Friday, March 15, 2013

એક સાંજ ગુણવંત શાહ સંગાથે



                        એક બાજુ ૧૦૧૧૦૦૧ની ગણતરી તો બીજી બાજુ શબ્દોને કાગળ પર ઉતારવાની મારી ઝંખના- આ બે વચ્ચે લડાઈ તો હમણાં કેટલાંક મહિનાથી રોજ જ ચાલતી હોય છે. પણ આજે કંઇક અનોખું થયું.કાલે પરીક્ષા હોવા છતાં આજે ૨ કલાક હું ગુણવંત શાહના પ્રવચનમાં જઈ મનભરીને જીવી.પરીક્ષા એટલે તો મારે મન કોઈ મોટું યુદ્ધ!!! રાત્રે વહેલા સૂઈ સવારે ચાર વાગે ઊઠવું ને કેટલીય ચાહ ગટગટાવી ચોટલી બાંધીને વાંચવું એ મારો નિયમ!!પણ સાહિત્યની દુનિયા જાણે મારા સ્વપ્નોની દુનિયા હોય એમ મને હવે ખેંચી રહી છે.આગળ કહ્યું તેમ, શ્રી શશીકાંત શાહના સંચાલન હેઠળ રવિવારના રોજ, “સુરતના સંસ્મરણો” કાર્યક્રમમાં વક્તા શ્રી ગુણવંત શાહ સાથે બે કલાક ગાંધીસ્મૃતિમાં વિતાવવા મળ્યાં.પરીક્ષાનો બોજ, વાંચવાનું ટેન્શન બધું જ જાણે શાંત છતાં સજાગ, બેદરકારી નહિ,પણ જવાબદારી આવી ગઈ.એક અજબ પ્રકારનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ મારામાં ભરાઈ ગયો.ના, ના પ્રવચન કોઈ તણાવમુક્તિ કે પ્રેરણાદાયી વાતો પર ન હતું.ગુણવંત શાહે શિવરાત્રી અને સુરત એમ બંનેના જોડકાંને દુર્લભ ગણાવી, માત્ર સુરત વિષેના એમના સંસ્મરણો રજૂ કર્યા હતા.પણ કોણ જાણે કેમ મારામાં એક અનોખી શક્તિના દીપ પ્રજ્વલિત થયા.શું આને જ કહેવાતી હશે સાચી દિશા?શું આ જ મારો રસ્તો છે જે મને સામેથી અવાજ દઈને પોકારી રહ્યો છે?સ્વપ્ન એ નહિ જે તમને શાંતિથી સુવા દે, સ્વપ્નો તો એ જે તમને હમેશા જાગતા રાખે.આ સુવિચાર સૌ કોઈ જાણે છે પણ મેં આ અનુભવ્યુ છે.ડેસ્ટીની શબ્દ પર મારો વિશ્વાસ વધુને વધુ મજબૂત થતો જાય છે.
                               


                                 ખેર,ગુણવંત શાહના પ્રવચનની સહેજ ઝાંખી અને આ આખો કાર્યક્રમ વિષે થોડું લખી મનને હળવું કરવાનું મન થાય છે.”સુરતના સંસ્મરણો” કાર્યક્રમ પાછળ મૂળભૂત ત્રણ હેતુઓ હતા.પ્રથમ, ગુણવંત શાહ જેવા સિદ્ધહસ્ત સાહિત્યકાર સાથે સુરતીઓ થોડો સમય માની શકે.દ્વિતીય, ડૉ.વર્ગીસ કુરીયનની આત્મકથા “મારું સ્વપ્ન” વાંચ્યા પછી, શાશીકાન્ત શાહના એ વિષય પર લેખો “માનસ નામે ક્ષિતિજ”માં પ્રગટ થયા.લોકોએ ખૂબ જ ઉત્સાહથી એ લેખોને વધાવી લીધા અને એક ઉમદા પ્રકાશકે નિઃક્ષુલ્લક ભાવમાં એ પુસ્તકો પ્રકાશિત કરવા અંગે શશીકાંત શાહને નિવેદન કર્યું.બસ, તો જ્યાં યુવાવર્ગ સુધી આવા લેખો પહોંચાડવાની વાત હોય ત્યાં કોઈ પણ સાહિત્યકાર પાછો ન પડે.આ લેખોને સમાવતું પુસ્તક એટલે “શ્વેતક્રાંતિના પ્રણેતા-ડૉ.વર્ગીસ કુરિયન” અને એના વિમોચનનોય એ પ્રસંગ ગણાવી શકાય.આ ઉપરાંત, ત્રીજો અને મહત્વનો મુદ્દો કે સુરતના લોકો સમક્ષ સમયસર કાર્યક્રમ શરુ કરી એનો સમયસર અંત લાવી શકાય એવું એક ઉદાહરણ સ્થાપવાનો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે,૪:૩૦ વાગ્યાના કાર્યક્રમમાં ૩:૩૦ વાગે પ્રથમ ૧૦ હરોળ ભરાઈ ગઈ હતી અને ૪:૩૦ વાગવા સુધીમાં તો સમગ્ર ઓડીટોરિયમના દાદરો પણ ઊભરાતા હતા.(જો કે બહાર લાઈવ ટેલીકાસ્ટની પણ સગવડ કરવામાં આવી હતી.)આવી સમયસૂચકતા, પ્રવચનમાં અદભુતતા અને ઓછામાં વધારે ગુણવંત શાહની તિથી પ્રમાણે વર્ષગાઠ!!! “હુરતીઓ”એ કેવા વધાવ્યા હશે આ મહાન સાહિત્યકારને!!! જરા કલ્પના કરી જોજો.
                 

No comments:

Post a Comment