Tuesday, June 18, 2013

દામિનીને ન્યાય ક્યારે મળશે?






આંસુ કે સંગ ના બહુંગી સખી,
અબ ના મેં ગુમસુમ રહુંગી સખી,
સેહને સે બેહતર કહુંગી સખી,

આમિરખાનના અત્યંત પ્રસિદ્ધ ટી.વી. શો "સત્યમેવ જયતે"ના સ્ત્રીઓ પર થતા અત્યાચારો પર આધારિત એપિસોડમાં, મિનલ જૈનના મધુર અવાજ અને સ્વાનંદ કીરકીરેના મનની લાગણીઓને હચમચાવી જાય એવા "સખી" ગીતના શબ્દો આપણે સાંભળી એનો આસ્વાદ માણ્યો. પરંતુ ત્યારબાદ થોડા જ મહિનાઓ બાદ ડિસેમ્બર ૨૦૧૨માં આખા ભારતને ચોંકાવનાર "દામિની રેપ કેસ"ની ઘટના બની. આવી ઘટના બાદ અચૂક મનમાં પ્રશ્ન થાય છે, શું આવા શબ્દો માત્ર સાંભળીને આસ્વાદ મેળવવા માટે હોય છે?, " જસ્ટિસ ડીલેઈડ ઇસ જસ્ટિસ ડીનાઈડ", "બળાત્કારીઓને સજા કરો", "હેંગ ધ ક્રિમીનલ્સ" જેવાપોસ્ટરો લઈને સમગ્ર દેશ રસ્તાઓ પર તો ઉતર્યો પણ શું એ પછી આવા કિસ્સાઓ થતા બંધ થયા? શું આપણને હજી સુધી ન્યાય મળ્યો? કેટલાક પ્રશ્નો હમેશા નિરુત્તર રહે છે અને આ પ્રશ્નો પણ સદા નિરુત્તર જ રહ્યા છે.

"સખી" ગીતના જ આગળના શબ્દો ,
"તન કે ઘાવ પે મરહમ હયા કા
મન કા ઘાવ હે પ્યાસા દવા કા
સિતમ કે અંધેરો મેં સદીયો  હે  બીલ્ખી
માસૂમ ભોલી વો પ્યારી ખુશી", પોતાનામાં જ એક અસહ્ય પીડાની લાગણી ઉપજાવી જાય છે.

સ્ત્રીઓ પર થતા આ પ્રકારના અમાનુષી અત્યાચારો અને એ પછીના માનસિક અને શારીરિક ઘાવોની દર્દભરી દરેક વાતોને વાચા આપવા "ધ વોલ સ્ટ્રીટ જર્નલ"ના એશિયાના એડિટર પોલ બેકેટ અને દિલ્હીના એક પત્રકાર ક્રિષ્ના પોખરેલે તેમના અન્ય સાથી એડિટરોની સાથે મળીને હાલમાં જ એક ઈ-પુસ્તક"ક્રાઈમ અગેઇનસ્ટ વુમન: થ્રી ટ્રેજડીસ એન્ડ ધ કોલ ફોર રીફોર્મ ઇન ઇન્ડિયા" પ્રસિદ્ધ કર્યું છે.ભારતમાં આ ઈ-પુસ્તકપુસ્તક સ્વરૂપે જુલાઈના મધ્યભાગમાં પ્રકાશિત થશે.

વોલ સ્ટ્રીટ જર્નલની વાત કરીએ તો એ અમેરિકાનું સૌથી મોટું દૈનિક અખબાર છે, જે ૨૩ લાખથી પણ વધુ લોકોમાં દ્વારા વાંચવામાં આવે છે અને ઓનલાઈન ઉપયોગકર્તાની સંખ્યા ૩ કરોડ ૬૦ લાખ કરતા પણ વધુ છે. વોલ સ્ટ્રીટ જર્નલ અને હાર્પર કુલીન્સના પ્રકાશનનું  આ બીજું પુસ્તક છે. આ પહેલા "પોપ ફ્રાન્સિસ: ફ્રોમ ધ એન્ડ ઓફ ધ અર્થ ટુ રોમ" પુસ્તક તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. 

સમગ્ર ભારતમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારનું એક નવું જ પ્રકરણ શરુ કરનાર દિલ્હીના દામિની રેપ કેસને આધારે વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકારોએ આ વિષય પર ઘણું સંશોધન કર્યું. દામિની ઉપરાંત બીજા અન્ય, આ જ પ્રકારના કિસ્સાઓનો પણ સઘન અભ્યાસ કર્યોઅને આ સમગ્ર અભ્યાસ દરમિયાન અનેક દુઃખદ અને લાગણીસભર માહિતી પ્રકાશમાં આવી. કેટલાક બનાવોના પીડિતો તો પહેલી વખત જ પોતાની સાથેથયેલએ ઘટનાઅન્ય કોઈ સામે વ્યક્ત કરી રહ્યા હતા.

આજે જ્યારે આપણે દરેક ક્ષેત્રમાં આટલા પૂરઝડપે આગળ વધી રહ્યા છે ત્યારે સાચે જ મનમાં પ્રશ્ન થાય છે કે માનવીય લાગણી, મૂલ્યો અને વ્યક્તિગત આચારસંહિતાશા માટે ઘટતી જાય છે? રસ્તે ચાલતી યુવતીઓને જાહેરમાં જ સીટી મારવી, દુરાચાર કરવો કે પછી છેડતી કરવી એ હવે એક સામાન્ય બાબત બની ગઈ છે અને વધુ આશ્ચર્ય પમાડે એવી બાબત એ છે કે આપણે આવી બાબતોથી ટેવાય રહ્યા છીએ. માનવીનો સ્વભાવ કોઈ પણ વસ્તુથી એટલો જલ્દી ટેવાવા લાગે છે કે સારા નરસાનું ભાન ભૂલીને સંજોગોને સ્વીકારવા લાગે છે.

આ નવા પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં ભારતમાં થયેલા સ્ત્રી હત્યાચારોના સૌથી પીડાદાયક અને ચોંકાવનાર ત્રણ કિસ્સાઓને વર્ણવ્યા આવ્યા છે. શરૂઆતથી લઈને અંત સુધી તમામ ઘટનાઓને તેમના પરિવાર, પીડિત અને પોલીસની કામગીરી વિશેની તમામ હકીકતોસાથે અહી રજૂ કરવામાં આવી છે. દિલ્હીમાં થયેલા દામિની રેપ કેસમાંની બધી જ હકીકતો અને તેના મૃત્યુ બાદ તેના પરિવારજનોની સ્થિતિ વિશેની કરુણ કથા અહી રજૂ કરાય છે. એક બાજુએ જ્યારે આપણે વિજ્ઞાન અને અવનવી તકનીકોમાં રોજેરોજ કોઈને કોઈ શોધખોળ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સ્ત્રીઓને રોજિંદાક્રમે થતી પજવણી સમાજની વિષમતા દર્શાવે છે. જેનું ચિત્રણ આ પુસ્તક ઘણી સારી રીતે કરવામાં આવ્યું છે. ઘણીવાર આ ઘટનાઓમાં ગંભીર હુમલો પણ સામેલ હોય છે, જેમકે, હાલમાં જ મુંબઈ સ્ટેશન પર ઉતરેલી એક યુવતીના ચહેરા પર કોઈ અજાણતા જ યુવાને એસિડ ફેંક્યું હતું અને થોડા જ દિવસોમાં એ યુવતી મૃત્યુ પામી હતી. અહી પ્રશ્ન આ તમામ ઘટનાઓ ક્યારે અટકશે એ નથી પણ આ ઘટનાપાછળની વિચિત્ર માનસિકતાજન્મી ક્યાંથી એ વધુ અગત્યનો છે. આપણે "ભાઈ, આ તો કળયુગ છે. આ તો થવાનું જ " કહી મનને માનવીએ તો આ વાત કઈકઅંશેસાચી ઠેરવી શકીએ. પરંતુ આજના તાર્કિક યુગમાં આ વાત પચાવવી થોડી અઘરી છે, કારણ કે, જો રામ ભગવાનનો યુગ એ સતયુગ કહેવતો હોય તો સીતામાંતાના થયેલા અપહરણ વિષે શું અભિપ્રાય આપવો? સતયુગમાં જ્યારે આ ઘટના બની શકે તો આજે આપણે કળયુગના નામે આવા કિસ્સાઓને શા માટે ચલાવી લઈએ છીએ?

આવા જ કઈક વિચારો સાથે, આવી ઘટનાઓ પર નિયત્રણ લાવવા માટેના સૂચનો કે જે ભારતમાં થતા આ અમાનુષી અત્યાચારોના ચિત્ર બદલી શકે છે એ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. પત્રકારોએ અહી ઘણા અભ્યાસ બાદ કેટલાક વ્યક્તિઓ અને જૂથો જેવા કે, રાજકારણીઓ અને સામાજિક કાર્યકર્તાઓકાયદોનું પાલન કરાવનાર સત્તાધિકારીઓ અને નાગરિકોને આ તમામ ઘટનાઓને નજીવી ગણવા કરતા આ સમસ્યાની ગંભીરતા સમજી, એને પારખી, એનો હલ લાવવા અંગેના કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે. આ ઉપરાંત, દરેક ભારતીયનેપોતાના ઘરમાં રહેલી સ્ત્રીઓ સાથેના વર્તન માટે એક વાર તટસ્થતાથી વિચારવા અંગેના સૂચનો રજૂ કર્યા છે. દિલ્હી ગેંગ રેપ ઉપરાંત, આ પુસ્તકમાં દર્શાવવામાં આવેલા અન્ય બંને કિસ્સાઓ આપણાં રુંવાટાઊભા કરી દે એવા છે. આપણાકાયદામાં સ્ત્રી અને પુરુષના સમાન હકોની વાત કરવામાં આવી છેઅને બીજી તરફ, ભારતમાં કેટલી સરળતાથી સ્ત્રીઓ પર અકલ્પ્યનીય હદ સુધીના અત્યાચારો કરવામાં આવે છે એની સ્પષ્ટ, વિસંગતતસ્વીર આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

ઈ.સ. ૨૦૧૧માં આદિવાસી જાતિના વિસ્તારમાં ખાણકામના વિસ્તારના મુદ્દે એક કેથલિક સન્યાસીની હત્યા કરવામાં આવી હતી, જેની આ પુસ્તકમાં વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત, એક યુવાન સ્ત્રીને છેતરી, એના ત્રણ બાળકો સાથે એને ગામમાં છોડી દેવામાં આવી અને ત્યારપછીના વસમા પરિણામોનું વર્ણન પણ આ પુસ્તકમાં કરાયું છે.

એક અન્ય ઘટના જે આ પુસ્તકમાં વર્ણવામાં આવી છેજે માનવીની અંતિમ હદ સુધીની નિષ્ઠુરતા  અને વિકૃતતાનુ આબેહૂબ વર્ણન કરે છે. દિલ્હીમાં બનેલી આ ઘટનામાં યુવતીનું નામ કાયદેસર બહાર પાડવામાં ન આવે એ માટે અહી ગૂડિયા નામ જ રાખવામાં આવ્યું છેજે દેહ્વ્યપારીઓ દ્વારા એને અપાયું હતું. માતાના મૃત્યુ બાદશાકભાજીની સામાન્ય લારી ચલાવતા પિતા સાથે રહેતી ગૂડિયા અનેક વાર પિતાના મારપીટનો ભોગ બની હતી. એમના સંબધો એટલા બધા વણસી ચુક્યા હતા કેઆખરે ગૂડિયાને અનાથાશ્રમમાં રહેવાનો વારો આવ્યો. ત્રણ વરસ ત્યાં રહ્યા પછીગૂડિયા એના સ્નેહીજનોના ઘરે ફરતી રહી. ત્યારબાદફરી એ એના પિતા જીતેન્દર ગુપ્તા અને તેની નવી સ્ત્રી મિત્ર ગીતા સાથે રહેવા લાગી. ગીતા ગૂડિયાને પૂજા પાંડે કરીને એક મહિલાનેમળવવાના અર્થે ગોવીન્દ્પુરીમાં લઇ ગઈ અને ત્યાં જ એને રાખવામાં આવી. ત્યારબાદ પૂજાના કોઈ એક ભાણેજ સાથે એના લગ્ન માટે એના પર દબાણ કરવામાં આવ્યું અને એ માટે એને ઉત્તર પ્રદેશના કોઈ એક ગામમાં લઈ જવામાં આવીલગ્ન માટે એણે નનૈયો ભરતા પૂજાના જપતિ સંદીપે, એની હાજરીમાં જ ગૂડિયા પર બળાત્કાર કર્યું.બીજા સતત ત્રણ દિવસ સુધી એના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. દિલ્હી પાછા ફર્યા બાદ,૫૦૦ રૂપિયા વ્યક્તિદીઠ રૂપે અન્ય માણસોના હાથમાં પણ ગૂડિયાને સોપવામાં આવી. આથીય વધુ ક્રુરતા ગૂડિયા પર આચરવામાં આવી જે આ પુસ્તકમાં સચોટતાથી લખવામાં આવી છે. કઈ રીતે ગૂડિયા આ તમામ અત્યાચારોમાંથી મુક્ત થઇ અને શું આ તમામ દુષ્ટોને યોગ્ય સજા મળીજેવા તમામ પ્રશ્નોના ઉત્તર આ પુસ્તક વાંચવાથી મળી રહેશે.

આવા અનેક કિસ્સાઓ રોજ અખબારમાં વંચાતા હોય છે, મિત્રોમાં ચર્ચાતા હોય છે અને નિઃસાસા નાખતા હોય છે. પણ એની આગળ શું? એની આગળ વધીને એને નાબૂદ કરવાના પ્રયાસો શા માટે કરતા નથી એ સમાજની બહાર છે. જ્યારે આપણને કોઈ વસ્તુ ખૂંચવા લાગે છે ત્યારે એનો નિકાલ જરૂરી બને છે. એને નજરઅંદાજ કરવાથી માત્ર આપણી આસપાસ ગંદગી ફેલાશે, આપણને જ નુકસાન થશે. આવી ઘટનાઓથી ડરીને, આંખઆડા કાન કરીને આપણે પણ આ ગુનામાં સામેલ થઇ છીએ.  હવે ચૂપ રહીને સહેવાના દિવસો નથી. પરંતુ "યહી સોચ તો બદલની હે"ને આધારે અન્યાય સામે લડત આપવાની છે.




      18મી જૂન, ૨૦૧૩નાં રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "ફિલ્મ ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment