Saturday, December 13, 2014

યે હૈ બમ્બઈ મેરી જાન...


સામાન્ય રીતે નવું વર્ષ એટલે ક્યાં તો દિવાળીનો બીજો દિવસ અથવા તો ૩૧ ડિસેમ્બર પછીનો પહેલો દિવસ. પણ મારા માટે આ વર્ષનું નવું વર્ષ એટલે ૧૫મી ઓગસ્ટ... દેશની સ્વતંત્રતા સાથે મારી સ્વતંત્રતાનો દિવસ. સ્વતંત્રતા મારા ઘર, મારા માતા-પિતા, મારા મિત્રો અને મારા શહેરથી... સ્વતંત્રતા મારા વર્ષો જૂના સપનાંને પૂરા કરવાની અને સ્વતંત્રતા મારા જીવનને મારા નિયમો પર જીવવાની...
આજે લગભગ ચાર મહિના સુધી આ સ્વતંત્રતાનો સ્વાદ ચાખ્યા પછી સ્વતંત્રતાની બીજી બાજુ સ્પષ્ટપણે અનુભવાય છે.

.....પણ પહેલી બાજુ કઈ?

વેલ, પહેલી બાજુ એ જ કે પોતાને આયેશા ગણી મુંબઈના રસ્તાઓ પર ફરવું, નીતનવા પ્રયોગો કરવા. મુંબઈની રેસ્ટોરન્ટ અને જાણી-અજાણી કેફેટેરિયામાં થોડી ઘણી હોંશિયારી મારવા લેપટોપ સાથે બેસવું. નવી સ્ટોરીનો પ્લોટ વિચારવો અને એક પબ્લિશ્ડ રાઈટર જેવા એટિટ્યૂડમાં બ્લેક કોફીની ચૂસ્કી લેવી.

સબવે, સીસીડીમાં રોજ સાંજે ધામો નાખવો અને સ્વતંત્રતાની હવાનો ભરપૂર આનંદ લેવો. પબ્લિક ટ્રાન્પોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવો. લોકલમાં જુદા-જુદા સ્ટેશન પર ચડતી ઉતરતી મહિલાઓની ખાસ સાઈન લેંગ્વેજ શીખવી. શરૂઆતમાં ગાળ ખાવી, પણ ધીમે ધીમે એમની સિસ્ટમમાં ગોઠવાતાં જવું.

સ્વતંત્રતા એટલે જ્યારે પહેલીવહેલી વાર મુંબઈની લોકલમાં જાતે સફળતાપૂર્વક (એક પણ ગાળ ખાધા વિના) ટ્રાવેલ કર્યા બાદ ચહેરા પરનું સ્મિત. ચિક્કાર ભરેલા ડબ્બામાં પણ હવે ચઢી જવાની આવડત કેળવી લીધી છે, એ વાતની ખુશી અથવા તો હવે સ્ટેશન પર લોકો તમને જ્યારે બહેન ઈસ્ટ આ બાજુ ને?’ એવું પૂછે ત્યારે પોતે મુંબઈના જાણકાર(એમની નજરમાં) હોવાનો આનંદ.

તો બીજી બાજુ કઈ?

સ્વતંત્રતાની બીજી બાજુ એટલે જીવનના હજી સુધીના વીતેલા સમયનો રોજ એક એપિસોડ મમળાવવો. બનેલા કિસ્સાઓ અને ઘટેલી ઘટનાઓની સાથે છૂટેલી વ્યક્તિ સાથેના સમયની યાદગીરી. લીધેલા નિર્ણયો અને તેમાંય ભૂલો વિશે સ્પષ્ટતાથી અને ખાસ કરીને તો તટસ્થતાથી વિચારવું.
પોતાની જાત સાથે પ્રામાણિકતાથી વર્તન કરવા શીખવું.

મા-બાપની જૂની વાતો યાદ આવતાં અચાનક સમજદાર બન્યાની મજબૂત લાગણી અનુભવવી. સ્વતંત્રતાની બીજી બાજુ એટલે મિત્રો અને માતા-પિતાની ખરી કદર થવી.

ક્યારેક ભૂલચૂકમાં આંખમાં પાણી દેખાઈ કે મોઢું ઉતરેલું દેખાય ત્યારે મમ્મીના પ્રશ્નો, જે પહેલાં ઈરિટેટ કરતાં હતા, તે હવે યાદ આવવા. મિત્રો અને માતા-પિતાની કાળજી જે પહેલાં ઓવરપ્રોટેક્શન લાગતી તેને હવે માત્ર પ્રોટેક્શન ગણવા લાગવું.
સ્વતંત્રતાની બીજી બાજુ એટલે વર્ષોથી માતા-પિતાએ આપેલી સોનાની અદૃશ્ય ગાદીનો રોજેરોજ અનુભવ કરવો.  

દર વખતે એટીએમમાં જવાના વિચારથી જ પગ ઠંડા પડી જવા! મહિનાની શરૂઆતમાં બિલ્સના આંકડાં જોઈ હજી સુધી કદી ન અનુભવાયેલી મોંઘવારી અનુભવવી. સ્વતંત્રતાની બીજી બાજુ એટલે ખાવાનાની સુગંધને પણ મિસ કરવું. 

સ્વતંત્રતાની કિંમત ઘણી મોટી છે. આયેશાના આર્ટિકલમાં એક વાક્ય હતું, યે શહેર જીતના સુંદર હૈ, ઉતના સખ્ત ભી હૈ મુંબઈની કઠોરતા હવે બખૂબી અનુભવાય છે. પણ છતાં મુંબઈનો લગાવ અકબંધ છે.


સ્વતંત્રતા વ્યક્તિને મજબૂત બનાવે છે તો બીજી બાજુ લાગણીથી તરબોળ પણ કરી દે છે. સ્વતંત્રતાની વ્યાખ્યા નિયમોથી મુક્ત કે આઝાદી નથી. સ્વતંત્રતા એટલે જાતે પસંદ કરેલો એવો રસ્તો છે, જ્યાં તમે જ તમારા સૌથી મોટા મિત્ર અથવા દુશ્મન છો. સ્વતંત્રતાથી મળતી એકલતા જીવનની છૂટી ગયેલી વ્યક્તિ અને એવી તમામ વ્યક્તિની મહત્તા સમજાવે છે, જેને સો કોલ્ડ બંધન કહેવાતા સમયમાં ધરાર અવગણી હોય. સ્વતંત્રતાની એક બાજુનો ભરપૂર આનંદ છે, પણ તેની બીજી બાજુ ઘણી કઠોરતાથી આ શહેર સમજાવી રહ્યું છે. પણ સ્વતંત્રતા એ એવો નશો છે, જેનો સ્વાદ એક વાર ચાખી લીધા પછી તેની આદત એવી પડે છે કે ગમે તેટલા રોદણા રડ્યા પછીય સ્વતંત્રતાથી મુક્તિ મેળવી અશક્ય બની જાય છે.

Tuesday, September 23, 2014

મુંબઈ એટલે...


'વેક અપ સિડ'માં આયેશાના મુંબઈ વિશેના આર્ટિકલનું દૃશ્ય જ્યારે પહેલી વાર જોયલું ત્યારે રૂંવાટા ઊભા થયેલા, આંખોમાંથી રોકવા છતાં આંસુઓનો દરિયો વહેલો! અંદરથી 'સાલું આવું જ કંઈક કરવું છે'નું જોમ આવેલું. પણ એન્જિન્યરિંગના થોથામાં એ ફરી દબાઈ પણ ગયેલું. છતાં જ્યારે જ્યારે એ દૃશ્ય જોતી, બસ મજા આવી જતી. એના થોડા વર્ષોમાં એન્જિન્યરિંગ છોડવાના 'ક્રાંતિકારી' નિર્ણય સાથે લખવા તરફ વળી, પણ એ નહોતું વિચાર્યું કે મુંબઈ જ જવું છે. સમય વહેતો ગયો, સપનાં વધતાં ગયા અને આંખો ભરાતી ગઈ. નવા નવા તંતુઓ બંધાયા અને કેટલાક જૂના છૂટતાં ગયા. અંતે આજે એક હકીકત છે... મુંબઈ... અને મારા મતે મુંબઈ એટલે...

મુંબઈ એટલે ભરચક વાહનોવાળા રસ્તા પર બાજુના વોકિંગ ટ્રેક પર વહેલી સવારે કાનમાં ઈયર પ્લગ્સ નાંખીને જૂના ગીતો સાંભળવાં અને ઉપર આકાશ તરફ જોઈ ભીની આંખે આ હકીકતને ભરપૂર માણવી...

મુંબઈ એટલે રોજ સવારે ઊઠીને મમ્મીના 'ગુડ મોર્નિંગ' મેસેજને વાંચીને મનમાં ને મનમાં જ ખુશ થવું...

મુંબઈ એટલે પોતાના નવા ઘર(શેયર્ડ ફ્લેટ...??)માં પોતાની જ વસ્તુઓ માટે ટ્રેઝર હન્ટિંગ કરવું...

મુંબઈ એટલે ચાલતાં ચાલતાં હજારો નવા 'નંગો'ને જોવા અને ક્યારેક રસ્તાની બાજુએ પડેલા-પ્રાણી કરતાં પણ ખરાબ સ્થિતિમાં પડેલા- માણસોને જોઈને બે ઘડી થંભી જવું...

મુંબઈ એટલે રોજ ઓફિસના લંચ અવરમાં જુદા જુદા રેસ્ટોરાંના મેનુ કાર્ડનો 'ગહન અભ્યાસ' કરવો...

મુંબઈ એટલે ઓફિસથી ઘર સુધીના વોકિંગ ટાઈમ પર ફોનનું કોન્ટેક્ટ લિસ્ટ સ્ક્રોલ કરવું અને લકી ડ્રો કરી રોજ કોઈકનું માથું ખાવું...

મુંબઈ એટલે ઘર પાસેના વિસ્તારમાં થોડી બબાલ થતાં સહેજ સહેમી જવું, છતાં હિંમત ભેગી કરવી અને અંતે નજીકના જનરલ સ્ટોરમાં જઈ વ્હીસલ ખરીદવી...

મુંબઈ એટલે ઓફિસથી ઘરે પહોંચવા માટેનો ગલી-ગલીવાળો રસ્તો રોજ એક્સપ્લોર કરવો અને રોજ કોઈક નવી ગલીમાંથી ઘરને શોધવું...

મુંબઈ એટલે પહેલીવહેલી વાર IRCTC પર ટ્રેનની ટિકિટ બુક કરાવવા જવું અને વેઈટિંગ લિસ્ટ જોઈને મનમાં જ અસલ સુરતી બોલવી...

મુંબઈ એટલે જનરલની ટિકિટ લઈ ટ્રેનના એસી ડબ્બા માટે ટીસીને આજીજી કરવા મનમાં ને મનમાં હજારો વિચારો કરવા, તડકામાં તપીને ટ્રેનની રાહ જોવી અને જ્યારે ટ્રેનના એસી ડબ્બામાંથી સહેજ, માત્ર એક સેકન્ડ માટે ઠંડો પવન શરીર પર સ્પર્શ થતાં મનમાં નવું જોમ આવવું ને વિચારવું 'સાલું કંઈ પણ થાય... ટીસીને પટાવી લઈશ, પણ બેસીશ તો અહીં જ...'

મુંબઈ એટલે થોડી થોડી ખુશીમાં એકલા(મજબૂરી અફકોર્સ) બીયર( અગેઈન... મજબૂરી અફકોર્સ) પીવો...

મુંબઈ એટલે પૃથ્વી થિયેટર પર મિત્રો સાથે કટિંગ પીવી...

મુંબઈ એટલે મરિનલાઈન્સ પર બેસી મોબાઈલના પ્લે-લિસ્ટના મનપસંદ ગીતો સાથે મન મૂકીને રડવું...


મુંબઈ એટલે પળે-પળે સ્વપ્નોને જીવતાં હોવાનો અહેસાસ કરવો... (ભાઈ 'ટચવુડ' મનમાં જ બોલી લેવું)

મુંબઈ એટલે કેફેમાં અમસ્તા જ બેસી બ્લેક કોફી સાથે કંઈક મહત્ત્વનું કામ કરતાં હોવાનો ડોળ કરવો...

મુંબઈ એટલે બસમાં આગળના દરવાજાથી વારંવાર ચડતાં એકવાર ડ્રાઈવરની ખીજ સાંભળવી-'પીછે સે ચઢના નહીં હોતા ક્યા??'

મુંબઈ એટલે નવા મિત્રો બનાવી એમના કિસ્સાઓ સાંભળવા...

મુંબઈ એટલે પોતાના જેવા જ અલ્લડ મિજાજના મિત્રો સાથે રિક્ષામાં બેસી જોરજોરથી ગીતો ગાવા...

મુંબઈ એટલે પોતાના જ માતા-પિતાથી વધુ નજીક જવાનો અનુભવ કરવો...

મુંબઈ એટલે સુરતના 'નકામા' યારોને કંઈક વધારે પડતું જ મિસ કરવું...

મુંબઈ એટલે ૧ બીએચકેના ફ્લેટમાં ક્યારેક એકલા પડી ધ્રુસકે- ધ્રુસકે રડી લેવું...

મુંબઈ એટલે ઘરના શાક-રોટલીની કદી ન સમજાયેલું મહત્ત્વ સમજવું...

મુંબઈ એટલે પાણી સાથે મનમાં વિચારોનોય એક વિશાળ દરિયો વહેતો કરવો...

મુંબઈ- સપનાંનું શહેર. મારા જેવી કેટકેટલીય યુવતીઓ આંખોમાં સમાય નહીં એટલા સપનાં લઈને આ શહેરમાં આવે છે, રહે છે, જીવે છે અને ક્યારેક ખોવાય પણ જાય છે. હું હજી ત્રીજા તબક્કા પર છું, જીવી રહી છું આ શહેરને, અહીંના વાતાવરણને, અહીંની હવાને અને અહીંના લોકોને. મારે ખોવાવું નથી. કારણ કે ખોવાઈ જવું મને પરવડે એમ નથી. આંખોમાં સપનાં ભરીને જીવવું છે. હાથ ફેલાવીને આ શહેરને પોતાનું બનાવવું છે. મુંબઈના એક મહિનાની યાદોનું લિસ્ટ ઘણું લાંબુ છે, પણ મુંબઈને વર્ણવવા માટે કદાચ આટલી યાદો હમણાં પૂરતી છે! :)

Wednesday, August 6, 2014

'કાન્તિ ભટ્ટથી કોઈએ પ્રભાવિત થવાની જરૂર નથી'

  કાન્તિ ભટ્ટ સાથે હું અને  અંકિત દેસાઈ(ડાબે) 
ગુજરાતી પત્રકારત્વના ઘણા પ્રકાર છે, જેમાંનો એક પ્રકાર છે ‘કાન્તિ ભટ્ટ ટાઈપ’નું પત્રકારત્વ! અત્યાર સુધીમાં તેમણે સેંકડો નહીં, પરંતુ હજારોની સંખ્યામાં લેખો લખ્યાં છે. તેમના પુસ્તકોની સંખ્યા બસોને આંટી જાય એટલી છે, જેમાં ‘દિલ તો પાગલ હૈ’, ‘જીવન એક સંઘર્ષ’, ‘સુવર્ણરેખા’, ‘તમારી જાતને વફાદાર તો રોજ દિવાળી’, ‘ચેતનાની ક્ષણે’, ‘સ્વસ્થ રહો, સુખી રહો’, ‘આહ! જિંદગી... વાહ! જિંદગી’, ‘જીવન જીવવાની કળા’, ‘પ્રેરણાદર્શન’ વગેરેનો સમાવેશ થાય છે. હજુ ગયા મહિને જ તેઓ પંચ્યાસી વર્ષના થયાં અને આજે પણ તેઓ દિવસના બેથી વધુ લેખો લખે છે. સ્થિતપ્રજ્ઞ કહી શકાય એવા કાન્તિ ભટ્ટે પત્રકાર તરીકેની તેમની કારકિર્દીમાં દાઉદ ઈબ્રાહિમથી લઈને ઓશો રજનીશ સુધીના વિવિધ ક્ષેત્રોના લોકોના ઈન્ટરવ્યુ તેમજ દિલધડક ઘટનાઓનું સ્પોટ રિપોર્ટિંગ કર્યું છે અને આમ છતાં તેઓ સ્વીકારે છે કે તેમણે જીવનમાં બીજાઓથી કંઈ વિશેષ કર્યું નથી. તેઓ તેમના દરેક અનુભવોને સમાન ગણાવે છે. મુંબઈ જેવા શહેરમાં અલગારી થઈને રહેવું અત્યંત કપરું છે પરંતુ કાન્તિ ભટ્ટ બોરીવલીમાં સાતમે માળે આવેલા તેમના ફ્લેટમાં દુન્યવી બાબતોથી અલિપ્ત રહીને લેખન અને પત્રકારત્વની ધૂણી ધખાવીને બેઠા છે. આને કદાચ ગુજરાતી પત્રકારત્વનું નસીબ જ કહેવાય કે સાધુ થવા નીકળેલા કાન્તિ ભટ્ટે કોઈક કારણસર વિચાર માંડી વાળ્યો અને પત્રકારત્વમાં આવ્યા. પછી જે થયું તેને ‘રેસ્ટ ઈઝ અ હિસ્ટ્રી’ એવું કહી શકાય. ‘ગુજરાત ગાર્ડિયન’એ તેમની મુલાકાત લીધી ત્યારે તેમણે અમારી સાથે માંડીને વાતો કરી અને તેમના ભૂતકાળને પણ વાગોળ્યો. તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે:

આટલા વર્ષોના અનુભવ પછી તમે પત્રકારત્વને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો?

