Saturday, February 16, 2013

એક પત્ર....





 ડિયર લાઈફ,

                         હાઉસ યુ ? હળવા સ્મિત સાથે પ્રશ્ન પૂછું છું કારણ કે મારા કરતા વધુ સારી રીતે તું જાણે છે મારી દરેક પરિસ્થિતિ. ખરું ને? તને તો મારી યાદ આવતી નથી એટલે આજે હું તને એક  પત્ર લખું છું.જીવનના ચક્રમાં તો એવી હું વલોવાય છું કે રસ્તા અને મુકામ ક્યાંયે જડતા નથી. અંતે કશુય જડ્યું નહિ તો અહી-તારી પાસે આવાનો વિચાર મનમાં ઉદભવ્યો. તારી ખોજમાં બીજા કેટલાય દિવસો મેં કાઢ્યા અને આજે આખરે તને આમ પત્ર લખવાનો વિચાર અચાનક  પ્રવેશ્યો.

                પાછલા કેટલાક દિવસથી સુખ અને દુખ વચ્ચે ઝોલા ખાતું મન જાણે એક બંધ ઓરડામાં પુરાય  ગયું છે. તને કરેલી બધી પ્રાર્થના પાછી સ્વરૂપે મારી પાસે ફરી આવી રહી છે. બહાર દેખાતી મારી સ્વપ્નસૃષ્ટિ પર વાસ્તવિકતાના જાણે ઓછાયા ખૂબ ઘેરાયા હોય એમ ઘોર અંધકાર સિવાય બીજું ક્યાય કઈ દેખાતું નથી!! સ્વપ્નો કેમ હમેશા તારી વાસ્તવિકતા સાથે લડીને જિવાતા હશે? કેમ તને સમજવી દરેક માટે એક જીવનભરની કસોટી બની રહે છે? ખેર, મારી વાત કરું તો અંધારા ઓરડાની એક બારીમાંથી આછા પ્રકાશને હું અનુભવું છું. તારી અનેક તકલીફો છતાં એમાંથી હળવે હળવે શ્વાસ લઇ રહી છું. મારી સ્વપ્નોની દુનિયાને આછા પ્રકાશમાંથી રોજ જોઈ ને તારી સાથે લડવાની હિંમત ભેગી કરું છું. પણ તુય ક્યાં કશામાં હાર મને છે. સારી રીતે પરોવાયેલા  મોતીય ઘણીવાર વિખુટા પડવા લાગે છે. ખુશીઓની પળોમાં પણ આંખો છલકાય ઉઠે છે. હજી થોડા અજવાળાને જીવનનો સહારો બનાવ્યો ત્યાં વાસ્તવિકતાના બીજાયમ” મારી સામે ધરી દે છે. તારી દરેક વાત આટલી નિષ્ઠુર કેમ હોય છે? અરે, ઘણી વાર તો બધેથી ઘેરાયેલી મારી દુનિયા મારું જ ગળું દાબતી જણાય છે. પણ એક વાત માટે હું તને ખરેખર આભારી છું.જયારે તમામ રસ્તા બંધ થાય છે ત્યારે હમેશા એમાંથી ઉગારી લેવા તારા ચમત્કારો મને અનુભવાય છે. તારા દ્વારા અપાયેલી પળોને તો મારા અંધકારમાં હું હમેશા જીરવી, શાંત થાવ છું.મનની પીંછીથી તારારૂપી કેનવાસ પર માત્ર અંધકારમય ઓરડામાં આશારૂપી કિરણને તાકતી હોવ એવું જ એક ચિત્ર ઉપસે છે.ઉપાય તો ઘણા હોય  છે મારા  સવાલોના તારી પાસે હમેશા પણ કૃષ્ણની ભક્ત તું સદા એના માર્ગે ચાલે છે ને તારી વાતોની દીવાની હું હમેશા યાદ કરું છું વાત કે જો કૃષ્ણ મહાભારતનું યુદ્ધ લડ્યું હોત તો એનો પળવારમાં અંત આવી જાત, કૃષ્ણ તો માત્ર અર્જુનના સારથી હતા. પ્રમાણે તારું કામ તો માત્ર રસ્તો દેખાડવાનું છે. એના પર કઈ રીતે ચાલવું નક્કી કરવાનું કાર્ય મારું છે.તારી વાતો તને લખીને જાણે હું ભુલાયેલી  બધી શીખોને યાદ કરું છું અને સાચે કહું તો તારો આભાર માનું છું.

                અંતે માત્ર આભાર વ્યક્ત કરીશ કે તે હજી સુધી મને ખૂબ સાથ આપ્યો છે. સુખ ને દુઃખનો   પૂલ તે હમેશા સમતુલામાં રાખ્યો છે. બસ, જયારે આમ ભરાઈ ગઈ હોઈશ, અંધારામાં  અટવાઈ ગઈ હોઈશ ત્યારે તને પત્રો લખતી રહીશ અને જેમ આજે તે મને ફરીથી આશાનું કિરણ દેખાડ્યું તેમ ફરીથી દેખાડે એવી વિનંતી સાથે રજા લઉં છું.       
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         
                                                                                                                                                                                     -આત્મા (સોઉલ)

1 comment: