Saturday, February 17, 2018

લાઈફ ઈન અ મેટ્રો_ #૧

ખૂબ જમેગા રંગ જબ મિલ બેઠેન્ગે તીન યાર! :)
નેટફ્લિક્સ પર ટાગોરની વાર્તાઓ પરથી એક શ્રેણી બનાવવામાં આવી છે- એમાં એક પાત્ર સુંદર વાત રજૂ કરે છે. એ કહે છે- 'જિંદગીનો અર્થ શું છે એનાથી મને કોઈ લેવાદેવા નથી. મારે તો જિંદગી જીવવી છે. મારે જાતને ક્યાંય પણ નિચોવી નથી દેવી, બલકે મારે તો એને પામવી છે.'
બસ, આવા જ કંઈક વિચારોની ભેટ મુંબઈએ મને પણ આપી. મુંબઈની ભીડ અને ખચોખચ ટ્રેનની વાર્તાઓ ઘણી સાંભળી હતી- પણ જ્યારે એ અજાણ્યા લોકોના ટોળા વચ્ચે રહી એ જાણી-અજાણી ભીડને 'જાણી' ત્યારથી જાણે એક ચસકો લાગ્યો- અનુભવ લેવાનો ચસકો. હકીકત અને કલ્પનાના રંગોને નજીકથી પારખવાનો અથવા એમ કહો કે એકબીજામાં ભેળવવાનો!

કંઈક વાંચ્યું,જોયું એટલે બસ એ પોતે કરવાનું અને અનુભવ લેવાનો. ઓફકોર્સ, અવનવા વિચારો લાવવામાં ફિલ્મો, સીરિઝ અને પુસ્તકોનો સૌથી મોટો ફાળો! શોપિંગ હોય, સિનેમા કે પછી લોકલની સફર હોય-આદત એવી પડી કે કોઈ કંપની કરતાં એકલા જ રહેવાની મજા આવવા લાગી. એટલે સૌથી મોટું ચઢાણ તો પાર પડ્યું. હવે સમય હતો નવું-નવું કરવાનો!

                                                              ****************

ક્યાંકથી એક સુંદર ફોટો નજરમાં આવ્યો- એક પુસ્તક, કોફી અને સરસ મજાની એક પ્લેટ વિથ ફુડ! કોફીની ચુસકી સાથે પુસ્તકનો આસ્વાદ! બસ એટલે આપણે તો નીકળ્યા આ અનુભવની તલાશમાં.  બેગપાઈપરની પેલી જાહેરાત યાદ છે? ખૂબ જમેગા રંગ જબ મિલ બેઠેન્ગે તીન યાર- મેં, આપ ઔર બેપાઈપર? બસ, એકદમ એવી જ ફીલિંગ - માત્ર એમાં પુસ્તક, કોફી અને ફૂડને મૂકી દેવાનું.
  
પણ એનો ફાયદો શું? દેખીતી રીતે તો કંઈ જ નહીં, પણ લોકો કદાચ યોગા કરીને જે શાંતિ મેળવે એવી શાંતિ મને આવી સવારથી મળી. સુરતી જીવડો એટલે રવિવાર અને નાસ્તો એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા અને એમાં એક સારું પુસ્તક અને કોફી મળે એટલે બંદા ખુશખુશાલ! મન એકદમ તરંગિત થઈ જાય. દુનિયા રંગબેરંગી લાગવા લાગે અને 'કંઈક' કરવાનું ઝનૂન આવી જાય. ઉદાહરણ? આ પોસ્ટ!!
જ્યારે સ્કૂલમાં સ્વતંત્રતાની ચળવળ વિશે ભણાવવામાં આવતું ત્યારે મને પ્રશ્ન થતો કે આટઆટલું લોહી વહે અને આટલી ક્રૂરતા નજરોનજર જોઈ હોવા છતાં આ સ્વાતંત્ર્ય સેનાનીઓને કેમ સ્વતંત્ર થવાનો મોહ ઓછો નહોતો થતો? એવું તો શું થતું હશે કે આ લોકોના મન પર શારીરિક પીડા કરતાં ગુલામીની માનસિક પીડા હાવિ થઈ જાય!! આ સવાલનો જવાબ એ વખતે નહીં મળ્યો, કારણ કે જાહેરમાં કદી પૂછવાની હિંમત જ નહોતી થઈ. પણ જ્યારથી "ઈન્ડિપેન્ડન્સી"એ મારા જીવનમાં ડોકિયું કર્યું ત્યારથી આ સવાલનો જવાબ ધીરે-ધીરે મળવા લાગ્યો.

ઈન્ડિપેન્ડન્સી એક લત છે! બીજી લતોથી એ જુદી પડે, કેમ કે એ માથું ઊંચું કરી જીવવાનું શીખવે, કોઈની પણ સાડાબારી વગર પોતાના વિચારોને અનુસરવાની હિંમત આપે અને સૌથી મોટી વાત તો એ કે સાચા-ખોટાની ગૂંચવણમાં પડ્યા વિના પોતાની જ સરહદોને રોજ નવી દિશા આપે છે.     

લાઈફ ઈન અ મેટ્રો એટલે શું? લાઈફ ઈન અ મેટ્રો એટલે experiencing known things while staying around the unknown! અજાણ્યા લોકો/માહોલ વચ્ચે એવી બાબતો માણવી જેના અસ્તિત્વની પહેલેથી જ જાણ હતી. 

No comments:

Post a Comment