Friday, November 2, 2018

લાઈફ ઈન અ મેટ્રો_#૪

ડર સબ કો લગતા હૈ, ગલા સબ કા સુખ તા હૈ...

“ફાઈવ, ફોર, થ્રી, ટુ, બન્જીજીજીજીજીજીજીજીજી….. વ્હોટ હેપન્ડ? ધેટ વોઝ અ બ્લડી ગુડ કાઉન્ટ. વાય ડિડન્ટ યુ જમ્પ?”
“બિકોઝ ધેટ્સ નોટ માય ફકિંગ ઈન્સ્ટિંક્ટ”
૪૦૦ મીટરની હાઈટ પર એક પ્લેટફોર્મની ધાર પર ઊભા-ઊભા હું મારા બન્જી ઈન્સ્ટ્રક્ટર સાથે આ વાતચીત કરી રહી હતી. આ ક્ષણની વક્રતા એ હતી કે નજરની સામે કદી ન જોયેલું એવું અત્યંત આહલાદક દૃશ્ય હતું અને બીજી બાજુ આ યમ જેવો માણસ મને ૪૭મીટરનો ફ્રી ફોલ કરવા એન્કરેજ કરી રહ્યો હતો.
થોડી મિનિટ પહેલા જ, એણે મારા ધબકતાં હૃદયને શાંતવના આપવાની જગ્યાએ વધુ ડરાવ્યું હતું.
"ડુ યુ વોન્ટ ટુ સી વોટ્સ ડાઉન ધેર?" એમ કહીને એણે મને વૃક્ષોથી ઘેરાયેલી ૪૦૦ મીટરની ખાઈ બતાવી હતી.
ઈઝ હી ક્રેઝી? વ્હાય ડીડ હી ડુ ધેટ? મારા ધબકતાં હૃદયે મનને પૂછ્યું ને બસ પછી કૂદવાની બધી હિંમત તૂટી પડી.
“આઈ કાન્ટ જમ્પ” મેં પેલા ઈન્સ્ટ્રક્ટરને કીધું.
“ઓફકોર્સ યુ કેન. ડુ યુ સી ધોઝ ટ્રીઝ ઈન ફ્રન્ટ ઓફ યુ? પીક વન એન્ડ ફ્લાય ટુ ધેટ.”
મેં ફરી પ્રયત્ન કર્યો, પણ ગુરુત્વાકર્ષણના નિયમના સિદ્ધાંતો મનમાં એવા ઠસેલા કે કૂદવાની હિંમત ના થઈ.
એણે મને સાઈડ પર કરી અને મારા જેવા બીજા એક નમૂનાને કૂદવા તૈયાર કર્યો. પાંચ મિનિટમાં તો એ ભાઈ દોડીને કૂદકો મારીને ઉપર પણ આવી ગયો.
“ડુ યુ થીન્ક યુ કેન ડુ ઈટ ધીસ ટાઈમ?"  મેં કંઈ જવાબ આપ્યો નહીં.
“વેલ, થીન્ક ઓફ ધ મની યુ હેવ સ્પેન્ટ. જસ્ટ ડોન્ટ ઓવરથિન્ક ધીસ ટાઈમ, ઓકે? યુ કેન ડુ ઈટ”
“ઓકે. નો સ્મોલ ટોક, જસ્ટ કાઉન્ટ ફોર મી પ્લીઝ. લેટ્સ ગેટ ઈટ ડન વિથ ધીસ શીટ” 

પર ડર કે આગે જીત હૈ !

…. ને મારું મન ફરી મને ગભરાવે એ પહેલા મેં જમ્પ કર્યો. બીલિવ મી, પહેલી પાંચ સેકન્ડ મારા જીવનની સૌથી કેરફ્રી મોમેન્ટ્સ હતી. કોઈ વિચારો નહીં, બસ શૂન્યતા. હું એટલી તો સહેમી ગયેલી કે બૂમો પણ નહોતી પાડી શકી. પણ જેવી હાર્નેસે મને પાછી ખેંચી હું વાસ્તવિકતામાં ખેંચાઈ આવી. ડર અને એડ્રેનલ રશનું એ મિશ્રણ ખરેખર અજબ છે.
પણ આ મોમન્ટ સુધી પહોંચતા મને ઘણો સમય લાગ્યો. બકેટ લિસ્ટ એન્ડ ઓલ- એ બધું તો ઠીક છે, પણ પોતાના દમ પર જીવન જીવવા તરફનો આ પહેલો કદમ હતો. પોતાની લિમિટ્સને પુશ કરી, ક્ષિતિજને વિસ્તારવાની આ પહેલી દિશા હતી. 
ઓકલેન્ડ આવ્યા બાદ મને ઘણી વાર એવું લાગ્યું છે કે હજુ સુધી હું ઓટો પાયલટ મોડમાં હતી. હું માત્ર શ્વાસ લેતી હતી અને દિવસ-રાત જેમ થાય એમ જીવન જીવતી હતી. પણ અહીં આવ્યા બાદ મેં મારી પોતાની લિમિટ્સને હરેકપળે પુશ કરી છે. જીવન અને સ્વતંત્રતાની વ્યાખ્યાઓને વિસ્તારી છે. મને સમજાવવામાં આવેલી કે કહેવામાં આવેલી વાતોને ભૂસી મારી સ્લેટ કોરી કરી નાખી છે. 

ઘણીવાર ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેનો ટાઈમ-ડિફરન્સ મને કલાકોમાં નહીં, પણ સદીઓમાં લાગે છે. હું કોઈ ડંફાશ મારતી એનઆરઆઈ વ્યક્્તિની હેસિયતથી નહીં, પણ મેં જે ફેર અનુભવ્્યો છે એના આધારે કહું છું. થોડા વર્ષો પહેલાં ફેસબુક પર એક પોસ્ટ મૂક્યા બાદ લોકોની લાઈક્સ, કમેન્ટ્સ અને વાહ વાહ મારા માટે “સારા” લખાણના માપદંડ હતા. હું કારકિર્દી, સફળતા અને જીવનને એકબીજાના પર્યાય માનતી હતી. પણ અહીં રહ્યા બાદ જીવનને જોવાનો અભિગમ જ બદલાય ગયો છે. 

બન્જી જંપના લોકેશનનો વ્યુ

મને હવે સમજાય છે કે આપણે જીવને કેટલું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું છે. અહીં મને કોઈ એવો સવાલ નથી કરતું કે આજકાલ શું કરે છે? કેટલું કમાય છે? લગ્ન ક્યારે કરે છે? બાળક ક્યારે લાવે છે? અહીં મને એમ પૂછે કે આ વીકએન્ડ કશું એક્સાઈટિંગ કરવાની? ટ્રાય ધીસ પ્લેસ. અરે આ વ્યક્તિને ઈન્સ્ટા પર ફોલો કરે છે? યુ વીલ બી ઈન્સપાયર્ડ. પ્લાન્ટ બેઝ્ડ ડાયેટ ખબર છે?

યુ સી ધ ડિફરન્સ? જીવનમાં મોટી-મોટી વસ્તુઓ હાંસલ કરવાથી કે આ-આ કર્યું ના ટીકડા માર્યા એટલે સફળ એવું નથી. આ જનરેશન નાની-નાની વસ્તુઓમાં ખુશી શોધે છે અને ‘વન ડે એટ અ ટાઈમ’ના એટિટ્યુડથી આગળ વધે છે. અહીં સફળતાની વ્યાખ્યા જ અલગ છે. તમે ખુશ હો, પોઝિટિવ હો અને સ્વસ્થ હો એ જ સફળતા. નહીં કે લોકો તમારા વાહ-વાહ કરે, તમારા ફોલોઅર બનીને આગળ-પાછળ ફરે કે તમે છીંક ખાઓ તો પણ આહના ઉદગારો આપે. આ બધા પરિબળોથી મળતી સફળતા તો બાહ્ય અને કદાચ ઉપરછલ્લી છે. ખરી સફળતા તો આંતરિક છે. 

ન્યુઝીલેન્ડમાં ટ્રાવેલ કરીએ ત્યારે એવા ઘણા લોકો મળે જેમની વાતો આપણા માટે તદ્દન એલિયન સમાન છે. એમને જોઈએ, એવા લોકો વિશે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે ખરા અર્થમાં તો જિંદગી જીવવી અને એની વ્યાખ્યાને રોજ એક નવો અર્થ આપવો એ જ મહત્ત્વનું છે. કોલેજમાં એડમિશન, હાઈએસ્ટ સીપીઆઈ, એકથી દસમાં નંબર, પેપરમાં નામ આ બધાને એક જમાનામાં હું સફળતા માનતી હતી, પણ હવે સમજાય છે કે સફળતા તો બન્જી જંપ પછી હજુય શ્વાસ ચાલે છે એય છે. નોકરીમાં સ્ટાર ઓફ ધ મન્થના વાઉચર કે શેમ્પેનના ચીયર્સ કરતાં ૪૭ મીટરની ઊંચાઈએથી કૂદ્યા બાદ “ટુ ધ લાઈફ”નું ચીયર્સ કરીને બીયર પીવાનો આનંદ વધારે થ્રીલિંગ છે.

મને હવે સમજાય છે કે જે સફળતા અને કારકિર્દીની પાછળ આપણે આખી જિંદગી ધસી નાખીએ છીએ એની વાસ્તવમાં કિંમત કેટલી! હા, ઘણા માટે એ જ અંતિમ ધ્યેય છે અને નો ઓફેન્સ ટુ ધોસ પીપલ, જે હજુ પણ કારકિર્દી ઘડવા અને સફળતા મેળવવા દિવસ રાત એક કરે છે. ગુડ ઓન ધેમ. કદાચ એમની જીવનની વ્યાખ્યા એ હશે, પણ જેના માટે નથી એ બિચારા પણ આ પ્રવાહ ઘસાય જાય છે એનું શું? એ લોકોને ખોટા કે પછી ધ્યેય વિનાના કહીને એ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે એનંુ શું? 

કોઈ પણ સાચા-ખોટા, સફળતા-નિષ્ફળતાના લેબલ વિના પોતાની જિંદગીને જાતે ઘડવાની છૂટ અને સ્વીકાર એ જ સાચી સ્વતંત્રતા.

તા.ક. મારી એ કેરફ્રી મોમેન્ટ્સને જોવા અહીં ક્લિક કરો: https://youtu.be/2eVsUgEJA_Q 

Friday, September 21, 2018

લાઈફ ઈન અ મેટ્રો_#3


Waihola Lake, Otago, New Zealand (shot was taken by me)
થોડા દિવસો પહેલા એક કિસ્સો વાંચ્યો, જેમાં એક પિતામહાશય છાતી ઠોકીને એમ કહે છે કે, મારા માટે સમાજમાં મારી ઈજ્જત મારી દીકરી કરતાં વધુ વહાલી છે. હવે આ માત્ર કહેવા સુધીની વાત હોત તો ઠીક, પણ મહાશયે કોન્ટ્રાક્ટ કિલરની મદદથી પોતાની દીકરીના પતિની હત્યા કરાવી. આનાથીય વધુ દુખદ વાત તો એ કે, દીકરીને પાંચ મહિનાનો ગર્ભ છે અને એની સામે જ એના પતિની હત્યા કરવામાં આવી હતી. કેમ? છોકરો નીચી જાતિનો હતો. 


આ લખતાં જેટલો ગુસ્સો અને નફરત આ વિચારસરણી પ્રત્યે આવે છે એનાથી વધુ ગુસ્સો બુદ્ધિથી પાંગળા લોકોની સંખ્યા જોઈને આવે છે. આપણે કઈ સદીમાં જીવીએ છીએ? આ માણસ કયા સમાજ અને જાતિની વાત કરે છે? એની જાતિ કઈ રીતે ઊંચી છે? અને કઈ રીતે એનંુ સમાજમાં માન છે? એક માણસની હત્યા કરાવવાથી એની સમાજમાં ઈજજ્તને હાનિ નહીં પહોંચી પણ એની દીકરી કોઈ અન્ય જાતિના યુવક સાથે પરણી એટલે એની ઈજ્જત પાણીમાં ગઈ? ખરેખર,  બુદ્ધિથી પાંગળા માણસો હજીય આપણા દેશને ડોમિનેટ કરે છે એ મારા માનવામાં નથી આવતું.
હું લગભગ દોઢ વર્ષ મુંબઈમાં રહી. બધી જ માન્યતા અને સમાજથી દૂર, મારી એક દુનિયા બનાવવા. એમાં મને ધરાર નિષ્ફળતા મળી. ન એ શહેરે મને અપનાવી, ના મેં એ શહેરને. મારી નિષ્ફળતા મારા દેખાવ અને શરીર પર વર્તાવા લાગી અને એ જ અરસામાં ન્યુઝીલેન્ડ વિશે જાણ્યું. મારી મહેનત અને અનુભવ કામ લાગ્યો અને અહીંની યુનિવર્સિટીમાં દાખલો મેળવ્યો. એવું નથી કે ન્યુઝીલેન્ડ નામનું સોનેરી ઈંડું મળ્યું અને મેં જિંદગીમાં સફળતાના શિખરો સર કર્યા. અહીં પણ ઘણી નિષ્ફળતા મળી. ૨૦૧૬થી ૨૦૧૮માં એવા તો કેટલાય અનુભવો થયા છે, જેમાં દરિયાના મોજાની જેમ હું ફંગોળાઈ છું. કેટલાય પથ્થરો પર પછડાય પણ છું. આ નિષ્ફળતાએ મને થકવી નથી કે નથી નિરાશ કરી. એનાથી તદ્દન વિરૂદ્ધ- મને પાંખો આપી છે. નવું-નવું વિચારવા, આગળ વધવા અને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત આપી છે. 

                     Devenport, New Zealand                   PC- SP
જ્યારે હું મુંબઈ અને ઓકલેન્ડના મારા સમયને સરખાવું છું તો એક જ વાત આંખે ઊડીને વળગે છે- positive surrounding. આપણે ત્યાં હકારાત્મકતાની વાતો ભલે છાશવારે થતી હોય પણ પંચાત, જજમેન્ટ્સ, સતત કંઈક મેળવવા કે પામવાની દોડ થકવી નાંખે છે. એક પ્રેશર લઈને રોજ સવારે માણસ ઊઠે છે અને એક પ્રેશર સાથે જ બેડમાં પડતું પણ મૂકે છે. આજે આમ થયું ને આમ સાંભળવા મળ્યું. સમાજમાં રહીએ એટલે આવું કરવું પડશે અથવા તો સમાજમાં રહેવું હોય તો આ રીત ફોલો કરવી પડે... આવું રોજેરોજ સાંભળવા મળે છે. હું સ્વભાવે લાગણીશીલ છું અને ભલે ઘણી વાતોમાં સમાજની દરકાર ન કરતી હોઉં પણ લોકોના મારા વિશેના અભિપ્રાયો મને અસર કરે છે અને એ જ અસરથી હું અહીં મુક્ત છું. અહીં દરેકની પોતાની લાઈફ છે અને એને કઈ રીતે જીવવી એ એના હાથમાં છે. બધાને બધાની લાઈફમાં રસ છે, પણ કોઈની દખલગીરી નથી. પંચાત છે, પણ જજમેન્ટ નથી. અહીં સંબંધો કે કારકિર્દી પર લેબલ નથી મારવામાં આવતા.

સાચું પૂછો તો મને ખરેખર એવું થાય કે આપણે ત્યાં નકામી વાતોમાં લોકો કેટલો ટાઈમપાસ કરે. મને ફોન પર કલાકો વાત કરવાની આદત નથી અને મોટા ભાગે હું ફોન કરવાનું કે ઉચકવાનું અવોઈડ કરતી હોઉં છું. કારણ કે, જે મારા મિત્રો અને ખરા અર્થમાં હિતેચ્છુ છે એ લોકો સાથે મારી એક યા બીજી રીતે વાત થઈ જતી હોય છે. બાકી જે રહ્યા એને મારી ચિંતા કરતા પંચાત વધુ હોય છે અને ખાસ તો પોતાની લાઈફમાં એક્સાઈટમેન્ટની ખોટ આ રીતે પૂરી કરતા હોય છે! મને તો એવા નમૂના પણ મળ્યા છે જેણે પંચાત કરવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે એની વાત ફરી ક્્યારેક.

મારું માનવું છે કે જે સમાજ મૂળભૂત માનવીય હકો કે ઈચ્છાની કદર ના કરતો હોય અથવા એનાથી આગળ વધીને, માણસની જ કદર ના કરતો હોય એ સમાજમાં કંઈક તો ખામી છે. હવે એ આપણી પર રહ્યું કે એ સમાજનો ભાગ બનવો કે સમાજની સામા થવું. અોકલેન્ડમાં રહ્યા બાદ મને એક વાત તો દરેક ક્ષણે સમજાઈ છે, હું નથી ભારતીય કે નથી કિવિ. હું અન્ય સજીવોની જેમ એક સજીવ છું, જે માણસની કેટેગરીમાં આવે છે અને માનવતામાં વિશ્વાસ રાખે છે.

આડ વાત:

મારી ઓફિસમાં આ ઓનર કિલિંગના કિસ્સાની વાત થઈ. મારી કલિગ બ્રિટિશ છે. આખી વાત સાંભળ્યા પછી બે મિનિટ સુધી એ કશું ના બોલી અને પછી અચાનક જ મને એક સવાલ કર્યો, જેનો મારી પાસે જવાબ નહોતો.

“You mean, that girl’s father technically became a killer to save his reputation in the society and that is more acceptable than marrying someone who you love?”

Sunday, July 1, 2018

ગેટ વેલ સુન મામુ!!


(તસવીર- ગૂગલના માધ્યમથી)

‘યે દો બાપ લોગ કી સ્ટોરી હૈ-આપ કે ઔર મેરે બાપ કી. આપ મેરે જેસે નહીં, પર મેરે બાપ જૈસા બનના ” જ્યારે મૂવિના ક્લાઈમેક્સમાં આ વાત રજૂ કરવામાં આવે ત્યારે એક વાત સ્પષ્ટ છે કે રાજુ હિરાણીએ સંજય દત્તને ફિલ્મસ્ટાર સંજય દત્ત કરતાં એક પુત્ર અથવા તો કોમન મેન સંજય દત્ત તરીકે રજૂ કર્યો છે. જો કે, એ વાત અલગ છે કે જીવનના અલગ-અલગ તબક્કે એને ટ્રીટમેન્ટ કદાચ કોમન મેન તરીકે ન પણ મળી હોય, પણ એ એક અલગ મુદ્દો છે.

શું ફિલ્મ સંજય દત્ત તરફી છે? એના તરફ સિમ્પથી રાખી એની તરફેણ કરવામાં આવી છે? કદાચ હા અને કદાચ ના. એક એક્ટર તરીકે મને કદી સંજય દત્ત માટે “વાઉ” ફીલિંગ નથી આવી અને આ ફિલ્મ જોયા બાદ હવે હું એની ડાયહાર્ડ ફેન બની ગઈ એવું પણ નથી. સાથે-સાથે એક વ્યક્તિ તરીકે મને એના માટે માન થયું છે એવું તો બિલકુલ નથી. પણ આખી ફિલ્મ જોઈને મને એક વાત ચોક્કસ ધ્યાનમાં આવી- આપણા સમાજની એક વ્યક્તિ પ્રત્યેની અપેક્ષા કેટલી હદ સુધી એની તકદીર ઘડી કે બગાડી શકે!

શું ફિલ્મમાં એના દરેક ગુના પાછળ બીજાને જવાબદાર બતાવી છે? ઈન અ વે, હા. સો ટકા સાચી વાત પણ આ વાત જગજાહેર છે કે રાજુ હિરાણી અને અભિજાત જોશીએ સંજય દત્ત સાથે કલાકો વિતાવી એના તરફની સ્ટોરી રજૂ કરી છે. હા, ફિલ્મની ઓથેન્ટિસીટિ માટે ફેક્ટ્સ ક્રોસચેક જરૂર કર્યા છે, પણ વાત સંજયના માધ્યમથી કહેવાય છે એટલે એ તો માનવસહજ સ્વભાવની ખામી છે અથવા તો એમ કહીએ કે આ બાબતે હજુ સંજય દત્તે પુખ્ત થવાનું બાકી છે. 

એની વે, મારે તો વાત એ કરવી છે, જેનો ફિલ્મના કોઈ પણ રિવ્યુમાં કદાચ ઉલ્લેખસુદ્ધા નથી કરાયો. ફિલ્મમાં પિતા-પુત્રના અમુક દૃશ્યો અદભુત રીતે લખાયા છે. એમાં વાત છે એક પિતાની એના દીકરાના જીવન પરના અજીબ કંટ્રોલની અને સાથે, એક દીકરાની એના માતા-પિતાની ઈજ્જત ટકાવી રાખવાની અને સતત પોતાની જાતને પુરવાર કરવાની હોડથી થતા પતનની. આ સાથે એક પિતા અને પુત્રના સંબંધમાં આવતાં હેલ્થી ગ્રોથની.

સંજય દત્ત કદાચ પહેલેથી જ એના માતા-પિતાના શેડોમાં એટલો દબાયો કે પોતાની આઈડેન્ટિટી એ પોતે જ ઓળખી કે બનાવી ના શક્યો. ઓફકોર્સ, મને સાચી કે આખી સ્ટોરીની ખબર નથી, પણ ફિલ્મના દૃશ્યો પરથી આ વાત મને સતત દેખાઈ. સંજય દત્ત પાસે એકે-56 હતી કે નહીં, એ આતંકવાદી છે કે નહીં, એને ખરેખર બ્લાસ્ટ વિશે ખબર હતી કે નહીં, એ એક આખી અલગ વાત છે. આ બધી વાતોમાં મૂળ ડિસ્કશન આપણે ભૂલીએ છીએ. જો કે, એમાં કંઈ નવું નથી. આપણે હંમેશાં મુદ્દાની વાત પરથી ગલી કાઢવાનું એસ્કેપિઝમમાં શીખતાં આવ્યા છીએ. ફિલ્મ આ મુદ્દા પર બની જ નથી. એ રીતે જોવા જઈએ તો મને ઘણાં મુદ્દા ખૂંચ્યા- જેમ કે ગુજરાતીની એક ટિપિકલ અને તદ્દન સ્ટિરિયોટાઈપ છબી- પણ એ મુદ્દો આ વાર્તામાં પકડીને બીજી મહત્ત્વની વાતોને અવગણવાનો કોઈ મતલબ નથી. 


(તસવીર- ગૂગલના માધ્યમથી)
મને તો આખી ફિલ્મમાં રાજુ હિરાણીનો એક જ પ્રયાસ દેખાયો- આજના પેરેન્ટ્સને અને જનરેશનને જીવનમાં ખરેખર મહત્ત્વ શેનું છે એ સમજાવવાનો. જે ક્ષણે સુનીલ દત્તે સંજય દત્તની કારકિર્દી કે જીવનને “ઘડવાનું” બંધ કર્યું, એ દિવસથી સંજય દત્ત પિતાની વાતો માટે વધારે રિસિપ્ટિવ બન્યો બીજી બાજુ, સંજય દત્તની ભૂલો અસ્વીકાર્ય છે જ. એક બાપને આપી શકે એવા બધા જ દુખ એણે આપ્યા છે અને મને સંજય દત્ત માટે કોઈ સિમ્પથી પણ નથી- પણ એક માણસ તરીકે આ સ્વીકારવું અને દુનિયાની સામે રજૂ કરવું એ એક હિંમતનું કામ છે. આમાં એનો જ તો ફાયદો છે- એમાં શું. આવી દલીલ માટે ખાલી એટલું કહેવાનું કે એણે પોતાની સ્ટોરી રજૂ કરી- એમાં એવું નથી કીધું કે એને માફ કરો કે એને પૂજો. આપણા નિર્ણયો કે આપણું અર્થઘટન આપણી માનસિકતા પર આધારિત છે. માથા પર બંદૂક મૂકીને સંજય દત્તે કોઈને પોતાને હીરો ગણવાનું નથી કહ્યું.

બીજી વાત એવી પણ સંભળાય છે કે મીડિયાએ સંજય દત્તને ખરાબ ચીતર્યો એવું બતાવ્યું છે. મને ખરેખર દયા ત્યારે આવે જ્યારે મેટાફોરિકલ વાતોને આપણે લિટરલ લઈને એની પર એક આખો આર્ટિકલ ઠોકી દઈએ. હા, એકદમ એક્સાજરેટ કર્યું છે મીડિયા કવરેજને. પણ ભાઈ, એ પાછળનો હેતુ એ બતાવવાનો છે કે મીડિયા પાસે એટલી તાકાત છે કે એ કોઈનું પણ કેરેક્ટર ઘડી શકે છે. એ પાછળનો હેતુ એ પણ કે સતત પાપારાઝીથી ઘેરાયેલા બોલિવુડના કલાકારોના અંગત સંબંધો પર પણ મીડિયા જાણ્યે-અજણ્યે અસર કરતી હોય છે. બીજું કે, આ ફિલ્મ છે, ડોક્યુમેન્ટરી નથી. એક સવાલ મીડિયા પીપલ તરીકે દરેકે પૂછવો જોઈએ કે કેટલી હદે આપણે કોઈની પર્સનલ લાઈફમાં દખલગીરી કરવી જોઈએ. રણબીર આલિયાને ડેટ કરે છે કે વન નાઈટ સ્ટેન્ડ. હુ કેર્સ!! પોતાના ન્યુઝપેપરને કે વેબસાઈટને વધુ લોકો સુધી પહોંચાડવા મીડિયા આ કોન્સિયસ ચોઈસ કરે છે અને જ્યારે સામેથી ચાબખા મળે ત્યારે ઓફેન્ડ થાય છે. આર્ગ્યુમેન્ટમાં એવું કહેવાય કે લોકો જ એવું પસંદ કરે છે.  સીરિયસલી, આપણા દેશની હિપોક્રસીનો કોઈ અંત જ નથી.


પ્રામાણિકતા અને હ્યુમાનિટી આપણામાંથી ઘટતા જાય છે એ વાત પાક્કી ને એમાંય આપણી ડિનાયલ વૃત્તિ કદી સુધારો લાવી શકવાની નથી. જે માણસે પીકે, થ્રી ઈડિયટ્સ, લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મો આપી એને બેનિફિટ ઓફ ડાઉટ આપીને પણ ક્રિટિકના ચશ્મા દૂર કરી ફિલ્મ જોશો તો આજના સમાજમાં સુધારવા લાયકના ઘણા મુદ્દા જડશે. બાકી, એકતરફી, એન્ટિ-મીડિયા અને સિમ્પથાઈઝ્ડ/બાયઝ્ડ વર્ણન જ દેખાશે અને મને ખરેખર એવા લોકો માટે સિમ્પથી છે. એવા લોકોને ખાલી એટલું જ કહેવાનું મન થાય- ગેટ વેલ સુન મામુ!!

Friday, March 23, 2018

લાઈફ ઈન અ મેટ્રો_ #૨

Somewhere in New Zealand!
થોડા વર્ષ પહેલા શિશિર રામાવતના પુસ્તકફલકવિશે લખવાનો અવસર આવ્યો હતોત્યારે રેન્ડમલી પાનાં ફેરવતાં એક સરસ મજાની વાત જાણવા મળી હતી- એકલતા અને એકાંત. ઈંગ્લિશમાં લોનલિનેસ અને સોલિટ્યુડ. બંને શબ્દો વચ્ચેનો ભેદ સૌપ્રથમ મુંબઈમાં સમજાયો પણ ભારતથી બાર હજાર કિમીથી પણ વધુ દૂર આવેલા દક્ષિણ ગોળાર્ધના નાનકડા દેશે શબ્દોના અર્થ માત્ર સમજાવ્યા નહીં, પણ જીવાડ્યાયે ખરા. 

અહીં આવ્યા પછી એકલતાને એકાંતમાં અને એકાંતને એકલતામાં તબદીલ થતાં અનુભવ્યું છે. ખાસ કરીને કોઈ બુક વાંચતાં હોઈ અને વીતેલા સમયની વ્યક્તિ મનમાં ફરવા લાગે, એની સાથેના સમયને યાદ કરી આંખો ધૂંધળી થવા લાગે અને ઘણી વાર મન એક અફસોસથી ભરાવા લાગે કે કાશ!  આમ થયું હોત તો! 

મેટ્રો સિટીની લાઈફસ્ટાઈલની એક ખૂબી છે કે જ્યારે એકલતામાં મન ધૂંધવાતું હોય ત્યારે બહાર નીકળી અસંખ્ય લોકોના ટોળામાં ભળી જવાય, કોઈ પણ અપેક્ષા વિના અજાણ્યા લોકો મનને સધિયારો પૂરો પાડે. એવી રીતે એકાંતની પળોમાં પણ કોઈ પણ જાતના વિધ્ન વિના જીવવાની સ્વતંત્રા પૂરી પાડે. 

મજાની વાત છે કે અહીંના માહોલમાં જીવનને રિવાઈન્ડ કરવાની સ્વતંત્રતા છે અને જરૂર લાગે તો  ભાગને સુધારવાની કે પછી સંબંધને આવેશોથી મુક્ત કરવાની તક પણ આપે છે. 

મેટ્રો સિટીએ એક બીજા સરસ મજાના શબ્દથી મુલાકાત કરાવી- 'ક્લોઝર'.  શબ્દને જેટલું મહત્ત્વ મળવું જોઈએ એટલું કદી મળ્યું નથી. અહીં આવ્યા બાદ તૂટેલા-છૂટેલા સંબંધોને જે એબરપ્ટ એટલે કે ઓચંિતા વળાંકો મળ્યા હતા એેને હવે પ્રેમ અને જતનથી એક મુકામ પર લાવી હૃદય અને મનના ખૂણામાં સાચવવાની આઝાદી મળી. એકાંતની પળોમાં મન સાથેના વન-ટુ-વન એન્કાઉન્ટરથી એમાં સફળતાય મળી. એકાંત કુદરતે આપેલી એવી ક્ષણો છે, જેમાં ટાઈમ ટ્રાવેલની જેમ ભૂતકાળના દિવસોમાં મુક્તપણે વિહરી શકાય અને એટલું નહીં, એક ચિત્રકારની જેમ કલ્પનાની છબી પણ ઊભી કરી શકાય. વ્યક્તિ, સમયની તીવ્ર લાગણી અને પીડાના અવસરો અંતે માત્ર એક સુખદ અનુભવમાં ફેરવાય એકાંતની ભેટ છે. હા, કદાચ એકલતામાં હજીય ક્ષણો પીડા આપી શકે અથવાજો એમ ના બન્યું હોત તો…’ના વિચારોમાં મનને ગૂંચવી શકે, પણ ક્લોઝરથી થયેલા મન અને લાગણીના સમાધાનની સામે ક્ષણિક આવેગો ઘણાં નબળા પડે છે.  

ક્યારેક એવું અનુભવ્યું છે કે એક ફિલ્મ જોઈ હોય ત્યારે ગમે પણ ફરી જોઉ તો ગમી જાય? ઘણું વિચાર્યા બાદ મને એવું તારણ મળ્યું કે તમે જે વ્યક્તિ સાથે ફિલ્મ માણો એના વ્યક્તિત્વની અસર પણ જાણતા-અજાણતાં આપણા પર પડે છે અને એટલે એક વસ્તુ વિશેના આપણા અભિપ્રાયો બદલાતા હોય છે. જો કે, એકાંત એવું માધ્યમ છે જ્યાં કોઈના પણ પ્રભાવ વિના નિષ્પેક્ષતાથી વીતેલા સમયને માપી અને માણી શકાય છે અને એટલે ક્લોઝરમળી શકે છે અને એ દરેક સંબંધનું જરૂરી પાસું છે. 

હવે તો હું એવું પણ અનુભવું છું કે એકાંતની પળો મન અને હૃદયની લાગણીઓનો યોગ છે અને એટલે કદાચ એક અંત્યબિંદુ પર પહોંચવા મદદ કરે છે. સો થેન્ક્સ ટુ મેટ્રો સિટી કે જ્યાં ભીડની વચ્ચે પણ એકલતા અનુભવાય છે અને અંતે એકાંત સુધી પહોંચી શકાય છે.  

Till next time X

Saturday, February 17, 2018

લાઈફ ઈન અ મેટ્રો_ #૧

ખૂબ જમેગા રંગ જબ મિલ બેઠેન્ગે તીન યાર! :)
નેટફ્લિક્સ પર ટાગોરની વાર્તાઓ પરથી એક શ્રેણી બનાવવામાં આવી છે- એમાં એક પાત્ર સુંદર વાત રજૂ કરે છે. એ કહે છે- 'જિંદગીનો અર્થ શું છે એનાથી મને કોઈ લેવાદેવા નથી. મારે તો જિંદગી જીવવી છે. મારે જાતને ક્યાંય પણ નિચોવી નથી દેવી, બલકે મારે તો એને પામવી છે.'
બસ, આવા જ કંઈક વિચારોની ભેટ મુંબઈએ મને પણ આપી. મુંબઈની ભીડ અને ખચોખચ ટ્રેનની વાર્તાઓ ઘણી સાંભળી હતી- પણ જ્યારે એ અજાણ્યા લોકોના ટોળા વચ્ચે રહી એ જાણી-અજાણી ભીડને 'જાણી' ત્યારથી જાણે એક ચસકો લાગ્યો- અનુભવ લેવાનો ચસકો. હકીકત અને કલ્પનાના રંગોને નજીકથી પારખવાનો અથવા એમ કહો કે એકબીજામાં ભેળવવાનો!

કંઈક વાંચ્યું,જોયું એટલે બસ એ પોતે કરવાનું અને અનુભવ લેવાનો. ઓફકોર્સ, અવનવા વિચારો લાવવામાં ફિલ્મો, સીરિઝ અને પુસ્તકોનો સૌથી મોટો ફાળો! શોપિંગ હોય, સિનેમા કે પછી લોકલની સફર હોય-આદત એવી પડી કે કોઈ કંપની કરતાં એકલા જ રહેવાની મજા આવવા લાગી. એટલે સૌથી મોટું ચઢાણ તો પાર પડ્યું. હવે સમય હતો નવું-નવું કરવાનો!

                                                              ****************

ક્યાંકથી એક સુંદર ફોટો નજરમાં આવ્યો- એક પુસ્તક, કોફી અને સરસ મજાની એક પ્લેટ વિથ ફુડ! કોફીની ચુસકી સાથે પુસ્તકનો આસ્વાદ! બસ એટલે આપણે તો નીકળ્યા આ અનુભવની તલાશમાં.  બેગપાઈપરની પેલી જાહેરાત યાદ છે? ખૂબ જમેગા રંગ જબ મિલ બેઠેન્ગે તીન યાર- મેં, આપ ઔર બેપાઈપર? બસ, એકદમ એવી જ ફીલિંગ - માત્ર એમાં પુસ્તક, કોફી અને ફૂડને મૂકી દેવાનું.
  
પણ એનો ફાયદો શું? દેખીતી રીતે તો કંઈ જ નહીં, પણ લોકો કદાચ યોગા કરીને જે શાંતિ મેળવે એવી શાંતિ મને આવી સવારથી મળી. સુરતી જીવડો એટલે રવિવાર અને નાસ્તો એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા અને એમાં એક સારું પુસ્તક અને કોફી મળે એટલે બંદા ખુશખુશાલ! મન એકદમ તરંગિત થઈ જાય. દુનિયા રંગબેરંગી લાગવા લાગે અને 'કંઈક' કરવાનું ઝનૂન આવી જાય. ઉદાહરણ? આ પોસ્ટ!!
જ્યારે સ્કૂલમાં સ્વતંત્રતાની ચળવળ વિશે ભણાવવામાં આવતું ત્યારે મને પ્રશ્ન થતો કે આટઆટલું લોહી વહે અને આટલી ક્રૂરતા નજરોનજર જોઈ હોવા છતાં આ સ્વાતંત્ર્ય સેનાનીઓને કેમ સ્વતંત્ર થવાનો મોહ ઓછો નહોતો થતો? એવું તો શું થતું હશે કે આ લોકોના મન પર શારીરિક પીડા કરતાં ગુલામીની માનસિક પીડા હાવિ થઈ જાય!! આ સવાલનો જવાબ એ વખતે નહીં મળ્યો, કારણ કે જાહેરમાં કદી પૂછવાની હિંમત જ નહોતી થઈ. પણ જ્યારથી "ઈન્ડિપેન્ડન્સી"એ મારા જીવનમાં ડોકિયું કર્યું ત્યારથી આ સવાલનો જવાબ ધીરે-ધીરે મળવા લાગ્યો.

ઈન્ડિપેન્ડન્સી એક લત છે! બીજી લતોથી એ જુદી પડે, કેમ કે એ માથું ઊંચું કરી જીવવાનું શીખવે, કોઈની પણ સાડાબારી વગર પોતાના વિચારોને અનુસરવાની હિંમત આપે અને સૌથી મોટી વાત તો એ કે સાચા-ખોટાની ગૂંચવણમાં પડ્યા વિના પોતાની જ સરહદોને રોજ નવી દિશા આપે છે.     

લાઈફ ઈન અ મેટ્રો એટલે શું? લાઈફ ઈન અ મેટ્રો એટલે experiencing known things while staying around the unknown! અજાણ્યા લોકો/માહોલ વચ્ચે એવી બાબતો માણવી જેના અસ્તિત્વની પહેલેથી જ જાણ હતી. 

Friday, February 9, 2018

...અને વધુ એક વર્ષ ! થોડું ગુમાવ્યું અને ઘણું મેળવ્યું


પહેલી વહેલી ક્રિસમસ પાર્ટી "ઓન ધ વોટર" અને દૂર દેખાય રહેલો ઓકલેન્ડ સ્કાય-ટાવર
                   
   બે વર્ષ પહેલાં મુંબઈના અંધેરી ફ્લેટની લુક આઉટ વિન્ડોમાં બેઠાં-બેઠાં મેં એક નિર્ણય કર્યો હતો. મારી ભાષા, ચિત્રલેખાની પ્રોમિસિંગ જોબ, માતા-પિતા અને મિત્રોથી દૂર દુનિયાના એવા ખૂણામાં જવું છે જ્યાં હું એક નવી શરૂઆત કરી શકું. નવી શરૂઆત જિંદગીની? ના, નવી શરૂઆત મારા ઘડતરની, કદાચ મારા અસ્તિત્વની, જેની એક નવી વ્યાખ્યા અહીં બંધાઈ છે અને એટલે જ હું દુનિયાના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા આ નાનકડાં પણ અત્યંત સુંદર દેશ અને શહેરના પ્રેમમાં છું અને એ મારા.   

દેશ ન્યુઝીલેન્ડ અને શહેર ઓકલેન્ડ. સતત દોડતા પણ હંફાવે નહીં એવા શહેરમાં આજે બે વર્ષ થયા. પણ લાગે છે કે વર્ષોથી એ મારી રાહ જોઈને બેઠું હતું. કેટલી ખુશી અને કેટલા આશ્ચર્ય! બગડેલા બાપની બગડેલી દીકરી હોઉં એમ આ શહેર મારા પર સતત પ્રેમ ( અને ડોલર પણ) વરસાવે છે! જે વિચાર આવે એ હકીકતમાં બદલી નાખે છે. એકદમ સાહિત્યિક ભાષામાં કહું તો મારા પડ્યા બોલ ઝીલે છે. 

સ્વેગ/ઈ-સ્ટાઈલ!!!
ને એમાંય કેટકેટલા અનુભવો અને કેટકેટલી રસપ્રદ ક્ષણો!!! મજાની વાત તો એ છે કે ઓકલેન્ડે એક પ્રેમીની જેમ મને ભરપૂર પ્રેમ કર્યો છે. (ના, ના હું ઓબજેક્ટ સેક્સ્યુઆલિટીથી પીડિત વ્યક્તિ નથી, મારા જીવનમાં જેને લોકો "સામાન્ય" પ્રેમ ગણે છે એ પણ છે) પણ જેમ આપણે ત્યાં હવે વેલન્ટાઈન્સ પર લવલા-લવલી પહેલી ડેટ ને પહેલી વખતના સ્પર્શની ક્ષણો વાગોળશે તેમ મને આ શહેરના પ્રેમને શબ્દોમાં આલેખવાનું મન થાય છે.  

ન્યુઝીલેન્ડની એક વાત મને બહુ પસંદ છે. અહીં બધુ જ સરળ! જેવું બોલો એવું જ લખો. બધી જ વસ્તુ લિટરલી એટલે કે વાસ્તવિક હોય. જેમ કે અહીંના એક સબઅર્બનું નામ છે Onehunga, જેને બોલાય ઓનેહંગા. એટલે અહીં આવ્યા પછી જેમ આપણે ત્યાં પ્રકૃતિ, પ્રાણીઓ પ્રત્યેના પ્રેમની વાત કરવામાં આવે પણ ભાગ્યે જ અનુભવાય એનાથી તદ્દન વિપરીત, મને એ બધા જ પ્રેમની લાગણી અહીં ફર્સ્ટ-હેન્ડ થાય છે. આ વાત કદાચ મારા પૂરતી સીમિત હોય શકે, પણ બ્લોગ પણ તો મારો જ છે. ;-) 

ઓકલેન્ડમાં આવ્યા બાદ મને મારા પરના બોલિવુડનો જે રંગ ચઢ્યો હતો એ સ્પષ્ટ દેખાયો. પ્રેમ, હાર્ટબ્રેક અને કોઈકનો સાથ ઝંખવાની ઈચ્છાઓથી આગળની એક વિશાળ દુનિયા ખૂલી. જેમ હવે ફિલ્મોમાં પણ લવ-સ્ટોરી કરતાં વધુ કંઈક બતાવવામાં આવે છે એમ ઓકલેન્ડમાં એ 'કંઈક વધુ' મને મળ્યું.  

બસ એવા જ મારા ઓકલેન્ડના 'પહેલા-પહેલા પ્યાર હૈ' જેવા પહેલી વારના કેટલાક અનુભવો: 

- ઓકલેન્ડે મને મારી પહેલી-વહેલી સ્વતંત્રતા આપી. સ્વતંત્રતા મારા બંધિત કે પછી કુંઠિત અસ્તિત્વથી, નીતિ-નિયમો અને દખિયાનુુસી વિચારોથી અને સૌથી મોટી સ્વતંત્રતા તો માતા-પિતાના હાથ છોડી પોતાના પગ પર ઊભા થવાની! આર્થિક સ્વતંત્રતાએ મને એ શીખવ્યું કે મારા માતા-પિતા એક્સ-મેન, સુપર-મેન, વન્ડરવુમન કે પછી હવે તો પેડમેનથી ઓછા નથી. એમની લાઈફ અને એમના બલિદાનો હવે ખરા અર્થમાં સમજાય છે અને એ વાતનો અફસોસ થાય છે કે આંખ થોડી વહેલી ઊઘડી હોત તો.............

પહેલી સિડાન અને બીજી કન્વર્ટિબલ! જો કે છેલ્લે જાપાનીઝ પર
દિલ ટકાવ્યું. આ ગાડીઓને "ફ્લિંગ" જ કહી દો
- ઓકલેન્ડમાં પહેલી વખત મને વુમન લિબરેશનનો અનુભવ થયો- પોતાની ગાડી ખરીદીને અને એની ડ્રાઈવ કરીને! બોલિવુડના દૃશ્યો- બર્થ ડે પર એક ચમકતી ગાડી બહાર ઊભી હોય, કોલેજમાં એમ હીરો (કે ભાઈ હીરોઈન)ની જેમ એક મસ્ત કારમાં એન્ટ્રી થતી હોય- થી પ્રેરિત થઈ એવા ઘણા સપનાં હું જોતી. બે-બે વખત ડ્રાઈવિંગ સ્કૂલમાં ગઈ. ગાડી શીખી- પણ ચલાવવા કદી ન મળી. ઓકલેન્ડ આવ્યાના ૭ મહિનામાં જ સેકન્ડ હેન્ડ સિડાન લીધી અને પહેલી જ ડ્રાઈવ 100 કિમી/કલાકની કરી. ગળું સૂકાય, પેટમાં પતંગિયા બોલે અને કદાચ મનમાં રામ-રામનો જાપ ચાલે પણ એ ડ્રાઈવ આજે પણ મારી યાદગાર યાદોમાંની એક છે. એ આખી ડ્રાઈવ મારા માનસપટ પર અકબંધ છે. એ પછી તો ટેબલ પરથી ગાડીની ચાવી લો, ઓવરકોટ બાજુની સીટ પર મૂકો અને ગોગલ્સ ચઢાવીને જ્યારે મન થાય ત્યારે ડ્રાઈવ પર જાવ- બસ ખાલી રખડવા! આ લાગણી, આ સ્વતંત્રતાએ પહેલી વખત લિબરેશનની લાગણીનો ખરી રીતે અનુભવ કરાવ્યો. એક પ્રકારનો આત્મવિશ્વાસ, એક અનહદ સુખની લાગણીનો અનુભવ થયો. 

ઓકલેન્ડમાં પહેલી વખત  'યે દુનિયા હૈ રંગીન'ની જેમ અતરંગી લોકો સાથે રહેવા મળ્યું. એક મોટું ઘર અને એમાં અમે સાત જણ ફ્લેટમેટ્સ તરીકે રહેતા. નેશનાલિટી જર્મન, શ્રીલંકન-ભારતીય, બે ભારતીય, બ્રિટીશ અને અફ કોર્સ કિવી એટલેે કે ન્યુઝીલેન્ડર. શેરિંગ કિચન અને શેરિંગ ડાઈનિંગ ટેબલ પર કેટલીય અર્થપૂર્ણ- અર્થવિહીન વાતો. એમાંય આપણા ભારતીયોમાં પોતપોતાના રાજ્ય અને શહેરનો પ્રેમ અઢળક એટલે એની ચર્ચાઓ. એક હૈદરાબાદ, એક મુંબઈ અને ત્રીજી હું. નાનપણના કિસ્સાઓ અને અભ્યાસક્રમથી માંડીને પોલિટિક્સ, આર્ટ્સ, પોતાના સપના, નોકરી, સ્ટુડન્ટ લોન, વિઝાની અસંખ્ય વાતોથી દિવસો પૂરા થતાં. યુનિવર્સિટી પછી રસ્તા અલગ થયા અને મહિના-મહિનાઓ સુધી કોઈ સંપર્ક નહીં, પણ કોઈક કોન્સર્ટમાં દેખાય જાય તો દિલ ઊભરાય આવે (જેમ ટાઈટેનિકનું સોન્ગ સાંભળીને ઝણઝણી આવી જાય એવું જ.) પહેલી વખત દેશ-દુનિયાના કલ્ચરને નજીકથી જોયું. જાણ્યું કે આજની બ્રિટીશ જનરેશન વર્ષો પહેલાના ડોમિનેટિંગ નેચર વિશે શું વિચારે છે. ભારતની સ્વતંત્રતાના વર્ષો પછી આ બે કલ્ચરની નવી જનરેશનના વિચારો જાણવાની-અરે માત્ર સાક્ષી બનવાની મજા જ કંઈક ઓર છે. 

ગુજરાતી નાટક અને ચાર અમેઝિંગ મહિના ! PC- Snehal Chauhan 


...અને એક સાંજ યુનિવર્સિટીના એવોર્ડ સમારંભને નામ!
-  નાનપણથી જ મને સપનાં જોવાની ટેવ. 'અંદાઝ અપના અપના'માં આમીર ખાન જેમ સપના જોતો એમ હું પણ ખુલ્લી આંખે ભારે-ભારે સપના જોતી. નાનપણથી બે-ચાર લોકો વચ્ચે કંઈક બોલવાનો એક અભરખો. એમ જાણે કંઈક ટોપ ફોડી હોય અને પછી ગર્વથી લોકોની વચ્ચે આપણી વાતો કહેવાની તીવ્ર ઝંખના. ઘણી વાર તો એવું થતું કે શૂન્યાવકાશમાં હું એ આખી ઘટના મનમાં ને મનમાં જ ઘડી નાખતી અને ખુશ થતી. દસમા ધોરણમાં બે માર્ક્સ માટે સુરત સેન્ટરમાં નંબર ગુમાવ્યો અને મારા સ્પીચ આપવાના સપનાના ભુક્કા બોલાયા ( પણ એ સ્પીચ અને એ તીવ્ર લાગણી આજે પણ મારા મનમાં સ્પષ્ટ રીતે જકડાયેલી છે.) પછી મુંબઈમાં રહીને નાટકોનો રંગ લાગ્યો. પૃથ્વી થિયેટરના કેફેમાં બેસીને ઓન-સ્ટેજ જવાનો ચસકો લાગ્યો. ગુજરાતી નાટકોના પ્રતિષ્ઠિત દિગ્દર્શક મનોજ શાહના નાટકમાં બેક-સ્ટેજ ક્રુ તરીકે પણ જોડાઈ. પરંતુ એ લાંબું ચાલી ના શક્યું. પણ ઓકલેન્ડમાં એ સપનું પૂરું થયું. એક વાર નહીં, ચાર-ચાર વખત. એક વાર તો અસ્સલ સ્પીચ આપી! અને નાટક પણ કર્યું- એમાંય બે અલગ-અલગ ભૂમિકા ભજવી. ગુજરાતી રંગભૂમિના એક મજાના માણસ - શૈલેશ પ્રજાપતિ -સાથે મુલાકાત થઈ અને એમણે વર્ષો જૂના સપનાને પૂરી કરવા તક આપી. એ ચાર-પાંચ મહિના પર તો બીજી એક પોસ્ટ લખાય એટલા અનુભવો અને એટલી યાદો બની છે! 

આવા "પહેલા" અનુભવોની યાદી ઘણી લાંબી છે. ઓકલેન્ડનો મારા પરનો આ અઢળક પ્રેમ અને મને હંમેશાં તૃપ્ત રાખવાની એની ધગશ મને એના પ્રેમમાં રોજ વધુ ને વધુ જકડે છે. એનિવર્સરી ઉજવવાના ક્લિશેમાં બહુ રસ ન હોવા છતાં એક પોચાં દિલના પ્રેમીની જેમ આ પોસ્ટ લખવા હું મજબૂર થઈ!

Saturday, October 28, 2017

સિક્રેટ સુપરસ્ટાર: આઈર્નિ કે પછી વાસ્તવિકતાનું પ્રતિબિંબ?
સીન ૧

નવમા માળની આલિશાન ઓફિસમાં ત્રણ યુવતીઓ પોતપોતાની કમ્પ્યુટર સ્ક્રીન તાકી રહી છે. એમાંથી એક ઓચિંતા જ બીજી તરફ ધસીને કહે છે, હે એમી, ડુ યુ નો, કરવા ચૌથ ઈસ કમિંગ. આર યુ ફાસ્ટિંગ?

અમૃતા કે પછી પ્રોબબ્લિ અમીતામાંથી એમી બનેલી એ બીજી યુવતી ગુંચવાઈ છે અને વીંટી વિનાની આંગળી બતાવી કહે છે, કેન યુ સી એની રિંગ? પણ આ વાતચીતમાં પેલી ત્રીજી યુવતીને રસ પડે છે. બ્રિટનમાં ઉછરેલી અને દુનિયા ખૂંદવા નીકળેલી એ યુવતી માટે કરવા ચૌથ શબ્દ જ રસભર્યો છે.

બીજી યુવતી પટ પટ બોલતી જાય છે- કરવા ચૌથ ઈઝ અ વે ટુ શો યોર હબીઝ હાઉ મચ યુ કેર ફોર ધેમ……

આખી વાત સમજાવ્યા પછી પેલી બ્રિટિશ યુવતી અન્ય બે તરફ તાકતી રહે છે. એની આંખોના પલકારા એના મગજમાં ચાલી રહેલા વિચારો અને અસંખ્ય સવાલો સાથે જાણે તાલ મેળવે છે.

“સો યુ ફાસ્ટ વન ડે, ઘેટ ટુ ફોર સમવન એલ્સ એન્ડ ધે લિવ હેલ્ધી લોન્ગ લાઈફ? આર યુ સેયિંગ યુ ગાય્સ સ્ટિલ બીલિવ ઈન ધિસ સ્ટફ? આર યુ ફોર રિઅલ?"


                                                                    ******

સીન ૨

ગુલાબી રંગના વાળ અને ભૂરા રંગની આંખોમાં અનેક સપનાં લઈને ફરતી એ યુવતી એના બ્રિટિશ એકસન્ટમાં બોલી ઊઠી, “આઈ બેડલી વિશ ટુ વિઝીટ ઈન્ડિયા. ટોપ ઓન માય બકેટ લિસ્ટ!”

એમી સ્માઈલ કરે છે- “એવરી વન શુડ વિઝીટ ઈન્ડિયા, એટ લિસ્ટ વન્સ ઈન અ લાઈફ ટાઈમ.”

પણ ત્યાં જ ત્રીજી બોલી ઊઠે છે, “ઓહ વેલ, યાહ. બટ ડોન્ટ ગો અલોન. એવરીવન ઈઝ અ બ્લડી રેપિસ્ટ ધેર.”

ને પછી કઈ રીતે છોકરીઓ સાથે છેડછાડ થાય છેથી માંડીને “દરેક છોકરી એટલિસ્ટ એક વાર જાતીય સતામણીનો ભોગ બની હોય છે”ના તમામ કિસ્સા એક પછી એક ઊઘડે છે.

ભૂરા રંગની આંખો આશ્ચર્ય, થોડા ભય અને ક્યારે ક્યારેક ગુસ્સામાં પરિવર્તિત થયા કરે છે.

                                                                    ******

આ વાતો કોની છે, આ ત્રણ યુવતીઓ કોણ છે એ કરતા મહત્ત્વનું છે કે ખરેખર આપણા દેશમાં ઘટતી ઘટનાઓ ૨૧મી સદીની છે? ભારતની બહાર રહીને જ્યારે આપણા દેશના સમાચાર કે ફિલ્મો જોઈએ ત્યારે આપણે કેટલા પછાત છીએ એનો અહેસાસ થાય. “સિક્રેટ સુપરસ્ટાર” ફિલ્મ આ સમયની વાસ્તવિકતા રજૂ કરે છે એવું વિચારીને મને દુ:ખ થાય છે. આજે પણ એક છોકરી હોવું આપણા દેશમાં કેટલું પડકારજનક છે!

સત્તર કલાક કામ કરીને આવ્યા પછી આવું ખાવાનું! બૂટ કાઢીને મોજા બૈરીના હાથમાં આપવાના, ઓફિસેથી આવીને બેગ લેવાની…. આ પ્રકારની રીત-ભાત, વ્યવહાર! આ કઈ જાતની લાઈફ આપણે જીવીએ છીએ!!! ભલે આજની મોડર્ન કહેવાતી પેઢી આ બધાથી પર હશે, પણ આવા અનેક દૃશ્યો હજુ પણ મેં જોયા છે!

આપણે વેસ્ટર્ન કલ્ચરનો મુખવટો તો પહેરી લીધો છે, પણ વિચારો હજુ પણ એ જ પથ્થર યુગના છે! આજે જ્યારે વિચાર કરું છું ત્યારે ખરેખર મને દયા કરતા ગુસ્સો આવે છે કે આપણે ત્યાં ભણેલા-ગણેલા અભણોનો રાફડો ફાટ્યો છે. આજે સ્ટારબક્સમાં બેસીને કોફીના સિસકારા મારતી કે આઈફોન યુઝ કરતી એવી કેટલીય યુવતીઓ હશે જે પીરિયડ્સમાં આવે ત્યારે એ જ દખિયાનુસી રિવાજોને પાળતી હશે!

આપણા દેશમાં સ્ત્રીઓ એ હદ સુધી મુંઝાયેલી છે કે એ માર સહન કરવા, અપમાન સહન કરવા તૈયાર રહેશે, પણ એ રાક્ષસને છોડવા એનામાં હિંમત નથી કારણ કે એના સિવાયની દુનિયા જ એણે જોઈ નથી-અથવા એમ કહું કે એને બતાવવામાં જ નથી આવી.

ફિલ્મમાં શિક્ષક ઈન્સિયાને એક પ્રશ્ન પૂછે છે: આઈર્નિ એટલે શું? એનો જવાબ કદાચ ફિલ્મના પાત્રો જ આપી દે છે.

એક વ્યવસ્થિત પેન્ટ-શર્ટ પહેરેલો, ડિસિપ્લિન્ડ દેખાતો માણસ સમાજ માટે ઘણો પ્રતિષ્ઠિત છે. કારણ કે, એનો દેખાવ, એની ભાષા સો-કોલ્ડ સમાજ માટે પર્ફેક્ટ છે. પછી ભલે ને ઘરમાં એની પત્ની પર હાથ ઉઠાવતો હોય, એની દીકરીને ધિક્કારતો હોય. જ્યારે બીજી બાજુ, એક અલ્લડ મિજાજી, ચમકતા-ધમકતા કપડાં પહેરતી, અસ્તવ્યસ્ત વાળ ને અસભ્ય ભાષા બોલતી વ્યક્તિ સમાજ માટે અસ્વીકાર્ય છે, પછી ભલેને એનું હૃદય સાફ હોય અને સ્ત્રીને માન આપતો હોય અને જરૂર પડ્યે પોતાના સ્વભાવ વિરૂદ્ધ જઈને પણ મદદ કરવા એ તત્પર હોય.

કદાય આને જ આઈર્નિ કહેવાતી હશે.

આવી ફિલ્મો જોઈને મારા જેવાનું સવા લોહી ચઢતું હશે ને આવા બે-ચાર લેખો લખાય જતાં હશે. પણ પછી શું? જો એક વ્યક્તિ પણ આવી ફિલ્મ જોઈને પ્રેરણા મેળવતી હોય તો એ એની સફળતા છે. બાકી તો, પોપકોર્ન અને બટાકા વડા ખાવા માટે બીજી અનેક જગ્યા મળી રહેશે! XX