Sunday, December 22, 2013

સ્ટીલની ‘માચો ઈન્ડસ્ટ્રી’માં મહિલાનો દબદબો



ઘણાં વર્ષો પહેલા એક ઘટના બની હતી. અગિયાર વર્ષની એક યુવતી જયપુરની મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ સ્કૂલથી તેના અભ્યાસ દરમિયાન મળતી રજાઓના દિવસોમાં તેના ઘર દિલ્હી જવા નીકળે છે. છઠ્ઠા ધોરણમાં ભણતી યુવતીની આંખોમાં સામાન્ય રીતે હોય એવા દરેક બાળસહજ સપનાંઓ અને ઘરના સભ્યોને મળવાની મહેચ્છાતેનામાં હતી, પરંતુ આ દરમિયાન જ તે એક ભયંકર અકસ્માતનો ભોગ બને છે અને તેના શરીરનો નીચેનો હિસ્સો હંમેશાં માટે પેરેલાઈઝ થઈ જાય છે. માત્ર અગિયાર વર્ષની ઉંમરે આ પ્રકારના અણધાર્યા બનાવથી એ સહેમી જાય છે, પરંતુ પરિવારના સભ્યોનો સ્નેહ અને આત્મવિશ્વાસ તેને સ્વતંત્ર રીતે જીવવા માટે પ્રેરણા આપે છે અને આ જ યુવતી આજે ભારતના ઔદ્યોગિક ક્ષેત્રે મહિલાઓમાં અગ્રિમ સ્થાન ધરાવે છે.

આ વાત છે ભારતની સૌથી મોટી સ્ટીલ પાઈપ્સની ઉત્પાદક કંપની‘જિંદાલ સો લિમિટેડ’ની મેનેજીંગ ડાયરેક્ટર સ્મિનુ જિંદાલની. સ્મિનુનો જન્મ દિલ્હીમાં થયો હતો. પ્રાથમિક અભ્યાસ દિલ્હીની જ એક પ્રતિષ્ઠિત શાળામાં કર્યા બાદ સ્મિનુના માતા પિતાએ તેને દરેક ક્ષેત્ર વિશે અભ્યાસ કરી શકે એ અર્થે જયપુરની મહારાણી ગાયત્રી દેવી સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો અને આ જ દરમિયાન તે ગંભીર અકસ્માતનો ભોગ બની. અલબત્ત, કરોડરજ્જુમાં ગંભીર ઈજા તથા બ્રેઈન હેમરેજ થવા છતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતના થોડાં વર્ષો સુધી સ્મિનુ માટે આ હકીકત સાથે જીવવું ઘણું અઘરું હતુ. અગિયાર વર્ષની ઉંમરે અન્ય બાળકો કરતાં કંઈક જુદા હોવાનું તેને સતત દુઃખ રહેતું. વળી, તેઓ કથકનું સારુ જ્ઞાન ધરાવતા હતા અને નવ વર્ષની ઉંમરે તેમણે કલા કેન્દ્રમાંથી ભરતનાટ્યમના નૃત્યમાં ડિસ્ટીંગ્શન પણ મેળવ્યું હતું, પરંતુ આ અકસ્માત બાદ શરીરનો નીચેનો હિસ્સો હંમેશાં માટે અચેતન થઈ જતા તે કદી નૃત્ય ન કરી શક્યા. 

એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે,“મારા અકસ્માત પછી ઘણાં વર્ષો સુધી હું સમજી જ ન શકી હતી કે મારી સાથે શું થયું હતું, પરંતુ મારા માતા-પિતા ખૂબ જ મજબૂત રહ્યા હતા. અકસ્માતના ગંભીર પરિણામો સામે લડવા તેમણે મને ખૂબ મદદ કરી હતી.” સ્મિનુના માતા-પિતાએ આ અકસ્માતના પરિણામોને ખૂબ જ ઝડપથી અને મજબૂતાઈથી સ્વીકારી લીધા હતા અને તેથી જ આ પરિસ્થિતિ સામે લડવા તેમણે સ્મિનુને કઈ રીતે શ્રેષ્ઠ સારવાર આપી શકાય એ માટેનો ખાસ અભ્યાસ કર્યો હતો. તેમણે સ્મિનુનો ઉછેર તેની બહેનની જેમ જ સામાન્ય રીતે થાય એ માટેના પ્રયત્નો કર્યા, જેથી સ્મિનુને પણ એક સામાન્ય જિંદગી મળી શકે. સ્મિનુ જણાવે છે કે, “મારો કબાટ ગોઠવવાનો હોય કે પછી રસોડામાંથી કોઈ વસ્તુ લાવવાની હોય, મારા ઉછેરમાં મારી નબળાઈ કદી આડે નથી આવી. તેમણે મારી ઘણી કાળજી લીધી છે, પણ મને પરાધીન નથી બનાવી.” તેના માનસિક અને શારીરિક સપોર્ટ માટે તેનો પરિવાર જ તેની સૌથી મોટી તાકાત બની રહ્યું હતું. ખાસ કરીને તેની માતા આરતીએ સ્મિનુ પણ અન્ય બાળકોની જેમ જ સામાન્ય શાળામાં ભ્યાસ કરે તથા તેના રોજિંદા કાર્યો તેની જાતે જ કરે તેના પર ઘણો ભાર મૂક્યો હતો અને તેથી જ સ્મિનુ કોઈની પણ સહામુભૂતિ કે પછી સહારા વિના આજે બિઝનેસ વર્લ્ડમાં ટોચના સ્થાન પહોંચી શકી છે. 

બાળપણમાં આ પ્રકારની ઈજા થઈ હોવાથી તેના શરીરના નીચેના હિસ્સાનો વિકાસ વ્યવસ્થિત રીતે થાય તે જરૂરી હતું. આથી તેના માતા-પિતા એક મશીન લઈ આવ્યા હતા, જેની મદદથી સ્મિનુ દરરોજ થોડાં કલાકો ઊભી રહી શકતી અને તેથી ઉંમર પ્રમાણે તેમના દરેક અવયવોનો વિકાસ એકસમાન થઈ શક્યો. આ સાથે જ સ્મિનુએ તેનો અભ્યાસ ચાલુ રાખ્યો. દિલ્હીની પ્રસિદ્ધ શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએટ થઈ તેમણે દિલ્હીની જ એક મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવ્યો. વર્ષ ૧૯૯૩માં તેમનો સમગ્ર અભ્યાસ પૂર્ણ કરીને સ્મિનુએ તેના પિતા ઓ.પી. જિંદાલના સ્ટીલ બિઝનેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. તેના પિતાએ લગભગ બંધ થવાને આરે આવેલી એક ફેક્ટરીની જવાબદારી સ્મિનુને આપી અને તેણે તે ફેક્ટરીને સફળતાપૂર્વક ફરી ઊભી કરી અને અહીંથી તેમની ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત થઈ. 

એક મહિલા તરીકે સ્ટીલ બિઝનેસમાં અગ્રિમતા હાંસલ કરવી સરળ નથી, પરંતુ સ્મિનુએ તેની શારીરિક નબળાઈઓને અવગણીને ‘માચો ઈન્ડસ્ટ્રી’ તરીકે ઓળખાતા આ સ્ટીલ બિઝનેસમાં ઘણું અર્થસભર યોગદાન કર્યું છે. સ્મિનુ માને છે કે કોઈ વસ્તુ માટે તમે જો ખૂબ જ ખંતપૂર્વક મંડેલા રહેશો તો તે નિશ્ચિતપણે તમને મળશે. જીવનમાં કંઈક મેળવવા માટે પેશન હોવું ખૂબ જરૂરી છે. શરૂઆતમાં જ્યારે સ્મિનુએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું ત્યારે એક સ્ત્રી તરીકે તેમને આ ઈન્ડસ્ટ્રીમાં કંઈક અંશે નકારાત્મક પ્રતિસાદ મળ્યા હતા. એક સ્ત્રી સ્ટીલનો બિઝનેસ ન કરી શકે એવી માન્યતાને સ્મિનુએ સફળતાપૂર્વક બદલી છે. સ્મિનુ કહે છે કે એ ભલે સ્ટીલ ઊંચકી શકવા જેટલા સક્ષમ નથી, પણ લોકોને તે ઘણી સારી રીતે હેન્ડલ કરી શકે છે. અલબત્ત, એક સ્ત્રી તરીકે તેમણે સતત પોતાની ક્ષમતાને પુરવાર કરવી પડતી હતી અને તેથી આજની વર્કિંગ મહિલાઓને પડકારરૂપ સમસ્યાઓ માટે તેઓ ઘણાં સક્રિય છે.

વળી, આ દરમિયાન એક કોમન મિત્રની પાર્ટીમાં તેઓ ઈન્દ્રેશ બત્રાને મળ્યા અને બંને વચ્ચે આત્મીયતા બંધાઈ. સ્મિનુની શારીરિક નબળાઈને અવગણીને બંનેએ લગ્ન કર્યા અને અન્ય દંપતીઓની જેમ જ તેઓ પણ એક સામાન્ય લગ્નજીવન જીવી રહ્યા છે. વળી, તેમને બે દીકરાઓ પણ છે અને આ સાથે જતેઓ જિંદાલ કંપનીના અગત્યના હોદ્દા પર ખૂબ સારી કામગીરી પણ બજાવી રહ્યા છે અને તેથી જ તેઓ આજની મહિલાઓને લગ્ન તથા સંતાનના જન્મ બાદ પણ કામ કરવાની સલાહ આપે છે.

શારીરિક તકલીફોને ક્યારેય પોતાના જીવનમાં આડે ન લાવનાર સ્મિનુ જિંદાલને આપણા દેશ પ્રત્યે ખૂબ જ માન છે, પરંતુ એ સાથે જ તેમના જેવા લોકો માટે સરકાર તરફથી જોવા મળતા બેદરકારી તેમને હચમચાવી જાય છે. શરીરથી મજબૂર હોય એવા અનેક લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે, તેમના રોજિંદી કાર્યો કરી શકે એ માટે ખાસ સુવિધા ફાળવવામાં આવી નથી. આથી શારીરિક રીતે અશક્ત હોય એવા લોકો માટે સ્મિનુ‘સ્વયમ્’ નામે એક સંસ્થા પણ ચલાવે છે. આ સંસ્થાની મદદથી તેઓ એમના જેવા અનેક લોકો સમગ્ર ભારતમાં ફરી શકે એવી વ્યવસ્થા કરવાની ઈચ્છા ધરાવે છે.

Thursday, December 19, 2013

મીણબત્તીઓથી ઉજવાતો અનોખો ફેસ્ટિવલ


સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો દુનિયાભરના લોકો માટે ઉજવણી કરવા અનેક ખાસ અવસર લઈ આવે છે. પછી એ ઉજવણી કળા જગતની હોય, નૃત્ય-નાટકને સાંકળતી હોય કે પછી વર્ષો જૂના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી હોય, વર્ષના આ અંતિમ દિવસોને તે હંમેશાં યાદગાર બનાવી દેતી હોય છે. ન્યુ યર અને ક્રિસમસની ઉજવણીને બાદ કરીએ તો પણ આખા વિશ્વમાં થતી અનેક રસપ્રદ અને અનોખી ઉજવણીના આપણે સાક્ષી બની શકીએ એમ છીએ. વિશ્વના કેટલાક દેશો તરફ નજર કરીએ તો તમને કલ્પના પણ ન હોય એવા ઘણાં ચિત્ર-વિચિત્ર ફેસ્ટિવલો ત્યાં ઉજવાતા હોય છે અને વિશ્વના ખૂણેખાંચરેથી લોકો આ ફેસ્ટિવલ્સમાં સામેલ થવા મહિનાઓ પહેલાથી પ્લાનિંગ પણ કરતા હોય છે!આ જ પ્રકારના એક ફેસ્ટિવલની ઉજવણી નેધરલેન્ડના ગુડા શહેરમાં દર વર્ષે કરવામાં આવે છે. ‘કેન્ડલ નાઈટ’ના નામે પ્રચલિત આ ફેસ્ટિવલ દર વર્ષે ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા મંગળવારે ઉજવવામાં આવે છે. અલબત્ત, આ વર્ષે તેની ઉજવણી શુક્રવાર ૧૩, ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી.

વાસ્તવમાં ગુડામાં આ પ્રકારના કેન્ડલ ફેસ્ટિવલની શરૂઆત વર્ષ ૧૯૫૬થી થઈ હતી. નોર્વેના સિસ્ટર ટાઉન કોંગ્સબર્ગ તરફથી ગુડા શહેરને સૌ પ્રથમવાર અલગ અલગ લાઈટથી ઝળહળતું ક્રિસમસ ટ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ ગુડાની રોયલ સ્ટીઅરીન કેન્ડલ ફેક્ટરી ‘ગુડા-અપોલો’એ તેની ફેક્ટરીના સો વર્ષ પૂરાં થયાના અવસર પર ફેક્ટરીની શતાબ્દી ઉજવવાના હેતુથી ગોથિક ટાઉન હોલ અને જૂના માર્કેટ સ્ક્વેરને મીણબત્તીથી શણગારવા વિશાળ માત્રામાં મીણબત્તીઓ આપી હતી અને ત્યારથી લઈને આજ સુધી ગુડામાં એક અનોખા ‘કેન્ડલ નાઈટ’ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. ડચ ભાષમાં આ ફેસ્ટિવલને ‘કાર્સજેસવોન્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે ગુડાની સ્ટીઅરીન કેન્ડલ ફેક્ટરી તો હવે હયાત નથી, પણ તેની અન્ય એક કેમિકલ કંપની ‘ક્રોડા’ હજી પણ ગુડામાં મીણબત્તી બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલી છે અને આજ સુધી તેઓ જ ગુડાના કેન્ડલ નાઈટના મીણબત્તી માટે મુખ્ય સ્પોન્સર રહ્યા છે. આ કંપની ફેસ્ટિવલના દિવસે શહેરના અતિપ્રાચીન તથા આકર્ષક સેન્ટર ખાતે હજારોની સંખ્યામાં મીણબત્તી સપ્લાય કરે છે. મીણબત્તીથી આખા શહેરને પ્રકાશિત કરીને તેઓ પોતાના જીવનમાં પણ આ જ પ્રકારે અજવાળું પથરાય રહે તેવી પ્રાર્થના ઈશ્વરને કરતાં હોય છે. મીણબત્તી અને તેના પ્રકાશને સાંકળતો આ તહેવાર દુનિયાભરના લોકો માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. 

ગુડા શહેરમાં ઉજવાતા આ ‘કેન્ડલ ફેસ્ટિવલ’માં ઉપયોગમાં લેવાતી મીણબત્તીઓની બનાવટ પણ અનોખી છે. આ મીણબત્તી સ્થિર જ્યોત સાથે સળગે છે અને કલાકો સુધી તે ઝળહળી શકે છે. ગુડાની મીણબત્તીઓને ગુણવત્તાની દૃષ્ટિએ આખા વિશ્વમાં સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. તે સ્ટીઅરીન અથવા તો નેચરલ વેક્સમાંથી બનાવવામાં આવે છે તથા તેની દિવેટ પણ ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. આથી તે ભાગ્યે જ ધુમાડો ઉત્પન્ન કરે છે અને લાંબા સમય સુધી સળગી શકે છે. 

જેટલો અનેરો આ ફેસ્ટિવલનો ઈતિહાસ છે, તેની ઉજવણી પણ કંઈક એટલી જ અનેરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફેસ્ટિવલમાં ભાગ લેવા દુનિયાભરના લોકોનો ગુડામાં મેળાવડો જામે છે. વળી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેટલાક ખ્યાતનામ લોકો પણ ગુડામાં ખાસ આ ફેસ્ટિવલ માટે હાજરી પૂરાવતા હોય છે. ગુડાનો આ ફેસ્ટિવલ પરીકથાના વર્ણનોથી કંઈ અલગ નથી. અહીં લાઈટ્સ અને સંગીતની મદદથી શિયાળાની આ ઋતુને વધાવી લેવામાં આવે છે. ક્રિસમસ પહેલાં ઉજવાતા આ ફેસ્ટિવલમાં ક્રિસમસ ટ્રીને પણ ખૂબ જ આકર્ષક ઢબે શણગારવામાં આવે છે. ફેસ્ટિવલની શરૂઆત નિશ્ચિત કરેલા દિવસની વહેલી બપોરથી જ શરૂ થઈ જાય છે અને મોડી રાત્રિ સુધી લોકો આ ફેસ્ટિવલને મન ભરીને માણતા હોય છે. નેધરલેન્ડના આ ખૂબસૂરત શહેરમાં આ ફેસ્ટિવલનો આનંદ લેવા ઘણાં સ્થળો છે. ‘કેન્ડલ નાઈટ’ ફેસ્ટિવલના આખા દિવસ દરમિયાન શહેરની ગલીઓમાં મધુર સંગીત રણકતું રહે છે તથા મુલાકાતીઓ શહેરના થિયેટર તથા ખાસ તૈયાર કરાયેલા ક્રિસમસ ફેરને પણ માણી શકે તેની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. 

‘કેન્ડલ નાઈટ’ના દિવસે ગુડાના ચર્ચમાં ખાસ ક્રિસમસ કોન્સર્ટ રાખવામાં આવે છે તથા શહેરની ગેલેરી અને મ્યુઝિયમને પણ આખા દિવસ માટે ખુલ્લા રાખવામાં આવે છે. મજાની વાત તો એ છે કે આ તમામ મનોરંજન ‘કેન્ડલ નાઈટ’ના દિવસે એક પણ પૈસો ચૂકવ્યા વિના લોકો માણી શકે તેવી ખાસ સુવિધા કરવામાં આવી હોય છે. તમે આખા શહેરમાં મુક્તપણે ફરી શકો એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આખા શહેરના મ્યુઝિયમો તથા ચર્ચને ફેસ્ટિવલના દિવસે ખાસ શણગારવામાં આવતા હોય છે. ફેસ્ટિવલના દિવસે આખો દિવસ બધી દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે તથા શહેરની રેસ્ટોરાંમાં પણ ફેસ્ટિવલના અવસરને ધ્યાનમાં રાખીને ખાસ મેનુ તૈયાર કરવામાં આવે છે. આખું શહેર ‘કેન્ડલ નાઈટ’ના આ ફેસ્ટિવલમાં રંગાઈ જાય એ માટે ગુડામાં અનેક અવનવા પ્રબંધો દર વર્ષે કરવામાં આવે છે, જેથી વિશ્વભરના કળાપ્રેમીઓ તેમના આ અનોખા ફેસ્ટિવલને ભરપૂર માણી શકે. 

આખા દિવસ દરમિયાન શહેરના મ્યુઝિયમો, ચર્ચ તથા અન્ય સ્થળોની મુલાકાત બાદ સાંજ ઢળતાં જ આ ફેસ્ટિવલનો રંગ વધુ જામે છે. રાત્રિના ૭થી ૮ના સમયગાળા વચ્ચે શહેરના મેયર ઈસુ ખ્રિસ્તના જન્મ સમયની વાર્તા કરી કાર્યક્રમની શરૂઆત કરે છે. લોકો એક વિશાળ ક્રિસમસ ટ્રીને લાઈટ્સની મદદથી શણગારતા હોય છે. આ સાથે જ આશરે છ હજાર જેટલી મીણબત્તીઓ તેની આસપાસ મૂકવામાં આવે છે. આ વિશાળ ટ્રીની આસપાસ ઊભા રહીને લોકો ક્રિસમસ કેરોલ્સ ગાતા જોવા મળે છે. આ ઉપરાંત ઘણાં લોકો પારંપરિક ગીતો ગાઈને કે પછી નૃત્યોથી પણ ફેસ્ટિવલની સાંજને વધુ જીવંત બનાવે છે. વળી, શહેરના જૂના ટાઉન હોલ ખાતે ૧૫૦૦ જેટલી મીણબત્તીઓ સળગાવીને ‘કેન્ડલ નાઈટ’ ફેસ્ટિવલની પ્રાચીન પ્રથાને કાયમ રાખવામાં આવે છે. આ ઉપરાંત, શહેરના માર્કેટ સ્ક્વેરની આસપાસ તમામ ઘરોની બારીઓ પાસે પણ હજારોની સંખ્યામાં મીણબત્તી સળગાવવામાં આવે છે. ગુડા શહેરનું આ માર્કેટ સ્ક્વેર ઈ.સ. ૧૪૪૮થી ૧૪૫૦ સુધીના સમયગાળામાં બંધાયું હતું, જે નેધરલેન્ડનો સૌથી જૂનો સિટી હોલ છે અને તેથી જ તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.રાત્રિના સમયે મીણબત્તીથી સજેલું આ શહેર ખૂબ જ ભવ્ય દૃશ્ય આંખ સમક્ષ ઊભું કરી દે છે. વર્ષો જૂની પરંપરાને અકબંધ રાખી સમગ્ર શહેરને મીણબત્તીથી શણગારી ગુડામાં આ અનોખા તહેવારને અત્યંત માનભેર અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. 

પરંપરાઓની જાળવણી કરતું અનોખું શહેર ગુડા


નેધરલેન્ડનું આ ગુડા શહેર માત્ર ‘કેન્ડલ નાઈટ’ ફેસ્ટિવલને કારણે જ આટલું પ્રખ્યાત નથી. આ ફેસ્ટિવલ સિવાય પણ ત્યાં ઘણા રોચક સ્થળો દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષે છે. ગુડા શહેરનો ઐતિહાસિક વારસો અદભુત છે તથા ત્યાંની કેનાલ, ઐતિહાસિક ચર્ચો તથા ડચ આર્કિટેક્ચરના ઉત્તમ નમૂનાઓ તેને વધુ ભવ્ય બનાવી દે છે. વળી, આ શહેર બ્રુઅરીઝ( જ્યાં બિયર બનાવવામાં આવે તે સ્થળ), સ્મોકિંગ પાઈપ્સ તથા સ્ટ્રુપ વેફલ્સ (એક પ્રકારની ખાદ્યવાનગી) માટે પણ પ્રચલિત છે. ગુડા શહેરની ખાસિયત એ છે કે ત્યાંના લોકોએ ‘કેન્ડલ ફેસ્ટિવલ’ની જેમ જ વર્ષોથીચાલતા તેમની સંસ્કૃતિના પ્રતીક સમા ફેસ્ટિવલો તથા શહેરના આર્કટેક્ચરની જાળવણી ખૂબ જ કાળજીપૂર્વક કરી છે અને આજે પણ લોકો એટલા જ હોંશથી તેમના વારસાને ઉજાગર કરતાં તહેવારો ઉજવતા હોય છે. આ ઉપરાંત ૧૭મી સદીથી અહીંના મ્યુઝિયમ તથા ૧૫મી સદીમાં બંધાયેલા ભવ્ય ચર્ચ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જે આજે પણ વિશ્વના કળાપ્રેમીઓ માટે અભ્યાસનો એક વિષય બની રહ્યા છે.

Sunday, December 8, 2013

બાળકોને પુસ્તકો સાથે મૈત્રી કરાવતો અનોખો ફેસ્ટિવલ


વર્ષ ૨૦૧૦માં એક ફિલ્મ “માય નેમ ઈઝ ખાન” રિલીઝ થઈ હતી. ફિલ્મની પટકથા કંઈક અલગ હતી, પણ એમાંની એક બોધસૂચક વાત વિશે વાત કરીએ તો રિઝવાન નામના એક બાળકને એની માતા બચપણમાં સારા માનવીના ગુણો કહે છે અને તેને પણ એ જ પ્રમાણે બનવાની સલાહ આપે છે. રિઝવાન માનસિક રીતે અન્ય બાળકો કરતાં કંઈક અલગ હોય છે, પણ માતાની આ શિખામણ તે બરાબર પચાવી જાણે છે અને ત્યારબાદ તે યુવાની સુધી આ શિખામણને અનુસરીને અઘરામાં અઘરા ધ્યેયને પણ મેળવી લે છે અને ‘સારા’ માણસની એની માતાની વ્યાખ્યામાં ખરો ઉતરે છે. ફિલ્મમાં બાલ્યાસ્થામાં બાળકના કૂમળા મનને ખૂબ જ સારી રીતે પ્રતિબિંબિત કરવામાં આવ્યું હતું અને એક રીતે જોઈએ તો વાસ્તવિક જીવનમાં પણ કંઈક આવું જ હોય છે. બાળક તેના બચપણના દિવસો દરમિયાન જે કંઈ પણ નવું શીખે કે જાણે તેની અસર તેના આખા જીવન દરમિયાન થોડા અંશે તો રહે જ છે.

બાળપણની વાત કરતાં હોઈએ ત્યારે દાદીમાની વાર્તા અને તેની શિખામણો સૌપ્રથમ આપણને યાદ આવી જાય, પણ આજના જમાનાની વાત કરીએ તો એ વાર્તાઓ ક્યાંય ખોવાઈ ગઈ છે. પુસ્તકો અને બાળકો માત્ર પરીક્ષા પૂરતાં જ એકબીજાના પર્યાય બની રહે છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આવી પરિસ્થિતિમાં છેલ્લા છ વર્ષથી ખાસ બાળકો માટે ભારતમાં એક અનોખા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને ‘બુકારો ફેસ્ટિવલ’ નામ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં બાળકો પુસ્તકોનું મહત્ત્વ સમજે અને એકસાથે ઘણા બધા બાળકો તેમના પ્રિય લેખકો સાથે થોડો સમય વીતાવી શકે એ આશયથી આ પ્રકારના ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલના ડિરેક્ટર સ્વાતિ રોયના કહેવા પ્રમાણે, “બુકારો એ દિલ્હી શહેરમાં લોકોના આકર્ષણનું એક કેન્દ્ર બન્યું છે અને આ તો માત્ર શરૂઆત છે.” વળી, માતા-પિતાના આજના અભિપ્રાયોની ટીકા કરતાં તેઓ કહે છે કે, “તમે આજની પરિસ્થિતિની માત્ર ટીકા કરીને એમ નહીં કહી શકો કે બાળકો વાંચતા નથી. જે બાળકો ખરેખર જિજ્ઞાસુ છે તેઓ તો આજે પણ પુસ્તકો વાંચતા જ હોય છે.” આમ પુસ્તકપ્રેમીઓ તથા જેઓનો પુસ્તકો સાથેનો નાતો હજી સુધી બંધાયો નથી તેવા સૌ બાળકો માટે વાંચવા માટેનું એક અલગ જ વાતાવરણ તથા અભિગમ વિકસાવવા માટે આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. 

વર્ષ ૨૦૦૮માં કેટલાક પુસ્તકપ્રેમીઓ તથા અલગારી મિજાજના લોકોએ સાથે મળીને આ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી અને બુકારો ફેસ્ટિવલનું આજે જે સ્થાન છે તે તેમણે સપનામાં પણ કલ્પ્યું નહોતું. આજે દર વર્ષે નવેમ્બર મહિનામાં થતાં આ ફેસ્ટિવલ માટે બાળકો તથા વાલીઓ પણ રાહ જોતા હોય છે. બુકારો ઈન ધ સિટી (બીઆઈસી) શાળાના બાળકોમાં વાંચવા અંગેની સ્વતંત્રતા તથા ઉત્સાહ લાવે છે. આખા દેશમાં આટલા મોટા પાયા પર થતો આ એકમાત્ર ફેસ્ટિવલ છે. બીઆઈસીનું ધ્યેય વધુમાં વધુ શાળાના બાળકોને આ ફેસ્ટિવલનો ભાગ બનાવવાનું છે. વર્ષ ૨૦૦૮માં જ્યારે આ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી ત્યારે માત્ર આઠ શાળાઓ તેમાં સામેલ થઈ હતી. ત્યારબાદ તેમાં બીજી ૧૦૬ શાળાના લગભગ ૧૧,૫૦૦ બાળકો જોડાયાં અને આ વર્ષે નવેમ્બર મહિનાના અંત ભાગમાં ઉજવાયેલા આ ફેસ્ટિવલમાં આશરે ૧૫,૦૦૦ જેટલા બાળકો ભાગ લીધો હતો. 

આ વર્ષે બુકારો ફેસ્ટિવલ દિલ્હી, શ્રીનગર અને પુણે જેવા શહેરોમાં ઉજવાયો હતો, જેમાંબાળકો માટે એડલ્ટ ફિક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.આખા વિશ્વમાંથી ૧૪ જેટલા દેશોના લગભગ ૧૦૫ જેટલા સ્પીકરોએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો, જેમાં જર્મન લેખક કોર્નેલિયા ફંક, બ્રિટનની લેખિકા સેલી ગાર્ડનર, પાકિસ્તાની-કેનેડિયન લેખક મુશરફઅલી ફારૂગી અને રૂખસાના ખાન જેવા અનેક લેખકો, ઈલેસ્ટ્રેટરો તથા કવિનો સમાવેશ થાય છે. ભારતમાંથી બાળસાહિત્ય માટે જાણીતા રણજીત લાલ, અશોક બેન્કર અને પત્રકાર સ્વાતિ સેનગુપ્તાએ પણ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

આ ફેસ્ટિવલમાં વાર્તાકથન ઉપરાંત, ઈલેસ્ટ્રેટરની હાજરીમાં દીવાલો પર ડૂડલ દોરવા, શેફ વિકાસ ખન્ના પાસેથી બાળકો માટે ખાસ ‘ફાયરલેસ કૂકિંગ’ની ટ્રેઈનિંગ, ફિંગરપપેટ માટેનું ક્રાફટિંગ તથા ડિટેક્ટીવ ગેમ્સ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ માટે જરૂરી પુસ્તકોની સાથે બાળકો માટે અનેક મેગેઝિન તથા ન્યૂઝપેપરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વળી, બાળકોને પરમવીર ચક્ર જેવા દેશના મહત્ત્વના સન્માન તથા વિજેતાઓ માટે જાણકારી આપવા આર્મીના મેજર જનરલ આઈન કાર્ડોઝોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

ભારતમાં કવિયિત્રી અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ થયેલા સંપૂર્ણ ચેટરજી કહે છે કે, “મારો બુકારો સાથે ખૂબ ખાસ પ્રકારનો સંબંધ છે. હું નસીબદાર છું કે એક કરતાં વધુ વખત બુકારો ફેસ્ટિવલ માટે મને આમંત્રિત કરવામાં આવી. બુકારો એક એવી જગ્યા છે જ્યાં હું મારા પુસ્તકના યુવાન વાચકોને મળું છું, મારા પરિવાર તથા શાળાના જૂના મિત્રોને મળું છું. હું બાળકો માટે અવનવા પુસ્તકો ખરીદતી જ રહું છું. આ આખો માહોલ એક પિકનિક જેવો છે, છતાં તેમાં શીખવા અને જાણવા માટે ઘણી શ્રેષ્ઠવાતો રહેલી છે.” આ ઉપરાંત, બ્રિટનની એક બાળસાહિત્યકારે સંપૂર્ણની વાતમાં સૂર પૂરાવતા કહ્યું હતું કે, “મારા માટે ગર્વની વાત છે કે હું આ પ્રકારના ફેસ્ટિવલનો એક ભાગ છું. આ ફેસ્ટિવલમાં મને મળેલા સંતોષ અને ઉત્સાહની સાથે નાના નાના બાળકોના ચહેરા પર પણ એટલો જ આનંદ જોવા મળતો હોય છે. બુકારો ફેસ્ટિવલ એ ખરેખર એક ગર્વ લેવા જેવો ફેસ્ટિવલ છે.”

ગુજરાતી બાળ સાહિત્યને સમૃદ્ધ કરતાં દિગ્ગજો

આપણા દેશમાં બાળસાહિત્ય માટે જ્યારે આટલા મોટા પાયા પર કોઈ ફેસ્ટિવલનું આયોજન થતું હોય ત્યારે પ્રશ્ન થાય કે શું આપણી માતૃભાષામાં લખાયેલા કે પછી લખાઈ રહેલા ગુજરાતી બાળસાહિત્ય માટે આપણે જાગૃત છીએ? વાસ્તવમાં આ પ્રકારની ચળવળની શરૂઆત તો વર્ષો પહેલાથી જ આપણા ગુજરાતી સાહિત્યના દૂરંદેશીઓએ કરી દીધી હતી. બાળકો આપણું ભવિષ્ય છે અને તેમના થકી જ એક સ્વસ્થ સમાજની રચના થઈ શકે એવા વિચારો વર્ષોથી આપણા સાંભળતા આવ્યા છે, પરંતુ આ વિચારોને વાસ્તવમાં અમલમાં મૂકવાની શરૂઆત આપણા ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક યશવંત મહેતાએ ઘણા વર્ષ પહેલાથી કરી હતી. બાળ સાહિત્ય માટે કંઈક લખવા અને તેનો વ્યાપ વધારવા ‘બાળ સાહિત્ય અકાદમી’ની શરૂઆત થઈ. યશવંત મહેતાએ એમાં ઘણો મોટો ફાળો આપ્યો અને આજે પણ આ અકાદમીમાં બાળકો માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના અંતર્ગત આવનાર જાન્યુઆરી માસમાં અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદમાં બાળકો માટે ખાસ અધિવેશન યોજવાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ ઉપરાંત, ગુજરાતીમાં અનેક વાર્તાઓથી બાળકોને પ્રેરણા આપનાર બાળસાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદી પણ બાળકોમાં વાંચન પ્રત્યે રસ જાગે અને પુસ્તકો થકી તેમનું ઘડતર થાય એ અર્થે ઘણાં સમયથી કાર્યરત છે. તેમના કહેવા અનુસાર ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં દર વર્ષે બાળવાર્તા માટે ખાસ સ્પર્ધાનું આયોજન થાય છે. વળી, તેમાં વિજેતાઓની વાર્તાઓનું ખાસ પઠન પણ કરાવવામાં આવે છે. જુદી જુદી શાળાના બાળકોને ભેગા કરી આ પ્રકારની સ્પર્ધાથી તેમનામાં પુસ્તકો વાંચવા માટેનું પ્રેરકબળ તો પૂરું પાડવામાં આવે જ છે, પણ એ સાથે તેમની મૌલિકતા વધે એ માટેના પ્રયાસો પણ કરવામાં આવે છે. આ ઉપરાંત, નાટકો અને ગીતો જેવી પ્રવૃત્તિઓની મદદથી પણ બાળકોમાં પુસ્તકો વાંચવા માટેનો અભિગમ વિકસાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે નવસારીની લગભગ ૧૧૫ વર્ષ જૂની સયાજી લાઈબ્રેરીમાં તો છેલ્લા ૧૮ વર્ષથી બાળકો માટેનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ‘મને ગમતું પુસ્તક... બાળવાર્તાલાપ’ના નામે ચાલતા આ કાર્યક્રમના કેન્દ્રસ્થાને પુસ્તકો અને બાળકો જ છે. બાળકો પુસ્તકો સાથે કઈ રીતે વધુ ને વધુ સંકળાય એ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે અને આ માટે તેઓ દર મહિનાના બીજા શનિવારે બાળકો માટે ખાસ આ પ્રકારનો કાર્યક્રમ યોજે છે. આ કાર્યક્રમમાં પાંચ બાળકો તેમને ગમતાં પુસ્તકો વિશે લગભગ એક કલાક સુધી વાર્તાલાપ કરતાં હોય છે અને ત્યારબાદ ત્યાં ઉપસ્થિત અન્ય બાળકો, વાલી તથા શિક્ષકો આ બાળકો સાથે સંવાદ યોજે છે. વાર્તાલાપમાં ભાગ લીધેલા બાળકોને પુસ્તકને લગતી કેટલીક પૂરક વાતો કરવા માટે પણ ખાસ સમય ફાળવવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ બાળકો જ કરતા હોય છે. આ તમામ બાળકોને લાઈબ્રેરીના વાર્ષિક મહોત્સવમાં ખાસ સન્માનિત કરવામાં આવે છે અને વાર્તાલાપ દરમિયાન પૂછાયેલા શ્રેષ્ઠ પ્રશ્ન, તેના શ્રેષ્ઠ ઉત્તર તથા શ્રેષ્ઠ પૂરક માહિતી માટે ભેટરૂપે પણ પુસ્તકો જ આપવામાં આવે છે. આ ઉપરાંત,બાળકો માટે ક્રિયેટિવ રાઈટિંગ માટેના વર્કશોપ જેવા અનેક કાર્યક્રમો પણ થતાં જ રહે છે. આમ ગુજરાતીમાં બાળસાહિત્યને સમૃદ્ધ કરનાર અનેક ઉચ્ચ કોટિના લેખકો અને સાહિત્યકારો વર્ષોથી ઝઝૂમી રહ્યા છે. જરૂર છે તો માત્ર જાગૃત થવાની અને બાળકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરણા આપવાની. જો આમ થાય તો તેઓ મેઘાણી, દલપતરામ, નર્મદ જેવા દિગ્ગજોએ રચેલા સાહિત્યને માણી શકશે અને નવતર સાહિત્યનું સર્જન કરી શકશે.

Monday, December 2, 2013

આર્ટિસ્ટોએ નકામા બિલ્ડિંગને આર્ટ ગેલેરીમાં ફેરવી


બિલ્ડિંગના એક્સટિરિયરને પણ આર્ટિસ્ટોએ ઉત્તમ કલાકારીથી સજાવ્યું

કળા અને સાહિત્યની દુનિયામાં રોજેરોજ ‘અવનવા’ની વ્યાખ્યા બદલાતી રહે છે. વિશ્વભરમાં આ લોકો કળા અને સાહિત્યના નામે કંઈ કેટલાય પ્રયોગો કરતા રહે છે અને તેમના પ્રોત્સાહન માટે સરકાર પણ પોતાનો યથાશક્તિ ફાળો આપતી હોય છે. હાલમાં ફ્રાન્સના પેરિસ શહેરમાં પણ આવી જ એક અનોખી ઘટના બની, જેણે દુનિયાભરના ૧૦૦થી વધુ કલાકારોને એક છત નીચે ભેગા કર્યા હતા. 

થયુ એવું કે પેરિસ શહેરમાં ૧૦ માળની એક મોટી બિલ્ડિંગ (નવ માળ અને એક બેઝમેન્ટ)ને તોડી પાડવાનો સરકારે વટહુકમ જાહેર કર્યો, પરંતુ શહેરના એક કલાપ્રેમીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એણે એક ‘ક્રિએટીવ આઈડિયા’ વિચાર્યો. આ વિચારને હકીકતમાં તબદીલ કરવા સરકાર પાસે જરૂરી મંજૂરીઓ પણ તેણે મેળવી લીધી અને શરૂઆત થઈ એક અનોખા પ્રોજેક્ટ ‘ટુર ૧૩’ની! આ કલાપ્રેમી એટલે પેરિસની એક હાઈસ્કૂલના ભૂતપૂર્વ આર્ટ ટીચર અને પેરિસમાં જ ૧૦ વર્ષથી ‘આઈટિનરન્સ આર્ટ ગેલેરી’ ચલાવતા બેન શેખ. 

બિલ્ડિંગને આર્ટ ગેલેરીમા ફેરવવાનો ઈનોવેટિવ આઈડિયા આપનાર બેન શેખ
બેને જ્યારે બિલ્ડિંગના ડિમોલિશન વિશે જાણ્યું ત્યારે તેણે આ બિલ્ડિંગને એક ‘ટેમ્પરરી આર્ટ ગેલેરી’ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું અને આ રીતે પ્રોજેક્ટ ‘ટૂર ૧૩’ની શરૂઆત થઈ. બેને વિશ્વના દરેક ખૂણામાંથી લગભગ ૧૦૦થી પણ વધુ સ્ટ્રીટ આર્ટિસ્ટોનો સંપર્ક કર્યો અને બિલ્ડિંગના ડિમોલિશન પહેલા આખી બિંલ્ડિંગને આર્ટિસ્ટિક પેઈન્ટિંગ્સથી સજાવવાનો વિચાર તેમના સમક્ષ મૂક્યો. સૌથી મોટી વાત તો એ છે કે બિલ્ડિંગની સાથે તેમના ઉત્કૃષ્ટ નમૂનાઓ પણ ભોંયભેગા થવાની જાણ હોવા છતાં આ કલાકારોએ બેનના પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કર્યો અને કળાની દુનિયામાં એક બેનમૂન કૃતિનું સર્જન થયું. આ માટે બેનને સરકાર તરફથી ૬ હજાર ડોલર એટલે કે ચાર લાખથી પણ વધુ રૂપિયાની મદદ મળી હતી. બાકીના ખર્ચો ખુદ બેને અને ‘ટેમ્પરરી આર્ટ ગેલેરી’ વિકસાવવા માટે આવેલા અન્ય કલાકારોએ ઉઠાવ્યો હતો.
બિલ્ડિંગની એક દીવાલ પર દીવાલમાંથી બહાર ડોકિયુ કરતાં નિર્દોષ બાળકનું ચિત્ર


૧૦૦થી વધુ કલાકારોએ આવા અનેક એબસ્ટ્રેક્ટ આર્ટનો પરચો દેખાડ્યો

આ બે આંખ છે કે એક... મિરર વોલનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી દોરાયેલું ઉત્તમ ચિત્ર

આર્ટિસ્ટોએ બાથરૂમમાં કર્યા નવા ક્રિએશન
સંપૂર્ણપણે કળાને જ કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલી આ ગેલેરીમાં કલાકારોએ વિવિધ પ્રકારના ચિત્રોથી આ બિલ્ડિંગને જીવંત બનાવી છે. આશરે ૪,૫૦૦ સ્ક્વેર ફૂટ જેટલા મોટા વિસ્તાર પથરાયેલા દસ માળના આ બિલ્ડિંગમાં ૩૬ જેટલા એપાર્ટમેન્ટ્સ અને તેની સાથે સ્ટેરકેસ અને એક્સટિરિયર વર્ક માટે પણ આર્ટિસ્ટોએ મહત્ત્વની કામગીરી બજાવી હતી. અહીં બેડરૂમ, લિવિંગ રૂમ, બાથરૂમ, કિચન, ડાયનિંગ એરિયા, સ્ટેરકેસ, બિલ્ડિંગનું એક્સટિરિયર એમ લગભગ દરેકે દરેક ભાગને અલગ અલગ થીમ પર સજાવવામાં આવ્યા છે. કલાકારોએ પેટર્ન્સ, વિવિધ ચહેરાઓ, કાલ્પનિક પ્રાણીઓ, શિલ્પ વગેરેને ખૂબ જ કળાત્મક રીતે દીવાલો પર ઉતાર્યા હતા. વળી, કેટલાક કલાકારોએ એપાર્ટમેન્ટમાં હયાત વસ્તુઓને જ પોતાના ચિત્રોમાં સમાવીને કલાકારીના ઉત્તમ નમૂના રજૂ કર્યા હતા. આ ઉપરાંત, કેટલાક આર્ટિસ્ટોએ ઓપ્ટિકલ ઈલ્યુઝન(ભ્રમણા) ઉત્પન્ન કરતાં કેટલાક ચિત્રો પણ દોર્યા હતા. 
ઓપ્ટિકલ ઈલ્યુઝન ઊભાં કરતાં ચિત્રોને પણ સમાવાયા


બિલ્ડિંગના એક બેડરૂમમાં આર્ટિસ્ટે દર્શાવેલી ઉત્તમ કલાકારી
બિલ્ડિંગના એક કિચનમાં ઉત્તમ વોલ આર્ટનો નમૂનો
મોઝેઈક આર્ટનો ઉપયોગ કરીને પેઈન્ટ કરાયેલો લિવિંગ રૂમ

બેને તમામ કલાકારોને આ આખી ગેલેરી તૈયાર કરવા માટે સાત મહિના જેટલો સમય ફાળવ્યો હતો. મુગ્ધ કરી દે એવા અનેક ચિત્રોથી ગેલેરીમાં પરિણમેલી આ બિલ્ડિંગ ઓક્ટોબર માસમાં લોકો સમક્ષ ખુલ્લી મુકાઈ હતી અને હવે વર્ષના અંત સુધીમાં તેને ડિમોલિશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કલાકારોને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક કલાકારે જણાવ્યું હતું કે, “આ તો જીવનનો જ એક ભાગ છે. તમે ક્યારેક અન્ય માટે કંઈક કરો છો અને એ વ્યક્તિ તે વસ્તુને બિરદાવે છે અને ત્યાં જ તમને તમારું વળતર મળી જાય છે.”