Monday, February 3, 2014

ઝૂઝજે એકલ બાંહે હો માનવી ના લેજે વિસામો



“મૃત્યુ એ એક ઉજવણી છે. ઈશ્વરનો શાશ્વત આશીર્વાદ એટલે મૃત્યુ. શરીર રહી જાય છે અને તેની અંદરનું પ્રાણપંખી તેમાંથી બહાર નીકળી ઊડી જાય છે. આથી જ્યાં સુધી એ પ્રાણપંખેરું ઊડી ન જાય ત્યાં સુધી વ્યથાને તમારા સુધી પહોંચવા ન દો.” મૃત્યુને આ રીતે વ્યાખ્યાયિત કરનાર આપણા ‘બાપુ’ના આ શબ્દો આજે પણ વાંચતી વેળાએ શરીરમાં એક ઝણઝણાટી ઉત્પન્ન કરી દે છે. 

આજે ગાંધીજીના નિર્વાણને લગભગ ૬૫જેટલા વર્ષ વીતી ગયા છે અને આજે પણ આપણા દેશમાં‘ગાંધીગીરી’ની છૂટી છવાયેલી અસર અનુભવાતી રહે છે અને તેથી જ ઈતિહાસના એ પાનાંઓ જ્યારે કોઈ ફરીથી ઉથલાવી તેમાંના કેટલાક સત્યો આપણી સમક્ષ મૂકે ત્યારે હૃદય ફરી એ જ યુગમાં જતું રહે છે અને ફરીથી ગાંધી-સરદાર-નહેરુના કેટલાક અજાણ્યા કિસ્સાઓ જાણવા મન આતુર બની રહે છે. આવી જ કંઈક રસપ્રદ માહિતી ધરાવતુંપ્રમોદ કપૂર લિખિત પુસ્તક‘માય એક્સપરિમેન્ટ વિથ ગાંધી’ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. બે વર્ષના ગહન અભ્યાસ બાદ પ્રમોદ કપૂરે આ પુસ્તકમાં ગાંધીજીની આત્મકથાના અંશોનું પુનરાવર્તન કર્યું નથી, પરંતુવર્ષ ૧૯૨૧થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં તેમના જીવનમાં ઘટેલી મહત્ત્વની ઘટનાઓને રસપ્રદ શૈલીમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પુસ્તકમાં તેમના અંગત જીવનની વાતોથી લઈને મીઠા માટે કરવામાં આવેલા જાણીતા સત્યાગ્રહ અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વિશેના કિસ્સાઓને પણ વર્ણવ્યા છે. પ્રમોદ કપૂરે૩૦મી જાન્યુઆરી એટલે કે ગાંધીજીના નિર્વાણદિન નિમિત્તે આ પુસ્તકનું પહેલું પ્રકરણ ‘ધ ફાયનલ અવર્સ’ પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં ગાંધીજીને પોતાના મૃત્યુનો આભાસ હોય એવી અનેક વાતો તેમણે રજૂ કરી છે. જાણીતા મેગેઝિન ‘આઉટલુક’માં છપાયેલા આ પ્રકરણના અંશોમાંથી કેટલીક વાતો અહીં વીણી લેવાઈ છે, જે મૃત્યુ પહેલાની ગાંધીજીની મનઃસ્થિતિને બખૂબી છતી કરે છે. 

ગાંધીજી ઘણીવાર પોતાની ૧૨૫ વર્ષના દીર્ઘાયુષની ઈચ્છા વિશે વાત કરતાં જાણાયા છે, પરંતુ સ્વાતંત્રતા પછી ભારત-પાકિસ્તાનના ભાગલા અને દેશમાં જે કોમી અરાજકતા ફેલાઈ હતી તે જોઈને તેમની લાંબા આયુષ્ય માટેની ઝંખના ઝાંખી થઈ ગઈ હતી. તેમના મૃત્યુના આગલા દિવસે એટલે કે ૨૯મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ‘લાઈફ’ મેગેઝિનની જાણીતી અમેરિકન ફોટોગ્રાફર માર્ગારેટ બર્ક-વ્હાઈટે ગાંધીજીના ઈન્ટરવ્યુ દરમિયાન ‘શું તમે હજી પણ ૧૨૫ વર્ષ જીવવાની ઈચ્છા રાખો છો?’ એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ગાંધીજીએ જવાબ આપતા કહ્યું હતું કે, “મારી આસપાસ બનતી ભયંકર ઘટનાઓને કારણે મેં એવી આશા રાખવાની છોડી દીધી છે. મારે અંધકારમાં જીવન નથી પસાર કરવું.” પોતાના મૃત્યુ વિશેની આગોતરી માહિતી કે પછી આત્માની ખરા અર્થમાં પવિત્રતા, જે ગણીએ એ, આવી અનેક વાતોનો આ પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના આધારે ગાંધીજીને તેમના મૃત્યુનો અણસાર હોવાની વાતને પુષ્ટિ મળે છે. 

આ ઘટનાના થોડા સમય બાદ બન્નુ(હાલના પાકિસ્તાનનો એક તાલુકો) વિસ્તારના કેટલાક ગ્રામ્યજનો ગાંધીજીને મળવા આવ્યા હતા. આ ગ્રામ્યજનો કોમી હિંસાનો ભોગ બન્યાં હતાં અને તેથી તેઓ ઘરબાર વિના રઝળી રહ્યા હતા. તે પૈકીની એક વ્યક્તિએ ઉશ્કેરાઈને પોતાનો ક્રોધ ગાંધીજી પર ઠાલવતાં કહ્યું હતું કે, “તમે પૂરતી અરાજકતા ફેલાવી ચૂક્યા છો અને તમે અમને સંપૂર્ણ બરબાદ પણ કરી દીધા છે. તો હવે અમને એકલા છોડી દો અને હિમાલય પર રહેવા જતા રહો.” એક અજાણ નિરાશ્રિતના આટલા કઠોર શબ્દોએ ગાંધીજીને હચમચાવી દીધા હતા. આ શબ્દોના પડઘા આખા દિવસ તેમના કાનોમાં ગૂંજી રહ્યા અને સાંજે આરતી વેળાએ તેમણે પોતાની પૌત્રી મનુબહેનને કહ્યું હતું, “લોકોની આ કરૂણ ચીખો ઈશ્વરના અવાજ સમાન છે. આ અવાજને મૃત્યુના એક સંદેશા તરીકે લે.” ગાંધીજીએ એ દિવસે પ્રાર્થના સભામાં પણ લોકોને સંબોધતા કહ્યું હતું કે, “ઈશ્વરની જેવી ઈચ્છા હતી એ પ્રમાણે મેં મારું કાર્ય કર્યું છે. ભગવાન પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે કાર્ય કરે છે. આથી એ હવે મને મૃત્યુ પણ આપી શકે છે. વળી, હિમાલયમાં મને શાંતિ નહીં મળે. દેશમાં ફેલાયેલી અરાજકતા અને માનસિક તાણ વચ્ચે જ મારે શાંતિની શોધ કરવી છે અથવા તો એમાં મૃત્યુ પામવું છે.”

સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બનવાની મનોમંથન-પ્રક્રિયા હોય કે પછી માનવરૂપે જન્મેલા ઈશ્વરના દેહત્યાગની અંતિમ વેળા હોય, તમામ મહાપુરુષોએ પોતાના જીવનના અંતિમ ક્ષણ સુધી પોતાની અનંત દિવ્યતાનો પરચો આપણને કરાવ્યો છે. ગાંધીજી પણ પોતાના મૃત્યુના એક દિવસ પહેલા જાણે કે એ સત્યને જાણી ચૂક્યા હોય એમ અનેક ઘટનાઓમાં પોતાના મૃત્યુને સાંકળી લેતા હતા. ઉપવાસ અને દેશની પરિસ્થિતિને લઈને સતત ચિંતિત રહેતા ગાંધીજી અશક્ત રહેતા અને એવામાં તેઓ કફથી પણ પીડાતા હતા. જ્યારે તેમને આ કફની સારવાર માટે દવા આપવામાં આવી ત્યારે ગુસ્સામાં તેઓ કહેવા લાગ્યા, “જો હું કોઈ બીમારી કે પછી એક સામાન્ય ખીલને કારણે મરી જાઉં તો ઘરની છત પર ઊભા રહીને તમે દુનિયાને કહેજો કે હું એક મિથ્યા મહાત્મા હતો, તો જ મારી આત્માને- એ જ્યાં હશે ત્યાં- શાંતિ મળશે. પરંતુ જો કોઈ ધડાકો થાય અથવા કોઈ નિષ્ઠુરતાથી મારી ખુલ્લી છાતીને ગોળીથી વીંધી નાખે અને મારા મુખે ‘રામ’નું નામ હોય તો તમે મને સાચા મહાત્મા તરીકે સ્વીકારજો.” આ સિવાય પણ તેમના ‘વોકિંગ સ્ટીક’ તરીકે જાણીતા મનુબહેન સાથેની વાતચીત દરમિયાન અથવા તો તેમને મળવા આવેલા મુલાકાતીઓના આમંત્રણના સ્વીકાર દરમિયાન વારંવાર ગાંધીજી પોતાના જીવન અંગે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા રહ્યા હોવાના કેટલાક કિસ્સાઓ પ્રમોદ કપૂરેપુસ્તકના આ પ્રથમ પ્રકરણમાં આલેખ્યા છે. 

ગાંધીજીના મૃત્યુ પહેલાના કેટલાક કલાકો...

૩૦, જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજી આસપાસના ગાઢ અંધકાર અને સરદાર તથા નહેરુ વચ્ચે ચાલતા અણબનાવ અને કોંગ્રેસની પરિસ્થિતિ વિશે ચિંતિત હોવાથી વહેલી પરોઢે ૩:૩૦ વાગ્યે ઊઠી ગયા હતા. સવારના લગભગ ૩:૪૫ વાગ્યે અચાનક તેમણે ગુજરાતી ભજન “થાકે ના થાકે છતાંયે હો માનવી ના લેજે વિસામો, ને ઝૂઝજે એકલ બાંહે હો માનવી ના લેજે વિસામો”ની સ્તુતિ કરવાની ઈચ્છા વ્યક્ત કરીહતી.

તેના થોડા સમય બાદ ગાંધીજી કોંગ્રેસના બંધારણ અંગેના ડ્રાફ્ટ માટેનું કાર્ય કરી રહ્યા હતા, જે તેમણે આગલી રાત્રે શરૂ કર્યું હતું. દેશની ઉન્નતિ માટે તેમનું આ કદાચ અંતિમ દસ્તાવેજી કાર્ય હતું અને કદાચ તેમણે લખેલા અંતિમ શબ્દો પણ આ જ દસ્તાવેજમાં સંગ્રહાયેલા છે. 

એક બાજુ ગાંધીજી દેશ માટે મહત્ત્વના દસ્તાવેજોનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ નથુરામ ગોડસે પોતાનું વસિયતનામું બનાવી રહ્યો હતો. તેણે તેના એક સાથી મિત્ર નારાયણ આપ્ટેને સંબોધતો પત્ર લખ્યો હતો, “મારા મનમાં ગુસ્સો એની ચરમસીમાએ છે. આ રાજકીય વાતાવરણમાં અન્ય કોઈ વિશ્વાસપાત્ર ઉપાય મળી આવવો તદ્દન અશક્ય છે અને આ જ કારણે મેં મારી જાતને આ અંતિમ પગલા માટે તૈયાર કર્યો છે. સ્વાભાવિક રીતે જ તને એક કે બે દિવસમાં આ વિશેની જાણ થઈ જશે. કોઈના પર પણ આધાર રાખ્યા વિના મારે જે કરવું છે તે કરવાનો મેં નિર્ણય લઈ લીધો છે.” ગાંધીજીની સમયચુસ્તતાએ નથુરામ ગોડસેના આ કાર્યને વધુ સરળ બનાવી દીધુ હતું.

સવારના ૮ વાગ્યે મસાજના સમયે તેમણે કોંગ્રેસના બંધારણીય દસ્તાવેજના ડ્રાફ્ટમાં છેલ્લી ઘડીએ થોડોક સુધારો કરી તે દસ્તાવેજને પોતાના સેક્રેટરી પ્યારેલાલને હવાલે કર્યો હતો. ત્યારબાદ રોજના નિત્યક્રમ પ્રમાણે તેમણે પોતાની ભત્રીજી આભા પાસેથી બંગાળી ભાષા શીખવાની તાલીમ લીધી હતી અને એ સાથે જ તેમણે પૂરતી માત્રામાં તેમનો સવારનો નાસ્તો પણ કર્યો હતો. 

ત્યારબાદ થોડો સમય આરામ કર્યા પછી તેઓ જાતે ઊઠીને બાઠરૂમ તરફ ચાલવા લાગ્યા. હંમેશાં મનુના સહારે ચાલતા ગાંધીજીનું આ વર્તન તેના માટે આ થોડું વિચિત્ર હતું. આથી તેણે ગાંધીજીને પૂછ્યું, “બાપુ, તમે આમ કેમ કરો છો?” ત્યારે ગાંધીજીએ વળતા જવાબમાં રવિન્દ્રનાથ ટાગોરની ‘એકલા ચાલો, એકલા ચાલો’ પંક્તિઓ ઉલ્લેખી હતી. 

ત્યારબાદ બપોરના ૧:૩૦ વાગ્યાથીતેમણે પોતાની રોજિંદી દિનચર્યાની સાથે ફ્રેન્ચની જાણીતી ફોટોગ્રાફર હેન્રી કાર્ટયર બ્રેસન સાથે મુલાકાતલીધી હતી. આ ફોટોગ્રાફર ગાંધીજીના ફોટોગ્રાફ્સનું એક આલ્બમ તેની સાથે ભેટસ્વરૂપે લાવી હતી.

૪ વાગ્યે ગાંધીજીની સરદાર પટેલ સાથે અત્યંત મહત્ત્વની મિટિંગ હતી. નહેરુ અને સરદાર વચ્ચે ચાલતા અણબનાવોનું નિરાકરણ લાવવું દેશ માટે ખૂબ જરૂરી હતું. શરૂઆતમાં ગાંધીજી માનતા હતા કે નહેરુ કે સરદાર બેમાંથી એક વ્યક્તિનું કેબિનેટમાંથી નીકળવું દેશના સુવ્યવસ્થિત શાસન માટે જરૂરી છે, પરંતુ બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે દેશમાં ઉત્તમ વહીવટ કરવા માટે સરદાર અને નહેરુ બંનેની હાજરી જરૂરી છે. અલબત્ત, પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયાની સહાય કરવાની બાબતે ગાંધીજી અને સરદાર વચ્ચે કેટલોક મતભેદ થયો હતો અને આથી ગાંધીજી માટે સરદાર સાથેની આ મિટિંગ વધુ મહત્ત્વ ધરાવતી હતી. 

સરદાર અને ગાંધીજી વચ્ચે એટલી ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી કે સમયચુસ્ત ગાંધીજીને પાંચ વાગ્યાની પ્રાર્થના માટેનો ખ્યાલ પણ નહોતો રહ્યો. છેવટે સરદાર પટેલની પુત્રી મણીબહેને હિંમત કરીને તેમની ચર્ચા અટકાવી અને પ્રાર્થનાનો સમય થયો હોવાની જાણ ગાંધીજીને કરી હતી. 

૫:૧૦ સુધી સરદાર સાથે મિટિંગમાં વ્યસ્ત ગાંધીજી પ્રાર્થના સભામાં ઝડપથી પહોંચવા માટે સામાન્ય કરતાં ઘણી વધુ ઝડપે ચાલી રહ્યા હતા અને ત્યાં જ ગોડસે બે હાથ જોડી તેમને નમન કરવા તેમની સામે આવી ઊભો રહ્યો. ગાંધીજીએ એને આવકાર આપ્યો અને હજી કોઈ કંઈ પણ સમજી શકે એ પહેલા નથુરામે ત્રણ ગોળી સીધી ગાંધીજીની છાતી પર ઝીંકી દીધી ને ‘હે રામ’ના અંતિમ શબ્દો સાથે ગાંધીજીએ અંતિમ વિદાય લીધી. આ સાથે જ ગાંધીજીની તૂટી ગયેલી પોકેટ ઘડિયાળ સાંજના ૫:૧૭ પર સ્થિર થઈ ગઈ હતી. 

   4 ફેબ્રુઆરી, 2014ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment