ રીતે મુલવવામાં આવે છે?રુક્મિણીનો કિસ્સો દ્વાપર યુગનો છે, જ્યારે આજે કળિયુગ છે એવી દલીલ કરી શકે. હા, એ જમાનો, યુગ, સમય અને સંજોગો જરૂર અલગ હતા, પરંતુ માનવીય મૂલ્યો સનાતન હોય છે એ ભૂલવું ન જોઈએ. આજે ૨૧મી સદીમાં સ્ત્રીઓ ઘણાબધા ક્ષેત્રોમાં પુરૂષો સાથે ખભેખભા મિલાવીને  કામ કરે છે, તો જીવનસાથીની પસંદગીમાં તેને પણ પુરૂષોની જેમ સ્વતંત્રતા મળે તેવી અપેક્ષા સહેજ પણ અનુચિત નથી.

૨7મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

2 comments: