Tuesday, September 23, 2014

મુંબઈ એટલે...


'વેક અપ સિડ'માં આયેશાના મુંબઈ વિશેના આર્ટિકલનું દૃશ્ય જ્યારે પહેલી વાર જોયલું ત્યારે રૂંવાટા ઊભા થયેલા, આંખોમાંથી રોકવા છતાં આંસુઓનો દરિયો વહેલો! અંદરથી 'સાલું આવું જ કંઈક કરવું છે'નું જોમ આવેલું. પણ એન્જિન્યરિંગના થોથામાં એ ફરી દબાઈ પણ ગયેલું. છતાં જ્યારે જ્યારે એ દૃશ્ય જોતી, બસ મજા આવી જતી. એના થોડા વર્ષોમાં એન્જિન્યરિંગ છોડવાના 'ક્રાંતિકારી' નિર્ણય સાથે લખવા તરફ વળી, પણ એ નહોતું વિચાર્યું કે મુંબઈ જ જવું છે. સમય વહેતો ગયો, સપનાં વધતાં ગયા અને આંખો ભરાતી ગઈ. નવા નવા તંતુઓ બંધાયા અને કેટલાક જૂના છૂટતાં ગયા. અંતે આજે એક હકીકત છે... મુંબઈ... અને મારા મતે મુંબઈ એટલે...

મુંબઈ એટલે ભરચક વાહનોવાળા રસ્તા પર બાજુના વોકિંગ ટ્રેક પર વહેલી સવારે કાનમાં ઈયર પ્લગ્સ નાંખીને જૂના ગીતો સાંભળવાં અને ઉપર આકાશ તરફ જોઈ ભીની આંખે આ હકીકતને ભરપૂર માણવી...

મુંબઈ એટલે રોજ સવારે ઊઠીને મમ્મીના 'ગુડ મોર્નિંગ' મેસેજને વાંચીને મનમાં ને મનમાં જ ખુશ થવું...

મુંબઈ એટલે પોતાના નવા ઘર(શેયર્ડ ફ્લેટ...??)માં પોતાની જ વસ્તુઓ માટે ટ્રેઝર હન્ટિંગ કરવું...

મુંબઈ એટલે ચાલતાં ચાલતાં હજારો નવા 'નંગો'ને જોવા અને ક્યારેક રસ્તાની બાજુએ પડેલા-પ્રાણી કરતાં પણ ખરાબ સ્થિતિમાં પડેલા- માણસોને જોઈને બે ઘડી થંભી જવું...

મુંબઈ એટલે રોજ ઓફિસના લંચ અવરમાં જુદા જુદા રેસ્ટોરાંના મેનુ કાર્ડનો 'ગહન અભ્યાસ' કરવો...

મુંબઈ એટલે ઓફિસથી ઘર સુધીના વોકિંગ ટાઈમ પર ફોનનું કોન્ટેક્ટ લિસ્ટ સ્ક્રોલ કરવું અને લકી ડ્રો કરી રોજ કોઈકનું માથું ખાવું...

મુંબઈ એટલે ઘર પાસેના વિસ્તારમાં થોડી બબાલ થતાં સહેજ સહેમી જવું, છતાં હિંમત ભેગી કરવી અને અંતે નજીકના જનરલ સ્ટોરમાં જઈ વ્હીસલ ખરીદવી...

મુંબઈ એટલે ઓફિસથી ઘરે પહોંચવા માટેનો ગલી-ગલીવાળો રસ્તો રોજ એક્સપ્લોર કરવો અને રોજ કોઈક નવી ગલીમાંથી ઘરને શોધવું...

મુંબઈ એટલે પહેલીવહેલી વાર IRCTC પર ટ્રેનની ટિકિટ બુક કરાવવા જવું અને વેઈટિંગ લિસ્ટ જોઈને મનમાં જ અસલ સુરતી બોલવી...

મુંબઈ એટલે જનરલની ટિકિટ લઈ ટ્રેનના એસી ડબ્બા માટે ટીસીને આજીજી કરવા મનમાં ને મનમાં હજારો વિચારો કરવા, તડકામાં તપીને ટ્રેનની રાહ જોવી અને જ્યારે ટ્રેનના એસી ડબ્બામાંથી સહેજ, માત્ર એક સેકન્ડ માટે ઠંડો પવન શરીર પર સ્પર્શ થતાં મનમાં નવું જોમ આવવું ને વિચારવું 'સાલું કંઈ પણ થાય... ટીસીને પટાવી લઈશ, પણ બેસીશ તો અહીં જ...'

મુંબઈ એટલે થોડી થોડી ખુશીમાં એકલા(મજબૂરી અફકોર્સ) બીયર( અગેઈન... મજબૂરી અફકોર્સ) પીવો...

મુંબઈ એટલે પૃથ્વી થિયેટર પર મિત્રો સાથે કટિંગ પીવી...

મુંબઈ એટલે મરિનલાઈન્સ પર બેસી મોબાઈલના પ્લે-લિસ્ટના મનપસંદ ગીતો સાથે મન મૂકીને રડવું...


મુંબઈ એટલે પળે-પળે સ્વપ્નોને જીવતાં હોવાનો અહેસાસ કરવો... (ભાઈ 'ટચવુડ' મનમાં જ બોલી લેવું)

મુંબઈ એટલે કેફેમાં અમસ્તા જ બેસી બ્લેક કોફી સાથે કંઈક મહત્ત્વનું કામ કરતાં હોવાનો ડોળ કરવો...

મુંબઈ એટલે બસમાં આગળના દરવાજાથી વારંવાર ચડતાં એકવાર ડ્રાઈવરની ખીજ સાંભળવી-'પીછે સે ચઢના નહીં હોતા ક્યા??'

મુંબઈ એટલે નવા મિત્રો બનાવી એમના કિસ્સાઓ સાંભળવા...

મુંબઈ એટલે પોતાના જેવા જ અલ્લડ મિજાજના મિત્રો સાથે રિક્ષામાં બેસી જોરજોરથી ગીતો ગાવા...

મુંબઈ એટલે પોતાના જ માતા-પિતાથી વધુ નજીક જવાનો અનુભવ કરવો...

મુંબઈ એટલે સુરતના 'નકામા' યારોને કંઈક વધારે પડતું જ મિસ કરવું...

મુંબઈ એટલે ૧ બીએચકેના ફ્લેટમાં ક્યારેક એકલા પડી ધ્રુસકે- ધ્રુસકે રડી લેવું...

મુંબઈ એટલે ઘરના શાક-રોટલીની કદી ન સમજાયેલું મહત્ત્વ સમજવું...

મુંબઈ એટલે પાણી સાથે મનમાં વિચારોનોય એક વિશાળ દરિયો વહેતો કરવો...

મુંબઈ- સપનાંનું શહેર. મારા જેવી કેટકેટલીય યુવતીઓ આંખોમાં સમાય નહીં એટલા સપનાં લઈને આ શહેરમાં આવે છે, રહે છે, જીવે છે અને ક્યારેક ખોવાય પણ જાય છે. હું હજી ત્રીજા તબક્કા પર છું, જીવી રહી છું આ શહેરને, અહીંના વાતાવરણને, અહીંની હવાને અને અહીંના લોકોને. મારે ખોવાવું નથી. કારણ કે ખોવાઈ જવું મને પરવડે એમ નથી. આંખોમાં સપનાં ભરીને જીવવું છે. હાથ ફેલાવીને આ શહેરને પોતાનું બનાવવું છે. મુંબઈના એક મહિનાની યાદોનું લિસ્ટ ઘણું લાંબુ છે, પણ મુંબઈને વર્ણવવા માટે કદાચ આટલી યાદો હમણાં પૂરતી છે! :)