Monday, August 26, 2013

રુક્મિણીનો કૃષ્ણને એક પત્ર




'કૃષ્ણ'- આ નામ વાંચતા જમાથે મોરપંખ અને હાથમાં વાંસળીધરાવતો એક શ્યામવર્ણી દેહ અવતાર આંખ સમક્ષ તરવરી ઉઠે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે વ્યક્તિ લક્ષ્મી, શક્તિ, કીર્તિ, સૌંદર્ય, શાણપણ અને ત્યાગ જેવા આ છ ગુણ ધરાવતો હોય તે પુરૂષ બધી જ રીતે આકર્ષક હોય છે અને આ પ્રકારનો પુરૂષ દુર્લભહોય છે, પરંતુ કૃષ્ણએ જીવેલા તેમના માનવ અવતારમાં તેમણે આ તમામ ગુણોની ઝાંખી આપણને કરાવી હતી અને તેથી જ તેમને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે, સર્વં પ્રવર્તતે, ઈતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતાઃ એટલે કે "હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ પ્રવર્તે છે, એમ સમજી બુદ્ધિમાન મનુષ્યો ભાવપૂર્વક મને ભજે છે." પરંતુ આ કહેતી વેળાએ કૃષ્ણને પણ કદાચ કલ્પના ન હશે કે આજના આ મનુષ્યોએ પોતાના જ અલગ કૃષ્ણની સ્થાપના કરી છે અને કૃષ્ણની લીલાને કોઈ નવી જ વ્યાખ્યા આપી છે! કૃષ્ણના વિવિધ કિસ્સાઓ જગપ્રસિદ્ધ છે, પણ આજે એવા એક પત્રની વાત કરવી છે, જે આજની સ્ત્રીઓને સાંકળતા એક જ્વલંત પ્રશ્નને વાચા આપે છે. એમ તો ભગવાન કૃષ્ણના જીવનમાં માતા સ્વરૂપે દેવકી અને યશોદા, મિત્ર તરીકે દ્રૌપદી, પત્ની રુક્મિણી અને પ્રિયતમ તરીકે રાધા તથા અસંખ્ય ગોપીઓ એમ અનેક સ્ત્રીઓ ખૂબ ખાસ રહી છે, પરંતુ રુક્મિણી અને કૃષ્ણના લગ્ન વિશેની વાત અત્યંત રસપ્રદ છે.

વિદર્ભના રાજા ભીષ્મક ખૂબ જ શક્તિશાળી અને શ્રદ્ધાળુ હતા. તેમને પાંચ પુત્ર, રુક્મી, રુકમરથ, રુક્મબાહુ, રુક્મકેશ અને રુક્મમાલી અને એક માત્ર પુત્રી રુક્મિણી હતી. રુક્મિણી અત્યંત સુંદર અને બુદ્ધિમાન હતી. એનું સૌંદર્ય કોઈને પણ મોહી જાય એટલું આકર્ષક હતું. નારદમુનિ અને અન્ય સંતોનું ભીષ્મક રાજાના મહેલમાં આવાનું રહેતું અને એ રીતે રુક્મિણી સતત કૃષ્ણ વિશે માહિતી મેળવતી રહેતી. કૃષ્ણની માત્ર વાતો સાંભળીને જ રુક્મિણીને કૃષ્ણની પત્ની બનવાની અભિલાષા થઇ. કૃષ્ણ પણ રુક્મિણીના દેખાવ, ચરિત્ર, પવિત્રતા અને બુદ્ધિમત્તાથી અજાણ ન હતા. રાજા ભીષ્મકના કુટુંબમાં રુક્મિણીને કૃષ્ણ સાથે પરણાવવાની વાતો શરૂ થઇ. રુક્મિણીના બધા જ ભાઈઓ પૈકી એક માત્ર જયેષ્ઠ ભાઈ રુક્મીએ આ વિવાહ સામે વિરોધ દર્શાવ્યો અને રુક્મિણીના લગ્ન કૃષ્ણના કટ્ટર શત્રુ શિશુપાલ સાથે ગોઠવ્યા. રુક્મિણી શરૂઆતમાં ખૂબ ઉદાસ રહી, પરંતુ તે રાજપુત્રી હોવાથી રાજનીતિ જાણતી હતી. ખૂબ વિચારને અંતે તેણે કૃષ્ણને એક સંદેશો મોકલવાનું નક્કી કર્યું. રુક્મિણીએ એ પત્ર એક બ્રાહ્મણ સાથે મોકલ્યો, જેમાં તેમણે કૃષ્ણને પોતાનું જ હરણ કરવા જણાવ્યું હતુઃ

‘‘મારા વહાલા કૃષ્ણ! ઓ અચ્યુત સર્વશ્રેષ્ઠ સુંદર, જે કોઈ મનુષ્ય આપના દિવ્ય સ્વરૂપ અને લીલા ચરિત્રોનું પોતાના કાનથી શ્રવણ કરે છે એ તરત જ આપના નામ, કીર્તિ અને ગુણમાં લીન બને છે. આમ એનાં સર્વ ભૌતિક દુઃખો વિરમી જાય છે અને પોતાના હૃદયમાં આપનું સ્વરૂપ પધરાવે છે. આપના વિશેના આવા દિવ્ય સ્નેહથી, તે અંતઃકરણમાં હંમેશા આપનું દર્શન કરે છે અને આ રીતે તેની સર્વકામનાઓ પૂરી થાય છે. તે જ પ્રમાણે મેં આપના દિવ્ય ગુણો વિશે સાંભળ્યું છે. મારા વિચારો આમ સીધેસીધા પ્રગટ કરવામાં સંભવ છે, કે હું નિર્લજ્જ ભાસું, પરંતુ આપે મને પરવશ કરીને મારા હૃદયને હરી લીધું છે. સંભવ છે કે આપને શંકા જાય કે હું અપરિણીત યુવાનકન્યા છું, તેથી આને મારામાં શિથિલ ચારિત્રની શંકા જાગે; પરંતુ મારા વહાલા મુકુન્દ, આપ સર્વશ્રેષ્ઠ નરસિંહ અને પુરુષોત્તમ છો. જેણે પોતાના ઘર બહાર પગ મૂક્યો નથી એવી કોઈ પણ કન્યા અથવા શ્રેષ્ઠ સતીત્વવાળી સ્ત્રી પર આપના અપ્રતિમ ચારિત્ર્ય, જ્ઞાન, સમૃદ્ધિ, અને સ્થિતિને અનુલક્ષીને આપને વરવાની ઈચ્છા દર્શાવે. હું જાણું છું કે આપ લક્ષ્મીજીના સ્વામી છો અને આપ ભક્તો પ્રત્યે અત્યંત કૃપાળુ છો; એટલે મેં આપની સનાતન દાસી થવાનો નિર્ણય કર્યો છે. મેં આપને મારા મન થી વરેલા પતિ તરીકે સ્વીકાર્યો છે, એટલે હું આપને વિનંતી કરું છું કે આપ મને આપની પત્ની તરીકે સ્વીકારો. હે કમળનયન! આપ સર્વોચ્ચ શક્તિમાન છો. હવે હું આપની છું. જો સિંહ માટેની ભોગ્ય વસ્તુને શિયાળ ઉપાડી જતું હોય, તો તે હાસ્યાસ્પદ વસ્તુ કહેવાય. એટલે શિશુપાલ અને એના જેવા બીજા મારી સંભાળ લો. મારા વ્હાલા પ્રભુ, મેં મારા આગલા જન્મમાં કૂવા ખોદાવવા અથવા વૃક્ષો ઉગાડવા જેવાં ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક ગુરુ દેવની સેવા અને ક્રિયાકાંડાત્મક વિધિઓ અને યજ્ઞો ઊજવવા જેવાં પવિત્ર કાર્યો કર્યાં હશે. આવી પ્રવૃત્તિઓથી કદાચ મેં પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કર્યાં હશે. આમ હોય તો, બલરામ પ્રભુના બંધુ એવા ભગવાન શ્રી કૃષ્ણ! કૃપા કરી અહીં આવો અને મારું પાણિગ્રહણ કરો, જેથી શિશુપાલ અને તેના સાગરિતો મારો સ્પર્શ ન કરે.’’
 ('કૃષ્ણ- પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર' પુસ્તકમાંથી પ્રસ્તુત પત્ર લેવામાં આવ્યો છે.)

પત્ર વાંચીને એક વિચાર જરૂર થઇ આવે કે સતયુગ કહેવાતા એ સમયમાં પણ એક સ્ત્રી કે જે ઘણી પૂજ્ય છે એ પોતાના પ્રિયતમને પામવા પોતાના જ હરણની યોજના બનાવે અને એમાં સફળ પણ થાય, તો શું આજની સ્ત્રીઓને આ સ્વતંત્રતાનો હક નથી? હા, આજે જમાનો આધુનિક થયો છે. લવ મેરેજની સંખ્યા અરેન્જડ મેરેજની સરખામણીમાં ઘણી વધી છે, પરંતુ હજીય એવા કેટલાક શહેરો અને વિસ્તારો છે, જ્યાં એક જ ગોત્ર અને એક જ ગામના યુવાનો એકબીજા સાથે પ્રેમ સંબંધ બાંધી શકતા નથી. જો આજની સ્ત્રીઓ સ્વતંત્ર બની છે તો શા માટે રોજ જ પ્રાઈમ ટાઈમના ન્યુઝમાં એકાદ સ્ત્રી ઓનર કિલિંગનો ભોગ બનેલી જોવા મળતી હોય છે? આપણા દેશમાં ધર્મનું માન ખૂબ જ છે. લોકોમાં શ્રદ્ધાનું પ્રમાણ ઊંચું છે, પરંતુ જ્યારે કોઈ તટસ્થ વ્યક્તિ ધર્મનો સાચો અર્થ સમજાવવા પ્રયત્નો કરે છે ત્યારે તેને કેમ નાસ્તિક માનવામાં આવા છે? જન્માષ્ટમીના આ અવસર પર જ્યારે કૃષ્ણ આખા દેશમાં પૂજાય છે ત્યારે શું આ ધર્મના ગુરુઓ એમના જીવન ચરિત્રને મૂળ સ્વરૂપે રજૂ કરતા હોય છે? કૃષ્ણએ પણ રુક્મિણીનાપ્રસ્તાવને સ્વીકારી, એમનું વાસ્તવમાં હરણ કર્યું હતું. તો શું આજના સમયમાં સ્ત્રીઓ પોતાના પ્રિયતમને પામવા જેટલી પણ સ્વતંત્ર નથી? અહીં કોઈ નારીશક્તિની વાત નથી, અહીં વાત છે માનવતાવાદની!શા માટે જાતિ, ધર્મ અને ગોત્રની આડમાં તેનો ભોગ લેવાતો રહે છે?

હાલમાં જ પંજાબના પટિયાલા શહેરમાં ૧૫ વર્ષની એક યુવતીને તેના જ માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી હતી. 'સન્માન' જાળવવાના નામે આવી અનેક હત્યાઓ થતી રહે છે અને તેને વ્યાજબી ગણી આ પ્રથાને ઘણા લોકો વર્ષોથી જીવી રહ્યા છે. આ સમયે પ્રશ્ન થાય કે ઓનર કિલિંગના નામે થતી આવી હત્યાઓ રોકવા શું કરવું જોઈએ? પહેલું તો લોકોની માનસિકતા સુધારવાનું ભગીરથ કાર્ય હાથે લેવું જોઈએ. માણસની પ્રકૃતિ બદલવી અઘરી છે, પણ સતત તેના પર આ દૂષણ માટે પ્રહાર કરવામાં આવે તો એની માનસિકતાને પણ બદલી શકાય છે. આજના માતા-પિતાએ તેમના બાળકોને પોતાના જીવનસાથી માટે પસંદગીની છૂટ આપવી જોઈએ. માતા-પિતાની દખલગીરી ક્યારેક જો બાળકના જીવનને ખોટા વળાંકોથી બચાવતી હોય છે, તો ક્યારેક અજાણતા જ ખોટો વળાંક પણ આપી દેતી હોય છે. પોતાના સંતાનના નિર્ણય અને પસંદગી પર વિશ્વાસ મૂકી, એની જિંદગીના નિર્ણયો માત્ર એને જ લેવા દેવા જોઈએ. ઘણીવાર માતા-પિતાની જીદથી થયેલા લગ્નજીવનની ભયાનકતાથી ત્રાસી જઈ આત્મહત્યાના કિસ્સાઓ પણ બનતા હોય છે. જીવનમાં લાગણીશીલ બનવું જરૂરી છે, પરંતુ વધુ પડતું લાગણીશીલ બનવું અત્યંત હાનિકારક છે. ઓનર કિલિંગ અટકાવવા માટે બીજો મુદ્દો કાયદાઓને વધુ કડક બનાવવાનો છે. સન્માનના નામે થતી હત્યાઓ કોઈ પણ રીતે વાજબી ઠેરવી જ ન શકાય. ઘણીવાર પ્રશ્ન થાય કે અત્યંત ધાર્મિક ગણાતા આપણા દેશમાં આ પ્રમાણે થતી હત્યાને યોગ્ય કઈ રીતે મુલવવામાં આવે છે?રુક્મિણીનો કિસ્સો દ્વાપર યુગનો છે, જ્યારે આજે કળિયુગ છે એવી દલીલ કરી શકે. હા, એ જમાનો, યુગ, સમય અને સંજોગો જરૂર અલગ હતા, પરંતુ માનવીય મૂલ્યો સનાતન હોય છે એ ભૂલવું ન જોઈએ. આજે ૨૧મી સદીમાં સ્ત્રીઓ ઘણાબધા ક્ષેત્રોમાં પુરૂષો સાથે ખભેખભા મિલાવીને  કામ કરે છે, તો જીવનસાથીની પસંદગીમાં તેને પણ પુરૂષોની જેમ સ્વતંત્રતા મળે તેવી અપેક્ષા સહેજ પણ અનુચિત નથી.

૨7મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Monday, August 19, 2013

ભાઈચારાનો તહેવારઃ રક્ષાબંધન



યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ:,
તેન ત્વામનુબધ્નામિ રક્ષે મા ચલ મા ચલ

હિંદુ શાસ્ત્રના આ પ્રચલિત મંત્રનો અર્થ હું તમને શક્તિશાળી રાજા મહાબલિની જેમ હાથ પર રાખડી બાંધુ છું. હે રાખડી, સદા મજબૂતાઈથી બંધાયેલી રહેજે. અસ્થિર ન થતી. એવો થાય છે. રક્ષાબંધનના પર્વનું સમગ્ર દેશમાં એક આગવું મહત્ત્વ છે. ભાઈ-બહેનના પ્રેમને સાર્થક કરતો આ તહેવાર લાગણીઓનો એક અદભુત પ્રવાહ લઈ આવે છે. રક્ષાબંધનના તહેવાર પાછળ રહેલી પૌરાણિક ગાથાઓ અને દંતકથાઓ ઘણી પ્રચલિત છે, પરંતુ ભારતના એક મહાન પુરૂષ રવિન્દ્રનાથ ટાગોરે આ પર્વને એક નવી જ વ્યાખ્યા આપીહતી.

વર્ષ ૧૯૧૩માંસમગ્ર એશિયામાંથી સૌ પ્રથમ નોબેલ પ્રાઈઝના પુરસ્કારથી નવાજાયેલા રવિન્દ્રનાથ ટાગોર વિશે અનેક વાતો પ્રસિદ્ધ થઈ ચુકી છે, પરંતુ તેમની દરેક બાબતનું અર્થઘટન કરવાની લાક્ષણિકતા અલૌકિક હતી.તેમની દૂરંદેશી, બુદ્ધિમત્તા અને કલ્પનાશક્તિ અદભુત હતી. તેમણે જાતિ, ધર્મ, રાજકારણ અને ભૌગોલિક પ્રાંત જેવા અનેક મુદ્દાઓ પર ઘણું કામ કર્યું હતું. વર્ષ ૧૯૦૫માં ભારત જ્યારે અંગ્રેજોના તાબા હેઠળ હતું ત્યારે અંગ્રેજોએ બંગાળને જાતિ અને ધર્મના આધારે વિભાજીત કરવાનુ કાવતરુ ઘડ્યું. આથી રવિન્દ્રનાથ ટાગોરે હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે ઉષ્માભર્યા સંબંધો જળવાઈ રહે એ માટે પ્રયત્નો શરૂ કર્યાં. તેમણે તદ્દન નવી ઢબે રક્ષાબંધનના તહેવારની ઉજવણી શરૂ કરી. તેમના મત અનુસાર રાખડી એ માત્ર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ કે આત્મીયતાનુ ચિહ્ન નથી, પરંતુ એ સમગ્ર માનવજાતિના હિતની નિશાની છે. તેમણે આ તહેવારની ઉજવણી સમાજના લોકો સાથે હળીમળીને તથા એકબીજાને રક્ષણ આપી સામાજીક જીવનને વધુ મધુર બનાવવાની પ્રેરણા આપી.

આજના સમયમાં પણ રવિન્દ્રનાથ ટાગોરનું આ સ્વપ્ન અને સંદેશો આપણને સૌને બંધબેસે છે. તેમણે રક્ષાબંધનને સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદ અને ભાઈચારાની લાગણી ફેલાવવા માટેનું એક માધ્યમ ગણી આ તહેવારની મહત્તામાં ઘણો વધારો કર્યો હતો. જાતિ અને ધર્મના બંધનોમાંથી ઉપર ઉઠીને માનવતાવાદ વિશે તેમણે સમજૂતી આપી હતી. આથી ભાઈ બહેનના આ તહેવારને તેમણે માનવતાના સંદેશાઓ ફેલાવવાનું માધ્યમ બનાવ્યું. તેમણે સ્થાપેલા શાંતિનિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોરે લોકોને સંબોધન કર્યું, જેથી લોકોમાં પ્રેમ અને વિશ્વાસની ભાવના જન્મી. લોકોએ તેમના પાડોશી, મિત્રો અને પરિવારના સભ્યોને રાખડી બાંધી અને રક્ષાબંધના આ તહેવારની સીમા અનંત સુધી વિસ્તરી. આજે પણ શાંતિના એક પ્રતીક તરીકે રાખડીએ આપણી વચ્ચે એ જ સુમેળતા સાધી છે. ભાઈ બહેનના સંબંધોને જોડતો આ તહેવાર અનન્ય છે અને રવિન્દ્રનાથ ટાગોરે તેને ભાઈચારા સાથે જોડી એક નવી જ પ્રથાની શરૂઆત કરી હતી. ગરીબ હોય કે અમીર દરેક દરજ્જાના લોકોએ તેમના આ વિચારને વધાવી લીધો અને આછા પીળા રંગના દોરાને હાથના કાંડા પર બાંધવાની શરૂઆત થઇ. રાખીના આ તહેવાર પર રવિન્દ્રનાથ ટાગોરની બહેન બર્નાકુમારીએ તેમને રાખડી મોકલી હતી અને તેના આધારે તેમણે 'બંગ્લાર માટી બંગ્લાર જલ' નામનું પ્રસિદ્ધ ગીત લખ્યું હતું જેનો અર્થ 'બંગાળની ધરતી અને બંગાળનું પાણી સદા સુખી રહે' એવો થાય છે.

૨૦મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Saturday, August 17, 2013

શું ગુજરાતી સાહિત્ય યુવાનોમાંથી વિલીન થઇ રહ્યું છે?





“બેટા, ‘એપલ’ ખાધું?”,”આજે નહીં બેટા, આપણે એ કાલે ‘બાય’ કરીશું.” આજકાલ દરેક મોર્ડન મમ્મીઓ પોતાના દીકરા-દીકરીઓને અંગ્રેજી ભાષાથી સુપરિચિત કરાવવા ગુજરાતી ભાષામાં એક બે અંગ્રેજી શબ્દોની સેન્ડવિચ તો કરી જ લેતી હોય છે. પ્રસ્તુત લેખમાં પણ યુવામિત્રોએ આપેલા વિચારોમાં આ પ્રકારના અંગ્રેજી શબ્દો અચૂક ઉપયોગમાં લેવાયા હશે! અહીં પ્રશ્ન આ શબ્દોના ઉપયોગનો નથી, પરંતુ આજે ગુજરાતી ભાષા અને એને લીધે ગુજરાતી સાહિત્યમાં જે અવનતિ આવી છે એ એક ચિંતાજનક બાબત છે. એવું નથી કે આજનો યુવાન વાંચવા માટે જ તૈયાર નથી. આજે ડેન બ્રાઉનથી લઈને સિડની શેલ્ડન સુધીના અંગ્રેજી લેખકો ભરપૂર માત્રામાં વંચાય જ છે, ત્યારે ગુજરાતી ભાષાની અવગણના અને ગુજરાતી સાહિત્યનું યુવાવર્ગ પ્રત્યેનું વલણ આશ્ચર્ય પમાડે એવું છે. આથી ચાલો જે જૂજ લોકો હજી પણ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા છે એવા યુવાનો પાસે આ વિષેના કારણો અને ઉપાયો જાણીએ!

 હાલમાં એન્જિન્યરિંગનો અભ્યાસ પૂર્ણ કરીને એમ.બી.એ.ની એન્ટ્રન્સ ટેસ્ટ માટે તૈયારી કરી રહેલ નિરાલી ધૂમ કહે છે કે આજે જમાનાની સાથે ચાલવાનો દોર છે. જો આપણે જમાના પ્રમાણે ન ચાલીએ તો ક્યાં ફેંકાય જઈએ એની આપણને પણ ખબર ન રહે અને હવે હાયર એજ્યુકેશનમાં અંગ્રેજી ભાષાની જરૂરિયાત તથા ડગલે ને પગલે અંગ્રેજી ભાષા પરના પ્રભુત્ત્વનું વધતું જતું મહત્ત્વ, ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘટાડે છે. દરેક માતા-પિતા પોતાના બાળકને ‘સ્માર્ટ’ બનાવવા અંગ્રેજી શાળામાં દાખલ કરવા ઉત્સુક હોય છે. હું અંગ્રેજી ભાષાની વિરુદ્ધ નથી, આજે જો કોઈ પણ બાળકે ઉચ્ચતમ વિકાસ સાધવો હોય તો અંગ્રેજી ભાષા આવશ્યક છે જ, પરંતુ એ સાથે આપણી માતૃભાષાના વારસાને વિસરી જવું એ વાત સાથે હું સહેમત નથી. વળી, હવે તો એક નવી જ વિચારસરણીએ જન્મ લીધો છે. પોતાની માતૃભાષા એવી ગુજરાતીમાં જાહેરમાં વાત કરવાથી કે પછી ગુજરાતી ન્યુઝ પેપર વાંચવાથી યુવાનોને પોતાનું ‘સ્ટાન્ડર્ડ નીચું લાગવા લાગે છે. આવી મિથ્ય વિચારસરણીને દૂર કરવા તથા ગુજરાતી ભાષાને ફરી સમૃદ્ધ કરવા આજના યુવાનોને જ કમર કસવી પડશે. આજના જમાનાના ગુજરાતી લેખકોની વાત કરું તો શિશિર રામાવત, સંજીવ શાહ, કાજલ ઓઝા વૈદ્ય જેવા ઘણા ઉમદા નવલકથાકારો છે જે યુવાવર્ગને ધ્યાનમાં રાખીને એમની કથાઓ લખતા હોય છે અને તેથી જ ગુજરાતી ભાષાના આ લેખકો પણ ચેતન ભગત સાથે આજે વંચાતા થયા છે. હું તો માનું છું કે દરેક યુવાનોએ એમની નવલકથાઓને એક વાર તો વાંચવી જ જોઈએ. એમના વિચારો અને લેખનશૈલી ઘણે અંશે આપણને એમની કથા સાથે સાંકળે છે, જેથી એક વાંચક તરીકે એ આપણને જકડી રાખે છે. જો યુવાનો આ રીતે પણ ભાષા સાથે જોડાશે તો ગુજરાતી ભાષાનું જે સમૃદ્ધ સાહિત્ય છે એ ફરી મહેકતું થશે. વળી, ચિત્રલેખા, અભિયાન જેવા સાપ્તાહિકો તાજેતરની બધી ઘટનાઓ, નવલકથાઓ, જાણવા જેવી અનેક બાબતો સાથે હજી પણ ગુજરાતી સાહિત્યના વારસાને જાળવી રાખવામાં સફળ નીવડ્યા છે અને એથી જ એ આશાનું એક કિરણ બની રહ્યું છે. હું માનું છું ત્યાં સુધી બાળકો અને યુવાનોમાં બદલાવ શાળાકીય અભ્યાસ દરમિયાન જ વધુ આવતા હોય છે. આથી શાળામાં ગુજરાતીને માત્ર એક ભાષા તરીકે નહીં, પરંતુ આપણી સંસ્કૃતિનું એક અદભુત પાસું છે એ રીતે વિધાર્થીઓ સુધી પહોંચાડવી જોઈએ. આપણે એવું એક વાતાવરણ બનાવવું જોઈએ કે જેથી યુવાનો શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મને જેટલું માણે છે એટલા જ ઉત્સાહથી ગુજરાતી નાટકોને પણ માણી શકે! હજી પણ સમય હાથમાંથી સરક્યો નથી. ગુજરાતી ભાષા અને સાહિત્યને ફરી ઉજાગર કરી શકાય એવી સંભાવના જીવંત છે, જરૂર છે માત્ર જાગૃતિની! ચંદ્રકાન્ત બક્ષી, સુરેશ દલાલ, અશ્વિની ભટ્ટ, કવિ નર્મદ આપણા ગુજરાતી સાહિત્યને કેટકેટલીય અમૂલ્ય કૃતિઓ આપી ગયા છે. હવે માત્ર આપણે એ કૃતિઓ યુવાવાર્ગો સુધી પહોંચાડવાની જરૂર છે અને મને ખાતરી છે જો એક વાર યુવાનો એમને વાંચતા થશે તો પછી તેઓ કદી પાછું વળીને જોશે નહીં!

તો વળી, પ્રખ્યાત નિરમા યુનિવર્સિટીમાંથી એન્જિન્યરિંગનો અભ્યાસ હાલમાં જ પૂર્ણ કરનાર હેત્વી વશી કહે છે કે જ્યારે મને ગુજરાતી સાહિત્ય વિષે વાત કરવા કીધું ત્યારે મને ખુશી તો ખૂબ જ થઇ. કારણ કે એ આપણા સૌની માતૃભાષા છે! પણ જ્યારે ખરેખર લખવા બેઠી ત્યારે થોડું અઘરું પણ લાગ્યું. તમને સવાલ થશે કે કેમ? સાચું કહું તો એનો જવાબ શોધતા મને પણ ખૂબ જ વાર લાગી હતી, પરતું ઘણું ખરું વિચાર્યા પછી મને કેટલાક તારણો મળ્યા જે તમારી સાથે શેર કરું છું. ગુજરાતી સાહિત્યનું યુવા વર્ગમાંથી વિલીન થઇ જવાનું એક સીધું અને સ્પષ્ટ કારણ મને 21st સેન્ચ્યુરી લાગે છે. હા, જેને આપણે ૨૧મી સદી પણ કહીએ છીએ. પણ આજકાલ અંગ્રેજી શબ્દોને આ જ પ્રમાણે ગુજરાતી ભાષામાં ઉપયોગ કરવાનો નવો દોર શરુ થયો છે! ખેર, ૨૧મી સદીની વાત કરીએ તો ઇન્ટરનેટ અને ટેકનોલોજીની સદી! પરંતુ આ સદી તો પશ્ચિમી દેશોની ભેટ છે. આ આખું કલ્ચર તેમણે ઉભું કર્યું એટલે આજે આપણે જે પણ વસ્તુ ભોગવીએ છીએ એ બધી ‘વેસ્ટર્નાઈઝ’ છે અને એ સાથે જ અંગ્રેજી ભાષાનું મહત્ત્વ પણ વધ્યું. આજે જો ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાને એક ત્રાજવામાં તોલીએ તો નિઃશંકપણે અંગ્રેજી ભાષાનું પલ્લું વધારે ભારી થાય. વળી, ગુજરાતી એ સ્થાનિક ભાષા છે, એટલે કે માત્ર ગુજરાત પુરતી જ સીમિત ગણાવી શકાય, જે મારી દ્રષ્ટિએ યુવાવાર્ગમાંથી ગુજરાતી સાહિત્યનું મહત્ત્વ ઓછું થવાનું બીજું કારણ ગણાવી શકાય. જ્યારે અંગ્રેજી એ એક વૈશ્વિક સ્તરની ભાષા છે અને જ્યારે એક ગુજરાતી આ સ્પર્ધાત્મક યુગમાં પોતાની કારકિર્દી ઘડવા આખી દુનિયા સાથે હોડમાં ઉતરે છે ત્યારે એ અંગ્રેજી ભાષા અને એના સાહિત્ય પ્રત્યે આકર્ષાવાનો જ! હવે આ પરિસ્થિતિમાં આપણે યુવાનનોને દોષી ઠેરવીએ એના કરતા સમયની માંગને વધુ દોષિત ઠેરવીએ તો એ વ્યાજબી ગણી શકાય. આ તો થઈ અંગ્રેજી ભાષા સામે ગુજરાતી ભાષાના નબળા પડવાના કારણો, પરંતુ જો હિન્દી ભાષા વિષે વાત કરીએ તો, આખું બોલિવૂડ હિન્દી ભાષાના પાયામાંથી ઉભું થયું છે. હિન્દી ફિલ્મો, સંગીત અને ગીતો આપણે મન ભરીને માણતા હોઈએ છીએ. જ્યારે એની સામે ગુજરાતી ફિલ્મો અને સંગીત તો કોઈ અંધારી ગલીમાં ગૂમ થયેલા હોય એવા જ લાગે છે. આથી જો ફિલ્મક્ષેત્રે પણ થોડી ઘણી જાગૃતતા અને જરૂરી સુધારાઓ કરવામાં આવે તો યુવાવર્ગ કદાચ આ માધ્યમથીય ગુજરાતી સાહિત્યમાં રસ લેતો થાય! વળી, ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત લેખકોને માત્ર પુસ્તકો સુધી માર્યાદિત ન રાખતા ફેસબુક, ટ્વીટર, માયસ્પેસ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર જીવંત કરીએ તો પણ આજનો યુવાવર્ગ વધુ રસ લેતો થઇ શકે! એમના પુસ્તકોને ઈ-બુક સ્વરૂપે જો પુનઃ પ્રકાશિત કરવામાં આવે તો મને ખાતરી છે કે કવિ નર્મદ, દલપતરામ, કાકા કાલેલકર, શાહબુદ્દીન રાઠોડ વગેરે જેવા સાહિત્યકારોનો યુગ ફરી આવશે! 

આર્ટિકલ "મારું ઘર" સાપ્તાહિકમાં પબ્લિશ થયો છે.

Sunday, August 11, 2013

બોડી મૉડિફિકેશનની પ્રાચીન પ્રથા



દીપિકા પાદુકોણ હોય કે પછી સૈફ અલી ખાન, આપણે સૌએ તેમને પોતાના પ્રિયતમના નામના ટેટૂ લગાવેલા જોયા છે અને સાચું કહીએ તો એ પછી જ આજના યુવાનોમાં પોતાના પ્રેમની સાબિતીરૂપેય ટેટૂ કરાવાનું એક નવું જ વલણ અસ્તિત્વમાં આવ્યુ છે. ટેટૂ કરાવવું કે પછી કાન, હોઠ, નાક અથવા આંખ પાસે પિયર્સિંગ કરાવવું (કાણાં પડાવવું) આજના યુવાનોને 'કૂલ' લાગતું હોય છે. આ તમામ વસ્તુઓને જો કોઈ એક નામ આપવું હોય તો એને'બોડી મૉડિફિકેશન' કહી શકાય. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટેટૂ અને પિયર્સિંગ જે આજના જમાનાના સ્ટાઈલ ટ્રેન્ડતરીકે પ્રખ્યાત છે એ તો વાસ્તવિક રીતે ખૂબ જૂની પ્રથા છે. કેટલાક દેશોમાં તો સામાજિક પ્રથાના ભાગરૂપે પણ બોડી મૉડિફિકેશન કરાવવામાં આવે છે. તો ચાલો એવા કેટલાક દેશોની સફરે જઈએ જ્યાં ખાસ કરીને સ્ત્રીઓએ બોડી મૉડિફિકેશનના ભાગરૂપ કેટલાક પીડાદાયક ફેરફારો શરીરમાં કરવા પડતા હોય છે.

કેટલીક બાબતોમાં ભારતની અને ગ્રીક સંસ્કૃતિમાં ઘણી સામ્યતા જોવા મળે છે. એક ઉદાહરણ લઇએ તો ગ્રીકની સંસ્કૃતિમાં પણ દિવસો સુધી લગ્નની તૈયારીઓ અને ઉજવણી થતી હોય છે. પરંતુ જેમ આપણે ત્યાં સુંદરતા, આધ્યાત્મિકતા અને કુદ્રષ્ટિથી બચવા માટે કપાળ પરમધ્યમાં ચાંદલો કરવામાં આવે છે, તે જ પ્રમાણે ગ્રીક સંસ્કૃતિમાં ઉચ્ચ ચારિત્ર્યના ભાગરૂપે દિવ્ય શક્તિ ધરાવતા અર્ધમાનવ કે પછી પવિત્ર ગણાતા પક્ષીઓનાઆકારવાળી કાનની કડી પહેરવામાં આવે છે. આ ઉપરાંત, મૂળ અમેરિકાની એઝ્ટેક્સ અને મયાન્સ જેવી સંસ્કૃતિઓમાં સમૃદ્ધિ અને જાતીય ફળદ્રુપતાના સંકેતરૂપે સોનાની રિંગ પહેરવાનું ચલણ છે. આ પ્રમાણે પિયર્સિંગ કરાવી કાનની કડી કે પછી રિંગ પહેરવી એ હવે એક સામાન્ય બાબત છે, પરંતુ કેટલીક જાતિઓમાં તો ખૂબ લાંબા ગાળા સુધી કેટલીક વસ્તુઓને રોજિંદા જીવનમાં પહેરી રાખી શરીરનો કુદરતી આકાર જ બદલી નાંખવામાં આવે છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ મ્યાનમાર (બર્મા)માં વસતી કાયન જાતિ છે!

કાયન જાતિની સ્ત્રીઓ ગળામાં પિત્તળની બનેલી ભારે કોઈલ્સ પહેરવા ટેવાયેલી છે. ના, અહીં કોઈ સમૃદ્ધિ કે પછી સંપત્તિના દેખાવાનાભાગરૂપ નહીં, પરંતુ ગળાના આકારને વધુ સુંદર બનાવવા માટે આ પ્રકારની એક કરતા વધુ કોઈલ ગળામાં પહેરવામાં આવે છે. આ પ્રકારની સુડોળ અને સુરેખ ગરદનને સૌંદર્યની નિશાની ગણવામાં આવે છે. નાની વયથી લઈને મોટી ઉંમરની તમામ મહિલાઓ આ પ્રકારની કોઈલ ગળામાં પહેરેલી નજરે ચડે છે. 
આ ઉપરાંત, આપણા પાડોશી દેશ એવા ચીનની વાત કરીએ તો, ઊંચા અને નીચા એમ બંને દરજ્જાની યુવાન છોકરીઓના પગ વાળવાની એક અજબ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. ચિત્ર જોઇને થોડી વિચિત્રતાઓ અનુભવ થાય, પરંતુ ચીનના પુરુષો આ પ્રકારના વળેલા પગ પ્રત્યે ખૂબ આકર્ષાય છે.આ પ્રથામાં યુવાન છોકરીઓના પગોને એક વિશિષ્ટ પ્રકારના પ્રવાહીમાં મુકવામાં આવે છે, ત્યારબાદ તેમને પગમાં મસાજ કરી, પગની એક એક આંગળીઓને વાળવામાં આવે છે અને પછી પગને એક કપડામાં મજબૂતાઈથી બાંધવામાં આવે છે. થોડા થોડા સમયે એ કપડાને ખોલી ફરી બાંધવામાં આવે છે અને જ્યારે પગનું કદ૪ ઇંચ જેટલું થઇ જાય ત્યારે એ કપડું કાઢી નાંખવામાં આવે છે. આ પ્રથા બાદ સ્ત્રીઓ કોઈ પણ પ્રકારનું કામ કરી શકતી નથી અને તેથી જ તેમને કોઈ ધનવાન પુરુષની કે પછી કોઈ નોકરિયાત માણસની પત્ની તરીકે જ બાકીનું જીવન પસાર કરવાનું હોય છે. આ પ્રકારના બોડી મૉડિફિકેશનથી સ્ત્રી સંપૂર્ણરીતે પુરુષ પર નિર્ભર રહે છે અને કોઈ સામાજિક પ્રસંગે પણ પુરુષ વિના ઘરની બહાર નીકળી શકતી નથી. 

તો વળી, કેટલીક સંસ્કૃતિમાં આધ્યાત્મિક જ્ઞાન મેળવવા અથવા તો પીડામાંથી મુક્ત થવા થોડા સમય પૂરતો શરીરમાં ફેરફાર કરવામાં આવે છે. અમેરિકાની એક જાતિમાં પુરૂષો કેટલાક ધાર્મિક પ્રસંગો દરમિયાન તેમના ખભા અથવા તો છાતી પર પિયર્સિંગ કરાવી પોતાના શરીરને હવામાં અદ્ધર કરે છે. આ પ્રક્રિયા દરમિયાન, ભૂતકાળમાં આજ પ્રકારના રિવાજમાંથી પસાર થઇ ચુકેલી વ્યક્તિ એ પુરૂષના શરીરમાં છેદ કરે છે અને ત્યારબાદ તેને હવામાં અદ્ધર લટકાવે છે. આ પ્રકારનીપ્રક્રિયાઓને ધર્મ સાથે જોડી સુષુપ્ત અવસ્થામાં પહોંચી ગયેલો એ પુરૂષ ઈશ્વરની વધુ નજીક પહોંચે છે એવું માનવામાં આવે છે. હજી પણ કેટલીક જગ્યાએ શરીરમાં આ પ્રકારના કામચલાઉ કે પછી કાયમીફેરફારો કરવામાં આવે છે. જ્યારે ચીનમાં પ્રચલિત પગ વાળવાની પ્રક્રિયા હવે મોટે ભાગે બંધ થઇ ગઈ છે. પ્રાચીન સમયની પ્રથાને તથા ધર્મ અને પરિવારના વારસાને જાળવવા તેમજ સંસ્કૃતિને સન્માનિત કરવાની સાથે હવે પશ્ચિમી દેશોમાં બોડી મૉડિફિકેશન એ કળા સંબંધિત કે પછી પોતાની અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ બની ગયું છે.

આધુનિક સમયમાં પ્રચલિત બોડી મૉડિફિકેશન

કાનમાં અને નાકમાં પહેરવામાં આવતી કડીઓ આજે ભલે મોડર્ન દેખાવ પૂરો પાડતી હોય પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે નાકમાં કડી પહેરવાનો રિવાજ મધ્ય પૂર્વના દેશોમાં ૪૦૦૦ વર્ષ જૂની પ્રથા છે. ભારતમાં ૧૬મી સદીથી આ પ્રથા શરૂ થઇ હતી, જે હજી પણ કેટલાક સ્થળોએ એક પ્રથાના ભાગરૂપે જ જીવંત છે, પરંતુ બોલિવૂડની અભિનેત્રીઓએ એને 'ફેશન' તરીકે અપનાવતા આજે એક પ્રકારનું 'ફેશન સિમ્બોલ' બની ગયું છે. અલબત્ત, બાઈબલમાં પણ કાન અને નાક વીંધાવવા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દક્ષિણપૂર્વ એશિયા અને ઉત્તર અમેરિકામાં હોઠો પર પિયર્સિંગ કરાવવાનું ચલણ પણ પ્રખ્યાત છે. વળી, ‘ટેટૂ એ ઈ.સ. પૂર્વે ૩૩૦૦ વર્ષ પહેલાથી અસ્તિત્વમાં આવ્યું હતું. આમ છતાં, એનો માનવશરીર પર પ્રયાસ ૧૦,૦૦૦ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો, જેમાં સમય પ્રમાણે પદ્ધતિસરનો બદલાવ થતો રહ્યો છે.    

૬ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Friday, August 9, 2013

એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સાથે....




અવુલ પકીર જૈનુલબ્દ્દીન અબ્દુલ કલામ જે સામાન્ય રીતે ડો.એ.પી.જે. અબ્દુલ કલામના નામે જાણીતા છે, તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૩૧માં તમિલનાડુરાજ્યના રામેશ્વરમમાં થયો હતો. તેમણે સેન્ટ જોસેફ કોલેજમાંથી ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો તથા મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમ.આઈ.ટી.) માંથી એરોસ્પેસ એન્જિન્યરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ જેવા અનેક એવોર્ડ્સથી નવાજાયેલા અબ્દુલ કલામ આજના યુવાનોની સાથે રહી તેમના સ્વપ્નોને સાકાર કરવા માટે બળ આપવાનું કાર્ય કરે છે. 'મિસાઈલ મેન' તરીકે જાણીતા કલામ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિના હોદ્દા પર પણ રહી ચુક્યા છે. અબ્દુલ કલામે તેમની આત્મકથા 'વિંગ્સ ઓફ ફાયર', ઉપરાંત 'ઇન્ડિયા ૨૦૨૦' અને 'ઇગ્નાઈટેડ માઈન્ડ' જેવા અનેક પ્રેરણાદાયક પુસ્તકો લખ્યા છે. હાલમાં જ તેમની એક ચળવળના ભાગરૂપે તેઓ 'ઇગ્નાઈટેડ માઈન્ડ: ધ પાવર' વિષય પર તેમના વિચારો આપવા સુરતની એક શાળાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથેની ખાસ મુલાકાતમાં થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે:

તમારૂ વિજ્ઞાની બનવા માટેનું પ્રેરકબળ કયું?
મારા વિજ્ઞાની બનવા પાછળ એક શિક્ષક જવાબદાર છે. જ્યારે મારા એક શિક્ષકબોર્ડ પર પક્ષી કઈ રીતે ઉડે એ સમજાવતા હતાઅને જે રીતે સમજાવતા હતા, હું મુગ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ તેમણે મને દરિયાકિનારે લઇ જઈ પક્ષીઓને ઉડતા બતાવ્યા. આ બે ઘટનાઓએ મારા મનમાં ઉડ્ડયનને લગતું કંઇક કરવાની પ્રેરણા આપી અને હું વિજ્ઞાની બન્યો.

યુવાપેઢીને મળવા માટે તમે વર્ષ ૧૯૯૯માં 'સાયન્ટિફિક એડવાઈઝર'નાપદેથી રાજીનામું આપ્યું. આ ચળવળનો હેતુ શું હતો અને દેશના યુવાનો પર તેની અસર શું થઇ?
છેલ્લા ૧૨ વર્ષોમાં હું ૧૫ મિલિયન વિદ્યાર્થીઓને મળ્યો છું અને આ વિદ્યાર્થીઓ માત્ર કોઈ એક નિશ્ચિત પ્રદેશના નહીં, પરંતુ સમગ્ર દેશના છે. મેં તેમના સ્વપ્નોને જોયા છે, જાણ્યા છે અને મારું કાર્ય તેમને વિશ્વાસ આપવાનો છે. "તમે મહાન બની શકો છો. તમે અદ્વિતીય છો." આ શબ્દોથી તેમનામાં સફળતાના શિખરે પહોંચી શકવાની આશા જન્માવવાનું અને આ જ વિશ્વાસ અને સ્વપ્નાઓને વિદ્યાર્થીઓમાં પહોંચાડવાનું કાર્ય હું કરું છું.

તમે આટલા યુવાનોને મળો છો. તમને ભારતનું ભવિષ્ય કેવું લાગે છે?
મારી દ્રષ્ટિએ યુવાનો સમૃદ્ધ અને સ્વસ્થ સમાજમાં રહેવા માગે છે. તેઓ દેશને વિકસતો જોવા માગે છે અને આ વિકાસમાં સહભાગી બનવા માગે છે. તેમણે જીવંત વાતાવરણમાં ઉછરવું છે અને તેમણે પણ દેશની સમૃદ્ધિને વધારવી છે.

યુવાનો માટે તમે 'વ્હોટ કેન આઈ ગિવ મુવમેન્ટ' મિશન શરૂ કર્યું હતું. આ મિશનથી સમાજમાં શું અસર થઇ?
૧૫ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અમે આ મિશનની શરૂઆત કરી અને તેનો એકમાત્ર હેતુ યુવાનોને કશુંક 'આપવાનો' હતો. જ્યારે પણ હું આ મિશન વિશે કશે પણ વાત કરું છું ત્યારે ત્રણ મહત્ત્વના સંદેશાઓ રજૂ કરું છું:૧.આ મિશન શાળાઓ અને કોલેજોના વિધાર્થીઓ તથા આજના યુવાનોના આત્મબળ અને સ્વયમસંચાલનથી ચાલતું મિશન છે. ૨. આ મિશનમાં કશે પણ પૈસાનો વ્યવહાર સમાવિષ્ટ નથી. આ માત્ર યુવાનોને પ્રેરવા માટેની વિનામૂલ્ય સેવા છે જેમાં યુવાનોને એકબીજાને તથા તેમની આસપાસની કમ્યુનિટીને કંઇક આપવાનો સંદેશો મળે.૩. અને આ માટે નેતૃત્ત્વ કરવાની આવડત તેમનામાં જાતે જ ઉદભવે છે. દૂર બેઠેલા કોઈ નેતાઓ આમાં સામેલ નથી.

આજના યુવાનોને તમે સ્વપ્નો જોવા પ્રેરણા આપો છો, પરંતુ તેમનું વિઝન ઝાંખું છે. તેમની ઈચ્છા પ્રમાણે તેઓ સ્વપ્નો જોઈ નથી શકતા. તો યુવાનો કઈ રીતે વિકાસમાં મદદરૂપ થઇ શકે?
વાસ્તવમાં બાળકો તેમના માતા-પિતાના સ્વપ્નોથી જીવનમાં આગળ વધે છે. માતા-પિતાએ તેમના બાળકોના ભવિષ્યને સુંદર આકાર આપવો હોય છે અને આથી જ ૯૦% બાળકો તેમના માતા-પિતાના સ્વપ્નાઓ સાથે જીવતા હોય છે અને ઘણીવાર બાળકોના અને માતા પિતાના વિચારો વચ્ચે સંઘર્ષનો પણ જન્મ થાય છે. બાળકો માટેની માતા-પિતાની લાગણીઓ ઉત્તમ જ હોય છે, પરંતુ હું અંગત રીતે માનું છું કે હવે સમય આવી ગયો છે કે બાળકો પોતાના સ્વપ્નાઓને જીવે. બાળકોએ માતા પિતાને પોતાના રસ અને આવડત અંગે વિશ્વાસ અપાવવો જોઈએ અને એ અરસપરસના પ્રેમ અને હૂંફથી જ શક્ય બને છે.

આપણી શિક્ષણપ્રથા વિશે તમારું શું માનવું છે તથા આપણા દેશમાં યુવાન વિજ્ઞાનીઓ માટે સંશોધનોની  કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
ઉચ્ચતર અભ્યાસની ગુણવત્તા સુધારવા આપણે સૌપ્રથમ પ્રાથમિક કક્ષાના શિક્ષણને સુધારવું જોઈએ. પ્રાથમિક શિક્ષણના સુધારા માટે આપણી પાસે ફરજીયાતપણે સર્જનાત્મક શિક્ષકો, સર્જનાત્મક અભ્યાસક્રમ અને સર્જનાત્મક વર્ગખંડો હોવા જરૂરી છે.

તમારું એક પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં તમે ભારતને જ્ઞાનક્ષેત્રે સુપરપાવર તરીકે કલ્પ્યું છે અને આપણો દેશ વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખાય એવું સ્વપ્ન પણ જોયું છે, પરંતુ આજની વાસ્તવિકતાને જોતા શું એ શક્ય લાગે છે?
મારુ ધ્યેય સુપર પાવર કરતા આર્થિક રીતે સમૃદ્ધ દેશ બનવાનું છે, જે નિરક્ષરતા અને ગરીબીથી મુક્ત હોય. વર્ષ ૨૦૦૮ સુધી આપણી પ્રગતિ વ્યવસ્થિતપણે ચાલી રહી હતી, પરંતુ ત્યારબાદ તેમાં કેટલીક અડચણો આવી છે. આમ છતાં, આપણી પાસે હજી બીજા સાત વર્ષો બાકી છે અને તે દરમિયાન પણ ઘણા પડકારો આપણી સમક્ષ ઉભા થઇ શકે છે. આપણે હવે પછીના સાત વર્ષોમાં આપણો જી.ડી.પી. ગ્રોથ ૧૦% જેટલો મેળવવા માટે પ્રયાસ કરવાનો છે. મારા મત પ્રમાણે આ ગ્રોથ રેટ હાંસલ કરવા આપણે આર્થિક દ્રષ્ટિએ જરૂરી એવા ત્રણ મહત્ત્વના ક્ષેત્રોમાં કામ કરવાનું છે. જેમાં PURA (પ્રોવિઝન ઓફ અર્બન એમેનિટીઝ ઇન રૂરલ એરિયા- ગ્રામીણ વિસ્તારોમાં શહેરી સુવિધાઓની જોગવાઈ), નાના દરજ્જાના ઉદ્યોગો અને કૃષિક્ષેત્રનો સમાવેશ થાય છે. આ ત્રણેય ક્ષેત્રો આર્થિક વિકાસ માટે મહત્ત્વના છે અને 'આપણે એ કરી શકીશું' એવા આત્મબળથી ઘણો મોટો સુધારો થઇ શકે છે. 

તમે 'સ્પેસ બેઝ્ડ સોલર પાવર'ના મજબૂત સમર્થક છો. વર્ષ ૨૦૧૨માં ચીન સાથે પણ સોલર પાવર સેટેલાઈટના સામૂહિક વિકાસ માટેની વાટાઘાટો થઇ હતી. આ વિશે થોડી માહિતી આપી શકો?
હાલની સોલર સિસ્ટમથી આપણે દિવસ દરમિયાન ૬થી ૮ કલાક સુધી સૌરઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ જો આ ટેકનોલોજી અવકાશમાં વિકસાવીએ તો ચોવીસ કલાક સૌરઉર્જા મેળવી શકાય. આ એક ખૂબ જ જટિલ મિશન છે, જેમાં અવકાશ ક્ષેત્રે કાર્યરત તમામ દેશોના સહકાર અને જ્ઞાનની જરૂરિયાત છે. આ સમગ્ર મિશનમાં અવકાશમાંથી ભરપૂર માત્રામાં સૌરઉર્જાને પૃથ્વી પર લાવી ઓછી કિંમતે તેનો ઉપયોગ કરવા અંગેના પ્રયોગોનો સમાવેશ થાય છે.   

હાલમાં જ ઉત્તરાખંડમાં હજારો લોકો કુદરતી હોનારતના ભોગ બન્યા. વિજ્ઞાન આ લોકોના જીવ કઈ રીતે બચાવી શકવા સક્ષમ હતું?
ભારત પાસે કેટલાક પોલરમેટ્રિક રડારની સુવિધા ઉપલબ્ધ છે. આ રડારની મદદથી આપણે વાદળમાંથી કેટલો વરસાદ વરસવાની સંભાવના છે એ પણ નોંધી શકીએ છીએ. આમ વરસાદની ગંભીરતા સૂચવતા આ પ્રકારના સાધનો ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં અનિવાર્ય છે અને એના થકી જ આપણે હજારો લોકોના જીવ બચાવી શક્યા હોત.

આપણે 'મિડ ડે મિલ' તથા પાકિસ્તાન તરફથી વારંવાર આતંકવાદી હુમલાઓ જેવી અનેક આપત્તિઓનો સામનો કરી રહ્યા છે. વિજ્ઞાન આ પ્રકારની સમસ્યામાં કઈ રીતે મદદરૂપ થઇ શકે?
આ એક આખી સાયન્ટિફિક પ્રક્રિયા છે. મિડ ડે મિલની વાત કરીએ તો તમે જે અનાજ ખરીદો છો એ પહેલા નિશ્ચિત પ્રક્રિયાઓમાંથી પસાર થવું જોઈએ. આ માટે આપણે એક ટેસ્ટ લેબોરેટરી પણ વિકસાવવી જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને ગુણવત્તાની જાળવણી કરવી જોઈએ. જે વાસણો આ તમામ અનાજ માટે વપરાય છે, જેમાં રાંધવામાં આવે છે એની ગુણવત્તા ચકાસવી પણ અત્યંત જરૂરી છે. આ માટે જરૂર પડે તો નિયમિત ઇન્સપેક્શન પણ ગોઠવવું જોઈએ અને સૌથી મહત્ત્વનું એ છે કે આ બાળકો માટે કેટલાક દયાળુ લોકોએ એક મિશન તરીકે કામ હાથ ધરવું જોઈએ. અનેક ટેકનોલોજી આપણને આ સ્થિતિ નિવારવામાં મદદરૂપ થઇ શકે છે, પરંતુ વિકાસ માટે વ્યૂહાત્મક યોજના કે પોલિસીની સૌથી વધારે જરૂર છે.

વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતે માનવ મંગળયાત્રા અને સમાનવ ચંદ્રયાત્રા વિશેના સ્વપ્નો સેવ્યા છે. આ વિશે તમારી શું માન્યતા છે?
હાલના ટેકનોલોજીકલ વિકાસને જોતા વર્ષ ૨૦૩૦ સુધીમાં નિશ્ચિતપણે આપણે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શકીશું એવી મારી ધારણા છે. ઈસરોના ચેરમેન પણ આ હકીકતને સમર્થન આપે છે. હું પૃથ્વી, ચંદ્ર અને મંગળ ગ્રહો વચ્ચે ઇકોનોમિક કનેક્ટિવિટી એટલે કે આર્થિક વ્યવહાર સંભવિત થશે એવી કલ્પના કરું છું.       

'ઇગ્નાઈટેડ માઈન્ડ'માં તમે 'સાધુસંતો પાસેથી શીખ' નામે એક આખું પ્રકરણ લખ્યું છે. ધર્મ અને સાયન્સ વચ્ચે શું સંબંધ છે?
સાયન્સ તર્ક પર આધાર રાખે છે અને ધર્મ શ્રદ્ધાના પાયા પર ઘડાયેલું છે. વિજ્ઞાનની ટેકનોલોજી આર્થિક સમૃદ્ધિ લાવે છે. તે અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે અને ટેકનોલોજી જ તેમના જીવનમાં સુખાકારી લાવે છે, પરંતુ ધર્મ તેમના જીવનને શાંતિપૂર્ણ બનાવે છે. આથી એ બંનેનું સહઅસ્તિત્વ જીવનમાં જરૂરી છે.

૧૦મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "સાયન્સ ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.