Saturday, October 28, 2017

સિક્રેટ સુપરસ્ટાર: આઈર્નિ કે પછી વાસ્તવિકતાનું પ્રતિબિંબ?




સીન ૧

નવમા માળની આલિશાન ઓફિસમાં ત્રણ યુવતીઓ પોતપોતાની કમ્પ્યુટર સ્ક્રીન તાકી રહી છે. એમાંથી એક ઓચિંતા જ બીજી તરફ ધસીને કહે છે, હે એમી, ડુ યુ નો, કરવા ચૌથ ઈસ કમિંગ. આર યુ ફાસ્ટિંગ?

અમૃતા કે પછી પ્રોબબ્લિ અમીતામાંથી એમી બનેલી એ બીજી યુવતી ગુંચવાઈ છે અને વીંટી વિનાની આંગળી બતાવી કહે છે, કેન યુ સી એની રિંગ? પણ આ વાતચીતમાં પેલી ત્રીજી યુવતીને રસ પડે છે. બ્રિટનમાં ઉછરેલી અને દુનિયા ખૂંદવા નીકળેલી એ યુવતી માટે કરવા ચૌથ શબ્દ જ રસભર્યો છે.

બીજી યુવતી પટ પટ બોલતી જાય છે- કરવા ચૌથ ઈઝ અ વે ટુ શો યોર હબીઝ હાઉ મચ યુ કેર ફોર ધેમ……

આખી વાત સમજાવ્યા પછી પેલી બ્રિટિશ યુવતી અન્ય બે તરફ તાકતી રહે છે. એની આંખોના પલકારા એના મગજમાં ચાલી રહેલા વિચારો અને અસંખ્ય સવાલો સાથે જાણે તાલ મેળવે છે.

“સો યુ ફાસ્ટ વન ડે, ઘેટ ટુ ફોર સમવન એલ્સ એન્ડ ધે લિવ હેલ્ધી લોન્ગ લાઈફ? આર યુ સેયિંગ યુ ગાય્સ સ્ટિલ બીલિવ ઈન ધિસ સ્ટફ? આર યુ ફોર રિઅલ?"


                                                                    ******

સીન ૨

ગુલાબી રંગના વાળ અને ભૂરા રંગની આંખોમાં અનેક સપનાં લઈને ફરતી એ યુવતી એના બ્રિટિશ એકસન્ટમાં બોલી ઊઠી, “આઈ બેડલી વિશ ટુ વિઝીટ ઈન્ડિયા. ટોપ ઓન માય બકેટ લિસ્ટ!”

એમી સ્માઈલ કરે છે- “એવરી વન શુડ વિઝીટ ઈન્ડિયા, એટ લિસ્ટ વન્સ ઈન અ લાઈફ ટાઈમ.”

પણ ત્યાં જ ત્રીજી બોલી ઊઠે છે, “ઓહ વેલ, યાહ. બટ ડોન્ટ ગો અલોન. એવરીવન ઈઝ અ બ્લડી રેપિસ્ટ ધેર.”

ને પછી કઈ રીતે છોકરીઓ સાથે છેડછાડ થાય છેથી માંડીને “દરેક છોકરી એટલિસ્ટ એક વાર જાતીય સતામણીનો ભોગ બની હોય છે”ના તમામ કિસ્સા એક પછી એક ઊઘડે છે.

ભૂરા રંગની આંખો આશ્ચર્ય, થોડા ભય અને ક્યારે ક્યારેક ગુસ્સામાં પરિવર્તિત થયા કરે છે.

                                                                    ******

આ વાતો કોની છે, આ ત્રણ યુવતીઓ કોણ છે એ કરતા મહત્ત્વનું છે કે ખરેખર આપણા દેશમાં ઘટતી ઘટનાઓ ૨૧મી સદીની છે? ભારતની બહાર રહીને જ્યારે આપણા દેશના સમાચાર કે ફિલ્મો જોઈએ ત્યારે આપણે કેટલા પછાત છીએ એનો અહેસાસ થાય. “સિક્રેટ સુપરસ્ટાર” ફિલ્મ આ સમયની વાસ્તવિકતા રજૂ કરે છે એવું વિચારીને મને દુ:ખ થાય છે. આજે પણ એક છોકરી હોવું આપણા દેશમાં કેટલું પડકારજનક છે!

સત્તર કલાક કામ કરીને આવ્યા પછી આવું ખાવાનું! બૂટ કાઢીને મોજા બૈરીના હાથમાં આપવાના, ઓફિસેથી આવીને બેગ લેવાની…. આ પ્રકારની રીત-ભાત, વ્યવહાર! આ કઈ જાતની લાઈફ આપણે જીવીએ છીએ!!! ભલે આજની મોડર્ન કહેવાતી પેઢી આ બધાથી પર હશે, પણ આવા અનેક દૃશ્યો હજુ પણ મેં જોયા છે!

આપણે વેસ્ટર્ન કલ્ચરનો મુખવટો તો પહેરી લીધો છે, પણ વિચારો હજુ પણ એ જ પથ્થર યુગના છે! આજે જ્યારે વિચાર કરું છું ત્યારે ખરેખર મને દયા કરતા ગુસ્સો આવે છે કે આપણે ત્યાં ભણેલા-ગણેલા અભણોનો રાફડો ફાટ્યો છે. આજે સ્ટારબક્સમાં બેસીને કોફીના સિસકારા મારતી કે આઈફોન યુઝ કરતી એવી કેટલીય યુવતીઓ હશે જે પીરિયડ્સમાં આવે ત્યારે એ જ દખિયાનુસી રિવાજોને પાળતી હશે!

આપણા દેશમાં સ્ત્રીઓ એ હદ સુધી મુંઝાયેલી છે કે એ માર સહન કરવા, અપમાન સહન કરવા તૈયાર રહેશે, પણ એ રાક્ષસને છોડવા એનામાં હિંમત નથી કારણ કે એના સિવાયની દુનિયા જ એણે જોઈ નથી-અથવા એમ કહું કે એને બતાવવામાં જ નથી આવી.

ફિલ્મમાં શિક્ષક ઈન્સિયાને એક પ્રશ્ન પૂછે છે: આઈર્નિ એટલે શું? એનો જવાબ કદાચ ફિલ્મના પાત્રો જ આપી દે છે.

એક વ્યવસ્થિત પેન્ટ-શર્ટ પહેરેલો, ડિસિપ્લિન્ડ દેખાતો માણસ સમાજ માટે ઘણો પ્રતિષ્ઠિત છે. કારણ કે, એનો દેખાવ, એની ભાષા સો-કોલ્ડ સમાજ માટે પર્ફેક્ટ છે. પછી ભલે ને ઘરમાં એની પત્ની પર હાથ ઉઠાવતો હોય, એની દીકરીને ધિક્કારતો હોય. જ્યારે બીજી બાજુ, એક અલ્લડ મિજાજી, ચમકતા-ધમકતા કપડાં પહેરતી, અસ્તવ્યસ્ત વાળ ને અસભ્ય ભાષા બોલતી વ્યક્તિ સમાજ માટે અસ્વીકાર્ય છે, પછી ભલેને એનું હૃદય સાફ હોય અને સ્ત્રીને માન આપતો હોય અને જરૂર પડ્યે પોતાના સ્વભાવ વિરૂદ્ધ જઈને પણ મદદ કરવા એ તત્પર હોય.

કદાય આને જ આઈર્નિ કહેવાતી હશે.

આવી ફિલ્મો જોઈને મારા જેવાનું સવા લોહી ચઢતું હશે ને આવા બે-ચાર લેખો લખાય જતાં હશે. પણ પછી શું? જો એક વ્યક્તિ પણ આવી ફિલ્મ જોઈને પ્રેરણા મેળવતી હોય તો એ એની સફળતા છે. બાકી તો, પોપકોર્ન અને બટાકા વડા ખાવા માટે બીજી અનેક જગ્યા મળી રહેશે! XX