Sunday, February 17, 2013

....ને સમજાયો પ્રેમ

            
                    “શાળા”-જીવનના અનેક સ્મરણો બનાવવાની એક અદભૂત જગ્યા.જ્યાં બાળપણમાં, જતા પહેલા આંખો વહેતી હોય ને મોટા થયા બાદ, એનાથી દૂર જવાના વિચારમાત્રથી આંખો ભીની થાય.શાળાકાળ એ ખૂબ જ અવિસ્મરણીય સમય છે જે દરેકના જીવનમાં અલગ અલગ સ્મૃતિઓ અને અનુભવોને માનસપટ પર છોડી જાય છે.ભણવાની હરીફાઈ, રમતના પીરિયડમાં આખા દિવસનું રમી લેવાનો જુસ્સો, રીસેસમાં સમોસા ને વડાપાઉં માટે લાગતી લાંબી લાઈન ને એમાં થતી હૂંસાતૂસી, ખાસ કરી ને છોકરાઓમાં, ક્લાસની છોકરીઓ સાથે વાત કરવાની ઈચ્છા છતાં ખોટા વિનયમાં ઝંખનાઓને અંદર જ દબાવવાની કોશિશ બધું જાણે યાદ કરતા આંખસમું તરી આવે.

                   બસ  જ પ્રમાણે "વિદ્યાભવન" શાળાના દરેક વિદ્યાર્થી પોતાના વિકસી રહેલા મનની પીંછી દ્વારા અલગ અલગ ચિત્રો બનાવી રહ્યા હતા.આવા જ કંઇક વહેણમાં અનુપ્રિયાનું મન ખળખળ વહેતું હતું.પોતાની દુનિયામાં મસ્ત, ખુશમિજાજ અને સહેલીઓમાં રચીપચી રહેતી એ,શાળાના દિવસોમાં કહેવાતી હરીફાઈથી ઘણી પાછળ હતી.મન સાફ અને સરળતાથી વિશ્વાસ કરી લેવો,એના સ્વભાવને જોડતી એક કડી હતી. પ્રેમનો અર્થ તો એને મન માતા-પિતા દ્વારા મળતી અપાર લાગણી જ હતી.એના વૃંદાવનમાં એ મન મુકીને વિહરતી! લાંબા કેશને ગુંથીને પાથી પાડેલી બે ચોટલી, કમળની પંખુડી જેવા બે ગાલ અને માછલી જેવી સુંદર આંખો પર જસ્સી જેવા મોટા ચશ્માં! આવા સામાન્ય દેખાવની સુંદરતા અને મોટા ચશ્માં પાછળની આંખના ઊંડાણમાં "કોઈક" એવું હતું જે ધીરે ધીરે ડૂબી રહ્યું હતું. અનુપ્રિયા એ "કોઈકના" આ ઝૂકાવથી તદ્દન અજાણ, શાળાના પગથિયા ચઢતી ને ઉતરતી.એને ક્યાં ખબર હતી કે "કોઈક" એની દરેક ચાલ અને એની દરેક હરકતોને બારીકાઈથી જોઈ, મનમાં પ્રેમના બી વાવી રહ્યું હતું!

                   શાળાના પ્રાથમિક વિભાગમાં પણ પ્રેમ જેવી નાજૂક, પણ ખૂબ જ સમજ માંગી લેતી લાગણીના પા-પા પગલી માંડતો શેમલ અનુપ્રિયા માટે પાગલ હતો.એમ જોવા જઈએ તો, શેમલ અને અનુપ્રિયામાં કશુંય સામાન્ય નોહતું. ટીપીકલ છોકરાના દરેક ગુણમાં શેમલ અવ્વલ હતો.ક્રિકેટ હોય કે અનુપ્રિયા માટે મારપીટ, શાળાના છોકરાઓમાં જે ઝનૂન ને જુસ્સો હોય એ એનામાં ભરપૂર હતા. આમ છતાં, હૃદયનો એક કોમળ ભાગ અનુપ્રિયા તરફ આકર્ષાતો. શાળાના દરેક પીરિયડમાં એ અનુપ્રિયાને જોતો, એના હાવભાવ સાથે પોતાના ચહેરાની રેખા બદલતો, એના હોઠ પરના સ્મિત સાથે અજાણતા જ સ્મિત કરી લેતો! આ પ્રમાણે લાંબો સમય ચાલતું જ રહ્યું હોત જો શાળા દ્વારા લઇ જવામાં આવતા પ્રવાસમાં શેમલ પોતાની લાગણી એના મિત્રો સામે ન મૂકત. પણ, હવે જાણે બાકીના મિત્રોને તો મસ્તીનો એક ટોપિક મળી ગયો!

                   અનુપ્રિયા સુધી આ વાત પોહ્ચતા વાર ન લાગી. શરૂઆતમાં કંઈપણ ન સમજી શકી એટલી નાદાનીયતમાં એ શેમલના આકર્ષણને પારખવા એની નજરમાં પોતાની નજર પરોવવા લાગી.શરૂઆતમાં નફરત અને પછી આદત. એ આદત ક્યારે નિયમમાં ફેરવાઈ એ સમજી ન શકી. માનવીની આ ખૂબી કહીએ કે પછી નબળાઈ! દરેક વસ્તુ માટે આપણે એટલા જલ્દી ટેવાઈ જઈએ છે કે એની ગંભીરતા કે પછી પરિણામ, જ્યાં સુધી આપણને સ્પર્શે નહિ ત્યાં સુધી માત્ર એને ન્યૂઝની હેડલાઈન્સ જ ગણીએ છે. અનુપ્રિયાનું વહેણ દિશા બદલી રહ્યું હતું.રોજ શાળાએ જઈ, તક શોધી એકબીજાની આંખો વાંચવી, થોડું શરમાવું અને સામસામે મળીને થઇ રહેલા ફેરફારો વિષે વાત કરવાના દિવાસ્વપ્નો જોવા એ જાણે એક ક્રમ બની રહ્યો. શેમલની ઘણી ચેષ્ટા એને પોતાના તરફ ખેંચતી તો, ઘણી જાણે અજાણ્યા હોવાનો ભાસ આપતી.આંખોથી શરુ થયેલા, એક પણ વાર વાત કાર્ય વિનાના આ સંબંધમાં વધુ આગળ જવાનો કોઈ અવકાશ ન હતો છતાં અનુપ્રિયા એમાં વધુ ને વધુ ઊંડાઈએ ઉતરતી રહી. 

                   અનુપ્રિયા હમેશા શેમલ સાથે વાત કરવાના સ્વપ્નો સેવતી રહી અને શેમલ એની આંખોમાં જોતો રહ્યો.પરંતુ આ રસ્તાનો કોઈ મુકામ નહોતો.શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કરિયરની દિશામાં શેમાંલે શાળા છોડી અને કઈ પણ કહ્યા વિના નજરનો એ સાથ પણ છોડ્યો.શરૂઆતમાં ડઘાઈ ગયેલી અને વિરહ જીરવી રહેલી અનુપ્રિયા પણ થોડા સમય બાદ, સમય સાથે તાલ મેળવી, કરિયરની હોડમાં ઉતરી ગઈ.બંને એ તનતોડ મહેનત કરી સારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો.પરંતુ અધૂરી પ્રેમકથા હોય કે પછી ભારત-પાકિસ્તાનના પ્રશ્નો, વળી વળીને પાછા ઘા કરવા ફરે જ છે. શેમલે ફરી અનુપ્રિયાની ખોજ કરી.જે વાતો હજી સુધી આંખોથી કહેવાના પ્રયત્નો કરેલા એને કહેવા શબ્દોની પણ ખોજ કરી.અનુપ્રિયા માટેની એની લાગણી, પ્રેમ અને ઝૂકાવ કદાચ સાચા હતા પરંતુ અનુપ્રિયા શેમલ વિનાના એ સમયમાં પ્રેમનું મહત્વ સમજી રહી.આકર્ષણ અને પ્રેમની પાતળી રેખાને એ પારખી શકી. દિવસના મોટેભાગના કલાકો એકબીજા સાથે વાત કરવાથી, આંખોમાં જોવાથી કે પછી I Love You જેવા માત્ર શબ્દો કહેવાથી પ્રેમ વિકસતો નથી.પ્રેમ તો સમજનો પર્યાય છે,એકબીજાના સપના, સ્વભાવ અને લાગણીને સમજી, સ્વીકારવાનું નામ એટલે પ્રેમ!!શાળામાં થતા આકર્ષણને પ્રેમ સમજનારા અને જિંદગીભર એને નિભાવવાના બંધનમાં બંધાય એવા ઘણા યુગલો છે.હા, માત્ર યુગલો. યુગલ અને દંપતી બેવ શબ્દમાં એટલો જ ફરક હોય છે જેટલો શરીર અને આત્મામાં! યુગલો ઘણા હોય છે પણ દંપતી બહુ ઓછા!!

           આખું જીવન એક વ્યક્તિના નામે કરવા અને ગુજારેલા દિવસો માણવા જરૂરી સંવાદો અને સમજનો અભાવ એ શેમલ સાથે અનુભવી રહી. "જ્યાં પોહ્ચાવાની ઝંખના વરસોથી હોય ત્યાં,મન પોહ્ચતા જ પાછું વળે એમ પણ બને" આ જ પંક્તિ મુજબ હમેશા શેમલ સાથેના અનેક સ્વપ્નો જોનારી, એની આંખો દ્વારા કેહવાતી વાતને, રૂબરૂ મળી સાભળવાની ઈચ્છા ધરાવતી અનુપ્રિયાને જયારે શેમલે એ દરેક સ્વપ્નો જીવવા હાથ લંબાવ્યો ત્યારે વિચારવા થોડો સમય માંગી, થોડા મહિના એની સાથે વિતાવી, એને સમજ્યા પછી એ મંજૂરી આપી નહિ શકી.શાળામાં રોપાયેલા એ પ્રેમના બીજ, વટવૃક્ષ બને એ પહેલા જ અનુપ્રિયા એ શેમલને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા. શાળાના દિવસોમાં ફૂટેલા આ પ્રેમના અંકુરો અનુપ્રિયા માટે માત્ર એક આકર્ષણ જ હતું એમ હવે એ બરાબર સમજી ગઈ. પણ છતાં નિષ્ફળ આ પ્રણયનું કારણ શેમલની રૂબરૂ વાત કાર્ય વિના માત્ર આંખોથી વાત કરવાની આદત,અનુપ્રિયાની વાત કરવાની ઈચ્છા છતાં વિનય અને જરૂરી માહિતી વિના શેમલ સાથે વાત ન કરવાનો સ્વભાવ કે પછી બંનેની ઉમર મુજબની અપરિપક્વતાને જવાબદાર ગણાવી શકાય.અનુપ્રિયા એના વહેણને ફરી એકવાર એની યોગ્ય દિશા આપી રહી હતી, પણ શેમલના અસ્તિત્વનો એક હિસ્સો હજી પણ એ જ વળાંક પર ક્યાંક છૂટી ગયો હતો.શાળા દરમિયાનના અનેક ખટમીઠાં પ્રસંગો સાથે, આ એક અજાણતા થયેલી માસુમતા, બંને માટે જીવનભરનો એક બોધપાઠ અને કદી ન ભૂલાય એવી છાપ છોડી ગઈ.

No comments:

Post a Comment