Tuesday, June 3, 2014

પરંપરા સામે જીવદયાની મહત્તા કેટલી?

 
તમને એક ગોળાકાર સીમામાં છૂટા મૂકીને ‘બાંધી’ દેવામાં આવે છે અને આજુબાજુ હજારોની સંખ્યામાં લોકોની ચિચિયારી તમને સંભળાઈ રહી છે. તમને માન, પ્રતિષ્ઠાના દબાણ હેઠળ એ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બપોરની ગરમી અસહ્ય થઈ રહી છે અને એવામાં તમને હરાવવા એક સ્પર્ધકને મેદાનમાં ઉતારવામાં આવે છે. તમારો ડર, ગભરાટ અને અસંમજસ કોઈ જોઈ શકતું નથી, પરંતુ હવે માહોલ એવો જામી ચૂક્યો છે કે જો તમે સ્વબચાવ ન કરો તો તમારો જ સ્પર્ધક તમને હાનિ પહોંચાડી શકે એટલો હિંસક બની શકે છે અને માટે તમે લડાઈ શરૂ કરો છો. હાર-જીત કરતાં તમને થયેલી શારીરિક અને માનસિક યાતના અશાબ્દિક થઈ રહે છે અને તમારી હાર-જીતને આધારે ઈનામોના વિતરણને મૂંગે મોઢે તમે નિહાળી રહ્યા છો. શું તમે દયનીય અને નિઃસહાયની લાગણી અનુભવી રહ્યા છો? જો હા, તો આ જ દૃષ્ટાંતમાં પોતાની જગ્યાએ એક મૂંગા પ્રાણીને કલ્પી જુઓ, સ્થિતિ કદાચ વધુ દયનીય અને કરૂણ લાગશે!

આ વાત છે હાલમાં જ પ્રતિબંધિત થયેલી તમિલનાડુની ‘જલ્લીકટ્ટુ’ રમતની, જે સામાન્ય રીતે દક્ષિણ ભારતના પ્રસિદ્ધ તહેવાર પોંગલમાં જોરશોરથી ઉજવવામાં આવે છે. જલ્લીકટ્ટુ શબ્દ તમિલ શબ્દ ‘સલ્લી કાસુ’(સિક્કા) અને ‘કટ્ટુ’(પેકેજ) પરથી ઉપજાવવામાં આવ્યો છે. પહેલાના સમયમાં આખલાના શિંગડા પર સોના કે ચાંદીના સિક્કા બાંધવામાં આવતા હતા. જે સ્પર્ધક પોતાના બળથી આ સિક્કા મેળવવામાં સફળ રહેતું તેને આ સિક્કા ઈનામરૂપે મળતા. ‘જલ્લીકટ્ટુ’ રમતમાં એક નિશ્ચિત, સીમિત વિસ્તારમાં આખલાને વળગીને પુરુષ કેટલો સમય તેની સામે બાથ ભીડી શકે અથવા તો તેના પર લટકીને અંતિમ સીમા સુધી પહોંચી શકે એ વાત મુખ્ય હોય છે. પહેલાના સમયમાં આ રમત ખાસ કરીને મહિલાઓ પોતાના જીવનસાથીની પસંદગી કરી શકે એ માટે રમાવામાં આવતી. આખલા પર પોતાનું સંતુલન જાળવી રાખવું એ જાણે પૌરુષત્વનું શ્રેષ્ઠ પ્રમાણ હોય એમ મહિલાઓ માટે પુરુષની પસંદગી થતી! અને તેથી જે પુરુષ સફળતાપૂર્વક આખલા પર પોતાનું સંતુલન જાળવી શકે એ મહિલાનો જીવનસાથી બને એવી પરંપરા હતી. જોકે, હવે સમય બદલાયો છે અને સાથે લોકોના વિચારો પણ બદલાયા છે, પણ આ રમતને પરંપરાનું નામ આપી હજુ સુધી તમિલનાડુમાં તેને બમણા ઉત્સાહથી રમવામાં આવી રહી હતી, જેના પર હવે તમિલનાડુની વડી અદાલતે પ્રતિબંધ મૂક્યો છે.

જલ્લીકટ્ટુની પરંપરા સાથે પોતાના પૂર્વજોની કથાઓને સાંકળી અહીંના લોકો આ રમતને શ્રદ્ધાની દૃષ્ટિથી જોતા આવ્યા છે. આખલાની આ રમત માટે ખાસ પુલીકુલમ અથવા જેલ્લીકુટ જાતિના આખલાનો ઉછેર કરવામાં આવે છે. આખલાઓને તંદુરસ્ત રાખવા માટેની તમામ કાળજી તેના માલિકે રાખવાની હોય છે. લગભગ એક દિવસના ૧૦૦ રૂપિયા લેખે તેનો ખર્ચ આવતો હોય છે, છતાં ‘જલ્લીકટ્ટુ’ની ઉત્સુકતાને કારણે લોકો હોંશેહોંશે આખલાની કાળજી લેતા હોય છે. જલ્લીકટ્ટુની તૈયારી ૬૦ દિવસ અગાઉથી શરૂ થઈ જાય છે અને આ માટે જે-તે વિસ્તારના પ્રત્યેક પરિવાર પાસેથી લગભગ હજાર રૂપિયા લેવામાં આવે છે. આખલા, તેની કાળજી રાખનાર વ્યક્તિ અને સ્પર્ધક માટે એક અઠવાડિયા સુધી દરરોજ ૪૦૦ કિલોગ્રામ જેટલો ભાત રાંધવામાં આવે છે, જેના કારણે એ રમત બરાબરીની થઈ શકે!


અમુક સેકન્ડના આ ખેલમાં આખલા અને માણસોના માથે ટોળાતા જીવના જોખમને હજારોની સંખ્યામાં લોકો ‘માણતા’ હોય છે. અલબત્ત, આ રમતમાં લોકો ગંભીર રીતે ઘવાતા હોય છે તો ક્યારેક જાનહાનિ પણ થતી હોય છે, છતાં દર વર્ષે તેની આતુરતાથી રાહ પણ જોવાતી હોય છે, પરંતુ જ્યારે તમિલનાડુની વડી અદાલતે આ રમત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો ત્યારે અહીંના લોકોએ તેનો ઘણો વિરોધ કરવાનો શરૂ કર્યો. કોર્ટે રજૂ કરેલા સંશોધન અનુસાર જલ્લીકટ્ટુની રમત દરમિયાન આખલાઓ ભય અને પીડાને કારણે ત્યાંથી બહાર નીકળવા માટે બેબાકળા બની જતાં હોય છે, પરંતુ તે વિસ્તાર ચારે બાજુથી ઘેરાયેલો હોવાથી આખલાઓએ ફરજિયાતપણે આ રમતનો હિસ્સો બનવું પડતું હોય છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી આ રમત આજના સમયમાં ખરેખર તો આખલાના ભય, તકલીફ અને પીડાની સામે મનુષ્યની પ્રતિક્રિયા દર્શાવતી એક રમત બની ચૂકી છે. જ્યારે કોર્ટના આ ચુકાદા સામે સ્થાનિક લોકોનું માનવું છે કે, આ દલીલો તદ્દન પાયા વિનાની છે. જો જલ્લીકટ્ટુની પ્રથા ના હોય તો આખલાની કેટલીક ખાસ જાતિનું અસ્તિત્વ જ ના રહે! તેઓનું માનવું છે કે જલ્લીકટ્ટુ માટે તૈયાર કરવામાં આવતા આખલાઓને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. આ રમત થકી તેમને હેરાનગતિ નહીં, પરંતુ સન્માનવામાં આવે છે.

અહીંના લોકો માટે આ રમતનું મહત્ત્વ એટલું છે કે તેઓ આખલાની પૂજા કરતાં હોય છે. આ વિશે તમિલનાડુના તિરુચિરાપલ્લી તાલુકાના એક ગામમાં ૫૩ વર્ષીય ચિન્ના કહે છે કે, “આ આખલાઓને કશું મેળવવા માટે તૈયાર કરવામાં આવતા નથી. તેઓ અમારા માટે દેવ સમાન છે અને જલ્લીકટ્ટુ માટે કુમકુમ તથા હળદરથી તેમનો ખાસ અભિષેક કરવામાં આવે છે.” આ બુઝુર્ગના ઘર પાસે ‘રામુ’ નામની એક પવિત્ર જગ્યા બનાવવામાં આવી છે. ચિન્નાના પિતા પાસે રામુ નામનો એક આખલા હતો અને તે તેની સમગ્ર ‘કારકિર્દી’ દરમિયાન હંમેશાં જલ્લીકટ્ટુની રમતમાં જીત્યો હતો. આથી તેને સન્માનપૂર્વક તેમના ઘર પાસે જ દાટવામાં આવ્યો હતો અને હવે તે એક પવિત્રધામ તરીકે પૂજાય છે! ચિન્ના ઉમેરે છે કે, “અમે આજે પણ રામુના એ જુસ્સાને પૂજીએ છીએ. અમે જે રીતે આ આખલાઓ સાથે સંકળાયેલા છે તે રીતે પ્રાણીઓના હકો માટે લડતાં કાર્યકર્તાઓ ક્યારેય પણ સંકળાઈ શકે એમ નથી.” તો બીજી બાજુ કેટલાક સ્થાનિકો એમ પણ માને છે કે જલ્લીકટ્ટુ તેમની છેલ્લી કેટલીક પેઢીઓથી ચાલી આવતી ગૌરવશાળી પ્રથા છે. આથી જો આ રમતને પ્રતિબંધિત કરવામાં આવે તો આખલાઓનો ઉછેર કરવાનો કોઈ જ અર્થ રહેતો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે કોર્ટના ચુકાદા બાદ જ કેટલાક લોકોએ તો પોતાના આખલાઓને ‘ઠેકાણે’ કરવાની કામગીરી પણ શરૂ કરવા માંડી છે. 

જ્યારે જલ્લીકટ્ટુ પર કોર્ટનો કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો ત્યારે આ આખલાઓની કિંમત લાખોમાં રહેતી હતી અને હવે એ જ આખલાઓને(મોટા ભાગના) કતલખાનામાં મોકલવામાં આવી રહ્યા છે! વર્ષો પહેલા પરંપરાગત રીતે આ રમત બે જાતિના લોકો વચ્ચે એક સેતુ પ્રસ્થાપિત કરવા માટે રમાતી હતી, પરંતુ હવે સમાજ બદલાઈ રહ્યો છે. આથી હજી પણ સંસ્કૃતિ, પરંપરા અને ધર્મના નામે કેટલીક બિનજરૂરી રમતો, ઉજવણી કરવી એ માત્ર અતાર્કિક જ નહીં, પરંતુ અનુચિત પણ છે. આશ્ચર્ય એ વાતનું પણ છે કે એકવીસમી સદીમાં સ્માર્ટ ફોન પર ‘ટેમ્પલ રન’ રમતું યુવાધન પણ વર્ષો જૂની કેટલીક બિનજરૂરી પરંપરાઓમાં રચ્યુંપચ્યું રહે છે. આ યુવાનોના સાથ અને સહકારથી જ હવે અહીંના લોકોએ તમિલનાડુની વડી અદાલતે આપેલા આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં લઈ જવાની તૈયારી શરૂ કરી છે.

No comments:

Post a Comment