Tuesday, January 29, 2013

ક્વાદ્રુપોલ




          શિયાળાની ઠંડી ફરી એકવાર અચાનક શહેરને થીજાવી રહી હતી. પવનની ઠંડક સૌને ઠંડીમાં ભીંજવી રહી હતી.વળી ક્યાંક તો પાણીએ એની ન્યૂનતમ સહનશીલતા ગુમાવીને બરફરૂપ ધારણ કર્યું હતું. શિયાળાની સવાર તો અદ્દભૂત હોય જ છે ને સાથે સાથે ધુમ્મસ અને ઝાકળબિંદુઓની ભીનાશ એની વિશેષતા બની રહે છે. પણ આજે, સંધ્યાસુમારે આકાશ વિવિધ રંગોની પીંછી વડે અસામાન્ય દ્રશ્ય ઉપજાવી, આંખો આંજી દેવાના મૂડમાં છે. પક્ષીઓ જાણે બદલાયેલા આ આકાશના રંગને વધાવી રહ્યા હોય તેમ કલરવ કરતા માળામાં પાછા ફરવા લાગ્યા.રંગોની આ બદલાતી ઠંડી સાંજમાં આથમતો સૂર્ય ચંદ્રથીય વધુ સુંદર લાગતો હતો.શિયાળાની ઠંડક આથમી રહેલા સૂર્ય સાથે પ્રમાણમાં વધી રહી હતી અને એટલે જ રાતાશ પડતા આકાશ સાથે ખરેખરી "ગુલાબી ઠંડી" અનુભવાય રહી હતી.એક તરફ આ લાલઘૂમ સૂર્ય દૂર ક્ષિતિજમાં બંને કાંઠે વહી રહેલી નદીમાં પ્રવેશી રહ્યો હતો તો બીજી તરફ આથમતા સૂર્યને નિહાળતા નિષા,સ્નેહલ,માનસી અને ઉન્નતિના જીવનમાં જાણે સૂર્યોદય થઇ રહ્યો હતો. દોડતા વાહનોની વિરુદ્ધ દિશામાં, પૂલના વોકિગ ટ્રેક પર ચાલતા ચાલતા મનની વાતો ઠલવાય રહી હતી.

                   નિષા, ઉન્નતી, સ્નેહલ અને માનસી-ચારેયને એક નામ આપવું હોય તો ક્વાદ્રુપોલ. હા, એક બહુ ઉપયોગી અને જાણીતા મેસેન્જર પર આ નામ સાથે ગ્રુપ ચેટ કરવા આ ચાર સખીઓ ટેવાયેલી હતી. પાંચ વર્ષના કોલેજકાળ દરમિયાન દરેક સારા નરસા સમય એમણે એકસાથે ગળ્યા હતા.મિત્રતાની કહેવાતી ઘણી કસોટી પાસ કરીને આજે એક નવી જ એનર્જી સાથે ચારેય, એ મિત્રતાની શરૂઆત ફરીથી કરી રહ્યા હતા.ચારેયનો ઉછેર અલગ તથા ચારેયના સ્વભાવમાં હાથની આંગળીઓ જેટલો જ તફાવત હતો.દરિયાના મોજા કિનારા પર આવી પાછા વળે છતાં એની ભીનાશ રેતીમાં છોડી જાય એ જ પ્રમાણે સંબંધોના ચઢાવ-ઉતાર દરેકના ર્હદયમાં એક છાપ છોડી ચૂક્યા હતા. છતાંય એકમેકની લાગણી અને સાથની ઝંખના, આદત કે પછી મહત્વ જે ગણીએ એ એટલું તો વધારે હતું કે આજે અઠવાડિયાથી વધુ સમયની નારાજગી છોડી સૌ ભેગા થયા હતા.

                  નિષા,પ્રમાણમાં ઘણી સંવેદનશીલ અને કરિયર માટે ખૂબ જ મહ્ત્વકાંશી એવી એક સામાન્ય મધ્યમવર્ગી ગુજરાતી કુટુંબની છોકરી.ગ્રેજ્યુએશન પૂરું થવાના આ મુકામ પર આવી, અવઢવમાં પડેલી નિષા બધાથી દૂર, એકલી પોતાની દિશા નક્કી કરવામાં વ્યસ્ત હતી.એના સ્વભાવ પ્રમાણે એ કોઈનેય કશું કહ્યા વિના સૌથી અલગ એક અંધારી ગુફામાં જાણે ભરાઈ ગઈ હતી.ક્વાદ્રુપોલનો આ ચોથો પાયો તૂટતો દેખાતા, બાકીના ત્રણેય ખૂબ જ વ્યથિત અને સાથે સાથે ગુસ્સે પણ હતા અને ના પણ કેમ હોય! એકબીજા સાથે દરેક વાત શેર કરવાની વણકથિત પ્રોમિસ કરી હતી એમણે! આથી આજે નિષાએ સૌની સામે આ દિવસોની ગડમથલ અને કરેલા નિર્ણયોની કબૂલાત કરવાનો નિર્ણય કર્યો હતો. કરિયર વિષેકરેલા નિશ્ચયનો એક સ્થિર મુકામ મેળવ્યા બાદ એ નિર્ણયને ક્વાદ્રુપોલ સમક્ષ મુકવાની ઘડી હતી આ.

          વાહનોના ઘોઘાટમાં અને અવર જવર કરી રહેલા લાખો લોકોની વચ્ચે પણ આ ચાર જણ એકમેકની વાતોમાં એકાંત અને શાંતિ અનુભવી રહ્યા હતા.નિષાએ એના ફીલ્ડ બદલવાના મહત્વના નિર્ણયથી માંડીને આટલા દિવસથી મનમાં ચાલી રહેલા ઘમાસાણ યુદ્ધ સુધીની બધી વાત અત:થી ઈતિ સુધી કરી. ત્રણેયે એના નિર્ણયને અમુક દલીલો અને અમુક સલાહ સાથે વધાવી લીધો. ક્યાંકને ક્યાંક દરેકના જીવનનો તબક્કો સમાન જ હતો. પણ સૌ પોતપોતાની રીતે ઝઝૂમી રહ્યા હતા ને આજે આ ઘડી એ જાણે સૌ પોતપોતાનું દિલ ખોલીને ભવિષ્યની ચર્ચા કરવા તૈયાર હતા.

        અઢળક સંપતિ ધરાવતા શહેરના પ્રતિષ્ઠિત બિસ્નેઝ્મેનની સંતાનને હોય એટલાં બધા જ ઓપ્શન ઉન્નતિ પાસે હતા.આમ છતાં પોતાના રસને હવે પછીના વર્ષોમાં ઉપયોગ કરી કરિયર બનાવવાની હિંમત અને માહિતી એનામાં જોઈએ એટલી ન હતી.પરંતુ આજે અજાણતા જ આ વાત સૌ સામે મૂકાય અને જાણે રસ્તા એની રાહ જોઈ બેઠા હોય એમ ઘણા ઓપ્શન ચર્ચાયા.ઘરના અંકુશો વચ્ચે સર્જનાત્મકતાને કેળવી એ દિશામાં આગળ વધવા સ્નેહલ, નિષા અને માનસીએ એને બળ પૂરું પાડ્યું.તો વળી, ઘરમાં સતત આવતા મહેમાનોની દેખરેખ અને સમાજના કાર્યક્રમો તથા વાચવાની આળસ સ્નેહલ માટે  જાણે કોઈ જંગથી ઓછી નહિ હતી.રોજ સવારે ટાર્ગેટ લખતી ને સાંજ પડ્યે "કાલે આટલું તો કરી જ લઈશ"થી દિવસ પતાવતી. ઘણીવાર સંજોગો તો ઘણીવાર કંટાળો એની આવનારી માસ્ટર્સની એન્ટ્રન્સ માટે બાધારૂપ બનતી. આજે બધી જ અકળામણ ક્વાદ્રુપોલ સામે કાઢીને એનો ઉકેલ મેળવવા ઝંખી રહી હતી.માનસી અચાનક દિવસોની ગણતરી કરવા લાગી.બે ઘડી સુધી ત્રણેય એને જોઈ રહ્યા.કોઈ કશું સમજે એ પહેલા જ એ બોલી પડી " અરે, આને  ક્લીયર કરાવવાની છે ને આ એન્ટ્રન્સ. પાગલ હમણાં કહે છે. હવે મારે જ કરાવવું પડશે આને.જો આ તારું ટાઇમ ટેબલ" ને પછી દિવસો અને સબજેકટના આંકડાઓ સાથે હવામાં હાસ્યનો રણકો સંભાળવા લાગ્યો. કોઈ પણ પ્રશ્નનો ઉકેલ એમ તો સરળ જ હોય છે માત્ર એની યોગ્ય રીતે રજૂઆત અને યોગ્ય વ્યક્તિ સામેની રજૂઆત વધુ સરળ બનાવી મૂકે છે.માનસીએ પિતાની ઈચ્છા વિરુદ્ધ એક જ સ્વપ્ન, U.S.A.માં આગળનું ભણતર, સેવ્યું હતું. માતા-પિતાની સંતાન પ્રત્યેની લાગણી અને "કર્લિંગ પેરન્ટ" ની ભૂમિકા ઘણીવાર સંતાનોની ઈચ્છાના શ્વાસ રૂંધી લે છે.નિષ્ફળતા, વ્યર્થ પ્રયત્નો કે પછી કડવા ઘૂંટથી સંતાન થાકશે કે રડશે તો જ એમાંથી નીકળવાનાં રસ્તા પણ શોધતા થશે. આ સમજ આજના માતા-પિતામાં ક્યાંક ને ક્યાંક વધુ પડતા રક્ષણાત્મક સ્વભાવને લીધે વિખેરાતી જણાય છે ને એ જ સંતાનને ઘણીવાર પોતાનાથી દૂર લઇ જવા કારણભૂત બને છે પણ અત્યારે માનસી અને એના પિતા વચ્ચે પૂલ બનવાનો નિર્ણય બાકીના ત્રણ જણે એકમેકની આંખોનાં ઇશારામાં કરી લીધો.માનસી એ જોઈ ના શકી કારણ કે આંસુઓથી એની આંખ અને મન બેવ છલકાય રહ્યા હતા.

          હવે ચારેયની દિશા અલગ હતી, પ્રમાણમાં ઘૂંઘળી પણ દિશા નક્કી હતી.ચારેયમાં ધડકી રહેલું ર્હદય આટલું લયબદ્ધ ક્યારેય ન હતું.સૌ એક તાજગી સાથે શિયાળાની આ સાંજ માણી રહ્યા હતા. રાતાશ પડતું આકાશ હવે ઘેરા નારંગી રંગમાં ફેરવાયું હતું.થોડા સમય પહેલા એકબીજા માટેની નારાજગી, ગુસ્સો અને ફરીયાદોએ પણ જાણે રંગ બદલી નાખ્યો હોય એમ ચારેયના ચહેરા પર અનેરો સંતોષ અને પ્રેમ હતો.કરિયરની દિશા અલગ હોવા છતાં જીવનમાં એક નિશ્ચિત મુકામ મેળવવાની દિશા ચારેયની સમાન જ હતી. .સૂર્ય હવે નદીમાં ડૂબીને સમાધિ લઇ ચુક્યો હતો અને વાતાવરણની સુંદરતા જાળવી રાખવા જાણે ચંદ્ર કોઈ હરીફાઈમાં ઉતાર્યો હોય એટલો સોહામણો લાગી રહ્યો હતો.ચંદ્રની શીતળતા દરેકના મનને સ્પર્શી રહી હતી .સાથે સાથે છૂટા છવાયા તારાઓની આકૃતિ અને ઝગમગાટ અંધકારમાં પણ જાણે રોશની ફેલાવી રહ્યા હતા.કંઈક આવી જ સ્તિથિ ક્વાદ્રુપોલની હતી.હવે પછીની દિશા સૌની અલગ હતી પણ જયારે ચારેયમાંથી કોઈનાય જીવનમાં અંધકાર છવાશે તો આ છૂટા છવાયા તારા એકમેકના  જીવનમાં અજવાળું પાથરવા સદાય આસપાસ જ હશે એવા મનોમન નિર્ણય પૂલ પર ચાલતા  કેટલાય  લોકોની  ભીડનો  હિસ્સો બની પોતપોતાની  દિશા આંકવા લાગ્યા.