આજના માહિતી અને જ્ઞાનના યુગમાં પત્રકારત્વ એ સૌથી ઉત્તમ ક્ષેત્ર છે. આજે તો બધા હવે પૈસા કમાવવામાં પડ્યા છે. પત્રકારત્વમાં પણ કેટલાક લોકો માત્ર પૈસા કમાવાના આશયથી જ આવે છે. પહેલાના સમયમાં પત્રકારત્વમાં એટલા પૈસા ન હતા ત્યારે તો પત્રકારે ગાંઠના ગોપીચંદન પણ કરવા પડતા પરંતુ હવે તો કોલમિસ્ટોને પણ ઘણા પૈસા મળે છે. ખરેખર પત્રકારત્વ તો એક મિશન હોવું જોઈએ પરંતુ એ બહુ દુઃખદ વાત છે કે આજે કેટલાક પત્રકારો ઉદ્યોગપતિઓ અને સરકારને ખુશ રાખવામાં તેમજ વગદાર લોકોના હિતોની જાળવણી કરવામાં રચ્યાંપચ્યાં રહે છે. આટલા વર્ષોના અનુભવ પછી હું આ તારણ પર પહોંચ્યો છું.

તમે પત્રકારત્વ કેમ પસંદ કર્યું?

તમે આપણા કાઠિયાવાડના લોકોની એક ખૂબી વિશે તો જાણતા જ હશો. કાઠિયાવાડમાં લોકો માતાના પેટમાંથી જ પત્રકારત્વ શીખીને આવતા હોય છે. એકે જાણેલી વાત બીજાને કહેવી એ અમારા સ્વભાવમાં હોય છે. પણ હા, એમાં મારી કે તારી પંચાતનો ભાવ નથી હોતો. હું તો ચાર વર્ષનો હતો ત્યારથી જ પત્રકાર હતો. અમારા ગામની ગ્રામપંચાયતમાં પત્રકાર જેવું કામ કરતો. હું પંદર વર્ષનો હતો ત્યારે તો એક મેગેઝિનનો તંત્રી હતો. આ ઉપરાંત તે સમયે ભાવનગરથી પ્રકાશિત થતા ‘ભાવનગર સમાચાર’માં રિપોર્ટિંગ પણ કરતો અને તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ બધુ હું કોઈ પણ જાતના આર્થિક સ્વાર્થ કે વળતરની આશા વિના કરતો. એટલે બીજાઓની તો ખબર નથી પરંતુ હું સો ટકા એવું કહી શકું કે પત્રકારત્વ મારા લોહીમાં જ છે.

પરંતુ વ્યવસાય તરીકે મેં પત્રકારત્વ કેમ પસંદ કર્યું એ પાછળ બહુ રસપ્રદ કથા સંકળાયેલી છે. એટલે અહીં એમ પણ કહી શકાય કે હું એક્સિડન્ટલી પત્રકારત્વમાં આવી ગયો. આનો જવાબ ઘણો લાંબો છે એટલે હું તમને વિગતે જણાવીશ. હું મારા કાકાને પૈસે ભણ્યો અને અને તેમની મદદથી જ હું બીકોમ પણ થયો. પછી તેમણે મલેશિયામાં નવી પેઢી ખોલી એટલે તેમણે મને ત્યાં બોલાવી લીધો. એમના સાત છોકરા હતા અને મને તેમણે આઠમો દીકરો માન્યો, સાચવ્યો પણ ખરો. હું ત્યાં આઠ વર્ષ રહ્યો અને મારી સાથે એવું હતું કે હું જે કામ કરતો એમાં પારંગત થઈ શકતો. તે સમયે એ પેઢીમાં બીજા પણ એક ભાઈ કામ કરતાં હતા અને તેમણે મારું કામ જોયેલું. એટલે એક દિવસ એમણે મને કહ્યું, “કાન્તિ, તું કેટલું ધ્યાન દઈને કામ કરે છે. પણ જો આમ ને આમ કામ કરતો રહીશ તો મરી જઈશ. તું તારો ભાગ માગ.” એટલે મેં કાકા પાસે એક પૈસો ભાગ માગ્યો, રૂપિયામાં એક પૈસાનો ભાગ માગ્યો! પણ એની તો ઘણી અવળી અસર થઈ. જ્યારે હું કાકા સાથે કામ કરવા ગયો ત્યારે હું તેમનો આઠમો દીકરો હતો, પણ જ્યારે મેં ભાગ માગ્યો ત્યારે તેમણે મને ‘જસ્ટ ગેટ આઉટ’ કહીને કાઢી મૂક્યો. મેં મારો બધો અસબાબ લીધો ને ત્યાંથી નીકળીને સીધો અહીં આવી ગયો. મને સમાજ પ્રત્યે રીતસરનો તિરસ્કાર થઈ ગયો. મલેશિયા જતાં પહેલા મેં થોડો સમય ઉરૂલીકાંચનમાં સેવક તરીકે ફરજ બજાવી હતી. ઉરૂલીકાંચનમાં ગાંધીજીનો નિસર્ગોપચાર આશ્રમ હતો અને હું ત્યાં અડસઠ રૂપિયાના પગાર સાથે સેવા કરતો. પછી કાકાએ બોલાવ્યો એટલે મલેશિયા ગયો અને એમણે મને ત્યાંથી કાઢી મૂક્યો એટલે ફરી હું અહીં આમ-તેમ ફરવા લાગ્યો. હું મનથી ઘણો ભાંગી ગયો હતો. એટલે મેં ઋષિકેશ જઈને બાવા બનવા માટે મન બનાવી લીધું હતું. મને હવે જિંદગીમાં રસ નહોતો અને કાકાએ મારા લગ્ન પણ મને પસંદ નહોતી એ છોકરી સાથે કરાવી દીધા હતા, જે મને ડિવોર્સ આપતી નહોતી. પણ મારે આ રીતે જિંદગી જીવવી નહોતી. એટલે મેં શિવાનંદજીને એમની પાસે આવવાની પરવાનગી માગી અને એમણે ‘આજા બચ્ચા’ કહીને મને સ્નેહપૂર્વક આવકાર્યો અને પૈસાનો તો મને ક્યારેય મોહ નહોતો.

આ પિસ્તાળીસ વર્ષ પહેલાની વાત છે. પણ મારી બહેનને આ ખબર પડી ત્યારે તે રડવા લાગી. એ કહે, ‘ભાઈ, તમે શું કામ જાઓ છો? તમે આટલું ભણેલા છો, આટલો અનુભવ છે તો પછી તમારે સાધુ શા માટે થવું છે?’ આમ, બહેનની લાગણીને માન આપીને સાધુ બનવાની ઈચ્છા મેં માંડી વાળી. અને બહેન સાથે રહેવા માંડ્યો. હવે અહીં રહું એટલે મારે કંઈક તો કરવું પડે ને? એટલે જીવરાજાણીકાકા કરીને અમારા એક ઓળખીતા હતા, તેમને મેં કોઈ નોકરી માટેની વાત કરી. તેમણે મને કહ્યું કે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં બાર હજારની એક નોકરી છે. પણ મને એવી નોકરીમાં રસ નહોતો એટલે મેં બેંકની નોકરી માટે ના પાડી દીધી. ત્યાર પછી તેમણે મને કોરાકેન્દ્રમાં મેનેજરની છ હજારના પગારવાળી નોકરી માટે કહ્યું, મેં ત્યાં જઈને જોયું તો ત્યાં ભ્રષ્ટાચાર ખૂબ હતો. એટલે મેં આ નોકરી માટે પણ નનૈયો ભણ્યો. અંતમાં તેમણે મને કહ્યું કે એક નોકરી છે, જેમાં પગાર પેઠે માત્ર એકસો નવ્વાણું રૂપિયા મળશે. મેં પૂછ્યું કઈ? તો તેઓ કહે કે ‘જન્મભૂમિ’માં પત્રકારની નોકરી છે. એટલે મેં તેમને કહ્યું કે મને આમાં રસ છે. આમ, મેં ‘જન્મભૂમિ’માં વ્યાપારના સબએડિટર તરીકે નોકરી શરૂ કરી અને હું આ રીતે પત્રકાર બન્યો.
કાન્તિ ભટ્ટની પુસ્તકોથી ઘેરાયેલી બેસવાની જગ્યા 
આ ઉંમરે પણ લખતા રહેવું એને શોખ કહેશો કે હવે લખવું એ એક જરૂરિયાત છે?

 (હવામાં તેમનો હાથ હલાવીને અસલ કાન્તિ ભટ્ટ અંદાજમાં!) હોબી બોબી કશું નહીં. હોબી વળી કેવી? લખાય છે એટલે લખું છું અને આજે પણ પત્રકારત્વ એ મારા માટે એક ફરજ અથવા મિશન છે. મારા ઘરની સંભાળ રાખવા આવતા આ હેમા બોરિચા સવારે સાડા આઠે આવે અને બપોરે એક વાગ્યે ચાલ્યા જાય. વળી સાંજે પાંચ વાગ્યે આવે અને સાડાસાત વાગ્યે ચાલી જાય. બાકી બધા સમયમાં હું સાવ એકલો. જો લખું નહીં તો કરું શું? બીજું એ કે જે લખું છું એ બધું વંચાય છે અને લોકોના ખપમાં આવે છે. રાજકોટના દિનેશ તિરવા કરીને એક ભાઈ છે, જેઓ મને ઘણી મદદ કરે છે. તેઓ મને નિતનવા પુસ્તકો મોકલે છે, તે બધા હું વાચું અને એમાંથી કંઈક ઉપયોગમાં આવે એમ હોય તો એના પર લેખ લખું. આજે જે હું દૈનિક કટારો લખું છું એને મેં એક ચેલેન્જ તરીકે લીધી છે. રોજ કોઈ છાપામાં નિયમિત લેખો લખવા એ કંઈ ખાવાના ખેલ નથી. પરંતુ મને આમાં મજા આવે છે, એટલે એક પણ દિવસનો ખાડો પાડ્યા વિના હું લેખો લખું છું.

એવો કોઈ વિષય ખરો, જેના પર કાન્તિ ભટ્ટે લેખ લખ્યો ન હોય?

(થોડું હસીને) તમે જ મને એવો વિષય બતાવો કે જેના પર મેં નહીં લખ્યું હોય. તમે જોયું હશે કે મેં તમામ વિષયો પર લેખો લખ્યાં છે. હું ૨૦% લેખો હેલ્થ પર લખું, કેટલાક અધ્યાત્મ પર લખું. આ ઉપરાંત વિજ્ઞાન, રાજકારણ, રમતજગત, વૃક્ષો-વનસ્પતિ, ઢોર-ઢાંખર બધા જ વિષયો પર મેં લખ્યું છે. જો મારાથી કોઈ વિષય રહી જાય તો ભગવાન મને માફ નહીં કરે.

તમે લખતી વખતે કોનું ધ્યાન રાખો? વાચકોનું કે તંત્રી-અખબારના હિતોનું?

હું તો તમામ લેખકો-પત્રકારોને એમ જ કહીશ કે ક્યારેય કોઈથી ડરવું નહીં. જે સાચું હોય એ જ લખવું. પણ પછી જડભરતની જેમ એક જ વાતને વળગી રહીને સતત કોઈની નિંદા પણ નહીં કરવી. તેની સારી બાજુઓ પીછાણીને તેને પણ બિરદાવવી. હવે મને ખબર છે કે હું કોઈના વિશે છેક ઘસાતું લખું તો એ મારા તંત્રી નથી જ છાપવાના. એટલે જરૂરિયાત મુજબની ટીકા લખવાની. મેં મારા તંત્રીઓમાં એક ઈમ્પ્રેશન પાડી છે કે કાન્તિ ભટ્ટ કોઈથી પણ ડર્યા વગર લખે છે, જોકે હું એની બડાઈ પણ નથી મારતો. આજ સુધી મારા કોઈ લેખ રિજેક્ટ થયાં હોય એવું બન્યું નથી. આથી મારે આજ સુધી કોઈના હિતોની ચિંતા કરવાની જરૂર પડી નથી. જોકે મને અહીં સ્પષ્ટ કરવા દો કે મેં બીજા બધા લેખો કરતા રાજકારણ પર ઓછા લેખો લખ્યાં છે. રાજકારણની પંચાતમાં હું બહુ નથી પડતો. પણ જ્યારે હું આ વિષય પર લખું છું ત્યારે મારા માટે રાજકારણમાં જે-તે વ્યક્તિનું કદ કેવું છે એ મહત્ત્વનું નથી હોતું. મારા માટે તો વાચક જ મહત્ત્વનો છે અને તેના માટે કઈ જાણકારી મહત્ત્વની છે એનું જ હું ધ્યાન રાખું છું. તાજેતરમાં મેં લખેલા એક લેખમાં મેં રાજનાથ સિંઘના વખાણેય કર્યા. એટલે પરિસ્થિતિને યોગ્ય રીતે મૂલવીને ડર્યા વિના વખાણ અને ટીકા બંને કરવી જોઈએ. 

તમારા બે વાર્તાસંગ્રહો પ્રકટ થયાં છે. આ ઉપરાંત તમે નવલકથાનું એક પ્રકરણ પણ લખ્યું. સાહિત્ય વિષયક ઓછું લખવાનું કંઈક વિશેષ કારણ?

વાર્તા કે નવલકથા લખવા કે તેના માટે વિચારવા માટે જે સમય જોઈએ, એ મારી પાસે નથી. આ ઉપરાંત હું ગુજરાતના કેટલાક વાર્તાકારોની જેમ નસીબદાર નથી કે તમે લખતા હો ત્યારે તમારી અડખેપડખે તમારી સગવડ સાચવવા માટે બે-ત્રણ લોકો હોય અને સાચું કહું તો રોજિંદા લેખનમાં અને કોલમો સાચવવામાં જે મજા છે એવી મજા બીજા કોઈમાં નથી. મને આવું લખવાથી એક પ્રેરકબળ મળે છે અને ભાઈ, વાર્તા તો ઘેર ગઈ, મને મારી આત્મકથા લખવાનીય ઘણી ઈચ્છા છે. હું અત્યંત ઘટનાપ્રચુર જીવન જીવ્યો છું, એ પણ કોઈ વાર્તાથી કમ નથી. મેં કેટલીય છોકરીઓને પ્રેમ કર્યો, કેટલીય છોકરીને ભગાવી છે. હું દુનિયાના એસી દેશોમાં ફર્યો છું. થાઈલેન્ડના વેશ્યાવાડામાં પણ ફર્યો છું. જીવનનો કોઈ પણ અનુભવ મેં બાકી રાખ્યો નથી. પણ આ બધું લખવા માટે સમય ક્યાંથી લાવું? એટલે હાલમાં તો મને એવું નથી લાગતું કે હું મારી આત્મકથા લખી શકું.

આજનું કાન્તિ ભટ્ટનું ઘર એ ભવિષ્યનું ‘શક્તિ જ્ઞાનમંદિર’  
તમારી પાસે એક પબ્લિક લાઈબ્રેરી થાય એટલા બધા પુસ્તકો છે. ભવિષ્યમાં આ બધા પુસ્તકોનો વારસદાર કોણ?

પૈસાની દૃષ્ટિએ જોવા જઈએ તો મારા તમામ પુસ્તકોની કિંમત બે કરોડની આસપાસ થાય. પરંતુ મારે આમાનું કશું વેચવું નથી. મારે આ ઘરને મારી દીકરી શક્તિના નામ પરથી ‘શક્તિ જ્ઞાનમંદિર’ નામ આપવું છે. અહીં કોઈ પણ આવીને બેસી શકશે અને મનફાવે ત્યાં સુધી વાંચી શકશે. (ખડખડાટ હસીને) પરંતુ એક ખાસ ટકોર, કે અહીંથી કંઈ ઊઠાવી નહીં જતા. અનેક પુસ્તકો ઉપરાંત મારી પાસે વિશ્વના આઠ જાતના એનસાઈક્લોપીડિયા છે અને એક હજાર પુસ્તકો થાય એટલા તો મારી પાસે લેખો પડેલા છે. આ બધાનું આર્થિક મૂલ્ય ઘણું છે પરંતુ મેં આગળ કીધું એમ મને પૈસાનો જરાય મોહ નથી. બાકી તો આ હેમાબહેન મારા ઘરનું અને આ બધા પુસ્તકોનું ધ્યાન રાખશે અને મારા લેખો તેમજ રોયલ્ટીમાંથી તેમને પૈસા મળતા રહેશે. 

તમે ઈશ્વરનો પણ ઈન્ટરવ્યુ કરવાનું કહેતા હતા. તો ઈશ્વરને મળશો ત્યારે તમારા પ્રશ્નો શું હશે?

હું તેમને પૂછીશ તો ખરો જ કે તમે સાચા છો કે બનાવટી? આ દુનિયા બનાવી જ છે તો માણસને દુ:ખ શું કામ આપ્યું? માણસને દુઃખી કરવામાં તમને એવી તો શું મજા આવે છે? બધાને માત્ર સુખ જ આપ્યું હોત તો? આવું કંઈક જરૂર પૂછીશ.

તમારા પર કોઈનો પ્રભાવ છે ખરો?

નો બડી. આઈ એમ માય ઓન ગુરુ. મારા ઘરમાં મોરારી બાપુનો ફોટો છે પણ તેમની આંખો હિપ્નોટિક છે એટલે મેં આ ફોટો રાખ્યો છે. મને તો ઓશો રજનીશે સામેથી કહેલું કે તું મારો ચેલો બની જા. પણ મેં તેમને ઘસીને ના પાડી દીધેલી કે હું કોઈનો ચેલો નહીં બનું. મારો ગુરુ પણ હું જ અને ચેલો પણ હું જ અને હું તો એમ પણ કહીશ કે કાન્તિ ભટ્ટથી પણ કોઈએ પ્રભાવિત થવાની જરૂર નથી.

ઈતિહાસના કોઈ ત્રણ પાત્રોને મળવાની તક મળે તો કોને મળો?

પત્રકાર તરીકેની મારી કારકિર્દીમાં હું ઘણા લોકોને મળ્યો છું અને દેશ-વિદેશમાં પણ ખૂબ ફર્યો છું. આટલા વર્ષોના બહોળા અનુભવ પછી મેં એટલું તો જોયું કે કોઈ પણ વ્યક્તિ અતિ-અસાધારણ હોતી નથી અને દરેકમાં મર્યાદા હોય છે. એટલે હવે કોઈને મળવાની ઈચ્છા નથી, પણ હા ફરજના ભાગરૂપે મળવાનું થાય તો જરૂર વિચારીશ. 

આજના પત્રકારત્વમાં કંઈક ખૂંટતું જણાય છે?

આજે તો બધું જ ખૂટતું જ જણાય છે. હવે પત્રકારત્વમાં કોઈ મિશન નથી રહ્યું અને કેટલાક લોકોએ તેને ધંધો બનાવી દીધું છે. મૂલ્યો અને નીતિમત્તાનો પણ હ્રાસ થઈ રહ્યો છે. હવે પત્રકારત્વમાં ઘણી બધી મર્યાદાઓ આવી ગઈ છે. પરંતુ આટલી મર્યાદા હોવા છતાં ગુજરાતી પત્રકારત્વમાં સારું કામ થઈ રહ્યું છે અને મને એવી આશા છે કે એમાંથી પણ વળી કોઈ ‘કાન્તિ ભટ્ટ’ મળી આવશે. 

હવે અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધ્યો છે...

(વચ્ચેથી જ અટકાવીને) થોભો, થોભો... તમારો સવાલ મને ખબર છે. આજના સમયમાં અંગ્રેજી અનિવાર્ય છે. તમને અંગ્રેજીનું પાયાનું જ્ઞાન ન હોય તો પ્રાદેશિક ભાષાના પત્રકાર તરીકે ટકી રહેવું અને જાતને સાબિત કરવું મુશ્કેલ છે. લેખન અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રમાં આવનાર તમામ યુવાનોને એટલું કહીશ કે તમારું વાચન પુષ્કળ હોવું જોઈએ. તેમાંય અંગ્રેજી પુસ્તકોનું વાચન હોય એ જરૂરી છે. અંગ્રેજી વિશે ઘસાતું બોલતા ભાષાના શિક્ષકો અને અધ્યાપકોને લપડાક મારો, કારણ કે હવે સમય એવો છે કે અંગ્રેજી વિના નહીં ચાલે. સો વર્ષ પહેલાં એવી પરિસ્થિતિ હતી કે ફ્રેન્ચ ભાષા વિના નહીં ચાલતું અને હવે એ જ સ્થિતિ અંગ્રેજી ભાષાની છે.

 જીવનમાંથી શું શીખ્યાં? કાન્તિ ભટ્ટ અલગારી છે એમ કહી શકાય?

હું મારી જાતને કોઈ વિશેષ વિશેષણ આપવા માગતો નથી. હું એક સામાન્ય શિક્ષકનો દીકરો, જેને તેના કાકાએ ભણાવ્યો અને તેના સ્વાર્થ માટે વિદેશ બોલાવ્યો. ઉરૂલીકાંચન રહ્યો એ પણ કોઈના સ્વાર્થ માટે જ ગયો. મારા જીવનમાં સૌથી મોટી નિરાશા એ જ હતી કે મને મારી મરજી વિરુદ્ધ પરણાવવામાં આવ્યો. આઈ વોઝ અ લવર ઓફ બ્યુટી. હું નિર્મળ સુંદરતાનો ચાહક રહ્યો છું. જોકે મારે એ કહેવું જોઈએ કે મને મારી ગમતી છોકરી સાથે પરણાવ્યો હોત તો હું તેની સાથે સામાન્ય માણસની જેમ જિંદગી ભોગવીને ક્યારનોય મરી ચૂક્યો હોત.

Tuesday, July 29, 2014

કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારી કેટલીક મહિલા ખેલાડીઓની રસપ્રદ વાતો


સમગ્ર વિશ્વમાંથી ફૂટબોલ ફીવર હજી તો માંડ-માંડ ઉતર્યો છે ત્યારે હવે કોમનવેલ્થ ગેમ્સે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રમતગમતના રસિકો માટે, ખાસ કરીને ભારતના સ્પર્ધકોના પર્ફોર્મન્સને લઈને આ રમત હંમેશાં ચર્ચાનો મુદ્દો બની રહે છે.પણ આપણા દેશની કમનસીબી એ છે કે આપણે ક્રિકેટ સિવાયના રમતવીરો પર કોઈ ફિલ્મ બને એ પછી જ પૂરતા માહિતગાર થઈએ છીએ અથવા તો તેમના જીવન વિશે જાણવાની ઈચ્છા કરીએ છીએ અને એમાંય મહિલા ખેલાડીઓની તો વાત જ શી? આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરનારી એવી ઘણી મહિલા ખેલાડી છે, જે આપણા દેશને ગૌરવ અપાવી શકે છે. કોમનવેલ્થમાં ભાગ લેનારી આવી જ કેટલીક આશાસ્પદ મહિલા રમતવીરોની સંઘર્ષકથા જાણવા જેવી છે.

પરિવારથી છુપાવીને બોક્સિંગ શરૂ કર્યં અને...
પૂજા રાની
દેખાવે શાંત, બોલવામાં નરમ અને ભણવામાં આગળ પડતી હરિયાણાની ત્રેવીસ વર્ષની પૂજા રાનીએ જ્યારે તેના જ વતન ભિવાનીના બોક્સર વિજેન્દ્ર સિંઘને ઓલિમ્પિક ગેમ્સમાં વિજેતા થતો જોયો ત્યારે તેને પણ બોક્સિંગમાં કારકિર્દી ઘડવાની ઈચ્છા થઈ. પરંતુ એક વર્ષ સુધી તે સતત વિચારતી રહી, કારણ કે પરિવારના સભ્યોને જાણ કરી બોક્સિંગ એકેડમીમાં પ્રવેશ મેળવવાની તેની હિંમત નહોતી. પરંતુ અંતે તેણે તેના પિતાની જાણ બહાર બોક્સિંગ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો. અલબત્ત, તેની માતા આ વિશે જાણતી હતી અને તેથી જ તે પૂજાને બમણો સહકાર આપતી. જો કોઈ વાર ટ્રેઈનિંગમાં તેને વધુ વાગી જતું અથવા તો સોજો આવી જતો તો પિતાને જાણ થઈ જાય એ બીકે તે ઘરે જતી નહોતી. આ સમયે તેના પિતાને કહેવામાં આવતું કે પૂજા એની મિત્રને ત્યાં ભણવા માટે રોકાઈ છે. જોકે, તે વધુ સમય તેના પિતા સામે આ હકીકત છૂપાવી શકી નહોતી. જ્યારે તેના પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સૌથી પહેલા તો પૂજાનું એકેડમીમાં જવાનું બંધ કરાવ્યું. તેઓ પૂજાની આ રમતમાં કારકિર્દી ઘડવાની વાતથી બિલકુલ પણ સંમત નહોતા. પરંતુ પૂજાના કોચ સંજય કુમારે તેના બોક્સિંગ માટેના પેશન અને આવડત વિશે તેના માતા-પિતા સમજાવ્યું અને એ જ વર્ષે રાનીએ યુથ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તેમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ જીતના બે જ મહિના બાદ તેણે હરિયાણાની ઉત્તમ ગણાતી બોક્સિંગ પ્લેયર પ્રીતિ બેનીવાલને પણ સ્ટેટ ચેમ્પિયનશિપમાં હરાવી. ટૂંકા ગાળામાં પૂજાની આ સફળતાએ તેના માતા-પિતાને પણ ચોંકાવી દીધા. પૂજા એ સમયને યાદ કરીને કહે છે કે, “એ પછી મારા પિતાએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી અને ત્યારથી એ મારા સૌથી મોટા સમર્થક બની ગયા. મારા પરિવારમાંથી કોઈએ પણ ત્યારપછી મારા બોક્સિંગનો વિરોધ કર્યો નહોતો.” શરૂઆતના પારિવારિક તેમજ બોક્સિંગને કારકિર્દી બનાવવાના માનસિક સંઘર્ષ બાદ પૂજાએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ(૨૦૧૨)માં સિલ્વર મેડલ તથા ઓસ્ટ્રેલિયાની એરાફુરાગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, વર્ષ ૨૦૧૨ની ઓલિમ્પિક ગેમ્સમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કોમનવેલ્થની આ ગેમ્સમાં તે ફરી રિંગમાં ઉતરવા તૈયાર છે. તે કહે છે કે, “આ મારા માટે હવે સૌથી મોટી તક છે. હું આ સમયની આતુરતાથી રાહ જોઈ રહી હતી.” અભ્યાસમાં આગળ પડતી પૂજાને તેના જીવનમાં આવેલા આ બદલાવ વિશે પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે, “ખરેખર તો હું પણ આ પરિવર્તનને સંપૂર્ણ સમજી શકતી નથી. હું જ્યારે મારી બોક્સિંગ ફાઈટના વીડિયો જોઉં છું ત્યારે મને પોતાને વિચાર આવે છે, ‘શું આ ખરેખર હું છું?’ પણ સાચું કહું તો આ બદલાવ મને બહુ પસંદ છે.”

શૂટિંગમાં સતત ભાગ લેતાં-લેતાં...

આયોનિકા પોલ
આપણા દેશની મહિલા ખેલાડી માત્ર રનિંગ, બોક્સિંગ અને બેડમિન્ટન સુધી સીમિત ન રહેતાં શૂટિંગમાં પણ ઘણી આગળ પડતી છે. તે જ પૈકીની એકવીસ વર્ષીય આયોનિકા પોલ પણ આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સની શૂટિંગ સ્પર્ધામાં મેડલ અપાવવા માટે એક મોટી આશા ગણાઈ રહી છે. આયોનિકાના પિતા ભારતીય રેલ્વેમાં કર્મચારી હોવાની સાથે ઉત્તમ વોટર-પોલો પ્લેયર હોવાથી નાનપણથી જ આયોનિકા રમતગમતમાં રસ લેતી. તેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે તો સ્વિમિંગની શરૂઆત કરી હતી. નાનપણથી આયોનિકા ટીવી પાછળ વધુ સમય ન બગાડે એ માટે તેના માતા-પિતા તેને સ્પોર્ટ્સ ક્લાસીસ અને કેમ્પમાં મોકલી આપતા અને આ જ રીતે તેનો રમતગમતમાં રસ વધતો ગયો. તે નાનપણથી જ બાસ્કેટ બોલ, વોટર-પોલો, સ્કેટિંગ અને ડાન્સિંગમાં પોતાનો સમય વીતાવતી ગઈ. આ જ અરસામાં એક ઘટના બની અને આયોનિકાએ શૂટિંગને પોતાના જીવન સાથે કાયમ માટે જોડી દીધું. વર્ષ ૨૦૦૪માં અગિયાર વર્ષીય આયોનિકાએ રાજ્યવર્ધન સિંઘને ઓલિમ્પિકની શૂટિંગમાં સિલ્વર મેડલ લેતાં જોયા ત્યારે તેણે શૂટિંગમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું. તે શૂટિંગ માટે ખૂબ જ આતુર હતી, પરંતુ જ્યારે તે ખરેખર તે માટેની ટ્રેઈનિંગ લેવા ગઈ ત્યારે તે ઘણી નિરાશ થઈ હતી. એક ઈન્ટવ્યુમાં તેણે કહ્યું હતું કે, “બોરિંગ અને આળસજનક વાતાવરણમાં તમારી આસપાસ લોકોનું ટોળું કોઈ પણ પ્રવૃત્તિ વિના મૌન ઊભું હોય. એ અનુભવ જ મારા માટે ઘણો નિરાશાજનક હતો.” તેણે શૂટિંગની રમતના ૧૫ દિવસના કોર્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું, પરંતુ તે પૂરો કરતાં તેને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. પણ જ્યારે તેને ખબર પડી કે તેની શાળામાં શૂટિંગની સ્પર્ધા છે, તેણે તેમાં પહેલીવહેલી વાર ભાગ લીધો અને એમાં તેને અજબનો આનંદ આવ્યો. પછી તો ધીમે ધીમે આ રમતમાં તે વધુ ને વધુ ઊંડે ઉતરતી ગઈ અને નિયમિતપણે શાળાની સ્પર્ધામાં ભાગ લેતી થઈ ગઈ. એક વર્ષમાં તો તે જુનિયર નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જેટલી આવડત કેળવી ચૂકી હતી. ત્યારબાદ તો એણે આંતરરાષ્ટ્રીય સ્તરની જુનિયર ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો. 

આ આખી સફરમાં તેને તેના પરિવાર, કોચ તથા સિનિયર શૂટરનો ઘણો સહકાર મળ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે આપણા દેશના બોલિવુડ શહેનશાહ એવા અમિતાભ બચ્ચને પણ આયોનિકાને શૂટિંગમાં કારકિર્દી ઘડવા સ્પોન્સર કરી છે. જોકે, ઓલિમ્પિક્સમાં તેને મળેલી નિષ્ફળતાએ તેના આત્મવિશ્વાસને થોડો હલાવી નાખ્યો હતો, પણ આયોનિકાનું માનવું છે કે એ હારને કારણે જ તેણે રમતમાં વધુ ધ્યાન પરોવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે ચાલુ વર્ષના જૂન માસમાં જ તેણે સિનિયર ટુર્નામેન્ટમાં સૌથી પહેલી જીત મેળવી. મારિબોર વર્લ્ડ કપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવીને કોમવેલ્થ ગેમ્સ માટે લોકોની આશા વધારી દીધી છે. 

મેરી કોમને હરાવનાર પિન્કીને જ્યારે ‘બેસ્ટ બોક્સર’નું ખિતાબ મળ્યું...

પિન્કી જાંગડા
હરિયાણાના હિસર તાલુકાની વતની પિન્કી જાંગડાએ વર્ષ ૨૦૦૯માં ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી મેરી કોમને નેશનલ ટુર્નામેન્ટમાં હરાવીને પોતાની કારકિર્દીને એક નવો વળાંક આપ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી ભારતની પ્રથમ હરોળની બોક્સિંગ ચેમ્પિયન બનવાની પિન્કીની હઠ ચાલુ છે, જે હવે કોમનવેલ્થ ગેમ્સમાં પડઘાશે એવી આશા સૌ રાખી રહ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતી પિન્કીના પિતા સરકારી કારકુન તથા માતા હાઉસવાઈફ છે. પણ તેનો ભાઈ રાજ્ય સ્તરે બોક્સિંગમાં ભાગ લેતો હોવાથી તેણે પિન્કીને પણ બોક્સિંગ માટે પ્રોત્સાહિત કરી. જ્યારે પિન્કી ૧૫ વર્ષની થઈ ત્યારે તે સૌપ્રથમ વખત બોક્સિંગ રિંગમાં પ્રવેશી. જોકે, બોક્સિંગ માટેના પોતાના પેશનને પારખતા તેને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. વર્ષ ૨૦૦૬માં તેણે જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. તે કહે છે કે, “ગોલ્ડ મેડલ મળવાની ખુશી હતી, પણ એની સાથે ‘બેસ્ટ બોક્સર’નું જે ખિતાબ મળ્યું હતું તે જ મારા માટે પૂરતું હતું.”પિન્કી જાંગડાએ હજી સુધી ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એરાફુરાગેમ્સ(૨૦૧૩) અને એશિયન વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ(૨૦૧૨) એમ બે જ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, જેમાં તેણે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. 

થોડા સમયમાં જ ઘણી સિદ્ધિ મેળવનાર પિન્કી કહે છે કે, “તમને ગમે તેટલી ટ્રેઈનિંગ આપવામાં આવે, પરંતુ સ્પર્ધાઓ જ તમારી આવડતની ખરી કસોટી કરે છે, તમારું મનોબળ વધારે છે અને તમને રમત દરમિયાન વધતાં દબાણનો પણ અનુભવ કરાવે છે.”પિન્કી માને છે કે બોક્સિંગમાં કારકિર્દી ઘડવા માટે મહિલાઓ માટે આ સમય ઘણો સારો છેઅને તેથી જ તેના કોમનવેલ્થના આ પહેલા પ્રયાસ માટે તે ઘણી આશાસ્પદ છે.


દેશને ગૌરવ અપાવતી મહિલાઓને ઓફિશિયલ કીટ પણ અપાઈ નથી!
(ડાબે) મિરાબાઈ ચાનુ અને (જમણે) સંજિતા ચાનુ
કોમનવેલ્થ ગેમ્સની રમતો જેમ-જેમ રમાતી જાય છે તેમ-તેમ આપણા દેશને મહિલાઓ ગૌરવ અપાવતી જાય છે, જે પૈકી વેઈટ લિફ્ટિંગની જુદી જુદી કેટેગરીમાં ખુમુકચમ સંજિતાએ ગોલ્ડ મેડલ તથા મિરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ અને સોળ વર્ષીય (ભારતની કદાચ સૌથી યુવા ખેલાડી) મલાઈકા ગોએલે દસ મીટર એર પિસ્ટલ રમતમાં સિલ્વર મેડલ જીતીને દેશની આબરૂ વધારી છે. આ જીત પછી જ્યારે સમગ્ર દેશની મીડિયાનું ધ્યાન આ મહિલાઓએ ખેંચ્યું છે ત્યારે હાલમાં ‘ડીએનએ’ના એક એક્સક્લુઝિવ અહેવાલ મુજબ વીએટ લિફ્ટિંગમાં વિજેતા નીવડેલી આ બંને ખેલાડીઓને રમતની ઓફિશિયલ કીટ પણ આપવામાં આવી નહોતી. તેમણે પોતાની જૂની કીટથી જ આ કોમનવેલ્થ ગેમ્સમાં પ્રદર્શન કર્યું હતું!

આ અહેવાલ અનુસાર ઈન્ડિયન ઓલિમ્પિક એસોશિએશન(IOA)એ વેઈટ લિફ્ટિંગ માટે જતી કોઈ પણ મહિલા ખેલાડીઓને ઓફિશિયલ કીટ આપી નહોતી. જ્યારે કેન્દ્રીય રમત મંત્રાલયે(યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી) દરેક ખેલાડી માટેસમારંભની કીટના રૂ. ૧૫,૦૦૦ અને સ્પોર્ટ્સ કીટના રૂ. ૫,૦૦૦ ફાળવી આપ્યા હતા. આઈઓએનું કાર્ય સમયસર આ કીટ ખેલાડીઓને પહોંચે છે કે નહીં તેની કાળજી રાખવાનું હોય છે. પણ આમ છતાં આ ખેલાડીઓએ જૂની કીટથી જ કામ ચલાવવું પડ્યું હતું. આ ઉપરાંત, બોક્સિંગ ઈન્ડિયા ઓફિસયલ મુજબ ઓપનિંગ સેરેમનીના કપડાં પણ ખેલાડીઓને સારી ગુણવત્તાના આપવામાં આવ્યા નહોતા. જોકે આ કંઈ પહેલી વારની ઘટના નથી. ભારતના ખેલાડીઓ વર્ષ ૨૦૧૦ દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ આ જ પ્રકારની બેદરકારીનો શિકાર બની ચૂક્યા છે.


'લાઈવ મિન્ટ'માં પ્રસિદ્ધ થયેલા એક આર્ટિંકલ પરથી આ લેખની કેટલીક માહિતી લેવામાં આવી છે. 

Monday, June 23, 2014

વિશ્વનું હાથેથી લખાતું એકમાત્ર ન્યૂઝપેપર

સંપાદક સૈયદ આરિફુલ્લાહ 'ધ મુસલમાન' સાથે 
આજે ટેકનોલોજીના સહારે માનવીની વૈચારિક પ્રગતિ તો સારા પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ એ સાથે જ તેની લાગણીશીલતા તથા ભાવનાત્મક પ્રગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ન્યૂઝપેપરમાં છપાતા બળાત્કાર, મૃત્યુ, લૂંટફાટ યુદ્ધોના કિસ્સા સામાન્ય બનતા જાય છે, કારણે કે એ વાંચનાર આ તમામ સમાચારોથી ટેવાઈ ગયો છે અને સાથે જ જ્યાંથી તે આ માહિતી મેળવે છે તે ન્યૂઝપેપરના કાળા અક્ષરોમાં કોઈ લાગણી કે દેખીતો ભાવ તે અનુભવી શકતો નથી. ન્યૂઝ પેપરોના આ કાળા અક્ષરોએ નિષ્ઠુરતા તો લાવી જ છે, પણ સાથે ન્યૂઝપેપરની મહત્તા પણ મહદ અંશે ઘટાડી દીધી છે, પણ આશ્ચર્યની વાત તો એ છે કે ભારતના એક ખૂણામાં આજે પણ હાથેથી લખાયેલું એક ન્યૂઝપેપર પ્રિન્ટેડ ન્યૂઝપેપરની આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા વર્ષોથી પ્રયત્નો કરી રહ્યું છે!

‘ધ મુસલમાન’ને કદાચ દુનિયાનું એકમાત્ર અને છેલ્લું દૈનિક સમાચારપત્ર ગણાવી શકાય, જે હાથેથી લખાય છે! વળી, રસપ્રદ વાત તો એ છે કે તે ઉર્દૂ ભાષામાં લખાય છે અને તેના માટે ખાસ કેલિગ્રાફર્સ(સુંદર અક્ષરે લખનાર) રોકવામાં આવ્યા છે. આ કેલિગ્રાફર્સ ‘કાતિબ’ તરીકે જાણીતા છે. આજે જ્યારે કમ્પ્યુટરે આપણું તમામ કાર્ય તદ્દન સરળ બનાવી દીધું છે ત્યારે હાથેથી લખાતા આ ન્યૂઝપેપરને ચલાવવું પણ એક હિંમતનું કામ છે અને આ કાર્ય તેના સંપાદક સૈયદ આરિફુલ્લાહ કરી રહ્યા છે. વાસ્તવમાં વર્ષ ૧૯૨૭માં આરિફુલ્લાહના દાદા સૈયદ અઝમાતુલ્લાહ એ આ દૈનિક સમાચારપત્રકની શરૂઆત કરી હતી. તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસ સેશનના પ્રેસિડન્ટ ડો. મુખ્તાર અહેમદ અંસારીએ આ સમાચારપત્રકનું લોકાર્પણ કર્યું હતું. ચેન્નઈમાં શરૂ થયેલું આ ઉર્દૂભાષી ન્યૂઝપેપર તેના કાતિબોના હાથેથી લખાયેલા લેખો માટે ઘણું જાણીતું હતું. સૈયદ અઝમાતુલ્લાના મૃત્યુ બાદ તેમના પુત્ર સૈયદ ફૈઝુલ્લાહે આ જવાબદારી સંભાળી અને ઉર્દૂ હસ્તાક્ષરી(કેલિગ્રાફી) માટે જાણીતા તેમના સમાચારપત્રની પ્રથા જાળવી રાખવાની કામગીરીમાં પોતાનું સમગ્ર જીવન લગાવ્યું. 

‘ધ મુસલમાન’ ચાર પાનાનું દૈનિક અખબાર છે, જે સાંજે પ્રસિદ્ધ થાય છે. તેના પહેલાં પાના પર સ્થાનિક અને રાષ્ટ્રીય સમાચારો, બીજા પાના પર આંતરરાષ્ટ્રીય સમાચારની સાથે એડિટોરિયલ લેખો, ત્રીજા પાના પર હદીથ (ધાર્મિક પરંપરાને લગતી માહિતી), કુરાનમાંથી કેટલાક અવતરણો તથા રમતગમતના સમાચારો અને ચોથા પાના પર જુદા-જુદા ક્ષેત્રને આવરી લેતા નાના-મોટા લેખોની સાથે સ્થાનિક સમાચારોનો પણ સમાવેશ કરવામાં આવતો. સમગ્ર પેપર તૈયાર થતું હોય ત્યારે તેના પહેલાં પાના પર થોડીક જગ્યા બાકી રાખવામાં આવતી, જેથી ક્યારેક કોઈ બ્રેકિંગ ન્યૂઝ આવે તો તરત તેમાં સમાવી શકાય. શરૂઆતથી લઈને આજ સુધી આ સમાચારપત્રક ૮૦૦ સ્ક્વેર ફૂટની એક નાનકડી ઓફિસમાં એ.સી. વગેરે જેવી કોઈ પણ આધુનિક સુવિધા વિના ચલાવવામાં આવે છે. ‘ધ મુસલમાન’ વિશે માહિતી આપતાં આરિફુલ્લાહ જણાવે છે કે, “અમે છેલ્લા ૮૭ વર્ષથી આ પરંપરાને જાળવી રહ્યા છીએ. મારી કારકિર્દીના શરૂઆતના ત્રણ વર્ષ અહીં કામ કર્યા પછી જ મેં નિશ્ચય કરી દીધો હતો કે હું મારું સમગ્ર જીવન ‘ધ મુસલમાન’ને આપીશ.”

'ધ મુસલમાન'માં હાથેથી ઉર્દૂ કેલિગ્રાફી લખતાં કાતિબો
આ દૈનિક સમાચારપત્રકમાં કાર્ય કરતાં કર્મચારીઓ માને છે કે આ સમાચારપત્રક તેમની વર્ષો જૂની કળાને જીવંત રાખવામાં ઘણો મહત્ત્વનો ફાળો ભજવી રહ્યું છે અને તેમનું આ દૈનિકપત્ર માટેનું યોગદાન માત્ર એ પરંપરાની જ જાળવણી નહીં, પરંતુ ઉર્દૂ ભાષાની પણ જાળવણી કરી રહ્યું છે. આ સમાચારપત્રની ઓફિસમાં એક પુરુષ અને બે મહિલાઓ કેલિગ્રાફર્સ એટલે કાતિબ તરીકે કાર્ય કરે છે. આ દરેક કાતિબને એક-એક પાનું હાથેથી લખતાં ત્રણ કલાક જેટલો સમય લાગતો હોય છે. આ માટે ખાસ તાલીમબદ્ધ કાતિબોની જરૂર હોય છે, કારણ સમગ્ર પેપર હાથેથી લખાતું હોવાથી કોઈ પણ પ્રકારની ભૂલ જે-તે પાનાને ફરીથી લખવા આમંત્રણ નોતરે છે. જ્યારે આ આખું પેપર લખાઈને તૈયાર થઈ જાય ત્યારે તેની ફોટો નેગેટિવ તૈયાર કરી પ્રિન્ટિંગમાં મોકલવામાં આવે છે. 

આ સમાચારપત્રકમાં મુખ્ય કાતિબ(કોપીરાઈટર) તરીકે કાર્ય કરતાં રહેમાન હુસૈની વર્ષોથી તેની સાથે સંકળાયેલા છે. જોકે, તેમણે એકાઉન્ટન્ટ તરીકે ‘ધ મુસલમાન’માં પોતાની નોકરીની શરૂઆત કરી હતી, પરંતુ ધીમે ધીમે ઉર્દૂ હસ્તાક્ષરી શીખી, તેમાં નિપુણતા કેળવી આજે મુખ્ય કેલિગ્રાફર તરીકે મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યા છે. તેઓ કહે છે કે, “અમારી ઉર્દૂ ભાષાની જાણકારીને કારણે આજે અમારું લોકો સન્માન કરે છે અને એટલે જ હું જીવનપર્યંત આ દૈનિક સાથે સંકળાયેલો રહીશ.” આ સિવાય તેમના રિપોટર્સ દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ જેવા રાજ્યોમાં પણ ફેલાયેલા છે. આ તમામ રિપોટર્સ તેમના લેખો ફેક્સની મદદથી કે પછી ફોન દ્વારા અહીંના કેલિગ્રાફર્સને મોકલી આપતા હોય છે. 

આ પેપરનો નફો જોવા જઈએ તો તદ્દન નજીવો છે. કાતિબો કંઈ ખાસ કમાઈ શકતા નથી. વર્ષ ૨૦૦૮ સુધી તો મુખ્ય કાતિબ રહેમાનને મહિને માત્ર રૂપિયા ૨,૫૦૦ મળતા હતા તથા અન્ય બે મહિલા કાતિબ શબાના અને ખુર્શીદને એક દિવસના રૂ. ૬૦ લેખે પગાર ચૂકવવામાં આવતો હતો. જોકે, તમામ કાતિબો માટે વળતર કરતાં વધુ મહત્ત્વનો તેમના હાથેથી લખાતા કેલિગ્રાફીનો આનંદ છે. તેઓ સમાચારપત્રક માટે આવતી જાહેરાતમાં પણ ઉર્દૂ કેલિગ્રાફીનો જ ઉપયોગ કરે છે. સામાન્ય રીતે અખબારમાં જાહેરાત માટે સરકાર તરફથી કેટલીક જાહેરખબરો આપવામાં આવતી હોય છે, પંરતુ સંપાદક આરિફુલ્લાહ જણાવે છે કે, રાજ્ય સરકાર તરફથી તેમના આ દૈનિક માટે ખાસ કોઈ જાહેરખબર પૂરી પાડવામાં આવતી નથી. અલબત્ત, ઘણીવાર જાણીતા કવિ, ધાર્મિક વડા કે નેતાઓ પેપરની ઓફિસે આવી તેમાં પોતાનું યોગદાન આપી જતાં હોય છે, જેથી તેની મહત્તામાં વધારો થાય છે. ૭૫ પૈસામાં વેચાતા આ ન્યૂઝપેપરના લગભગ ૨૨,૦૦૦ જેટલા ગ્રાહકો છે. 

