Sunday, February 23, 2014

ફોટોશોપ વિનાની શુદ્ધ ફોટોગ્રાફી



પહેલી નજરે તમને ફોટોશોપ કે ટેકનિકલ સપોર્ટથી આ ફોટોગ્રાફ્સને વધુ આકર્ષક બનાવ્યા હોવાનો ભાસ થાય એ સ્વાભાવિક છે, પરંતુ ખરેખર તો આ એક પ્રકારના ઈન્ટોલેશન આર્ટની ફોટોગ્રાફી છે, જેમાં કોઈ પણ પ્રકારની ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના વિચારોની મૌલિકતાને કેમેરામાં કેદ કરવામાં આવી છે. આજે જ્યારે પોતાની આર્ટને ઉત્તમ અને શ્રેષ્ઠ પુરવાર કરવા જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે ત્યારે જી યંગ લી નામની કોરિયાની એક યુવાન આર્ટિસ્ટે ફરી એક વાર સાબિત કર્યું છે કે કળાનીસાચી પરખ માત્ર કલાકારની મૌલિકતામાં જ રહેલી છે. 

આર્ટિસ્ટ જી યંગ લી
દક્ષિણ કોરિયાના પાટનગર સિયોલની હોંગિક યુનિવર્સિટીમાંથી જી યંગ લીએ ગ્રેજ્યુએશન મેળવી આર્ટિસ્ટ બનવાનું નક્કી કર્યું ત્યારેતેના જેવા એક યુવા કલાકાર માટે ખરાબ આર્થિક સ્થિતિમાં ‘આર્ટિસ્ટ’ તરીકે કારકિર્દીની પસંદગી કરવી ખૂબ કઠિન હતી. આમ છતાં તેણે પોતાનો સંદેશો દુનિયા સુધી પહોંચાડવા માટે એક અસરકારક માધ્યમની શોધ શરૂ કરી અને અંતે ફોટોગ્રાફીએ તેને સૌથી વધુ પ્રભાવિત કરી. ફોટોગ્રાફી એટલે આપણા મનમાં કોઈ સુંદર લેન્ડસ્કેપ, પ્રાકૃતિક ખજાનાની અનુભૂતિ કરાવતા આહલાદક દૃશ્યો કે પછી રેન્ડમ ખેંચાતા એબ્સ્ટ્રેક્ટ ફોટોગ્રાફ્સના વિચારો આવવા માંડે, પરંતુ અહીં પણ લી આપણી ધારણાને ખોટી પાડે છે. 

હકીકતમાં જી યંગ લીએ સિયોલમાં તેના ૩.૬x૪.૧x૨.૪ મીટર એટલે કે લગભગ ૧૫૯ સ્ક્વેર ફીટના નાનકડા સ્ટુડિયોમાં જુદા જુદી થીમ પર કળાના કેટલાક ઉત્તમ નમૂના તૈયાર કરી પોતાની એક નવી જ દુનિયા બનાવી લીધી છે. લીને જીવનમાં થયેલા અનુભવોનો તેના કાર્ય પર ઘણો મોટો પ્રભાવ છે. કોરિયાની સામાજિક વ્યવસ્થાથી ઉત્પન્ન થતો અસંતોષ અને સામાજિક દબાણ પણ લીને કેટલીક ઉત્તમ કૃતિઓ તૈયાર કરવા તરફ દોરી ગઈ હતી. આ ઉપરાંત તેણે કોરિયાની પ્રચલિત દંતકથાઓ અને પોતાના અનુભવોને કળા સાથે સાંકળી પોતાની સર્જનશક્તિનો ઉત્તમ નમૂના રજૂ કર્યા છે. આથી જ લીએ પસંદ કરેલા વિષયો આજે તેના આર્ટની ઓળખ અને ખાસિયત બની ગયા છે. લી કહે છે કે, “ક્યારેક હું મારા સ્વપ્નોમાં આવતા ચિત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી અને સૌથી પડકારરૂપ કાર્ય તેનું વાસ્તવિક નિરૂપણ કરવાનું હતું. મારું આર્ટવર્ક મારી અંદર સતત ચાલતા વિચારોનું પરિણામ છે. એક કૃતિ તૈયાર કરતી વખતે અનેક વિચારો મારા મનમાં પડઘાયા કરતાં અને તેથી જ મારે નક્કી કરવું પડતું હતું કે કઈ વસ્તુ મારા કાલ્પનિક વિચારને વધુ વાસ્તવિક બનાવશે! આ સાથે જ રંગોની પસંદગી અને તેનું મિશ્રણ ઘણું કાળજીપૂર્વક કરવું પડતું હતું. કેટલીકવાર કોઈ કૃતિ ઘણું સંશોધન પણ માગી લેતી હતી. હું મારી કૃતિમાં જરૂર પૂરતા જ પદાર્થોની પસંદગી કરતી હતી.”

સામાન્ય રીતે લીને એક કૃતિ તૈયાર કરવામાં એક કે બે મહિના જેટલો સમય લાગતો હતો.‘ટ્રેઝર હન્ટ’નામની એક કૃતિ તૈયાર કરતાં તેને ત્રણ મહિના જેટલો સમય થયો હતો.સ્ટુડિયોમાં આખી કૃતિ તૈયાર થઈ ગયા પછી લી લાઈટ અને ફોટો માટેનો વ્યવસ્થિત એન્ગલ મેળવવા જે-તે કૃતિના અનેક શોટ્સ લેતી અને દરેક ફોટોને ધ્યાનપૂર્વક નિહાળતી અને તૈ પૈકીનો શ્રેષ્ઠ એન્ગલ પસંદ કરતી. ત્યારબાદ તે કૃતિમાં પોતાને પણ સામેલ કરી એને સેલ્ફ પોર્ટ્રેટમાં રૂપાંતર કરતી અને એ ફાયનલ કૃતિનો ફિલ્મ કેમેરાથી અંતિમ ફોટોગ્રાફ લેતી. લીના અદભુત ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન ફ્રાન્સની OPIOM ગેલેરીમાં ૭ ફેબ્રુઆરીથી ૭મી માર્ચ સુધી ખુલ્લું મૂકાયું છે. લીનું આ પ્રથમ યુરોપિયન એક્ઝિબિશન છે. 

રિસરેક્શન(પુનર્જીવન)
'પુનર્જીવન'ની અનુભૂતિ કરાવતો ફોટો
લીએ તૈયાર કરેલા આ ઈન્સ્ટોલેશન આર્ટમાં તેણે કોરિયાની દંતકથાઓ પૈકી શીમ શોન્ગની કથા તથા શેક્સપિયરના પ્રસિદ્ધ નાટક હેમલેટના કાલ્પનિક પાત્ર ઓફેલિયા પરથી પ્રેરણા મેળવી હતી. આ માટે તેણે પેપરને કમળ અને તેના પાંદડાં તરીકે પેઈન્ટ કરી આખા સ્ટુડિયોને થોડો રહસ્યમયી દેખાવ આપવા ધુમ્મસ અને કાર્બોનિક બરફનો ઉપયોગ કર્યો હતો. લીની આ આર્ટમાં ચીવટાઈ અને સુંદરતા જ એટલી અદભુત હતી કે તેણે લીધેલા ફોટોને કોઈપણ ડિજિટલ એડિટિંગના આવશ્યકતા નહોતી. આ પ્રકારના ફોટો સાથે લીનો પોતાના જીવનનો અનુભવ જ લોકો સુધી પહોંચાડે છે. તે કહે છે કે, “મને નિરાશા તરફ લઈ જતાં નકારાત્મક પરિબળોને પાછળ ધકેલી મેં ફરી જન્મ લીધો છે અને તેથી જ મેં મારી જાતને તમામ લાગણીઓથી શુદ્ધ કરી નાંખી છે. આ ફોટોમાં કમળ વચ્ચે રહેલી યુવતી પોતાને એક સશક્ત વ્યક્તિ તરીકે જુએ છે, જેણે હમણાં જ ફરી જન્મ લીધો છે અને આ નવી દુનિયાનો સામનો કરી રહી છે.”

આઈ વિલ બી બેક
દંતકથા પર આધારિત ફોટો
કોરિયામાં એક દંતકથા ખૂબ પ્રસિદ્ધ છે. એક વાઘ બાળકની પાછળ દોડતા દોડતા કૂવાની અંદર પહોંચી જાય છે. ત્યાં જ ઈશ્વર એ બાળકને બચાવવા માટે આકાશમાંથી એક દોરડું કૂવામાં લંબાવે છે. બાળક એ દોરડાની મદદથી ભાગી છૂટે છે,પરંતુ જ્યારે વાઘ મદદ માટે અવાજ કરે છે ત્યારે એક ઘસાયેલું દોરડું કૂવામાં દેખાય છે, જે વાઘને તેના ખરાબ ભાગ્યનો અણસાર આપે છે. લીએ આ જ કથાનું સુંદર ઈન્સ્ટોલેશન આર્ટમાં રૂપાંતર કરી એક અનોખો સંદેશો આપણને આપ્યો છે. તે કહે છે કે અત્યંત કપરામાં કપરી પરિસ્થતિમાં પણ આશા જ એક માત્ર ઉપાય છે, જે આપણને જે તે પરિસ્થિતિમાંથી ઉગારવામાં મદદરૂપ થાય છે.

પેનિક રૂમ
પોતાના જીવનમાં થયેલા અનુભવને આધારે તૈયાર કરેલી  આર્ટનો ફોટો
આ કૃતિમાં લીએ તેના અંગત સંબંધનું નિરૂપણ કર્યું છે. લીના ખાસ મિત્રો વચ્ચેના ઝઘડામાં અંતે લીને જ ઘણું નુકસાન થયું હતું. લી માટે એ સમય ખૂબ જ મુશ્કેલ અને ભયાનક હતો. તેની આજુબાજુનું આખું વાતાવરણ બદલાય ગયું હતું. પોતાની લાગણીઓને અભિવ્યક્ત કરવા તેણે ઘરમાં ઉપયોગમાં લેવાતી સામાન્ય વસ્તુઓ જેવી કે દોરી, સોય, કાતર, પીન વગેરેનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત, લી બચપણમાં ઘણી વાર મુશ્કેલીના સમયમાં પોતાને એક બંધ બોક્સમાં પૂરી દેતી હતી. આથી આ પરિસ્થિતિમાં પણ તેણે પોતાને એક બંધ અંધારિયા બોક્સમાં બેઠેલી હોવાની કલ્પના કરી છે.