                 
                  

યાદોની દોર


                    "એ જાય , કાયપોચ જ છે !!’’ ની સાથે સાથે “મેરે ફોટો કો સીને સે યાર ચિપકાલે સૈયા ફેવિકોલ સે ” થી આખેઆખું વાતાવરણ ગૂંજી રહ્યું હતું. દરેક પોતાના પતંગને એટલી ઉંચાઈ પર સ્થિર કરવા માંગતા હતા કે અન્ય કોઈ એના સુધી પહોચી પણ નહિ શકે. જિંદગીની સફળતા માટે જેમ લોકો ઝંખે છે એ જ રીતે જાણે પતંગને પણ લોકો એટલી જ ઉંચાઈ પર જોવા માંગતા હતા. દરેક અગાશી પર એમ જોવા જઈએ તો એકસમાન નજરો હતો. એ જ જુસ્સો, એ જ ઉશ્કેરાટ, એ જ ફિરકી પકડવાની રકઝક ને એ જ પેચ લાગ્યાની બૂમો!! આકાશમાં જાણે રંગબેરંગી દોરીઓ સાથે આ પતંગો આકાશરૂપી રણભૂમિ પર યુદ્ધ લડતા હોય એમ ચગતા અને "શહીદ" થતા. પતંગ ચગાવાના આનંદ સાથે " અરે પેલી બાજુ જો, પતંગ આવ્યો." " પેલી દોરી જો, પકડ ,પકડ. અરે જલ્દી ભાગ." જેવા અવાજો સાથે પતંગ પકડવાનો ઉમંગ પણ એટલો જ હતો. માનવમેદનીથી ઉભરાતી અગાશીઓ આ તમામ ધ્વનીઓ અને પિકચરના ગીતો સાથે ઝૂમી રહી હતી.બપોરના તડકામાં પણ પતંગરસિકોનો જુસ્સો ઓછો નહિ થયો હતો . 


                   સવારના અગાશી પર ચઢેલા નિસર્ગ , શૌનક , કાવ્ય , શ્રેયા, પંછી અને ગુંજન અગાશીમાં છાયડો શોધી બેઠક જમાવવા લાગ્યા . આસપાસના પતંગની હિલચાલ સાથે વાતોનો દોર શરુ થયો . આજથી ચાર વર્ષ પહેલા એક જ શાળાના કમ્પાઉંડથી શરુ થયેલી આ મિત્રતામાં આ વર્ષો દરમિયાન ઘણા ચઢાવ ઊતાર આવ્યા અને હજી પણ કોઈક કોઈક ખૂણામાં એકબીજાને લઇને ઘણી વાતોમાં વસવસો છે.છતાં પવન મળતા જેમ પતંગ ઉડવા માટે એની દિશા પકડી લે છે તે જ રીતે ભૂતકાળમાં સરી પડવા આજે સૌ તત્પર હતા . મમરાના લાડુ ને ચીકીની બધી મીઠાશ મોઢામાંથી જાણે સીધી મનમાં ઊંડે સુધી રહેલી યાદો સાથે ભળવા લાગી.એક જ બેન્ચ પર બેસતા પંછી અને શ્રેયા પાસે વાગોળવા માટે અનેક યાદો હતી.એ પૈકી પંછીએ એક કિસ્સો સંભળાવવાની શરૂઆત કરી." તને યાદ છે શ્રેયા, પેલા મીનાક્ષી ટીચર? આપણને સામાજિક વિજ્ઞાન ભણાવતા હતા તે? અને એમના બીજા જ પિરીયડમાં નિરાલીએ આપણી ફરિયાદ કરેલી કંઈક એમને. ને જાણે શું મોટી વાત થઇ હોય એમ આખા ક્લાસ વચ્ચે આપણને પિરીયડ પછી મળવા કીધેલું. આપણે કેવા ડરી ગયેલા!" એટલે શ્રેયા તરત જ વચ્ચે બોલી પડી."ચલ ચલ, પણ એ હતી જ એવી. ને આપણે તો કઈ કરેલું પણ નહિ." ને પછી એ મીનાક્ષીબહેનની અદામાં બોલવા લાગી અને સૌ હસી પડ્યા.પંછી એ આગળ વાત વધારતા કહ્યું:"ખરી મજા તો હવે આવશે દોસ્તો, પિરીયડ પછી અમે મળવા ગયા તો એમણે અમને નિરાલીનું નામ આપ્યું. ને આ શ્રેયાનું ઝનૂન તો ખબર ને? સાલી, એટલી જોશમાં આવી ગઈ કે રમતના પિરીયડમાં નિરાલી એની ટોળકી સાથે બેઠેલી હતી તો આ બહેન "આજ ના છોડેંગે તુજે દમ દમાદમ" એવું ગાતી ગાતી પસાર થાય.જાણે શું નું શું કરી નાખશે.એની પછી ચાલે પણ  એવી રીતે ને." હજી વાત પૂરી જ થઇ ત્યાં બધા જ અલગ અલગ દિશામાં વિખેરાય મુક્ત હાસ્ય કરવા લાગ્યા.બધાની હસી સાંભળી શ્રેયા તીક્ષ્ણ નજરે પંછીને જોવા લાગી.પણ એ નજરમાં ગુસ્સો ઓછો અને હાસ્ય તથા પ્રેમ વધુ હતા.”અને પેલી કૈરવી ” શૌનાકે એના સૌથી પહેલા ક્રશને યાદ કરતા સ્મિત સાથે કહેવા માંડ્યું .”કેટલી મસ્ત દેખાતી! સાલા બધા જ એની પાછળ હતા પણ . એટલે આપણો ચાન્સ નહિ લાગ્યો બાકી તો ……” એની બડાઈ સાભળીને બધા એને મારવા લાગ્યા ”માપમાં રે . મોટો આવ્યો બાકી તો વાળો ” કાવ્યએ એને ટપલી મારતા કહ્યું અને ફરી એ જ હાસ્ય . થોડી વારના મૌનમાં જાણે એને કલ્પ્તા હોય એમ નિસર્ગ અને કાવ્ય છુપ રહ્યા અને એકમેકની આંખ મળી ને હસવા લાગ્યા :” સાચ્ચે પણ એ હતી તો એકદમ જક્કાસ. શું ફીચર્સ હતા એના એ પણ એ વખતે !!” 