સામાન્ય રીતે આપણે દેશની સંસ્કૃતિ અને ભવ્ય ઈતિહાસને વાગોળીને તેના ભૂતકાળના દિવસોમાં રાચતા હોઈએ છીએ. ભવ્ય ભૂતકાળથી આંખોને આંજી તેનું ગૌરવ લેતા હોઈએ છીએ, પરંતુ જ્યારે તેની જ જાળવણી અને સંરક્ષણ વિશે પોતાના યોગદાન તરફ નજર કરીએ ત્યારે આપણી વ્યવહારુતા તે માર્ગ આડે આવતી હોય છે. આજના સમયમાં જૂની પ્રથાને વળગી નવી ટેકનોલોજીનો શ્વાસ રૂંધવો એ તદ્દન રૂઢિવાદી વિચારસરણી છે, પરંતુ નવી ટેકનોલોજીના સહારે વર્ષો જૂની પરંપરાની અવગણના કરવી તેને નિશ્ચિતપણે ગેરવાજબી વલણ ગણાવી શકાય. ભૂતકાળની સંસ્કૃતિ અને વર્તમાનની ટેકનોલોજીના પલ્લાનું સમતોલન સાધીશું તો જ પ્રગતિ સ્થિર અને કાયમી રહી શકશે. 


કેલિગ્રાફીની પરંપરા

‘ધ મુસલમાન’ દૈનિકની ખાસિયત તેનું હાથેથી લખાતું લખાણ છે, પણ એક વધુ વિશેષતા ગણાવીએ તો આ સમગ્ર સમાચારપત્રક ઉર્દૂ હસ્તાક્ષરી(કેલિગ્રાફી)માં લખાય છે. ભારતમાં ઉર્દૂ કેલિગ્રાફીની શરૂઆત વર્ષ ૧૮૩૬માં થઈ હતી અને આ જ વર્ષે સૌપ્રથમ ઉર્દૂ પણ ન્યૂઝપેપર બહાર પડ્યું હતું. આ પહેલા પર્શિયન હસ્તાક્ષરી પ્રસિદ્ધ હતી. જોકે, વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં ઉર્દૂ હસ્તાક્ષરીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો હતો. તે સમયે કુરાન લખવા માટે પણ આ જ હસ્તાક્ષરીનો ઉપયોગ થતો. પરંતુ સમય સાથે, ટેકનોલોજીના વિકાસથી હસ્તાક્ષરીની પ્રથા ઘટતી ગઈ. એક સમયે ઉર્દૂ કેલિગ્રાફી લખતાં કલાકારોના જૂથ એટલે કે કાતિબો પાસે આમંત્રણ પત્રિકા અથવા તો નોંધ લખાવવા માટે લોકોની લાંબી કતાર લાગતી હતી અને આ આજે આ હસ્તાક્ષરીમાં નિપુણ એવા કાતિબોની સંખ્યા જ જૂજ માત્રામાં મળી આવે છે! જોકે, ‘ધ મુસલમાન’ દૈનિકના સંપાદક આરિફુલ્લાહ માટે ઉર્દૂ હસ્તાક્ષરીનું મહત્ત્વ ઘણું વધારે છે. આજના ડિજીટલ યુગમાં પણ હાથેથી લખાતાં પેપરને પ્રસિદ્ધ કરવા પાછળનો તેમનો હેતુ જણાવતા તેઓ કહે છે કે, “ ‘ધ મુસલમાન’એ સંપૂર્ણપણે ઉર્દૂ હસ્તાક્ષરી પર નિર્ભર કરતું દૈનિક છે અને પ્રત્યેક વ્યક્તિ એની હસ્તાક્ષરીથી આકર્ષિત થાય છે. જો અમે પણ કમ્પ્યુટરનો જ ઉપયોગ શરૂ કરી દઈશું, તો પછી અમારા અને બીજા પેપરમાં તફાવત શું રહેશે?” આ સાથે જ તેઓ ઉમેરે છે કે, “કેલિગ્રાફી એ અમારા દૈનિકનું હાર્દ છે. જો તમે અમારા હૃદયને જ બહાર કાઢવા કહેશો તો પછી ‘ધ મુસલમાન’માં બીજું કશું જ બાકી નહીં રહે.”

Tuesday, June 3, 2014

પરંપરા સામે જીવદયાની મહત્તા કેટલી?

 
તમને એક ગોળાકાર સીમામાં છૂટા મૂકીને ‘બાંધી’ દેવામાં આવે છે અને આજુબાજુ હજારોની સંખ્યામાં લોકોની ચિચિયારી તમને સંભળાઈ રહી છે. તમને માન, પ્રતિષ્ઠાના દબાણ હેઠળ એ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બપોરની ગરમી અસહ્ય થઈ રહી છે અને એવામાં તમને હરાવવા એક સ્પર્ધકને મેદાનમાં ઉતારવામાં આવે છે. તમારો ડર, ગભરાટ અને અસંમજસ કોઈ જોઈ શકતું નથી, પરંતુ હવે માહોલ એવો જામી ચૂક્યો છે કે જો તમે સ્વબચાવ ન કરો તો તમારો જ સ્પર્ધક તમને હાનિ પહોંચાડી શકે એટલો હિંસક બની શકે છે અને માટે તમે લડાઈ શરૂ કરો છો. હાર-જીત કરતાં તમને થયેલી શારીરિક અને માનસિક યાતના અશાબ્દિક થઈ રહે છે અને તમારી હાર-જીતને આધારે ઈનામોના વિતરણને મૂંગે મોઢે તમે નિહાળી રહ્યા છો. શું તમે દયનીય અને નિઃસહાયની લાગણી અનુભવી રહ્યા છો? જો હા, તો આ જ દૃષ્ટાંતમાં પોતાની જગ્યાએ એક મૂંગા પ્રાણીને કલ્પી જુઓ, સ્થિતિ કદાચ વધુ દયનીય અને કરૂણ લાગશે!

આ વાત છે હાલમાં જ પ્રતિબંધિત થયેલી તમિલનાડુની ‘જલ્લીકટ્ટુ’ રમતની, જે સામાન્ય રીતે દક્ષિણ ભારતના પ્રસિદ્ધ તહેવાર પોંગલમાં જોરશોરથી ઉજવવામાં આવે છે. જલ્લીકટ્ટુ શબ્દ તમિલ શબ્દ ‘સલ્લી કાસુ’(સિક્કા) અને ‘કટ્ટુ’(પેકેજ) પરથી ઉપજાવવામાં આવ્યો છે. પહેલાના સમયમાં આખલાના શિંગડા પર સોના કે ચાંદીના સિક્કા બાંધવામાં આવતા હતા. જે સ્પર્ધક પોતાના બળથી આ સિક્કા મેળવવામાં સફળ રહેતું તેને આ સિક્કા ઈનામરૂપે મળતા. ‘જલ્લીકટ્ટુ’ રમતમાં એક નિશ્ચિત, સીમિત વિસ્તારમાં આખલાને વળગીને પુરુષ કેટલો સમય તેની સામે બાથ ભીડી શકે અથવા તો તેના પર લટકીને અંતિમ સીમા સુધી પહોંચી શકે એ વાત મુખ્ય હોય છે. પહેલાના સમયમાં આ રમત ખાસ કરીને મહિલાઓ પોતાના જીવનસાથીની પસંદગી કરી શકે એ માટે રમાવામાં આવતી. આખલા પર પોતાનું સંતુલન જાળવી રાખવું એ જાણે પૌરુષત્વનું શ્રેષ્ઠ પ્રમાણ હોય એમ મહિલાઓ માટે પુરુષની પસંદગી થતી! અને તેથી જે પુરુષ સફળતાપૂર્વક આખલા પર પોતાનું સંતુલન જાળવી શકે એ મહિલાનો જીવનસાથી બને એવી પરંપરા હતી. જોકે, હવે સમય બદલાયો છે અને સાથે લોકોના વિચારો પણ બદલાયા છે, પણ આ રમતને પરંપરાનું નામ આપી હજુ સુધી તમિલનાડુમાં તેને બમણા ઉત્સાહથી રમવામાં આવી રહી હતી, જેના પર હવે તમિલનાડુની વડી અદાલતે પ્રતિબંધ મૂક્યો છે.

જલ્લીકટ્ટુની પરંપરા સાથે પોતાના પૂર્વજોની કથાઓને સાંકળી અહીંના લોકો આ રમતને શ્રદ્ધાની દૃષ્ટિથી જોતા આવ્યા છે. આખલાની આ રમત માટે ખાસ પુલીકુલમ અથવા જેલ્લીકુટ જાતિના આખલાનો ઉછેર કરવામાં આવે છે. આખલાઓને તંદુરસ્ત રાખવા માટેની તમામ કાળજી તેના માલિકે રાખવાની હોય છે. લગભગ એક દિવસના ૧૦૦ રૂપિયા લેખે તેનો ખર્ચ આવતો હોય છે, છતાં ‘જલ્લીકટ્ટુ’ની ઉત્સુકતાને કારણે લોકો હોંશેહોંશે આખલાની કાળજી લેતા હોય છે. જલ્લીકટ્ટુની તૈયારી ૬૦ દિવસ અગાઉથી શરૂ થઈ જાય છે અને આ માટે જે-તે વિસ્તારના પ્રત્યેક પરિવાર પાસેથી લગભગ હજાર રૂપિયા લેવામાં આવે છે. આખલા, તેની કાળજી રાખનાર વ્યક્તિ અને સ્પર્ધક માટે એક અઠવાડિયા સુધી દરરોજ ૪૦૦ કિલોગ્રામ જેટલો ભાત રાંધવામાં આવે છે, જેના કારણે એ રમત બરાબરીની થઈ શકે!


અમુક સેકન્ડના આ ખેલમાં આખલા અને માણસોના માથે ટોળાતા જીવના જોખમને હજારોની સંખ્યામાં લોકો ‘માણતા’ હોય છે. અલબત્ત, આ રમતમાં લોકો ગંભીર રીતે ઘવાતા હોય છે તો ક્યારેક જાનહાનિ પણ થતી હોય છે, છતાં દર વર્ષે તેની આતુરતાથી રાહ પણ જોવાતી હોય છે, પરંતુ જ્યારે તમિલનાડુની વડી અદાલતે આ રમત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો ત્યારે અહીંના લોકોએ તેનો ઘણો વિરોધ કરવાનો શરૂ કર્યો. કોર્ટે રજૂ કરેલા સંશોધન અનુસાર જલ્લીકટ્ટુની રમત દરમિયાન આખલાઓ ભય અને પીડાને કારણે ત્યાંથી બહાર નીકળવા માટે બેબાકળા બની જતાં હોય છે, પરંતુ તે વિસ્તાર ચારે બાજુથી ઘેરાયેલો હોવાથી આખલાઓએ ફરજિયાતપણે આ રમતનો હિસ્સો બનવું પડતું હોય છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી આ રમત આજના સમયમાં ખરેખર તો આખલાના ભય, તકલીફ અને પીડાની સામે મનુષ્યની પ્રતિક્રિયા દર્શાવતી એક રમત બની ચૂકી છે. જ્યારે કોર્ટના આ ચુકાદા સામે સ્થાનિક લોકોનું માનવું છે કે, આ દલીલો તદ્દન પાયા વિનાની છે. જો જલ્લીકટ્ટુની પ્રથા ના હોય તો આખલાની કેટલીક ખાસ જાતિનું અસ્તિત્વ જ ના રહે! તેઓનું માનવું છે કે જલ્લીકટ્ટુ માટે તૈયાર કરવામાં આવતા આખલાઓને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. આ રમત થકી તેમને હેરાનગતિ નહીં, પરંતુ સન્માનવામાં આવે છે.

અહીંના લોકો માટે આ રમતનું મહત્ત્વ એટલું છે કે તેઓ આખલાની પૂજા કરતાં હોય છે. આ વિશે તમિલનાડુના તિરુચિરાપલ્લી તાલુકાના એક ગામમાં ૫૩ વર્ષીય ચિન્ના કહે છે કે, “આ આખલાઓને કશું મેળવવા માટે તૈયાર કરવામાં આવતા નથી. તેઓ અમારા માટે દેવ સમાન છે અને જલ્લીકટ્ટુ માટે કુમકુમ તથા હળદરથી તેમનો ખાસ અભિષેક કરવામાં આવે છે.” આ બુઝુર્ગના ઘર પાસે ‘રામુ’ નામની એક પવિત્ર જગ્યા બનાવવામાં આવી છે. ચિન્નાના પિતા પાસે રામુ નામનો એક આખલા હતો અને તે તેની સમગ્ર ‘કારકિર્દી’ દરમિયાન હંમેશાં જલ્લીકટ્ટુની રમતમાં જીત્યો હતો. આથી તેને સન્માનપૂર્વક તેમના ઘર પાસે જ દાટવામાં આવ્યો હતો અને હવે તે એક પવિત્રધામ તરીકે પૂજાય છે! ચિન્ના ઉમેરે છે કે, “અમે આજે પણ રામુના એ જુસ્સાને પૂજીએ છીએ. અમે જે રીતે આ આખલાઓ સાથે સંકળાયેલા છે તે રીતે પ્રાણીઓના હકો માટે લડતાં કાર્યકર્તાઓ ક્યારેય પણ સંકળાઈ શકે એમ નથી.” તો બીજી બાજુ કેટલાક સ્થાનિકો એમ પણ માને છે કે જલ્લીકટ્ટુ તેમની છેલ્લી કેટલીક પેઢીઓથી ચાલી આવતી ગૌરવશાળી પ્રથા છે. આથી જો આ રમતને પ્રતિબંધિત કરવામાં આવે તો આખલાઓનો ઉછેર કરવાનો કોઈ જ અર્થ રહેતો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે કોર્ટના ચુકાદા બાદ જ કેટલાક લોકોએ તો પોતાના આખલાઓને ‘ઠેકાણે’ કરવાની કામગીરી પણ શરૂ કરવા માંડી છે. 

જ્યારે જલ્લીકટ્ટુ પર કોર્ટનો કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો ત્યારે આ આખલાઓની કિંમત લાખોમાં રહેતી હતી અને હવે એ જ આખલાઓને(મોટા ભાગના) કતલખાનામાં મોકલવામાં આવી રહ્યા છે! વર્ષો પહેલા પરંપરાગત રીતે આ રમત બે જાતિના લોકો વચ્ચે એક સેતુ પ્રસ્થાપિત કરવા માટે રમાતી હતી, પરંતુ હવે સમાજ બદલાઈ રહ્યો છે. આથી હજી પણ સંસ્કૃતિ, પરંપરા અને ધર્મના નામે કેટલીક બિનજરૂરી રમતો, ઉજવણી કરવી એ માત્ર અતાર્કિક જ નહીં, પરંતુ અનુચિત પણ છે. આશ્ચર્ય એ વાતનું પણ છે કે એકવીસમી સદીમાં સ્માર્ટ ફોન પર ‘ટેમ્પલ રન’ રમતું યુવાધન પણ વર્ષો જૂની કેટલીક બિનજરૂરી પરંપરાઓમાં રચ્યુંપચ્યું રહે છે. આ યુવાનોના સાથ અને સહકારથી જ હવે અહીંના લોકોએ તમિલનાડુની વડી અદાલતે આપેલા આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં લઈ જવાની તૈયારી શરૂ કરી છે.

Monday, May 26, 2014

દીકરા, હસતો રે’જેને હસાવતો રે’જે

યઝદી કરંજિયા કે સાથ ઈસ નાચિઝ કી ખાસ પેશકશ :)
યઝદી કરંજિયા એટલે સદા હસતો ચહેરો. કોઈ પણ વ્યક્તિ એમને મળે એટલે ‘દીકરા’ના વહાલસોયા સાદથી બોલાવે અને સ્નેહથી વાતો કરે. આંખોમાં ચમક, તેજ દિમાગ, પણ વિનમ્રતા તેની ચરમસીમા પર. ૭૮ વર્ષના આ યુવાનની સ્વસ્થતા તમને તેમના આનંદી મિજાજની ઓળખ આપી જાય છે. આ સાથે નિયમિતપણે તાપી તથા કોઝવેના પાણીમાં સ્વિમિંગ કરવાને કારણે તેમનું શરીર કસાયેલું અને સ્વસ્થ. વ્યવસાયે શિક્ષક, પણ જીવ એક સોજ્જા કલાકારનો. ગુજરાતી રંગમંચના પાયા નાખનાર પારસી થિયેટરના મજબૂત સ્તંભ સમા યઝદી કરંજિયા છેલ્લા કેટલાય દાયકાથી કોમેડી નાટકોથી લોકોને પેટ પકડીને હસાવી રહ્યા છે. રંગમંચ પર તેમણે જે રીતે લોકોના દિલ જીત્યા છે એ જ રીતે એક શિક્ષક તરીકે પણ તેમણે વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પૂરું પાડ્યું છે. જીવનના તમામ તબક્કામાં યઝદીભાઈએ તેમના ચહેરાના સ્મિતને કાયમ રાખી ઘણા પડકારો ઝીલ્યા છે. યઝદીભાઈ માને છે કે કોઈ પણ માણસ કલાકાર બની શકતો નથી. તે એક કલાકાર તરીકે જ જન્મતો હોય છે. નાની વયે જ એક કલાકાર તરીકેની પોતાની પ્રતિભાને ઓળખી તેમણે પોતાનું આખું જીવન કળાને સોંપી દીધું છે. તેમણે ‘મૂંગી સ્ત્રી’, ‘વાહ રે બહેરામ’, ‘રંગીલો બહેરામ’, ‘બહેરામની સાસુ’, ‘અશોક પારસી હતો’, ‘બિચારો બરજોર’, ‘કૂતરાની પૂંછડી વાંકી’ જેવા અનેક કોમેડી નાટકો ભજવ્યા છે. અલબત્ત, પિતાના વચનનું માન રાખીકળાને માત્ર શોખ સુધી સીમિત રાખનાર યઝદીભાઈરંગમંચમાંથી ઉપજતી તમામ આવકને ચેરિટીમાં આપી દે છે. રંગમંચ ઉપરાંત, રેડિયો અને ટી.વી. જેવા માધ્યમો થકી પણ તેમણે લોકોમાં હાસ્ય ફેલાવ્યું છે. ગુજરાત ગૌરવ એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર યઝદી કરંજિયા સાથે એક મુલાકાત માટે ‘ગુજરાત ગાર્ડિયન’ને તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમની આગવી શૈલીમાં પ્રતિસાદ આપતાં તેમણે કહ્યું, ‘આવ ને દીકરા, હું તને ચા પન પાઈશ.’ આત્મીયતા, સ્નેહ અને હાસ્ય ફેલાવતાં યઝદીભાઈ સાથે થયેલી મુલાકાતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે:

રંગમંચ સાથેનો સંબંધ કઈ રીતે જોડાયો?

આજથી ૮૪ વર્ષ પહેલા મારા પિતાજી નૌશિરવાન કરંજિયા ‘કેમ્બે ક્લાસીસ’ નામની એક વાણિજ્ય સંસ્થા ચલાવતા હતા અને દર વર્ષે આ સંસ્થામાં વાર્ષિક સ્નેહસંમેલન યોજાતું. એમ તો હું માત્ર એક બાળદર્શક જેવો જ હતો, પણ ઊંડે ઊંડે એવી મહેચ્છા ખરી કે પપ્પા મને પણ સ્ટેજ પર લાવે. પણ એ શક્ય નહોતું. હું નાનપણથી જ મારા દાદાનો બહુ લાડકો હતો. દાદાજી ખંભાતમાં રહેતા. એટલે પિતાજી દર વર્ષે સંસ્થાના વાર્ષિક સ્નેહસંમેલનમાં આવવા માટે તેમને ખાસ આમંત્રિત કરતાં. હવે મને આ સ્નેહસંમેલનમાં ભજવાતી કૃતિઓમાં ભાગ લેવાની ઈચ્છા તો ઘણી, પણ પિતાજીની પરવાનગી મળતી નહોતી એટલે હું બજારમાંથી એક પોસ્ટકાર્ડ લાવતો અને એની પર દાદાજીને સંબોધીને લખતો, ‘તમે આવશો નહીં. મારા પપ્પા મને ભાગ લેવા દેતા નથી.’ એટલે દાદાજી પિતાજીને વળતો પત્રલખતા, ‘નૌશિર, તું મારા ઝીણા(મારું કદ થોડું નાનું અને એ વખતે ઉંમરેય નાની એટલે દાદાજી મને ‘ઝીણો’ કહીને બોલાવતાં)ને ભાગ લેવા દેશે નહીં તો હું નહીં આવું.’એટલે પિતાજી મને સ્નેહસંમેલનની બંદગીમાં ઊભો રાખે. એમાં મારે માત્ર હાથ જોડીને ઊભા રહેવાનું. સમૂહમાં ગીતો ગવાય અને એમાં આપણેય થોડું ગાઈએ એટલે આપણને થાય કે આપણે પણ ભાગ લીધો. પણ પછી એક વાર રાસ ભજવાયો અને એ રાસમાં હું કૃષ્ણ બન્યો હતો. મારું કદ ટૂંકું એટલે મને સ્ટૂલ પર ઊભો રાખ્યો હતો. પહેલીવાર સ્ટેજ પર ઉતર્યો તો ખરો, પણ ડરતાં-ગભરાતાએ રાસ પૂરો કર્યો. એ સ્ટેજ પરનો મારો પહેલો પ્રવેશ.

રંગમંચ પર માત્ર કોમેડી નાટકો ભજવવા માટેનું કોઈ ખાસ કારણ ખરું?

એ પછી અમારી શાળાની સુવર્ણ જયંતી હતી. આથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો યોજાયો હતો. મારા પિતાજી પણ આ જ શાળાના વિદ્યાર્થી રહી ચૂકેલા. હવે આ ઉજવણીમાં અમને નાટકોમાં તો કોઈ ખાસ ભૂમિકા ભજવવા ન દે. અભિનય ગીત કે એવી સામાન્ય કૃતિઓમાં ભાગ લેવા દે. એટલે અમે નાટકોની પ્રેક્ટિસ થાયએ જોયા કરીએ અને આનંદ મેળવીએ. બાળપણમાં પાછી આપણી સ્મૃતિ પણ ઘણી તેજ. એટલે એ નાટકો જોતાં જોતાં યાદ પણ રહી ગયેલા. કોઈ કલાકાર પ્રેક્ટિસમાં ભૂલ કરે તો પણ અમે પકડી પાડતા! હવે સંજોગોવશાત્ આ નાટકમાં ભાગ લેનાર એક છોકરાને શીતળા થયા. એ વખતે છોકરીઓ નાટકોમાં બહુ ભાગ લેતી નહીં એટલે છોકરાઓએ જ સ્ત્રીપાત્ર પણ ભજવવું પડતું અને એ છોકરો પણ છોકરીનું જ પાત્ર ભજવવાનો હતો. એની બીમારીને કારણે સ્થિતિ એવી સર્જાઈ કે નાટક રદ કરવું પડે. પણ પિતાજીએ એમ કરવાની મનાઈ ફરમાવી અને મને પૂછ્યું કે ‘તારાથી આ પાત્ર ભજવાશે? કાલે નાટક છે.’ આગળ કહ્યું તેમ નાટક તો મને મોઢે જ હતું એટલે ‘ભાવતું’તુ ને વૈદ્યે કીધું’ જેવું થયું. પણ હવે સમસ્યાએ થઈ કે મારાથી સ્ત્રીપાત્રમાં પ્રવેશાય નહીં. નાટકના સંવાદો તો મોઢે હતા પણ ‘આવી’ને બદલે ‘આવ્યો’ જ બોલાયા કરે. પછી તો રાતભરની પ્રેક્ટિસથી અંતે એ સમસ્યા પણ ટળી. નાટક સ્ત્રીપ્રધાન હતું અને હાસ્ય તેમાં મુખ્ય હતું. સ્ટેજ પર એ એટલું સફળ નીવડ્યું કે લોકો નાટક પછી મને ખાસ શુભેચ્છા પાઠવવા આવતાગયા. એવામાં એક મહિલા પાસે આવીને મને કહે, ‘દીકરા, આજે હું નહોતી આવવાની. મારા હસબન્ડ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. તે આ ફંક્શન માટે પુષ્કળ ઉત્સાહિત હતા, પણ હમણાં થોડા દિવસ પહેલા જ અચાનક તેમનું અવસાન થયું. હું ખરેખર ખૂબ દુઃખી હતી. પણ તેમને અહીં આવવાનું એટલું મન હતું કે મને થયું, એમની આત્માની શાંતિ માટે પણ મારે જવું જોઈએ. અહીં આવીને પણ મારું મન કશે લાગતુંનહોતું. પણ દીકરા, આજે તે મને બહુ હસાવી. મારા પતિના મૃત્યુ બાદ આજે પહેલી વાર દિલ મૂકીને આટલું ખડખડાટ હસી. દીકરા, સદા હસતો રે’જે ને હસાવતો રે’જે.’ આ વાત મને ઊંડે સુધી સ્પર્શી ગઈ. ત્યારથી મેં મનમાં નક્કી કર્યું કે જો આગળ ક્યારેય પણ નાટક કરીશ તો માત્ર અને માત્ર કોમેડી જ કરીશ. સમગ્ર પ્રેક્ષકગણમાંએ મહિલા જેવું કોઈક તો હશે ને જે દુઃખી હોય અને મારા અભિનયથી એમના ચહેરા પર હાસ્ય આવી જાય તો મારા માટે એનાથી મહત્ત્વનું બીજું શું હોઈ શકે? બસ, એટલે જ હું આજ સુધી કોમેડી નાટકો ભજવું છું અને ભજવતો રહીશ. આ મારો પ્રથમ નાટ્ય પ્રવેશ હતો. 

'કૂતરાંની પૂંછડી વાંકી'નું એક દૃશ્ય
‘મૂંગી સ્ત્રી’ નાટક રાષ્ટ્રીય સ્તરે કઈ રીતે ભજવાયું?

શાળા બાદ કોલેજમાં પ્રવેશ થયો. ત્યાં હકુમતરાય દેસાઈ નામના અમારા એક પ્રોફેસરે મને રંગમંચ પર ઉતાર્યો. શરૂઆતમાં ‘વડ અને ટેટાં’ જેવા નાટકો ભજવ્યા. પછી કોલેજના અંતિમ વર્ષમાં મેં સ્વતંત્રપણે ચંદ્રવદન મહેતાનું ‘મૂંગી સ્ત્રી’ નાટક તૈયાર કર્યુંઅને તે વખતના યુથ ફેસ્ટિવલમાં આ નાટક ભજવવાનું નક્કી કર્યું. સુરતમાં એ નાટક પ્રથમ નંબરે રહ્યું એટલે પછી તેને અમદાવાદ ખાતે ઝોન કક્ષાએ લઈ જવામાં આવ્યું. ત્યાં અમારા જજ જયશંકર ‘સુંદરી’ હતા. ત્યાં પણ નાટક ખૂબ સફળ રહ્યું એટલે પછી એ નાટક ભજવવા દિલ્હીજવાનું થયું. મારી ખુશીનો તો પાર નહોતો અને દિલ્હી પહોંચીને તો એ ઉત્સાહ વધુ બેવડાયો. બેથી અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓ ફેસ્ટિવલ માટે આવ્યા હતા. રોજ સાંજે કાર્યક્રમો હોય અને એમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેવા ઊંચા હોદ્દા પરના માણસોને ત્યાં આમંત્રિત કરાતા. પંદર દિવસના ફેસ્ટિવલમાં અમારું નાટક સાતમા દિવસે હતું. એવામાં ત્યાં ફ્લુએ જોર પકડ્યું. ઘણા બધા વિદ્યાર્થીઓને એની અસર થઈ અને એમાં હું પણ ઝડપાયો. ડોક્ટરે મને સુરત જતા રહેવાની સલાહ આપી, પણ હું નાટક ભજવવા માટે દૃઢ નિર્ણય કરી ચૂક્યો હતો. અહીં સુધી આવ્યા અને પરફોર્મ ન કરીએ એ કેમ ચાલે? નાટક ભજવવાના દિવસે મારાથી ઊભા થવાય એવી સ્થિતિ પણ નહોતી. લોકો મને તેડીને સ્ટેજ સુધી લઈ ગયા હતા, પણ જેવો હું સ્ટેજ પર પહોંચ્યો તેવો શું ઈશ્વરીય ચમત્કાર થયો કે લોકોએ મને તાળીઓથી વધાવી લીધોઅને મારામાં એક ગજબની શક્તિ આવી ગઈ. પછી તો આખું નાટક મેં એકદમ સ્વસ્થ રહીને કર્યું અને તમને જાણીને નવાઈ લાગશે કે નાટક પછી મારો તાવ પણ ક્યાંજતો રહ્યો એની કોઈને ખબર જ નહીં! બારમા દિવસે પરિણામ જાહેર થયું, અમારું નાટક રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજા ક્રમે આવ્યું હતું અને મને શ્રેષ્ઠ કલાકારનો પુરસ્કાર મળ્યો. એ પછી ગુજરાતી સમાજ અને અન્ય જગ્યાએ પણ એ નાટક ભજવવા અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

આપે નાની ઉંમરે જ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો. એક કલાકારના જીવનમાં પુરસ્કારનું કેટલું મહત્ત્વ હોય છે?

આપણે જ્યારે કંઈક નાનું સરખુંય, પણ સારું કામ કરીએ અને કોઈ આપણી પીઠ થપથપાવે તો કેવી અનુભૂતિ થાય? બસ એવું જ કલાકારના જીવનમાં પુરસ્કારનું મહત્ત્વ હોય છે. કલાકારને તેની આવડત માટે જ્યારે પુરસ્કાર મળે ત્યારે તેને પીઠ થપથપાવેલી જ કહેવાય. પારિતોષિક તો નિમિત્તમાત્ર છે. પુરસ્કાર આપીને તમારી કદર કરાય છે અને જ્યારે કોઈ તમારી કદર કરે તો તમારા દિલને ખુશી ના થાય? થવી જ જોઈએ. પદ્મશ્રી મળે કે પછી સામાન્ય કોઈ ટ્રોફી મળે, પણ પુરસ્કાર લેતી વખતે તે ‘મેળવવાનો’ આનંદ તો એકસરખો જ હોય છે. આથી એનું મહત્ત્વ તો ખરું.

પારસી થિયેટરની શરૂઆત કઈ રીતે થઈ?

પારસીઓએ ઘણી દિશામાં પહેલ કરી છે. એ પૈકીનું એક ક્ષેત્ર એટલે આ નાટક. પારસીઓ પર થોડા ઘણા પ્રમાણમાં પશ્ચિમી દેશોનો પ્રભાવ ખરો. તેમની રહેણીકરણી, પહેરવેશ વગેરેમાં ઘણી સામ્યતા જોવા મળે. હવે જ્યારે અહીં અંગ્રેજોનું શાસન હતું ત્યારે એમને રીઝવવા નાટકો ભજવવા માટે ઈંગ્લેન્ડથી કલાકારો આવતા અને શેક્સપિયરના નાટકો ભજવાતા. અંગ્રેજી ભાષાના આ નાટકો પારસીઓ જોતા અને માણતાં અને તેના પરથી તેમને વિચાર આવ્યો કે આપણે પણ નાટકો ભજવીએ તો? અને આ એક વિચારથી ‘પારસી નાટક મંડળી’ની સ્થાપના થઈ. ત્યારબાદ ઓક્ટોબર, ૧૮૫૩માં ફરામજી દલાલ નામના એક વ્યક્તિના પ્રયાસથી દાદાભાઈ નવરોજીના પરામર્શથી ભારતમાં સૌપ્રથમ વખત ‘રૂસ્તમ સોહરાબ’ નામનું નાટક ભજવાયું હતું. પછી તો ઘણા નાટકો ભજવાતા રહ્યા. માઈક, લાઈટ ઈફેક્ટ વગર સાત-આઠ કલાક ચાલતા આ નાટકો જૂની રંગભૂમિની પ્રસ્તુતિ હતા. પરંતુ ત્યારબાદ સમય જતા અદી મર્ઝબાન, ફિરોઝ આંટિયા અને પ્રવીણ જોશી જેવા કલાકારોએ નવી રંગભૂમિની રચના કરી. તેમાં નાટકો અઢી-ત્રણ કલાકોના કરી મોડર્ન થિયેટરની શરૂઆત કરવામાં આવી. જોકે આ તમામ થિયેટર મુંબઈ સ્થિત હતા. ગુજરાતમાં ત્યારે પારસીઓનું આ પ્રકારનું કોઈ ખાસ થિયેટર નહોતું. શાળા-કોલેજોના સ્નેહસંમેલનમાં નાટકો ભજવાતા, પણ નિયમિતપણે ભજવવા કોઈ થિયેટર નહોતું. 

પારસી થિયેટર સાથેની તમારી સફર કેવી રહી?

અમદાવાદની ઓરિએન્ટ ક્લબે મને ‘મૂંગી સ્ત્રી’ નાટક ભજવવા માટે આમંત્રિત કર્યો હતો.અમારા નાટકના બીજા દિવસે ત્યાં ફિરોઝ આંટિયાનું ‘વાહ રે બહેરામ’ નાટક ભજવાયું. નાટક જોઈને હું એટલો ખુશ થયો કે અભિનંદન પાઠવવા હું ફિરોઝ આંટિયાને મળવા ગયો. ત્યારે હું તો નાનો ને એમની ઉંમર ખાસ્સી વધારે. તો મને ભેટીને કહે, ‘છોકરા કાલે તે નાટક મજેનું ભજવ્યું.’ તો મેં કહ્યું, ‘તો મને તમારું આ નાટક ભજવવા આપો ને.’ પણ હું નવોસવો એટલે કહે, ‘તું ગાંડો થઈ ગયો છે, આ નાટક તારાથી કંઈ ભજવાય?’ પણ મેં એમને વિશ્વાસ બતાવ્યો કે, ‘ના હું તો ભજવી શકીશ. મારે વ્યવસાયિક રીતે નથી ભજવવું, પણ આ તો મારા કેમ્બે ક્લાસીસના વાર્ષિક સ્નેહસંમેલનમાં ભજવવું છે.’ એટલે એમણે મને અમથું કહી રાખ્યું કે, ‘સારું તું મુંબઈ આવજે.’ હું તો ખુશ થતો થતો પપ્પા પાસે ગયો અને એમની પરવાનગીથી ૪૦ રૂપિયા લઈ મુંબઈ જવા ઉપડ્યો. ફિરોઝ આંટિયા મને મુંબઈમાં જોઈ પૂછે, ‘તું તો ખરેખર આવી ગયો!’ પછી એમણે નાટકની સ્ક્રિપ્ટ બતાવી, પણ તે માટે એમણે પહેલા રોયલ્ટી માગી. હવે તે સમયે આ બધાની મને કશી જાણ નહીં. એટલે મેં તો એમને જ પૂછ્યું. તો કહે, ‘તું મારું નાટક ભજવે એ માટે તારે મને કંઈક તો આપવું જ પડે ને.’ પણ મારી પાસે તો મર્યાદિત રૂપિયા હતા. એટલે મેં તો કહ્યું મારી પાસે તો નથી. તો એ એકદમ હસી પડ્યા અને મને પ્રેમથી ભેટીને કહે, ‘જા આ વખતે તો એમ જ ભજવી લે. બીજી વાર ભજવવું હોય ત્યારે રોયલ્ટી ચૂકવજે.’હું ખુશ થતો થતો સુરત આવ્યો અને નાટક ભજવ્યું. લોકોએ ખૂબ વખાણ્યું. આજે યાદ કરું છું તો વિચાર આવે છે કે એ સમયના લોકો સોનાના દિલ ધરાવતા હતા, એટલે નાટકો પણ ઉત્તમ જ ભજવાતા. પછી તો એક પછી એક નાટકો ભજવાતા રહ્યા. એટલે હું તો આનંદમાં કે આપણા નાટક તો જો ચાલે છે તે! પણ મારા પપ્પાએ એક વચન લીધેલું, ‘દીકરા નાટકમાંથી ક્યારેય કમાવાનું નહીં. તારા શોખને ખાતર કરજે. તારી કળાને વેચતો નહીં. એમાંથી દાન કરજે.’ ત્યારથી લઈને આજ સુધીએટલે કે લગભગ ૫૫ વર્ષથી નાટકની ભજવણીથી મળતા તમામ રૂપિયા દાનમાં જ આપ્યા છે. આ માટે મારા કલાકારોનો પણ હું ખૂબ આભારી છું. 

પારસી થિયેટરને આટલા વર્ષોથી જીવતું રાખવાના પ્રયાસોમાં કઈ કઈ સમસ્યાઓ આવી?

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ટી.વી., રેડિયોનો વ્યાપ વધતો ગયો. આ માધ્યમોથી કલાકારોને પૈસા પણ વધુ મળતા એટલે કલાકારો તેના પ્રત્યે વધુ આકર્ષાયા. ધીમે ધીમે પારસી રંગમંચ પડી ભાંગ્યું. આજે પારસી નાટકો ભજવાતા નથી એવું નથી. હજીય કેટલાય કલાકારો છે, જે વાર-તહેવારે મુંબઈ, સુરતમાં પારસી નાટકો ભજવે જ છે. પણ હવે આ સારું કહો કે ખરાબ, નિયમિતપણે નાટકો ભજવનાર એકમાત્ર ‘યઝદી કરંજિયા’ ગ્રુપ જ રહ્યું છે, જે સુરત ઉપરાંત દેશ અને પરદેશ બધે જ નાટકો ભજવે છે. 

પારસી થિયેટરનું ભવિષ્ય કેવું લાગે છે?

જ્યાં જ્યાં અમે નાટક કરવા જઈએ છીએ ત્યાં ત્યાં અમને આ જ પ્રશ્ન પૂછાય છે. હકીકતમાં પારસીઓની વસતી જ ઓછી થઈ ગઈ છે તો તેની અસર નાટકો પર પણ પડવાની જ ને!કોઈ અમારી વસતી વિશે તો પ્રશ્ન કરો!છતાં અમે નિરાશ નથી. જ્યાં સુધી છેલ્લો પારસી જીવતો રહેશે ત્યાં સુધી પારસી થિયેટર જીવતું રહેશે. 

પારસી થિયેટરને કઈ રીતે ફરીથી જીવંત કરી શકાય?

આજથી સાત-આઠ વર્ષ પહેલા આ વિષય પર ચર્ચા કરવા મેં મારા ભાઈ મહેરનોશ સાથે એકબેઠક કરી હતી. જાદુગર કે. લાલ પણ એમાં સામેલ હતા. તેઓ અમારા સારા મિત્ર છે. આ બેઠકમાં અમે એક વિચાર રજૂ કર્યો કે, લોકો એવું કહે છે કે પારસી થિયેટર હવે બહુ ઓછું થઈ ગયું છે. તો અમારી એવી ઘણી ઈચ્છા છે કે અમે માત્ર પારસીઓ નહીં, પણ ભાઈબંધ કોમના આઠ વર્ષથી લઈને વીસ વર્ષ સુધીના બચ્ચાઓને અમને જે કંઈ પણ આવડે છે, તે શીખવાડીએ. હજી આ માત્ર એક વિચાર જ છે. અમે કશું નક્કી કર્યું નથી. એટલે કે. લાલ તરત જ ઊભા થઈ ગયા અને કહે, ‘નક્કી નથી કર્યું એમ ના ચાલે. તો તો પછી નક્કી જ નહીં થાય. આજથી નક્કી કર્યું છે એમ રાખો અને આ રહ્યા પાંચ હજાર રૂપિયા.’હવે જો એ રૂપિયા હું સ્વીકારું અને પછી સંસ્થા શરૂ ના થાય તો હું તો પાપમાં પડું એટલે મેં પ્રેમપૂર્વક ના પાડી. પણ તેમણે આગ્રહપૂર્વક રૂપિયા આપ્યા અને ‘કલાવિકાસ અકાદમી’ની સ્થાપના થઈ. આ અકાદમીમાં વિનામૂલ્યે તમામ કોમના બાળકોને કળાના જરૂરી પાઠો શીખવાડવામાં આવે છે અને દર વર્ષે ગાંધી સ્મૃતિમાં તેઓ એક નાટક રજૂ કરે છે. આ રીતે આજની પેઢીને તાલીમ આપી અમે પારસી થિયેટરની સેવા કરી રહ્યા છીએ. 

એકસમયે આપના પત્નીએ ‘રંગમંચ છોડવાની’ શરતે લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને આજે સમગ્ર કરંજિયા પરિવાર રંગમંચને જીવતું રાખી રહ્યું છે. તો પરિવારનો કેટલો ફાળો રહ્યો?

આ આખી સફરમાં પરિવારનો પૂરોપૂરો સહકાર રહ્યો. મારો દીકરો શહેજાદ ચાટર્ડ એકાઉન્ટન્ટ હોવાની સાથે ઉત્તમ ગાયક છે. માહરૂખ એક ઉત્તમ એન્કર છે. ઘણા પ્રતિષ્ઠિત કાર્યક્રમોમાં તે એન્કરિંગ કરે છે. એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ કે મને આખો પરિવાર જ કળાપ્રિય મળી ગયો. બધામાં જ કુદરતી રીતે કળા સમાયેલી છે. 

‘કેમ્બે ક્લાસીસ’ની શરૂઆત કઈ રીતે થઈ?

મારા પિતાજી એક સામાન્ય વિદ્યાર્થી હતા. શાળામાં એકવાર લંડનની પિટમેનની શોર્ટહેન્ડ (લઘુલિપિ) ટાઈપ રાઈટિંગની પરીક્ષાઓની એક નોટિસ લાગી હતી. એ નોટિસ સાથે ગોલ્ડ મેડલ પણ મૂકાયેલો હતો. મારા પપ્પા એ નોટિસ સાથેનો મેડલ જોયા કરતા, ત્યાં એક વિદ્યાર્થીએ પાછળથી ટકોર કરી કે, તું તો એવી રીતે આ નોટિસ બોર્ડને જુએ છે કે આ મેડલ તને જ મળવાનો. પપ્પા કહે, એ તો જે મહેનત કરે એને મળે. પણ આ ઘટનાની તેમના પર ઘણી અસર થઈ. એટલે તેમણે તો મેટ્રિકની તૈયારી છોડીને આ શોર્ટહેન્ડની તૈયારી કરવા માંડી અને એમણે એવી તૈયારી કરી કે એ ગોલ્ડ મેડલ જીતી ગયા. પણ મેટ્રિકમાં નાપાસ થયા. પછી તેમણે ખંભાત જઈ ડ્રીલ શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. પણ એ સાથે જ તેમણે પ્રિન્સિપાલ પાસેથી શોર્ટહેન્ડ અને ટાઈપરાઈટિંગ શીખવવાની પરવાનગી પણ મેળવી લીધી. એક ટાઈપ રાઈટર અને ટેબલ સાથે ખંભાતમાં ‘કેમ્બે ક્લાસીસ’ની શરૂઆત થઈ. એમનો પહેલો સ્ટુન્ડ એટલે પ્રિન્સિપાલનો દીકરો. એકાઉન્ટન્સી પર પણ પપ્પાનું પ્રભુત્વ સારું. પછી સુરતના એક પ્રિન્સિપાલે તેમને અહીં બોલાવ્યા.પહેલેથી જ અહીં રહ્યા હોવાથી પપ્પાને સુરત પ્રત્યે લાગણી ખરી. એટલે અહીં આવીને લીમડા ચોકમાં એક નાનકડાં રૂમમાં ‘કેમ્બે ક્લાસીસ’ની શરૂઆત કરી. વિદ્યાર્થીઓના પરિણામો સારા આવવા લાગ્યા. તેથી સંખ્યા વધતી ગઈ અને ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું. જોકે ૧૯૪૨માં એક દુર્ઘટનામાં ક્લાસીસમાં આગ લાગી. પણ મારા મમ્મી અને પરિવારની હિંમત તથા થોડા ડોનેશન અને લોનની મદદથી ફરીથી ક્લાસીસ શરૂ થયા. વર્ષ ૧૯૬૦-૬૧માં પપ્પાએ ગુજરાતી શોર્ટહેન્ડની શોધ કરી અને તેને ‘મહેર લઘુલિપિ’ નામ આપ્યું. પરંતુ એમનું એ પુસ્તક પૂર્ણ થાય એ પહેલા જ તેમનું અવસાન થયું. એમના બાદ આ ક્લાસીસમાં મેં શિક્ષકની ભૂમિકા ભજવી અને વિદ્યાર્થીઓને શક્ય એટલી સહજતાથી તાલીમ આપવાનો પ્રયાસ કર્યો. 

એક શિક્ષક અને કલાકાર એકબીજાને કઈ રીતે સાંકળે છે?

એક શિક્ષક જ્યારે ભણાવતો હોય ત્યારે માનો કે ના માનો તે અભિનય તો કરે જ છે. આ બાબતને ખૂબ સૂક્ષ્મ રીતે જોવાની જરૂર છે. જેમ કે, એક શિક્ષક જ્યારે બાળકને વાર્તા કહેતો હોય ત્યારે તેના હાવભાવથી બાળકો એ વાર્તાને વધુ સ્પષ્ટતાથી સમજતા હોય છે. આ હાવભાવ એ એક પ્રકારનો અભિનય જ હોય છે. હું મારી વાત કરું તો મને મારા વિદ્યાર્થીઓ ગંભીર ચહેરે બેસીને ભણતાં હોય એ સહેજે ના ગમે. એમના ચહેરા પર સ્મિત હોવું જ જોઈએ અને એ શક્ય ત્યારે જ બને જ્યારે એ સ્મિત હું એમના ચહેરા પર લાવી શકું અને એ માટે હું કંઈક અભિનય કરું તો એમને પણ ખુશી થાય. અલબત્ત, શિક્ષક ગંભીરપણે શીખવતો હોય ત્યારે પણ એ અભિનય તો કરે જ છે. તો બીજી બાજુ નાટકમાં પણ શિક્ષણ તો હોય જ છે. આમ હું એવું માનું છું કેશિક્ષક અને કલાકાર એકબીજાને સાંકળતા તો હોય જ છે. 

આ બંનેમાંથી તમને કઈ ભૂમિકા વધુ પસંદ છે?

(હસીને) આમાં માનીતી કે અમાનીતી રાણી જેવું કશું નથી. હું એક શિક્ષક અને કલાકાર એમ બંને ભૂમિકામાં દિલ ખોલીને કામ કરું છું. પણ એટલું ખરું કે લોકો મને શિક્ષક કરતાં કલાકાર તરીકે વધુ ઓળખે છે. એનું એક કારણ છે. શિક્ષક તરીકે હું લોકોના મગજમાંથી પસાર થાઉં છું. જ્યારે કલાકાર તરીકે હું સીધા તેમના હૃદયને સ્પર્શું છું. એટલે હૃદય નજીકની સ્મૃતિને કદાચ લોકો વધુ યાદ રાખે છે. પણ હું તો શિક્ષક અને કલાકાર એમ બંનેની ભૂમિકાને સંપૂર્ણપણે માણું છું. 

તમારી સફળતાનો શ્રેય કોને આપો છો?

આજે મારા જીવનમાં જો મને કોઈ સફળતા કે ઉપલબ્ધિ મળી હોય તો તેનો બધો શ્રેય ભગવાન ઉપરાંત સંત સમા માતા-પિતા, સ્વર્ગસ્થ કલાગુરુ ફિરોઝ આંટિયા, ચંદ્રવદન મહેતા, ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ડો. રતન માર્શલ જેવી વ્યક્તિઓને આપું છું. આ તકે એમના પવિત્ર આત્માઓને નતમસ્તક વંદન કરું છું. મારી આ શિક્ષણ અને કલાયાત્રામાં મને સહકાર, હૂંફ અને પ્રેરણા આપનાર મારી પત્ની વીરા, દીકરા-દીકરી, મારા વહાલા ભાઈઓ અને ભાભીઓ, બહેનો, બનેવી અને તમામ સાથી કલાકારો(જેમાંના કેટલાક તો ગ્રુપની સ્થાપનાથી એટલે કે ૫૫ વર્ષથી મારી સાથે છે), તમામ શુભેચ્છકો અને સુરતીઓનો હૃદયપૂર્વક આભારી છું. આપ સૌને ખાતરીપૂર્વક કહું છું કે જ્યાં સુધી આ શરીર સ્વસ્થ રહેશે અને શ્વાસ લેતું રહેશે ત્યાં સુધી શિક્ષણક્ષેત્રે અને નાટ્યક્ષેત્રે મારું સર્વસ્વ સદા અર્પણ કરતો રહીશ.

જીવનનું એકમાત્ર લક્ષ્ય કઈ બાબતને ગણો છો?

હસી લો, હસાવી લો. બે ઘડી મસ્તીમાં વીતાવી લો. કોને ખબર, કાલે મળ્યા કે ના મળ્યા. આજને બસ પ્રેમથી વધાવી લો. આપણા આખા જીવનના રસકસને આવરી લેતું એક ગીત, જેને હું મારા તમામ વક્તવ્યમાં અચૂકપણે વાગોળું છું, એ મારો જીવનમંત્ર છે. રાજ કપૂર પર ફિલ્માવાયેલા ‘અનાડી’ ફિલ્મના ગીતની આ પંક્તિઓ ‘કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઈસી કા નામ હૈ...’ને જીવવાનો મેં હંમેશાં પ્રયાસ કર્યો છે.


Tuesday, April 29, 2014

મતદાર તરીકે મહિલાઓ કેટલી જાગૃત છે?



સામાન્ય માન્યતા એવી છે કે મહિલાઓને રાજકારણમાં રસ પડે નહીં અને પતિ કહે તે પક્ષ કે ઉમેદવારને મત આપી આવે. જોકે વીસમી સદીની આ માન્યતા એકવીસમી સદી માટે સંપૂર્ણપણે સાચી નથી. મહિલાઓ પણ અખબારો-સામયકિિ વાંચે છે અને ટીવી પર ન્યૂઝ જુએ છે એટલે તે દેશની સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર છે તેને ખબર છે કે દેશમાં ઘણા સ્થળોએ સ્ત્રીઓ માટે અસુરક્ષાનો માહોલ છે, મોંઘવારી વધતા તેનું બજેટ ખોરવાઈ જાય છે. ‘ગુજરાત ગાર્ડિયન’ એ જ્યારે વિવિધ ઉંમરની સ્ત્રીઓ સાથે ચૂંટણી વિશે વાત કરી ત્યારે આવી ઘણી હકીકતો બહાર આવી જે જૂની માન્યતાઓને ખોટી પાડે છે. ચાલો, આ સ્ત્રીઓના મંતવ્યો વિસ્તારપૂર્વક જાણીએ.

કાયદાની ઊંડી સમજ ધરાવતા ભાવનગરના રહેવાસી પ્રતિભા ઠક્કર જણાવે છે કે, “આપણા સમાજમાં મહિલાઓ હવે ગૃહિણી અને વ્યવસાયિક એમ બે વિભાગોમાં વહેંચાઈ ગઈ છે. એક બાજુ વ્યવસાયિક મહિલાઓ પોતાના કાર્યક્ષેત્રમાં સુરક્ષા, પ્રમોશન તથા મૂળભૂત હકો માટે જાગૃત થઈ છે તો બીજી બાજુ ગૃહિણીઓ પણ ચૂંટણી માટે તેમની પાયાની કેટલીક જરૂરિયાતો સંતોષાય એ માટે થોડા ઘણા અંશે જાગૃત છે, પણ તેમના પર ધર્માચારીઓની અસર વધુ રહેતી હોય છે. આ માટે તેમનું ઓછું ભણતર તથા વાંચનનો અભાવ એ મહત્ત્વના કારણ છે. ઘરેલું મહિલાઓની આ નબળાઈનો રાજકીય પક્ષો પણ પૂરો ફાયદો ઉઠાવે છે અને વિવિધ કર્મકાંડો કરાવે છે, જેની સીધી અસર આ મહિલાઓ પર પડે છે અને તેઓ પોતાનો એક રાજકીય મત કેળવી લે છે. કેટલાક ધર્મ ગુરુઓ ઘણીવાર આદેશો પણ બહાર પાડતા હોય છે અને તેની અસર પણ ગૃહિણીઓ પર વધુ પ્રમાણમાં થતી હોય છે. આ સંપ્રદાયો ગૃહિણીઓની રોજબરોજની સમસ્યાઓનો કેટલાક અંશે ઉકેલ લાવતા હોવાથી તેમનો વિશ્વાસ મજબૂત બને છે અને વધુ વિચાર્યા વિના તેઓ જે તે સંપ્રદાયની વિચારશૈલીને અપનાવી લે છે.” 

હજુ પણ એવા અનેક પ્રદેશો તથા શહેરો છે, જ્યાં મહિલાઓ સ્વતંત્ર રીતે વિચારી શકતી નથી અથવા તો મહિલાઓ વિચારે એવું માહોલ ઊભું કરાતું નથી. અલબત્ત પરિસ્થિતિ દરેક ક્ષેત્રમાં સરખી પણ નથી. સુરતમાં રહેતા અને વ્યવસાયે ગૃહિણી એવા સુમિતા બી પટેલ કહે છે કે, ‘‘એક રીતે જોવા જઈએ તો બધા જ પક્ષોએ ક્યાંકને ક્યાંક મહિલાઓને નિરાશ કરી છે, પણ કયા પક્ષે ઓછા નિરાશ કર્યા એના આધારે હવે મહિલાઓ નિર્ણય લે એ વધુ યોગ્ય છે. હું એક ગૃહિણી છું, છતાં મારો એક ચોક્કસ અભિગમ છે. એક ગૃહિણી તરીકે સૌથી વધુ સતાવતી સમસ્યા હોય તો તે મોંઘવારી છે. ત્યારબાદ બાળકોનું શિક્ષણ, સલામતી તથા એક ગૃહિણી માટે અત્યંત જરૂરી એવી કોઈ રિટાયરમેન્ટ યોજના છે. એક ગૃહિણી આખો દિવસ પરિવારના સભ્યો પાછળ આપી દેતી હોય છે. જોકે ગૃહિણીને તેનો સંતોષ પણ હોય છે, પણ આજની સ્થિતિને જોતાં એક વાત નિશ્ચિત છે કે મહિલાઓએ પણ આર્થિક રીતે પગભર હોવું ખૂબ જ જરૂરી છે અને તેથી જ ગૃહિણીઓ પણ આર્થિક રીતે સદ્ધર બને એવી કોઈ યોજના અમલમાં મૂકાવી જોઈએ અને જે પક્ષની હજી સુધીની રૂપરેખા આ મુદ્દાઓની નજીક હશે તેને જ મારો મત આપીશ.’’ આ વાત સાથે સંમતિ દર્શાવતા સુરતના જ રહેવાસી સમતા ભાવસાર કહે છે કે, “મારા જેવી ગૃહિણીઓ પણ ઘરે બેસીને કામ કરી શકે અને આર્થિક રીતે પગભર બને એ માટે નિશ્ચિત યોજના હોવી જોઈએ. જે પક્ષે ઘરેલું સ્ત્રીઓ માટે કોઈ નિશ્ચિત પગલાં લીધા હશે અથવા તો મેનિફેસ્ટોમાં સમાવ્યા હશે અને જેના વચનો પર વિશ્વાસ કરી શકાય એવો મજબૂત મત કેળવાશે તેને જ હું મારો વોટ આપીશ.”

તો મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહેતા પ્રીતિ પુરોહિત જણાવે છે કે, “હું એક ગૃહિણી છું એનો મતલબ એ નથી કે દેશ પ્રત્યે મારી કોઈ નૈતિક જવાબદારી નથી. એક ગૃહિણી તરીકે સ્વાભાવિક રીતે જ મને મારા પરિવારના સભ્યોના વિચારો અસર કરતાં હોય, પણ તેમના મંતવ્યોથી મારા મતદાનમાં ફેર પડતો નથી. હા, દરેક પક્ષ વિશેની વિગતો ખુલ્લા મને આવકાર્ય છે, પણ અંતે મતદાન તો મેં મારા વિશ્લેષણને આધારે જ કર્યું. એક મહિલા તરીકે મતદાન કરતાં પહેલા મેં જે-તે ઉમેદવારની પાર્શ્વભૂમિકા વિશે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ માટે હવે મહિલાઓએ અને ખાસ કરીને ગૃહિણીઓએ ઈન્ટરનેટ, ન્યુઝ ચેનલોની ડિબેટ તથા સમાચાર પત્રોમાં આવતા નિવેદનો તથા રિપોર્ટને ધ્યાનપૂર્વક વાંચવા જોઈએ. એક મહત્ત્વની બાબત એ છે કે ઘણીવાર પક્ષની કામગીરી સારી હોય, પરંતુ એ પક્ષનો તમારા ક્ષેત્રનો ઉમેદવાર યોગ્ય ન હોય ત્યારે મત આપવા માટે દ્વિધા ઊભી થાય છે. આ માટે મહિલાઓએ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજવી જોઈએ અને પછી જ પોતાનો મત નક્કી કરવો જોઈએ.”

ગૃહિણીઓ સાથે વાત કરતાં તેમના અભિગમ અને ચૂંટણી વિશે જાગૃતતા માન ઉપજાવે એ પ્રકારની છે, પણ જે મહિલાઓ સ્વતંત્ર રીતે આવા નિર્ણયો લઈ શકતી ન હોય તો? આ વિશે પ્રતિભાબહેન આગળ જણાવે છે કે, “મહિલાઓ અને તેમાંય ગૃહિણીઓ માટે વાંચન સૌથી પહેલો ઉપાય છે. મહિલાઓએ પોતાના શહેર, રાજ્ય તથા દેશને લગતા સમાચારોમાં પણ રસ કેળવી, તારણ કાઢવાની આવડત કેળવવી જોઈએ. બાહ્ય ચમક-દમકથી અંજાયા વિના વાસ્તવિકતાને પરખે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તો જ તેઓ પોતાની એક ઓળખ ઊભી કરી શકે અને તો જ તેમના મતનું ખરું મૂલ્ય જળવાઈ રહે. જ્યારે બીજી બાજુ સુશિક્ષિત તથા વિચારશીલ ગણાતી એવી વ્યવસાયિક મહિલાઓની સ્થિતિ પણ કંઈ વખાણવાલાયક નથી. ચૂંટણી આવતા મતદાનથી માંડીને વસતી ગણતરી વખતે પણ તેમની પાસે ઘણા કામો કરાવવામાં આવતા હોય છે. આથી કાર્યક્ષેત્રમાં શોષણ તથા જાતીય ભેદભાવો જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહિલાઓએ પોતાનો મત કેળવવો જોઈએ. આજે જ્યારે હું સમાજ તરફ નજર કરું છું તો મને લાગે છે કે પછાત જાતિની એક મહિલાઓનો એક સમૂહ એવો છે, જે જ્ઞાતિના મોભીઓને આધારે પોતાના અભિપ્રાયો ઘડે છે, જ્યારે મધ્યમ વર્ગની મહિલાઓનો બીજો આખો વર્ગ મહારાજ, સાધુ-સંતો પર નિર્ભર રહે છે. જે થોડી ઘણી મહિલાઓ વાંચી-વિચારી શકે છે, એમનામાં પ્રમાણમાં ઓછી જાગૃતિ છે. આથી મહિલાઓએ જ વાંચન, વિશ્લેષણ તથા પક્ષોની ભૂમિકાને આધારે તથા કોઈનાથીય પ્રભાવિત થયા વિના સ્વતંત્ર રીતે નિર્ણય લેતા શીખવું જોઈએ.”

મહિલાઓ એક જ જીવનમાં અનેક ભૂમિકા ભજવતી હોય છે, એમાંય માતાની ભૂમિકા તે બાળક આવે ત્યારથી લઈને જીવનના અંત સુધી નિભાવતી રહે છે. તો એક ગર્ભવતી મહિલાઓની શું અપેક્ષા હોય છે? આ પ્રશ્નના જવાબરૂપે સુરતના રિદ્ધિ પી. ઈટાલિયા કહે છે કે, “મારા આવનારા બાળક માટે સૌથી વધુ મહત્ત્વની બાબત એના શિક્ષણની છે. મારું બાળક સારું શિક્ષણ મેળવી તેના જીવનમાં સફળ થાય એ જ એક માતાની ઈચ્છા હોય છે. બીજો મુદ્દો એની સલામતીનો છે. મારું બાળક એનું બચપણ કોઈ પણ ભય વિના માણી શકે, બાગ-બગીચા કે અન્ય જાહેર સ્થળો પર મુક્ત રીતે રમી શકે એવું વાતાવરણ જે પક્ષ કે નેતા આપી શકે તેને જ હું મત આપીશ.” જ્યારે વિકસી રહેલા નવા જીવની સુરક્ષા માટે એક ગર્ભવતી માતા પોતાના મંતવ્યો ઘડી રહી છે ત્યારે જીવનના અંતિમ તબક્કાને જીવી રહેલા વૃદ્ધાઓના અભિપ્રાયો પણ મહત્ત્વના બની રહે છે. ૭૧ વર્ષીય મંજુલા રઘુવંશી વર્ષોથી સુરતમાં સ્થાયી થયા છે. ચૂંટણી વિશે અભિપ્રાય આપતાં તેઓ કહે છે કે, “સાચા, પ્રામાણિક, દેશદાઝવાળા અને દેશનો કારભાર ભ્રષ્ટાચાર વિના ચલાવી શકવા સક્ષમ એવા નેતાઓને જ હું પસંદ કરીશ. લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાઓની અત્યારે જરૂર છે. વૃદ્ધ મહિલાઓ માટે એક મહત્ત્વની વાત પેન્શનની છે. ઉંમરની સાથે આવતી બીમારી અને બીજી અનેક સમસ્યાઓ પાછળ પૈસા એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. મારા મતદાન માટે આ મુદ્દાઓ વધુ મહત્ત્વના અને નિર્ણાયક રહેશે.”

મુંબઈમાં કાયદાનો અભ્યાસ કરતી હીર ખાંટ એક યુવા તરીકે પોતાના વિચાર જણાવે છે કે, “હજી સુધી હું આરટીઆઈનો ઘણો ઉપયોગ કરી ચૂકી છું. મહિલાઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારોની વિગતો તથા આંકડાંઓ સ્તબ્ધ કરી દે એવા છે. ઉપરાંત, આવા કિસ્સામાં આરોપીઓનો નિર્દોષ છૂટી જવાનો દર પણ ૭૦ ટકા જેટલો છે. આવી સ્થિતિમાં મહિલાઓ જાગૃત થાય એ ખૂબ જ આવશ્યક છે. અહીં પુરુષોની સમકક્ષ જવાની વાત નથી, પણ મહિલાઓએ પોતાની જ ક્ષમતાને સમકક્ષ પહોંચવાની વાત છે. એટલે હું એ જ નેતાને મત આપીશ જે મહિલાઓના પ્રશ્નો માટે જાગૃત હોય અને સમસ્યાને મૂળમાંથી ઉકેલી દેશની સ્થિતિ સુધારવાની હિંમત દાખવતો હોય. નહીંતર હું નોટા(NOTA-આ પૈકી કોઈ નહીં)ને મારો મત બનાવીશ.” જ્યારે સુરતમાં રહેતી એમબીએની વિદ્યાર્થી નિરાલી ધૂમ કહે છે કે, “ભારતમાં દર વર્ષે લાખો એન્જિનિયર બહાર પડે છે, પણ તેમને રોજગારી મળતી નથી અને અંતે તેઓ સમાધાન કરીને કોઈ પણ સ્તરની નોકરી કરવા મજબૂર બને છે. ઉપરાંત, ઘણી શાળા અને કોલેજોમાં તો પાયાની સગવડ પણ નથી હોતી અને જ્યાં હોય છે ત્યાં છોકરીઓ ભણી નથી શકતી. આ તમામ બાબતો એકબીજા સાથે એ પ્રમાણે સંકળાયેલી છે કે તેના વ્યવસ્થિત વિશ્લેષણ વિના એક પક્ષ ન તો શાસન કરવાનું વચન આપી શકે કે ન તો કોઈ મતદાતા પોતાનો એક નિશ્ચિત અભિગમ કેળવી શકે. આથી આ તમામ વાતો તથા ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ હું મતદાન કરીશ.”

આ ચૂંટણી માટે માત્ર ભારતની મહિલાઓ જ નહીં, પણ તમામ એનઆરઆઈ મહિલા પણ ઘણી ઉત્સુક છે. અમેરિકાના સાનફ્રાન્સિસ્કોમાં રહેતા શિવાની દેસાઈ કહે છે કે, “ભારતના તમામ નાગરિકે અને ખાસ કરીને તો મહિલાઓએ અવશ્યપણે મત આપવો જોઈએ. મહિલાઓએ ઘરના બજેટને સ્થિર રાખતા, જવાબદાર, સલામત અને પ્રામાણિક નેતાઓ પર પોતાની પસંદગી ઉતારવી જોઈએ. અહીં અમેરિકામાં પણ ચૂંટણીના પરિણામો અને તેની સમગ્ર પ્રક્રિયા વિશે ઘણો રોમાંચ છે.”

આ એક લડત છે, જે દરેક મહિલાઓએ સાથે મળીને લડવાની છે. પ્રત્યેક ઉંમરની મહિલાઓ માટે દરેક માટે ચૂંટણી એક આશાનું કિરણ લઈને આવી છે. પ્રત્યેક મહિલા કંઈક પરિવર્તન ઈચ્છે છે અને પોતાનો મત એક એવી વ્યક્તિ કે પક્ષને આપવા માગે છે, જે હકીકતમાં મહિલાઓની સુરક્ષા, માગો તથા જરૂરિયાતોને સમજે અને તેના સન્માનને જાળવે.

29 એપ્રિલ, ૨૦૧૪ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.