Monday, June 23, 2014

વિશ્વનું હાથેથી લખાતું એકમાત્ર ન્યૂઝપેપર

સંપાદક સૈયદ આરિફુલ્લાહ 'ધ મુસલમાન' સાથે 
આજે ટેકનોલોજીના સહારે માનવીની વૈચારિક પ્રગતિ તો સારા પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ એ સાથે જ તેની લાગણીશીલતા તથા ભાવનાત્મક પ્રગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ન્યૂઝપેપરમાં છપાતા બળાત્કાર, મૃત્યુ, લૂંટફાટ યુદ્ધોના કિસ્સા સામાન્ય બનતા જાય છે, કારણે કે એ વાંચનાર આ તમામ સમાચારોથી ટેવાઈ ગયો છે અને સાથે જ જ્યાંથી તે આ માહિતી મેળવે છે તે ન્યૂઝપેપરના કાળા અક્ષરોમાં કોઈ લાગણી કે દેખીતો ભાવ તે અનુભવી શકતો નથી. ન્યૂઝ પેપરોના આ કાળા અક્ષરોએ નિષ્ઠુરતા તો લાવી જ છે, પણ સાથે ન્યૂઝપેપરની મહત્તા પણ મહદ અંશે ઘટાડી દીધી છે, પણ આશ્ચર્યની વાત તો એ છે કે ભારતના એક ખૂણામાં આજે પણ હાથેથી લખાયેલું એક ન્યૂઝપેપર પ્રિન્ટેડ ન્યૂઝપેપરની આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા વર્ષોથી પ્રયત્નો કરી રહ્યું છે!

‘ધ મુસલમાન’ને કદાચ દુનિયાનું એકમાત્ર અને છેલ્લું દૈનિક સમાચારપત્ર ગણાવી શકાય, જે હાથેથી લખાય છે! વળી, રસપ્રદ વાત તો એ છે કે તે ઉર્દૂ ભાષામાં લખાય છે અને તેના માટે ખાસ કેલિગ્રાફર્સ(સુંદર અક્ષરે લખનાર) રોકવામાં આવ્યા છે. આ કેલિગ્રાફર્સ ‘કાતિબ’ તરીકે જાણીતા છે. આજે જ્યારે કમ્પ્યુટરે આપણું તમામ કાર્ય તદ્દન સરળ બનાવી દીધું છે ત્યારે હાથેથી લખાતા આ ન્યૂઝપેપરને ચલાવવું પણ એક હિંમતનું કામ છે અને આ કાર્ય તેના સંપાદક સૈયદ આરિફુલ્લાહ કરી રહ્યા છે. વાસ્તવમાં વર્ષ ૧૯૨૭માં આરિફુલ્લાહના દાદા સૈયદ અઝમાતુલ્લાહ એ આ દૈનિક સમાચારપત્રકની શરૂઆત કરી હતી. તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસ સેશનના પ્રેસિડન્ટ ડો. મુખ્તાર અહેમદ અંસારીએ આ સમાચારપત્રકનું લોકાર્પણ કર્યું હતું. ચેન્નઈમાં શરૂ થયેલું આ ઉર્દૂભાષી ન્યૂઝપેપર તેના કાતિબોના હાથેથી લખાયેલા લેખો માટે ઘણું જાણીતું હતું. સૈયદ અઝમાતુલ્લાના મૃત્યુ બાદ તેમના પુત્ર સૈયદ ફૈઝુલ્લાહે આ જવાબદારી સંભાળી અને ઉર્દૂ હસ્તાક્ષરી(કેલિગ્રાફી) માટે જાણીતા તેમના સમાચારપત્રની પ્રથા જાળવી રાખવાની કામગીરીમાં પોતાનું સમગ્ર જીવન લગાવ્યું. 

‘ધ મુસલમાન’ ચાર પાનાનું દૈનિક અખબાર છે, જે સાંજે પ્રસિદ્ધ થાય છે. તેના પહેલાં પાના પર સ્થાનિક અને રાષ્ટ્રીય સમાચારો, બીજા પાના પર આંતરરાષ્ટ્રીય સમાચારની સાથે એડિટોરિયલ લેખો, ત્રીજા પાના પર હદીથ (ધાર્મિક પરંપરાને લગતી માહિતી), કુરાનમાંથી કેટલાક અવતરણો તથા રમતગમતના સમાચારો અને ચોથા પાના પર જુદા-જુદા ક્ષેત્રને આવરી લેતા નાના-મોટા લેખોની સાથે સ્થાનિક સમાચારોનો પણ સમાવેશ કરવામાં આવતો. સમગ્ર પેપર તૈયાર થતું હોય ત્યારે તેના પહેલાં પાના પર થોડીક જગ્યા બાકી રાખવામાં આવતી, જેથી ક્યારેક કોઈ બ્રેકિંગ ન્યૂઝ આવે તો તરત તેમાં સમાવી શકાય. શરૂઆતથી લઈને આજ સુધી આ સમાચારપત્રક ૮૦૦ સ્ક્વેર ફૂટની એક નાનકડી ઓફિસમાં એ.સી. વગેરે જેવી કોઈ પણ આધુનિક સુવિધા વિના ચલાવવામાં આવે છે. ‘ધ મુસલમાન’ વિશે માહિતી આપતાં આરિફુલ્લાહ જણાવે છે કે, “અમે છેલ્લા ૮૭ વર્ષથી આ પરંપરાને જાળવી રહ્યા છીએ. મારી કારકિર્દીના શરૂઆતના ત્રણ વર્ષ અહીં કામ કર્યા પછી જ મેં નિશ્ચય કરી દીધો હતો કે હું મારું સમગ્ર જીવન ‘ધ મુસલમાન’ને આપીશ.”

'ધ મુસલમાન'માં હાથેથી ઉર્દૂ કેલિગ્રાફી લખતાં કાતિબો
આ દૈનિક સમાચારપત્રકમાં કાર્ય કરતાં કર્મચારીઓ માને છે કે આ સમાચારપત્રક તેમની વર્ષો જૂની કળાને જીવંત રાખવામાં ઘણો મહત્ત્વનો ફાળો ભજવી રહ્યું છે અને તેમનું આ દૈનિકપત્ર માટેનું યોગદાન માત્ર એ પરંપરાની જ જાળવણી નહીં, પરંતુ ઉર્દૂ ભાષાની પણ જાળવણી કરી રહ્યું છે. આ સમાચારપત્રની ઓફિસમાં એક પુરુષ અને બે મહિલાઓ કેલિગ્રાફર્સ એટલે કાતિબ તરીકે કાર્ય કરે છે. આ દરેક કાતિબને એક-એક પાનું હાથેથી લખતાં ત્રણ કલાક જેટલો સમય લાગતો હોય છે. આ માટે ખાસ તાલીમબદ્ધ કાતિબોની જરૂર હોય છે, કારણ સમગ્ર પેપર હાથેથી લખાતું હોવાથી કોઈ પણ પ્રકારની ભૂલ જે-તે પાનાને ફરીથી લખવા આમંત્રણ નોતરે છે. જ્યારે આ આખું પેપર લખાઈને તૈયાર થઈ જાય ત્યારે તેની ફોટો નેગેટિવ તૈયાર કરી પ્રિન્ટિંગમાં મોકલવામાં આવે છે. 

આ સમાચારપત્રકમાં મુખ્ય કાતિબ(કોપીરાઈટર) તરીકે કાર્ય કરતાં રહેમાન હુસૈની વર્ષોથી તેની સાથે સંકળાયેલા છે. જોકે, તેમણે એકાઉન્ટન્ટ તરીકે ‘ધ મુસલમાન’માં પોતાની નોકરીની શરૂઆત કરી હતી, પરંતુ ધીમે ધીમે ઉર્દૂ હસ્તાક્ષરી શીખી, તેમાં નિપુણતા કેળવી આજે મુખ્ય કેલિગ્રાફર તરીકે મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યા છે. તેઓ કહે છે કે, “અમારી ઉર્દૂ ભાષાની જાણકારીને કારણે આજે અમારું લોકો સન્માન કરે છે અને એટલે જ હું જીવનપર્યંત આ દૈનિક સાથે સંકળાયેલો રહીશ.” આ સિવાય તેમના રિપોટર્સ દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ જેવા રાજ્યોમાં પણ ફેલાયેલા છે. આ તમામ રિપોટર્સ તેમના લેખો ફેક્સની મદદથી કે પછી ફોન દ્વારા અહીંના કેલિગ્રાફર્સને મોકલી આપતા હોય છે. 

આ પેપરનો નફો જોવા જઈએ તો તદ્દન નજીવો છે. કાતિબો કંઈ ખાસ કમાઈ શકતા નથી. વર્ષ ૨૦૦૮ સુધી તો મુખ્ય કાતિબ રહેમાનને મહિને માત્ર રૂપિયા ૨,૫૦૦ મળતા હતા તથા અન્ય બે મહિલા કાતિબ શબાના અને ખુર્શીદને એક દિવસના રૂ. ૬૦ લેખે પગાર ચૂકવવામાં આવતો હતો. જોકે, તમામ કાતિબો માટે વળતર કરતાં વધુ મહત્ત્વનો તેમના હાથેથી લખાતા કેલિગ્રાફીનો આનંદ છે. તેઓ સમાચારપત્રક માટે આવતી જાહેરાતમાં પણ ઉર્દૂ કેલિગ્રાફીનો જ ઉપયોગ કરે છે. સામાન્ય રીતે અખબારમાં જાહેરાત માટે સરકાર તરફથી કેટલીક જાહેરખબરો આપવામાં આવતી હોય છે, પંરતુ સંપાદક આરિફુલ્લાહ જણાવે છે કે, રાજ્ય સરકાર તરફથી તેમના આ દૈનિક માટે ખાસ કોઈ જાહેરખબર પૂરી પાડવામાં આવતી નથી. અલબત્ત, ઘણીવાર જાણીતા કવિ, ધાર્મિક વડા કે નેતાઓ પેપરની ઓફિસે આવી તેમાં પોતાનું યોગદાન આપી જતાં હોય છે, જેથી તેની મહત્તામાં વધારો થાય છે. ૭૫ પૈસામાં વેચાતા આ ન્યૂઝપેપરના લગભગ ૨૨,૦૦૦ જેટલા ગ્રાહકો છે. 

સામાન્ય રીતે આપણે દેશની સંસ્કૃતિ અને ભવ્ય ઈતિહાસને વાગોળીને તેના ભૂતકાળના દિવસોમાં રાચતા હોઈએ છીએ. ભવ્ય ભૂતકાળથી આંખોને આંજી તેનું ગૌરવ લેતા હોઈએ છીએ, પરંતુ જ્યારે તેની જ જાળવણી અને સંરક્ષણ વિશે પોતાના યોગદાન તરફ નજર કરીએ ત્યારે આપણી વ્યવહારુતા તે માર્ગ આડે આવતી હોય છે. આજના સમયમાં જૂની પ્રથાને વળગી નવી ટેકનોલોજીનો શ્વાસ રૂંધવો એ તદ્દન રૂઢિવાદી વિચારસરણી છે, પરંતુ નવી ટેકનોલોજીના સહારે વર્ષો જૂની પરંપરાની અવગણના કરવી તેને નિશ્ચિતપણે ગેરવાજબી વલણ ગણાવી શકાય. ભૂતકાળની સંસ્કૃતિ અને વર્તમાનની ટેકનોલોજીના પલ્લાનું સમતોલન સાધીશું તો જ પ્રગતિ સ્થિર અને કાયમી રહી શકશે. 


કેલિગ્રાફીની પરંપરા

‘ધ મુસલમાન’ દૈનિકની ખાસિયત તેનું હાથેથી લખાતું લખાણ છે, પણ એક વધુ વિશેષતા ગણાવીએ તો આ સમગ્ર સમાચારપત્રક ઉર્દૂ હસ્તાક્ષરી(કેલિગ્રાફી)માં લખાય છે. ભારતમાં ઉર્દૂ કેલિગ્રાફીની શરૂઆત વર્ષ ૧૮૩૬માં થઈ હતી અને આ જ વર્ષે સૌપ્રથમ ઉર્દૂ પણ ન્યૂઝપેપર બહાર પડ્યું હતું. આ પહેલા પર્શિયન હસ્તાક્ષરી પ્રસિદ્ધ હતી. જોકે, વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં ઉર્દૂ હસ્તાક્ષરીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો હતો. તે સમયે કુરાન લખવા માટે પણ આ જ હસ્તાક્ષરીનો ઉપયોગ થતો. પરંતુ સમય સાથે, ટેકનોલોજીના વિકાસથી હસ્તાક્ષરીની પ્રથા ઘટતી ગઈ. એક સમયે ઉર્દૂ કેલિગ્રાફી લખતાં કલાકારોના જૂથ એટલે કે કાતિબો પાસે આમંત્રણ પત્રિકા અથવા તો નોંધ લખાવવા માટે લોકોની લાંબી કતાર લાગતી હતી અને આ આજે આ હસ્તાક્ષરીમાં નિપુણ એવા કાતિબોની સંખ્યા જ જૂજ માત્રામાં મળી આવે છે! જોકે, ‘ધ મુસલમાન’ દૈનિકના સંપાદક આરિફુલ્લાહ માટે ઉર્દૂ હસ્તાક્ષરીનું મહત્ત્વ ઘણું વધારે છે. આજના ડિજીટલ યુગમાં પણ હાથેથી લખાતાં પેપરને પ્રસિદ્ધ કરવા પાછળનો તેમનો હેતુ જણાવતા તેઓ કહે છે કે, “ ‘ધ મુસલમાન’એ સંપૂર્ણપણે ઉર્દૂ હસ્તાક્ષરી પર નિર્ભર કરતું દૈનિક છે અને પ્રત્યેક વ્યક્તિ એની હસ્તાક્ષરીથી આકર્ષિત થાય છે. જો અમે પણ કમ્પ્યુટરનો જ ઉપયોગ શરૂ કરી દઈશું, તો પછી અમારા અને બીજા પેપરમાં તફાવત શું રહેશે?” આ સાથે જ તેઓ ઉમેરે છે કે, “કેલિગ્રાફી એ અમારા દૈનિકનું હાર્દ છે. જો તમે અમારા હૃદયને જ બહાર કાઢવા કહેશો તો પછી ‘ધ મુસલમાન’માં બીજું કશું જ બાકી નહીં રહે.”

No comments:

Post a Comment