                   એ સમયની નાસમજી અને નાદાનિયતને યાદ કરીને વાતો થતી રહી ને સાથે સાથે સૂર્યની ગતિ પણ પશ્ચિમ દિશા તરફ વધતી ગઈ. પતંગો ચગતા ગયા ને આકાશ રંગોથી ભરાતું ગયું . ખરેખર આકાશ પતંગોથી રંગીન લાગતું હતું કે પછી મનમાં વર્ષોથી કોઈક એક ખૂણામાં સંગ્રહાયેલી યાદોને આજે પાંખ મળી એટલે એ કોઈ સમજી શકતું જ નહિ હતું . ને સમજવું પણ શા માટે ! આજે બસ વહેવું હતું , કોઈ સાથે પણ પેચ લગાવ્યા વગર પતંગને આકાશમાં ઉડવા દેવો હતો . જાણે યાદોને વાચા મળી હોય તેમ એક પછી એક ખુલાસા થવા લાગ્યા ને અનેક કિસ્સાઓ વર્ણવતા ગયા . શાળાના શિક્ષકોથી લઇને પ્રવાસ તથા અતિમ દિવસે એક તોફાની ટુકડીએ મેડમ પર ફેકેલા ઈંડા અને ટામેટા સુધીની બધી જ વિગતો મનરૂપી ફિરકીમાંથી સરકવા લાગી . શાસ્ત્રોમાં તહેવારોનું મહત્વ સમજાવ્યું છે પણ આજે ખરા અર્થમાં તહેવારને માણી રહેલા આ મિત્રો ભૂતકાળના દરવાજાને ધક્કો મારી બંધાયેલી યાદોને મુક્ત કરી રહ્યા હતા. 


                   સાંજ ઢળી , ને આકાશમાં કન્દિલના “પ્રકાશ” સાથે યાદોના દીવા પણ તીવ્ર જ્યોતથી સળગવા લાગ્યા . આજે ફરી એકવાર ઉત્સવ દરેકના જીવનમાં આનાદની લહેર લઇ આવ્યું હતું અને ફરી એકવાર વીતી ગયેલા દિવસો સાથે સંગમ કરવા ભેગા થવાના વાયદા સાથે સૌ વિખૂટા પડ્યા .

Sunday, January 13, 2013




જિંદગી, તું કઈ દિશામાં દોરી રહી છે મને,
હજી એક વળાંક પાર કરું છું ત્યાં બીજા અવરોધો ધરી રહી છે સામે...

દિલની વાતો દિલમાં રહી મનને કરે છે મજબૂત,
છતાય આ દબાયેલી લાગણીઓ એ બંધ મુઠ્ઠી ખોલવા કરે છે મજબૂર,

દરિયાના વહેણમાં તરતી મારી આ નૌકા ઝંખે છે હવે કિનારો,
શું એટલો મુશ્કેલ છે જમીન અને આકાશનો સધિયારો??!!

ખુશીઓ ની શોધમાં નીકળેલું આ મન રસ્તો ભટકી ગયું છે,
દરિયાના એ તોફાનમાં ફંગોળાયને ત્યાં જ સમાધિ લઇ રહ્યું છે,

ઝંખનાના વાદળો ઘેરાતા જાય છે દિવસે દિવસે,
ને સાથે કલ્પનાના એ પારદર્શક બિંદુઓ વિખેરાતા જાય છે ધીરે ધીરે,

અંતે, કરું છું સમાધાન બેબાકળા આ મન સાથે,
અપેક્ષાઓ અને કલ્પનાની દોર, બાંધી જીવનસમા  કિનારા સાથે...

Thursday, January 10, 2013

યૂટોપિઆ




                                                                                         

                                                  
યૂટોપિઆ
           



                    કંઈક હલ્યું , ભીતરમાં ઊંડે સુધી. મહિનાઓથી આકરી તપસ્યા કરતી ધરા પર વરસાદના બુંદ પડતા ધરાકણો જેમ જીવંત થઇ ઉઠે છે એમ ર્હદયના તાર કોઈનો પ્રતિસાદ સંભાળવા ફરી બંધાવા લાગ્યા.અત્યંત ખુશી અને સંતોષની લાગણીને વાગોળતી વાગોળતી એની અગાશીમાં એ વિહરતી હતી.ક્યાંક કંઈક અદભુત ઘટી રહ્યું છે એવી અનુભૂતિ સાથે હળવું સ્મિત રેલાવી રહી હતી ને ત્યાં  એક સાદ કાને પડ્યો.“પરીધિ, સાંભળે છે ? જલ્દી નીચે આવ . તારા નામનો કોઈ લેટર આવ્યો છે.” સ્વપ્નની દુનિયામાં મ્હાલતી પરીધિ ચાનક સ્તબ્ધ થઇ ગઈ. સ્વપ્નો વિખેરવા લાગ્યા , મનમાં ઉપસેલા કલ્પનાચિત્રો ધૂંધળા બની પળવારમાં ખુલ્લા આકાશમાં ક્યાંય ઉડાન ભરવા લાગ્યા! હકીકત સાથે સંતુલન કરી, મનના એ અધૂરા વિચારો સમેટી સફાળા પગે એ નીચે ઉતારવા લાગી.                           



                         એકવીસ વર્ષની આ સ્વપ્નશીલ અને મહ્ત્વાકાંશી યુવતીમાં દુનિયા પર પોતાની એક આગવી છાપ છોડી જવાની જિદ્દ હતી. આત્મવિશ્વાસથી ભરપૂર અને જીવનને અત્યંત સરળતાથી જીવવામાં માનનાર પરીધિ એના સમઉમ્ર સાથીઓ કરતા થોડી અલગ હતી .પરંતુ છેલ્લા કેટલાક સમયથી એનું પોતાના જ મન સાથે તીવ્ર યુદ્ધા ચાલી રહ્યું હતું.હમેશા ભવિષ્ય માટે અનહદ સતર્ક અને ગતિશીલ રહેતી પરીધિ જિંદગીના આ મુકામ પર થંભી ગઈ હતી.સ્વપ્નો અને કહેવાતા કરિયર વચ્ચે ઝોલા ખાય રહી હતી . પણ આજે ઘણા સમય બાદ એનું મલીન મન શાંત થયું હતું . ઉછળતી કૂદતી નદી જેમ દરિયાને મળીને સ્થિર થાય છે તેમ એ એના “જીવંત ગૂગલ ”ને મળીને તૃપ્ત થઇ હતી. હા , “જીવંત ગૂગલ ”. ઈન્ટરનેટના આ યુગમાં એક ક્લિક કરવાથી ૧૦ પાના ભરીને માહિતી તો ભલે મળે છે પરંતુ માનવીની લાગણી સમજી , એને હલાવી મૂકતા પ્રશ્નોના સચોટ ઉત્તરો આપવામાં કદાચ આ ઈ-ટૂલ હજી એટલું સફળ નથી થયું .બસ આ જ કમી પરીધિના જીવનમાં મનનએ પૂરી કરી હતી. એના જીવંત ઈ-ટૂલ બની ને! મનન એના દરેક પ્રશ્નને સમજી , એની દરેક ઈચ્છાને માન આપી , વાસ્તવિકતાને એની સાથે જોડી શક્ય એટલી બધી જ માહિતી પૂરી પાડતો.

                          ભવિષ્યની ચિંતામાં ગરકાવ પરિધિના મનનું સમાધાન પણ મનને આ જ કુશળતાથી કર્યું.જીવનમાં ઘણીવાર એક એવો વળાંક આવે છે જ્યાં પૂરી નિષ્ઠા અને આત્મવિશ્વાસથી આળ ડગલા નહિ ભરાય તો આ સ્પર્ધાત્મક જગત આપણને ક્યાં દુર હડસેલી મૂકે એની કલ્પના સુદ્ધાં કરી શકાય એમ નથી .પરીધિ પણ આ જ વળાંક પર હતી . એણે કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી તો મેળવી પણ એની આત્મા , એનું મન ડાન્સ અકાડમીમાં થનગનતું હતું . ‘નટરાજ ’ ડાન્સ અકાડમી , જ્યાં પરિધિ માત્ર ચાર વર્ષની હતી ત્યારથી ભરતનાટ્યમની તાલીમ લઇ રહી હતી અને સાથે કેટલાય રંગમંચ પર નૃત્યો ને કેટલાય પારિતોષિક પોતાને નામ કર્યા હતા . વળી, પેરિસ , ન્યુયોર્ક અને કેનડામાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાય થાટથી દેશની પ્રતિષ્ઠા વધારી હતી . પરંતુ હવે સમય હતો જીવનની વાસ્તવિકતાનો સામનો કરવાનો . પોતાના શોખ અને “પ્રેક્ટિકલ લાઈફ” વચ્ચે કોઈ એકને પસંદ કરવાનો.મન વિચારોમાં ફંગોળાતું રહ્યું , પ્રશ્નોના ઉત્તર -પ્રતિઉત્તર આપતું રહ્યું. અલબત્ત, પાણીમાંથી બહાર કાઢેલી માછલીની જેમ તરફડતું આ મન મનનના દેખાડ્યા માર્ગ પર ચાલી નિરાંત થયું હતું . એણે લંડનની એક પ્રતિષ્ઠિત ડાન્સ અકાડમીમાં ટ્રેઈની તરીકે અરજી આપવાનું સૂચવ્યું ને પરિધિએ હિંમતપૂર્વક પોતાની કસોટી આપવા સંમતિ દર્શાવી હતી. ચાર વર્ષ સુધી કરેલા અભ્યાસને બાજુ પર મૂકી અલગ જ ક્ષેત્રમાં ઝંપલાવવું એ સરળ નહિ હતું. "બેટા, આમાં કોઈ ભવિષ્ય નથી. શું કરીશ ડાન્સ કરીને", "અરે, બે રોટલી કમાવા જે ડિગ્રી લીધી છે એ જ કામ લાગે. ડાન્સ નહિ ", "જો પરીધિ સ્વપ્ના જોવા એ અલગ વસ્તુ છે અને જીવન જીવવું એ અલગ વસ્તુ છે. દીકરા સપનાથી પેટ નહિ ભરાય ". આવા બીજા અનેક સૂચનો પરીધિના વિશ્વાસને ડગમગાવા પૂરતા હતા. 

                          એ ધડકતા ર્હદયે આખો લેટર વાચી ગઈ.એના સર્ટીફીકેટસ , ટ્રોફી અને અનુભવને જોઈ માત્ર ટ્રેઈની તરીકે નહિ પણ સાથે સાથે ઇન્ડિયન ક્લાસિકલ નૃત્ય શીખવવા માટે પણ પરીધિને આમંત્રિત કરવામાં આવી હતી . જીવનની કસોટીમાં સ્વપ્નોને મહત્તા આપી સંપૂર્ણ રીતે સફળ થ આગળ વધવા હવે એ તૈયાર હતી .અંતે જીત એના સ્વપ્નો જોવાના જુસ્સાની થઇ હતી .એ જાણતી હતી કે સપનાની દુનિયા પસંદ કરીને કદાચ એ ભૌતિકરૂપથી એના સાથી મિત્રો જેટલી સફળ નહિ થઇ શકે. પણ એણે તોળેલા સફળતાના ત્રાજવામાં સ્વપ્નોનું પલ્લું હમેશા ઉપર રહેતું હતું.એને મન સપના અને ઉપજાવ દેખાતા કરિયર વચ્ચેન માત્ર એક જ તફાવત હતો.જિંદગીના અંતિમ ક્ષણોમાં બગીચાના કોઈ બાકડા પર બેઠા બેઠા સાર્થક થયેલા સ્વપ્નો  યાદ કરીને ચહેરા પર સ્મિત ઉપસી આવે અને જીવનનો પૂરો થાક ઉતારી જાય એ જ ખરા અર્થમાં સપનાને જીવેલું ગણાય. ઉપજાવ કરિયર કદાચ આ સંતોષ ક્યારેય નહીં આપી શકે. સપનાને જીવવનો આનંદ અનેક ભૌતિક વસ્તુઓ કરતા વધુ મધુર છે એ પરીધિના માનસપટ પર હમેશા સત્યરૂપે છવાયેલું રહેતું અને અંત પણ એ જ થયો. સૌથી નાની ઉમરમાં ભારતીય નૃત્યને પ્રતિષ્ઠા અપાવનાર યુવતીમાં એનું નામ મોખરે હતું અને એ બદલ એની સન્માનિત કરવામાં આવી.







Monday, January 7, 2013





દરેક મુલાકાત પછી...







દરેક મુલાકાત પછી ફરી પાછા મળવાનું વચન આપી રહ્યું છે કોઈ,

દરેક સ્પર્શ પછી એની અનુભૂતિ કરાવી રહ્યું છે કોઈ,

દરેક વિચારને નવી એક દિશા આપી રહ્યું છે કોઈ,

દરેક પળને એક અવિસ્મરણીય યાદોમાં ફેરવી રહ્યું છે કોઈ ,

દરેક અહેસાસને સમજી મને અપનાવી રહ્યું છે કોઈ ,

દરેક મુલાકાત પછી ફરી પાછા મળવાનું વચન આપી રહ્યું છે કોઈ.....

Sunday, January 6, 2013




પ્રેમની અનુભૂતિ








કોણે વિચારેલું કે કોઈનામાં આટલાં ઓતપ્રોત થઇને પોતાને પણ ભૂલતા થઇ જઈશું,

કોણે વિચારેલું કે આમ તદ્દન સાફ દેખાતું ભવિષ્ય ભૂલી ને કોઈ ધૂંધળા માર્ગ પર ચાલતા થઇ જશું,

કોણે વિચારેલું કે બીજાને સમજવાના પ્રયાસો માં પોતાને વધારે સમજતા થઇ જઇશું,

કોણે વિચારેલું કે અંદર વિકસી રહેલા પ્રેમ ની માવજત વધારે કરતા થઇ જઈશું

કોણે વિચારેલું કે પ્રેમના એ અઢી અક્ષરથી જીવનને આ હદ સુધી રંગીન બનાવતા થઇ જઈશું

કોણે વિચારેલું કે લાગણીઓને બસ આમ જ કલમ ના સહારે કોરા કાગળ માં ઉતરતા થઇ જઈશું...