આ ઉપરાંત લીએ તૈયાર કરેલા ઈન્સ્ટોલેશન આર્ટના કેટલાક સુંદર ફોટોગ્રાફ્સઃ

લાસ્ટ સપર

‘લાઈક બ્રેકિંગ અ સ્ટોન વિથ અ એગ’ આધારિત 'બ્રોકન હાર્ટ'

કેમિકલ રોમાન્સ

ચાઈલ્ડહુડ

'ટ્રેઝર હન્ટ'- વાયરોની મદદથી લીલા ઘાસની અસર ઉપજાવવા માટે કરાયેલું ક્રાફ્ટિંગ

ધ લિટલ ગર્લ મેચ

ફૂડ ચેઈન

નાઈટ સ્પેસ

ફૂડ ચેઈન

ફ્લૂ

બર્થ ડે

બ્લેક બર્ડ

મેઈડન વોયેજ
૧૮ ફેબ્રુઆરી, 2014ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

Tuesday, February 11, 2014

વૈવિધ્યપૂર્ણ કળાનો અનોખો મેળાવડો


 વિશ્વભરમાં કળા, નૃત્ય અને સાહિત્યના અવનવા તહેવારો અને નીતનવા પ્રયોગો વિશે આપણે વારંવાર વાંચતા જ હોઈએ છીએ. જુદી જુદી થીમ પર દિવસો સુધી લોકો જાણે મન મૂકીને પોતાની કળાને કોઈ નવા જ સ્વરૂપે દુનિયા સમક્ષ રજૂ કરતા હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં એવી માન્યતા છે કે આપણા દેશમાં કળા અને સાહિત્યના આવા મેળાવડાને મળવું જોઈએ એટલું મહત્ત્વ અપાતું નથી, કારણે કે આપણા દેશમાં આર્ટને વ્યવસાય તરીકે નહીં, માત્ર એકશોખની દૃષ્ટિએ જોવામાં આવે છે. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં પણ સતત ૯ સુધી કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય જેવા અનેક આર્ટિસ્ટ ફિલ્ડને સમાવતા એક અદભુત ફેસ્ટિવલની ઉજવણી છેલ્લા ૧૫ વર્ષથી થઈ રહી છે, જે ‘કાલા ઘોડા’ ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે. 

 ઉત્તર મુંબઈમાં કાલા ઘોડા નામનો ઐતિહાસિક ગણાવી શકાય એવો એક સુંદર વિસ્તાર આવેલો છે. આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા એટલે કે ૧૯૯૯માં આ અનોખા ફેસ્ટિવલની ઉજવણીની શરૂઆત થઈ હતી. ફેસ્ટિવલનો કોન્સેપ્ટ જેટલો નવો અને સુંદર છે એટલું જ અદભુત આ ફેસ્ટિવલનું લોકેશન છે. વાસ્તવમાં અર્ધચંદ્રાકાર આકારના આ કાલા ઘોડા વિસ્તારમાં સૌથી વધુ સંખ્યામાં મુંબઈ શહેરની હેરિટેજ બિલ્ડિંગ્સ આવેલી છે. આ ઉપરાંત, અહીં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, શૈક્ષણિક સંસ્થાઓ અને બુટિક્સ આવેલા છે. હવે જ્યારે કળા અને સાહિત્યનું આવું અનોખું વાતાવરણ પહેલેથી જ તૈયાર હોય ત્યારે ત્યાં ઉજવાતા ફેસ્ટિવલની ભવ્યતા કેટલી વિશાળ હશે તેનો અંદાજ તમે લગાવી શકો!

દર વર્ષે આ ફેસ્ટિવલ ફેબ્રુઆરીના પહેલા શનિવારથી લઈને બીજા અઠવાડિયાના રવિવાર સુધી યોજવામાં આવે છે. આ વર્ષે પણ ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધી આ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી. ‘કાલા ઘોડા એસોસિએશન’ નામની સ્વૈચ્છિક સંસ્થા આ ફેસ્ટિવલનું આયોજન કરે છે. કળા જગતના આ મેળાવડા પાછળનો હેતુ એકદમ સામાન્ય છે, મુંબઈના વર્ષો જૂના વારસાના પ્રતીક સમા બાંધકામની જાળવણી કરવી તેમજ એક જ સ્થળે વિવિધ કલ્ચરની અભૂતપૂર્વ કૃતિઓને સામેલ કરી લોકોમાં કળા પ્રત્યે જાગૃતિ ફેલાવવી. આ ઉપરાંત, એવા કેટલાય કલાકારો છે જેમની આવડત સારી તકોની રાહ જોવામાં વ્યર્થ જતી હોય છે. આથી આ ફેસ્ટિવલ એવા કલાકારોને પણ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ફેસ્ટિવલમાંથી જે ફંડ મળતો હોય છે, તેને આ વિસ્તારની ઐતિહાસિક ગણાતી બિલ્ડિંગ્સના સમારકામમાં અને આખા વિસ્તારની જાળવણી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હિંદુસ્તાન ટાઈમ્સ સાથે મળીને આ વર્ષે કાલા ઘોડા ફેસ્ટિવલને દર વર્ષ કરતાં વધુ મોટો અને ભવ્ય બનાવવામાં આવ્યો હતો. વધુ મહત્ત્વની વાત તો એ છે કે કળાના આ વિશાળ મહોત્સવમાં જ્યાં નવ દિવસમાં લગભગ ૩૫૦થી પણ વધુ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ફેસ્ટિવલમાં સામેલ થવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નહોતી. આશરે ૧,૫૦,૦૦૦ કરતાં પણ વધુ લોકો આ ફેસ્ટિવલનો ભાગ બન્યા હતા. 

કાલા ઘોડા ફેસ્ટિવલમાં મુખ્યત્વે વિઝ્યુઅલ આર્ટ, સંગીત, થિયેટર, નૃત્ય, સ્ટ્રીટ એક્ટ્સ, હેરિટેજ વોક, સાહિત્યિક કાર્યક્રમો તથા અનેક વર્કશોપ યોજવામાં આવતા હોય છે. વળી, બાળકો માટે પણ ખાસ ઈવેન્ટ્સ ડિઝાઈન કરવામાં આવી હોય છે, જેની મદદથી તેમની આસપાસ એક ક્રિએટિવ વાતાવરણ ઊભું કરી શકાય. ટૂંકમાં, આ એક એવો ફેસ્ટિવલ છે જ્યાં તમે કળાના વિવિધ સ્વરૂપોને ભરપૂર માત્રામાં નવ દિવસો સુધી માણી શકો અને સાથે જ વિશ્વભરના જાણીતા કલાકારોને પ્રત્યક્ષ નિહાળી, તેમની સાથેના સંવાદોનો એક ભાગ પણ બની શકો. દર વર્ષે જુદી જુદી થીમ પર આ આખા તહેવારની ઉજવણી થતી હોય છે, જેમાં આ વર્ષે ‘મોમેન્ટમ’ થીમ પસંદ કરવામાં આવી હતી. હકીકતમાં આ ફેસ્ટિવલનો વ્યાપ દર વર્ષે મોટો થતો જાય છે. આથી તેની સફળતાની ઉજવણીરૂપે આ વર્ષે ‘મોમેન્ટમ’ થીમ રાખવામાં આવી હતી.

ફ્લેશ ફોરવર્ડ

કળાના આટલા મોટા મહોત્સવમાં સિનેમાને સમાવવીયોગ્યછે?- એવો પ્રશ્ન આપણને સ્વાભાવિક રીતે થાય, પરંતુ હકીકત તો એ છે કે આજના ઈલેક્ટ્રોનિક યુગમાં ફિલ્મોએ પોતાનો સંદેશો દુનિયા સુધી પહોંચાડવાનું સૌથી અસરકારક માધ્યમ બની ગયું છે અને તેથી જ કળાનો આ મેળાવડો સિનેમા વિના અધૂરો છે. આ વર્ષે આ ફેસ્ટિવલમાં જુદા જુદા સમયની અને વિવિધ પ્રકારની અનેક ફિલ્મો દર્શાવવામાં આવી હતી. આથી જ સિનેમા માટે ‘ફ્લેશ ફોરવર્ડ’ થીમ રાખવામાં આવી હતી. અહીં નેશનલ એવોર્ડ જીતેલી મરાઠી ફિલ્મ ‘દેઓલ’(૨૦૧૧), ભારતની સૌ પ્રથમ ઝોમ્બી કોમેડી ‘ગો ગોઆ ગોન’(૨૦૧૩), ગુરુ દત્તના જીવન પર આધારિત ફિલ્મ ‘ઈન સર્ચ ઓફ ગુરુદત્ત’(૧૯૮૯), ૨૦૧૩ના કાન્સ ફેસ્ટિવલમાં છવાયેલી ફિલ્મ ‘ધ લંચબોક્સ’ તથા પ્રકૃતિપ્રેમી માટે ‘આફ્રિકન કેટ્સ’ જેવી અનેક ફિલ્મોનો લોકોએ લહાવો લીધો હતો. વળી, રાજકુમાર સંતોષીની કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ ‘અંદાઝ અપના અપના’નું પણ પુન:સ્ક્રિંનિંગ કરવામાં આવ્યું હતું. વળી, ‘ઈન સર્ચ ઓફ ગુરુ દત્ત’ના ડિરેક્ટર નસરીન મુન્ની કબીર અને ડિરેક્ટર કબીર ખાન સાથે એક પ્રશ્નોત્તરી સેશન પણ ગોઠવવામાં આવ્યો હતો. 

ક્રેસકેન્ડો

સામાન્ય રીતે ગીતના મ્યુઝિકમાં થતાં ક્રમશઃ વધારાને ક્રેસકેન્ડો કહેવાય છે. આ પ્રકારની મ્યુઝિકલ થીમને આધારે કાલા ઘોડા ફેસ્ટિવલમાં સંગીતના અનેક ઉત્કૃષ્ટ નમૂના રજૂ કરવામાં આવ્યા હતા. સંગીતના અલગ અલગ પ્રકારમાં પ્રયોગશીલતા દાખવી ઘણાં જાણીતા કલાકારો દ્વારા કર્ણપ્રિય સંગીત રેલાયું હતું. પરક્યુશનિસ્ટ(એક પ્રકારના ડ્રમવાદક) સ્વરૂપા અનન્થ અને વાંસળીવાદક શ્રીરામ સંપથે એક અનોખા ફ્યુઝનનું મોહક પરફોર્મન્સ રજૂ કર્યું હતું. આ સાથે જ ફરહાન અખ્તર અને નિખિલ ડિસુઝાએ પણ એક ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. સૌથી વધુ ધ્યાન તો રાજસ્થાનના જેસલમેરમાંથી આવેલા મેરસી(સંગીતકારો)એ ખેચ્યું હતું. આ સંગીતકારોને માંગણીયાર(ભિખારી) ગણી તેમની સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવતો. તેમને શિક્ષણ, તબીબી સારવાર જેવી પાયાની સગવડો પણ પૂરી પાડવામાં આવતી નહોતી. આથી આ ફેસ્ટિવલમાં તેમને સામેલ કરી સમાજમાં સમાનતાનો એક અનોખો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. છેલ્લી ૩૮ પેઢીથીપોતાના સંગીતના વારસાને જાળવી રાખનાર આ રાજસ્થાની સંગીતકારોએ લોકસંગીતનો અદભુત નમૂનો રજૂ કર્યો હતો.આ ઉપરાંત, ૭ માર્ચે રીલિઝ થનારી ફિલ્મ ‘ક્વીન’નું સંગીત પણ ઓફિશિયલી આ ફેસ્ટિવલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના સંગીતકાર અમિત ત્રિવેદીએ આ માટે ખાસ પરફોર્મન્સ પણ આપ્યું હતું.

વ્હાય ડોન્ટ યુ રાઈટ મી

કાલા ઘોડા ફેસ્ટિવલની સાહિત્યિક સફરમાં સાહિત્યપ્રેમીઓ માટે ઘણાં આકર્ષણો રાખવામાં આવ્યા હતા. લોકો પોતાના પ્રિય કવિ, નાટ્યકાર, નવલકથાકાર, કોલમિસ્ટને મળી શકે એ માટે ખાસ વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો. પેનલ ડિસ્કશનની સાથે ઘણા ઉપયોગી વર્કશોપપણ યોજી સાહિત્ય વિશે લોકોમાં સમજ કેળવવામાં આવી હતી. ‘વ્હાય ડોન્ટ યુ રાઈટ મી’ની થીમ પર ઉજવાયેલા આ સાહિત્યના કાર્યક્રમોમાં ‘ક્રોનિકલ ઓફ અ કોર્પ્સ બેરર’ના લેખક સાયરસ મિસ્ત્રી, ‘ધ બેટલ ફોર અફઘાનિસ્તાન’ના લેખક વિલિયમ દાલરિમ્પલ, ફોટોજર્નલિસ્ટ ટી.એસ. નાગ્રાજન તથા આર્કિટેક્ટ બ્રિન્દા સોમાયા અને ફોટોગ્રાફર કેતકી શેઠ જેવા જુદા જુદા ક્ષેત્રના અનેક દિગ્ગજોએ પોતાની વાતો લોકો સુધી પહોંચાડી હતી.

મૂવિંગ ઈમેજીસ

વિઝ્યુઅલ આર્ટ એક એવું માધ્યમ છે, જેના થકી તમે લોકોને ખૂબ સરળતાથી આકર્ષી શકો છો. ‘મૂવિંગ આર્ટ’ના થીમ પર રજૂ કરાયેલી આર્ટિસ્ટિક કૃતિઓએ આ વખતે કાલા ઘોડા ફેસ્ટિવલમાં આર્ટને એક નવી જ ભાષા આપી હતી. ઈન્સ્ટોલેશન આર્ટ તરીકે જાણીતી કળાના એક પ્રકારમાં ગર્ભવતી મહિલાની રજૂ થયેલી કૃતિએ આ વર્ષે ફેસ્ટિવલમાં સૌનું ધ્યાન ખેચ્યું હતું. એક ગર્ભવતી સ્ત્રીની ગ્લાસમાં કંડારાયેલી કૃતિમાં એ સ્ત્રીના ગર્ભમાં એક ફિશ પોન્ડ બતાવવામાં આવ્યો હતો. આ ઈન્સ્ટોલેશન આર્ટના સર્જક અંકુર પટેલનો હેતુ મહિલાઓના ગર્ભમાં છોકરો છે કે છોકરી એ માટે તપાસ કરાવવા તેમની પર જે દબાણ કરવામાં આવે છે તે સમાજ સમક્ષ રજૂ કરવાનો અને એ સ્ત્રી જે પીડામાંથી પસાર થાય છે તેને આર્ટ થકી પ્રતિબિંબિત કરવાનો હતો. બાળકની જાતિની ચિંતા કર્યા વગર દરેક જીવનું સન્માન કરવું જોઈએ એવું અંકુર માને છે. 




આ ઉપરાંત, મુંબઈની હેરિટેજ સાઈટ્સ અને તેની વાસ્તવિક સુંદરતાને નિહાળવા હેરિટેજ ટૂરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જાણીતા આર્કિટેક્ટ્સની સાથે વાર્તાલાપ અને પેનલ ડિસ્કશન દ્વારા આ ક્ષેત્રમાં રસ ધરાવતા નવોદિતોને ઘણા મહત્ત્વના મુદ્દાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. બાળકો માટે પણ ‘મિની મોમેન્ટમ’ થીમના આધારે ક્લે વર્કશોપ, રાઈટિંગ વર્કશોપ, સ્ટોરી ટેલિંગ, પપેટ શો વગેરે જેવા રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 


ક્રિએટિવિટીને એક અલગ જ સ્તર પર લઈ જનારા આ પ્રકારના તહેવારો આપણા દેશમાં વધુ ને વધુ ઉજવાતા રહે એ માત્ર કળાજગત માટે જ નહીં, પરંતુ લોકોના જીવનમાં પણ પરિવર્તનો લાવવા માટે પાયારૂપ બની રહે છે. છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં પણ કલાકારોના આ મેળવડાને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે, જે કલાકારોની ઉન્નતિ એક નવી દિશા સૂચવે છે.

૧૧ ફેબ્રુઆરી, 2014ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

Monday, February 3, 2014

ઝૂઝજે એકલ બાંહે હો માનવી ના લેજે વિસામો



“મૃત્યુ એ એક ઉજવણી છે. ઈશ્વરનો શાશ્વત આશીર્વાદ એટલે મૃત્યુ. શરીર રહી જાય છે અને તેની અંદરનું પ્રાણપંખી તેમાંથી બહાર નીકળી ઊડી જાય છે. આથી જ્યાં સુધી એ પ્રાણપંખેરું ઊડી ન જાય ત્યાં સુધી વ્યથાને તમારા સુધી પહોંચવા ન દો.” મૃત્યુને આ રીતે વ્યાખ્યાયિત કરનાર આપણા ‘બાપુ’ના આ શબ્દો આજે પણ વાંચતી વેળાએ શરીરમાં એક ઝણઝણાટી ઉત્પન્ન કરી દે છે. 

આજે ગાંધીજીના નિર્વાણને લગભગ ૬૫જેટલા વર્ષ વીતી ગયા છે અને આજે પણ આપણા દેશમાં‘ગાંધીગીરી’ની છૂટી છવાયેલી અસર અનુભવાતી રહે છે અને તેથી જ ઈતિહાસના એ પાનાંઓ જ્યારે કોઈ ફરીથી ઉથલાવી તેમાંના કેટલાક સત્યો આપણી સમક્ષ મૂકે ત્યારે હૃદય ફરી એ જ યુગમાં જતું રહે છે અને ફરીથી ગાંધી-સરદાર-નહેરુના કેટલાક અજાણ્યા કિસ્સાઓ જાણવા મન આતુર બની રહે છે. આવી જ કંઈક રસપ્રદ માહિતી ધરાવતુંપ્રમોદ કપૂર લિખિત પુસ્તક‘માય એક્સપરિમેન્ટ વિથ ગાંધી’ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. બે વર્ષના ગહન અભ્યાસ બાદ પ્રમોદ કપૂરે આ પુસ્તકમાં ગાંધીજીની આત્મકથાના અંશોનું પુનરાવર્તન કર્યું નથી, પરંતુવર્ષ ૧૯૨૧થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં તેમના જીવનમાં ઘટેલી મહત્ત્વની ઘટનાઓને રસપ્રદ શૈલીમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પુસ્તકમાં તેમના અંગત જીવનની વાતોથી લઈને મીઠા માટે કરવામાં આવેલા જાણીતા સત્યાગ્રહ અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વિશેના કિસ્સાઓને પણ વર્ણવ્યા છે. પ્રમોદ કપૂરે૩૦મી જાન્યુઆરી એટલે કે ગાંધીજીના નિર્વાણદિન નિમિત્તે આ પુસ્તકનું પહેલું પ્રકરણ ‘ધ ફાયનલ અવર્સ’ પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં ગાંધીજીને પોતાના મૃત્યુનો આભાસ હોય એવી અનેક વાતો તેમણે રજૂ કરી છે. જાણીતા મેગેઝિન ‘આઉટલુક’માં છપાયેલા આ પ્રકરણના અંશોમાંથી કેટલીક વાતો અહીં વીણી લેવાઈ છે, જે મૃત્યુ પહેલાની ગાંધીજીની મનઃસ્થિતિને બખૂબી છતી કરે છે. 

ગાંધીજી ઘણીવાર પોતાની ૧૨૫ વર્ષના દીર્ઘાયુષની ઈચ્છા વિશે વાત કરતાં જાણાયા છે, પરંતુ સ્વાતંત્રતા પછી ભારત-પાકિસ્તાનના ભાગલા અને દેશમાં જે કોમી અરાજકતા ફેલાઈ હતી તે જોઈને તેમની લાંબા આયુષ્ય માટેની ઝંખના ઝાંખી થઈ ગઈ હતી. તેમના મૃત્યુના આગલા દિવસે એટલે કે ૨૯મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ‘લાઈફ’ મેગેઝિનની જાણીતી અમેરિકન ફોટોગ્રાફર માર્ગારેટ બર્ક-વ્હાઈટે ગાંધીજીના ઈન્ટરવ્યુ દરમિયાન ‘શું તમે હજી પણ ૧૨૫ વર્ષ જીવવાની ઈચ્છા રાખો છો?’ એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ગાંધીજીએ જવાબ આપતા કહ્યું હતું કે, “મારી આસપાસ બનતી ભયંકર ઘટનાઓને કારણે મેં એવી આશા રાખવાની છોડી દીધી છે. મારે અંધકારમાં જીવન નથી પસાર કરવું.” પોતાના મૃત્યુ વિશેની આગોતરી માહિતી કે પછી આત્માની ખરા અર્થમાં પવિત્રતા, જે ગણીએ એ, આવી અનેક વાતોનો આ પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના આધારે ગાંધીજીને તેમના મૃત્યુનો અણસાર હોવાની વાતને પુષ્ટિ મળે છે. 

આ ઘટનાના થોડા સમય બાદ બન્નુ(હાલના પાકિસ્તાનનો એક તાલુકો) વિસ્તારના કેટલાક ગ્રામ્યજનો ગાંધીજીને મળવા આવ્યા હતા. આ ગ્રામ્યજનો કોમી હિંસાનો ભોગ બન્યાં હતાં અને તેથી તેઓ ઘરબાર વિના રઝળી રહ્યા હતા. તે પૈકીની એક વ્યક્તિએ ઉશ્કેરાઈને પોતાનો ક્રોધ ગાંધીજી પર ઠાલવતાં કહ્યું હતું કે, “તમે પૂરતી અરાજકતા ફેલાવી ચૂક્યા છો અને તમે અમને સંપૂર્ણ બરબાદ પણ કરી દીધા છે. તો હવે અમને એકલા છોડી દો અને હિમાલય પર રહેવા જતા રહો.” એક અજાણ નિરાશ્રિતના આટલા કઠોર શબ્દોએ ગાંધીજીને હચમચાવી દીધા હતા. આ શબ્દોના પડઘા આખા દિવસ તેમના કાનોમાં ગૂંજી રહ્યા અને સાંજે આરતી વેળાએ તેમણે પોતાની પૌત્રી મનુબહેનને કહ્યું હતું, “લોકોની આ કરૂણ ચીખો ઈશ્વરના અવાજ સમાન છે. આ અવાજને મૃત્યુના એક સંદેશા તરીકે લે.” ગાંધીજીએ એ દિવસે પ્રાર્થના સભામાં પણ લોકોને સંબોધતા કહ્યું હતું કે, “ઈશ્વરની જેવી ઈચ્છા હતી એ પ્રમાણે મેં મારું કાર્ય કર્યું છે. ભગવાન પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે કાર્ય કરે છે. આથી એ હવે મને મૃત્યુ પણ આપી શકે છે. વળી, હિમાલયમાં મને શાંતિ નહીં મળે. દેશમાં ફેલાયેલી અરાજકતા અને માનસિક તાણ વચ્ચે જ મારે શાંતિની શોધ કરવી છે અથવા તો એમાં મૃત્યુ પામવું છે.”

સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બનવાની મનોમંથન-પ્રક્રિયા હોય કે પછી માનવરૂપે જન્મેલા ઈશ્વરના દેહત્યાગની અંતિમ વેળા હોય, તમામ મહાપુરુષોએ પોતાના જીવનના અંતિમ ક્ષણ સુધી પોતાની અનંત દિવ્યતાનો પરચો આપણને કરાવ્યો છે. ગાંધીજી પણ પોતાના મૃત્યુના એક દિવસ પહેલા જાણે કે એ સત્યને જાણી ચૂક્યા હોય એમ અનેક ઘટનાઓમાં પોતાના મૃત્યુને સાંકળી લેતા હતા. ઉપવાસ અને દેશની પરિસ્થિતિને લઈને સતત ચિંતિત રહેતા ગાંધીજી અશક્ત રહેતા અને એવામાં તેઓ કફથી પણ પીડાતા હતા. જ્યારે તેમને આ કફની સારવાર માટે દવા આપવામાં આવી ત્યારે ગુસ્સામાં તેઓ કહેવા લાગ્યા, “જો હું કોઈ બીમારી કે પછી એક સામાન્ય ખીલને કારણે મરી જાઉં તો ઘરની છત પર ઊભા રહીને તમે દુનિયાને કહેજો કે હું એક મિથ્યા મહાત્મા હતો, તો જ મારી આત્માને- એ જ્યાં હશે ત્યાં- શાંતિ મળશે. પરંતુ જો કોઈ ધડાકો થાય અથવા કોઈ નિષ્ઠુરતાથી મારી ખુલ્લી છાતીને ગોળીથી વીંધી નાખે અને મારા મુખે ‘રામ’નું નામ હોય તો તમે મને સાચા મહાત્મા તરીકે સ્વીકારજો.” આ સિવાય પણ તેમના ‘વોકિંગ સ્ટીક’ તરીકે જાણીતા મનુબહેન સાથેની વાતચીત દરમિયાન અથવા તો તેમને મળવા આવેલા મુલાકાતીઓના આમંત્રણના સ્વીકાર દરમિયાન વારંવાર ગાંધીજી પોતાના જીવન અંગે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા રહ્યા હોવાના કેટલાક કિસ્સાઓ પ્રમોદ કપૂરેપુસ્તકના આ પ્રથમ પ્રકરણમાં આલેખ્યા છે. 

ગાંધીજીના મૃત્યુ પહેલાના કેટલાક કલાકો...

૩૦, જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજી આસપાસના ગાઢ અંધકાર અને સરદાર તથા નહેરુ વચ્ચે ચાલતા અણબનાવ અને કોંગ્રેસની પરિસ્થિતિ વિશે ચિંતિત હોવાથી વહેલી પરોઢે ૩:૩૦ વાગ્યે ઊઠી ગયા હતા. સવારના લગભગ ૩:૪૫ વાગ્યે અચાનક તેમણે ગુજરાતી ભજન “થાકે ના થાકે છતાંયે હો માનવી ના લેજે વિસામો, ને ઝૂઝજે એકલ બાંહે હો માનવી ના લેજે વિસામો”ની સ્તુતિ કરવાની ઈચ્છા વ્યક્ત કરીહતી.

તેના થોડા સમય બાદ ગાંધીજી કોંગ્રેસના બંધારણ અંગેના ડ્રાફ્ટ માટેનું કાર્ય કરી રહ્યા હતા, જે તેમણે આગલી રાત્રે શરૂ કર્યું હતું. દેશની ઉન્નતિ માટે તેમનું આ કદાચ અંતિમ દસ્તાવેજી કાર્ય હતું અને કદાચ તેમણે લખેલા અંતિમ શબ્દો પણ આ જ દસ્તાવેજમાં સંગ્રહાયેલા છે. 

એક બાજુ ગાંધીજી દેશ માટે મહત્ત્વના દસ્તાવેજોનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ નથુરામ ગોડસે પોતાનું વસિયતનામું બનાવી રહ્યો હતો. તેણે તેના એક સાથી મિત્ર નારાયણ આપ્ટેને સંબોધતો પત્ર લખ્યો હતો, “મારા મનમાં ગુસ્સો એની ચરમસીમાએ છે. આ રાજકીય વાતાવરણમાં અન્ય કોઈ વિશ્વાસપાત્ર ઉપાય મળી આવવો તદ્દન અશક્ય છે અને આ જ કારણે મેં મારી જાતને આ અંતિમ પગલા માટે તૈયાર કર્યો છે. સ્વાભાવિક રીતે જ તને એક કે બે દિવસમાં આ વિશેની જાણ થઈ જશે. કોઈના પર પણ આધાર રાખ્યા વિના મારે જે કરવું છે તે કરવાનો મેં નિર્ણય લઈ લીધો છે.” ગાંધીજીની સમયચુસ્તતાએ નથુરામ ગોડસેના આ કાર્યને વધુ સરળ બનાવી દીધુ હતું.

સવારના ૮ વાગ્યે મસાજના સમયે તેમણે કોંગ્રેસના બંધારણીય દસ્તાવેજના ડ્રાફ્ટમાં છેલ્લી ઘડીએ થોડોક સુધારો કરી તે દસ્તાવેજને પોતાના સેક્રેટરી પ્યારેલાલને હવાલે કર્યો હતો. ત્યારબાદ રોજના નિત્યક્રમ પ્રમાણે તેમણે પોતાની ભત્રીજી આભા પાસેથી બંગાળી ભાષા શીખવાની તાલીમ લીધી હતી અને એ સાથે જ તેમણે પૂરતી માત્રામાં તેમનો સવારનો નાસ્તો પણ કર્યો હતો. 

ત્યારબાદ થોડો સમય આરામ કર્યા પછી તેઓ જાતે ઊઠીને બાઠરૂમ તરફ ચાલવા લાગ્યા. હંમેશાં મનુના સહારે ચાલતા ગાંધીજીનું આ વર્તન તેના માટે આ થોડું વિચિત્ર હતું. આથી તેણે ગાંધીજીને પૂછ્યું, “બાપુ, તમે આમ કેમ કરો છો?” ત્યારે ગાંધીજીએ વળતા જવાબમાં રવિન્દ્રનાથ ટાગોરની ‘એકલા ચાલો, એકલા ચાલો’ પંક્તિઓ ઉલ્લેખી હતી. 

ત્યારબાદ બપોરના ૧:૩૦ વાગ્યાથીતેમણે પોતાની રોજિંદી દિનચર્યાની સાથે ફ્રેન્ચની જાણીતી ફોટોગ્રાફર હેન્રી કાર્ટયર બ્રેસન સાથે મુલાકાતલીધી હતી. આ ફોટોગ્રાફર ગાંધીજીના ફોટોગ્રાફ્સનું એક આલ્બમ તેની સાથે ભેટસ્વરૂપે લાવી હતી.

૪ વાગ્યે ગાંધીજીની સરદાર પટેલ સાથે અત્યંત મહત્ત્વની મિટિંગ હતી. નહેરુ અને સરદાર વચ્ચે ચાલતા અણબનાવોનું નિરાકરણ લાવવું દેશ માટે ખૂબ જરૂરી હતું. શરૂઆતમાં ગાંધીજી માનતા હતા કે નહેરુ કે સરદાર બેમાંથી એક વ્યક્તિનું કેબિનેટમાંથી નીકળવું દેશના સુવ્યવસ્થિત શાસન માટે જરૂરી છે, પરંતુ બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે દેશમાં ઉત્તમ વહીવટ કરવા માટે સરદાર અને નહેરુ બંનેની હાજરી જરૂરી છે. અલબત્ત, પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયાની સહાય કરવાની બાબતે ગાંધીજી અને સરદાર વચ્ચે કેટલોક મતભેદ થયો હતો અને આથી ગાંધીજી માટે સરદાર સાથેની આ મિટિંગ વધુ મહત્ત્વ ધરાવતી હતી. 

સરદાર અને ગાંધીજી વચ્ચે એટલી ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી કે સમયચુસ્ત ગાંધીજીને પાંચ વાગ્યાની પ્રાર્થના માટેનો ખ્યાલ પણ નહોતો રહ્યો. છેવટે સરદાર પટેલની પુત્રી મણીબહેને હિંમત કરીને તેમની ચર્ચા અટકાવી અને પ્રાર્થનાનો સમય થયો હોવાની જાણ ગાંધીજીને કરી હતી. 

૫:૧૦ સુધી સરદાર સાથે મિટિંગમાં વ્યસ્ત ગાંધીજી પ્રાર્થના સભામાં ઝડપથી પહોંચવા માટે સામાન્ય કરતાં ઘણી વધુ ઝડપે ચાલી રહ્યા હતા અને ત્યાં જ ગોડસે બે હાથ જોડી તેમને નમન કરવા તેમની સામે આવી ઊભો રહ્યો. ગાંધીજીએ એને આવકાર આપ્યો અને હજી કોઈ કંઈ પણ સમજી શકે એ પહેલા નથુરામે ત્રણ ગોળી સીધી ગાંધીજીની છાતી પર ઝીંકી દીધી ને ‘હે રામ’ના અંતિમ શબ્દો સાથે ગાંધીજીએ અંતિમ વિદાય લીધી. આ સાથે જ ગાંધીજીની તૂટી ગયેલી પોકેટ ઘડિયાળ સાંજના ૫:૧૭ પર સ્થિર થઈ ગઈ હતી. 

   4 ફેબ્રુઆરી, 2014ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.