Tuesday, February 11, 2014

વૈવિધ્યપૂર્ણ કળાનો અનોખો મેળાવડો


 વિશ્વભરમાં કળા, નૃત્ય અને સાહિત્યના અવનવા તહેવારો અને નીતનવા પ્રયોગો વિશે આપણે વારંવાર વાંચતા જ હોઈએ છીએ. જુદી જુદી થીમ પર દિવસો સુધી લોકો જાણે મન મૂકીને પોતાની કળાને કોઈ નવા જ સ્વરૂપે દુનિયા સમક્ષ રજૂ કરતા હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં એવી માન્યતા છે કે આપણા દેશમાં કળા અને સાહિત્યના આવા મેળાવડાને મળવું જોઈએ એટલું મહત્ત્વ અપાતું નથી, કારણે કે આપણા દેશમાં આર્ટને વ્યવસાય તરીકે નહીં, માત્ર એકશોખની દૃષ્ટિએ જોવામાં આવે છે. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં પણ સતત ૯ સુધી કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય જેવા અનેક આર્ટિસ્ટ ફિલ્ડને સમાવતા એક અદભુત ફેસ્ટિવલની ઉજવણી છેલ્લા ૧૫ વર્ષથી થઈ રહી છે, જે ‘કાલા ઘોડા’ ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે. 

 ઉત્તર મુંબઈમાં કાલા ઘોડા નામનો ઐતિહાસિક ગણાવી શકાય એવો એક સુંદર વિસ્તાર આવેલો છે. આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા એટલે કે ૧૯૯૯માં આ અનોખા ફેસ્ટિવલની ઉજવણીની શરૂઆત થઈ હતી. ફેસ્ટિવલનો કોન્સેપ્ટ જેટલો નવો અને સુંદર છે એટલું જ અદભુત આ ફેસ્ટિવલનું લોકેશન છે. વાસ્તવમાં અર્ધચંદ્રાકાર આકારના આ કાલા ઘોડા વિસ્તારમાં સૌથી વધુ સંખ્યામાં મુંબઈ શહેરની હેરિટેજ બિલ્ડિંગ્સ આવેલી છે. આ ઉપરાંત, અહીં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, શૈક્ષણિક સંસ્થાઓ અને બુટિક્સ આવેલા છે. હવે જ્યારે કળા અને સાહિત્યનું આવું અનોખું વાતાવરણ પહેલેથી જ તૈયાર હોય ત્યારે ત્યાં ઉજવાતા ફેસ્ટિવલની ભવ્યતા કેટલી વિશાળ હશે તેનો અંદાજ તમે લગાવી શકો!

દર વર્ષે આ ફેસ્ટિવલ ફેબ્રુઆરીના પહેલા શનિવારથી લઈને બીજા અઠવાડિયાના રવિવાર સુધી યોજવામાં આવે છે. આ વર્ષે પણ ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધી આ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી. ‘કાલા ઘોડા એસોસિએશન’ નામની સ્વૈચ્છિક સંસ્થા આ ફેસ્ટિવલનું આયોજન કરે છે. કળા જગતના આ મેળાવડા પાછળનો હેતુ એકદમ સામાન્ય છે, મુંબઈના વર્ષો જૂના વારસાના પ્રતીક સમા બાંધકામની જાળવણી કરવી તેમજ એક જ સ્થળે વિવિધ કલ્ચરની અભૂતપૂર્વ કૃતિઓને સામેલ કરી લોકોમાં કળા પ્રત્યે જાગૃતિ ફેલાવવી. આ ઉપરાંત, એવા કેટલાય કલાકારો છે જેમની આવડત સારી તકોની રાહ જોવામાં વ્યર્થ જતી હોય છે. આથી આ ફેસ્ટિવલ એવા કલાકારોને પણ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ફેસ્ટિવલમાંથી જે ફંડ મળતો હોય છે, તેને આ વિસ્તારની ઐતિહાસિક ગણાતી બિલ્ડિંગ્સના સમારકામમાં અને આખા વિસ્તારની જાળવણી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હિંદુસ્તાન ટાઈમ્સ સાથે મળીને આ વર્ષે કાલા ઘોડા ફેસ્ટિવલને દર વર્ષ કરતાં વધુ મોટો અને ભવ્ય બનાવવામાં આવ્યો હતો. વધુ મહત્ત્વની વાત તો એ છે કે કળાના આ વિશાળ મહોત્સવમાં જ્યાં નવ દિવસમાં લગભગ ૩૫૦થી પણ વધુ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ફેસ્ટિવલમાં સામેલ થવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નહોતી. આશરે ૧,૫૦,૦૦૦ કરતાં પણ વધુ લોકો આ ફેસ્ટિવલનો ભાગ બન્યા હતા. 

કાલા ઘોડા ફેસ્ટિવલમાં મુખ્યત્વે વિઝ્યુઅલ આર્ટ, સંગીત, થિયેટર, નૃત્ય, સ્ટ્રીટ એક્ટ્સ, હેરિટેજ વોક, સાહિત્યિક કાર્યક્રમો તથા અનેક વર્કશોપ યોજવામાં આવતા હોય છે. વળી, બાળકો માટે પણ ખાસ ઈવેન્ટ્સ ડિઝાઈન કરવામાં આવી હોય છે, જેની મદદથી તેમની આસપાસ એક ક્રિએટિવ વાતાવરણ ઊભું કરી શકાય. ટૂંકમાં, આ એક એવો ફેસ્ટિવલ છે જ્યાં તમે કળાના વિવિધ સ્વરૂપોને ભરપૂર માત્રામાં નવ દિવસો સુધી માણી શકો અને સાથે જ વિશ્વભરના જાણીતા કલાકારોને પ્રત્યક્ષ નિહાળી, તેમની સાથેના સંવાદોનો એક ભાગ પણ બની શકો. દર વર્ષે જુદી જુદી થીમ પર આ આખા તહેવારની ઉજવણી થતી હોય છે, જેમાં આ વર્ષે ‘મોમેન્ટમ’ થીમ પસંદ કરવામાં આવી હતી. હકીકતમાં આ ફેસ્ટિવલનો વ્યાપ દર વર્ષે મોટો થતો જાય છે. આથી તેની સફળતાની ઉજવણીરૂપે આ વર્ષે ‘મોમેન્ટમ’ થીમ રાખવામાં આવી હતી.

ફ્લેશ ફોરવર્ડ

કળાના આટલા મોટા મહોત્સવમાં સિનેમાને સમાવવીયોગ્યછે?- એવો પ્રશ્ન આપણને સ્વાભાવિક રીતે થાય, પરંતુ હકીકત તો એ છે કે આજના ઈલેક્ટ્રોનિક યુગમાં ફિલ્મોએ પોતાનો સંદેશો દુનિયા સુધી પહોંચાડવાનું સૌથી અસરકારક માધ્યમ બની ગયું છે અને તેથી જ કળાનો આ મેળાવડો સિનેમા વિના અધૂરો છે. આ વર્ષે આ ફેસ્ટિવલમાં જુદા જુદા સમયની અને વિવિધ પ્રકારની અનેક ફિલ્મો દર્શાવવામાં આવી હતી. આથી જ સિનેમા માટે ‘ફ્લેશ ફોરવર્ડ’ થીમ રાખવામાં આવી હતી. અહીં નેશનલ એવોર્ડ જીતેલી મરાઠી ફિલ્મ ‘દેઓલ’(૨૦૧૧), ભારતની સૌ પ્રથમ ઝોમ્બી કોમેડી ‘ગો ગોઆ ગોન’(૨૦૧૩), ગુરુ દત્તના જીવન પર આધારિત ફિલ્મ ‘ઈન સર્ચ ઓફ ગુરુદત્ત’(૧૯૮૯), ૨૦૧૩ના કાન્સ ફેસ્ટિવલમાં છવાયેલી ફિલ્મ ‘ધ લંચબોક્સ’ તથા પ્રકૃતિપ્રેમી માટે ‘આફ્રિકન કેટ્સ’ જેવી અનેક ફિલ્મોનો લોકોએ લહાવો લીધો હતો. વળી, રાજકુમાર સંતોષીની કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ ‘અંદાઝ અપના અપના’નું પણ પુન:સ્ક્રિંનિંગ કરવામાં આવ્યું હતું. વળી, ‘ઈન સર્ચ ઓફ ગુરુ દત્ત’ના ડિરેક્ટર નસરીન મુન્ની કબીર અને ડિરેક્ટર કબીર ખાન સાથે એક પ્રશ્નોત્તરી સેશન પણ ગોઠવવામાં આવ્યો હતો. 

ક્રેસકેન્ડો

સામાન્ય રીતે ગીતના મ્યુઝિકમાં થતાં ક્રમશઃ વધારાને ક્રેસકેન્ડો કહેવાય છે. આ પ્રકારની મ્યુઝિકલ થીમને આધારે કાલા ઘોડા ફેસ્ટિવલમાં સંગીતના અનેક ઉત્કૃષ્ટ નમૂના રજૂ કરવામાં આવ્યા હતા. સંગીતના અલગ અલગ પ્રકારમાં પ્રયોગશીલતા દાખવી ઘણાં જાણીતા કલાકારો દ્વારા કર્ણપ્રિય સંગીત રેલાયું હતું. પરક્યુશનિસ્ટ(એક પ્રકારના ડ્રમવાદક) સ્વરૂપા અનન્થ અને વાંસળીવાદક શ્રીરામ સંપથે એક અનોખા ફ્યુઝનનું મોહક પરફોર્મન્સ રજૂ કર્યું હતું. આ સાથે જ ફરહાન અખ્તર અને નિખિલ ડિસુઝાએ પણ એક ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. સૌથી વધુ ધ્યાન તો રાજસ્થાનના જેસલમેરમાંથી આવેલા મેરસી(સંગીતકારો)એ ખેચ્યું હતું. આ સંગીતકારોને માંગણીયાર(ભિખારી) ગણી તેમની સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવતો. તેમને શિક્ષણ, તબીબી સારવાર જેવી પાયાની સગવડો પણ પૂરી પાડવામાં આવતી નહોતી. આથી આ ફેસ્ટિવલમાં તેમને સામેલ કરી સમાજમાં સમાનતાનો એક અનોખો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. છેલ્લી ૩૮ પેઢીથીપોતાના સંગીતના વારસાને જાળવી રાખનાર આ રાજસ્થાની સંગીતકારોએ લોકસંગીતનો અદભુત નમૂનો રજૂ કર્યો હતો.આ ઉપરાંત, ૭ માર્ચે રીલિઝ થનારી ફિલ્મ ‘ક્વીન’નું સંગીત પણ ઓફિશિયલી આ ફેસ્ટિવલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના સંગીતકાર અમિત ત્રિવેદીએ આ માટે ખાસ પરફોર્મન્સ પણ આપ્યું હતું.

વ્હાય ડોન્ટ યુ રાઈટ મી

કાલા ઘોડા ફેસ્ટિવલની સાહિત્યિક સફરમાં સાહિત્યપ્રેમીઓ માટે ઘણાં આકર્ષણો રાખવામાં આવ્યા હતા. લોકો પોતાના પ્રિય કવિ, નાટ્યકાર, નવલકથાકાર, કોલમિસ્ટને મળી શકે એ માટે ખાસ વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો. પેનલ ડિસ્કશનની સાથે ઘણા ઉપયોગી વર્કશોપપણ યોજી સાહિત્ય વિશે લોકોમાં સમજ કેળવવામાં આવી હતી. ‘વ્હાય ડોન્ટ યુ રાઈટ મી’ની થીમ પર ઉજવાયેલા આ સાહિત્યના કાર્યક્રમોમાં ‘ક્રોનિકલ ઓફ અ કોર્પ્સ બેરર’ના લેખક સાયરસ મિસ્ત્રી, ‘ધ બેટલ ફોર અફઘાનિસ્તાન’ના લેખક વિલિયમ દાલરિમ્પલ, ફોટોજર્નલિસ્ટ ટી.એસ. નાગ્રાજન તથા આર્કિટેક્ટ બ્રિન્દા સોમાયા અને ફોટોગ્રાફર કેતકી શેઠ જેવા જુદા જુદા ક્ષેત્રના અનેક દિગ્ગજોએ પોતાની વાતો લોકો સુધી પહોંચાડી હતી.

મૂવિંગ ઈમેજીસ

વિઝ્યુઅલ આર્ટ એક એવું માધ્યમ છે, જેના થકી તમે લોકોને ખૂબ સરળતાથી આકર્ષી શકો છો. ‘મૂવિંગ આર્ટ’ના થીમ પર રજૂ કરાયેલી આર્ટિસ્ટિક કૃતિઓએ આ વખતે કાલા ઘોડા ફેસ્ટિવલમાં આર્ટને એક નવી જ ભાષા આપી હતી. ઈન્સ્ટોલેશન આર્ટ તરીકે જાણીતી કળાના એક પ્રકારમાં ગર્ભવતી મહિલાની રજૂ થયેલી કૃતિએ આ વર્ષે ફેસ્ટિવલમાં સૌનું ધ્યાન ખેચ્યું હતું. એક ગર્ભવતી સ્ત્રીની ગ્લાસમાં કંડારાયેલી કૃતિમાં એ સ્ત્રીના ગર્ભમાં એક ફિશ પોન્ડ બતાવવામાં આવ્યો હતો. આ ઈન્સ્ટોલેશન આર્ટના સર્જક અંકુર પટેલનો હેતુ મહિલાઓના ગર્ભમાં છોકરો છે કે છોકરી એ માટે તપાસ કરાવવા તેમની પર જે દબાણ કરવામાં આવે છે તે સમાજ સમક્ષ રજૂ કરવાનો અને એ સ્ત્રી જે પીડામાંથી પસાર થાય છે તેને આર્ટ થકી પ્રતિબિંબિત કરવાનો હતો. બાળકની જાતિની ચિંતા કર્યા વગર દરેક જીવનું સન્માન કરવું જોઈએ એવું અંકુર માને છે. 




આ ઉપરાંત, મુંબઈની હેરિટેજ સાઈટ્સ અને તેની વાસ્તવિક સુંદરતાને નિહાળવા હેરિટેજ ટૂરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જાણીતા આર્કિટેક્ટ્સની સાથે વાર્તાલાપ અને પેનલ ડિસ્કશન દ્વારા આ ક્ષેત્રમાં રસ ધરાવતા નવોદિતોને ઘણા મહત્ત્વના મુદ્દાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. બાળકો માટે પણ ‘મિની મોમેન્ટમ’ થીમના આધારે ક્લે વર્કશોપ, રાઈટિંગ વર્કશોપ, સ્ટોરી ટેલિંગ, પપેટ શો વગેરે જેવા રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 


ક્રિએટિવિટીને એક અલગ જ સ્તર પર લઈ જનારા આ પ્રકારના તહેવારો આપણા દેશમાં વધુ ને વધુ ઉજવાતા રહે એ માત્ર કળાજગત માટે જ નહીં, પરંતુ લોકોના જીવનમાં પણ પરિવર્તનો લાવવા માટે પાયારૂપ બની રહે છે. છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં પણ કલાકારોના આ મેળવડાને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે, જે કલાકારોની ઉન્નતિ એક નવી દિશા સૂચવે છે.

૧૧ ફેબ્રુઆરી, 2014ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment