Monday, September 30, 2013

શું અભિયાનથી અભિમાન નાથી શકાશે?



‘મેરા દેશ મહાન’ના નારાથી જોરશોરથી ગૂંજતા આપણા દેશ માટે હાલમાં એક કરૂણ ઘટનાએ આકાર લીધો છે. ઘટના છે ઘરેલું હિંસાની અને સ્થળ છે મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર. આ ઘટનાએ ફરીથી સમાજની માનસિકતા સામે પ્રશ્ન ઊભો કર્યો છે. લગભગ ૮૭% જેટલી બળેલી હાલતમાં ઈન્દોરની ૪૨ વર્ષની યુવતીને એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે અને ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થાય છે. આ પાછળનું કારણ સ્વાભાવિક છે. પતિ પત્ની વચ્ચેનો તણાવ અને અંતે પોતાના અહમને સંતોષવા એક પુરુષની પોતાની જ પત્નીને અગ્નિદાહ આપવાની વિકૃત માનસિકતા! આ વાત વાંચનારને હવે સામાન્ય લાગતી હશે, કારણ કે રોજ આવા સમાચારો તો ન્યૂઝ પેપરમાં છપાતા જ રહે છે અને તેથી જ હવે આપણે તેનાથી ટેવાઈ ગયા છીએ! પણ એકવાર માત્ર એ સ્ત્રીની વેદના અને પરિસ્થિતિ વિશે ઊંડાણપૂર્વક વિચારીએ તો રૂંવાડાં ઊભા થઈ જાય એવી ગંભીર ક્રૂરતાનો ખ્યાલ આવશે. આ ઘટના બાદ જ્યારે ઈન્દોર પોલીસ પાસે ઘરેલું હિંસાના સત્તાવાર નોંધાયેલા કેસો વિશે માહિતી મેળવવામાં આવી તો ખૂબ જ ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા. ઈન્દોરમાં વર્ષ ૨૦૧૨માં ઘરેલું હિંસાના ૪૫૫ જેટલા કેસો નોંધાયા હતા, જ્યારે વર્ષ ૨૦૧૩ના શરૂઆતના ત્રણ જ મહિનામાં ૨૦૦ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ તો સરકારી ચોપડે નોંધાયા એ કેસોની યાદી છે, પણ હજી‘એ તો પતિ છે, મારવાનો એનો અધિકાર છે અને સહન કરવું એ સ્ત્રીની પ્રકૃતિ’ જેવા તદ્દન રૂઢિવાદી વિચારધારાવાળી પીડિતાઓની સંખ્યાથી તો આપણે અજાણ જ છીએ અને જો સમગ્ર ભારત દેશની વાત કરીએ તો લગભગ ૬૮% થી પણ વધુ મહિલાઓ ઘરેલું હિસાનો ભોગ બનતી હોય છે. આ આંકડાઓ જોતાં તો એમ જ થાય કે સ્ત્રીઓને દેવીઓનું બિરૂદ આપનાર આ દેશમાં સ્ત્રીઓની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર થતી જાય છે. 

હિંદુ ધર્મમાં લક્ષ્મી, દુર્ગાઅને સરસ્વતી એમ ત્રણેય દેવીઓનું એકઆગવું મહત્ત્વ છે. તેમના ચહેરાનું તેજ, સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજેલી એમની કાયા તેમના દિવ્ય સ્વરૂપને વધુ પ્રભાવશાળી બનાવે છે, પણ કદી તમે એમના ચહેરા પર મારપીટના જખમો, કાળા ડાઘાઓ કે પછી માનસિક યાતનાઓની ભીતિની કલ્પના કરી છે? આ જ પ્રશ્ન સાથે ‘સેવ ધ ચિલ્ડ્રન ઈન્ડિયા’નામની એક સંસ્થા હેઠળ ઘરેલું હિંસાના આ દૂષણને દૂર કરવા ‘સેવ અવર સિસ્ટર્સ’ નામનીએક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રકારના અભિયાનનો હેતુ સ્પષ્ટ છે. આજે આપણે એવા એક મુકામે આવી ઊભા છીએ જ્યાં કોઈ પણ સ્ત્રી પોતાને સુરક્ષિત નથી અનુભવતી અને દેવીઓને પણ આ પ્રકારે ઘવાયેલી કલ્પી આ અભિયાન હેઠળ પરિસ્થિતિની ગંભીરતાને આલેખાય છે. લોકોમાં અને ખાસ કરીને ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓમાં જાગૃતિ આવે એ હેતુસર સમાજની વિષમતાને ખૂબ જ સર્જનાત્મક રીતે લોકો સમક્ષ મૂકવામાં આવી છે. જ્યારે સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર મહિનાને ‘ડોમેસ્ટિક વાયોલન્સ અવેરનેસ મંથ’ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે વર્ષોથી દેવી સ્વરૂપે પૂજાતીઆ તમામ સ્ત્રીઓની આજની સ્થિતિ પર નજર નાંખીએ ત્યારે ખરેખર સમાજના વિરોધાભાસથી મન વિચલિત થઈ જાય છે. આજે લોકો પૈસા માટે લક્ષ્મી, જ્ઞાન માટે સરસ્વતી અને રક્ષણ મેળવવા દુર્ગાની ભવ્ય પૂજા અર્ચના કરતા હોય છે, પણ જ્યારે ઘરે દીકરીનો જન્મ થાય તો એના સન્માન અને ગરિમાની કોઈ જ દરકાર કરવામાં નથી આવતી. 

ઘરેલું હિંસા શું છે અને એના પરિણામો તથા બાળકો પર થતી એની ગંભીર અસરો વિશે અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે અને આપણે ટીવી પર આપવીતી પણ સાંભળતા હોઈએ છીએ, આથી હવે આ વાતોનું પુનરાવર્તન કરવા કરતાં કઈ રીતે પુરુષોની આ માનસિકતાને જડથી ઊખાડી શકાય એ વિશેના પ્રયત્નો કરવા વધુ અસરકારક નીવડી શકે અને આ જ હેતુથી સમગ્ર વિશ્વમાં અનેક અભિયાનો શરૂ કરાયા છે. લોકો અવનવા ઢબે ઘરેલું હિંસા માટે વિરોધ નોંધાવતા રહે છે. ત્રણ વર્ષ પહેલાં આપણા દેશમાં ડિપાર્ટમેન્ટ ઓફ થિયેટર આર્ટ્સના એક પ્રોફેસર કેથલિન મુલિગને ઘરેલું હિંસાના વિરોધમાં ‘વ્હીલ્સ ફોર વિમેન’ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ઘરેલું હિંસાનો શિકાર બનેલી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના જીવનની નવી શરૂઆત કરી શકે એ માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આવી મહિલાઓને રિક્ષા ચલાવવાની ખાસ તાલીમ આપવામાં આવી હતી અને તેનાંથી થતી કમાણીથી તે આર્થિક સદ્ધરતા મેળવી શકતી હતી. આ ઉપરાંત, તેમના રહેવા માટે કેરળમાં‘સખી શેલ્ટર’ની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

ઘરેલું હિંસા માત્ર પછાત દેશો કે ભારત જેવા એશિયાના વિકાસશીલ દેશો સુધી મર્યાદિત નથી, પરંતુ દુનિયાની મહાસત્તા ગણાતા એવા અમેરિકા અને યુરોપના વિકસિત દેશોમાં પણ આ પ્રકારના બનાવો બનતા રહે છે. હા, પણ ત્યાંના કાયદા અને જોગવાઈઓ સ્ત્રીઓને ન્યાય મળે તેવા હોય છે તથા કાર્યવાહીની ગતિ આપણાં કરતાં ઘણી વધારે હોય છે. બ્રાઝિલની જ વાત કરીએ તો છેલ્લાં કેટલાક સમયથી આ દેશમાં મહિલા પર થતાં ઘરેલું હિંસાના બનાવો અનેકગણાં વધી ગયા હતા. આપણા દેશની જેમ જ ત્યાં પણ સ્ત્રીઓની સુરક્ષા પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયુંહતું, પરંતુ ત્યાંની સરકારે આ દૂષણને દૂર કરવા મોટા પાયા પર કામગીરી શરૂ કરી. વાસ્તવમાં વર્ષ ૧૯૮૩માં એક સ્ત્રીનું તેના જ પતિએ ખૂન કર્યુ હતું અને એનો ચુકાદો આવતા લગભગ બે પૂરા દાયકા જેટલો સમય નીકળી ગયો હતો. જોકે ભારતમાં તો આ પરિસ્થિતિ સામાન્ય છે, પણ બ્રાઝિલની સરકારે આ બનાવને આધારે કાયદાઓમાં યોગ્ય સુધારા કરવાનું નક્કી કર્યું અને તેના ભાગરૂપે વર્ષ ૨૦૦૬માં ઘરેલું હિંસા માટે ‘મારિયા દા પેન્હા લો’નામનો કાયદો બનાવવામાં આવ્યો અને જ્યારે આ કાયદાથી પણ પરિસ્થિતિ પર વધુ નિયંત્રણ ન જણાયું ત્યારે તેમણે બળાત્કાર અને ઘરેલું હિંસાની વ્યાખ્યાને જ વિસ્તારી દીધી, જેથી કરીને ઘરેલું હિંસાને નિયંત્રિત શકાય. કાયદાઓના આ કડક નિયંત્રણોથી બ્રાઝિલની પરિસ્થિતિમાં થોડે ઘણે અંશે સુધારો આવ્યો છે. 

ઘરેલું હિંસાને અટકાવવા કાયદાકીય સહાય અનિવાર્ય છે, પણ ઘરેલું હિંસાથી સ્ત્રી પર થતી માનસિક અને શારીરિક યાતનાઓ પુરુષો અનુભવી શકે તો? આવા જ કંઈક વિચાર સાથે કેનેડાના ટોરેન્ટો શહેરમાં હાલમાં કેટલાક પુરુષોએ એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ‘ડોમેસ્ટિક વાયોલન્સ અવેરનેસ મંથ’ની ઉજવણીના ભાગરૂપે કેનેડાના ટોરેન્ટો શહેરમાં ૨૬મી સપ્ટેમ્બરના રોજ હજારોની સંખ્યામાં પુરુષો રસ્તા પર ઉતર્યા હતા. ના, મીણબત્તી કે પછી હાથમાં ‘જસ્ટિસ ડિલેઈડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ’ના ભારેખમ પોસ્ટરો સાથે નહીં, પણ પગમાં સ્ત્રીઓની ઓળખ સમા સ્ટીલેટોસ અને હાઈ હીલ્સ પહેરીને પુરુષોએ જાહેરમાં દેખાવો કર્યા હતા! કેટલાક લોકોએ તો પગમાં હીલ્સ સાથે સ્ટોકિંગ્સ અને હાથમાં બેગ્સનો પણ ઉપયોગ કર્યો હતો. આ વિરોધમાં ભાગ લેનાર પુરુષો સ્ત્રી પર થતાં અત્યાચારોની આકરા શબ્દોમાં ટીકા કરતા કહે છે કે તેઓ મહિલાઓ પર થતાં શારીરિક અને માનસિક હુમલાઓ પાછળની વ્યથાની કલ્પના પણ નથી કરી શકતા. મહિલાઓ પર થતાં હુમલાઓમાં માત્ર મહિલા જ ભોગ નથી બનતી, પરંતુ એની સાથે જોડાયેલો દરેક પુરુષ પણ એની સાથે થયેલી આ હિંસાનો ભોગ બને છે. સ્ત્રીઓ પર થતાં બળાત્કારોએ માત્ર એક શારીરિક યાતના નથી, પણ એ પુરુષના પાવર, કંટ્રોલ અને હિંસાનું પ્રમાણ છે અને એટલે જ મહિલાઓની સ્થિતિને અનુભવવા કેનેડામાં પુરુષો અને યુવાનોએ સ્ત્રીઓના શૂઝ પહેરવાનું નક્કી કર્યું હતું. સ્ટીલેટોસ અને હાઈ હીલ્સથી પગની એડીમાં આવતા દબાણ અને ઘસારાથી બચવા માટે પુરુષોને ખાસ બેન્ડએઈડ્સ લાવવાની સૂચના પણ આપવામાં આવી હતી! આ પ્રકારના અભિયાનથી એક લાખ ડોલરથી પણ વધુ ફંડ ઊભું કરવામાં આવ્યું હતું.

જો સમાજમાં આપણે એક તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવું હોય તો સ્ત્રી અને પુરુષ બંનેએ એકબીજાની જરૂરિયાતો અને સન્માનની જાળવણી કરવી અનિવાર્ય છે. જો દરેક પુરુષ સ્ત્રી પર થતાં અત્યાચારોને થોડી માત્રામાં પણ અનુભવવા લાગે તો કદાચ ઘણી સમસ્યા દૂર કરી શકાય એમ છે. સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે, આ હકીકતને સમજવાને બદલે પુરુષ સ્ત્રી પર હાવી થતો હોય છે અને એ જ કારણે ઘરેલું હિંસા જન્મ લે છે. જો વિશ્વમાં એક સ્વસ્થ માહોલ સર્જવો હોય તો પુરુષોએ સ્ત્રીની વેદના અને અત્યાચારોથી પીડિત અવોજોહવે સાંભળવા જ રહ્યા.

ગુજરાતમાં કાર્યરત છે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ...

ગુજરાતમાં દરરોજ નોંધાતા ઘરેલું હિંસાના કિસ્સાઓ આપણા ‘ગરવી ગુજરાત’ના અભિમાનને ઘણી મોટી ઠેસ પહોંચાડે એવા છે, પરંતુ પોઝિટિવ બાબત ધ્યાનમાં લઈએ તો ગુજરાતમાં થતી ઘરેલું હિંસાનું પ્રમાણ ઘટાડવા માટે અનેક સંસ્થાઓ અને લોકો સર્વશ્રેષ્ઠ કામગીરી આપી રહ્યા છે. વર્ષ ૧૯૮૧થી ‘અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ’(અવાજ)નામની સ્વૈચ્છિક સંસ્થા ઘરેલું હિંસામાં સપડાયેલી મહિલાઓને સહારો આપી રહી છે. કાયદા તેમજ લાગણીઓના સહારે આ સંસ્થા સ્ત્રીઓને મજબૂત બનાવી અન્યાય સામે અવાજ ઉઠાવવા હિંમત આપે છે. જ્યારે‘સ્વાતિ’ નામની એક સ્વૈછિક સંસ્થાએ કચ્છના લગભગ ૧૭ જેટલા એનજીઓ સાથે મળી ઘરેલું હિંસાને દૂર કરવાના અનેક અભિયાનો હાથ ધર્યા છે. ‘વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ નામના અભિયાન હેઠળ આ સંસ્થા ગુજરાતના પાંચ તાલુકાના ૩૫૦ ગામોની સ્ત્રીઓને ઘરેલું હિંસાનો વિરોધ કરવા પ્રેરણા આપે છે.

1 ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment