Saturday, February 17, 2018

લાઈફ ઈન અ મેટ્રો_ #૧

ખૂબ જમેગા રંગ જબ મિલ બેઠેન્ગે તીન યાર! :)
નેટફ્લિક્સ પર ટાગોરની વાર્તાઓ પરથી એક શ્રેણી બનાવવામાં આવી છે- એમાં એક પાત્ર સુંદર વાત રજૂ કરે છે. એ કહે છે- 'જિંદગીનો અર્થ શું છે એનાથી મને કોઈ લેવાદેવા નથી. મારે તો જિંદગી જીવવી છે. મારે જાતને ક્યાંય પણ નિચોવી નથી દેવી, બલકે મારે તો એને પામવી છે.'
બસ, આવા જ કંઈક વિચારોની ભેટ મુંબઈએ મને પણ આપી. મુંબઈની ભીડ અને ખચોખચ ટ્રેનની વાર્તાઓ ઘણી સાંભળી હતી- પણ જ્યારે એ અજાણ્યા લોકોના ટોળા વચ્ચે રહી એ જાણી-અજાણી ભીડને 'જાણી' ત્યારથી જાણે એક ચસકો લાગ્યો- અનુભવ લેવાનો ચસકો. હકીકત અને કલ્પનાના રંગોને નજીકથી પારખવાનો અથવા એમ કહો કે એકબીજામાં ભેળવવાનો!

કંઈક વાંચ્યું,જોયું એટલે બસ એ પોતે કરવાનું અને અનુભવ લેવાનો. ઓફકોર્સ, અવનવા વિચારો લાવવામાં ફિલ્મો, સીરિઝ અને પુસ્તકોનો સૌથી મોટો ફાળો! શોપિંગ હોય, સિનેમા કે પછી લોકલની સફર હોય-આદત એવી પડી કે કોઈ કંપની કરતાં એકલા જ રહેવાની મજા આવવા લાગી. એટલે સૌથી મોટું ચઢાણ તો પાર પડ્યું. હવે સમય હતો નવું-નવું કરવાનો!

                                                              ****************

ક્યાંકથી એક સુંદર ફોટો નજરમાં આવ્યો- એક પુસ્તક, કોફી અને સરસ મજાની એક પ્લેટ વિથ ફુડ! કોફીની ચુસકી સાથે પુસ્તકનો આસ્વાદ! બસ એટલે આપણે તો નીકળ્યા આ અનુભવની તલાશમાં.  બેગપાઈપરની પેલી જાહેરાત યાદ છે? ખૂબ જમેગા રંગ જબ મિલ બેઠેન્ગે તીન યાર- મેં, આપ ઔર બેપાઈપર? બસ, એકદમ એવી જ ફીલિંગ - માત્ર એમાં પુસ્તક, કોફી અને ફૂડને મૂકી દેવાનું.
  
પણ એનો ફાયદો શું? દેખીતી રીતે તો કંઈ જ નહીં, પણ લોકો કદાચ યોગા કરીને જે શાંતિ મેળવે એવી શાંતિ મને આવી સવારથી મળી. સુરતી જીવડો એટલે રવિવાર અને નાસ્તો એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા અને એમાં એક સારું પુસ્તક અને કોફી મળે એટલે બંદા ખુશખુશાલ! મન એકદમ તરંગિત થઈ જાય. દુનિયા રંગબેરંગી લાગવા લાગે અને 'કંઈક' કરવાનું ઝનૂન આવી જાય. ઉદાહરણ? આ પોસ્ટ!!
જ્યારે સ્કૂલમાં સ્વતંત્રતાની ચળવળ વિશે ભણાવવામાં આવતું ત્યારે મને પ્રશ્ન થતો કે આટઆટલું લોહી વહે અને આટલી ક્રૂરતા નજરોનજર જોઈ હોવા છતાં આ સ્વાતંત્ર્ય સેનાનીઓને કેમ સ્વતંત્ર થવાનો મોહ ઓછો નહોતો થતો? એવું તો શું થતું હશે કે આ લોકોના મન પર શારીરિક પીડા કરતાં ગુલામીની માનસિક પીડા હાવિ થઈ જાય!! આ સવાલનો જવાબ એ વખતે નહીં મળ્યો, કારણ કે જાહેરમાં કદી પૂછવાની હિંમત જ નહોતી થઈ. પણ જ્યારથી "ઈન્ડિપેન્ડન્સી"એ મારા જીવનમાં ડોકિયું કર્યું ત્યારથી આ સવાલનો જવાબ ધીરે-ધીરે મળવા લાગ્યો.

ઈન્ડિપેન્ડન્સી એક લત છે! બીજી લતોથી એ જુદી પડે, કેમ કે એ માથું ઊંચું કરી જીવવાનું શીખવે, કોઈની પણ સાડાબારી વગર પોતાના વિચારોને અનુસરવાની હિંમત આપે અને સૌથી મોટી વાત તો એ કે સાચા-ખોટાની ગૂંચવણમાં પડ્યા વિના પોતાની જ સરહદોને રોજ નવી દિશા આપે છે.     

લાઈફ ઈન અ મેટ્રો એટલે શું? લાઈફ ઈન અ મેટ્રો એટલે experiencing known things while staying around the unknown! અજાણ્યા લોકો/માહોલ વચ્ચે એવી બાબતો માણવી જેના અસ્તિત્વની પહેલેથી જ જાણ હતી. 

Friday, February 9, 2018

...અને વધુ એક વર્ષ ! થોડું ગુમાવ્યું અને ઘણું મેળવ્યું


પહેલી વહેલી ક્રિસમસ પાર્ટી "ઓન ધ વોટર" અને દૂર દેખાય રહેલો ઓકલેન્ડ સ્કાય-ટાવર
                   
   બે વર્ષ પહેલાં મુંબઈના અંધેરી ફ્લેટની લુક આઉટ વિન્ડોમાં બેઠાં-બેઠાં મેં એક નિર્ણય કર્યો હતો. મારી ભાષા, ચિત્રલેખાની પ્રોમિસિંગ જોબ, માતા-પિતા અને મિત્રોથી દૂર દુનિયાના એવા ખૂણામાં જવું છે જ્યાં હું એક નવી શરૂઆત કરી શકું. નવી શરૂઆત જિંદગીની? ના, નવી શરૂઆત મારા ઘડતરની, કદાચ મારા અસ્તિત્વની, જેની એક નવી વ્યાખ્યા અહીં બંધાઈ છે અને એટલે જ હું દુનિયાના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા આ નાનકડાં પણ અત્યંત સુંદર દેશ અને શહેરના પ્રેમમાં છું અને એ મારા.   

દેશ ન્યુઝીલેન્ડ અને શહેર ઓકલેન્ડ. સતત દોડતા પણ હંફાવે નહીં એવા શહેરમાં આજે બે વર્ષ થયા. પણ લાગે છે કે વર્ષોથી એ મારી રાહ જોઈને બેઠું હતું. કેટલી ખુશી અને કેટલા આશ્ચર્ય! બગડેલા બાપની બગડેલી દીકરી હોઉં એમ આ શહેર મારા પર સતત પ્રેમ ( અને ડોલર પણ) વરસાવે છે! જે વિચાર આવે એ હકીકતમાં બદલી નાખે છે. એકદમ સાહિત્યિક ભાષામાં કહું તો મારા પડ્યા બોલ ઝીલે છે. 

સ્વેગ/ઈ-સ્ટાઈલ!!!
ને એમાંય કેટકેટલા અનુભવો અને કેટકેટલી રસપ્રદ ક્ષણો!!! મજાની વાત તો એ છે કે ઓકલેન્ડે એક પ્રેમીની જેમ મને ભરપૂર પ્રેમ કર્યો છે. (ના, ના હું ઓબજેક્ટ સેક્સ્યુઆલિટીથી પીડિત વ્યક્તિ નથી, મારા જીવનમાં જેને લોકો "સામાન્ય" પ્રેમ ગણે છે એ પણ છે) પણ જેમ આપણે ત્યાં હવે વેલન્ટાઈન્સ પર લવલા-લવલી પહેલી ડેટ ને પહેલી વખતના સ્પર્શની ક્ષણો વાગોળશે તેમ મને આ શહેરના પ્રેમને શબ્દોમાં આલેખવાનું મન થાય છે.  

ન્યુઝીલેન્ડની એક વાત મને બહુ પસંદ છે. અહીં બધુ જ સરળ! જેવું બોલો એવું જ લખો. બધી જ વસ્તુ લિટરલી એટલે કે વાસ્તવિક હોય. જેમ કે અહીંના એક સબઅર્બનું નામ છે Onehunga, જેને બોલાય ઓનેહંગા. એટલે અહીં આવ્યા પછી જેમ આપણે ત્યાં પ્રકૃતિ, પ્રાણીઓ પ્રત્યેના પ્રેમની વાત કરવામાં આવે પણ ભાગ્યે જ અનુભવાય એનાથી તદ્દન વિપરીત, મને એ બધા જ પ્રેમની લાગણી અહીં ફર્સ્ટ-હેન્ડ થાય છે. આ વાત કદાચ મારા પૂરતી સીમિત હોય શકે, પણ બ્લોગ પણ તો મારો જ છે. ;-) 

ઓકલેન્ડમાં આવ્યા બાદ મને મારા પરના બોલિવુડનો જે રંગ ચઢ્યો હતો એ સ્પષ્ટ દેખાયો. પ્રેમ, હાર્ટબ્રેક અને કોઈકનો સાથ ઝંખવાની ઈચ્છાઓથી આગળની એક વિશાળ દુનિયા ખૂલી. જેમ હવે ફિલ્મોમાં પણ લવ-સ્ટોરી કરતાં વધુ કંઈક બતાવવામાં આવે છે એમ ઓકલેન્ડમાં એ 'કંઈક વધુ' મને મળ્યું.  

બસ એવા જ મારા ઓકલેન્ડના 'પહેલા-પહેલા પ્યાર હૈ' જેવા પહેલી વારના કેટલાક અનુભવો: 

- ઓકલેન્ડે મને મારી પહેલી-વહેલી સ્વતંત્રતા આપી. સ્વતંત્રતા મારા બંધિત કે પછી કુંઠિત અસ્તિત્વથી, નીતિ-નિયમો અને દખિયાનુુસી વિચારોથી અને સૌથી મોટી સ્વતંત્રતા તો માતા-પિતાના હાથ છોડી પોતાના પગ પર ઊભા થવાની! આર્થિક સ્વતંત્રતાએ મને એ શીખવ્યું કે મારા માતા-પિતા એક્સ-મેન, સુપર-મેન, વન્ડરવુમન કે પછી હવે તો પેડમેનથી ઓછા નથી. એમની લાઈફ અને એમના બલિદાનો હવે ખરા અર્થમાં સમજાય છે અને એ વાતનો અફસોસ થાય છે કે આંખ થોડી વહેલી ઊઘડી હોત તો.............

પહેલી સિડાન અને બીજી કન્વર્ટિબલ! જો કે છેલ્લે જાપાનીઝ પર
દિલ ટકાવ્યું. આ ગાડીઓને "ફ્લિંગ" જ કહી દો
- ઓકલેન્ડમાં પહેલી વખત મને વુમન લિબરેશનનો અનુભવ થયો- પોતાની ગાડી ખરીદીને અને એની ડ્રાઈવ કરીને! બોલિવુડના દૃશ્યો- બર્થ ડે પર એક ચમકતી ગાડી બહાર ઊભી હોય, કોલેજમાં એમ હીરો (કે ભાઈ હીરોઈન)ની જેમ એક મસ્ત કારમાં એન્ટ્રી થતી હોય- થી પ્રેરિત થઈ એવા ઘણા સપનાં હું જોતી. બે-બે વખત ડ્રાઈવિંગ સ્કૂલમાં ગઈ. ગાડી શીખી- પણ ચલાવવા કદી ન મળી. ઓકલેન્ડ આવ્યાના ૭ મહિનામાં જ સેકન્ડ હેન્ડ સિડાન લીધી અને પહેલી જ ડ્રાઈવ 100 કિમી/કલાકની કરી. ગળું સૂકાય, પેટમાં પતંગિયા બોલે અને કદાચ મનમાં રામ-રામનો જાપ ચાલે પણ એ ડ્રાઈવ આજે પણ મારી યાદગાર યાદોમાંની એક છે. એ આખી ડ્રાઈવ મારા માનસપટ પર અકબંધ છે. એ પછી તો ટેબલ પરથી ગાડીની ચાવી લો, ઓવરકોટ બાજુની સીટ પર મૂકો અને ગોગલ્સ ચઢાવીને જ્યારે મન થાય ત્યારે ડ્રાઈવ પર જાવ- બસ ખાલી રખડવા! આ લાગણી, આ સ્વતંત્રતાએ પહેલી વખત લિબરેશનની લાગણીનો ખરી રીતે અનુભવ કરાવ્યો. એક પ્રકારનો આત્મવિશ્વાસ, એક અનહદ સુખની લાગણીનો અનુભવ થયો. 

ઓકલેન્ડમાં પહેલી વખત  'યે દુનિયા હૈ રંગીન'ની જેમ અતરંગી લોકો સાથે રહેવા મળ્યું. એક મોટું ઘર અને એમાં અમે સાત જણ ફ્લેટમેટ્સ તરીકે રહેતા. નેશનાલિટી જર્મન, શ્રીલંકન-ભારતીય, બે ભારતીય, બ્રિટીશ અને અફ કોર્સ કિવી એટલેે કે ન્યુઝીલેન્ડર. શેરિંગ કિચન અને શેરિંગ ડાઈનિંગ ટેબલ પર કેટલીય અર્થપૂર્ણ- અર્થવિહીન વાતો. એમાંય આપણા ભારતીયોમાં પોતપોતાના રાજ્ય અને શહેરનો પ્રેમ અઢળક એટલે એની ચર્ચાઓ. એક હૈદરાબાદ, એક મુંબઈ અને ત્રીજી હું. નાનપણના કિસ્સાઓ અને અભ્યાસક્રમથી માંડીને પોલિટિક્સ, આર્ટ્સ, પોતાના સપના, નોકરી, સ્ટુડન્ટ લોન, વિઝાની અસંખ્ય વાતોથી દિવસો પૂરા થતાં. યુનિવર્સિટી પછી રસ્તા અલગ થયા અને મહિના-મહિનાઓ સુધી કોઈ સંપર્ક નહીં, પણ કોઈક કોન્સર્ટમાં દેખાય જાય તો દિલ ઊભરાય આવે (જેમ ટાઈટેનિકનું સોન્ગ સાંભળીને ઝણઝણી આવી જાય એવું જ.) પહેલી વખત દેશ-દુનિયાના કલ્ચરને નજીકથી જોયું. જાણ્યું કે આજની બ્રિટીશ જનરેશન વર્ષો પહેલાના ડોમિનેટિંગ નેચર વિશે શું વિચારે છે. ભારતની સ્વતંત્રતાના વર્ષો પછી આ બે કલ્ચરની નવી જનરેશનના વિચારો જાણવાની-અરે માત્ર સાક્ષી બનવાની મજા જ કંઈક ઓર છે. 

ગુજરાતી નાટક અને ચાર અમેઝિંગ મહિના ! PC- Snehal Chauhan 


...અને એક સાંજ યુનિવર્સિટીના એવોર્ડ સમારંભને નામ!
-  નાનપણથી જ મને સપનાં જોવાની ટેવ. 'અંદાઝ અપના અપના'માં આમીર ખાન જેમ સપના જોતો એમ હું પણ ખુલ્લી આંખે ભારે-ભારે સપના જોતી. નાનપણથી બે-ચાર લોકો વચ્ચે કંઈક બોલવાનો એક અભરખો. એમ જાણે કંઈક ટોપ ફોડી હોય અને પછી ગર્વથી લોકોની વચ્ચે આપણી વાતો કહેવાની તીવ્ર ઝંખના. ઘણી વાર તો એવું થતું કે શૂન્યાવકાશમાં હું એ આખી ઘટના મનમાં ને મનમાં જ ઘડી નાખતી અને ખુશ થતી. દસમા ધોરણમાં બે માર્ક્સ માટે સુરત સેન્ટરમાં નંબર ગુમાવ્યો અને મારા સ્પીચ આપવાના સપનાના ભુક્કા બોલાયા ( પણ એ સ્પીચ અને એ તીવ્ર લાગણી આજે પણ મારા મનમાં સ્પષ્ટ રીતે જકડાયેલી છે.) પછી મુંબઈમાં રહીને નાટકોનો રંગ લાગ્યો. પૃથ્વી થિયેટરના કેફેમાં બેસીને ઓન-સ્ટેજ જવાનો ચસકો લાગ્યો. ગુજરાતી નાટકોના પ્રતિષ્ઠિત દિગ્દર્શક મનોજ શાહના નાટકમાં બેક-સ્ટેજ ક્રુ તરીકે પણ જોડાઈ. પરંતુ એ લાંબું ચાલી ના શક્યું. પણ ઓકલેન્ડમાં એ સપનું પૂરું થયું. એક વાર નહીં, ચાર-ચાર વખત. એક વાર તો અસ્સલ સ્પીચ આપી! અને નાટક પણ કર્યું- એમાંય બે અલગ-અલગ ભૂમિકા ભજવી. ગુજરાતી રંગભૂમિના એક મજાના માણસ - શૈલેશ પ્રજાપતિ -સાથે મુલાકાત થઈ અને એમણે વર્ષો જૂના સપનાને પૂરી કરવા તક આપી. એ ચાર-પાંચ મહિના પર તો બીજી એક પોસ્ટ લખાય એટલા અનુભવો અને એટલી યાદો બની છે! 

આવા "પહેલા" અનુભવોની યાદી ઘણી લાંબી છે. ઓકલેન્ડનો મારા પરનો આ અઢળક પ્રેમ અને મને હંમેશાં તૃપ્ત રાખવાની એની ધગશ મને એના પ્રેમમાં રોજ વધુ ને વધુ જકડે છે. એનિવર્સરી ઉજવવાના ક્લિશેમાં બહુ રસ ન હોવા છતાં એક પોચાં દિલના પ્રેમીની જેમ આ પોસ્ટ લખવા હું મજબૂર થઈ!