Monday, June 24, 2013

કાજલ ઓઝા વૈદ્ય : 'હું મહત્તમ રીતે પોતાને ‘દ્રૌપદી’ સાથે સાંકળી શકું છું'



કાજલ ઓઝા વૈદ્ય- જેટલું મોટું નામ એટલી જ ઊંચી એમની પ્રતિષ્ઠા અને એટલું જ ઉચ્ચ એમનું વ્યક્તિત્વ. ગુજરાતી સાહિત્યમાં લેખન ક્ષેત્રે સ્ત્રીઓને એક અલગ જ સ્થાને પહોંચાડનાર કાજલ ઓઝા વૈદ્ય માત્ર નવી પેઢીને જ નહીં પણ ઉંમરના વિવિધ તબક્કાને ઘડવા માટે પોતાની કલમ સુસજ્જ કરે છે. એક મજબૂત, સ્પષ્ટ અને પ્રભાવશાળી વક્તા એવા કાજલ ઓઝા વૈદ્ય સરળ અને ડાઉન ટુ અર્થ છે. હાલમાં તેઓ ચાર અલગ અલગ દૈનિક અખબારોમાં કોલમ અને ચિત્રલેખામાં નવલકથા લખે છે. અત્યાર સુધીમાં એમના 52 જેટલા પુસ્તકો બહાર પડી ચુક્યા છે જેમાંથી ચાર પુસ્તકો ઓડિયો સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. તેઓએ લગભગ બધા જ ક્ષેત્રમાં કાર્ય કર્યું છે. તેમને નાટકો, ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં સંવાદો અને ધારાવાહિકોમાં પણ પોતાનું પ્રદાન કર્યું છે. આ પૈકી ‘એક ડાળના પંખી’ નામની ધારાવાહિકે ૧૬૦૦ જેટલા એપિસોડ્સ પૂરા કરી એક નવો જ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. વળી, ‘પરફેક્ટ હસબન્ડ’ નામના નાટકને માર્શલ એકેડમી દ્વારા બેસ્ટ કોમેડી પ્લે ઓફ ધ યરનો પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત, તેઓ એક રેડિયો ચેનલ પર આરજે તરીકે પણ કાર્યરત છે. એવોર્ડ્સ અને એમના કાર્યોનો વિસ્તાર ખૂબ મોટો છે. તેમની સાથે થયેલી લાંબી વાતચીતના કેટલાક અંશો અહીં  રજૂ કાર્ય છે:

૧.'કાજલ ઓઝા વૈદ્ય' કઈ રીતે બન્યા?
સાચું કહું તો મેં વિચાર્યું નહોતું કે હું લેખિકા બનીશ. હું માત્ર એક ગૃહિણી બનવા ઈચ્છતી હતી. પણ સંજોગો એવા આવ્યા કે મારે કમાવું પડ્યું. ઘર ચલાવવા, મારા ઉત્તરજીવન માટે મારે કંઇક કરવાની ફરજ પડી અને ત્યાંથી વિચારોની શ્રુંખલા શરુ થઇ જે છેલ્લા સાત વર્ષથી 52 પુસ્તકોમાં પરિણમી.

૨. તમારા પુસ્તકોમાં દરેક સંબંધ વિશે ઘણી નજીવી વાતો પર પ્રકાશ નાખવામાં આવતો હોય છે. સંબંધ વિશે તમારું શું માનવું છે?
તમારા જીવનમાં શાંતિની પળો માણવા સંબંધો ખૂબ જરૂરી હોય છે. જે વ્યક્તિ એવું કહે છે કે મને કોઈની જરૂર નથી એને ખરેખર સૌથી વધારે માણસોની જરૂર હોય છે. જીવનમાં ટકી રહેવા માટે સંબંધ અનિવાર્ય છે અને હું એવું માનું છું કે કેટલાક સંબંધો જીવનમાં એવા હોય કે જે તમારી તાકાત બની રહે છે. તમે જે કઈ છો એનું કારણ એ સંબંધો છે.

૩. તમે પહેલેથી જ સાહિત્યિક વાતાવરણમાં ઉછરેલા છો. આ સમગ્ર જર્નીમાં તમારા પિતા દિગંત ઓઝા અને લેખક ચંદ્રકાન્ત બક્ષી સિવાય અન્ય કયા ભારતીય અને વિદેશી લેખકોનો તમારા સાહિત્ય પર પ્રભાવ પડ્યો? કેટલો?
આ પૈકી સૌથી પ્રિય લેખક કે સાહિત્યકાર કયા છે? શા માટે?
હા, હું જર્નાલિઝમના બેકગ્રાઉન્ડમાંથી આવું છું. ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિનકાકા(અશ્વિની ભટ્ટ) કે હરકિસન મહેતા સાથે પહેલેથી સંબંધ હતા પણ એમના સિવાય બીજા ઘણા લેખકોને મેં ખૂબ વાંચ્યા છે. મારું વાંચન પુષ્કળ છે. શેલ્ફ પર દેખાતા નાનામાં નાના પુસ્તકથી લઈને બધા જ પ્રકારના પુસ્તકો હું વાંચુ છું. સ્વામી સચ્ચિદાનંદની ગીતાથી લઈને વિદેશી લેખક હ્યુઘ પ્રેથરના પુસ્તકોમાં પણ હું રસ ધરાવ છું. ટુંકમાં, મને શેલ્ફ પર જે જડે અને જે વાંચવા જેવું લાગે એ હું વાંચું છું. પણ આ પૈકી મને અમ્રિતા પ્રીતમ એમની પ્રામાણિકતા માટે ખૂબ જ ગમે છે.

૪. મુંબઈના દરિયાકિનારાથી લઈને ગુજરાતના કોઈ એક ટિપીકલ શહેર સુધીના તમામ દ્રશ્યો તમે આબેહૂબ વર્ણવ્યા છે. આ માટે તમે તૈયારી કેવી રીતે કરો છો? અને આ માટે તમે સંશોધનને કેટલું મહત્ત્વ આપો છો?
હું ખૂબ ટ્રાવેલ કરું છું અને એ સફર દરમિયાન મળતા લોકોના હાવભાવ, એમના ઊઠવામાં, બેસવામાં મને ખૂબ રસ પડે. હું ‘કીન’ ઓબ્સર્વર છું. એટલે મને અવલોકનો કરવાની એક અલગ જ મજા આવે. હું કલાકો સુધી સ્ટેશન પર બેસીને ટ્રેઈનની રાહ જોય શકું અને છતાંય મને સહેજ પણ કંટાળો ન આવે. હું જ્યારે કાર્યક્રમમાં જાઉ ત્યારે એકબીજા સાથે જે વાતો થતી હોય, એકબીજા સાથે કંઇક શેર થતું હોય, આસપાસ શું થઇ રહ્યું છે એ બધું હું ખૂબ એન્જોય કરું. હું જે શહેરમાં જાઉ, જેમકે સુરત આવું ત્યારે અહીનું વાતાવરણ કેવું, લોકોનો ખોરાક કેવો, લોકો કેટલા ફૂડી હોય એવા ઘણા નિરીક્ષણો અને જ્યારે રાજકોટ જાઉ ત્યારે લોકોનો બપોરે કામ ન કરવાનો અભિગમ, આ બધું જ મને ખૂબ અપીલ કરે છે. એટલે મને મૂળભૂત રીતે માણસ જ રસપ્રદ લાગે. જો તમે માણસમાં રસ લેવા લાગો તો આવા વર્ણનો ખૂબ સરળ બની જાય છે. કોઈ પણ વસ્તુનું વર્ણન કરવા માટે મારે પ્રયત્નો નથી કરવા પડતા, પરંતુ મારા માટે એ એક મજાની વસ્તુ બની રહે છે.

૫. તમે સ્ત્રીની મનોવ્યથાને ખૂબ ઊંડાણપૂર્વક રજૂ કરી શકો છો. તમારા એક પ્રવચનમાં તમે કહેલું કે, મારી દરેક નવલકથાના પાત્રોમાં મારો અંશ રહેલો છે કારણકે એ સીધા હૃદયથી નીકળીને લોકોના હૃદય સુધી પહોંચે છે. તો, આ પૈકી કયા પાત્રએ કાજલ ઓઝા વૈદ્યનું પ્રતિબિંબ મહત્તમ અંશે ઝીલ્યું છે?
(સહેજ પણ વિલંબ વગર) દ્રૌપદી. હું મહત્તમ રીતે પોતાને ‘દ્રૌપદી’ સાથે સાંકળી શકું છું.


૬. તમારા એક પ્રવચનમાં "હું મેઈન સ્ટ્રીમમાં જ લખીશ. હું ડરીશ નહીં" એવા તમારા સૂચનો સાંભળવા મળ્યા હતા. એક સ્ત્રી તરીકે લખાણમાં આટલી મક્કમતા અને સ્પષ્ટતા કઈ રીતે ઉદભવી? અને સમાજમાં શું બદલાવ આવ્યો?
હજી સુધી સમાજમાં સ્ત્રીઓના લખાણ માટે એક નિશ્ચિત સ્થાન અને સીમા હતી. સ્ત્રીઓ પોતાના પુસ્તકો લખે, એના એક બે પુસ્તકો હોય અને કંઇક નાની નાની માહિતી હોય. સ્ત્રીઓ અને પુરૂષો માટેના માપદંડ અલગ હતા. પણ હવે સ્ત્રીઓના પુસ્તકો પણ બેસ્ટસેલર થઇ શકે છે એવો એક અભિગમ કેળવાયો અને એથી જ સમાજમાં ઘણો બદલાવ આવ્યો. અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતાની જેમ સ્ત્રીઓના લખાણને પણ એટલા જ વાચકો મળે છે, એમના પુસ્તકોને વેચવાની જરૂર નથી પડતી.

૭. તમારા પુસ્તકો હવે અંગ્રેજીમાં પણ અનુવાદિત થયા છે અને અમિતાભ બચ્ચને "કૃષ્ણાયન"નો પોતાના બ્લોગ પર પણ ઉલ્લેખ કર્યો છે. એક ગુજરાતી સ્ત્રી લેખક માટે આ બાબત કેટલી મહત્ત્વની છે?
મારી સફળતા કરતા હું આ મારી ભાષાની સફળતા ગણું છું અને એ મારા માટે ખૂબ મહત્વની બાબત છે. એક એવી અગત્યની લાગણી થાય છે કે ક્યાંક લેખિકાઓની પણ નોંધ લેવાય છે અને એને લીધે મારી પાછળ બીજી અનેક લેખિકાઓ માટે રસ્તો ખુલ્યો છે એવું હું માનું છું. મેઈન સ્ટ્રીમમાં સ્ત્રીઓ લખી જ નહીં શકે એ આખી એક વિચારસરણી જ ભાંગી પડી છે અને એટલે જ હવે સ્ત્રીઓ જે  વિચારે, ઈચ્છે એ તમામ વસ્તુ મુક્તપણે લખી શકે છે.

૮.એક પ્રતિષ્ઠિત, અગ્રીમ નવલકથાકાર તરીકે વાચકો પ્રત્યે તમારી શું ફરજ હોય છે?
હું ખૂબ પ્રામાણિક છું. જ્યારે પણ કોઈ નવલકથા કે પછી સેમિનારમાં કશુંક લોકોને માર્ગદર્શન આપતી હોઉં ત્યારે હંમેશાં મને એક પ્રશ્ન થાય છે કે શું હું લાયક છું આ બધાને? મારા થકી કોઈ ખોટા વિચારો તો સમાજમાં નથી ફેલાતા ને? દિનપ્રતિદિન મારા વાચકોની સંખ્યા સાથે મારી જવાબદારીઓ પણ વધે છે અને આથી હું મારા શબ્દો માટે ખૂબ સાવચેત રહું છું. મારું કામ નિષ્ઠાપૂર્વક કરવું એને હું મારી જવાબદારી ગણું છું.

૯. લખતી વખતે તમને કોઈ ચોક્કસ માહોલ કે પછી વસ્તુઓની જરૂર રહે છે?
મારી પાસે એવી કોઈ પસંદગી હોતી જ નથી. પણ આમ છતાં, છેલ્લા કેટલાક સમયથી હું જાતે લખતી નથી. પણ હું બોલું અને બે ટાઈપિસ્ટસ એ લખે છે. એટલે ઘણી વાર મારો દીકરો કહે પણ છે કે આ કાજલ ઓઝા વૈદ્ય ‘લિખિત’ નથી પણ ‘બોલિત’ છે.

૧૦. તમારી યોગ-વિયોગ નવલકથામાં સ્કિઝોફ્રેનિયાથી પીડિત એક ટોચની અભિનેત્રી અનુપમા ઘોષનું વર્ણન હતું, જે અલયના પ્રેમનો વિરહ સહી ન શકતા આત્મહત્યા કરે છે અને હાલમાં જ પ્રેમમાં નિષ્ફળ થયા બાદ જીયા ખાનનો  પણ કંઇક આ જ અંત આવ્યો? આ કેટલા અંશે યોગ્ય છે? આત્મહત્યા વિશે તમે શું માનો છો?
આત્મહત્યા કરવાનો પ્રયાસ મેં પણ કર્યો હતો. પણ હું બચી ગઈ, એટલે આજે તમારી સમક્ષ વાતો કરી શકું છું, આ સફળતાને પામી શકું છું. આ પ્રયાસ કર્યા બાદ હું એટલું તો સમજી જ ગઈ કે જે દુનિયા તમે જોઈ નથી, જે વિષે તમને ખ્યાલ જ નથી ત્યાં જઈને સુખી થવાશે એમ વિચારી હાલમાં જીવી રહેલા જીવનનો અંત કરવો એ એક મિથ્ય માન્યતા છે. હું આત્મહત્યાના વિચારને જ બુદ્ધિહીન ગણું છું. ખરેખર જીવવા માટે હિંમત જોઈએ. મરવા માટે હિંમતની જરૂર જ નથી. હું આત્મહત્યાના વિચારમાત્રનું પણ સમર્થન નથી કરતી. એ માત્ર એક નપુંસક વિચાર છે.

૧૧. તમારી એક નવલકથામાં આ વાક્યોનો ઉલ્લેખ થયો છે: "ખરેખર માણસની સ્મૃતિ કરતા એની ખાલી પડેલી જગ્યાનો ખાલીપો વધારે ભયાવહ અને પીડાદાયક હોય છે."તથ્યોને શબ્દોમાં આટલી સ્પષ્ટતા સાથે લખવાની ખુમારી એક ગુજરાતી લેખિકા તરીકે તમને અલગ જ તારવે છે. આ કળા કઈ રીતે વિકસાવી?
હું આ દરેક ક્ષણ જીવી છું અને મને આ તમામ અનુભવો થયા છે. નવલકથાના લગભગ બધા જ શબ્દોને મેં અનુભવ્યા છે. જ્યારે તમે એકલા હોવ ત્યારે કેવો અનુભવ થાય, કોઈ તમને તરછોડે ત્યારે કેવો અનુભવ થાય, જ્યારે તમે સાવ ભાંગી પાડો ત્યારે તમારી સ્થિતિ શું હોય, આ બધું જ હું જીવી છું અને એટલે જ આ તમામ લખાણ ખૂબ ‘ટેન્જીબલ’ છે. તમે દરેક લાગણીઓને સ્પર્શી શકો છો. જિંદગીમાંથી લીધેલા તાણાવાણા વણીને એમાંથી પોત બને છે અને કદાચ એટલે જ આ બધી વસ્તુઓ મારા હૃદયની ખૂબ જ નજીક છે.

૧૨. 'દરેક માનવીમાં એક નવલકથા છુપાયેલી હોય છે'.આ વાક્યમાં તમે કેટલું તથ્ય જુઓ છો?
હા, હું દ્રઢપણે માનું છું. મારા મત પ્રમાણે તો દરેક માનવીમાં એક નહી એક કરતા વધુ નવલકથાઓ રહેલી હોય છે પણ આજના વ્યસ્ત માહોલમાં આપણને કોઈકને શાંતિથી જોવાનો, સાંભળવાનો સમય જ નથી. દરેક વ્યક્તિની બે બાજુઓ હોય છે. એક સારી અને બીજી નરસી. આપણે હંમેશાં નરસી બાજુ જ જોતા આવ્યા છે પરંતુ જ્યારે સારી બાજુએ ધ્યાન આપીશું ત્યારે ઘણી બધી સમસ્યાઓનું નિવારણ થઇ જશે.

૧૩. લંડનમાં સ્ટ્રીટ મ્યુઝિસિયન કાર્લના મધુર સંગીતથી અભિભુત થઈને, એને ભેટીને રડનાર કાજલ ઓઝા વૈદ્યનું એ કયું સ્વરૂપ હતું?
એ ‘કાજલ ઓઝા વૈદ્ય’નું નહીં, માત્ર ‘કાજલ’નું સ્વરૂપ હતું. દરેક વ્યક્તિમાં બે પ્રકારનું વ્યક્તિત્વ રહેલું હોય છે. એક, જે ક્યારેક જ બહાર નીકળે છે કે પછી એમ કહું કે એને આપણે ક્યારેક જ બહાર નીકળવા દઈએ છીએ. કારણ કે, સમાજમાં આપણી એક પ્રતિષ્ઠા છે. પરંતુ હું જાણતી હતી કે કાર્લ માટે હું તદ્દન અજાણી છું. એ મને જજ નહિ કરશે અને કરે તો પણ મને કંઈ ખાસ ફરક નહીં પડશે. આપણે સૌ આ જ પ્રકારે ઘડાયેલા છીએ. જ્યારે કોઈ આપણને જજ નથી કરતુ ત્યારે એ બીજી વ્યક્તિ બહાર આવે છે. લંડનના એ સમયની હૂંફ હું હજી સુધી અનુભવી શકું છું અને હું ચોક્કસપણે કહી શકું કે એ વ્યક્તિ ખૂબ ઉમદા સ્વભાવની હશે.

૧૪. આજની ટેલીસોપ્સમાં આવતી સ્ત્રીઓ અને તમારી નવલકથામાં વર્ણવાયેલી સ્ત્રીઓમાં આટલો તફાવત શા માટે? નવલકથામાં હોય એવી  સ્ત્રીઓ પર શા માટે કોઈ હીટ ધારાવાહિકો બનતી નથી?
હું ખરેખર આ બધી સિરીયલોને નિરર્થક ગણું છું. આ તો આપણે જોઈએ છીએ એટલે ચાલે છે. નહીંતર આવી ધારાવાહિકોને પ્રોત્સાહન ન જ મળવું જોઈએ. મારી પાસે ઘણી દરખાસ્તો આવે છે પરંતુ મને આવી અયોગ્ય વાતો લખવાનું નથી ગમતું. હું હાલમાં એક માત્ર ધારાવાહિક લખું છું ‘છૂટાછેડા’ જે ઈટીવી ગુજરાતી પર આવે છે અને હું માનું છું કે હું કંઇક અર્થપૂર્ણ કામ કરી રહી છું.

૧૫. ભવિષ્યમાં સંબંધો ઉપરાંત કયા વિષય પર લખવાનું પસંદ કરશો?
હું ચોક્કસપણે ‘દ્રૌપદી’ની જેમ જ અન્ય સ્ત્રીઓ, જેમકે મંદોદરા, શિખંડી, યશોધરા, વૃશાલી( કર્ણની પત્ની) જેવી અનેક સ્ત્રીઓ જેને હંમેશાં અવગણવામાં આવી છે એ વિશે લખવાનું પસંદ કરીશ.

૧૬. આજના યુવા લેખકો ખાસ કરીને લેખિકાઓ માટે કોઈ ખાસ સૂચના કે માર્ગદર્શન?
હું માત્ર એક જ વાત સમજુ છું કે બને એટલા પ્રામાણિક બનો. તમે જે અનુભવો છો એ જ લખો અને એ જ વર્ણવો. લોકોને શું ગમે છે, શું વાંચવું છે એ પ્રમાણે ન લખો. એવા તો ઘણા પુસ્તકો ઉપલબ્ધ છે જ પણ તમારી લાગણીઓ, તમારા અનુભવો એ માત્ર તમારા છે અને એ, લોકો નિશ્ચિતપણે વાંચશે. તમારા લખાણને વંચાવવા માટે લોકોને કેળવો અને હું નવી પેઢી પાસે પરિવર્તનની આશા રાખું છું. આજના યુવાનો માટે મને બહુ માન  છે.


૧૭. તમારી સૌથી નજીક હોય એવી એક નવલકથા કઈ? શા માટે?
મૌન-રાગ. કારણકે, એમાં સ્ત્રીની લાગણીઓનો સાચો અર્થ ઉજાગર કરવામાં આવ્યો છે. ખૂબ નિખાલસતાથી એક જ સ્ત્રીના ઘણા સ્તરો એમાં વર્ણવ્યા છે. જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ કંઇક નવું એ સ્ત્રી વિશે જાણવા મળતું રહે અને એટલે જ એ મારા માટે રસપ્રદ છે. આ ઉપરાંત, ‘મધ્યબિંદુ’ પણ મને પસંદ છે.

૧૮. હાલમાં ચિત્રલેખામાં પ્રસિદ્ધ થઇ રહેલી નવલકથા 'ધુમ્મસને પેલે પાર' ખૂબ જ થોડા સમયમાં ખૂબ જ લોકપ્રિય બની છે. એ પરથી તમે શું તારણો કાઢો છો? વાંચકો કયા વિષયવસ્તુને મહત્વ આપે છે?
લોકોને પ્રામાણિકતા ગમે છે. અહીં મહત્વનું એ છે કે તમે નવી વાત કરી અને છતાં હકીકતને સ્પર્શીને વાત કરી, લોકોને આ જ વાંચવું ગમે છે. તમે જે લખો છો એ મન સુધી પહોંચવું જોઈએ. લોકોને આદર્શ વાતો નથી ગમતી. લોકો તમારી કથાને, એના પાત્રોને પોતાની સાથે સાંકળી શકે એ પ્રકારનું વર્ણન એમને ગમે છે.

૧૯. અને અંતે, હવે પછીના વર્ષોમાં કાજલ ઓઝા વૈદ્ય પોતાને કયા સ્થાને જોવા માંગે છે?
(એક મુક્ત હાસ્ય સાથે) હું ખરેખર નથી જાણતી. મને જે પ્રેમ, શ્રધ્ધા અને સન્માન વાચકો તરફથી મળ્યા છે એનાથી હું ખૂબ સંતુષ્ટ છું. મને મારી જિંદગીથી હવે બીજા કશાની અપેક્ષા નથી કારણકે, કોઈને પણ આ ઉંમરે જેટલું પણ મળી શકે એના કરતા વધુ મને મળ્યું છે. કોઈ પણ આ ઉંમરે જીવી શકે એનાથી વધુ હું જીવી છું અને આ ઉંમરે કોઈ પણ અનુભવી શકે એના કરતા વધારે સંબંધો મેં અનુભવ્યા છે. બસ, એટલે જ હું તૃપ્ત છું અને આ માટે હું રોજ મારા ઈશ્વરનો આભાર માનું છું.


2૫મી જૂન, ૨૦૧૩ના રોજ આ ઈન્ટરવ્યુ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ " કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.


4 comments: