પહેલી વહેલી ક્રિસમસ પાર્ટી "ઓન ધ વોટર" અને દૂર દેખાય રહેલો ઓકલેન્ડ સ્કાય-ટાવર |
બે વર્ષ પહેલાં મુંબઈના અંધેરી ફ્લેટની લુક આઉટ વિન્ડોમાં બેઠાં-બેઠાં મેં એક નિર્ણય કર્યો હતો. મારી ભાષા, ચિત્રલેખાની પ્રોમિસિંગ જોબ, માતા-પિતા અને મિત્રોથી દૂર દુનિયાના એવા ખૂણામાં જવું છે જ્યાં હું એક નવી શરૂઆત કરી શકું. નવી શરૂઆત જિંદગીની? ના, નવી શરૂઆત મારા ઘડતરની, કદાચ મારા અસ્તિત્વની, જેની એક નવી વ્યાખ્યા અહીં બંધાઈ છે અને એટલે જ હું દુનિયાના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા આ નાનકડાં પણ અત્યંત સુંદર દેશ અને શહેરના પ્રેમમાં છું અને એ મારા.
દેશ ન્યુઝીલેન્ડ અને શહેર ઓકલેન્ડ. સતત દોડતા પણ હંફાવે નહીં એવા શહેરમાં આજે બે વર્ષ થયા. પણ લાગે છે કે વર્ષોથી એ મારી રાહ જોઈને બેઠું હતું. કેટલી ખુશી અને કેટલા આશ્ચર્ય! બગડેલા બાપની બગડેલી દીકરી હોઉં એમ આ શહેર મારા પર સતત પ્રેમ ( અને ડોલર પણ) વરસાવે છે! જે વિચાર આવે એ હકીકતમાં બદલી નાખે છે. એકદમ સાહિત્યિક ભાષામાં કહું તો મારા પડ્યા બોલ ઝીલે છે.
સ્વેગ/ઈ-સ્ટાઈલ!!! |
ને એમાંય કેટકેટલા અનુભવો અને કેટકેટલી રસપ્રદ ક્ષણો!!! મજાની વાત તો એ છે કે ઓકલેન્ડે એક પ્રેમીની જેમ મને ભરપૂર પ્રેમ કર્યો છે. (ના, ના હું ઓબજેક્ટ સેક્સ્યુઆલિટીથી પીડિત વ્યક્તિ નથી, મારા જીવનમાં જેને લોકો "સામાન્ય" પ્રેમ ગણે છે એ પણ છે) પણ જેમ આપણે ત્યાં હવે વેલન્ટાઈન્સ પર લવલા-લવલી પહેલી ડેટ ને પહેલી વખતના સ્પર્શની ક્ષણો વાગોળશે તેમ મને આ શહેરના પ્રેમને શબ્દોમાં આલેખવાનું મન થાય છે.
ન્યુઝીલેન્ડની એક વાત મને બહુ પસંદ છે. અહીં બધુ જ સરળ! જેવું બોલો એવું જ લખો. બધી જ વસ્તુ લિટરલી એટલે કે વાસ્તવિક હોય. જેમ કે અહીંના એક સબઅર્બનું નામ છે Onehunga, જેને બોલાય ઓનેહંગા. એટલે અહીં આવ્યા પછી જેમ આપણે ત્યાં પ્રકૃતિ, પ્રાણીઓ પ્રત્યેના પ્રેમની વાત કરવામાં આવે પણ ભાગ્યે જ અનુભવાય એનાથી તદ્દન વિપરીત, મને એ બધા જ પ્રેમની લાગણી અહીં ફર્સ્ટ-હેન્ડ થાય છે. આ વાત કદાચ મારા પૂરતી સીમિત હોય શકે, પણ બ્લોગ પણ તો મારો જ છે. ;-)
ઓકલેન્ડમાં આવ્યા બાદ મને મારા પરના બોલિવુડનો જે રંગ ચઢ્યો હતો એ સ્પષ્ટ દેખાયો. પ્રેમ, હાર્ટબ્રેક અને કોઈકનો સાથ ઝંખવાની ઈચ્છાઓથી આગળની એક વિશાળ દુનિયા ખૂલી. જેમ હવે ફિલ્મોમાં પણ લવ-સ્ટોરી કરતાં વધુ કંઈક બતાવવામાં આવે છે એમ ઓકલેન્ડમાં એ 'કંઈક વધુ' મને મળ્યું.
બસ એવા જ મારા ઓકલેન્ડના 'પહેલા-પહેલા પ્યાર હૈ' જેવા પહેલી વારના કેટલાક અનુભવો:
- ઓકલેન્ડે મને મારી પહેલી-વહેલી સ્વતંત્રતા આપી. સ્વતંત્રતા મારા બંધિત કે પછી કુંઠિત અસ્તિત્વથી, નીતિ-નિયમો અને દખિયાનુુસી વિચારોથી અને સૌથી મોટી સ્વતંત્રતા તો માતા-પિતાના હાથ છોડી પોતાના પગ પર ઊભા થવાની! આર્થિક સ્વતંત્રતાએ મને એ શીખવ્યું કે મારા માતા-પિતા એક્સ-મેન, સુપર-મેન, વન્ડરવુમન કે પછી હવે તો પેડમેનથી ઓછા નથી. એમની લાઈફ અને એમના બલિદાનો હવે ખરા અર્થમાં સમજાય છે અને એ વાતનો અફસોસ થાય છે કે આંખ થોડી વહેલી ઊઘડી હોત તો.............
પહેલી સિડાન અને બીજી કન્વર્ટિબલ! જો કે છેલ્લે જાપાનીઝ પર દિલ ટકાવ્યું. આ ગાડીઓને "ફ્લિંગ" જ કહી દો |
ઓકલેન્ડમાં પહેલી વખત 'યે દુનિયા હૈ રંગીન'ની જેમ અતરંગી લોકો સાથે રહેવા મળ્યું. એક મોટું ઘર અને એમાં અમે સાત જણ ફ્લેટમેટ્સ તરીકે રહેતા. નેશનાલિટી જર્મન, શ્રીલંકન-ભારતીય, બે ભારતીય, બ્રિટીશ અને અફ કોર્સ કિવી એટલેે કે ન્યુઝીલેન્ડર. શેરિંગ કિચન અને શેરિંગ ડાઈનિંગ ટેબલ પર કેટલીય અર્થપૂર્ણ- અર્થવિહીન વાતો. એમાંય આપણા ભારતીયોમાં પોતપોતાના રાજ્ય અને શહેરનો પ્રેમ અઢળક એટલે એની ચર્ચાઓ. એક હૈદરાબાદ, એક મુંબઈ અને ત્રીજી હું. નાનપણના કિસ્સાઓ અને અભ્યાસક્રમથી માંડીને પોલિટિક્સ, આર્ટ્સ, પોતાના સપના, નોકરી, સ્ટુડન્ટ લોન, વિઝાની અસંખ્ય વાતોથી દિવસો પૂરા થતાં. યુનિવર્સિટી પછી રસ્તા અલગ થયા અને મહિના-મહિનાઓ સુધી કોઈ સંપર્ક નહીં, પણ કોઈક કોન્સર્ટમાં દેખાય જાય તો દિલ ઊભરાય આવે (જેમ ટાઈટેનિકનું સોન્ગ સાંભળીને ઝણઝણી આવી જાય એવું જ.) પહેલી વખત દેશ-દુનિયાના કલ્ચરને નજીકથી જોયું. જાણ્યું કે આજની બ્રિટીશ જનરેશન વર્ષો પહેલાના ડોમિનેટિંગ નેચર વિશે શું વિચારે છે. ભારતની સ્વતંત્રતાના વર્ષો પછી આ બે કલ્ચરની નવી જનરેશનના વિચારો જાણવાની-અરે માત્ર સાક્ષી બનવાની મજા જ કંઈક ઓર છે.
ગુજરાતી નાટક અને ચાર અમેઝિંગ મહિના ! PC- Snehal Chauhan |
...અને એક સાંજ યુનિવર્સિટીના એવોર્ડ સમારંભને નામ! |
- નાનપણથી જ મને સપનાં જોવાની ટેવ. 'અંદાઝ અપના અપના'માં આમીર ખાન જેમ સપના જોતો એમ હું પણ ખુલ્લી આંખે ભારે-ભારે સપના જોતી. નાનપણથી બે-ચાર લોકો વચ્ચે કંઈક બોલવાનો એક અભરખો. એમ જાણે કંઈક ટોપ ફોડી હોય અને પછી ગર્વથી લોકોની વચ્ચે આપણી વાતો કહેવાની તીવ્ર ઝંખના. ઘણી વાર તો એવું થતું કે શૂન્યાવકાશમાં હું એ આખી ઘટના મનમાં ને મનમાં જ ઘડી નાખતી અને ખુશ થતી. દસમા ધોરણમાં બે માર્ક્સ માટે સુરત સેન્ટરમાં નંબર ગુમાવ્યો અને મારા સ્પીચ આપવાના સપનાના ભુક્કા બોલાયા ( પણ એ સ્પીચ અને એ તીવ્ર લાગણી આજે પણ મારા મનમાં સ્પષ્ટ રીતે જકડાયેલી છે.) પછી મુંબઈમાં રહીને નાટકોનો રંગ લાગ્યો. પૃથ્વી થિયેટરના કેફેમાં બેસીને ઓન-સ્ટેજ જવાનો ચસકો લાગ્યો. ગુજરાતી નાટકોના પ્રતિષ્ઠિત દિગ્દર્શક મનોજ શાહના નાટકમાં બેક-સ્ટેજ ક્રુ તરીકે પણ જોડાઈ. પરંતુ એ લાંબું ચાલી ના શક્યું. પણ ઓકલેન્ડમાં એ સપનું પૂરું થયું. એક વાર નહીં, ચાર-ચાર વખત. એક વાર તો અસ્સલ સ્પીચ આપી! અને નાટક પણ કર્યું- એમાંય બે અલગ-અલગ ભૂમિકા ભજવી. ગુજરાતી રંગભૂમિના એક મજાના માણસ - શૈલેશ પ્રજાપતિ -સાથે મુલાકાત થઈ અને એમણે વર્ષો જૂના સપનાને પૂરી કરવા તક આપી. એ ચાર-પાંચ મહિના પર તો બીજી એક પોસ્ટ લખાય એટલા અનુભવો અને એટલી યાદો બની છે!
આવા "પહેલા" અનુભવોની યાદી ઘણી લાંબી છે. ઓકલેન્ડનો મારા પરનો આ અઢળક પ્રેમ અને મને હંમેશાં તૃપ્ત રાખવાની એની ધગશ મને એના પ્રેમમાં રોજ વધુ ને વધુ જકડે છે. એનિવર્સરી ઉજવવાના ક્લિશેમાં બહુ રસ ન હોવા છતાં એક પોચાં દિલના પ્રેમીની જેમ આ પોસ્ટ લખવા હું મજબૂર થઈ!
No comments:
Post a Comment