Monday, December 21, 2015

બાજીરાવ મસ્તાની: 'બુદ્ધિજીવી'ઓએ આની આગળ વાંચવું નહીં!



ફિલ્મ શરૂ થાય એ પહેલાં સામાન્ય રીતે અમુક સેકન્ડ્સમાં ડિસ્ક્લેમર રજૂ થઈ જતું હોય છે, પણ આ ફિલ્મમાં દેશના (હા, અને હવે તો વિદેશના પણ) 'બુદ્ધિજીવી'ઓને ધ્યાનમાં રાખીને એકદમ શાંતિથી, એક-એક શબ્દ પર ભાર આપીને ફિલ્મનું ડિસ્ક્લેમર રજૂ કરવામાં આવ્યું હતું અને પછીય જો લોકો ઈતિહાસના પોથા ઉઠલાવવા બેસી જાય ત્યારે સાલું થાય કે દીવાલો સાથે માથું અફાડવું જોઈએ, એ લોકોનું! 

ફિલ્મ વિશે લખતાં પહેલાં બે-ચાર વાતો સ્પષ્ટ કરવી જરૂરી છે. સંજય લીલા ભણસાલીએ ક્યારેય પોતાની ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ઐતિહાસિક તથ્યોને રેફરન્સ તરીકે લઈ શકાય એવી છાતીઠોકીને વાત કરી નથી. સંજય લીલા ભણસાલી એક કવિ છે, એક કલાકાર છે. ઈતિહાસના પાત્રોને મોટા પદડા પર ભવ્યરૂપે રજૂ કરવાની એની એક અલગ આવડત છે અને એમાંય કલાકાર માણસ જો પોતાની કલ્પનાના રંગો ના ભરે તો એનેય પોતાની કૃતિથી સંતોષ ના થાય. આ એક સમજવાની અને એની અનુભૂતિ કરવાની વાત છે. છડે ચોક ઝંડો ફરકાવી એના વિરોધની નહીં. 
બીજી વાત, સંજય લીલા ભણસાલીની ફિલ્મ આંખોને આહલાદકતાનો અનુભવ કરાવે, પણ સાથે હૃદયને પણ લાગણીઓથી ભરી દે. આમાં મગજનો ક્યાંય પણ અવકાશ જ નથી. અમુક ફિલ્મો બસ માણવા માટે હોય છે, ટીકા કરવા માટે નહીં. 

ફિલ્મમાં ચોક્કસપણે આંખે ઊડીને વળગે એવી ખામીઓ છે, પણ એ સામે ફિલ્મની કથા ઘણી સુંદરતાથી આલેખાય છે. ફિલ્મના કેટલાક દૃશ્યો જેવા કે, બાજીરાવ મસ્તાનીની પહેલી મુલાકાત (અને હા, ટુ ઓલ બુદ્ધિજીવીઓ... ઈતિહાસમાં ક્યાંય પણ આ બંનેની મુલાકાત વિશે સ્પષ્ટ વાત કહેવામાં આવી નથી, પણ આ સંજય લીલા ભણસાલીનો એક કાલ્પનિક-વાસ્તવિક સ્પર્શ છે.), બાજીરાવ-કાશીનું પ્રણય દૃશ્ય (એલિગન્ટ, સેન્સ્યુઅલ અને બ્યુટિફુલ!), મસ્તાનીના પ્રેમમાં કાશીને અન્યાય ન થાય એ માટેનો બાજીરાવનો એક સુંદર છતાં સમજદારીભર્યો પત્ર, શીશ મહેલની તકનિક, મસ્તાનીના સન્માન માટે બાજીરાવનો 'વો મહોત્સવ થા, યે મહેફિલ હૈ'નો બચાવ-પ્રેમ, કાશી-બાજીરાવના દીકરા રઘુનાથ માટે લીલા કપડાંથી ઢાંકેલી ભેટ લઈ જતી વખતે બાજીરાવની માતા સાથે મસ્તાનીના થયેલા સંવાદો, કાશીનું એના પતિને અન્ય સ્ત્રી સાથે વહેંચવાનું દર્દ, સાથે બાજીરાવની પણ કાશીથી નામરજીથી દૂર થવાની પીડા અને દીવાઓને ફૂંક મારી બુઝાવવાનું એ દૃશ્ય!!! અને અફકોર્સ ફિ્લ્મનો ક્લાઈમેક્સ, શબ્દ નથી એના માટે... આવી તો કેટકેટલીય ક્ષણો.... 

વાત એમ છે કે આપણે માત્ર વિરોધ કરતાં શીખ્યા છીએ. આજ સુધી મસ્તાની પર કોણે ચર્ચા કરી હતી સરેઆમ? નારીવાદી કુસુમ ચોપરાના મસ્તાની પુસ્તકને બાદ કરીએ તો કોણે 3 કોલમમાં એને જગ્યા પણ આપી હતી? પણ તાજેતરના છાપાં ઉથલાવો તો ઠેર-ઠેર બાજીરાવ મસ્તાની દેખાશે. ફિલ્મનું મહત્ત્વ આ છે... સંજય લીલા ભણસાલીએ ન તો પેશ્વા કે ન તો મરાઠા સલ્તનતનું અપમાન કર્યું છે. વાત મરાઠા-પેશ્વા-મુસલમાનને માટે છે જ નહીં. વાત છે વર્ષોમાં ધર્મ-સમાજના નામે ઘૂંટાતા આવતાં એ પ્રેમીઓની જે આજ સુધી મૌન રીતે સંદેશો આપતાં આવ્યા છે. સંજય લીલા ભણસાલીએ તો ભૂલાયેલી એક એવી પ્રેમ-કહાની લોકો સામે મૂકી છે, જેને મન મૂકીને નિહાળવી-માણવી જોઈએ. ચર્ચા થવી જોઈએ એ કારણની કે એક પુરુષ એના બચપણની મિત્ર એવી પત્નીથી સંતુષ્ટ હોવા છતાં શા માટે મસ્તાનીના પ્રેમમાં પડ્યો? પેશ્વા જેવા મગજના સતેજ, ઉત્તમ યુદ્ધકૌશલ્ય ધરાવતો યૌદ્ધા અને મરાઠાઓ માટે જીવવો એ વીર પુરુષ કેમ મસ્તાની આગળ દિલ હારી જાય છે? શું કારણ હોય છે આવા અદમ્ય પ્રેમ પાછળનું? એક બહુ ઊંચા સ્તરના સંબંધો હોય છે, જેને ધર્મના રંગો અને પરિવાર-સમાજની ઈજ્જતના નામે 'રખેલ', 'અસામાજીક', 'પાપ' જેવા વિવિધ નામોથી દબાવવામાં આવે છે, પણ હકીકત એ છે કે રાધા-કૃષ્ણની જેમ એ પાત્રો અને એમના પ્રેમ પણ અમર થતાં જ રહેશે.

Friday, December 4, 2015


થોડા દિવસ પહેલાં એક કવિતા જોઈ. અસર એવી થઈ કે મનના દરેક ખૂણામાં ત્યારબાદ વખતોવખત એના શબ્દો ઘૂમરાવા લાગ્યા. મનની ઈચ્છા પારખી ફરી એક વાર એ કવિતાને મમળાવી. એ જ અસર... વાસ્તવિક દુનિયા કરતાં કવિતાની એ કાલ્પનિક દુનિયા વધુ સારી લાગે. પ્રશ્ન થાય, હું રહું છું એ દુનિયા વાસ્તવિક છે કે કવિતાની દુનિયા? મન ફરી ફરી એ જ દુનિયામાં જવા માગે અને એને રોકું તો વળી આ વાસ્તવિક દુનિયાના લોકો પાગલ કહેવા લાગે એવી હરકતો થવા લાગે. શક્ય છે આવું? કોઈ કવિતા કલાકો-દિવસો સુધી સતત મગજમાં ઘુમરાતી રહે?
બિલકુલ શક્ય છે અને આ જ વાત તારા વેદને સમજાવે છે 'તમાશા'માં...
કોઈ પણ ફિલ્મની આ પ્રકારની કાવ્યાત્મક શરૂઆત મને યાદ નથી. શરૂઆતથી જ મનની અંદરથી આળસ મરડતો એક અવાજ સંભળાવા લાગે. તમાશા હું પહેલાં જ દિવસે જોઈ આવેલી... કારણ એ જ કે બની બેઠેલા ક્રિટિક્સના રિવ્યુની અસર મારે મારા મન પર થવા દેવી નહોતી. રાતના શોમાં ફિલ્મ જોઈ અને આવીને બધા છાપાંના રિવ્યું વાંચ્યા. નિરાશા થઈ. દિલ પર જાણે લોકોએ ઘા કરી નાખ્યા. ફરી એક વાર દેશના બુદ્ધિજીવીઓ પર શંકા થઈ. બીજા દિવસે પણ રિવ્યુ વાંચ્યા. 'ઈન્ડિયા ટુડે' અને ત્યારબાદ 'એબીપી' ન્યુઝની વેબસાઈટના રિવ્યુથી એક ધરપત થઈ કે ચાલો હજીય આશા છે. પણ પછી મેં મારી જાતને જ સવાલો કર્યા... ઈમ્તિયાઝ અલીની ફિલ્મો માટેનું મારા મનમાં પહેલેથી ઘર કરી ગયેલું આ વળગણ બોલે છે કે પછી રણબીર-દીપિકાનો ચાર્મ? કે પછી એન્જિન્યરિંગથી બીજી ફિલ્ડમાં જવાની વાતની એક સામ્યતાને કારણે હું બાયસ થાઉં છું? જવાબો મેળવવા કોરી સ્લેટ રાખી ફરી એક વાર ફિલ્મ જોઈ અને જવાબો કંઈક આવા મળ્યા...
શરૂઆતથી જ એક એવી કવિતા જોવા મળે, જે દિલ અને દિમાગ પર હાવિ થઈ જાય. મનમાં વર્ષોથી દબાવી રાખેલી લાગણીને આમ છડેચોક નગ્ન થતાં પહેલી વાર જોઈ. વેદની આંખોથી રામાયણ (સ્વેટર-બ્લેટ પહેરેલા રામ, શર્ટમાં લક્ષ્મણ અને હાર્ટમાં આર-એસ ના ટેટુ તથા ગળામાં એન્ગેજમેન્ટના રિંગની માળા પહેરેલી સીતા,'અશોક વાટિકા'નો પીઓ બોક્સ) કદી વાસ્તવિક જીવનમાં ના જોયલી કે વિચારેલી. હા, મનમાં આવા જ નિર્દોષ ચિત્રો નાનપણમાં ચિતરેલા હશે. છેલ્લે ક્યારેય આપણે પોતાના મગજની છબીને આમ ઉઘાડી પદડા પર નિહાળેલી? પિયુશ મિશ્રાના અવાજમાં સ્ટોરી... રામ-સીતાની કહાનીમાં પશ્ચિમની કહાની ભેગી કરી ત્યાં તો કહે ક્યા ફર્ક પડતાં હૈ? બધી સ્ટોરી એક જ હોય છે, બસ એની ટ્રીટમેન્ટ અલગ છે. આવી આવી મોમેન્ટ્સ દિમાગ પર છવાયેલી રહે છે.જ્યારે લોકો એમ પૂછે છે કે ફિલ્મમાં નવું શું છે ત્યારે શું જવાબ આપવો એ જ સમજ ના પડે. એટલું કહેવાનું મન થાય કે દોસ્ત ફિલ્મ ફરી એક વાર જો અને આ વખતે નવું શોધવા નહીં, જે છે એ માણવા જો. પછી નવું જ નવું દેખાશે.
ફિલ્મમાં પંચલાઈન એટલી બધી છે કે ઊભા થઈને તાળી પાડવાનું મન થાય. હા, એ વાત પણ સાચી કે કેટલીક ફ્રેમમાં સંવાદોની ઉણપ લાગી. રણબીર-દીપિકા વચ્ચેના કદાચ બે સંવાદો મને અત્યંત નબળા લાગ્યા, પણ છતાં ફિલ્મના અન્ય સંવાદોની સામે બે કાચી ક્ષણો ભૂલી જવાય એવી છે.
આ ફિલ્મને જ્યારે વેક અપ સિડ કે પછી રોકસ્ટાર- લવ આજકલ, થ્રી ઈડિયટ્સ સાથે સરખાવવામાં આવે છે ત્યારે દુ:ખ થાય છે. અત્યંત દુ:ખ... કેમ? કારણ એ કે હા માનું છું કે ફિલ્મમાં ફરીથી રણબીર દિલને જ અનુસરવાનું કહે છે. જે ગમે, જે કરવું છે એ જ કરવા કહે છે અને આ ફિલ્મોમાં ઉત્તમ શૈલીમાં એ પદડે દર્શાવી જ દીધું છે તો ફરી કેમ? ફરી એટલા માટે કે આ ફિલ્મો પછી નેશન વોન્ટેડ ટુ નો કે દિલની વાત તો સાંભળીએ પણ અવાજ લાવીએ ક્યાંથી? અને તમાશા આ સવાલનો જવાબ છે.
તમાશા એ ફિલ્મોથી આગળ પણ કંઈક કહે છે અને એ છે દિલનો અવાજ કઈ રીતે સાંભળવો... આગળની ફિલ્મોમાં કહી દીધું કે પોતાના પેશનને ઓળખો એને ફોલો કરો. દુનિયા તમારા પગ નીચે હશે.. પણ એક સવાલ... કઈ રીતે? પિયુશ મિશ્રાના અવાજમાં 'ફરેબી', 'ઠગ' જેવા શબ્દો સાંભળીને જો દિલ હલીના જાય તો સમજવું કે આપણી અંદરના બચપણનો એ સાપ સંપૂર્ણપણે મરી ગયો છે. ફિલ્મ દિલની વાતને ફોલો કરવા ઉપરાંત આપણી અંદરના મરી ગયેલા એ બચપણને પાછું ઉઠાડે છે જે આપણને સામાન્યમાંથી અસામાન્ય બનાવવાની શક્તિ ધરાવે છે, જે 'કઈ રીતે'નો જવાબ આપવા સક્ષમ છે.
થિયેટરમાંથી બહાર આવતાં યંગસ્ટર્સને એવું સાંભળતાં જોઉં કે 'કોણ લાવેલું આ ફિલ્મ માટે, પૈસા લો પાછા એની પાસેથી' ત્યારે ઝણઝણાટી થઈ આવે કે આ સમાજે બાળપણની ક્રૂર હત્યા કરી નાખી છે. આ ફિલ્મ એ જ વ્યક્તિ માણી શકે જેણે બાળપણ ક્યાં તો અંદર જીવતું રાખ્યું છે અથવા અર્ધજાગૃત છે. આ વ્યક્તિઓ કદાચ ફિલ્મ જોઈ સમાજના બંધનો તોડી શકવા વિચારશીલ બને અથવા પોપકોર્ન ખાયને ઘર ભેગા થાય, પણ સાલું જેને ફિલ્મ જોયા બાદ પણ પેટનું પાણી ના હલ્યું એના પર સમાજનો કેવો પ્રભાવ પડ્યો કહેવાય? આવો સમાજ? આ માનસિકતા?
ફિલ્મમાં દરેક ફ્રેમને એક ચોક્કસ માપદંડના આધારે ફિલ્માવામાં આવી છે. લાગણીવશ થયા વિના પણ જોઈએ ને તો હૃદય સાલું હચમચી જાય છે. દિલની વાતો સાંભળવા માટે અવાજ તો જોઈએ ને? તમાશા એ અવાજ છે. જો તમને આ અવાજ સંભળાયો તો ઈમ્તિયાઝ અલી કહે છે એમ કે હજુ પણ મોડું નથી થયું, પણ જો આ અવાજ નથી સંભળાતો તો પછી કદાચ દુનિયાની સૌથી અમૂલ્ય ચીજ તમે ગુમાવી ચૂક્યા છો. પણ જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી એ અવાજ કદી મરતો જ નથી. માત્ર દિલને બહેરું બનાવવામાં આવે છે, સમાજના ડરથી.
ખેર, હું તો આ કવિતાના નશામાં હજુ રહેવા માગું છું, પણ સવાલ એ છે કે શું તમે આ નશો માણ્યો છે ખરો? શું સાચા-ખોટા, ગમા-અણગમા અને કહેવાતી 'બુદ્ધિ'ના માપદંડમાં ફસાયા વિના બાળસહજ ભાવે ફિલ્મને માણી છે ખરી? ના માણી હોય તો એક વાર ફરી કોરી સ્લેટ રાખી ફિલ્મ જુઓ, દિલનો અવાજ સંભળાશે. એ અવાજ માત્ર જીવનની દિશા નક્કી કરવા માટેનો નથી એ અવાજને તમારી અંદરના વાસ્તવિક વ્યક્તિને બહાર કાઢવાનો છે, એ અવાજ છે તમારી જિંદગી 'લોકો'ની ચિંતા કર્યા વગર માત્ર તમારી ઈચ્છાએથી જીવવાનો અને એ અવાજ છે દુનિયાની સામેથી મુખોટો કાઢી નવેસરથી જિંદગીને માણવાનો...
તમાશા એક અરીસો છે, જો ધ્યાનથી જોશો તો તમારી છબી ઉઘાડી કરી દેશે. અવાજ તો આવશે જ, એને સ્વીકારવો કે ના સ્વીકારવો એ તમે નક્કી કરી લેજો.