Monday, March 24, 2014

નોકરી અપાવતાં એજન્ટથી સાવધાન!


(ઉપર ડાબે) સાત્રી, (ઉપર જમણે) રાજેશ્વરી, (નીચે ડાબે) સિગે, (નીચે જમણે) યશોદા
તસવીર સૌજન્યઃ ‘તહેલકા’ મેગેઝિન
રાજેશ્વરી સલેમ નામની એક યુવતી છત્તીસગઢના નારાયણપુર તાલુકાના બડે જામ્હરી ગામમાં તેના સંબંધીને મળવા જાય છે. જોકેતેણે પોતાના કાંકેર નામના તાલુકાની બહાર એક પણ વાર મુસાફરી કરી નથી. આથી તેના માટે છત્તીસગઢના જ અન્ય તાલુકા સુધી જવું એ એક પડકાર છે. આ મુસાફરીમાં તે તિજુરામ કોરામને મળે છે. તેની સાથે અન્ય ગામોમાંથી પણ ઘણી છોકરીઓ આવેલી હોય છે. કોરામ રાજેશ્વરીને અન્ય છોકરીઓ સાથે તિરૂપતિના પ્રસિદ્ધ બાલાજી મંદિરે આવવા જણાવે છે. અન્ય છોકરીઓ પણ તેને પોતાની સાથે આવવા સમજાવે છે અને રાજેશ્વરી આ અજાણ્યા લોકો સાથે સફરની શરૂઆત કરે છે. સૌપ્રથમ તેઓ કોરામના ઘરે એક રાત રોકાય છે અને ત્યાંથી બેનુર ગામ જવા નીકળે છે, જે નારાયણપુર અને કોન્ડાગાઉનની વચ્ચે ક્યાંક આવ્યું હોય છે. ત્યાંથી એક વાન તેમને જગદલપુર લઈ જાય છે અને અંતે બસ દ્વારા તેઓ તમિલનાડુના નમક્કાલ તાલુકામાં પહોંચે છે. આ તાલુકાની એક સ્થાનિક જેમ્સ એગ્રો એક્સપોર્ટ ફેક્ટરીમાં તેમને મજદૂર તરીકે રાખી લેવામાં આવે છે. જ્યારે રાજેશ્વરી કોરામને આ વિશે પૂછે કે ત્યારે કોરામ કહે છે કે, આ તમામ છોકરીઓ માટે તેને પૈસા મળ્યા છે અને હવે તેમણે અહીં જ કામ કરવું પડશે. 

***

બડે જામ્હરી ગામની રહેવાસી સિગે માંડવીએ વર્ષ 2007માં નવમા ધોરણની પરીક્ષા પાસ કરી અને પોતાના ગામની સૌથી ભણેલી છોકરી બની ગઈ. વધુ અભ્યાસ માટે તેણે સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તે બિજ્જુ નામની એક વ્યક્તિને મળી. બિજ્જુએ માંડવીને તેના મોટા ભાઈ તિજુરામ કોરામ સાથે ઓળખાણ કરાવી. કોરામે તેને એક સારી નોકરી અપાવવાની લાલચ આપી અને અંતે તેને પણ રાજેશ્વરી અને અન્ય છોકરીઓની જેમ જ જેમ્સ એગ્રો એક્સપોર્ટની ફેક્ટરીમાં વેચી દેવામાં આવી. સિગે કહે છે કે, ફેક્ટરીમાં તેમણે સતત કેમિકલ સાથે કામ કરવું પડતું, જેના કારણે તેમને ઘણી એલર્જી પણ થતી અને ત્વચાને પણ ઘણું નુકસાન થતું હતું. આમ છતાં તેઓને કોઈ પણ પ્રકારની તબીબી સારવાર આપવામાં નહોતી આવતી કે પછી આરામ પણ નહોતો મળતો. 

***

જશપુર તાલુકામાં રહેતી ફુટુન એલિયાસ ફુલવંતને એક બનાવટી પ્લેસમેન્ટ એજન્સી દ્વારા વર્ષ ૨૦૦૫માં દિલ્હી લઈ જવામાં આવી હતી. ત્યાં તેને અન્ય ૨૧ છોકરીઓ સાથે રાખવામાં આવી હતી. તેમને બહાર જવાની પણ પરવાનગી નહોતી. ફુટુનની સામે જ અન્ય ત્રણ છોકરીઓને વેચવામાં આવી હતી. ફુટુન કહે છે કે, મારા માટે પણ એક ‘ગ્રાહક’ સાત લાખ રૂપિયા આપવા તૈયાર થયો હતો, પણ ટ્રાફિકર્સ તૈયાર નહોતા. તેઓ દસ લાખની માગણી કરતા હતા. આથી તેમની ડીલ અટકી ગઈ હતી.” અને આ જ સમયમાં તે ભાગવામાં સફળ રહી હતી. 

***

નારાયણપુર તાલુકાની યશોદા ઓયિકેના ઘરમાં તેની સાથે અન્ય પાંચ બહેનો પણ રહેતી. ઘરમાં પૈસાની પુષ્કળ તંગી રહેતી. ઉપરાંત સરકારે શરૂ કરેલા મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ(મનરેગા)અભિયાનથી સંતોષજનક કમાણી ન થતાં યશોદા અન્ય જગ્યાએ નોકરી માટે તપાસ કરે છે. કિજુરામ નામનો વ્યક્તિ તેને વધુ પૈસાની નોકરીનું આશ્વાસન આપે છે અને તેથી પોતાના પરિવારને આર્થિક રીતે પગભર કરવા તે કિજુરામે આપેલી ઓફર સ્વીકારી લે છે, પરંતુ અંતે તેને પણ નમાક્કાલની જેમ્સ એગ્રો એક્સપોર્ટ્સ ફેક્ટરીમાં અન્ય સ્ત્રીઓની જેમ મજદૂરીમાં જોડી દેવામાં આવે છે. એક વખત કેમિકલ કન્ટેઈનર ખોલતી વખતે તેના ચહેરા પર સખત ગરમ હવા લાગી હતી અને બેભાન થઈ ગઈ હતી, પરંતુ ત્યાં કોઈએ તેને હોસ્પિટલ લઈ જવાની પણ તકેદારી નહોતી રાખી અને તેને થયેલા નુકસાનની પણ કોઈ ભરપાઈ કરવામાં આવી નહોતી.તે કહે છે કે, “ચાર મહિના સુધી સતત કામ કરવા છતાં મને એક પૈસો પણ ચૂકવવામાં આવ્યો નહોતો. પોલીસે આવીને અમને આ કેદમાંથી મુક્ત કર્યા ત્યાં સુધીમાં મારો આખો ચહેરો કેમિકલથી બળી ગયો હતો.”હવે યશોદા તેના ઘરની બહાર જતાં પણ ખચકાય છે.

***

૬૦૦ લોકોની વસતી ધરાવતું બડે જામ્હરી ગામ વાસ્તવમાં નક્સલવાદીઓથી પ્રભાવિત વિસ્તાર છે. આ ગામની છ યુવતીઓને જેમ્સ એગ્રો એક્સપોર્ટ્સ ફેક્ટરીમાં લઈ જવામાં આવી હતી. આ પૈકી એક યુવતી સાત્રી પોતાઈ પણ છે. અન્ય યુવતીઓની જેમ જ તેને પણ ભોળવીને આ ફેક્ટરીમાં લાવવામાં આવી હતી. અહીં કામનો કોઈ નિશ્ચિત સમય નહોતો. તેઓ ફેક્ટરીની બહાર પણ નહોતા જઈ શકતા અને ૬૦ જેટલી સ્ત્રીઓ વચ્ચે માત્ર એક જ બાથરૂમની સગવડ આપવામાં આવી હતી. તે કહે છે કે, “ક્યારેક અમારી પાસે રાત્રે પણ કામ કરાવવામાં આવતું અને બીજા દિવસે પણ આરામ આપવાને બદલે સતત કામ જ કરાવવામાં આવતું. જ્યારે અમે ઘરે જવાની પરવાનગી માગતા ત્યારે અમને છ મહિના પછી જવાનું કહેવામાં આવતું.” આ તમામ યુવતીઓ એકબીજા સાથે વાતચીત ન કરે તેનું પણ ધ્યાન રાખવામાં આવતું. ઉપરાંત ફેક્ટરીના માલિકો એકબીજા સાથે અંગ્રેજી અથવા તો તમિલ ભાષામાં જ વાત કરતા હતા, જેથી આ સ્ત્રીઓ તેમની વાતો સમજી ન શકે. 

***


આ તો માત્ર કેટલીક સ્ત્રીઓની વાત છે, જે છત્તીસગઢ અને તમિલનાડુ વચ્ચે ચાલતા ટ્રાફિકિંગના એક અદમ્ય ભવરમાંથી ‘સહીસલામત’ ઉગરી આવી છે, પરંતુ આ પ્રકારના અનેક કાંડ આખા દેશમાં ચાલી રહ્યા છે. પ્રસિદ્ધ મેગેઝિન ‘તહેલકા’ના પ્રયાસથી આજે આ તમામ મહિલાઓની હકીકતને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ સ્ત્રીઓ વિશે જ વધુ જાણીએ તો તેમને મહિનાના અંતે માત્ર ૧૦૦ જેટલા રૂપિયા આપવામાં આવતા હતા, જે સાબુ અને તેલ જેવી કેટલીક સામાન્ય વસ્તુ ખરીદવા પાછળ જ વપરાઈ જતા હતા. તેઓને દિવસમાં બે વાર પ્રમાણમાં ખૂબ ઓછું કહી શકાય એટલું ભોજન આપવામાં આવતું અને સાથે બે વાર ચા પણ આપવામાં આવતી. ૧૦૦ જેટલી સ્ત્રીઓ માટે એક જ ઓરડામાં સૂવાની વ્યવસ્થા કરવામાં આવતી. આમ છતાં કેટલીક સ્ત્રીઓને હંમેશાં અલગ રાખવામાં આવતી અને રાત્રે તેમના પર વારંવાર બળજબરી આચરવામાં આવતી. આ આખી ઘટના ત્યારે બહાર આવી જ્યારે રાજેશ્વરીએ આ ફેક્ટરીમાંથી નાસવામાં સફળતા મેળવી. કોરામ જ્યારે છોકરીઓના અન્ય સમૂહ સાથે ફેક્ટરીમાં આવ્યો ત્યારે રાજેશ્વરીએ તેની પાસે ઘરે જવા માટે પરવાનગી માગી. થોડા વિરોધ અને બળજબરી બાદ કોરામે તેને જવાની પરવાનગી આપી, પણ એ સાથે જ તેણે રાજેશ્વરીને અન્ય ૧૦ છોકરીઓ પણ અહીં લાવી આપવાનું કહ્યું. આ સાથે જ રાજેશ્વરીને પ્રત્યેક છોકરી દીઠ ૫૦૦ રૂપિયા આપવાની પણ લાલચ આપી. રાજેશ્વરી જ્યારે ઘરે પહોંચી ત્યારે તેણે સૌપ્રથમ મહિલાઓ અને બાળકોના વિકાસ માટે કાર્ય કરતી એક સંસ્થાના કાર્યકર્તા સામે આ આખા કાંડનો ખુલાસો કર્યો અને તેને ફેક્ટરીના માલિકનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું, જે સાફ સફાઈ દરમિયાન એકવાર તેણે લઈ લીધું હતું. આ કાર્ડની મદદથી જ પોલીસે ફેક્ટરી પર છાપો માર્યો અને તમામ મહિલાઓને ઉગારી લીધી.

છેલ્લા દસ વર્ષોમાં છત્તીસગઢમાં છોકરીઓની ગાયબ થઈ જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ૯,૦૦૦ જેટલી યુવતીઓ ગુમ થયેલી છે, જ્યારે સ્થાનિક સંસ્થાઓ પ્રમાણે આ આંકડો ૯૦,૦૦૦ જેટલો છે. આ પ્રકારના રાજ્યોમાં સ્ત્રીઓને ભોળવીને તમિલનાડુની કોઈક ફેક્ટરીમાં વેચી દેવામાં આવે છે. તો કેટલીક મહિલાઓને દિલ્હી, હરિયાણા કે પંજાબના ઘરોમાં કામ કરવા અથવા તો લગ્ન કરાવવા માટે વેચવામાં આવે છે. પ્રત્યેક સ્ત્રી દીઠ એજન્ટને ૫,૦૦૦થી ૫૦,૦૦૦ સુધીના રૂપિયા આપવામાં આવતા હોય છે. આખા દેશમાં આવા અનેક નેટવર્ક ફેલાયેલા છે. આ તમામ નેટવર્ક એટલા જટિલ અને મજબૂત હોય છે કે મહિલા એકવાર આ લોકોના સકંજામાં આવે ત્યારબાદ ફરી મુક્ત થવું લગભગ અશક્ય બની રહે છે. સમગ્ર ભારતના આંકડા તરફ નજર નાંખીએ તો આંતરરાષ્ટ્રીય શ્રમિક સંગઠને કરેલા સરવે પ્રમાણે ભારતમાં માનવ વેપારનું પ્રમાણ ૨.૫થી ૯૦ લાખ જેટલું છે. આ ઉપરાંત, કેટલીક સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ મુજબ દર વર્ષે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ૨૦,૦૦૦ જેટલા લોકો ગુમ થતા હોય છે, ગુમ થયેલા તથા માનવ વેપારનો ભોગ બનેલા લોકોમાં સૌથી વધુ સંખ્યા મહિલા અને બાળકોની જ હોય છે. 

માનવ વેપાર અને ખાસ કરીને તેના થકી સ્ત્રીઓ સાથે આચરવામાં આવતી અમાનુષી હિંસા અસ્વીકાર્ય છે. આથી આ માટે સૌપ્રથમ તો મહિલાઓએ જ સશક્ત બનવું જોઈએ. ત્યારબાદ પોલીસ પ્રશાસન અને સરકારના વિવિધ અભિયાનોને સફળ બનાવવામાં મદદ કરતાં સ્વૈચ્છિક સંગઠનોએ ભેગા મળી આ તમામ નેટવર્કની ભાળ મેળવવી જોઈએ. આ તમામના સહિયારા પ્રયાસથી જ માનવ વેપારના આ આંકડાઓને કંઈક અંશે ઘટાડી શકાશે.


અનુરાગ કશ્યપની ખાસ ફિલ્મ સિરિઝ

અનુરાગ કશ્યપ હંમેશાં વાસ્તવિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આથી આ વખતે પણ તેમણે ટ્રાફિકિંગના સંવેદનશીલ મુદ્દા સાથે ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો છે. અનુરાગ કશ્યપ ‘ટ્રાફિક’ નામના એક શો હેઠળ પાંચ સત્ય ઘટનાઓ અને તેના પીડિતોની કથા આપણી સમક્ષ રજૂ કરે છે. ૩૦ મિનિટની આ પાંચેય ફિલ્મોમાં માનવ વેપારના જુદા જુદા પાસાઓ જેમ કે, ઘરમાં ગુલામ તરીકે રાખવું, બળજબરીથી લગ્ન, દેહવ્યાપારમાં વેચવું, વિદેશી ધરતી પર ગુલામ તરીકે વેચવું, શરીરના અવયવો દગાથી કાઢી નાખવા તથા મજદૂર તરીક બંધક બનાવવા જેવા અનેક મુદ્દાઓને આવરી લેવાયા છે. આ ફિલ્મો પાછળ મુખ્ય હેતુ આજના યુવાનો અને ખાસ કરીને મહિલાઓને જાગૃત કરવાનો છે, જેથી દેશની આ ગંભીર સમસ્યા સામે લડી શકાય.


25 માર્ચ, ૨૦૧૪ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment