Tuesday, August 6, 2013

પડદે કે પીછે: રિયલ લાઈફની વાસ્તવિકતા




જિન દિલોમેં રહા મેં બરસો તક, એક હિસ્સા ઉનમેં મેરા ભી થા,
ફિર વહીં રહેના હૈ મુજે, ઘર યાદ આતા હૈ મુજે!

જીવનના અમૂલ્ય વીસ-પચ્ચીસ વર્ષ માતા-પિતાની હૂંફ અને છાયામાં રહેલી દરેક સ્ત્રી આ ગીતોના શબ્દને સદા પંપાળતી રહેતી હોય છે. સૂજેલી આંખો કે પછી ચહેરા પર આંગળીઓની છાપવાળી એકાદ સ્ત્રી તો આપણે સૌએ એકાદ વાર તો નિહાળી જ હશે! અને આ દ્રશ્ય કોઈ નાનકડા ગામ કે તાલુકાનું નહીં, આપણાકહેવાતા વિકસિત સમાજનું જ વર્ણન છે,જયાં સ્ત્રીઓ પર હાથ ઉઠાવવો એ પૌરુષત્વનું એક પરિમાણ છે! સમગ્ર વિશ્વમાં, હા, અમેરિકા જેવા મહાસત્તા ધરાવતા દેશોથી લઈને અનેક વિકાસશીલ દેશોમાં સ્ત્રીઓ આ પ્રકારની ઘરેલું હિંસાનો ભોગ બનતી આવી છે! કેટલીક વિખ્યાત સ્ત્રીઓ એવી છે જેઓએ લાખો-કરોડો ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે, પરંતુ માધ્યમોએ જેમને સ્ટાર્સ કે સેલિબ્રિટીનું બિરુદ આપ્યું છે એ સ્ત્રીઓ પણ આ પ્રકારના ડોમેસ્ટિક અબ્યુસ (ઘરેલું હિંસા)નો ભોગ બની છે, પરંતુ સહન કરવા કરતા તેમણે એની સામે અવાજ ઉઠાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

તાજેતરમાં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ (૧૯૯૯) યુકતા મુખીએ પણ એના પતિ પ્રિન્સ તુલી સામે પોતાના પાંચ વર્ષના લગ્નજીવન દરમિયાન દહેજ તથા અસ્વાભાવિક કામવાસના ઉપરાંત ઘરેલું હિંસાના આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. યુકતા મુખી અને પ્રિન્સ તુલીએ ૨ નવેમ્બર, ૨૦૦૮ના રોજ નાગપુર ગુરૂદ્વારામાં પરંપરાગત શિખ શૈલીમાં લગ્ન કર્યા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી યુકતા મુખી એના ત્રણ વર્ષના નાના બાળક સાથે એના માતા-પિતાને ત્યાં રહે છે. ૨૦ વર્ષની ઉંમરે મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ બોલિવૂડમાં થોડી ઘણી ફિલ્મોમાં અભિનય કરીને ઠરીઠામ થયેલી યુકતા મુખી હોય કે પછી દેશના નાના કોઈ ગામમાં રહેતી અને પતિને જ સર્વસ્વ માનતી નિરક્ષર સ્ત્રી, બંનેની સ્થિતિમાં ઝાઝો તફાવત નથી, કારણ કે બંને સરખી જ હિંસાના સાક્ષી બન્યા છે. હા, ફરક માત્ર એટલો છે કે યુકતા મુખી દેશની એક જાણીતી અભિનેત્રી અને મોડેલ છે અને તેથી જ તેણે અવાજ ઉઠાવવાની હિંમત કરી, જે અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણાદાયક વાત બની રહે છે.

પ્રસિદ્ધ ટીવી કલાકાર અને 'પ્રેરણા'ના નામે જાણીતી થયેલી શ્વેતા તિવારી અને રાજા ચૌધરીના લગ્ન ભંગાણ વિશે આપણે સૌ જાણીએ છીએ. ૧૮ વર્ષની કાચી ઉંમરે લગ્ન કરી અને ઘરેલું હિંસાનો ભોગ બની,૧૪ વર્ષ સુધી એ ભૂલને નિભાવી,ગયા વર્ષે એ કાનૂની રીતે લગ્નમાંથી મુક્ત થઇ! તાજેતરમાં તેણે બીજા લગ્ન કર્યાં છે. બોલિવૂડની રીલ થોડી પાછળ લઇ જઈએ તો 'સત્યમ, શિવમ, સુન્દરમ'માં બોલ્ડ અને આકર્ષક દેખાવવાળી ઝિન્નત અમાન આપણી નજરે ચઢે છે. ફિલ્મી પડદા પર અભિનયથી દેશના તમામ લોકોને ઘાયલ કરનારી ઝિન્નત અમાન એની ઓફ સ્ક્રીન લાઈફમાં પોતે ઘણીવાર ઘાયલ થઇ ચુકી છે. હા, બે વાર લગ્ન કર્યા હોવા છતાં બંને વાર એ ઘરેલું હિંસાનો ભોગ બની હતી. 

વર્ષ ૧૯૭૦માં મિસ એશિયા પેસિફિકનું બિરુદ મેળવનાર ઝિન્નત અમાને ૨૦ ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ તે સમયના પ્રખ્યાત અભિનેતા સંજય ખાન સાથે નિકાહ કર્યા પરંતુ જાહેરમાં વારંવાર થતી મારપીટ અને શારીરિક અપમાનથી ત્રાસીને તેણે સંજય ખાનથી છુટા પડવાનું નક્કી કર્યું. એક વાર તો સંજય ખાને તેને એટલી ક્રૂરતાથી મારી હતી કે તેની એક આંખને ઘણું નુકસાન પહોંચ્યું હતું. આથી ૨૪ નવેમ્બર, ૧૯૭૯ના રોજ ઝિન્નત અમાને સંજય ખાન સાથેના તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યું. ત્યારબાદ લગભગ ૬ વર્ષના સમયગાળા બાદ ફરીથી ઝિન્નત અમાને મઝહર ખાન સાથે લગ્ન કર્યા. મઝહર ખાન પણ બોલિવૂડનો એક જાણીતો કલાકાર હતો, પરંતુ ઝિન્નત અમાનનું આ બીજું લગ્નજીવન પણ નિષ્ફળ નીવડ્યું. મઝહર ખાન પણ વારંવાર ઝિન્નત અમાનને મારતો અને શારીરિક ઈજા પહોંચાડતો. આથી ફરી ઝિન્નત અમાને આ લગ્નજીવનને ટૂંકાવ્યું. અહીં, સમાજની ઈજ્જત કે પછી 'સ્ત્રી એટલે તો સહનશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ' જેવી ઉક્તિઓને અપનાવવા કરતા ઝિન્નત અમાને બહાદુરીપૂર્વક પોતાની પર થયેલા અત્યાચારોને વાચા આપી હતી અને એ જમાનામાં પણ ડાઈવોર્સ આપવાની હિંમત દેખાડી હતી. આજે પણ સ્ત્રીએ પોતાના પર થતા દરેક અત્યાચાર સામે અવાજ ઉઠાવતા શીખવું જોઈએ. જ્યારે બગીચામાં કોઈ એક વૃક્ષના નાના પાંદડા પર જીવાત લાગે છે ત્યારે વિના વિલંબે એ પાંદડું કાઢી નાખવામાં આવે છે, જેથી કરીને આખા બગીચાને બચાવી શકાય, પરંતુ જ્યારે કોઈ પતિ કે પ્રિયતમ પહેલી વખત આ પ્રકારની હિંસા આચરે છે, ત્યારે એને શરૂઆથી જ શા માટે અટકાવવામાં નથી આવતી? દરેક સ્ત્રીએ એ પહેલા અત્યાચાર સમયે જ અવાજ ઉઠાવવો જોઈએ, જેથી કરીને તેમના જીવનરૂપી આખો બગીચો સલામત રહે.

આપણો સમાજ વિકસી તો રહ્યો છે, પણ સાથે જે વર્ષો પુરાણી બદીઓ અને વિચારસરણીઓ છે એમાંથી શું તે સંપૂર્ણ રીતે મુક્ત થયો છે ખરો? તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ભારતમાં નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પણ ઘરેલું હિંસાના અનેક કેસો હવે વધતા જાય છે. પ્રખ્યાત બ્રિટીશ ફૂડ રાઈટર અને જર્નાલિસ્ટ નિગેલા લોસે પણ એના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો દાવો કરી છૂટાછેડા માટે અરજી કરી હતી. વળી, બાર્બાડોસમાં જન્મેલી અને આર એન્ડ બી સોલ મ્યુઝિક માટે જાણીતી થયેલી રિહાનાએ પણ વર્ષ ૨૦૦૯માં એના બોયફ્રેન્ડ ક્રિસ બ્રાઉન વિરુદ્ધ શારીરિક હુમલા અંગેની ફરિયાદ નોંધાવી હતી. એના ગંભીર રીતે જખમી ચહેરાને જોઈ પોલીસે તરત જ ક્રિસને કેદ કર્યો હતો. વિશ્વમાં દરેક જગ્યાએ  સ્ત્રીઓ પર થતા પુરુષોના અત્યાચારોમાં અમેરિકા પણ બાકાદ રહ્યું નથી. અમેરિકાની પ્રખ્યાત અભિનેત્રી હેલી બેરી પણ તેના પૂર્વ બોયફ્રેન્ડ ગેબ્રિઅલ ઓબ્રેય તરફથી શારીરિક હિંસાનો ભોગ બની હતી અને એના પરિણામ સ્વરૂપ બેરીના એક કાનની શ્રવણશક્તિને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું!

બધાને આવી ભૂલો સુધારવાની તકો નથી મળતી અને વળી, આ બધામાં, જન્મેલા બાળકોની શું સ્થિતિ થતી હશે? 'એતો બાળક આવશે એટલે બધું સરખું થઇ જશે' આ પ્રકારની જડ અને ખોટી માન્યતા તથાસંકુચિત વિચારસરણીએ કેટલી સ્ત્રીઓ અને કેટલા બાળકોની જિંદગીને નરક બનાવી છે.આમ છતાં, " ગામડાની સ્ત્રીઓ આપણા કહેવાતા 'શહેરી સમાજ' કરતાં વધુ બહાદુર અને નિખાલસ હોય છે. તેઓ સમાજની પરવા કર્યા વગર તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે. જ્યારે શહેરની સ્ત્રીઓ પોતાના પર થતાં અત્યાચારોને ચાર દીવાલોની વચ્ચે દાબી દેવામાં જ હોંશિયારી સમજે છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવ કરતા બધું સારું હોવાનો દેખાડો કરે છે."આ શબ્દોપ્રખ્યાત બંગાળી લેખિકા અને કાર્યકર્તા તસ્લીમા નસરીનના છે. તેઓઆગળ કહે છે કે, " મધ્યમ વર્ગના અને કેટલાક ચુનંદા લોકો જ સૌથી વધારે ઘરેલું હિંસાના ભોગ બનતા હોય છે અને તે પણ સ્ત્રીને જેની સાથે સૌથી વધુ આત્મીયતા હોય એવા પતિ કે પછી બોયફ્રેન્ડ પાસેથી જ આવી હિંસાનો સામનો કરવો પડતો હોય છે. "

સ્ત્રીઓના હક માટે લડત આપતી જાણીતી કાર્યકર્તા રંજના કુમારી કહે છે કે," મોટી હસ્તીઓના આ પ્રકારના પગલાઓથી હું ખૂબ ખુશ થઇ છું. ભ્રામક પ્રતિષ્ઠાને સાચવવા કરતા, ડર્યા વગર હવે એ લોકો પણ અવાજ ઉઠાવતા થયા છે. આથી તેમને અનુસરતી બીજી કેટલીય સ્ત્રીઓને આમ કરવા માટે પ્રોત્સાહન મળશે." આ તો માત્ર એવી સ્ત્રીઓ છે જેણે અવાજ ઉઠાવવાની હિંમત કરી છે, પરંતુ જો સાચ્ચે જ આ મુદ્દા માટે ઊંડાણપૂર્વક વિચારવા અને રિસર્ચ કરવા જઈએ તો ઘણી ગંભીર અને ચોંકાવનારી હકીકતોનો સામનો કરવો પડે એમ છે. 

૬ જુલાઈ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

1 comment:

  1. "Zombies Male" , I think this the word which suited to these kind of male .. I don't know how they can be so brutal to women whom they love .. Such #IngloriousBastard..

    ReplyDelete