Friday, February 22, 2013

મનની વાત





                   

                     આજે આ બ્લોગ પર કોઈ કલ્પના કે સર્જેલી વાર્તા નથી કે નથી કોઈ પત્ર.હમણાં એક અઠવાડિયામાં મારી જિંદગીમાં બનેલી કેટલીક પૂર ઝડપી ઘટનાઓ પૈકી એક ઘટના શેર કરવાનું મન થાય છે. ABCD મુવી જોઈ ને થાકેલી હું (હા, ડાન્સથી જ શરુ થતા અને ડાન્સથી જ અંત આવતા મુવીમાં માત્ર ને માત્ર ડાન્સ છે દરેક અભિવ્યક્તિ ડાન્સ રૂપે જ રજુ થઇ છે અને એટલે જ મુવી વખાણવા યોગ્ય છે.) હજી રવિવારની વિવિધ પૂર્તિ હાથમાં લઇ વાચવા બેસી જ ત્યાં મારી બચપણની મિત્ર, અનેરીએ ફોન પર જે કહ્યું એનાથી એ રવિવારની દિશા જ બદલાય ગઈ. કોઈ એક બુકનું વિમોચન(એ બૂક વિશેની માહિતી અને વિમોચન સમયની વાત નીચેના ફકરામાં આલેખી છે) હતું, નજીકના દિવસોમાં અને એની સાથે, એ જ બુકની ત્રણ વાર્તા ઓડિયો સીડી રૂપે પણ બહાર પાડવાનો વિચાર હતો. આથી એના માટે એક અવાજની જરૂર હતી. હજી સુધી આ પ્રકારનું કોઈ કામ કર્યું નહોતું પણ જ્યાં સાહિત્યને જોડાયેલી વ્યક્તિના સંપર્કમાં આવાની વાત હોય ત્યાં મન આપોઆપ દોડવા લાગે છે. ત્યાં જઈને સૌ પ્રથમ દિલીપ ઘાસવાલાસર તરફથી ખૂબ જ સ્નેહભર્યો આવકાર મળ્યો. રંગમંચમાં પ્રખ્યાત આ નામને માઈક્રોફોનની સામે બોલવામાં શી તકલીફ! પણ આમ છતાં મારી સાથે બોલવાની એ નવલિકાનું રિહર્સલ એમણે ખૂબ સારી રીતે કરાવ્યું. આખી નવલિકાના પઠન દરમિયાન એમનો સાથ અને એમણે શીખવેલી અમુક વાતોથી રેકોર્ડીંગ ખૂબ સરસ રહ્યું, અલબત્ત, પ્રથમવાર માઈક્રોફોને ઝીણી ઝીણી ઉચ્ચારણમાં ભૂલો જરૂર પકડી પાડી હતી.ત્યાં હું બીજા એક વ્યક્તિને મળી. વૈભવ દેસાઈ(બંટીભાઈ). સાચું કહું તો અહી એમના સ્ટુડિયો સુધી આવતા, મનમાં કંઈક નવું કરવાનો અને આગળ કોઈ સારી દિશા ખુલશે એવો વિશ્વાસ કે પછી અતઃસ્ફ્રુણા અનુભવી રહી હતી. વૈભવ દેસાઈ નાટ્ય સાથે સંકળાયેલું એક જાણીતું નામ છે. હા, સફળ નાત્યકારોની હરોળમાં સ્થાન મેળવવાના પ્રયાસો હજી ચાલુ જ છે. આમ છતાં પ્રભાવશાળી અવાજથી લઇને સાહિત્યના જાણીતા દરેક નામો સાથેનો એમનો સંબંધ અચરજ પમાડે એવો છે. આવાં નામાંકિત લોકો વચ્ચે રહીને શીખવા- નવું જાણવા-નો આનંદ શબ્દરૂપે રજુ કરવા હું મથામણ અનુભવી રહી છું.... આ થયો એક તબક્કો.


હવે એ બુકના વિમોચન સમયની વાત કરું તો, ગઈકાલે એટલે 22th feb એ “એક ટહુકો… સમી સાંજનો” બૂકનું વિમોચન હતું. ભગવતીકુમાર શર્માની ઉપસ્થિતિ, પ્રફુલ દેસાઈ દ્વારા આ વાર્તાસંગ્રહનો પરિચય , નાનુભાઈ નાયકની અતિથિવિશેષ તરીકે હાજરી વાતાવરણને કંઈક અલગ જ સુંદરતા આપતી હતી.આ ઉપરાંત, દિલીપ ઘાસવાલા, પ્રીતિબહેન ઘડીયાળી, વૈભવ દેસાઈ અને અમી ઢબુવાલા(હા,,, હું :-) ) દ્વારા કેટલીક ચુનંદા વાર્તાઓનું પઠન થયું હતું. આનંદ એ વાતનો છે કે સાહિત્યની આ દુનિયામાં હું જયારે પા પા પગલી માંડું છું ત્યારે દરેકે દરેક પગલે મને મારું નામ સંભળાય છે અને પ્રમાણિકતાથી કહું તો ખૂબ આનંદ પણ થાય છે. મારું પોતાનું નામ જયારે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા બોલાયેલું હોય ( મારી લાઈફમાં પ્રથમવાર!!!) કે પછી ભારતીબહેન પટેલ, જે આ વર્તાસંગ્રહના લેખિકા છે એમની સ્પીચમાં બોલાયેલું હોય, એક અવર્ણનીય લાગણી અનુભવાય છે. સાહિત્ય માટેના જનક દેસાઈ જેવા ઉત્તમ લોકોના પ્રયાસથી જ “સાહિત્ય સંગમ” માં થતા આવા કાર્યક્રમો અદભુત છે. ભગવતીકુમાર શર્માની એક વાત જે કાલે મને સ્પર્શી ગઈ એનો અર્થ અહી લખવાનું મન થાય છે કે જેને ઉગવાની ઉતાવળ હોઈ છે એ બાવળ થઇને ઉગે છે. કેટલી ઊંડી વાત અને કેટલી સાહજીકતાથી કહી નાખી એમણે!! એમના શબ્દો અને એમનો અભિગમ તથા એમની પોતાની યાત્રાના અમુક અંશો સાંભળવાની તક મળી એ બદલ હું ખરેખર પોતાને ભાગ્યવંત સમજુ છું.આ ઉપરાંત ઉમરના આ તબક્કે પણ એમની સાહિત્યકારો માટેની જીજીવિષા અનેરી છે. આ બધાના એક ભાગરૂપે પોતાને જયારે જોવ છું ત્યારે એક પવિત્રતા અને કંઈક સાર્થક થયાની લાગણી હમેશા અનુભવું છું. બસ, આ જ લાગણી અને મનની વાત આજે અહી બ્લોગ પર લખવાનું મન થયું તો થોડી વાતો અહી રજૂ કરી.યોગ્ય દિશા અને માર્ગદર્શન આપતા લોકો તથા પોતાની અંદર રહેલી પ્રતિભાની જાણ મોડેથી પણ યોગ્ય સમયે કરવાનાર મારું દર્પણ આજે આ મુકામે લઇ આવ્યું છે. દિલથી સૌનો આભાર! 





2 comments:

  1. All The Very Best For Future :-)
    Tari Andar Ek Sashakta Pratibha Janmi Chuki che,
    Sachi disha maa aagad vadh..!! all the very BESt..

    ReplyDelete