Sunday, March 3, 2013

તસ્વીર-યાદોમાં કંડારાયેલી એક ક્ષણ





                                રવિવારનો દિવસ હતો. ગરમીના દિવસો અગનગોળા સાથે ગરમ,રેતભરેલ હવા પણ પુરજોશમાં ચલાવી રહ્યા હતા. વાદળો તો સૂર્યના કોપથી જાણે ક્યાં સંતાઈને બેઠા હતા! દાઝતા કિરણોના ડરથી ઉનાળાની ભરબપોરે શહેરમાં ગજબની શાંતિ પથરાયેલી હતી.બરફ્ગોળાના ટિન-ટિન અને કોઈ સંગીતપ્રેમીના વાંસળીના સૂર સિવાય રસ્તા બિલકુલ સૂમસામ હતા.ઘરના કામો પતાવી, રવિવારની બપોરે ,આરાધ્યા, ઘરના એવા એક ભાગમાં પ્રવેશી કે જ્યાં યાદોની અનેક શ્રુંખલા એને ઘેરી વળવાની હતી. “આરાધ્યા, આપણું પેલું  પ્રિય પુસ્તકયુ કેન વિનક્યાં મુક્યું છે? ક્યાંયે જડતું નથી. કાલે એક સમારંભમાં એકાદ વાર્તા એમાંથી કહેવાની ઈચ્છા છે.” વિહાને તો કહેતા કહી દીધું.હવે, પુસ્તકોના ભંડારમાંથી ક્યાં શોધવું એને? મનમાં વિચારતી વિચારતી પુસ્તકોના અલગ બનાવેલા ઓરડામાં પ્રવેશી. ઓરડામાં જાણે જીવ આવ્યો હોય એમ બધા રજકણો સળવળી ઉઠ્યાં.ધૂળના સુક્ષ્મ કણો, જે કેટલાંય સમયથી ગાઢ નિંદ્રામાં હતા ઓરડાનો દરવાજો ખૂલતાની સાથે જ આમતેમ ઝડપથી ગતિ કરવા લાગ્યા. રજકણોના ઓચિંતાહુમલાથીઆરાધ્યા ખાંસવા લાગી.મોઢા પર ,નાક આગળ રૂમાલ મૂકી પુસ્તકો પર નજર દોડાવા લાગી. ઓહ્હો, કેટલું વાંચતી હતી હું પહેલા!! લગ્ન પછી તો જાણે મારા મિત્રો- મારા પુસ્તકો દૂર થઇ ગયા!! હમેશા જાતે પોતાના પુસ્તકો શોધતા વિહાને આજે એટલે મને કહ્યું હશે! એના ચહેરા પર સ્મિત રેલાય ગયું. એવામાં સંબંધોને ખરા અર્થમાં સમજાવતું, એનું પ્રિય પુસ્તક દેખાતાં ઝડપથી એને કાઢવા ગઈ ને ત્યાં એના પગ પાસે એક કાગળનો ટુકડો પડ્યો. એણે જોયું તો કોઈ જૂની તસ્વીર હતી. હાથ વડે એના પર જામેલી ધૂળ હટાવી તો એના ચહેરા પર, મનમાંથી પણ જાણે સમયનું કોઈ આવરણ હટ્યું હોય એવી ભાવરેખા પલટાઈ.

                                ચાર વર્ષ પહેલાની ઘડી આજે કાગળના ટુકડા મારફતે ફરી જીવંત થઇ એની સામે તરવરી રહી.એના પાપા, રામામૂર્તિ પટેલ અને એનું જીવન-એનું સર્વસ્વ- વિહાનના આલિંગનની પળોને, નાના ભાઈ આલોકે મસ્તીમાં અમસ્થી તસ્વીરમાં ઉતારી હતી. એને ક્યાં ખબર હતી કે માત્ર આલિંગન નથી પણ એના પ્રેમના સ્વપ્નોને લાગેલી મહોર હતી.કેટલું રમ્ય દ્રશ્ય હતું !! ફરી તસ્વીર જોઈ ને ભૂતકાળની લપસણી પર સરકવા લાગી.સાત વર્ષ પહેલા વિહાનને મળી હતી.દેખાવમાં સામાન્ય પણ વિચારશક્તિ અને સમજદારીમાં અન્યોથી બિલકુલ અસાધારણ એવા વિહાનને આરાધ્યા મનોમન પ્રેમ કરવા લાગી હતી. શરમાળ સ્વભાવ અને પ્રેમ વિશેની નાસમજીને કારણે સામેથી પોતાની લાગણી કદી વ્યક્ત કરી શકી. પણ વિહાને આરાધ્યાનો ચહેરો અને મન બંને વાંચી લીધા હતા. પહેલીથી કેટલો સમજદાર હતો!!આરાધ્યાને એકવાર ફરી વિહાન માટે ગૌરવ થઇ આવ્યું.

                                એકવાર આરાધ્યા કોલેજની લોબીમાં એમ શૂન્યમનસ્ક ઉભી હતી. દૂર આકાશમાં કોણ જાણે કોની આકૃતિ કંડારી રહી હતી. એવામાં વિહાન ત્યા આવી ચઢ્યો અને આરાધ્યાનો હાથ ઝાલી કહેવા લાગ્યો,” આરાધ્યા, મારા જીવનમાં જવાબદારીનો ઘણો બોજો છે.પપ્પાની ગેરહાજરી-અપમૃત્યુ- મારી માતાને પળે-પળે શૂળ માફક ખૂંચે છે.હું એમનો આધારસ્તંભ છું.મારા જીવનના ધ્યેયો નક્કી છે. શું તું સફરમાં સાથ આપવા તૈયાર છે? ” કેટલી ગભરાઈ ગયેલી હું! આરાધ્યાના શરીરમાં ફરી લાગણી વીજળી રૂપે પ્રસરી ગઈ.શું જવાબ આપુના અવઢવમાં ફસાયેલી આરાધ્યા માત્ર નીચું જોઈ રહી. બે ઘડી વિચાર્યું, સામે આવેલા જિંદગીના વળાંકને ઉઘાડી આંખે પાર કરવાની ક્ષમતા રહી.એને આંખો મીંચી દીધી. માત્ર આંસુઓ વિહાનને એનો ઉત્તર આપવા નિમિત્ત બન્યા. એને આરાધ્યાને બે  હાથ વડે ઝીલી લીધી અને ખૂબ પ્રેમાળ સ્વરે કહ્યું, “ તું પણ ઈચ્છતી હતી ને? એક વાર કહી તો જોતે ! આટલા વર્ષ કોલેજમાં સાથે હતા, તેસાથેવિતાવી શકત ને!!” બંને હસી પડ્યા.આજે પણ હાસ્ય એના મુખ પર ફરી રેલાયું.

                                ફરી એણે હાથમાં રાખેલી તસ્વીર નિહાળી. વિચારોના વૃંદાવનમાં મ્હાલવા લાગી.એક મૂંઝવણ તો વિહાને પૂર્ણ કરી. પણ ઘરવાળાને શી રીતે સમજાવવા??! હંમેશાં વિહાનને પૂછતી અને વિહાન એને પોતાના પર શ્રદ્ધા રાખવા કહેતો. ઘણીવાર આરાધ્યા ચિડાતી, લડતી પણ વિહાન સંયમ જાળવી રાખતો. પરંતુ હવે કોલેજના અંતિમ દિવસો હતા.વિહાને આરાધ્યાને ઘરમાં જાણ કરવા કહ્યું.કેટલો નાજુક સમય હતો ! દિવસોનું સ્મરણ કરતા કરતા એના ચહેરા પર થોડી કરચલી પાડવા લાગી. માતા-પિતાને આટલી મહત્વની વાત કઈ રીતે કહેવી એને સમજાવતું નહોતું.અત્યારે પણ જાણે અવઢવ હોય એમ એની મુખાકૃતિ બદલવા લાગી.છેવટે, સાત પાનાની લાંબી ચિઠ્ઠી લખી એણે પાપાના મોબાઈલ સાથે મૂકી હતી અને પરિણામની રાહ જોવા લાગી હતી.

                                શરૂઆતમાં ડઘાઈ ગયેલા, થોડા ચિંતિત અને થોડા ખુશ એવા માતા-પિતાની લાગણી સમજાઈ એવી સ્થિતિ ક્યાં હતી! બરાબર અઠવાડિયું થયેલું પાપાને નિર્ણય લેતા.આરાધ્યા વિચારમાં પુરેપુરી ડૂબી ગઈ હતી. આખરે દિવસ આવ્યો. પાપા વિહાન અને એના મમ્મીને ઘરે બોલાવ્યા.બધા પરિવારજનોની હાજરી, મારા વિહાન સમક્ષ સૌની નજર અને નજરમાં અનેક પ્રશ્નો.એકએક  મિનીટ ભારે પડી રહી હતી. વાતચીતનો દોર શરુ થયો. વિહાનની સુઝબુઝથીએ સૌને પસંદ પડી રહ્યો હતો. આમ છતાં, પહેલી નજરમાં એના સાદા અને એકદમ સામાન્ય દેખાવથી પાપના ચહેરા પરનો એક અણગમો આરાધ્યા નોંધવાનું ચુકી નહિ. પરંતુ, ઉમરના પ્રમાણમાં એની પરિપક્વતા, કોઈનેય રીઝે એવી હતી. દુનિયાના અનુભવો અને જવાબદારીઓથી ઘડાયેલા વિહાનને કોઈ નકારી શકે એમ હતું નહિ.પરિસ્થિતિ હળવી બની. વિહાને બધાના હૃદયરૂપી રણભૂમિ પર ફતેહના ઝંડા લહેરાવ્યા હતા. પાપા પણ ખુશ થઇ ઉઠ્યા અને વિહાનને દ્રઢ આલિંગન આપી બોલ્યાવેલકમ ટુ માય ફેમીલી”. ક્ષણ આલોકે તસ્વીરમાં ઝીલી લીધી હતી. ફરી એક વાર તસ્વીરને જોઈને  આરાધ્યાની આંખોમાં ખુશીઓનું ઝરણું વહેવા લાગ્યું. બારણાં પાસે ઉભેલો વિહાન કેટલીય ઘડીથી એને નિહાળી રહ્યો હતો.એની આંખોમાં આંસુ જોઈએ એના તરફ દોડી આવ્યો. એના ચહેરાને સહેજ ઉંચો કરી આંસુ લુછી એક કદી ના છુટે એવું આલિંગન આપ્યું.

                                જીવનમાં કોઈ વિષે સ્વપ્નો સેવવા, એને પામવો અને ત્યારબાદ એની સાથે બાકી રહેલા જીવનના શમણા સેવવા દરેક સ્ત્રીના જીવનની અવિસ્મરણીય ઘટનાઓ છે.આરાધ્યા દરેક તબક્કાને ભરપૂર જીવી હતી અને આજે વિહાન સાથે એના દરેક સ્વપ્નો ઘડાતા જોઈ, જીવનને તૃપ્ત થતા જોઈ રહી હતી.


No comments:

Post a Comment