Monday, April 7, 2014

ભારતીય સંસદમાં મહિલાઓનું પ્રમાણ ઓછું કેમ છે?



ભારતમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે માત્ર આપણા દેશમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણી ઉત્સુકતા ઝીલાય રહી છે. એક પાર્ટીના વર્ષો સુધીના શાસન સામે પરિવર્તનનો નવો દોર શરૂ કરવાનો બીજી પાર્ટીનો દાવો હોય કે પછી પ્રામાણિકતા અને ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી સામાન્ય ભારતીયની જેમ લડવાની હિંમત દાખવનાર નવીસવી કોઈ પાર્ટી હોય, રોજેરોજ નિવેદનો અને મસાલેદાર સમાચારોથી દેશમાં ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે. ટેલિવિઝનની જાહેરખબરોમાં પણ હવે આ ચૂંટણીએ પોતાનો દબદબો જમાવ્યો છે. હાલમાં જ એક પાર્ટીએ તેના વડાપ્રધાનના ઉમેદવારનો પ્રચાર કરતી જાહેરાતો ટીવી પર વહેતી કરી છે, જે પૈકી કેટલીક જાહેરાતોમાં એક સ્ત્રી મોંઘવારી તથા દેશમાં સ્ત્રીઓ માટે વધતી જતી ભયજનક સ્થિતિનું ગંભીર ચહેરે વર્ણન કરે છે અને આ પરિસ્થિતિ બદલવા પોતાના ઉમેદવારને મત આપવા જનતાને અપીલ કરે છે. સામાન્ય ગણાતી આ વાત પાછળ વિચારવા જેવો મુદ્દો એ છે કે જે ચૂંટણીના પ્રચાર માટે સ્ત્રીઓને આગળ કરવામાં આવી રહી છે, તે ચૂંટણીનો સ્ત્રીઓ દેખીતી રીતે કેટલો મહત્ત્વનો હિસ્સો છે?

આખા વિશ્વના રાજકારણમાં મહિલાઓ હવે પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવી રહી છે અને એ સાથે જ મહત્ત્વના હોદ્દાઓ પર પણ તેઓ સ્થાન લઈ રહી છે. જ્યારે ભારતના રાજકીય ઈતિહાસ તરફ નજર કરીએ તો છેલ્લા છ દાયકામાં વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દા પર એકમાત્ર મહિલાએ નારીઓનું નેતૃત્વ કર્યું હતું અને આ સિવાય અન્ય ઉચ્ચ પદો પર પણ મહિલાઓને સ્થાન મળ્યું હોય તેવા આંકડા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે.આ પાછળનું મુખ્ય એક કારણ એ છે કે દેશની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે મહિલાઓને ટિકિટ આપવામાં દેશની પાર્ટીઓએ હંમેશાં મહિલાઓની અવગણના કરી છે. 

વર્ષ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના આંકડાઓ તરફ નજર કરીએ તો રાજકીય પક્ષોએ માત્ર ૩૪૯ જેટલી મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જ્યારે વર્ષ ૨૦૦૪માં તો આ આંક માત્ર ૨૩૮ જ રહ્યો હતો. વર્ષ ૨૦૧૪ની એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાનીચૂંટણીમાં પણ જ્યારે પ્રત્યેક પક્ષ તેમના ઉમેદવારોની એક પછી એક જાહેરાત કરી રહ્યા છે, ત્યારે ટિકિટના વિતરણ માટેની નિશ્ચિત પેટર્નને કારણે કોઈ પણ પાર્ટીમાં ટિકિટ મેળવનાર મહિલાની સંખ્યા સન્માનજનક નથી. લોકસભાની આ વર્ષની ચૂંટણીમાં કુલ સીટમાંથી માત્ર ૧૧.૪ ટકા જેટલી જ સીટ મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્યસભામાં પણ મહિલાઓ માટે ૧૧.૪ ટકા સીટ જ રાખવામાં આવી હતી. 

ભારતના મુસ્લિમ પાડોશી દેશો જેવા કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશને સમગ્ર વિશ્વમાંસામાન્ય રીતે લોકશાહીનું ઘણા ઓછા અંશે પાલન કરનારા દેશો તરીકે ઓળખવામાં આવે છે, પણ ઈન્ટરપાર્લામેન્ટરી યુનિયન(આઈપીયુ)ના એક સરવે પ્રમાણે સંસદના કુલ સભ્યો પૈકી અફઘાનિસ્તાનમાં ૨૮ ટકા, પાકિસ્તાનમાં ૨૧ ટકા તથા બાંગ્લાદેશમાં ૨૦ ટકા, મહિલા સાંસદ માટે અનામત રાખવામાં આવે છે. આમ મહિલાઓ માટે તદ્દન રૂઢિચુસ્ત ગણાતા એવા આ દેશોમાં પણ ભારત કરતાં રાજકીય ક્ષેત્રે મહિલાઓની સ્થિતિ ઘણી સારી ગણાવી શકાય એમ છે! આ દેશોમાં મહિલાઓ માટેની આ રાજકીય વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ મહિલાઓ માટેની અનામત પદ્ધતિ છેઅને તેના કારણે જ રાજકીય ક્ષેત્રે આ દેશોમાં મહિલાઓની સંખ્યા ભારત કરતાં વધુ છે. ભારતની રાજકીય રમતમાં દરેક પક્ષના વગદાર અને શક્તિશાળી પુરુષના હાથમાં જ ટિકિટના વિતરણ માટેની સત્તા હોય છે. આથી મહિલાઓ ઉમેદવારી માટેની ટિકિટ મેળવવાની હરોળમાં હંમેશાં પાછળ જોવા મળે છે. અલબત્ત, જે થોડી ઘણી મહિલાઓ આ પરિસ્થિતિને પાર કરી આગળ વધી રહી છે, તે પૈકીની કેટલીક મહિલાઓ દેશની જાણીતી હસ્તી છે અથવા તો આર્થિક સદ્ધરતા તથા મજબૂત રાજકીય સાંઠગાંઠને કારણે ટિકિટ મેળવવામાં સફળ રહી છે. દાખલા તરીકે હેમામાલિની, સ્મ-તિ ઈરાની, જયાપ્રદા, નગ્મા જેવા હિરોઈનોને વિવિધ રાજકીય પક્ષોએ ટિકિટ આપી છે. તો અમુક પક્ષોએ તેઓના નેતાઓની પત્નીઓ કે પુત્રીઓને ઉમેદવાર બનાવી છે.

ઈન્ટરપાર્લામેન્ટરી યુનિયન અનુસાર ભારતની સંસદના કુલ ૭૯૦ સભ્યોમાં મહિલા સાંસદની સંખ્યા માત્ર ૯૦ જેટલી જ છે. આઈપીયુએ સંસદમાં મહિલાઓની હાજરીને ધ્યાનમાં રાખી ૧૮૮ જેટલા દેશોને વિવિધ ક્રમાંકો આપ્યા છે, જેમાં ભારતનું સ્થાન ૧૦૮મા ક્રમે છે! સ્ત્રીઓ માટેના રૂઢિચુસ્ત સમાજમાં મહિલાઓની ‘આશાસ્પદ’ સ્થિતિ જોઈને પહેલો પ્રશ્ન એ થઈ આવે કે ભારતમાં શા માટે મહિલા ઉમેદવારોની સંખ્યા ઓછી જોવા મળે છે?વાસ્તવમાં હકીકત એ છે કે ભારતના મોટા ભાગના પક્ષો મહિલાઓની ચૂંટણી જીતવાની શક્યતાને ઘણા અંશે નકારતા હોય છે. તેઓનું માનવું છે કે મહિલાઓ આ પ્રકારની ચૂંટણી જીતવા સક્ષમ હોતી નથી, પરંતુ છેલ્લી બે લોકસભાની ચૂંટણીના પરિણામો જોઈએ તો પુરુષો કરતાં મહિલાઓએ વધુ જીત મેળવી છે. આમ છતાં પાર્ટીઓ સ્ત્રીઓને ‘વોટ બેન્ક’ તરીકે જોઈ શકતી નથી. તેઓ માને છે કે મહિલા ઉમેદરવાર દેશની મહિલા મતદાતાઓને પણ પોતાના પક્ષ માટે મત આપવા પ્રેરણા આપી શકે એમ નથી. આથી જે તે મતવિસ્તારમાંથી મહિલા ઉમેદવાર બહોળા પ્રમાણમાં મત લાવી શકે એની કોઈ પાર્ટી નિશ્ચિત ધારણા કરી શકતું નથી અને તેથી જ મહિલાઓને સામાન્ય રીતે પક્ષો ટિકિટ આપવામાં બેદરકારી દાખવતા હોય છે. 

આ સાથે જ બીજો મહત્ત્વનો મુદ્દો મહિલા મતદાતાનો છે. આપણા સમાજમાં મહિલાઓને હંમેશાં પુરુષ પછીનું સ્થાન આપવામાં આવ્યું છે અને આવી સ્થિતિમાં હજી પણ ઘણા વિસ્તારો એવા છે, જ્યાં મહિલા સ્વતંત્ર રીતે મત આપી શકતી નથી. ઘરના મોભી કે પુરુષના નિર્ણયને આધારે જ તેનો મત પણ નક્કી થાય છે. આવી સ્થિતિમાં મહિલાના મતનું મૂલ્ય લગભગ નજીવું થઈ રહે છે. જો ચૂંટણી અંગે થતાં વિવિધ સરવે પર વિશ્વાસ કરીએ તો સ્ત્રીઓ ભાગ્યે જ ચૂંટણીમાં ‘અસરકારક’મતદાન કરતી હોય છે. કોઈ એક પાર્ટી માટે મહિલાઓની નિશ્ચિત માન્યતા કે પછી નિર્ણય ઘણા ઓછા અંશે જોવા મળે છે અનેઆ હકીકત એ પાર્ટીઓ માટે પણ એટલી જ સાચી છે, જેનું નેતૃત્વ જે તે પ્રદેશમાં એક મહિલા કરી રહી છે. જેમ કે તમિલનાડુમાં જયલલિતાહોય કે પછી પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અથવા તો ઉત્તરપ્રદેશમાંમાયાવતી હોય, આ તમામ મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મહિલા મતદાતાને આકર્ષવામાં ખાસ સફળતા મેળવી નથી. વર્ષ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં જયલલિતાની પાર્ટીએ અન્ય કેટલાક મિત્ર પક્ષો સાથે મળીને કુલ મતના ૩૭ ટકા મત મેળવ્યા હતા, જેમાંથી પુરુષોનામતની સંખ્યા અને સ્ત્રીઓના મતની સંખ્ચા અનુક્રમે ૩૭ અને ૩૮ ટકા હતી. ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં પણ મહિલા મતદાતાની સંખ્યા આ જ પ્રકારની હતી. 

અલબત્ત, સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવેલપિંગ સોસાયટીઝ(CSDS)ના એક સરવે પ્રમાણે હવે મહિલાઓની રાજકીય દૃષ્ટિ બદલાઈ રહી છે. તેઓ પણ કોઈ એક પાર્ટી માટે નિશ્ચિત મત કેળવતા થયા છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી, તમિલનાડુમાં જયલલિતા તથા ઉત્તરપ્રદેશમાં માયાવતી તરફ મહિલાઓનો ઝુકાવ વધ્યો છે. આ પ્રકારનું પરિવર્તન માત્ર આ જ રાજ્યોમાં નહીં, બીજા અનેક રાજ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. બિહારની વર્ષ ૨૦૧૦ની વિધાનસભાની ચૂંટણીમાં પુરુષ કરતાં ૩.૪ ટકા વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. જ્યારે ઉત્તરાખંડ, ગોવા અને હિમાચલ પ્રદેશમાં તો પુરુષ અને મહિલા મતદાતાઓની સંખ્યા વચ્ચેનો તફાવત ઘણો નોંધપાત્ર હતો. આ સિવાય કર્ણાટક, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, પોંડિચેરી તથા રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ મહિલા હવે મત આપવા માટે વધુ સક્રિય થઈ છે. 

દેશના જે-તે મતવિસ્તારમાં કુલ મતદાતાઓમાંથી ૫૦ ટકા કે તેથી થોડાક જ ઓછા પ્રમાણમાં મહિલા મતદાતાઓનીસંખ્યા હોય છે. એટલે કે પુરુષોની જેમ જ મહિલાઓના મતોનું મહત્ત્વ પણ ઘણું વધારે છે. આમ છતાં આજે જે પ્રમાણે યુવાનોને મત મેળવવા માટે ‘ટાર્ગેટ’ બનાવવામાં આવી રહ્યા છે તે જોઈને કહી શકાય કે આજે પણ મહિલાઓને વોટ બેન્ક તરીકે જોવામાં રાજકરણીઓએ દુર્લક્ષ સેવ્યું છે. મહિલા મતદાતાઓને સંખ્યાની દૃષ્ટિએ જોવા જઈએ તો પ્રત્યેક મત વિસ્તારમાં મત આપનાર યુવાનો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે અને આખરે આજની મહિલા હવે રાજકીય સ્તરે પણ પોતાનો વ્યકિતગત મત કેળવવા સક્ષમ બની છે ત્યારે તેનો મત દરેક પક્ષ માટે ઘણો મહત્ત્વનો પુરવાર થઈ શકે એમ છે. આથી મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાના મુદ્દે વર્તાઈ રહેલી બેદરકારી તથા પ્રચાર અર્થે પણ તેમને અપાઈ રહેલા ઓછા મહત્ત્વ માટે કંઈક અંશે આપણા દેશની પુરુષપ્રધાનતાને જ જવાબદાર ગણાવી શકાય. અલબત્ત, આ સાથે એક વાત મહિલાઓએ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે રાજકીય મત કેળવવા માટે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને રોજબરોજના સમાચારોનું ફોલો અપ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેના આધારે જ આ સમગ્ર રાજકીય રમતને સમજી શકાય છે અને મત આપવા માટે એક નિશ્ચિત અભિગમ કેળવી શકાય છે.

8 એપ્રિલ, ૨૦૧૪ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment