Monday, September 26, 2016

'પિન્ક'



નાનપણથી સાંભળતી આવી છું, ભારત મહાન દેશ છે. કેમ? એવો પ્રશ્ન પૂછવાની જરૂર જ નહીં પડી. કારણ કે થોપી દેવામાં આવેલું કે 'મહાન' ભારત દેશે અંગ્રેજો સામે લડત ભીડીને આઝાદી મેળવી. 'મહાન' ભારત દેશ વૈવિધ્યાતાથી ભરપૂર છે અને 'મહાન' ભારત દેશ ભૌગોલિકતાથી અને સંસ્કૃતિથી સમૃદ્ધ છે. આ તો એવી વાત થઈ કે છોકરીને પરણાવવા માટે એનો એડિટ કરેલો ફોટો સમાજમાં ફેરવવામાં આવે. ચશ્મા છે તો પણ ચશ્મા વગરનો ફોટો બતાવવામાં આવે (હા, બે દશક પહેલાની વાત છે આ. આજકાલ ફેશન છે એટલે ચાલી જાય છે.) વાત થોપી દો, સારો દેખાડો કરી દો એટલે એ 'સારું' કહેવાય; બીજાની નજરમાં. બસ, એ જ આખી જિંદગીનો હેતુ બનેલો હોય છે આપણો, આપણા સમાજનો અને આપણી આસપાસ રહેતાં સ્નેહીઓનો.

પણ હવે એક નવી પેઢી જન્મી. આ જ ભારત દેશમાં, પણ થોડી મુક્ત વિચારોવાળી. વાત બધી સરખી જ છે. પણ હવે આ પેઢીની અમુક સંતાન લિટરલ મિનિંગ લેવા લાગી, જે હિપોક્રસીથી ભરેલા મગજમાં વમળો પેદા કરવા લાગી. એટલે એ જ જૂની કહાની, પણ નવા ટ્વિસ્ટ સાથે. એ જ બાજીરાવ મસ્તાની અને એ જ મુગલ-એ-આઝમ બનવા લાગી પણ નવા રૂપરંગ સાથે. ફરક એટલો કે એ 'બળવાખોરો'ની સંખ્યા ઓછી હતી પણ આજે એ વધી છે અને એટલે 'પિન્ક' જેવી ફિલ્મો બનાવી પડે છે કે જેથી 'બળવાખોરો'ની વાસ્તવિકતા જાહેર કરી શકાય. 

શું ભારત ખરેખર મહાન દેશ છે? હું જવાબ શોધી રહી છું, પણ એ શોધમાં જ્યારે 'પિન્ક' જેવી ફિલ્મનો સામનો થાય ત્યારે ધિત્કાર થઈ આવે, પોતાના હોવા પર, આપણી સિસ્ટમ, આપણી મેન્ટાલિટી પર. હું અહીં 'આપણી' શબ્દનો ઉલ્લેખ કરું છું. કારણ કે હું પણ એક ભારતીય છું અને મારી પણ મેન્ટાલિટી સરખી જ છે. ફરક એ છે કે હું એ વિશે કોન્શિયસ છું અને જરૂર લાગે ત્યાં બદલાવ માટે તૈયાર રહું છું. પણ શું બધા આ રીતે વિચારે છે? ના, કારણ કે હજીય 'પિન્ક' ફિલ્મ બને છે અને હજીય છોકરીઓ આ જ મેન્ટાલિટીનો ભોગ બને છે. આ રિવ્યુ નથી, બળાપો છે. મને પ્રશ્ન થાય કે શા માટે છોકરીઓને સામાન્ય કાયદાઓનું જ્ઞાન નથી અપાતું? કાલે હું પોતાને આ સ્થિતિ જોઉં તો વિચારમાત્રથી તરફડી ઊઠું. કારણ એ ઘટના તો છે જ પણ એ પછીના બનાવો વિચારું એ વધારે ભયાનક રીતે ઉપસે છે. કાયદાઓ સાથે વર્ષોથી રમત રમતા કાળા કોટનો હું સામનો કઈ રીતે કરું જ્યારે મને મારા મૂળભૂત હકો વિશેય ભાન નથી. શું કરું મારી સ્કૂલના 90%નું જ્યારે એ મારું રક્ષણ કરવાનું મૂળભૂત શિક્ષણ નથી આપતી.

મને હજારો વાર શિખામણ મળી છે બહુ હસીને વાત ન કરવાની, તું ઓવરફ્રેન્ડલી છે. મારા પપ્પાએ મને કેટકેટલીય વાર કહ્યું હશે, બેટા એક વાર જો કંઈ થઈ ગયું, પછી જિંદગી બહુ અઘરી છે. એ તને હમણાં નહીં સમજાય. પણ કેમ? હું મનમાં હંમેશાં પૂછતી; કેમ મારે મારી હ્યુમન ઈન્સ્ટિન્ક્ટ મારીને જીવવાનું, મારે કેમ નેચરલ નહીં રહીને કોન્સિયસ બિહેવ કરવાનું? મારી મમ્મીએ ફિલ્મ જોઈને કહ્યું, તારી જ યાદ આવ્યા કરી મને ફિલ્મ જોઈને. આવી કેટલીય મમ્મી અને કેટલીય 'હું' હશે આપણી ત્યાં જે પોતાની સાથે આ ફિલ્મને સાંકળતી હશે, પણ શું એ સુરક્ષિત છે? શું ફિલ્મ જોયા પછી કંઈ ફરક પડશે? શું આપણે આપણી હિપોક્રસી છોડી શકીશું? શું હસીને કે ટચ કરીને વાત કરતી છોકરીઓ મુક્તપણે બિહેવ કરી શકશે?

ફિલ્મની નાની-નાની વાતો કરું તો, એક એકલી સ્ત્રી કોઈ ડિવોર્સી કે મોટી ઉંમરના વ્યક્તિ સાથે સંબંધમાં બંધાય તો એ સ્ત્રીનું ચારિત્ર્ય પ્રશ્ને ચઢે! ભાઈ, એક તો આપણે શબ્દો ભારે ઉપયોગ કરીએ, સ્ત્રી ચારિત્ર્ય. અડધી જંગ તો આ ભારેખમ ટાઈટલો જ હરાવી દે. લેબલ, જજમેન્ટ અને કન્ક્લુઝન; ચાની કીટલી, ગલ્લાથી લઈને પાર્લામેન્ટ આ જ સિદ્ધાંતે ચાલે. કોઈએ ઈન્ડિપેન્ડન્ટ થવું હોય અને માતા-પિતાથી અલગ રહેવાનું પસંદ કરે તો ગંદા કામ કરવા હોય એટલે જ આવો વિચાર કરે. પણ ગંદા એટલે શું? એની મરજી જીવવાને, એની લાઈફના ડિસિઝન જાતે લેવાને ગંદા કહેવાય? હા, મરજી મુજબ જીવન જીવવામાં, ભૂલો કરવામાં ઘણી વાર કિંમત આટલી મોટી હોય શકે, પણ શું એવા ડરથી જિંદગી જીવવી જ નહી? 

આ વાત માત્ર ભારતની નથી. કાગળા બધે કાળા અને વિકસિત દેશોની મેન્ટાલિટી પણ વખાણવા લાયક નથી જ. પણ ભારતને ઉદ્દેશવા પાછળ જાતે અનુભવેલી લાગણી છે અને ગુસ્સો છે. પોતીકાપણાનો ભાવ છે. 15 ઓગસ્ટે દેશથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં, બ્લેક કોફીના 3 કપ પીધા પછી જાગવાના પ્રયત્ન કરતી વખતે, રાત્રે 3 વાગે જોબ પર જ્યારે ઓલિમ્પિક્સમાં દેશના રાષ્ટ્રગીતની ધૂન સંભળાય તો રૂંવાટા ઊભા થઈ જાય. જાણે કોઈ પરિચિત બોલાવી રહ્યું હોય એવો એક સાદ, અનુભવ અને સન્માન ઉપજી આવે મનમાં અને પોતીકું લાગે પણ આ ફિલ્મની વાસ્તવિકતાથી મન ખરડાય જાય છે. 

સમય હવે પ્રશ્નો પૂછવાનો છે. વર્ષોથી લખાયેલા નીતિ-નિયમોને પકડારવાનો છે. મૂળથી પરિવર્તન લાવવાનો છે તો જ નવી પેઢીનું ભણતર ખરા અર્થમાં ભણતર રહેશે, બાકી નિરક્ષરોની ટોળીને તો અત્યારે જ મારી આંખ સામે જોઈને મન ઉદાસ રહે છે!