Sunday, January 19, 2014

...ને માઈક ટાયસને ડ્રગ્સ લીધાની કબૂલાત કરી



“મારા આખા જીવનકાળ દરમિયાન જેટલી ગર્લફ્રેન્ડ આવવાની હતી એટલી આવી ચૂકી છે, જેટલું મારે પીવું જોઈએ એટલું મેં પીધું પણ છે તથા જેટલા સ્ટ્રીપ ક્લબમાં જવું જોઈએ એટલા સ્ટ્રીપ ક્લબ પણ માણ્યા છે, પરંતુ હવે હું મારા પરિવાર સાથે રહેવા માગું છું. ક્લબમાં જવાનું મેં બંધ કર્યું છે.” આ શબ્દો છે અમેરિકાના રિટાયર્ડ બોક્સર માઈક ટાયસનના. સતત અનેક વિવાદોથી ઘેરાયેલા ટાયસન ફરીથી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જોકે આ વખતે તેઓ તેમના હાલમાં જ પ્રસિદ્ધ થયેલા પુસ્તક ‘અનડિસ્પ્યુટેડ ટ્રુથ’ને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં આ પુસ્તકમાં માઈકે તેમની જીવનકથાને ખૂબ જ પ્રામાણિકતાથી વર્ણવી છે. 

વિશ્વભરના બોક્સર પર નજર નાંખીએ તો ખ્યાલ આવશે કે સૌથી વધુ કમાણીની સાથે રિંગમાં અને રિંગની બહાર પણ સતત ચર્ચામાં રહેનાર જૂજ બોક્સર્સ પૈકીનાએકમાઈક ટાયસન છે. હજી સુધી બેફામ જીવન જીવી ચૂકેલા આ બોક્સરનું અંગત જીવન પહેલેથી જ ઘણું પીડાદાયી રહ્યું હતું અને તેથી જ કદાચ તેની અસર તેમના હજી સુધીના જીવન પર બખૂબી રહી છે. માઈકે પોતાની આત્મકથાની શરૂઆત તેના બચપણના અત્યંત કઠિનદિવસોથી કરી છે. નાનપણમાં જાડા હોવાને કારણે તેની સતત થતી હેરાનગતિ તથા લઘરવગર કપડાં પહેરીને ખાળકૂવામાં તેના ભાઈ તથા બહેન સાથે વીતાવેલા એ દિવસો માઈકે શરૂઆતના પ્રકરણમાં વર્ણવ્યા છે. માઈકના પિતાએ એની માતાને છોડીને બચપણમાં જ અન્ય સ્ત્રી સાથે સંસાર માંડ્યો હતો અને તેથી તેની માતાએ એકલા હાથે આ ત્રણેય બાળકોની જવાબદારી ઉઠાવવાની ફરજ પડી હતી. 

બ્રૂકલિનમાં રહેતા આ પરિવારની ગરીબી દિન પ્રતિદિન વધતી ગઈ અને તેથી જ સાત વર્ષની નાની વયે માઈકે શાળાએ જવાનું પણ બંધ કર્યું હતું. આ સાથે જ ઘરનું ગુજરાન ચલાવવા માટે તે સબવેમાં અજાણ્યા લોકોના ઘરેણાં કે પછી વોલેટની ચોરી કરતો હતો. ઘણીવાર તે આ ચોરીના પૈસા તેની માતાના હાથમાં પણ મૂકતો, જેથી તેની માતાને થોડી ઘણી મદદ મળી રહે. આમ છતાં, આ તમામ ગુનાઓ પાછળ પોતાની જરૂરિયાતોને સંતોષવાનું કરાણ મુખ્ય હતું એમ પણ માઈકે કબૂલ્યું છે. તે પુસ્તકમાં લખે છે કે, “મને ‘અદિદાસ’ બોલતા પણ નહોતું આવડતું હતું, પણ એ પહેરવાથી મને જે અનુભૂતિ થતી એ હું બખૂબી જાણતો હતો.” અને એટલે જ પોતાની પાસે પણ સારા કપડાં, કાર, ઘર, દારૂ તથા ડ્રગ્સ વગેરે જેવી વસ્તુઓ હોવી જ જોઈએ એવી માનસિકતા ધરાવતો માઈક બચપણથી જ ગુનાઓનાસકંજામાં ઘેરાઈ ચૂક્યો હતો અને પરિસ્થિતિ ત્યારે વધારે ગંભીર બની જ્યારે તેનો આખો પરિવાર બ્રાઉન્સવિલે શીફ્ટ થયો. ત્યાં તેની માતા પાસે કોઈ નોકરી નહોતી અને ઘર ચલાવવા માટે પૂરતા પૈસા પણ નહોતા. આથી માઈકના ગુનાઓની દુનિયા વિસ્તરતી ગઈ. જ્યારેતે બાર વર્ષનો થયો ત્યારે અલગ અલગ ગુનાઓ હેઠળ લગભગ ૩૮ વખત જેલની હવા ચાખીચૂક્યો હતો.‘રફ એન્ડ ટફ’ની ઈમેજ ધરાવતા માઈક ટાઈસનની આત્મકથા વર્ણવતું આ પુસ્તક જો વાંચીએ તો ખ્યાલ આવશે કે દુનિયામાં ગરીબી અને લાચારીને કારણે કેટલાય બાળકોનું બાળપણ ટાયસનની જેમ જ ગુનાઓની દુનિયામાં ડોકિયા કરવા મજબૂર થતું હોય છે. 

ટાયસનનું અંગત જીવન હંમેશાં વિવિદાસ્પદ રહ્યું છે, પરંતુ આ પુસ્તકમાં તેણે જીવનમાં શીખવા જેવા કેટલાક મહત્ત્વના પાઠો પોતાના બચપણ અને યુવાવસ્થા દરમિયાન બનેલી ઘટનાઓને આધારે ઘણી પ્રામાણિકતાથી વર્ણવ્યા છે. કહેવાય છે કે મનુષ્ય પોતાનું ભાગ્ય પહેલેથી લખાઈને જ આવે છે અને માઈક સાથે પણ કંઈક એમ જ બન્યું. બચપણમાં અનેક ગુનાઓને કારણે જ્યુવેનાઈલ સેન્ટરમાં સજા ભોગવતા માઈકનો ભેટો એકવાર બોક્સિંગના ટ્રેઈનર કસ ડી’એમાટો સાથે થયો. માત્ર છ મિનિટમાં તેર વર્ષના ટાયસનના જુસ્સાને જોઈ કસે તેને તાલીમ આપવાનું નક્કી કર્યું અને આ રીતે બોક્સિંગની દુનિયામાં કારકિર્દી ઘડવા માટે તેના નવા જીવનની શરૂઆત થઈ. માઈક જ્યારે ૧૬ વર્ષનો હતો ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી અને તેથી કસે માઈકની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી. ટાયસન પુસ્તકમાં લખે છે કે, “હું કસના પરિવારનો જ એક સભ્ય હોઉં એ રીતે તેમણે મારી કાળજી રાખી છે, જે હું કદી નહીં ભૂલી શકું.” પરંતુ કસ પણ વધુ સમય માઈક સાથે રહી ન શક્યા. માઈકનું માનવું છે કે જો કસ થોડો વધુ સમય તેની સાથે રહી શક્યા હોત તો કદાચ તેના જીવનમાં આટલી બધી દુર્ઘટનાઓ ના ઘટી હોત.અલબત્ત, કસની તાલીમ હેઠળ માત્ર ૨૦ વર્ષની વયે માઈકે વિશ્વની હેવિવેઈટ ચેમ્પિયનશીપમાં જીત મેળવી હતી અને સૌથી યુવાન બોક્સરનું બિરૂદ પણ મેળવ્યું હતું.

લેરી સ્લોમેન સાથે મળીને ટાયસને લખેલી આ આત્મકથાના ૩૨૦ પૃષ્ઠ પર ટાયસને તેના જીવનના ૪૭ વર્ષોમાં થયેલા અનેક અનુભવોને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તેની પહેલી પત્ની રોબિન ગિવન્સ સાથેના સંબંધોના અંત તથા ડોન કિંગ સાથે થયેલા અણબનાવો વિશે પણ પુસ્તકમાં વિસ્તૃતરૂપે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત,તેની કારકિર્દીના ઉતાર ચઢાવના તમામ કિસ્સાઓને પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. વાસ્તવમાં વર્ષ ૧૯૮૬માં ‘વર્લ્ડ બોક્સિંગ કાઉન્સિલ’ની હેવિવેઈટ ચેમ્પિયનશીપ જીત્યા બાદ માઈકે તેની ટ્રેઈનિંગમાં ઘણી બેદરકારી દાખવી હતી અને તેના પરિણામ સ્વરૂપ વર્ષ ૧૯૯૦માં બસ્ટર ડગલાસના હાથે માઈકની થયેલી હારને રમતજગતના ઈતિહાસમાં સર્જાયેલા સૌથી મોટા અપસેટ પૈકીનો એક ગણવામાં આવે છે. આ અને આવી અનેક હકીકતોથી આ પુસ્તક માઈકના ફેન માટે વધુ રસપ્રદ બને છે. 

આ ઉપરાંત, વર્ષ ૧૯૯૧માં બ્યુટી ક્વીન ડેસાયરી વોશિંગ્ટન પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોતાને થયેલી જેલની સજા વિશે પણ માઈકે ખુલાસો આપ્યો છે.માઈકે પુસ્તકમાં લખ્યું છે કે તેણે ક્યારેય પણ વોશિંગ્ટન સાથે ગેરવર્તણૂક નહોતી કરી અને એ ગુના માટે તેને કદી પણ જેલની સજા ન થવી જોઈતી હતી. વળી, વોશિંગ્ટને ભૂતકાળમાં પણ અન્ય એક વ્યક્તિ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો અને આ જ રીતે તેણે મને (માઈકને) પણ ખોટા આરોપસર જેલભેગો કર્યો હતો. માઈકે આ આખી ઘટનાને પુસ્તકમાં ઘણી વિસ્તારથી આલેખી છે. અલબત્ત, આ તો માત્ર માઈકે કરેલા ખુલાસાનું વર્ણન છે.આમ છતાં તે ગુનેગાર હોય કે ન હોય, આ ઘટના પછી તેની કારકિર્દીમાં ઘણી મોટી પડતી આવી હતી અને તેના માટે માઈક સંપૂર્ણપણે જવાબદાર હતો એવું ઘણા લોકો માને છે. આ ઉપરાંત અબજોની સંપત્તિના માલિક હોવા છતાં કઈ રીતે તે દેવામાં ગરકાવ થઈ ગયો હતો એ તમામ અજાણી હકીકતો પણ માઈકે પુસ્તકમાં સમાવી છે. ટાયસન લખે છે કે, “મારા સમાજ પ્રત્યેના બેદરકારીભર્યા અને ઘમંડી વલણે જ મને જીવનમાં ઘણો નિમ્ન બનાવ્યો હતો.” અત્યારે માઈકની ઉંમર ૪૭ વર્ષની છે અને તે તેની ત્રીજી પત્ની કીકી ટાયસન સાથે લાસ વેગાસમાં સુખી પારિવારિક જીવન વિતાવી રહ્યો છે. 

માઈક ટાયસને તેની આત્મકથામાં કરેલા કેટલાક મહત્ત્વના દાવાઓ:


1. કેટલીક બોક્સિંગ મેચ દરમિયાન માઈકે ડ્રગ્સ લીધાની કબૂલાત કરી છે

ટાયસમ કહે છે કે વર્ષ ૨૦૦૦ની કેટલીક મેચ દરમિયાન તેણે ડ્રગ્સ લીધા હતા. નવ મહિનાના વિરામ બાદ તેના ત્રીજી વખતના કમબેક દરમિયાન તેણે કોકેઈમ અને અન્ય ડ્રગ્સ લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

2. જેલમાં પણ તેણે ઘણાં સંબંધો બનાવ્યા હતા

ટાયસન પુસ્તકમાં લખે છે કે બળાત્કારના કેસ વખતે જ્યારે તે જેલમાં હતો ત્યારે તેની ડ્રગ કાઉન્સેલર સાથે તેના શારીરિક સંબંધો બંધાયા હતા. આ ઉપરાંત, તેને બહારથી મળવા આવતા કેટલીક મુલાકાતી મહિલાઓ સાથે પણ તેણે સંબંધ બાંધ્યા હતા. જોકે આ બાબતની જાણ થતાં બહારના મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

3. ટોની ટકર સાથેની દિલચસ્પ મેચ પહેલા તે બોક્સિંગ ત્યજવાની કગાર પર હતો

વર્ષ ૧૯૮૭માં તેની કારકિર્દીની મહત્ત્વની મેચો પૈકીની એક મેચના મહિના પહેલા માઈક તેના ટ્રેઈનિંગ કેમ્પમાંથી નાસી છૂટ્યો હતો. તેણે તેના મિત્રોને પોતાની રિટાયરમેન્ટ વિશેના વાત પણ કરી હતી, પરંતુ તેના મેનેજર જિમી રેકોબની સમજાવટથી તેણે એમેચ રમવાનું નક્કી કર્યું હતું.